Home Blog Page 602

ઓપરેશન સિંદૂરમાં કોઈ મધ્યસ્થી થઈ ન હતી…, પાકિસ્તાનની કબૂલાત

પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર સંઘર્ષના ઘણા મહિનાઓ પછી, પાકિસ્તાની વિદેશ પ્રધાન ઇશાક ડારની પ્રતિક્રિયા સામે આવી છે. પાક વિદેશ પ્રધાન કહે છે કે અમે ભારત સાથે વાત કરવા માંગીએ છીએ, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી.

એક કાર્યક્રમ દરમિયાન, ઇશાક ડારે જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત ક્યારેય કોઈ તૃતીય પક્ષ મધ્યસ્થી માટે સંમત થયું નથી. ડારે ખુલાસો કર્યો કે જ્યારે પાકિસ્તાને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી વિશે પૂછ્યું, ત્યારે રુબિયોએ સ્પષ્ટપણે કહ્યું કે ભારત હંમેશા કહેતું રહ્યું છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે.

ઇશાક ડારે કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે વાત કરવા માટે ઘણી વખત પહેલ કરી છે. તેમણે દાવો કર્યો કે 10 મેના રોજ સવારે 8:17 વાગ્યે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયોએ તેમને કહ્યું હતું કે ખૂબ જ ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્વતંત્ર સ્થળે વાતચીત થશે. પરંતુ પાછળથી 25 જુલાઈના રોજ, જ્યારે તેઓ વોશિંગ્ટનમાં રુબિયોને મળ્યા, ત્યારે તેમણે કહ્યું કે ભારતે ત્રીજા પક્ષની કોઈપણ ભૂમિકાનો ઇનકાર કર્યો છે, તેને ફક્ત દ્વિપક્ષીય મામલો ગણાવ્યો છે.

‘પાકિસ્તાનને મધ્યસ્થીથી કોઈ વાંધો નથી, પરંતુ…’

તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનને ત્રીજા પક્ષની મધ્યસ્થીથી કોઈ વાંધો નથી, પરંતુ ભારતે હંમેશા કહ્યું છે કે તે દ્વિપક્ષીય મામલો છે. ડારે કહ્યું, અમે ત્રીજા પક્ષની સંડોવણીથી ખચકાટ અનુભવતા નથી, પરંતુ ભારત વારંવાર કહે છે કે તે દ્વિપક્ષીય મુદ્દો છે. જ્યારે રુબિયો દ્વારા યુદ્ધવિરામનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે અમને ખાતરી આપવામાં આવી હતી કે ભારત સાથે વાતચીત થશે, પરંતુ પાછળથી એવું કહેવામાં આવ્યું કે ભારતે ના પાડી દીધી.

ડારે કહ્યું કે અમને દ્વિપક્ષીય વાટાઘાટો સામે પણ કોઈ વાંધો નથી, પરંતુ વાટાઘાટો વ્યાપક હોવી જોઈએ. તેમાં આતંકવાદ, વેપાર, અર્થતંત્ર, જમ્મુ અને કાશ્મીર, તે બધા વિષયો પર વાતચીતનો સમાવેશ થવો જોઈએ જેના પર અમે બંને ચર્ચા કરી રહ્યા છીએ.

સાયન્સ સિટીમાં ઓઝોન ડે અને નેશનલ એન્જિનિયર્સ ડેની ઉજવણી

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસ અને રાષ્ટ્રીય ઇજનેરો દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતની ઘણી એન્જિનિયરિંગ કોલેજો અને વિવિધ શાળાઓના 2,000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિશ્વ ઓઝોન દિવસ: પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ

સાયન્સ સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે, કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના મુલાકાતી વિદ્યાર્થીઓ માટે પર્યાવરણીય જાગૃતિ પર એક પેનલ ચર્ચા અને નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ઓઝોન સ્તરનું મહત્વ, હાલમાં તે જે જોખમોનો સામનો કરી રહ્યું છે અને તેને સુરક્ષિત રાખવાના પગલાં વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓએ ઉદ્યોગ અને ટેકનોલોજીના વિકાસ સાથે પર્યાવરણીય સંતુલન જાળવવાની જરૂરિયાત સમજાવી હતી. આ ઉપરાંત, આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ પર પણ ઉપયોગી ચર્ચાઓ યોજાઈ હતી. ઓઝોન દિવસ નિમિત્તે, વિદ્યાર્થીઓને માહિતીપ્રદ રમતો રમવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ મનોરંજનની સાથે પર્યાવરણ પ્રત્યેની તેમની સમજણ વધારી શકે.

વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ 1987માં મોન્ટ્રીયલ પ્રોટોકોલની યાદમાં ઉજવવામાં આવે છે. જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા રસાયણોના ઉપયોગને ઘટાડવા માટે બનાવવામાં આવ્યો હતો. ૧૯૯૪માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય ઇજનેર દિવસ: નવીનીકરણ અને વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા

ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય ઇજનેર દિવસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ ભારતના મહાન ઇજનેર અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆતમાં વિશ્વેશ્વરાયના જીવન અને યોગદાન પર આધારિત ફિલ્મ બતાવવામાં આવી હતી. પછી પેનલ ચર્ચામાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને સસ્ટેનેબલ ઇનોવેશન, નેટ-ઝીરો ટાર્ગેટ્સ, રિન્યુએબલ એનર્જી, એનર્જી એફિશિયન્સી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવાં મહત્વપૂર્ણ વિષયો પર માહિતીપ્રદ માહિતી આપી હતી. ખાસ કરીને, સંદેશ આપવામાં આવ્યો હતો કે ભવિષ્યના ઇજનેરોએ ફક્ત નવી વસ્તુઓ જ નહીં, પણ એવી વસ્તુઓ પણ શોધવી જોઈએ જે માનવ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે.જ્ઞાન, સંવાદ અને પ્રેરણા માટેનું એક મંચ

ઓઝોન દિવસ અને રાષ્ટ્રીય ઇજનેરો દિવસની સંયુક્ત ઉજવણીએ યુવાનોને વિજ્ઞાન, ઇજનેરી અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સમજવાની એક મહત્વપૂર્ણ તક પૂરી પાડી. નિષ્ણાતોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પરિવર્તન લાવવાની પ્રેરણા મળી.

સેવા, સમર્પણ અને સંકલ્પનો મહોત્સવ: સર્જાયો વિશ્વ વિક્રમ

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જૂના સચિવાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓનો મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા. તેમના આ કાર્યની સરાહના પણ કરી.આ રક્તદાન શિબિરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, રાજ્યના તમામ શૈક્ષણિક તેમજ વહિવટી કર્મચારી મંડળો મદદગાર પરિવારજનો પણ જોડાયા હતા. પરિણામે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો છે. જેમાં,

🔴 ૧ દિવસમાં ૧,૦૦,૦૦૦થી વધુ રક્તદાતા

🔴 ૩૦૦+ થી વધુ રક્તદાન શિબિરો

🔴 રાજ્યના શૈક્ષણિક અને વહિવટી કર્મચારીઓની અપ્રતિમ ભાગીદારી

આ સેવા અભિયાન માનવતાના સાચા મૂલ્યોને જીવંત કરે છે. તેમજ આપણી ભારતીય સેવા-સંસ્કૃતિની સહકાર ભાવના અને માનવતાના મંત્રને ઉજાગર કરે છે.

બાળકોએ PM મોદીને 21 ભાષાઓમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે એક ખાસ ગીત લોન્ચ કર્યું. ‘નમો પ્રગતિ દિલ્હી – બાલ સ્વર સે રાષ્ટ્ર સ્વર તક’ ગીત દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં શાળાના બાળકો 21 અલગ અલગ ભાષાઓમાં ગાતા જોવા મળે છે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, ‘વર્ષોથી, પીએમ મોદીએ દિલ્હી માટે જીવનરેખા જેવું કામ કર્યું છે. તેમ છતાં, અગાઉની સરકારોએ સતત તેમની ટીકા કરી અને તેમના વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો. આજે અમારી સરકાર તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.’

તેમણે શાળાના બાળકો દ્વારા બનાવેલા શુભેચ્છા કાર્ડ માટે તેમની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ આજે જ આ કાર્ડ મોકલશે જેથી તેઓ બુધવારે વડા પ્રધાન સુધી પહોંચે. રેખા ગુપ્તાએ કહ્યું, ‘હું વચન આપું છું કે તમારા કાર્ડ આજે જ મોકલવામાં આવશે જેથી તેઓ કાલે વડા પ્રધાન સુધી પહોંચે. તેમને 21 ભાષાઓમાં ગવાયેલ તમારું ગીત અને તમારી શુભેચ્છાઓ ગમશે.’

