Home Blog Page 627

જો આનંદ બહારથી શોધશો તો ક્યારેય સુખી નહીં થાઓ!

“ગૌરવભાઈ, મારી કાર બહુ જૂની થઈ ગઈ છે. મને નવી કાર ખરીદવાની ઈચ્છા છે. મારો પગાર વધવાની શક્યતા છે અને હું ઇચ્છું છું કે મારી નવી જન્મેલી દીકરી નવી કારમાં મુસાફરી કરે. હું નથી ઇચ્છતો કે એણે જૂની કારમાં ફરવું પડે. વળી, અમે પતિ-પત્ની ફક્ત 28 વર્ષનાં છીએ, જીવનનો આનંદ માણવાનું ક્યારે શરૂ કરીશું?” મારો એક યુવાન ક્લાયન્ટ મને કહી રહ્યો હતો.

તેનું નામ છે કરણ. તેની પાસે પહેલેથી જ હોમ લોન છે. બીજું એ કે તેની પાસે નવી કાર ખરીદવા માટે પૂરતું ભંડોળ નથી. એને ગમતી કાર 17/18 લાખની આવે છે અને તેથી એ કાર લોન લેવા માગે છે.

સદનસીબે, કરણ અને એની પત્ની કિયારા બન્ને જણ મારી સલાહ સાંભળે છે. મેં એમને કહ્યું, “તમારી હોમ લોન ચાલી રહી છે. તેમ જ તમારી એક વર્ષની પુત્રીને ખબર નથી કે જૂની કાર શું અને નવી કાર શું! પગાર વધવાનો છે એ તો હજી શક્યતા છે. એ ક્યારે અને કેટલા પ્રમાણમાં મળશે એની હજી ખબર નથી. અત્યારે ધીરજ રાખો. તમારો પગારવધારો થયા બાદ આપણે નવી કાર અને એના બજેટ અંગે નિર્ણય કરીશું. છેલ્લે, એટલું કહેવાનું કે જીવનનો આનંદ માણવામાં હજી વિલંબ થશે એવો વિચાર મનમાં આવવા દો નહીં.”

મેં એને વધુમાં કહ્યું, “નવી કાર જરૂર ખરીદો, પણ તમારો આનંદ નવી કાર લેવા પર નિર્ભર ન હોવો જોઈએ. તમારી દીકરી જૂની કારમાં મુસાફરી કરે તેમાં ખોટું શું છે? ભવિષ્યમાં થનારી પગારની વૃદ્ધિની આશાએ અત્યારથી કાર લોનની ઈએમઆઇ ભરવાની વધારાની જવાબદારી પોતાના શિરે લેવી નહીં.”

આ ફક્ત યુવા પેઢીની સમસ્યા નથી. હકીકતમાં, યુવાનો તો વધારે ફ્લેક્સિબલ હોય છે. આધેડ, અને ક્યારેક વૃદ્ધ લોકો વધારે જક્કી હોય છે. “આખું જીવન અમે સંઘર્ષ કર્યો છે, હવે જીવનનો આનંદ ક્યારે માણીશું?” અથવા “મન મનાવીને આમ ને આમ ક્યાં સુધી રહીશું?” જેવી દલીલો લોકો કરતા હોય છે અને કહેતા હોય છે કે હવે તો છૂટથી ખર્ચ કરીને જીવનનો આનંદ માણવો છે.

અહીં ખાસ કહેવાનું કે મૂળ પ્રશ્ન ખર્ચ કરવા કે નહીં કરવાનો નથી. માત્ર એ પૂછવાનું છે કે શું તમારો આનંદ તમે કરેલા ખર્ચ પર આધારિત છે? શું જીવનમાં આનંદ મનમાંથી પ્રગટ થાય છે કે પછી બહારથી આવે છે? જો એ બહારથી આવવાનો હોય તો સમજી લો કે તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. “આપણે જીવનનો આનંદ ક્યારે શરૂ કરીશું?” એવો વિચાર વ્યક્તિની મનની એવી સ્થિતિને પ્રતિબિંબિત કરે છે કે પોતે ખર્ચ કર્યો નહીં હોવાથી આનંદ માણી શકાયો નથી અને જીવનમાં સુખ નથી.

આ કોલમમાં ક્યારેય એવી સલાહ આપવામાં નથી આવે કે તમારે ખર્ચ કરવો જોઈએ નહીં અથવા જીવનનો આનંદ માણવો જોઈએ નહીં. અહીં એટલું જ કહેવામાં આવ્યું છે કે આપણી ખુશી ખર્ચ પર નિર્ભર ન હોવી જોઈએ.

