Home Blog Page 626

GST-2.0ના નવા સુધારાઓથી સામાન્ય લોકોને શું ફાયદો થશે?

GST-2.0ના તાજેતરના સુધારાઓ દેશના અર્થતંત્ર અને સામાન્ય લોકોના જીવન પર નોંધપાત્ર અસર કરશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ સુધારાઓથી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો, નિઃશુલ્ક વીમા પ્રીમિયમ, અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ના ફેરફારો એ ગ્રાહકો અને વેપારીઓ માટે નવી ઉમંગ લાવી છે. આ વિષય પર અમે રિટાર્યડ IAS ઓફિસર ડૉ. પી. ડી. વાઘેલા સાથે વાત કરી, કે જેઓ નેશનલ લેવલના GST લૉ એન્ડ GST ફિટમેન્ટ કમિટીના કન્વીનર અને TRAIના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમણે GST-2.0ના ફાયદાઓ અને તેની અસરો પર પ્રકાશ પાડ્યો છે. અમારા ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં તેમની પાસેથી જાણીએ કે આ સુધારાઓથી સામાન્ય લોકો, ખેડૂતો, અને વેપારીઓને કેવી રીતે લાભ થશે.

ચિત્રેલખા.કોમ: GSTમાં થયેલા તાજેતરના સુધારાઓથી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પર?

ડૉ. પી. ડી. વાઘેલા: GST-2.0ના સુધારા ખરેખર ખૂબ જ સારા છે. આ સુધારાથી ખર્ચમાં જે ઘટાડો થશે તેનાથી ગ્રાહકોના હાથમાં ઈન્કમ વધશે. બચત થવાના કારણે લોકોની ખરીદ શક્તિ વધશે. પરિણામે વેપાર અને અર્થતંત્રને બહુ મોટું બુસ્ટ મળશે. ટેક્સમાં ઘટાડો કરવાથી લોકોની ટેક્સ ભરવાની વૃત્તિમાં વધારો થશે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ટેક્સ વધુ હોય તો લોકો તેની ચોરી કરવાની વૃત્તિ વધારે રાખે છે. ટેક્સમાં ઘટાડો કરવાથી લાંબાગાળે સરકારનો રેવન્યુ ગ્રોથ ચોક્કસથી થશે.

સામાન્ય લોકોની વાત કરીએ તો દૂધ અને દૂધની બનાવટની જે વસ્તુઓ પર ટેક્સ કાં તો નિઃશુલ્ક કરી નાખ્યો છે અથવા તો 5% કરી નાખ્યો છે. પરિણામે કમ્પોઝિટ ટેક્સ પણ લગભગ 5% થઈ જશે. કમ્પોઝિટ ટેક્સ એટલે કે કોઈ એક વસ્તુ બનાવવામાં બેથી ત્રણ વસ્તુ ભેગી થાય તો ત્રણેય અલગ-અલગ વસ્તુઓનો ટેક્સ ભેગો થઈને જે ટેક્સ બને તેને કમ્પોઝિટ ટેક્સ કહેવાય. ફૂડ આઈટમ પણ લગભગ બધી જ 5%ના સ્લેબમાં જતી રહી છે. જેના પરિણામે સામાન્ય લોકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે.

એગ્રીકલ્ચરમાં પણ મોટાભાગની વસ્તુઓ 18%ના સ્લેબમાંથી 5%ના સ્લેબમાં જતી રહી છે. જેનાથી મોટો ફાયદો થશે ખેડૂતોને પરિણામે સામાન્ય લોકોને પણ તેનો ફાયદો મળશે. એજ્યુકેશન સાથે જોડાયેલી વસ્તુઓને પણ કાં તો નિઃશુલ્ક કરી નાખવામાં આવી છે અથવા તો 5%ના સ્લેબમાં લાવવામાં આવી છે. એ પણ સામાન્ય લોકો માટે ફાયદાકારક જ વાત કહેવાય

ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ના સુધારાઓ ગ્રાહકો માટે કેવી રીતે લાભદાયી બની શકે છે?
GST-2.0ના સુધારામાં ઘણી બધી વસ્તુઓ 18% ટકામાંથી 5%માં જતી રહી છે. આથી ઘણી બધી વસ્તુઓમાં ફાઈનલ ટેક્સ સ્લેબ 5%માં આવી જશે. જેનાથી ગ્રાહકો કરતાં વેપારીઓને ઘણો બધો ફાયદો થશે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ધારો કે ઈન્વર્ટેડ હોય તો ગ્રાહકો પર તે ટેક્સ લઈ જવાની જે વૃત્તિ હોય છે તે ખતમ થઈ જશે. ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેના ઉત્પાદનમાં મિનરલ, કેમિકલ, પ્લાસ્ટિક જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઘણી બધો કાચો માલ 18%ના સ્લેબમાં હશે. એટલે ઈન્વર્ટેડ ડ્યૂટિ સ્ટ્રક્ચર થશે અને બહુ મોટાપાયે થશે. જેનાથી ગ્રાહકોને ચોક્કસથી ફાયદો થવાનો છે. મેન્યુફેક્ચરર માટે પ્રશ્ન એ થવાનો છે કે કાચો માલ 18%માં લાવ્યા છે અને મુખ્ય વસ્તુનું વેચાણ 5%માં કરવાનું છે. રિફન્ડ લેવા માટે વેપારીએ વર્કિંગ કેપિટલ વધારે રાખવી પડશે. વર્કિંગ કેપિટલ વધારે રાખવા માટે વેપારી પર વ્યાજનો ભાર આવશે. આ ભાર તે ગ્રાહકો પર કેટલો ટ્રાન્સફર કરશે એ જોવાનું રહેશે.

GST સુધારામાં જે વસ્તુઓ નિઃશુલ્ક કરવામાં આવી છે જેમ કે વીમા પ્રીમિયમ (જેમ કે હેલ્થ અથવા લાઇફ ઇન્સ્યોરન્સ) તો શું ખરેખર તેમાં રાહત મળશે?
જ્યાં-જ્યાં ઈનપુટ ટેક્સ જ્યાં 18% હશે તે સેક્ટર ગ્રાહકોને કેટલું ટ્રાન્સફર કરે છે તે જોવાનું રહેશે. લાંબાગાળે જો કે ગ્રાહકોને ફાયદો થશે. ઈન્સયોરન્સને ઉદાહરણ લઈને સમજીએ તો તેમાં કેટલાંક ટેક્સ 5% હતા, જ્યારે અન્ય કેટલાંક 18%ના સ્લેબમાં હતા. હવે વીમા પ્રીમિયમ પર ટેક્સ નિઃશુલ્ક થઈ ગયો છે. પરંતુ વીમા કંપનીઓને સર્વિસ ટેક્સ 18%નો આવે. એ સિવાય તેમને બીજી કેટલીક વસ્તુઓ લાવવાનો ખર્ચ હોય, ઓફિસ ચલાવવાનો ખર્ચ હોય. હવે વીમા કંપનીઓની એટલી ITC(ઈનપુટ ટેક્સ ક્રેડિટ) પડી રહેશે. એ કંપની માટે કોસ્ટ ગણાય. આથી સો ટકા કંપનીઓ તેમના પ્રિમીયમમાં વધારો કરશે. કેટલો કરશે તે કંપનીએ ગણતરી કરવી પડે.

GST સુધારાઓમાં ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરનો સુધારો ગ્રાહકોના ખર્ચ પર કેવી અસર કરશે?

ઘણી બધી વસ્તુઓમાં ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર બનશે જ્યારે ઘણી બધી વસ્તુઓમાં ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર નીકળી પણ જશે. ઈન્સ્યોરન્સ, મેનુફેક્ચરિંગવાળી વસ્તુઓમાં ફાઈનલ પ્રોડક્ટ પર ટેક્સ ઓછો થઈ ગયો છે. પરંતુ વેપારીને ફાઈનલ પ્રોડક્ટ બનાવવા માટે તો અનેક વસ્તુઓ લાવવી પડે છે. જે અલગ-અલગ વસ્તુઓ પર કદાચ વેપારી અલગ-અલગ ટેક્સ ચૂકવતો હશે. આવા વેપારીઓએ ખરેખર તો બેનિફિટ તો ટ્રાન્સફર કરવો જ જોઈએ. પરંતુ વેપારીઓ ટ્રાન્સફર ન કરે તો, તેના માટે એન્ટ-પ્રોફિટિયરિંગ ઓથોરિટીનું એક પ્રોવિઝન સેક્શન 171માં જોગવાઈ કરેલી છે.

એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટી શું છે, અને તે ગ્રાહકોને કેવી રીતે ટેક્સ ઘટાડાનો લાભ મળે તેની ખાતરી કરે છે?
આ ઓથોરિટી એપ્રિલ-2025માં બંધ કરવામાં આવી છે. એટલે હાલ પૂરતી તો કાર્યરત નથી. પહેલાં એક અલગ ઓથોરિટી રેવન્યુ ડિપાર્ટમેન્ટ હેઠળ જ હતી. સરકારે તેની કામગીરી કોમ્પિટિશન કમિશ્નર ઓફ ઈન્ડિયાને સોંપી દીધી હતી. પણ એમને પણ હેન્ડલિંગ કરવામાં મુશ્કેલી પડતી હતી. તો આ કામ GST એપિલેટ ટ્રિબ્યુનલને સોંપી દીધું હતું. જો કે ટ્રિબ્યુનલ તો હવે અસ્તિત્વમાં આવ્યા છે. એટલે તેમની પાસે ઘણું કામ પેન્ડિંગ પડ્યું છે. હાલ પૂરતું ગ્રાહકોને ટેક્સ ઘટાડાનો લાભ મળે છે કે નહીં તેની ખાતરી થઈ શકે તેમ નથી. ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર હોય તેવા ટેક્સમાં અને જેમાં રિફંડના ઈસ્યૂ આવતા હોય તેમાં ઓથોરિટીની જરૂર ખૂબ જ પડે છે. એવામાં આ પ્રકારની ઓથોરિટીને રિવાઈવ તો ચોક્કસથી કરવું જ જોઈએ એવું મારું માનવું છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

પાવાગઢમાં ગુડ્સ રોપવેનો તાર તૂટતાં દુર્ઘટના, 6 લોકોનાં મોત નિપજ્યા

પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ટેકરી પર મંદિરમાં ચાલી રહેલા બાંધકામ માટે વપરાતો રોપવે તૂટવાની ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

પંચમહાલમાં મોટી દુર્ઘટના ઘટી છે. પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે.


મળતી માહિતી અનુસાર, ગણેશ ચતુદર્શીના દિવસે એટલે કે આજે પાવાગઢમાં માલસામાન લઈ જવાનો ગુડ્સ રોપ-વેનો તાર અચનાક તૂટી જતાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ સાથે જ તેમણે કાર્યવાહી હાથ ધરી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગુડ્સ રોપ-વે દ્વારા લઈ જવામાં આવી રહી હતી ત્યારે અચાનક રોપવેનો તાર તૂટ્યો અને દુર્ઘટના સર્જાઈ. ઘટનાસ્થળે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

ગૂગલ પર EU એ કેમ લગાવ્યો 3.4 અબજ ડોલરનો દંડ, જાણો…

નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયને (EUએ) વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ પર ભારે-ભરખમ દંડ લગાવ્યો છે. ગૂગલ પર આ દંડ ડિજિટલ જાહેરાત સેવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકારાયો છે. EUના નિયામકોએ શુક્રવારે અમેરિકન કંપની ગૂગલ પર 2.95 અબજ યુરો એટલે કે 3.5 અબજ ડોલરનો દંડ કર્યો. આરોપ છે કે ગૂગલ ડિજિટલ જાહેરાત સેવાઓને પ્રાથમિકતા આપીને યુરોપિયન યુનિયનના સ્પર્ધા નિયમોનું ઉલ્લંઘન કરતી હતી. આ દંડનો ગૂગલે વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે તે આ દંડ સામે અપીલ કરશે. EUના આ દંડનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વિરોધ કર્યો છે. પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ ટ્રૂથ સોશિયલ પર ટ્રમ્પે તેને “અન્યાયી” ગણાવ્યો છે.

 EUનો શું છે આરોપ

યુરોપિયન કમિશનનો આરોપ છે કે ઓનલાઇન જાહેરાત બતાવવામાં ગૂગલ પક્ષપાત કરે છે. તે સ્પર્ધકોની તુલનામાં પોતાના પ્રોડક્ટ્સને ઓનલાઇન વધુ બતાવે છે. આવું કરવું સ્પર્ધા નિયમોનું ઉલ્લંઘન છે અને તેનાથી સ્પર્ધી કંપનીઓને નુકસાન થાય છે. EUનું કહેવું છે કે આવું ત્યારે બહાર આવ્યું જ્યારે વિશ્વભરમાં ઓનલાઇન સર્ચ અને એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં ગૂગલના કામકાજની તપાસ થઈ હતી.

