Home Blog Page 586

ભારતે UNમાં પાકિસ્તાનને આડે હાથ લીધું

ન્યુ યોર્કઃ ભારતે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાનને તેની હદ બતાવી દીધી. UNમાં ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતાં આરોપ મૂક્યો હતો કે ઈસ્લામાબાદ પોતાના જ લોકો પર બોમ્બમારી કરી રહ્યું છે અને નવી દિલ્હીને નિરાધાર આરોપોથી ઘેરવા માટે આ મંચનો દુરુપયોગ કરી રહ્યું છે.

 ભારતની પ્રતિક્રિયા

ભારતની આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાની વાયુસેનાએ ખૈબર પખ્તુનખ્વાના તિરાહ ખીણમાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયાં હતાં. સોશિયલ મિડિયા પર આ વિસ્તારના વિડિયો સામે આવ્યા છે, જેમાં રસ્તાઓ પર કાટમાળ પડેલો દેખાય છે, વાહનો સળગેલાં છે અને ધરાશાયી ઇમારતોમાંથી મૃતદેહો મળી રહ્યા છે.

UNમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું

UN માનવાધિકાર પરિષદના સત્ર દરમિયાન  બોલતાં 2012 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી અને રાજદૂત ક્ષિતિજ ત્યાગીએ કહ્યું હતું કે પાકિસ્તાનનું  પ્રતિનિધિમંડળ આ મંચનો દુરુપયોગ ભારત સામે નિરાધાર અને ઉશ્કેરણીજનક નિવેદનો માટે કરતું રહે છે.

તેમણે કહ્યું હતું કે અમારા પ્રદેશ પર લોભ રાખવાને બદલે, તેમને પોતાના ગેરકાયદે કબજાવાળા ભારતીય પ્રદેશને ખાલી કરવો જોઈએ અને જીવલેણ સહાય પર આધારિત અર્થતંત્ર, સૈન્યના પ્રભુત્વથી દબાયેલા રાજકારણ અને દમનથી દાગદાર માનવાધિકાર રેકોર્ડને બચાવવા પર ધ્યાન આપવું જોઈએ. એ કદાચ પછી, જ્યારે તેઓ આતંકવાદની નિકાસ કરવાથી, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય આપવાથી અને પોતાના જ લોકો પર બોમ્બમારી કરવાથી ફુરસદ મેળવે.

ખૈબર પખ્તૂનખ્વામાં શું થયું?

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની તિરાહ ખીણમાં થયેલા વિસ્ફોટમાં લગભગ 24 લોકોનાં મોત થયાં, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. અહેવાલ અનુસાર પાકિસ્તાની વાયુસેનાના (PAF) વિમાનો દ્વારા કરાયેલા હવાઈ હુમલાઓમાં આ મોત થયાં હતાં.

 

 

સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર યૌન ઉત્પીડન કેસ નોંધાયો

નવી દિલ્હી: નવી દિલ્હીના એક નામી આશ્રમમાં ચાલતા ગંદા ખેલનો પર્દાફાશ થયો છે. ત્યાં અભ્યાસ કરતી 17 યુવતીઓએ પોલીસ સમક્ષ ત્યાં થતી ગંદી હરકતોનો ખુલાસો કરતાં જ આશ્રમ ચલાવનાર સ્વામી ચૈતન્યાનંદ ભાગી ગયો છે. હકીકતમાં, મેનેજમેન્ટ કોર્સની અભ્યાસ કરતી 17 વિદ્યાર્થીનીઓએ સંચાલક ચૈતન્યાનંદ પર છેડછાડના ગંભીર આરોપ લગાવ્યા છે. શૃંગેરી મઠ અને તેની સંપત્તિના પ્રશાસક પી.એ. મુરલીની ફરિયાદ પર સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે BNS ની અનેક કલમોમાં યૌન શોષણનો કેસ નોંધાયો છે. આ મામલો દિલ્હીના પોશ વિસ્તારમાં વસંત કુજના એક જાણીતા આશ્રમનો છે.

આ ફરિયાદ મળ્યા બાદ વસંત કુંજ (ઉત્તર) પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો અને આરોપોની તપાસ શરૂ કરી દીધી છે. આ આશ્રમમાં બે બેચ ચાલી રહી છે, જેમાં લગભગ 35થી વધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. તેમાંની 17 વિદ્યાર્થિનીઓએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે આશ્રમ સંચાલક ચૈતન્યાનંદ સરસ્વતીએ તેમની સાથે છેડછાડ કરી છે. પોલીસે CCTV ફુટેજ જપ્ત કર્યા છે અને સંસ્થામાંથી મળેલા હાર્ડ ડિસ્કને પણ FSL તપાસ માટે મોકલી આપ્યો છે. તે જ સમયે 16 પીડિતાઓના નિવેદન પટિયાલા હાઉસ કોર્ટમાં પણ નોંધાયા છે.

