Home Blog Page 599

સૂર્ય-ચંદ્ર-નક્ષત્ર પાસેથી શું શીખવાનું?

બુધવાર, 17 સપ્ટેમ્બરે સમાચાર વાંચવામાં આવ્યા કે ભારતીય મૂળના 53-વર્ષી શ્રીનિવાસ ફાટકને કન્ઝ્યુમર ગુડ્સની વિરાટ ને વિશ્વવિખ્યાત કંપની યુનિલીવરના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર બનાવવામાં આવ્યા.

હવે જરા વિચાર કરીએ કે આવી જંગી અને પ્રતિષ્ઠિત કંપનીના સીએફઓનું પદ શું શ્રીનિવાસનને રાતોરાત મળી ગયું હશે? કેટલાં વર્ષની મહેનત, તપસ્યા આ પાછળ હશે?

વિશ્વવિખ્યાત કંપની ‘માઈક્રોસોફ્ટ’ના સ્થાપક બિલ ગેટ્સ એક વાર અમેરિકાની કોઈ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કરી રહ્યા હતા. પોતાના અનુભવનો નિચોડ રજૂ કરતાં એમણે કહ્યું કે ‘તમે શાળા કે કૉલેજ કે યુનિવર્સિટીમાંથી બહાર નીકળશો એટલે તરત વર્ષે 60,000 ડૉલર કમાવાનું શરૂ કરી શકવાના નથી કે પછી કોઈ મોટી કંપનીના ઉચ્ચ હોદ્દેદાર બની ગાડીમાં ફરવાલાયક બની જવાના નથી. ત્યાં સુધી પહોંચવા માટે તમારે તેને લાયક બનવું પડશે.’

બિલ ગેટ્સના કહેવાનો અર્થ એ હતો કે વિદ્યાર્થીઓએ સાતત્યપૂર્ણ પરિશ્રમ કરવો પડશે, જે તેમણે પોતે કર્યો હતો. એમણે આગળ કહ્યું કે, ‘જીવન એ શાળાનાં સત્રોની જેમ મહિનાઓમાં વહેંચાયેલું હોતું નથી તેમ જ એમાં તમને સમર વેકેશન પણ મળતું નથી.’

આજના ઝડપી જમાનામાં કોઈ પણ ક્ષેત્રમાં જો આગળ વધવું હોય, ઊંચ્ચ પદ પર પહોંચવું હોય તો સાતત્યપૂર્ણ કામ કરવું અતિ આવશ્યક છે. સાતત્ય એટલે સતત કે વારંવાર કરવામાં આવતી ક્રિયા. સાતત્યને અંગ્રેજીમાં કન્ટિન્યુઈટી અથવા કન્સિસ્ટન્સી કહે છે. સાતત્યને તમે નિયમિતતા પણ કહી શકો. જે કામ તમે સતત કરો અથવા સાતત્યપૂર્ણ કરો તો એ કામ સિદ્ધ થાય જ છે.

બિહારના માઉન્ટ મેન તરીકે પ્રખ્યાત દશરથ માંઝીનો કિસ્સો આપણે જાણીએ છીએ. એમણે એકલા હાથે પહાડ કાપીને 110 મીટર લાંબો રસ્તો બનાવેલો. 1960માં એમણે આ ભગીરથ કાર્યનો આરંભ કર્યો. રોજ સવારે એ હથોડી છીણી લઈને નીકળી પડતા. 1982માં એમનું કામ પૂર્ણ કરીને જ જંપ્યા. 2007માં 73 વર્ષની વયે એમનું અવસાન થયું… આપણી ગરવીલી ગુજરાતીમાં પેલી કહેવત છેનેઃ ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય.

વિદ્યાનગરના એક સમયના પ્રસિદ્ધ પ્રોફ્સર અને ગણિતના મહાવિદ્વાનને તેમની સફ્ળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું: ‘રોજની 18 કલાક મહેનત, 20 વર્ષ સુધી નો સન્ડે, નો હોલિડે, નો વેકેશન.’

ધારો કે, રૉકેટના લૉન્ચિંગ વખતે જરૂરી પ્રમાણમાં એને સતત ઈંધણ ન મળે તો? તો તે હેઠું પડે. કાર કે બાઈકના એન્જિનને સતત મળતાં પેટ્રોલમાં ઍર કે કચરો આવી જાય તો? ડચકાં ખાય. જેમ એમાં ઈંધણનો સતત પ્રવાહ વહેતો રહેવો જોઈએ તેવી જ રીતે જીવનમાં પણ સફ્ળતા પામવા માટે સાતત્યતા રૂપી ઈંધણ જોઈએ.