યોગિક વેલ્થ મનમાંથી પ્રગટ થતા આનંદની વાત છે. આનંદ બહારથી આવતો ન હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ અંદરથી ખુશ ન હોય તો બહારથી કોઈ વસ્તુ જીવનમાં આનંદ લાવી શકતી નથી. સુખ અને આનંદ ખરીદવાનો પ્રયાસ કરશો નહીં. વ્યક્તિ ગમે તેટલી રકમ ચૂકવવા તૈયાર હોય તોપણ આ બન્ને વસ્તુઓ ક્યાંય મળતી નથી.

જીવન સુંદર છે. આપણે જીવતા છીએ અને સુખ-અસુખની વાતો કરી રહ્યા છીએ એ જ હકીકત દર્શાવે છે કે આપણે ખુશી-સુખ અનુભવવાં જોઈએ. યાદ રાખો, “ચિંતા કરશો નહીં, ખુશ રહો.” ચિંતાઓથી છુટકારો મેળવશો તો સુખ આપોઆપ આવશે. ચિંતા અને સુખ બન્ને મનની વાતો છે. જીવનનો આનંદ માણો, યોગિક વેલ્થનો આનંદ માણો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

તેલંગાણામાં રૂ. 12,000 કરોડના ડ્રગ્સ સાથે ફેક્ટરી જપ્તઃ 13 જણની ધરપકડ

હૈદરાબાદ: મીરા-ભાયંદર પોલીસે ડ્રગ્સ તસ્કરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં તેલંગાણામાં એક વિશાળ ડ્રગ્સ ફેક્ટરીનો ભાંડો ફોડ્યો છે. પોલીસે ફેક્ટરીમાંથી અંદાજે 32,000 લિટર કાચું MD ડ્રગ્સ કબજે કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 12,000 કરોડ રૂપિયા ગણાવવામાં આવી રહી છે.

13 આરોપી ધરપકડ

આ કાર્યવાહી દરમિયાન 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસની શરૂઆત માત્ર 200 ગ્રામ ડ્રગ્સની જપ્તીથી થઈ હતી, જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. પરંતુ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસે ડ્રગ્સના ઉત્પાદન કરતી આ મોટી ફેક્ટરી સુધી પહોંચ મેળવી.

પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા નેટવર્કનું દેશ અને વિદેશમાં મોટું કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. કબજે કરાયેલા ડ્રગ્સ અને ફેક્ટરીમાંથી મળેલા કેમિકલ્સને સીલ કરી આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી ડ્રગ્સ માફિયા સામે મીરા-ભાયંદર પોલીસની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ પહેલાં જુલાઈ, 2025માં મુંબઈ પોલીસે ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં મોટી સફળતા મેળવી હતી. મુંબઈ પોલીસે લગભગ 400 કરોડ રૂપિયાની એક મોટી ડ્રગ્સની ખેપ પકડી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસે કર્નાટકના મૈસુરમાં પણ દરોડા પાડ્યા હતા. મૈસુર મામલે કર્નાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે જણાવ્યું હતું કે મેં મૈસુર કમિશનરેટને ખૂબ કડક સૂચનાઓ આપી છે. એ સાથે જ રાજ્યમાં હવે દરેક SPને સતર્ક બનાવવામાં આવ્યા છે અને દરેક કમિશનરેટને આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.”

દેશમાં ડ્રગ્સનું સિન્ડિકેટ ઘણું મોટું છે. સમયાંતરે પોલીસ આ નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરતી રહે છે, પરંતુ તેનું મૂળથી નાશ કરવો અત્યંત જરૂરી છે. ડ્રગ્સ સિન્ડિકેટ ભારતના યુવાનોને નિશાન બનાવી રહ્યા છે.

‘કજરારે કજરારે’ ગીતમાં અમિતાભે શંકરનો અવાજ પસંદ કર્યો!

અમિતાભ માટે સુદેશ ભોંસલેએ ગીતો ગાયા હતા એ બધા જ જાણે છે. શંકર મહાદેવને પણ અમિતાભ માટે સ્વર આપ્યો છે એની બહુ ઓછાને ખબર છે. ગાયક સાથે સંગીતકાર રહેલા શંકર મહાદેવને ગાયેલા મિતવા, કજરારે કજરારે જેવા કેટલાક ગીતોની રસપ્રદ વાતો જાણવા જેવી છે. ફિલ્મ ‘કભી અલવિદા ના કહના’ (2006) ના ‘મિતવા’ ગીતની વચ્ચે જે આલાપ આવે છે એ અસલમાં શંકર મહાદેવને ગાયક શફાકત અમાનત અલીને માત્ર બતાવવા માટે રેકોર્ડ કર્યો હતો.