આ મામલે દક્ષિણામન્ય શ્રી શારદા પીઠમ્, શ્રૃંગેરી આશ્રમે આ આરોપોને લઈને સ્પષ્ટતા કરી છે. આશ્રમે નિવેદન જાહેર કરીને કહ્યું હતું  કે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હતો. પીઠે તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. તેનું આચરણ અને પ્રવૃત્તિઓ ગેરકાયદે, અયોગ્ય અને પીઠનાં હિતો સામે હતી. એ કારણે તેના સાથે પીઠના બધા સંબંધ તોડી નાખવામાં આવ્યા છે. સ્વામી ચૈતન્યાનંદના ગેરકાયદે કાર્યો અંગે સંબંધિત અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી છે.

વોર્ડન પર આરોપ

આ વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે આશ્રમમાં કામ કરતી કેટલીક વોર્ડન તેમને આરોપી સાથે મિલાવતી હતી. તમામ પીડિત વિદ્યાર્થિનીઓના નિવેદન અદાલતમાં કલમ 164 CrPC હેઠળ નોંધાઈ ગયા છે. તે જ સમયે, કેસ નોંધાયા બાદથી આરોપી ફરાર છે. પોલીસે તેની શોધ માટે અનેક જગ્યાએ દરોડા પાડ્યા પરંતુ અત્યાર સુધી તેનો પત્તો મળ્યો નથી.

How Amitabh Bachchan wished cinematographer Gopal Shah who completes 50 years as a cinematographer?

હવે મતદાર યાદીમાંથી નામ કાઢવું સરળ નહીં: EC

નવી દિલ્હીઃચૂંટણી પંચે ECINet પોર્ટલ અને એપ પર નવું ‘ઈ-સાઇન’ ફીચર શરૂ કર્યું છે. હવે મતદાર તરીકે નોંધણી કરાવવા કે નામ કાઢવા કે સુધારા માટે અરજી કરતા લોકોને આધાર કાર્ડ સાથે જોડાયેલા ફોન નંબરનો ઉપયોગ કરીને ઓળખની પુષ્ટિ (વેરિફિકેશન) કરાવવી પડશે. આ પગલું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ મતવિસ્તારમાં 2023ની વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણીમાં છેતરપિંડીના આક્ષેપ બાદ એક અઠવાડિયામાં જ આવ્યું છે.

ECINet પોર્ટલ પર નવું ફીચર

આ અગાઉ અરજદાર ફોન નંબર EPIC નંબર સાથે જોડીને અરજી ફોર્મ સબમિટ કરી શકતા, પણ તેની સત્યતા ચકાસાતી નહોતી. હવે ઈ-સાઇન ફીચર ફરજિયાત બન્યું છે. મંગળવારથી પોર્ટલ પર ફોર્મ સબમિટ કરતી વખતે આ વિકલ્પ જોવા મળ્યો હતો.

ફોર્મ-6 (નવા મતદાર તરીકે નોંધણી માટે), ફોર્મ-7 (નામ ઉમેરવા/કાઢવા પર આક્ષેપ માટે) અને ફોર્મ-8 (સુધારા માટે) ભરનારાઓને હવે ઈ-સાઇન પૂર્ણ કરવું પડશે. એટલે કે મતદાર ઓળખકાર્ડમાં આપેલું નામ અને આધાર કાર્ડમાં આપેલું નામ સરખું હોવું જોઈએ અને ઉપયોગમાં લેવાતો મોબાઈલ નંબર પણ આધાર સાથે જોડાયેલો હોવો જોઈએ.

ફોર્મ-7 (નામ કાઢવા કે આક્ષેપ કરવા માટે)માં અગાઉ જે વિગતો ભરવી પડતી હતી તેમાં કોઈ ફેરફાર નથી. તેમાં જેનું નામ કાઢવાનું છે અથવા જેના પર આક્ષેપ છે તેની સંપૂર્ણ વિગતો આપવી જ પડશે (કારણ: મૃત્યુ, સ્થળાંતર, ભારતીય નાગરિક ન હોવું કે 18 વર્ષથી ઓછી ઉંમર).

કેવી રીતે થશે પ્રક્રિયા?