દિલ્હીના મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે 15 દિવસના ‘સેવા પખવાડા’ દરમિયાન, સરકાર શિક્ષણ ક્ષેત્રે અનેક પહેલ શરૂ કરશે. તેમણે કહ્યું, ‘મુખ્યમંત્રી શ્રી શાળાઓથી લઈને નવા અભ્યાસક્રમ, રાષ્ટ્ર નીતિ, નીવ અને નિપુણ સુધી, ઘણા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે, જે બાળકોના શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપશે.’ આ સાથે, પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે બુધવારે સવારે 7 વાગ્યે કર્તવ્ય પથ પર એક ખાસ સવારની ચાલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જન્મદિવસની ઉજવણીનો એક ભાગ છે.

નૂપુર બોરા કોણ છે?  છ વર્ષમાં બની ભ્રષ્ટાચારની ‘ક્વીન’, જાણો…

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ રાજ્ય આસામની 2019 બેચની સિવિલ સેવા અધિકારી નૂપુર બોરા હાલમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં છે. આસામ પોલીસે તેમની આવકથી વધુ સંપત્તિ અને જમીન કૌભાંડના આરોપમાં ધરપકડ કરી છે. આ મુદ્દે CM વિશેષ સતર્કતાની ટીમે નૂપુરના ગુવાહાટી અને બારપેટા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.

આ દરોડાને લઈને પોલીસે વિગતવાર માહિતી આપી છે. નૂપુર બોરાના ઘરમાંથી અંદાજે 90 લાખ રૂપિયાની રોકડ અને બે કરોડ રૂપિયાથી વધુ કિંમતના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ મુદ્દે CM હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે અધિકારીની પ્રવૃત્તિઓ પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી.

CM હિમંતના ગંભીર આક્ષેપ

આ કેસમાં CM હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે વિવાદાસ્પદ જમીન સંબંધિત મામલાઓમાં તેમની સંભવિત સંકળાયેલાની ફરિયાદોને કારણે છેલ્લા છ મહિનાથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે બારપેટા જિલ્લામાં સર્કલ અધિકારી તરીકેની ફરજ દરમિયાન બોરાએ સંદિગ્ધ ગેરકાયદે વસાહતીઓને સરકાર અને જમીનના ગેરકાયદે નોંધણી કરવામાં સહાયતા કરી હતી.

આ જમીન મેળવતા લોકોને CM હિમંતએ ‘મિયા’ કહીને સંબોધ્યા હતા. આસામમાં બંગાળી ભાષી મુસ્લિમોને ‘મિયા મુસ્લિમ’ કહેવામાં આવે છે, જેમને ભાજપ ઘણી વાર પડોશી બાંગ્લાદેશમાંથી આવેલા ગેરકાયદે પ્રવાસી તરીકે નિશાન બનાવે છે અને તેમને મૂળ આસામી વસ્તી માટે ખતરો ગણાવે છે.

પ્રાપ્ત માહિતી મુજબ અધિકારીના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે તેમની ગુવાહાટી સ્થિત રહેઠાણથી શરૂ થઈને તેમની સાથે જોડાયેલાં ત્રણ અન્ય સ્થળોએ વિસ્તર્યા હતા. બારપેટામાં તેમના ભાડાના મકાન પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં તપાસ હજુ ચાલુ છે.

 

મહિલાઓની બદલાતી પેઢી, જૂની અપેક્ષાઓ

“આજકાલની છોકરીઓને શું થઈ ગયું છે? કાંઈ કામ કરવા તૈયાર જ નથી! એક કામ કહો તો સો બહાનાં બનાવે!” નીતાબેન રસોડામાંથી બોલતાં બોલતાં બહાર આવ્યાં. એટલામાં દીકરો અનીવ અને પુત્રવધૂ કાવ્યા ઓફિસથી ઘરે પરત ફર્યાં. અનીવ સોફા પર પગ પસારી બેસી ગયો. કાવ્યા ફ્રેશ થઈને રસોડામાં ગઈ. સાસુના શબ્દો એના કાને પડ્યા હતા, પરંતુ ઘરમાં શાંતિ જળવાય માટે એ ચૂપ રહી.