યુરોપિયન કમિશને ગૂગલ પર સ્પર્ધકોની તુલનામાં પોતાની ટેકનોલોજીને વધારે પ્રાધાન્ય આપવાનો આરોપ લગાવ્યો છે. કમિશનનો દાવો છે કે જ્યાં ઓનલાઇન જાહેરાતો વાસ્તવિક સમયમાં ખરીદવામાં અને વેચવામાં આવે છે. આ દંડ તે સૌથી મોટા દંડોમાંનો એક છે, જે કમિશને અત્યાર સુધી સ્પર્ધા નિયમોનું ઉલ્લંઘન કરનારી ટેક કંપનીઓ પર લગાવ્યો છે.

કમિશનની કાર્યકારી ઉપપ્રમુખ ટેરેસા રિબેરાએ એક નિવેદનમાં જણાવ્યું કે નિયામકોએ ગૂગલના ભૂતકાળના સ્પર્ધા વિરોધી વર્તનને ધ્યાનમાં રાખીને વધારે દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. રિબેરાએ ટેક દિગ્ગજને ચેતવણી આપતાં કહ્યું છે કે પોતાના કામકાજના રીત-રિવાજોમાં ફેરફાર લાવવા માટેની યોજના રજૂ કરવા તેની પાસે 60 દિવસ છે. ત્યાર બાદ કમિશન પોતાની તરફથી ઉકેલ અમલમાં લાવવાનો પ્રયાસ કરશે.

સરકાર વિવિધ સેક્ટર્સ માટે રિલીફ પેકેજ લાવે એવી શક્યતા

નવી દિલ્હીઃ અમેરિકન ટેરિફથી ઝઝૂમી રહેલા ભારતના MSME એક્સપોર્ટર્સ માટે કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. સરકાર એક મેગા સપોર્ટ પેકેજ  લાવવાની છે, જેના દ્વારા નાના એક્સપોર્ટર્સને 45થી 80 અબજ ડોલર સુધીના અંદાજિત નુકસાનમાંથી રાહત મળશે, એમ અહેવાલ કહે છે.

પાંચ નવી યોજનાઓ

આ પેકેજ હેઠળ પાંચ નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે, જે કોવિડ-19 દરમિયાન શરૂ કરેલી ક્રેડિટ ગેરંટી યોજનાઓ જેવી હશે. તેનો હેતુ MSMEs ને સરળતાથી વર્કિંગ કેપિટલ  ઉપલબ્ધ કરાવવાનો, કોલેટરલ-ફ્રી લોનની મર્યાદા 10 લાખ રૂપિયા પરથી વધારીને 20 લાખ રૂપિયા કરવાની અને વ્યાજદરમાં વિશેષ રાહત આપવાનો છે.

વિવિધ સેક્ટર્સ માટે તૈયાર થશે સપોર્ટ વિન્ડો

સરકારની યોજના ઇક્વિટી ફાઇનાન્સિંગના નવા ચેનલ ખોલવાની પણ છે, જેથી કંપનીઓ દેવાંનો ભાર વધાર્યા વગર ગ્રોથ કેપિટલ મેળવી શકે. એ સાથે જ ટેક્સટાઇલ, જ્વેલરી, લેધર, એન્જિનિયરિંગ ગુડ્સ અને કૃષિ-મરીન એક્સપોર્ટ જેવાં સેક્ટર્સ માટે અલગ-અલગ સપોર્ટ વિન્ડો તૈયાર કરવામાં આવશે.

MSMEને વૈશ્વિક ઝટકાથી બચાવશે સરકાર

સરકાર GSTમાં કાપ અને ITC રિફંડ્સ ઝડપથી પૂર્ણ કરવા જેવા ટેક્સ રાહત ઉપાયો પર પણ વિચાર કરી રહી છે. તેનો સીધો ફાયદો MSMEs ને તરત જ કેશ ફ્લોમાં થશે. સરકારનું કહેવું છે કે આ પેકેજનો મુખ્ય હેતુ MSME નિકાસકારોને વર્કિંગ કેપિટલ સ્ટ્રેસ ઘટાડવાનો, રોજગાર બચાવવાનો અને તેમને નવાં બજારોમાં શિપમેન્ટ ડાયવર્સિફાય કરવાનો સમય આપવાનો છે. આ પગલું સ્પષ્ટ કરે છે કે સરકાર ભારતીય MSME ને વૈશ્વિક ઝટકાથી બચાવવા માટે તેમને મજબૂતી આપવા પૂરી રીતે તૈયાર છે.