રમત કે બિઝનેસ, વિજ્ઞાન કે કલા, કોઈપણ ક્ષેત્ર હોય, અરે, અધ્યાત્મ ક્ષેત્ર કેમ ન હોય? તેમાં પણ સાતત્ય વિના ચાલે તેમ નથી. બી.એ.પી.એસ. સંસ્થાની કીર્તિમાં સમયે સમયે યશકલગી ઉમેરતા રહેનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વર્ષો સુધી ક્યારેય રજા લીધી નથી કે ક્યારેય વેકેશન પાડ્યું નહોતું. અનેકવિધ બીમારીમાં પણ સતત કાર્યશીલ તેઓશ્રી 85 વર્ષે દિલ્હી-અક્ષરધામ તથા 91 વર્ષે સચિત્ત-આનંદ વૉટર-શોનું જેવાં વિશ્વવિખ્યાત સર્જન કરી શકતા, કારણ વર્ષો સુધીનો એકધારો પુરુષાર્થ. સાતત્ય.

જેમ સૂર્ય-ચંદ્ર-નક્ષત્રો તેમની દિનચર્યા અતૂટ નિયમિત રાખે છે, તેથી જ બ્રહ્માંડોની સ્થિતિ,પરિસ્થિતિ સમતોલ રહે છે અને જીવપ્રાણીમાત્રનું જીવન સરળ ને સહજ રીતે ગતિમાન છે તેમ વ્યક્તિ પણ તેની દિનચર્યા અતૂટ નિયમિત રાખે તો જ તેનું અને તેના પરિવારનું જીવન સરળ, સહજ અને સુખી બની રહે.

-સાધુ જ્ઞાનવત્સલ દાસ (બી.એ.પી.એસ.)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

લોકતંત્રને ખતમ કરવાવાળાને બચાવી રહ્યા છે CEC: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ બિહાર ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના ઇંદિરા ભવન સ્ટેડિયમમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ દરમિયાન તેમણે મુખ્ય ચૂંટણી પંચ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેઓ લોકશાહીને નાશ કરનારાઓથી બચાવી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું હતું કે આ હાઈડ્રોજન બોમ્બ નથી, હાઈડ્રોજન બોમ્બ આવવાનો છે. આ દેશના યુવાનોને બતાવવા અને સ્થાપિત કરવા માટેનો એક વધુ માઈલસ્ટોન છે કે ચૂંટણીમાં કેવી રીતે ગેરરીતિ કરવામાં આવી રહી છે.

હાઈડ્રોજન બોમ્બ આવવાનો છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સૌથી પહેલાં આ હાઈડ્રોજન બોમ્બ નથી, હાઈડ્રોજન બોમ્બ આવવાનો છે. આ દેશના યુવાનોને બતાવવા અને સ્થાપિત કરવા માટેનો એક વધુ માઈલસ્ટોન છે કે ચૂંટણીમાં કેવી રીતે ગેરરીતિ કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના નેતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કર્ણાટકના આલંદમાં 6018 મત ઈરાદાપૂર્વક ડિલીટ કરવામાં આવ્યા. આ બધા મત એવા પોલિંગ બૂથમાંથી ઈરાદાપૂર્વક ડિલીટ કરવામાં આવ્યા જ્યાં કોંગ્રેસ ઉમેદવારને મત મળવાના હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે કર્ણાટકમાં આ મામલે તપાસ ચાલી રહી છે. CID એ 18 મહિનામાં 18 પત્ર મોકલ્યા છે, જેમાં ચૂંટણી પંચને આ ફોર્મ્સના ડેસ્ટિનેશન IP, ડિવાઈસ ડેસ્ટિનેશન પોર્ટ્સ અને OTP ટ્રેઈલ્સ આપવા જણાવ્યું હતું, પરંતુ ચૂંટણી આયોગ આ માહિતી આપી રહ્યો નથી. કારણ કે એથી ખબર પડી જશે કે આ ઓપરેશન ક્યાંથી સંચાલિત થયું હતું. FIR ફેબ્રુઆરી 2023માં નોંધવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર હુમલો કરતાં કહ્યું હતું કે ECI એ ઓગસ્ટ 2023માં જવાબ આપ્યો હતો, પરંતુ CID ને આ માહિતી આપી નથી. જાન્યુઆરી 2024માં CID એ ફરીથી ECI ને સંપૂર્ણ માહિતી મોકલવા લખ્યું હતું, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. 18 રિમાઈન્ડર પત્રો પણ લખવામાં આવ્યા હતા. કર્ણાટકના CEC એ પણ અનેક વખત ECI ને માહિતી આપવા કહ્યું હતું, પરંતુ કોઈ જવાબ આવ્યો નથી. આ નક્કર પુરાવો છે કે જ્ઞાનેશ કુમાર આ કરાવી રહ્યા છે. આ મોટા સ્ત્રોતોના ઉપયોગથી કરવામાં આવી રહ્યું છે.