કાવ્યા અને અનીવ બંને એક જ ઓફિસમાં કામ કરતા. સાથે જ આવતા-જતા. પરંતુ અનીવ ફક્ત નોકરી કરતો, જ્યારે કાવ્યાએ નોકરી ઉપરાંત ઘરની જવાબદારીઓ પણ નિભાવવી પડતી. લગ્નના બે વર્ષમાં જ એ કંટાળી ગઈ હતી. સાસુ-સસરા કે અનીવ લોકોના દાખલા આપીને ટોકતા રહેતા. એ કરે એ કોઈ જોતું નહીં, પરંતુ જો કંઈ ન કરે તો ઘણું સંભળાવવામાં આવતું.

એક દિવસ કાવ્યાએ અનીવને કહ્યું, “રોજ મમ્મી મારા વિશે બોલે છે, તમે કેમ કંઈ કહેતા નથી. હું નોકરી અને ઘર બંને સંભાળું છું, પણ તમારો સહકાર નથી.” અનીવે ગુસ્સે થઈને જવાબ આપ્યો, “કાવ્યા, તું એકલી નથી. મારી મમ્મી-દાદીએ પણ બધું સંભાળ્યું. ક્યારેય ફરિયાદ નથી કરી. મમ્મી હજુ પણ પપ્પાનું બધુ જ કામ કરે છે અને બધું સંભાળે છે, થાકની વાત નથી કરતાં. મમ્મી સાચું જ કહે છે, તને ફક્ત બહાનાં જ આવડે છે.”

કાવ્યા અનીવને એ સમજાવવામાં નિષ્ફળ રહી કે એ ઘર ઉપરાંત નોકરી પણ કરે છે, જ્યારે એની મમ્મી-દાદી ફક્ત ઘરનું કામ સંભાળતાં હતાં. પેઢી બદલાઈ ગઈ છે, દુનિયા ડિજિટલ અને ઝડપી બની છે, જીવનના માપદંડો બદલાઈ ગયા છે, પરંતુ સ્ત્રીઓ પ્રત્યેની અપેક્ષાઓ હજુ જૂની જ છે. “મમ્મીએ આવું કર્યું” કે “પહેલાની સ્ત્રીઓ સહન કરતી” જેવી તુલનાઓ દર્શાવે છે કે સ્ત્રીઓએ બદલાવ વગર બધું સહન કરવું જોઈએ.

સવાલ એ છે કે જ્યારે સમાજના બાકીના ક્ષેત્રો ટેક્નોલોજી, વ્યવસાય, જીવનશૈલી સતત અપડેટ થઈ રહ્યાં છે, ત્યારે સ્ત્રીઓની જીવનપદ્ધતિ અને એમના હક્કો કેમ જૂની વળગણમાં અટવાયેલા રહેવા જોઈએ? સ્ત્રી પણ એક વ્યક્તિ છે. પરંપરાનું પ્રતીક નહિ.

સ્ત્રીને  મહત્વ મળવું જોઈએ

જો સ્ત્રી અને પુરુષ બંને સમાન ગણાતા હોય અને દરેક જગ્યાએ ખભે ખભો મિલાવીને કામ કરી શકતા હોય તો ઘરમાં ફક્ત સ્ત્રીએ જ શા માટે બધું સંભાળવું જોઈએ? જેમ પુરુષને થાક લાગે છે, એમ સ્ત્રી પણ મનુષ્ય છે. એને પણ પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને સગવડોનો હક છે. ઘરમાં સ્ત્રીને પણ એટલું જ મહત્વ મળવું જોઈએ.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશિયન દર્શના રાવજી કહે છે કે, “હવે એવો સમય નથી કે સ્ત્રીએ ફક્ત ઘરનું કામ જ કરવું જોઈએ. એણે પોતાની ઈચ્છાઓ, આરોગ્ય અને શોખને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. હું એમ નથી કહેતી કે સ્ત્રીએ સ્વચ્છંદ બનવું જોઈએ કે પરિવારનું ધ્યાન ન રાખવું જોઈએ. પરિવારની જવાબદારી, સંસ્કારો અને વડીલોની સેવા ખૂબ જરૂરી છે. પરંતુ પોતાના ભોગે જીવન ન જીવાય. સ્ત્રીએ પોતાની સાથે સાથે પરિવારનું પણ ધ્યાન રાખવું જોઈએ, પરંતુ પોતાને ભૂલીને નહીં.”