ફોર્મ સબમિટ કર્યા બાદ અરજદારને CDAC (સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ) દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ઈ-સાઇન પોર્ટલ પર રિડાયરેક્ટ કરવામાં આવે છે. અહીં અરજદારને પોતાનો આધાર નંબર દાખલ કરવો પડે છે અને પછી એક આધાર OTP તેના મોબાઈલ પર આવે છે.

એ પછી અરજદારને આધાર આધારિત ઓથેન્ટિકેશન માટે સંમતિ આપવી પડે છે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ અરજદાર ફરીથી ECINet પોર્ટલ પર જઈને ફોર્મ સબમિટ કરી શકે છે. ઈ-સાઇન શરૂ થયા પછી આલંદ જેવી ઘટના થવાની સંભાવના ઓછી થઈ ગઈ છે.

ફરાળી વડી

આ ફરાળી વડી તૈયાર કરીને એરટાઈટ કન્ટેનરમાં પેક કરીને ફ્રીજમાં અઠવાડિયા સુધી રાખી શકો છો. જ્યારે ખાવી હોય ત્યારે તેલમાં તળીને ગરમાગરમ પીરસી શકો છો.

સામગ્રીઃ

  • સામો ½ કપ
  • સાબુદાણા 3 ટે.સ્પૂન
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર ½ કપ
  • બાફેલા બટેટા 2
  • શેકેલા શીંગદાણાનો ભૂકો 2 ટે.સ્પૂન
  • સૂકા નાળિયેરનું છીણ 2 ટે.સ્પૂન
  • તેલ
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • ઉપવાસનું મીઠું

રીતઃ સામો, સાબુદાણાનો મિક્સરમાં રવા જેવો કરકરો ભૂકો કરી લો.

એક કઢાઈમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરૂ વઘારી, લીલા મરચાં સમારીને ઉમેરી દો. ત્યારબાદ તેમાં તલ ઉમેરીને 1 કપ પાણી મેળવી દો. પાણી ઉકળે એટલે તેમાં કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ થોડું મીઠું, સમારેલી કોથમીર મેળવીને સાબુદાણા-સામાનો લોટ પણ મેળવી દો. ચમચા વડે એકસરખું હલાવતા રહો. ગેસની આંચ તેજ મધ્યમ રાખવી. આ મિશ્રણ લોટ જેવું બંધાવા આવે એટલે ગેસ બંધ કરી દો.

આ મિશ્રણમાં બાફેલું બટેટું છીણીને ઉમેરો. શીંગદાણાનો ભૂકો, નાળિયેરનું છીણ તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવી દો. તેલવાળા હાથ કરીને બધી સામગ્રી ભેગી કરી દો.

એક થાળીમાં તેલ લગાડીને આ લોટને થાપીને ફેલાવી દો. ઉપર સફેદ તલ ભભરાવી દો. ત્યારબાદ ચપ્પૂ વડે ચોસલા કરી લો. અથવા ત્રિકોણાકાર આપી દો. આ વડી એરટાઈટ કન્ટેનરમાં પેક કરીને ફ્રીજમાં અઠવાડિયા સુધી રાખી શકો છો.

ખાવાના સમયે આ વડીને ગેસની આંચ મધ્યમ રાખીને તેલમાં તળી લો.

તૈયાર વડીને લીલી ફરાળી ચટણી સાથે પીરસો.

૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫

પંચાંગ 24/09/2025

UNM ફાઉન્ડેશનના 69 તળાવોની જાળવણી માટે 6 MoU પર હસ્તાક્ષર

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશને 69 તળાવોની જાળવણી માટે 6 MoU પર હસ્તાક્ષર કર્યા. આ તળાવો અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલા છે અને કુલ ૨૦ લાખ ચોરસ મીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા છે. યુ.એન.એમ. ફાઉન્ડેશને અમદાવાદ મહાનગરપાલિકા (એ.એમ.સી.), ગાંધીનગર મહાનગરપાલિકા (જી.એમ.સી.), અમદાવાદ જિલ્લા પંચાયત, ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ નગર પાલિકા અને માણસા નગર પાલિકા સાથે આ MoU પર હસ્તાક્ષર કર્યા છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલા “સ્ટાર્ટઅપ કોન્ક્લેવ – 2025” દરમિયાન, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં, ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જીનલ મહેતાએ અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન સાથે MoUનું આદાન-પ્રદાન કર્યું.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ; ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને ન્યાય મંત્રી ઋષિકેશભાઈ પટેલ; ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત; સહકાર, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી  જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ એમ.ઓ.યુ.માં મહત્વપૂર્ણ જળસ્ત્રોતોની જાળવણી માટે યુ.એન.એમ. ફાઉન્ડેશન ભાર મૂકે છે, જેમાં કુદરતી ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરીને, શહેરી વાતાવરણમાં સુધારો કરીને અને નાગરિક સમુદાયના ગૌરવને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. નાગરિક દ્રષ્ટિકોણ અને કોર્પોરેટ જવાબદારીને એકસાથે લાવીને, આ એમ.ઓ.યુ. શહેરી વિસ્તારોમાં ઇકોલોજીકલ નવીકરણ માટે યુ.એન.એમ. ફાઉન્ડેશનની વ્યૂહરચનાને સમર્થન આપે છે અને ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ સમજુતી કરાર અંગે યુ.એન.એમ. ફાઉન્ડેશનના વાઇસ-ચેરપર્સન સપના મહેતાએ જણાવ્યું હતું કે, “આ કરાર ઇકોલોજીકલ રિન્યુઅલની દિશમાં આપણી સામૂહિક યાત્રા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ વ્યાપક સ્તર પર ઇકોલોજીકલ સિસ્ટમને આગળ વધારવાની અમારી પ્રતિતિ પહેલ અંતર્ગત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ” હવે નજીકના ભવિષ્યમાં પ્રતિતિ પહેલને મહારાષ્ટ્ર સુધી વિસ્તારવાની યોજના ચાલી રહી છે.