શંકરે મોનીટર રૂમમાંથી ‘રફ’ કહી શકાય એવું ગાયું હતું. અને એ આલાપ શફાકતે ગાયો હતો. પછી એણે એમ કહ્યું કે તમે જે આલાપમાં ગાયું છે એ જ સરસ છે. એને જ રહેવા દો. એટલે શંકરને થયું કે પાછું રેકોર્ડ કરવું નથી અને એ જ ‘રફ’ ગવાયેલો આલાપ ‘મિતવા’ ગીતમાં રાખવામાં આવ્યો હતો. વધારે રસપ્રદ વાત એ છે કે ગીતમાં આવો આલાપ હોવો જોઈએ એવું નિર્દેશક કરણ જોહરે પણ કહ્યું ન હતું. શંકરે જાતે જ રાખ્યું હતું. અમિતાભે પણ એવું જ કર્યું હતું. ફિલ્મ ‘બંટી ઔર બબલી’ (2005) માટે શંકરે ‘હો કજરારે કજરારે, તેરે કારે કારે નૈના’ ગીત અમિતાભને સંભળાવવા એમનો ભાગ પોતાના અવાજમાં તૈયાર કરીને રાખ્યો હતો. જે અમિતાભે સાંભળ્યો હતો.

સંગીતકાર શંકર- એહસાન- લોયે નક્કી કર્યું હતું કે અમિતાભે એમના ભાગનું ડબિંગ પોતાના અવાજમાં કરવાનું. કેમકે તે એક સારા ગાયક જ ન હતા તેમને સંગીતની પણ સમજ હતી. શંકરે જ્યારે ફોન કરીને કહ્યું કે ‘કજરારે કજરારે’ ગીતનું મીકસીંગનું કામ કરવાનું છે અને એ પહેલાં તમારા અવાજમાં રેકોર્ડિંગ કરવાનું છે તો તમે ક્યારે આવશો? એમણે પૂછ્યું કે મારે ડબ શું કામ કરવાનું છે? શંકરે કહ્યું કે એ આપનો ભાગ છે. મેં એમ જ ગાઈ રાખ્યું છે. એમણે કહ્યું કે એ ગીત એવું જ રહેશે. એમાં તારો જ અવાજ રહેશે. તેં બહુ સારું ગાયું છે. હું તો ડબ કરવાનો જ નથી. અને પછી હસીને એમ પણ કહ્યું કે જો તેં બીજા કોઈ પાસે એ ભાગ ડબ કરાવ્યો તો હું તારી કારકિર્દી બગાડી નાંખીશ! અને એટલે ‘હો કજરારે કજરારે, તેરે કારે કારે નૈના’ ગીતમાં અલીશા ચિનોય અને જાવેદ અલી સાથે શંકર મહાદેવનનો સ્વર પણ છે.

ફિલ્મ ‘ઝૂમ બરાબર ઝૂમ’ (2007) વખતે પણ એવું જ થયું હતું. અમિતાભ માટે શંકરે જ અવાજ આપ્યો હતો. એ ગીતમાં બોબી અને અભિષેક માટે સુખાવિંદર સિંહ અને કેકેએ ગાયું હતું. જ્યારે અમિતાભ માટે શંકરે ગાયું હતું. ફિલ્મ ‘વિરુધ્ધ’ માં અમિતાભ પર ફિલ્માવવામાં આવેલ ‘શ્રી ગણેશાય ધીમહી’ શંકરે ગાયું હતું. ઘણી વખત અમિતાભ શંકર જ પોતાના માટે સ્વર આપે એવો આગ્રહ રાખતા હતા. અને શંકરનો અવાજ પડદા પર અમિતાભ માટે કામ કરી ગયો હતો.

PM મોદીએ ટ્રમ્પ સાથેના ટેન્શન વચ્ચે અમેરિકા જવાનું ટાળ્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી ન્યુ યોર્કમાં થનારી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં ભાગ નહીં લે. તેમની જગ્યાએ વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હાલ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ ચાલી રહ્યા છે.

આ પહેલાં પીએમ મોદી પહેલાં UNGAમાં ભાગ લેવા માટે તૈયાર હતા. તેઓ ખુદ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જવાના હતા, પરંતુ હવે વિદેશ મંત્રી એસ. જયશંકરને મોકલવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80મું સત્ર નવ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી તેની બેઠક ચાલવાની છે. આ બેઠકમાં સૌપ્રથમ બોલવાની તક બ્રાઝિલને મળશે, ત્યાર બાદ અમેરિકા મહાસભાને સંબોધશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ 23 સપ્ટેમ્બરે વૈશ્વિક નેતાઓને સંબોધવાના છે. સંયુક્ત રાષ્ટ્રને આ તેમનું બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદનું પહેલું સંબોધન હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ સિવાય ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખો પણ 26 સપ્ટેમ્બરે આ મહાસભાને સંબોધશે.