દરેક સ્ત્રી જુદી હોય છે

દરેક વખતે કોઈ સ્ત્રી પોતાનાં મન, સ્વાસ્થ્ય કે સ્વતંત્રતા વિશે વાત કરે, ત્યારે એની સામે જૂના તર્કો અને તુલનાઓ લાવીને એને ચૂપ કરાવવાનો પ્રયાસ થાય છે. પરંતુ સમજવું  જરૂરી છે કે સમય બદલાયો છે. મહિલા હવે માત્ર ઘરની ગૃહિણી નથી રહી. એ પ્રોફેશનલ છે, ઉદ્યોગપતિ છે, શિક્ષક છે, ડોક્ટર છે, સેફ્ટી ઓફિસર છે, અને સૌથી પહેલા તો એ એક વ્યક્તિ છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ફિલાન્થ્રોપિસ્ટ અર્ચના જાની કહે છે કે, “હા, અમારી મા-દાદીઓએ ઘણું સહન કર્યું, પણ એ તે સમયની ફરજ હતી, પસંદગી નહોતી. આજની સ્ત્રી પાસે એ પસંદગી છે  કે એને શું સહન કરવું છે અને શું નહીં. માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે ઘણી વખતે, સ્ત્રીઓ માત્ર શારીરિક શ્રમ નહીં પણ લાગણી અને વિચારના સ્તરે પણ સતત દબાણ સહન કરતી હોય છે. “હવે તો આ બધું સહન કરવાની આદત પાડી લે.”  એ ખોટી સલાહ છે. સ્ત્રી પણ થાકી શકે છે, તૂટી પણ શકે છે, એને પણ આરામ અને સમજવાની જરૂર પડે છે. તુલના એ જ સમયે થાય છે, જ્યારે સ્વીકૃતિ નથી હોતી. “મમ્મી એ ચલાવ્યું તો તું કેમ નહીં?” એ કેવળ તુલના નથી  એ સ્ત્રીની સમસ્યાને નકારી નાખવાનો એક socially acceptable રસ્તો છે. દરેક સ્ત્રી જુદી હોય છે. દરેકની પરિસ્થિતિ,  સપનાંઓ અને સહનશક્તિ અલગ હોય છે.”

એ જૂની પ્રણાલીને આજે પણ સમાજ મૂર્તિમંત કરે છે

આજની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. ટેકનોલોજી, જીવનશૈલી, વ્યવહાર, સંબંધો બધું આગળ વધી રહ્યું છે. પણ દુઃખની વાત એ છે કે સ્ત્રીઓ પ્રત્યેની કેટલીક માનસિકતાઓ આજે પણ ત્યાં જ અટકી છે, જ્યાં દાયકાઓ પહેલાં હતી. આજે પણ સમાજ મોટાભાગે સ્ત્રીને એક ફરજરૂપ ભૂમિકા તરીકે જ જૂએ છે. વહુ તરીકે, પત્ની તરીકે, મા તરીકે. એના કામને, એના થાકને, એની ભાવનાઓને ઘણી વાર ઇગ્નોર કરવામાં આવે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એજ્યુકેશન લીડર નિરાલી ડગલી કહે છે કે, સદનસીબે મારા જીવનમાં આવી વ્યથા મારે સહન નથી કરવી પડી. મારાં મમ્મી, દાદી, સાસુમા બધા જ મને પહેલેથી ફુલ સપોટ કરતા આવ્યા છે. પરંતુ હા, મારી આસપાસ અનેક એવી મહિલાઓ, દીકરીઓ જોઈ છે જેમને સાંભળવું પડે છે કે, પહેલા તો મહિલાઓ આ કરતી તો તમે કેમ નહીં. વર્ષો પહેલાં જે રીતે ઘરની સ્ત્રીઓ માત્ર ગૃહકાર્યમાં જ જોડાયેલી રહેતી, એ જૂની પ્રણાલીને આજે પણ સમાજ મૂર્તિમંત કરે છે. મહિલાઓ માટેના ધોરણો આજે પણ એટલા જ અસમાન છે  જ્યાં માણસના થાકને સમજાવાય છે, ત્યાં સ્ત્રીના થાકને બહાનું કહેવાય છે. જો કે આ બંધનને મહિલાઓએ જાતે જ તોડવુ પડશે. કારણ કે મહિલાઓએ જ મહિલાઓને સહકાર આપવો પડશે.