‘બ્રાન્ડ ઈન્ડિયા’ પર MICAના પ્રોફેસર અને IIM ઈન્દોરના પ્રોફેસરનું પુસ્તક

અમદાવાદ: ‘બ્રાન્ડ ઈન્ડિયા: અનફોલ્ડિંગ ગ્લોબલ નેરેટિવ્સ વિથ ભારત વિકાસ’ શીર્ષકવાળા પુસ્તકનું નવી દિલ્હીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું. IIM ઈન્દોરના ડિરેક્ટર પ્રો. હિમાંશુ રાય અને MICAના પ્રોફેસર પ્રો. વર્ષા જૈન દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં NBTના ડિરેક્ટર યુવરાજ મલિક, NBTના ચીફ એડિટર અને જોઈન્ટ ડિરેક્ટર કુમાર વિક્રમ, રાજ્યસભા સાંસદ રેખા શર્મા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત, આ પુસ્તક ભારતની વિકસતી ઓળખને તેના ઇતિહાસ, સંસ્કૃતિ, સુધારાઓ અને નવીનતાઓને એકસાથે ગૂંથીને 21મી સદીમાં બ્રાન્ડ ઇન્ડિયાની વાત રજૂ કરે છે. પુસ્તકમાં સિંધુ ખીણથી લઈને આજની ડિજિટલ ક્રાંતિ સુધીની ભારતની સફરને દર્શાવે છે. જેમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાન, પરંપરા અને નવીનતા, સ્થિતિસ્થાપકતા અને સુધારાને એકસાથે વણવામાં આવ્યા છે.

પુસ્તક વિશે વાત કરતા, પ્રો. વર્ષા જૈને (AGK ચેર પ્રોફેસર ઓફ માર્કેટિંગ અને MICA ખાતે ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન્સમાં પ્રોફેસર) જણાવ્યું, “આ પુસ્તક ભારતના વિકાસને કેદ કરવાનો અમારો પ્રયાસ છે, એક એવો રાષ્ટ્ર જે વારસાને નવીનતા સાથે આધુનિકતા અને આધ્યાત્મિકતા સાથે સીમલેસ રીતે વણાટ કરે છે. આ પુસ્તક ચાર વર્ષના સંશોધન અને સહયોગનું પરિણામ છે, જે ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય માટેની આકાંક્ષાઓના વર્ણનોને એકસાથે લાવે છે.”MICA ખાતે માર્કેટિંગ, કોમ્યુનિકેશન્સ અને પબ્લિક અફેર્સનાં એસોસિયેટ ડીન પ્રો. રુચિ તિવારીએ જણાવ્યું હતું કે, “MICA ખાતે સંશોધનને ખૂબ જ મોટો ટેકો મળે છે અને તે MICAns સંશોધન પરિણામોની ઉજવણી કરવા માટે કેવી રીતે ભેગા થાય છે તે પરથી શ્રેષ્ઠ રીતે દેખાય છે. PGP સ્નાતકો, FPM વિદ્વાનો, પોસ્ટ-ડોક્સ અને સાથીદારોની ટીમ પ્રો. જૈનને પ્રોત્સાહન આપવા માટે તેમની સાથે જ હતી.”