‘ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તુ જલદી આ’

‘ગણપતિ બાપ્પા મોર્યા…’ના નાદ સાથે અનંત ચતુર્દશી પર દેશભરમાં રસ્તાઓ પર ભક્તિ અને ઉત્સાહની લહેર છવાઈ ગઈ. ભારે વરસાદ છતાં સેંકડો ભક્તો ‘ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તુ જલદી આ’ ના નારા સાથે વિસર્જન યાત્રામાં જોડાયા છે. મુંબઈની વાત કરીએ તો રંગોળી, ફૂલોની વર્ષા અને ઢોલ-નગારાં સાથે, લાલબાગ, ગણેશ ગલી સહિત ઘણા મંડળોમાંથી મૂર્તિઓ વિસર્જન માટે બહાર કાઢવામાં આવી હતી.

અનંત ચતુર્દશીના શુભ અવસર પર, શનિવારે મુંબઈના રસ્તાઓ પર ‘ઢોલ-તાશ’, રંગબેરંગી ગુલાલ અને ભક્તોની ભીડથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભારે વરસાદ છતાં, સેંકડો લોકો ખૂબ જ ભક્તિભાવથી ગણેશ વિસર્જન યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને પ્રિય બાપ્પાને વિદાય આપી રહ્યા છે. મુંબઈના લાલબાગ વિસ્તારમાં પ્રખ્યાત તેજુકાયાચા રાજા, ગણેશ ગલી અને અન્ય ઘણા મંડળોની મૂર્તિઓ વિસર્જન માટે પંડાલોમાંથી બહાર આવી હતી. ગણેશ વિસર્જનની કેટલીક સુંદર તસવીરો પર નજર કરીએ…

(Photos: IANS)

આ પાંચ રાજ્યોમાં છુપાયેલો છે 70 મિલિયન ટન ખનિજોનો ખજાનો

નવી દિલ્હીઃ દેશનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં રેર અર્થ એલિમેન્ટ્સ (Rare Earth Elements – REE) અને અન્ય મહત્વપૂર્ણ ખનિજનો વિશાળ ભંડાર હોવાનો અંદાજ છે. આ શોધ ભારત માટે આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અહીં આશરે 70 મિલિયન ટનથી વધુ ખનિજ અને REE મળવાની શક્યતા છે, એમ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) નો અહેવાલ કહે છે.

 પાંચ રાજ્યોમાં ખનિજનો ખજાનો

GSIના  રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં આ ખનિજ મોટા પ્રમાણમાં મળવાની શક્યતા છે, તેમાં ગ્રેફાઈટ, વેનાડિયમ, લિથિયમ અને કોબાલ્ટ જેવા મેટલ્સ સામેલ છે, જે બેટરી, સેમિકન્ડક્ટર અને એડવાન્સ્ડ એલોયના ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો અને નવનીકરણ ઊર્જા ટેક્નોલોજીમાં એની માગ સતત વધી રહી છે.

અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટો ગ્રેફાઈટ ભંડાર?

અરુણાચલ પ્રદેશને દેશનો સૌથી મોટો ગ્રેફાઈટ ભંડાર માનવામાં આવી રહ્યો છે, જ્યાં લગભગ 24.8 મિલિયન ટન ગ્રેફાઈટ ઉપલબ્ધ છે. આ ગ્રેફાઈટ ઉચ્ચ ગુણવત્તાવાળું છે, જે લિથિયમ-આયન બેટરી, લુબ્રિકન્ટ્સ અને એડવાન્સ્ડ કોમ્પોઝિટ્સમાં ઉપયોગી થશે. એ સાથે-સાથે અહીં વેનાડિયમ પણ મળ્યું છે, જે એરોસ્પેસ અને મોટા પાયે ઊર્જા સંગ્રહ માટે અગત્યનું છે.

 આસામ, મેઘાલયમાં REE ભંડાર

આસામના કર્બી આંગલોંગ જિલ્લામાં 28.6 મિલિયન ટન REEનો ભંડાર મળ્યો છે. જ્યારે મેઘાલયના સુંગ વેલી વિસ્તારમાં પણ રેર અર્થ એલિમેન્ટ્સની ભારે સંભાવનાઓ છે.