હેતલ રાવ

સુરતની પલસાણા ગ્રામ પંચાયતને પહેલો રાષ્ટ્રીય E-શાસન પુરસ્કાર

સુરત: જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ-શાસન પુરસ્કાર (National e-Governance Awards- NAeG) 2025 માટે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કાર ગ્રામ્ય સ્તરે ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા માટે પહેલીવાર આયોજિત થઈ રહ્યો છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ત્રિપુરા અને ઓડિશાની અન્ય પંચાયતોને પણ આ એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડ વિતરણ સમારોહ 22-23 સપ્ટેમ્બર, 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારી 28મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ દરમિયાન યોજાશે.પલસાણા ગ્રામ પંચાયતનો આ પ્રયાસ “ડિજિટલ ઇન્ડિયા” તરફ એક સશક્ત કદમ છે. અહીં ઈ-ગ્રામ (E-Gram) પ્રોજેક્ટ હેઠળ સરકારની તમામ ડિજિટલ સેવાઓ ગામના લોકોને ઘર આંગણે પહોંચાડવામાં આવે છે. NEOR, ડિજિટલ ગુજરાત, ઇ-ઓળખ અને PM કિસાન જેવા પોર્ટલ્સ દ્વારા ગ્રામજનો જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, આવકનો દાખલો, રેશન કાર્ડ, વિધવા અને વૃદ્ધ સહાય, લાઈટ બિલ, જમીનના રેકોર્ડ અને મનરેગા (MNREGA) જોબ કાર્ડ જેવી સેવાઓ મેળવી શકે છે.પલસાણા ગ્રામ પંચાયતના આ વિકાસ બાબતે સરપંચ પ્રવીણભાઈ પી. આહીરે જણાવ્યું, “અમારા ગામમાં મૂળભૂત સુવિધાઓ ઉપરાંત, મેં એક પહેલ તરીકે ગ્રામ પંચાયતની વેબસાઈટ વિકસાવી છે. જેના પર નાગરિકો સફાઈ, વીજળી કે પાણી જેવી સમસ્યાઓનો ફોટો અપલોડ કરી શકે છે અને પંચાયત તાત્કાલિક તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.”તલાટી પિનાક મોદી કહે છે, ઈ-ઓળખ પોર્ટલ દ્વારા ગામમાં જન્મ-મૃત્યુનું રજીસ્ટ્રેશન તાત્કાલિક થાય છે અને વેરિફિકેશન બાદ તરત જ પ્રમાણપત્ર ઇશ્યૂ કરવામાં આવે છે.

પલસાણામાં વેરો પણ ડિજિટલ માધ્યમથી ભરવામાં આવે છે. ગ્રામસુવિધા પોર્ટલ દ્વારા ટેક્સની ડિમાન્ડ જનરેટ થાય છે, જેની જાણ મોબાઈલ દ્વારા નાગરિકોને કરવામાં આવે છે. હવે ગ્રામજનો UPI અને QR કોડ દ્વારા સંપત્તિ વેરો અને અન્ય ટેક્સ સરળતાથી ભરી શકે છે.

શિક્ષણ ક્ષેત્રે પણ ગામ આગળ વધી રહ્યું છે. અહીંની શાળાઓમાં બાળકોને સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા વિડીયો આધારિત શિક્ષણ આપવામાં આવે છે. સુરક્ષાની દ્રષ્ટિએ, ગામના તમામ વિસ્તારોમાં CCTV દ્વારા નજર રાખવામાં આવે છે, જેનું લાઈવ મોનિટરિંગ ગ્રામ પંચાયત કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશન બંનેથી શક્ય છે. પરિણામે અપરાધમાં ઘટાડો થયો છે અને ગામ વધુ સુરક્ષિત બન્યું છે.

ડિજિટલ સાક્ષરતાનો અભાવ અને બજેટની તંગી જેવાં પડકારોનો સામનો કરવા માટે, ગ્રામ પંચાયત દ્વારા જાગૃતિ કાર્યક્રમો, નાણાકીય સહાય, હેલ્પડેસ્ક અને વિવિધ સ્થળોએ QR કોડ મૂકવા જેવી પહેલ કરાઈ છે, જેનાથી ગામમાં ડિજિટલ જાગૃતિ આવી છે.

