Home Blog Page 604

આનંદોઃ મધર ડેરી દ્વારા દૂધ, પનીર, છાસ અને ઘીની કિંમતોમાં ઘટાડો

નવી દિલ્હીઃ મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો કાપ કરવાનો એલાન કર્યું છે. આ નિર્ણય કંપનીએ તાજેતરમાં સરકારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં કરેલા કાપનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કર્યો છે. મધર ડેરીએ માત્ર દૂધના ભાવમાં જ નહીં, પરંતુ અન્ય ઉત્પાદનોના ભાવમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આથી ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાવાળા ડેરી પ્રોડક્ટ્સ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.

મધર ડેરીએ માત્ર દૂધ જ નહીં પરંતુ દહીં, છાશ, પનીર જેવાં અન્ય ડેરી ઉત્પાદનોના ભાવમાં પણ થોડીક હદ સુધી ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. કંપનીએ સંકેત આપ્યો છે કે તે તમામ ઉત્પાદનોની કિંમતોના નવા ટેક્સ ઢાંચા મુજબ પુનઃમૂલ્યાંકન કરી રહી છે. તેનો હેતુ ગ્રાહકોને સારી કિંમતે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ પહોંચાડવાનો છે. ટૂંક સમયમાં આ ઉત્પાદનોના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે, જેને કારણે ગ્રાહકોને લાભ થશે.કંપની મુજબ આ કિંમતોમાંનો બદલાવ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે, જેને કારણે ગ્રાહકોને તેનો લાભ ઝડપથી મળશે. મધર ડેરી હંમેશાંથી જ ગ્રાહકોને ગુણવત્તાસભર અને તાજગીભર્યા પ્રોડક્ટ્સ આપવા માટે પ્રતિબદ્ધ રહી છે અને આ ઘટાડાથી સામાન્ય લોકોની આર્થિક સ્થિતિ પર પણ સકારાત્મક અસર પડશે.

GST માં થયેલા આ કાપ બાદ અનેક ગ્રાહક વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે, અને મધર ડેરીએ તેને એક સારી તક માનીને ઉત્પાદનોના ભાવ ઓછા કર્યા છે જેથી ગ્રાહકોને રાહત મળી શકે. આ પગલાથી ગ્રાહકો પોતાની રોજિંદી જરૂરિયાતો સારા ભાવે પૂરી કરી શકશે, જે હાલના સમયમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

મધર ડેરી: ડેરી પ્રોડક્ટ્સ પર નવા GST દરો

દૂધ (ટેટ્રા પેક): પહેલાં 5 ટકા, હવે 0 ટકા

પનીર: પહેલાં 5 ટકા, હવે 0 ટકા

ઘી: પહેલાં 12 ટકા, હવે 5 ટકા

* **માખણ:** પહેલાં 12%, હવે 5%

ચીઝ: પહેલાં 12 ટકા, હવે 5 ટકા

મિલ્કશેક: પહેલાં 12 ટકા, હવે 5 ટકા

આઇસ્ક્રીમ: પહેલાં 18 ટકા, હવે 5 ટકા

દિવાળી ગિફટઃ CM નીતીશનું વિદ્યાર્થીઓને વ્યાજમુક્ત લોન આપવાનું એલાન

પટનાઃ બિહાર સરકારે જાહેરાત કરી છે કે 12મીની બોર્ડ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ માટે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ વગર વ્યાજની લોન આપવામાં આવશે. અગાઉ સામાન્ય વર્ગના પુરુષ અરજદારોને ચાર ટકા વ્યાજે અને મહિલા, દિવ્યાંગ તથા ટ્રાન્સજેન્ડર અરજદારોને એક ટકા વ્યાજે ચાર લાખ રૂપિયા સુધીની શૈક્ષણિક લોન આપવામાં આવતી હતી.