ચમોલીમાં વાદળ ફાટવાથી ભયજનક વિનાશ,  અનેક લોકો લાપતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચોમાસાનો કેર સતત ચાલુ છે. વાદળ ફાટવાથી અચાનક આવેલા પૂર અને ત્યાર બાદ ભૂસ્ખલનની ઘટનાઓએ રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકોને મોટા પાયે અસર પહોંચાડી છે. આ જ ક્રમમાં બુધવારની મધરાતે રાજ્યના ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાની વધુ એક ઘટના બની છે. આ આસમાની આફતમાં ઓછામાં ઓછા સાત લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ચમોલીમાં ભારે વરસાદ સાથે આવેલા કાદવે નંદનગર નગર પંચાયતના કુન્ટરી લંગાફળી વોર્ડમાં છ ઘરોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખ્યાં હતાં. એ ઉપરાંત અનેક ઘર અને ખેતરો પણ સંપૂર્ણ રીતે ખતમ થયાં છે. સોશિયલ મિડિયા પર શેર થયેલા વિડિયોમાં ઘરોના વચ્ચેના સાંકડા રસ્તાઓમાંથી કાદવવાળું પાણી અને કચરો વહેતો જોવા મળી રહ્યો છે. ઘરોનાં દીવાલો અને છાપરાઓ પર કાદવ ફેલાયેલો છે અને પાણીનો જોરદાર પ્રવાહ ઘરોમાં ઘૂસી જઈ મિલકતને નુકસાન પહોંચાડી રહ્યો છે, એમ સ્થાનિક વહીવટી તંત્રએ જાણવ્યું છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ

ચમોલીના જિલ્લા અધિકારી સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે બુધવારની રાત્રે ચમોલી જિલ્લાના નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાથી નુકસાન થયું છે. નંદનગરના કુન્ટરી લંગાફળી વોર્ડમાં છ ઘર કાદવમાં દટાઈ ગયાં છે. સાત લોકો લાપતા છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે. આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે અને કાદવમાં ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે.

હવામાન વિભાગે ઉત્તરાખંડના અનેક વિસ્તારો જેમ કે – દહેરાદૂન, હરિદ્વાર, પૌડી ગઢવાલ, ટેહરી ગઢવાલ, ઘનસાલી, શિવપુરી, દેવપ્રયાગ, ઋષિકેશ, ચંબા, મસૂરી અને ધનૌલ્ટીમાં આવતા કેટલાક દિવસોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.

સુવિચાર – ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫

કબીરના મતે એકાત્મા સાથેનું સંગીત એટલે…

 

યહ તત વહ તત એક હૈ, એક પ્રાન દુઈ ગાત,

અપને જિયસે જાનિયે, મેરે જિય કી બાત.

 

 

ઓમ તત્ સત્ સોહમનો મંત્ર વ્યક્તિને સૃષ્ટિ સાથે તાદાત્મ્ય સાધવામાં મદદ કરે છે. આ સાખીથી કબીરજી આપણને અદ્વૈતની ફિલસૂફી સરળમાં સરળ રીતે સમજાવે છે. આપણે જે દ્વિધા, ભેદ અનુભવીએ છીએ, મનમાં મારુંતારું થાય છે તે માટે કબીરજી કહે છે કે, તમામ જીવો-પદાર્થમાં પરમાત્માનો વાસ છે. બે શરીરો ભિન્ન હોય પણ તેમાં વસતો આત્મા એક જ છે.

ભારતીય પરંપરામાં પતિ-પત્ની, ગુરુ-શિષ્ય, પિતા-જયેષ્ઠ પુત્ર વગેરેને નામથી બોલાવવાનો નિષેધ છે, કારણ કે આ ઉભય સ્વરૂપ નથી પણ આત્મ સ્વરૂપ છે – કદાચ ન હોય તો પણ ઐક્ય અનુભવે તેવું ઈચ્છીએ.