પલસાણા ગ્રામ પંચાયત સુશાસન, પારદર્શિતા અને નાગરિકોની સહભાગીદારી સાથે “ગુડ ગવર્નન્સ”નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ભારત વિશે વાહિયાત નિવેદન આપ્યું

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ભારત વિશે વાહિયાત નિવેદન આપ્યું છે. આફ્રિદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે જ્યારે મોદી સરકાર ‘હિન્દુ-મુસ્લિમ કાર્ડ’ રમી રહી છે તેના પર હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે.

તેમણે એશિયા કપ 2025 દરમિયાન હાથ ન મિલાવવાના વિવાદ પર ભારતીય ટીમ અને BCCI પર પણ નિવેદન આપ્યું છે. આફ્રિદીએ એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર કહ્યું હતું કે ભારતની વર્તમાન સરકાર ધર્મના નામે રાજકારણ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે જો ભાજપ સત્તામાં રહેશે તો આવી રાજનીતિ ચાલુ રહેશે.

આફ્રિદીએ રાહુલની પ્રશંસા કરી હતી

આ દરમિયાન તેમણે ભારત વિશે કહ્યું હતું કે ભારત આગામી ઇઝરાયલ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનાથી વિપરીત, તેમણે રાહુલ ગાંધીની વિચારસરણીને સકારાત્મક ગણાવી હતી. આફ્રિદીએ કહ્યું હતું કે રાહુલ સંવાદ ઇચ્છે છે અને બધાને સાથે રાખવા માંગે છે.

જોકે, આફ્રિદીના નિવેદન પર જ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણ કે પાકિસ્તાન પર જ આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભારતનું વલણ સ્પષ્ટ રહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ થશે જ્યારે તે આતંકવાદથી દૂર રહેશે.

ભારતીય ખેલાડીઓએ હાથ મિલાવ્યા ન હતા

રવિવારે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. મેચ પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવાનો ઇનકાર કર્યો હતો. એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકોના સમર્થનમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારતીય ચાહકો પહેલાથી જ પાકિસ્તાન સાથે રમવાની વિરુદ્ધમાં હતા, પરંતુ BCCIએ સરકારી નીતિ મુજબ મેચ રમી હતી. જોકે, ભારતીય ખેલાડીઓએ પોતાની રીતે વિરોધ કર્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આનાથી ગુસ્સે થયું અને ICC ને ફરિયાદ કરી.

ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણને ઘૂસણખોર જાહેર કર્યો

અમદાવાદઃ હાઈકોર્ટે ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પાઠાનને વડોદરામાં સરકારી જમીન પર ઘૂસણખોરી કરનાર જાહેર કર્યો છે. વિવાદિત જમીન ખાલી કરવાનો આદેશ આપતાં કોર્ટે જણાવ્યું છે કે પ્રસિદ્ધ હસ્તીઓ કાયદાથી ઉપર ના હોઈ શકે અને તેમને છૂટ આપવી ખોટી પરંપરા સ્થાપિત કરે છે.

પ્રસિદ્ધ હસ્તીઓને છૂટ આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે: હાઈકોર્ટ

ન્યાયમૂર્તિ મોના ભટ્ટની સિંગલ બેન્ચે ગયા મહિને આ ચુકાદો આપ્યો હતો, જેમાં યુસુફ પઠાણની વડોદરાના તંદલજા વિસ્તારમાં આવેલા તેમના બંગલાને લગતી સરકારી જમીન પર કબજો રાખવાની અરજીને નામંજૂર કરી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતોનો હવાલો આપતાં જણાવ્યું હતુ કે કાનૂની મામલામાં પ્રસિદ્ધ હસ્તીઓને છૂટ આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને કાયદાના શાસનને નબળું પાડે છે.

જનતાનો વિશ્વાસ ઓછો થશે: હાઈકોર્ટ

હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રતિનિધિ અને જાહેર વ્યક્તિત્વ તરીકે યુસુફ પઠાણની કાયદાનું પાલન કરવાની જવાબદારી વધુ છે. પ્રસિદ્ધ હસ્તીઓ પોતાની લોકપ્રિયતા અને જનતામાં હાજરીને કારણે લોકોના વર્તન અને સામાજિક મૂલ્યો પર ઊંડો પ્રભાવ પાડે છે. કાયદાનું ઉલ્લંઘન કરવા છતાં આવા લોકોને રાહત આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને ન્યાયિક વ્યવસ્થામાં જનતાનો વિશ્વાસ ઘટે છે.