CM નીતીશકુમારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હવે તમામ અરજદારો માટે લોન સંપૂર્ણપણે વ્યાજમુક્ત રહેશે. બિહાર સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના બીજી ઓક્ટોબર, 2016થી અમલમાં છે. કુમારે કહ્યું છે કે બે લાખ રૂપિયા સુધીની લોન 60 માસિક હપતામાં ચૂકવવાની જોગવાઈ હતી, જેને હવે વધારીને વધુમાં વધુ 84 માસિક હપતા સુધી કરવામાં આવી છે.તેમણે જણાવ્યું હતુ કે બે લાખ રૂપિયાથી વધુ લોન માટે ચુકવણીના સમયગાળા 84 માસિક હપતાથી વધારીને વધુમાં વધુ 120 માસિક હપતા કરવામાં આવી છે.

નીતીશકુમારે કહ્યું હતુ કે તેમની સરકારનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. આ નિર્ણયો વિદ્યાર્થીઓનો મનોબળ વધારશે અને તેઓ વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે, જેને કારણે માત્ર તેમનું નહીં, પરંતુ રાજ્ય અને દેશનું ભવિષ્ય પણ ઘડાશે. તેમણે કહ્યું કે અમારો હેતુ એ છે કે રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. શિક્ષણ લોનમાં આપવામાં આવતી આ સવલતો વિદ્યાર્થીઓના મનોબળમાં વધારો કરશે.

EDએ અભિનેતા સોનુ સૂદને મોકલ્યુ સમન્સ, જાણો સમગ્ર મામલો

બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મોમાં શાનદાર અભિનય અને વાસ્તવિક જીવનમાં ગરીબોના મસીહા તરીકે જાણીતા સોનુ આ વખતે એક ગંભીર બાબતને કારણે ચર્ચામાં આવ્યા છે.

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા, ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તી, ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના અને યુવરાજ સિંહ પછી, હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન અંગે સોનુ સૂદ ED ની તપાસ હેઠળ આવ્યા છે.

EDએ સોનુ સૂદને 24 સપ્ટેમ્બરે દિલ્હી સ્થિત તેના મુખ્યાલયમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. એજન્સીનું માનવું છે કે તેનો એક ઓનલાઈન પ્લેટફોર્મ સાથે પ્રમોશનલ સંબંધ હતો જે ભારતમાં પ્રતિબંધિત છે. આ એપ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ છે. તપાસ એજન્સી તપાસ કરી રહી છે કે સેલિબ્રિટી અને ખેલાડીઓના બ્રાન્ડિંગથી આ એપને કેટલી હદ સુધી ફાયદો થયો અને શું તેનાથી સંબંધિત ચુકવણી નિયમોનું ઉલ્લંઘન થયું છે.

ટ્રમ્પના ટેરિફથી કાર્પેટ ઉદ્યોગ મુશ્કેલીમાં: સાત લાખ પરિવારો સંકટમાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે ભરખમ શૂલ્કે નિકાસ આધારિત ઘણા ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ સૌથી મોટો આંચકો ઉત્તર પ્રદેશના કાર્પેટ ઉદ્યોગને લાગ્યો છે. રાજ્યની ‘કાર્પેટ બેલ્ટ’ કહેવાતા ભદોહી-મિર્ઝાપુરમાં મહિનાથી અનેક કાર્પેટ કારખાનાં પર તાળાં લાગી ગયાં છે અને થોડામાં માત્ર નામમાત્રનું કામ ચાલી રહ્યું છે.

અમેરિકા જ છે મુખ્ય બજાર

ભદોહીના હાથથી બનેલા કાર્પેટની માગ અમેરિકાના બજારમાં એટલી વધુ હતી કે સેકડો વેપારીઓ માત્ર ત્યાંના ઓર્ડરથી જ સારી કમાણી કરી રહ્યા હતા, પરંતુ ‘ટ્રમ્પ ટેરિફ’ને કારણે ભદોહી-મિર્ઝાપુરના કાર્પેટ વેપારીઓના અંદાજે રૂ. 2500 કરોડના અમેરિકન ઓર્ડર અટવાઈ ગયા છે અને નિરાશ કારખાનેદારો મજૂરોને છોડી રહ્યા છે. પરિણામે, કાર્પેટના ધંધા સાથે જોડાયેલા લગભગ સાત લાખ પરિવારોની રોજીરોટી પર સંકળનાં વાદળો ઘેરાયાં છે.