નાગાલેન્ડ, મણિપુરમાં નિકલ અને કોબાલ્ટ

નાગાલેન્ડ અને મણિપુરમાં નિકલ અને કોબાલ્ટ જેવા મેટલ્સ મળી આવ્યા છે. નાગાલેન્ડના ફેક જિલ્લામાં નિકલ, કોબાલ્ટ અને ક્રોમિયમનો મોટો ભંડાર મળ્યો છે, જે ભારતની બેટરી સપ્લાય ચેઇનને મજબૂત કરી શકે છે.

સૌથી સમૃદ્ધ રાજ્ય બનશે મેઘાલય

અરુણાચલ પ્રદેશના જિયોલોજી અને માઇનિંગ વિભાગના ડિરેક્ટર તાસ્સર તાલારે જણાવ્યું છે કે રાજ્યના લગભગ દરેક જિલ્લામાં ખનિજ ભંડાર છે. તેમનું માનવું છે કે જો મેઘાલયના બધા ખનિજોને બહાર કાઢવામાં આવે તો આ રાજ્ય “ભારતનું સૌથી સમૃદ્ધ રાજ્ય” બની શકે છે.

જૈન ધર્મના કાર્યક્રમમાંથી કરોડોના હીરા જડિત કળશની ચોરી

નવી દિલ્હીઃ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં જૈનોના ધાર્મિક કાર્યક્રમમાંથી કરોડોના હીરા જડિત સોનાના કળશની ચોરી થઈ છે. આ હાઈ-પ્રોફાઇલ ચોરીની ખબર મળતાં જ પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો અને તરત જ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં તક જોઈને શાતિર ચોરો કળશ ચોરતા CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.

ચોરી થયેલો કળશ કેટલો ખાસ

આ ચોરી થયેલો કળશ આ 760 ગ્રામ સોનાથી બનેલો હતો, જેમાં 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જેવાં કીમતી રત્નો જડેલાં હતાં. તેની કિંમત અંદાજે રૂ. 1 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ કાર્યક્રમમાં આવેલા વેપારી સુધીર જૈન આ કળશને રોજ પૂજા માટે લાવતા હતા. આ કીમતી કલશ ભીડભાડ દરમિયાન મંચ પરથી ગાયબ થયો હતો.

કેવી રીતે બની ઘટના?

લાલ કિલ્લો દેશના સૌથી સંવેદનશીલ અને સુરક્ષિત સ્થળોમાંનો એક છે. તેની સુરક્ષામાં CISFના જવાનો તથા જગ્યાએ-જગ્યાએ CCTV કેમેરા લગાવેલા છે. તેમ છતાં આ મોટી ચોરીની ઘટના અંજામ આપવામાં આવી હતી. પોલીસનું માનવું છે કે ચોરોની નજર આ કળશ પર પહેલેથી જ હતી. મંગળવારે જ્યારે આ કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ઘણા ગણમાન્ય વ્યક્તિઓ હાજર હતા, ત્યારે સ્વાગતની ભાગદોડનો લાભ લઈ ચોરોએ આ કાંડ અંજામ આપ્યો.

પોલીસે સંદિગ્ધની ઓળખ કરી

દિલ્હી પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. લાલ કિલ્લા પરિસરમાં લગાવેલા CCTV કેમેરાના ફુટેજ ખંગાળ્યા બાદ પોલીસે એક સંદિગ્ધની ઓળખ કરી લીધી છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીને પકડી લેવાની વાત કરી છે. લાલ કિલ્લાના 15ઓ ગસ્ટ પાર્કમાં આ ધાર્મિક અનુષ્ઠાન ચાલી રહ્યું છે, જે નવ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

લ્યો બોલો! રામ ગોપાલ વર્માએ દાઉદને પ્રેરણા ગણાવ્યો, નેટિજન્સે ઠાલવ્યો આક્રોશ

ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે તેમની ફિલ્મો માટે નહીં, પરંતુ તેમની પોસ્ટ માટે. શિક્ષક દિવસ પર દિગ્દર્શકે સોશિયલ મીડિયા પર તેમની સર્જનાત્મક યાત્રાને આકાર આપનારા અને તેમના માટે પ્રેરણાસ્ત્રોત એવા લોકોના નામોની યાદી આપી. એક તરફ, તેમણે અમિતાભ બચ્ચન, સ્ટીવન સ્પીલબર્ગ, આયન રેન્ડ, બ્રુસ લી અને શ્રીદેવી જેવા દિગ્ગજોને સલામ કરીને પોતાની પોસ્ટની શરૂઆત કરી. બીજી તરફ, તેમણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ પણ ઉમેર્યું, જેનાથી લોકો ગુસ્સે થયા.