કબીરજી આગળ કહે છે કે, મારા દિલથી મારા દિલની વાત જાણી લો. જ્યાં એકાત્મા છે ત્યાં મતભેદ-મનભેદ નથી. અંગ્રેજીમાં આના માટે “ઓન ધ સેમ વેવલેન્ગથ” શબ્દપ્રયોગ કરીએ છીએ.

કબીરજી તો કહે છે તે તત્ સત્ની વાત સમજાય તો સમસ્ત વિશ્વ આપણી સાથે સંવાદનું સંગીત ગાય છે. કુદરતની નીરવ શાંતિમાં કે શહેરોના કોલાહલમાં હોઈએ પણ આ તરંગો ઝીલતા રહીએ તો આત્મજ્ઞાનના એન્ટેના મારફત રેડિયો નિજાનંદ સુમધુર સુરાવલી સંભળાવ્યા જ કરે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

પંચાંગ 18/09/2025

ભારત-US ટ્રેડ ડીલઃ ટેરિફ 50 ટકાથી ઘટીને 10–15 ટકા થશે?

 નવી દિલ્હીઃ અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસના અધિકારીઓની એક ટીમ સોમવારની રાત્રે નવી દિલ્હીમાં આવી પહોંચી હતી. મંગળવારે નવી દિલ્હીમાં અમેરિકાના મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં થયેલી દિવસભરની ચર્ચા બાદ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું હતું કે ચર્ચાઓ ‘સકારાત્મક’ રહી હતી અને બંને પક્ષોએ ‘પરસ્પર લાભકારી વેપાર સમજૂતીના ઝડપી નિષ્કર્ષ માટે પ્રયત્ન તેજ કરવાનો’ નિર્ણય કર્યો છે.

આ પગલું ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાને કારણે લેવામાં આવ્યું હતું, જેને કારણે અમેરિકાએ વેપાર વાટાઘાટો ‘અટકાવી’ દીધી હતી. હાલ ભારત પર ટ્રમ્પે કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. ટ્રેડ ડીલ પર બંને દેશો વચ્ચે ચર્ચા ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. થોડા દિવસો પહેલાં વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે નવેમ્બર 2025 સુધી ટ્રેડ ડીલનો પહેલો તબક્કો ફાઈનલ થઈ જશે.

ચોક્કસ. બંને દેશો વચ્ચે ડીલ એટલા માટે જ થઈ રહી છે કે ટેરિફ 50 ટકાથી ઘટીને 10–15 ટકા કે કદાચ એથી પણ ઓછા થઈ જાય.

આ સાથે ભારત-US ટ્રેડ ડીલથી ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ પર કોઈ અસર નહીં પડે. અસર થશે તો ફક્ત પોઝિટિવ જ થશે, કારણ કે યુએસ ઇન્ડસ્ટ્રિયલ પાવર નથી. અમેરિકા કૃષિ શક્તિ છે કે ઈન્ડસ્ટ્રીમાં બહુ હાઈ-ટેક વસ્તુઓ બનાવે છે – જેમ કે બોઇંગ. પરંતુ સામાન્ય પ્રોડક્ટ્સ જેમ કે ટેક્સટાઇલ્સ, લેધર, કેમિકલ્સમાં યુએસ ક્યાંય નથી.

નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

ટોક્યોઃ જાપાનના ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025ના ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપડાએ પ્રથમ જ પ્રયત્નમાં 84.85 મીટરનો થ્રો કરીને ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાઇ કર્યું છે. ઓટોમેટિક ક્વોલિફિકેશન માટે 84.50 મીટર દૂર ભાલો ફેંકવો ફરજિયાત હતો. 27 વર્ષીય નીરજે 2023માં બુડાપેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને ટોક્યોમાં તેઓ પોતાના ખિતાબનું રક્ષણ કરવા ઊતર્યો છે. જો નીરજ આવું કરી લેશે તો તે ઈતિહાસના માત્ર ત્રીજા ભાલાફેંક ખેલાડી બનશે, જેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના ખિતાબનું સફળતાપૂર્વક રક્ષણ કર્યું હોય.

દેશના સ્ટાર એથ્લીટ નીરજ ચોપડાએ જાપાનમાં યોજાતી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કમાલ કરી બતાવ્યો છે. નીરજે ક્વોલિફિકેશન રાઉન્ડમાં જબરદસ્ત થ્રો ફેંકી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પ્રથમ જ થ્રોમાં 84.85 મીટરનું અંતર કાપીને તેણે ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. હવે ફાઇનલમાં તે પોતાના ખિતાબનું રક્ષણ કરવા ઊતરશે. નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2023માં બુડાપેસ્ટમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં તેણે સુવર્ણ ચંદ્રક પોતાને નામે કર્યો હતો.