દેશમાંથી દર વર્ષે અંદાજે રૂ. 17,000 કરોડના હાથથી બનેલા કાર્પેટ અમેરિકા અને બીજા દેશોમાં જાય છે. જેમાંથી રૂ. 10,500 કરોડના કાર્પેટ માત્ર ભદોહી-મિર્ઝાપુરમાંથી જ જાય છે. એમાંથી પણ રૂ. 6000થી રૂ. 6500 કરોડનો એટલે કે 60 ટકા માલ અમેરિકન બજારમાં જ વેચાય છે. ભદોહી-મિર્ઝાપુરના હાથથી બનેલા કાર્પેટ એટલા કીમતી હોય છે કે દેશમાં તેનું બજાર લગભગ નહિંવત્ છે. હાથથ બનેલા કાર્પેટમાંથી માત્ર બે ટકા જ ભારતીય બજારમાં આવે છે.

પીક સીઝનમાં આંચકો

હાથથી બનેલા કાર્પેટની સીઝન વર્ષે માત્ર ત્રણ મહિના હોય છે. અમેરિકન બજાર ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કાર્પેટ મગાવે છે, જેને બનાવવાનું કામ મે-જૂનથી જ શરૂ થાય છે. આ વર્ષે એપ્રિલથી જ અનિશ્ચિતતા હતી અને તે સમયે આવેલા ઓર્ડર  તો રદ થઈ રહ્યા છે કે પછી નુકસાન ભોગવીને માલ પહોંચાડવા કહેવામાં આવી રહ્યું છે.

વેપારી રાજેશ મિશ્રાના જણાવ્યા અનુસાર હાથથી બનેલા કાર્પેટ પર પહેલા માત્ર 7% શુલ્ક હતું, જે એપ્રિલમાં 25% કરવામાં આવ્યું અને હવે 50% થઈ ગયું છે. એટલા ભારે શુલ્ક પર જૂના ઓર્ડર પૂરાં કરવાનું મુશ્કેલ છે.

પ્રખ્યાત ગીતકાર બોબી હાર્ટનું 86 વર્ષની વયે કેલિફોર્નિયામાં નિધન

ધ મંકીઝ પોપ બેન્ડના સુપ્રસિદ્ધ ગીતકાર અને નિર્માતા બોબી હાર્ટનું 86 વર્ષની વયે અવસાન થયું છે.

પ્રખ્યાત ગીતકાર બોબી હાર્ટનું નિધન થયું છે. આ ગીતકાર પ્રખ્યાત બોયસ અને હાર્ટ ગીતલેખન જોડીનો ભાગ હતા. તેઓ ‘ધ મંકીઝ’ માટે “આઈ વોના બી ફ્રી” અને “લાસ્ટ ટ્રેન ટુ ક્લાર્ક્સવિલે” જેવા કેટલાક સૌથી મોટા હિટ ગીતો માટે જાણીતા હતા. માહિતી અનુસાર, ગીતકારનું 86 વર્ષની વયે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં તેમના ઘરે અવસાન થયું.

ડોન કિર્શનર દ્વારા ટેલિવિઝન માટે બનાવેલા ગ્રુપ ‘ધ મંકીઝ’ના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર ભાવનાત્મક શ્રદ્ધાંજલિ સાથે આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ખૂબ જ દુઃખદ સમાચાર, બોબી હાર્ટ ગીતકાર દંતકથા જે મંકીઝના ઘણા ગીતો માટે જવાબદાર જોડીનો ભાગ હતા તેમનું અવસાન થયું છે. તેમના સાથી ટોમી બોયસ સાથે, બોબીએ “આઈ વોના બી ફ્રી”, “લાસ્ટ ટ્રેન ટુ ક્લાર્ક્સવિલે” અને અન્ય ઘણા ટ્રેક જેવા આઇકોનિક ‘મંકીઝ’ થીમ્સ લખ્યા હતા. આ ઉપરાંત, તેમણે લિટલ એન્થોની અને ધ ઇમ્પિરિયલ્સ માટે “હર્ટ્સ સો બેડ” જેવા હિટ ગીતો સાથે સોલો ગીતલેખનનું કામ પણ કર્યું. તેમને તેમની અદ્ભુત પ્રતિભા અને સ્વયંસ્ફુરિતતા માટે યાદ કરવામાં આવશે.’