Ram Gopal Varma.

શિક્ષક દિવસ પર એક નોંધ શેર કરતા રામ ગોપાલ વર્માએ લખ્યું, “અમિતાભ બચ્ચન, સ્ટીવન સ્પીલબર્ગ, આયન રેન્ડ, બ્રુસ લી, શ્રીદેવી અને દાઉદ ઇબ્રાહિમ સહિત તમામ મહાન લોકોને સલામ, જેમણે મને જે કંઈ છું તે બનવા અને જે પણ ફિલ્મો બનાવું તે બનાવવા માટે પ્રેરણા આપી. શિક્ષક દિવસની શુભકામનાઓ.” મોસ્ટ વોન્ટેડ ડોન અને ભારતના સૌથી કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમનો ઉલ્લેખ થતાં નેટીઝન્સમાં આક્રોશ જોવા મળ્યો. ફિલ્મ નિર્માતા પર આરોપ લગાવ્યો કે જ્યારે વાસ્તવિક ગુરુઓનું સન્માન કરવામાં આવે છે ત્યારે એક ગુનેગારને પોતાની પ્રેરણા તરીકે ગણાવે છે.

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે અને યુઝર્સે આરજીવીના શબ્દોની પસંદગીની આકરી ટીકા કરી છે. એક યુઝરે ટિપ્પણી કરી, “દાઉદના શિક્ષકને ખરેખર ગર્વ હોવો જોઈએ કારણ કે એક શિક્ષક ફક્ત દુનિયામાં ટોચ પર કેવી રીતે રહેવું તે શીખવતો નથી, પરંતુ ક્યારેક અંડરવર્લ્ડમાં કેવી રીતે રહેવું તે પણ શીખવે છે.” બીજા યુઝરે તેમને સીધો પૂછ્યું, “તમે દાઉદ ઇબ્રાહિમ પાસેથી શું શીખ્યા?” તે જ સમયે, ત્રીજા યુઝરે લખ્યું, “ઓસામા બિન લાદેનને પણ ઉમેરો… તમે દાઉદને તમારો ગુરુ કહીને પ્રેરણાની મજાક ઉડાવી રહ્યા છો.”

દાઉદની વાર્તા સાથે આરજીવીનો સંબંધ

આ પહેલીવાર નથી જ્યારે રામ ગોપાલ વર્માએ તેમના કામને દાઉદ ઇબ્રાહિમ સાથે જોડ્યું હોય. 2021 માં, ફિલ્મ નિર્માતાએ ‘ડી કંપની’નું નિર્દેશન કર્યું હતું જે દાઉદના નેતૃત્વ હેઠળના મુંબઈ અંડરવર્લ્ડ સામ્રાજ્યથી પ્રેરિત ફિલ્મ હતી. અગાઉ, સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યુમાં, તેમણે કહ્યું હતું, “હું દાઉદ ઇબ્રાહિમને આભારી છું. મેં મારી કારકિર્દી ગેંગસ્ટર ફિલ્મોથી બનાવી કારણ કે હું હંમેશા માનવ સ્વભાવની ડાર્ક સાઈડથી આકર્ષિત રહ્યો છું.”

હવે તમારો સ્માર્ટફોન ભૂકંપ આવતાં પહેલાં કરશે એલર્ટ 

નવી દિલ્હીઃ ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને તો રોકી શકાતી નથી, પરંતુ જો તેના આવવા પહેલા ચેતવણી મળી જાય તો જાન-માલનું નુકસાન અટકાવી શકાય છે. સામાન્ય રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ લોકોને કુદરતી આપત્તિઓ અંગે સતર્ક કરતી રહે છે, પરંતુ હવે તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન પણ તમને ભૂકંપની ખબર આપી એલર્ટ કરશે. હા, Google એ એક એવું ફીચર લોન્ચ કર્યું છે, જે ભૂકંપની સ્થિતિ શોધીને તરત જ એલર્ટ મોકલે છે. હવે જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે…