જુલિયન વેબરે બીજા પ્રયાસમાં કર્યું ક્વોલિફાઇ

નીરજે સતત પાંચમી ગ્લોબલ ચેમ્પિયનશિપમાં માત્ર એક જ પ્રયત્નથી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. તે પહેલાં તેણે 2021 ઓલિમ્પિક, 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપ, 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2024 ઓલિમ્પિકમાં પણ આવો જ કમાલ કર્યો હતો. હવે નજરો ફાઇનલમાં ઈતિહાસ રચવા માટે તેમના પર રહેશે. નીરજ સિવાય જર્મનીના જુલિયન વેબરે 87.21 મીટર થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાઇ કર્યું. તેણે બીજા પ્રયત્નમાં ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

 

પાકિસ્તાનમાં લોટની અછતઃ રાજ્યો વચ્ચે શરૂ થઈ આંતરિક લડાઈ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભયાનક પૂર પછી પરિસ્થિતિએ ગરીબીને વધુ કઠિન બનાવી દીધી છે. પાકિસ્તાનના પંજાબે અન્ય રાજ્યોમાં ઘઉં મોકલવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેને કારણે પાકિસ્તાનમાં લોટની ગંભીર અછત ઊભી થઈ છે અને અન્ય પ્રાંતોમાં કિંમતો દોઢ ગણી સુધી વધી ગઈ છે. આથી પાકિસ્તાનમાં રાજકારીય નેતાઓ અને મિલ માલિકો વચ્ચે જંગ જેવી સ્થિતિ ઊભી થઈ છે, એમ અહેવાલ કહે છે.

જોકે પાકિસ્તાનના પંજાબમાં અધિકારીઓએ ઘઉં બહાર મોકલવા પર સત્તાવાર પ્રતિબંધ હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેમણે ઘઉંની “અસામાન્ય” હિલચાલ પર નજર રાખવા માટે ચોકીઓ ઊભી કરવાનાં પગલાં સ્વીકાર્યાં છે. હવે પાકિસ્તાનના બીજા પ્રાંતો દલીલ કરી રહ્યા છે કે આવું કરવું મુક્ત બજારની ભાવનાના વિરુદ્ધ છે અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

પંજાબના ઇનકારથી મોંઘો થયો લોટ

પંજાબ ફ્લોર મિલ્સ એસોસિયેશનના પ્રમુખ રિયાઝુલ્લા ખાને જણાવ્યું હતું કે પ્રાંતની સીમા પર ચોકીઓ ઊભી કરીને ઘઉં અને લોટનું પરિવહન અન્ય વિસ્તારોમાં રોકવામાં આવી રહ્યું છે. તેને કારણે ખૈબર પખ્તુનખ્વા (KP)માં લોટની કિંમતો આસમાને પહોંચી રહી છે. અહીં 20 કિલોનો થેલો હવે 2800 પાકિસ્તાની રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે, જ્યારે પંજાબમાં તે લગભગ 1800 પાકિસ્તાની રૂપિયામાં મળે છે. KPના રાજ્યપાલ ફૈસલ કરીમ કુન્ડીએ આ પ્રતિબંધને “અનુચ્છેદ 151નું ઘોર ઉલ્લંઘન” અને “રાષ્ટ્રીય એકતાનો ગંભીર ભંગ” ગણાવ્યો છે.

પ્રાકૃતિક આફતોને કારણે થતી અછત અથવા ઓછી ઊપજને કારણે 2020, 2022 અને 2023માં પણ આવી જ પરિસ્થિતિઓ જોવા મળી હતી. પાકિસ્તાનનું પંજાબ અગાઉ દર વર્ષે પાક પછી 40 લાખ ટનથી વધુ ઘઉંની ખરીદી અને સંગ્રહ કરીને કિંમતો સ્થિર રાખતું હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય કરારોને કારણે હવે તે ભૂમિકા છોડી દીધી છે. બીજી બાજુ, ખૈબર પખ્તુનખ્વા અને સિંધે આ પ્રતિબંધોની નિંદા કરી છે, કારણ કે તેઓ પંજાબની ઘઉં પુરવઠા પર ખૂબ આધારિત છે.