બોબી હાર્ટનો જન્મ 18 ફેબ્રુઆરી, 1939 ના રોજ થયો હતો. તેમણે પોતાની કારકિર્દીમાં ન્યૂ એડિશન જેવા કલાકારો સાથે સહયોગ કર્યો હતો અને ટેન્ડર મર્સીઝના ઓસ્કાર-નોમિનેટેડ ગીત “ઓવર યુ” માં પણ યોગદાન આપ્યું હતું. હાર્ટના ભાગીદાર ટોમી બોયસનું 1994 માં અવસાન થયું હતું, પરંતુ 2014 ની દસ્તાવેજી “ધ ગાય્સ હુ રાઈટ ‘એમ” માં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. હાર્ટના પરિવારમાં તેમની પત્ની મેરી એન હાર્ટ છે અને તેમના બે બાળકો છે. ગીતકારના જવાથી સંગીત જગતમાં એક ખાલીપો છવાઈ ગયો છે.

EDએ ભૂતપૂર્વ CM બઘેલના પુત્ર સામે ચાર્જશીટઃ રૂ. 1000 કરોડના કૌભાંડનો આક્ષેપ

નવી દિલ્હીઃ EDએ સોમવારે છત્તીસગઢમાં થયેલા કરોડોના ‘દારૂ કૌભાંડ’માં નવી ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ રાયપુરની એક અદાલતમાં દાખલ કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યને આરોપી બનાવવામાં આવ્યો છે. એજન્સીનો દાવો છે કે ચૈતન્યએ આ કૌભાંડમાંથી રૂ. 1000 કરોડથી વધુની ‘ગુનાહિત આવક’નું મેનેજમેન્ટ કર્યું હતું.

ચાર્જશીટમાં લગાવાયા ગંભીર આક્ષેપ

આ કેસમાં ED દ્વારા દાખલ કરાયેલો આ ચોથો આરોપપત્ર છે, જે 7039 પાનાંનું છે. આરોપપત્ર સાથે ડિજિટલ તથા અન્ય પુરાવાઓ પણ જમા કરવામાં આવ્યા છે. ચૈતન્ય બઘેલે કૌભાંડથી પ્રાપ્ત થયેલા રૂ. 1000 કરોડથી વધુની રકમનો ઉપયોગ પોતાના બિઝનેસમાં કર્યો હતો, એમ EDના વકીલ સૌરભ કુમાર પાંડેએ જણાવ્યું હતું EDને તેના દ્વારા કથિત રીતે વપરાયેલા રૂ. 22 કરોડની ‘ગુનાહિત આવક’ના મજબૂત પુરાવા મળ્યા છે. ચૈતન્યને 18 જુલાઈએ તેના ભિલાઈ સ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં એજન્સીએ દાવો કર્યો હતો કે ચૈતન્યએ રિયલ એસ્ટેટ ફર્મનો ઉપયોગ કરીને રૂ. 16.7 કરોડની રોકડ રકમ પોતાની એક પ્રોજેક્ટમાં લગાવી હતી.

શું છે છત્તીસગઢનું ‘દારૂ કૌભાંડ’?

આક્ષેપ છે કે રૂ. 2100 કરોડથી વધુનું આ કૌભાંડ વર્ષ 2018-2023 દરમિયાન કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં થયું હતું. EDનું કહેવું છે કે આ કૌભાંડ 2019થી 2022 વચ્ચે કરવામાં આવ્યું હતું અને કથિત રીતે ઉપજાવાયેલા કમિશનને ‘રાજ્યના ઉચ્ચતમ રાજકીય અધિકારીઓના નિર્દેશ મુજબ’ વહેંચવામાં આવ્યું હતું. આ કેસમાં EDએ પૂર્વ મંત્રી કવાસી લખમા, અનવર ઢેબર અને પૂર્વ IAS અધિકારી અનિલ ટુટેજા સહિત અનેક લોકોને ધરપકડ કરી છે. જોકે ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલે કેન્દ્રની એજન્સીઓ પર વિરોધી નેતાઓને નિશાન બનાવવાનો આક્ષેપ કર્યો છે, પરંતુ ન્યાયપાલિકા પર વિશ્વાસ વ્યક્ત કરીને તપાસમાં સહકાર આપવાની વાત પણ કરી છે.