જુલાઈથી આવ્યું આ ફીચર

એન્ડ્રોઇડમાં ભૂકંપ એલર્ટની શરૂઆત 2020માં થઈ હતી, જ્યારે ગૂગ એ આ ફીચરની જાહેરાત કરી હતી. ભારતમાં આ ફીચર આ વર્ષે જુલાઈમાં રોલઆઉટ થયું છે. કંપની કહે છે કે 2020માં લોન્ચ થયા પછીથી અત્યાર સુધી આ ફીચરે 2,000થી વધુ ભૂકંપ શોધ્યા છે. 2023માં તેણે ફિલિપિન્સમાં આવેલા 6.7 તીવ્રતાવાળા ભૂકંપનો પણ સફળતાપૂર્વક પત્તો લગાવ્યો હતો અને લગભગ 25 લાખ લોકોને એલર્ટ મોકલ્યા હતો। જોકે, કંપની કહે છે કે આ સંપૂર્ણ રીતે પરફેક્ટ નથી, પરંતુ તેને વધુ સારું બનાવવા માટે સતત કામ ચાલી રહ્યું છે.

ફોનમાં ફીચર કેવી રીતે એક્ટિવેટ કરવું?

ઘણા નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આ ફીચર પહેલેથી જ સક્રિય હોય છે. જો તમારા ફોનમાં આ ફીચર સક્રિય ન હોય તો તમારે થોડાં પગલાં લેવા પડશે:

  • તમારા ફોનના Settingsમાં જાઓ
  • Safety and Emergency વિભાગ ખોલો
  • અહીં Earthquake Alertને સિલેક્ટ કરી ટોગલ બટન ઓન કરો
  • ધ્યાન રાખો કે એલર્ટ મેળવવા માટે તમારે Location અને Internet Access સક્રિય રાખવા પડશે

તીવ્રતા મુજબ એલર્ટ

જો ભૂકંપની તીવ્રતા 4.5 આસપાસ હોય તો કંપની સાવચેતીવાળો એલર્ટ મોકલે છે, જ્યારે વધુ તીવ્રતાવાળા ભૂકંપ માટે યુઝરને તરત જ સુરક્ષિત સ્થળે જવા અને “કવર લેવા” (મજબૂત ટેબલ નીચે છુપાવા)નો એલર્ટ મોકલે છે.

મુંબઈમાં બોમ્બની ધમકી આપનારની પોલીસે કરી ધરપકડ

ઉત્તર પ્રદેશના નોઈડાના અશ્વિન કુમાર સુપ્રા (50) નામના વ્યક્તિની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે આ કાર્યવાહી કરી હતી.

મુંબઈ પોલીસને ગઈ કાલે બોમ્બની ઘમકી મળી હતી. જોકે, ધમકી મળ્યાના 24 કલાકની અંદર ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનારને નોઈડા સેક્ટર 79માંથી પકડી લીધો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મૂળ બિહારનો છે. ધમકી આપવામાં વપરાયેલ તેનો ફોન અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું છે. તેને નોઈડાથી મુંબઈ લાવવામાં આવ્યો છે. વધુ તપાસ કરવામાં આવશે.

અગાઉ, મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે મુંબઈ ટ્રાફિક પોલીસને તેમના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીઓ મળી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે શહેરમાં 34 વાહનોમાં 34 ‘માનવ બોમ્બ’ લગાવવામાં આવ્યા છે. આ વિસ્ફોટ આખા મુંબઈને હચમચાવી નાખશે. ‘લશ્કર-એ-જેહાદી’ હોવાનો દાવો કરતી આ સંસ્થાએ દાવો કર્યો હતો કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. ધમકીભર્યા સંદેશમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે વિસ્ફોટમાં 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈ પોલીસ સતર્ક છે અને રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ગયા મહિનાની શરૂઆતમાં, નવી મુંબઈ પોલીસે મુંબઈ-અમદાવાદ ફ્લાઇટ અને મહાનગરમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટની ધમકીના સંદર્ભમાં FIR નોંધી હતી. પોલીસે જણાવ્યું હતું કે બુધવારે બપોરે 2 થી 2.30 વાગ્યાની વચ્ચે નવી મુંબઈના સંયુક્ત પોલીસ કમિશનરના કાર્યાલયમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનારાઓએ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ ફ્લાઇટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. પોલીસે વધુમાં કહ્યું હતું કે બીજા ફોનમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સાંજે 6:30 વાગ્યે ઉડાવી દેવામાં આવશે. જોકે, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી. જે ​​મોબાઇલ નંબરો પરથી કોલ કરવામાં આવ્યા હતા તે ઓળખી કાઢવામાં આવ્યા હતા.