ભારતમાં મિલિયન્સ ઓફ પ્રોબ્લ્મ્સ, સામે બિલિયન્સ ઓફ પ્રોબ્લમ સોલ્વર્સ

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે “સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૫”નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે. સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવીને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઇ ઉદ્યમીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.દેશના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો યશ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં માત્ર ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા. આજે દેશમાં ૧.૯૨ લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ અને ૧૨૦થી વધુ યુનિકોર્ન કાર્યરત છે, જેની કુલ વેલ્યુ ૩૫૦ બિલિયન ડોલરથી પણ વધુ થાય છે. પરિણામે આજે ભારતનો યુવાન જોબ સીકર મટી, જોબ ગીવર બની રહ્યો છે. તેમણે યુવાનોમાં રહેલી આ ક્ષમતાનો લાભ લેવા ઉદ્યોગકારો અને રોકાણકારોને પણ અપીલ કરી હતી.વર્ષ ૨૦૧૪ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત ૯૧મા ક્રમે હતું, જે તાજેતરમાં જ રીલીઝ થયેલા વર્ષ ૨૦૨૫ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત સીધું જ ૩૮મા ક્રમે પહોંચ્યું છે, જે દેશના યુવાનોમાં રહેલી ક્ષમતા બતાવે છે. યુવાનોની આ જ ક્ષમતાને પ્રોત્સાહન આપીને આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન અપાવવામાં પણ આ કોન્કલેવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી ૪૮ ટકા સ્ટાર્ટઅપ્સ બહેનોએ તૈયાર કર્યા છે. માતૃ શક્તિ-મહિલા ઉદ્યમીઓ પાસે હંમેશા લક્ષ્મીજીનો વાસ હોય છે. ઉત્તર-પૂર્વમાં અંદાજે ૯૦૦ મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ છે, જે આત્મનિર્ભર ભારત માટે કાર્યરત છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના માધ્યમથી અત્યાર સુધીમાં ગૌરવ સમાન અંદાજે ૧૭.૯૦ લાખને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટુ ટાયર અને થ્રી ટાયર સિટીમાં પ્રતિ વર્ષ અંદાજે ૯,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે, જે દેશનો વિકાસ દર્શાવે છે.સ્ટાર્ટઅપને નાણાકીય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિગત અને બેન્કિંગ સહયોગ ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ માટે રૂ‌ ૧૦ હજાર કરોડના ફંડ ઓફ ફંડની રચના કરવામાં આવી છે. સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ લોન મર્યાદા રૂ. ૧૦ કરોડથી વધારીને રૂ. ૨૦ કરોડ કરવા ઉપરાંત વિવિધ ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર પણ સ્ટાર્ટઅપને અનેક પ્રકારે સહાય કરી રહી છે.જેના પરિણામે દરેક સર્જક પોતાનું અલગ સ્ટાર્ટઅપ બનાવી રહ્યો છે. મેઇક ઈન ઇન્ડિયા અને ૧૪ મુખ્ય ક્ષેત્રમાં PLI લાવીને વિવિધ પ્રકલ્પોને પ્રોત્સાહન આપવા કરોડો રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. રોકાણકારોની સરળતા માટે દેશમાં ૩૪૦૦થી વધુ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

છેલ્લા ચાર વર્ષોથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગેવાની સાથે કામ કરીને સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે. દેશમાં ટોપ પાંચ રાજ્યોમાં ૧૬,૦૦૦ સ્ટાર્ટઅપ ગુજરાતમાં છે. માત્ર અમદાવાદ શહેરમાં ૬,૬૫૦ સ્ટાર્ટઅપ સાથે ટોપ-૪માં સ્થાન ધરાવે છે. સતત ચાર વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત બેસ્ટ પર્ફોમન્સ કરતુ રાજ્ય બન્યું છે.

સ્ટાર્ટઅપ્સ સ્વદેશી, આત્મનિર્ભરતા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારી સર્જન તથા એન્ટરપ્રાઈઝીંગને વેગ આપવા માટે જરૂરી છે. એટલું જ નહિ, વિકસિત ભારતના નિર્માણ માટે દેશમાં સ્ટાર્ટઅપ્સનું મહત્વ છે તેમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા રાજ્ય સરકારે ચાર રિજિયનમાં આઈ-હબ અને 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં એ.આઈ. લેબ ઊભી કરવાની પણ નેમ રાખી છે.

આ પ્રસંગે 7 MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે NEP-૨૦૨૦ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોફી ટેબલ બુક, ΝΕΡ-૨૦૨૦ પાંચ વર્ષનું અમલીકરણ પુસ્તક‌ તથા ભારતીય જ્ઞાન પ્રણાલી સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા. જ્યારે, વિવિધ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતા રોકાણકારોએ ચેક અર્પણ કર્યા હતા.