દહેરાદૂનમાં વાદળ ફાટ્યું: હિમાચલ પ્રદેશમાં બારે મેઘ ખાંગા

દહેરાદૂનઃ દહેરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટતાં ભારે વિનાશ વેરાયો છે. અત્યાર સુધી બે લોકો લાપતા થયા છે અને અનેક ઘરો તથા હોટેલોને નુકસાન થયું છે. હવામાનના મારથી ઉત્તરાખંડમાં લોકોનું જીવન ઘણું મુશ્કેલ બની ગયું છે, આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દહેરાદૂનના એક મુખ્ય બજારમાં વાદળ ફાટ્યા પછી ઘણો કચરો નીચે વહી ગયો, એક માર્કેટમાં તો સાતથી આઠ દુકાનો સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. આ વાદળ ફાટવાને કારણે આશરે 100 જેટલા લોકો ફસાઈ ગયા હતા જેમને ઘણી મહેનત બાદ સ્થાનિક લોકોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતાહવામાન વિભાગનો અંદાજ છે કે મંગળવારે ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ સુધી ભારે વરસાદ પડશે, અનેક જિલ્લાઓ માટે તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશના મંડીમાં જળ પ્રલય

ધર્મપુર: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ગઈ સાંજથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. તેની અસરથી એક તરફ કુલુથી આવી રહેલી વ્યાસ નદી ખતરાના નિશાન પર હતી તો બીજી તરફ વરસાદને કારણે સ્થાનિક નદીઓ અને નાળાઓમાં છલકાયા હતા. ધર્મપુર બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું. એ દરમિયાન ઘણી બસો પણ ડૂબી ગઈ. પાણીના તેજ પ્રવાહમાં અનેક વાહનો પણ વહી ગયાં છે અને ડઝનો દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

ધર્મપુરમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળે છે. જ્યા જુઓ ત્યાં વિનાશનાં દ્રશ્યો સ્પષ્ટ નજરે પડે છે. દુકાનો, બસો ડૂબેલી દેખાઈ રહી છે. પાણી ઘટ્યા પછી બસો કચરામાં ફેરવાઈ ગયેલી દેખાઈ છએ, જ્યારે દુકાનોની હાલત પણ ખરાબ દેખાઈ રહી છે। લોકો આ વિનાશના વિડિયો સોશિયલ મિડિયામાં પણ શેર કરી રહ્યા છે અને ઈશ્વર પાસે જલદી બધું સારું થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.

Who called Gujarati film star Hiten Kumar a ‘duffer’? Hiten Kumar gets candid…

‘મકબૂલ’ માં કેકે મેનનને બદલે ઈરફાન ખાન આવ્યા! 

શબાના આઝમી જેવા જાણીતા કલાકાર હોવા છતાં બાળ ફિલ્મ ‘મકડી’ (2002) ને વેચવા માટે નિર્દેશક વિશાલ ભારદ્વાજને કેટલીય જગ્યાએ ચક્કર કાપવા પડ્યા હતા. નિર્દેશક અભિષેક ચૌબેએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘મકબૂલ’ (2004) બનાવવાનું સરળ ન હતું. કેમકે ‘મકડી’ બની ગઈ હતી પણ વેચાઈ રહી ન હતી. વિશાલ અને અભિષેક કારની ડિકીમાં ‘મકડી’ ની ફિલ્મ રીલ્સ મૂકીને હાથમાં ‘મકબૂલ’ ની સ્ક્રિપ્ટ લઈને એકથી બીજા પ્રોડકશન હાઉસની ઓફિસમાં ફરતા હતા. તેઓ વિનંતી કરતાં હતા કે ‘મકડી’ ખરીદી લો અથવા એમ ના કરવું હોય તો ‘મકબૂલ’ બનાવો.