2012થી વિવાદ

આ વિવાદ 2012માં શરૂ થયો હતો, જ્યારે વડોદરા મહાનગરપાલિકાએ (VMC) યુસુફ પઠાણને નોટિસ આપી જમીન ખાલી કરવાની સૂચના આપી હતી. યુસુફ પઠાણ 2012થી જ આ જમીન પર કબજો જાળવી રહ્યો હતો તેણે આ નોટિસને પડકારી હતી અને હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. જોકે કોર્ટે માન્યું કે જમીન પર તેમનો ગેરકાયદે કબજો છે.

નિર્માતાઓને હું હંમેશાં વિલન જ લાગુ છું: મનોજ બાજપેયી

અભિનેતા મનોજ બાજપેયી એ ઇન્ડસ્ટ્રીમાં ટાઇપકાસ્ટિંગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે અભિનેત્રી તિલોત્તમા શોમને પણ આ પ્રકારની ભૂમિકાઓ મળવા પર નારાજગી વ્યક્ત કરી છે.

અભિનેતા મનોજ બાજપેયી તેમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મો ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ અને ‘જુગનુમા- ધ ફેબલ’ માટે સમાચારમાં છે. હવે અભિનેતાએ ટાઇપકાસ્ટ હોવા અને એક જ પ્રકારની ભૂમિકાઓ મળવા અંગે વાત કરી છે. તેમણે ‘જુગનુમા- ધ ફેબલ’ ના તેમના સહ-અભિનેત્રી તિલોત્તમા શોમને સતત એક જ પ્રકારની ભૂમિકાઓ આપવામાં આવી રહી છે તે અંગે પોતાનો અભિપ્રાય અને નારાજગી પણ વ્યક્ત કરી છે.

ન્યૂઝ 18 સાથેની વાતચીત દરમિયાન મનોજ બાજપેયીએ કહ્યું કે નિર્માતાઓ સામાન્ય રીતે એવું વિચારે છે કે હું ફક્ત ખલનાયકની ભૂમિકાઓ જ ભજવી શકું છું. તો બીજી બાજુ મોનસૂન વેડિંગથી અભિનય કારકિર્દી શરૂ કર્યા પછી તિલોત્તમાને નોકરાણીની ભૂમિકાઓમાં ટાઇપકાસ્ટ કરવામાં આવી હોવા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે મને તે ખૂબ જ સુંદર લાગે છે. તેના ચહેરામાં શું સમસ્યા છે? આ કોઈ પણ અભિનેતાનો વાંક નથી. આપણે આ સમજવાની જરૂર છે. દર વખતે જ્યારે તેને નોકરાણી અથવા તેના જેવી ભૂમિકાઓ જ આપવામાં આવે છે.

અભિનેતાએ વધુમાં ઉમેર્યું કે જો હું જેવો છું તેવો જ દેખાઉં છું, તો તે મારી ભૂલ નથી. જો કોઈ મારી પાસે ફક્ત ખલનાયકની ભૂમિકાઓ લઈને આવે છે, તો તે મારી ભૂલ નથી. તે ફિલ્મ નિર્માતા અથવા મને આ ભૂમિકાઓ ઓફર કરનાર વ્યક્તિની દૂરંદેશીનો અભાવ છે. મારી નજરમાં, હું ખૂબ જ સુંદર છું, પરંતુ તેઓ સ્ટીરિયોટાઇપ્સમાં એટલા બંધાયેલા છે કે તેઓ વિચારે છે કે મારા જેવી વ્યક્તિ ફક્ત ખલનાયક જ હોઈ શકે છે. મને મારા વિશેના તેમના વિચારો અપમાનજનક નથી લાગતા. તેના બદલે, હું તેમના પર અને ફિલ્મો અને કલાકારો જોવાની તેમની મર્યાદિત ક્ષમતા પર હસી પડું છું. હું ખરેખર સુંદર દેખાઉં છું. તે ફક્ત એટલું જ છે કે તેઓ મારામાં તે સુંદરતા જોતા નથી.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, મનોજ બાજપેયી તાજેતરમાં ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ અને ‘જુગનુમા – ધ ફેબલ’માં જોવા મળ્યા છે. OTT પર રિલીઝ થયેલી ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ને વિવેચકો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી અને લોકોને તે ગમ્યું પણ હતું. તે જ સમયે, ‘જુગનુમા – ધ ફેબલ’ ને પણ વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.