છ મહિનાની દોડધામ પછી એક સમય એવો આવ્યો કે નિર્માતા બોબી બેદીને ‘મકબૂલ’ ની સ્ક્રિપ્ટ પસંદ આવી ગઈ અને એને બનાવવા માટે મંજૂરી આપી દીધી. એ સાથે ‘મકડી’ ના ખરીદનાર પણ મળી ગયા. ‘મકબૂલ’ ની સ્ક્રિપ્ટ વિલિયમ શેક્સપિયરની રચના ‘મકબેથ’ પરથી તૈયાર કરવામાં આવી હતી. વિશાલ ભારદ્વાજે અબ્બાસ ટાયરવાલા સાથે મળીને ‘મકબૂલ’ ની અડધી સ્ક્રિપ્ટ તૈયાર કરી રાખી હતી. અભિષેકે એ રચના અગાઉ વાંચી હોવાથી એને ગમી હતી. ફિલ્મમાં જહાંગીર ખાન ‘અબ્બાજી’ ની ભૂમિકા માટે પહેલાં નસીરુદ્દીન શાહને પસંદ કરવામાં આવ્યા હતા. જે પછી પંકજ કપૂરે ભજવી હતી.

ફિલ્મના કલાકારોની પસંદગીની પ્રક્રિયા વખતે નસીરે વિશાલ સાથે બેસીને ઘણો સહયોગ આપ્યો હતો. પહેલાં વિશાલ અને અભિષેકનું એવું આયોજન હતું કે ઈરફાન ખાન અને વિનીત સિંહ ‘પંડિત’ અને ‘પુરોહિત’ ની ભૂમિકા કરશે. પણ નસીરે સૂચન કર્યું કે તે ‘પુરોહિત’ તરીકે અને ઓમ પુરી ‘પંડિત’ની ભૂમિકામાં યોગ્ય રહેશે. નસીરનું કહેવું હતું કે ‘અબ્બાજી’ જેવી ગેંગસ્ટરની ભૂમિકા ઘણી વખત કરી છે. હવે એમાં રસ નથી. અને ઓમ આવી જાય તો હું ઈન્સ્પેકટર પુરોહિત અને ઓમ ઈન્સ્પેકટર પંડિતની ભૂમિકામાં આવીશું તો કંઈક નવું લાગશે. કેમકે એમને અભિનેતા તરીકે બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. જો આ બદમાશ પ્રકારની ભૂમિકા ભજવીશું તો મજા આવશે.

નસીરે ‘અબ્બાજી’ ની ભૂમિકા છોડી એટલે એ માટે શશી કપૂરનું નામ વિચારવામાં આવ્યું હતું. કેમકે એમણે અગાઉ ‘મુહાફિઝ’ કરી હતી. પરંતુ છેલ્લે પંકજ પર પસંદગી ઉતરી હતી. ટાઇટલ ભૂમિકા ‘મિયાં મકબૂલ’ માટે કેકે મેનન પસંદ થઈ ચૂક્યા હતા. એ જોડાયા પછી ફિલ્મનું નિર્માણ શરૂ કરવામાં થોડું મોડું થયું. તારીખો આગળ વધતી ગઈ. મેનનની પાસે બીજી ફિલ્મો હતી અને ‘મકબૂલ’ ની તારીખો નક્કી થઈ ત્યારે એ એમને ફાવે એમ ન હતી.

આ બધું ચાલતું હતું ત્યારે તિગ્માંશુ ધુલિયાની ઈરફાન ખાન સાથેની ફિલ્મ ‘હાસિલ’ (2003) નો પ્રિમિયર યોજાયો. એ ફિલ્મ જોયા પછી ઘરે પહોંચતા પહેલાં જ વિશાલ અને અભિષેકે નક્કી કરી લીધું કે ઈરફાન જ ‘મકબૂલ’ તરીકે યોગ્ય રહેશે. ઇરફાનને બોલાવવામાં આવ્યા અને એમણે વિશાલને હા પાડી દીધી. તબ્બુ પહેલાંથી જ ‘નિમ્મી’ તરીકે નક્કી હતી અને એમાં કોઈ ફેરફારની જરૂર ન હતી. ‘મકબૂલ’ બહુ ઓછા બજેટની ફિલ્મ હતી છતાં વિશાલને જાણીતા કલાકારો મળી ગયા અને કેટલીક સમસ્યાઓ આવી પરંતુ રજૂ થયા પછી બોલિવૂડની એક યાદગાર કલ્ટ ફિલ્મ બની ગઈ હતી.

 

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