ટ્રમ્પે મોદી વિશે શું કહ્યું?

હાલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સૂર બદલ્યા છે. પીએમ મોદી વિશે તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો હંમેશાં ખૂબ ખાસ રહ્યા છે. હાલના તણાવ છતાં હું કહી શકું છું કે મોદી મારા ખૂબ સારા મિત્ર છે. તેઓ એક ઉત્તમ પ્રધાનમંત્રી છે, ગ્રેટ છે. પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે, તે મને પસંદ નથી. તેમ છતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિશેષ જ રહેશે. આ બાબતે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, ક્યારેક સંબંધોમાં આવી પળો આવી જ જાય છે.

પૌંઆ વેજીટેબલ નગેટ્સ

હલકો ફુલકો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો એટલે પૌંઆ વેજીટેબલ નગેટ્સ!

સામગ્રીઃ

  • પૌંઆ 1 કપ
  • રવો ½ કપ
  • દહીં ½ કપ
  • ગાજર 1
  • સિમલા મરચું 1
  • કાંદો 1
  • બાફેલા મકાઈના દાણા 2 ટે.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • લીલા મરચાં 2
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • ચીઝ ક્યુબ્સ 1
  • ખમણેલું આદુ ½ ટી.સ્પૂન
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • બ્રેડ 2 સ્લાઈસ
  • મેંદો 4 ટે.સ્પૂન
  • બ્રેડ ક્રમ્સ
  • તેલ તળવા માટે

રીતઃ પૌંઆને સારી રીતે ધોઈને પાણી નિતારી લીધા બાદ તેમાં રવો તેમજ દહીં મેળવી દો અને 5-10 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.

ગાજરને ખમણી લો. કાંદા, સિમલા મરચાંને બારીક ચોરસ ટુકડામાં સમારી લો. બાફેલા મકાઈના દાણા અધકચરા વાટી લો. લીલા મરચાં બારીક સમારી લો. ચીઝ ક્યુબ ખમણી લો.

પૌંઆ પલળી જાય એટલે તેમાં સમારેલાં શાકભાજી, આદુ, મરચાં, સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, ચાટ મસાલો, ચોખાનો લોટ, ખમણેલું ચીઝ મેળવો. બ્રેડ સ્લાઈસને પાણીમાં પલાળીને તેમાંનું પાણી નિચોવી લઈ બ્રેડનો ભૂકો પણ તેમાં ભેળવો. બધી સામગ્રીને મિક્સ કરી લીધા બાદ તેમાંથી લંબગોળ ગોળા વાળી લો.

મેંદાને એક બાઉલમાં લઈ 1 કપ જેટલું પાણી તેમાં મેળવીને પાતળું ખીરું બનાવી લો.

એક પ્લેટમાં બ્રેડ ક્રમ્સ લઈ રાખો. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

પૌંઆમાંથી બનાવેલા ગોળા લઈ તેને મેંદાના ખીરામાં પલાળીને કાઢી લીધા બાદ બ્રેડ ક્રમ્સમાં રોળવી લઈ, ગરમ તેલમાં હળવેથી તળવા મૂકો. કઢાઈમાં આવે તે કરતાં થોડાં ઓછાં નગેટ્સ ઉમેરવાં.

પૌંઆ નગેટ્સ સોનેરી રંગના તળાઈ જાય એટલે ઝારા વડે કાઢી લઈ, તેલ નિતારી એક પ્લેટમાં ગોઠવી લીલી ચટણી, ટોમેટો કેચ-અપ કે તમને ભાવતાં અન્ય સોસ સાથે પીરસો.

પંચાંગ 06/09/2025

અભિનેતા પ્રતીક ગાંધીના આ ત્રણ પ્રોજેક્ટનું આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સ્ક્રિનિંગ

બહુપ્રતિભાશાળી બૉલિવૂડ અભિનેતા પ્રતીક ગાંધીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. અભિનેતાની ફિલ્મ્સનું કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય મંચ પર સ્ક્રિનિંગ થવા જઈ રહ્યું છે.

પ્રતીક ગાંધીએ થિયેટરથી લઈ બૉલિવૂડ સુધી સફળ સફર ખેડી છે. હવે તેમની આ સફર આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે. અભિનેતાની ‘ગાંધી’સીરિઝ અને ‘ફુલે’ તથા ‘ઘમાસાન ‘, એમ ત્રણ પ્રોજેક્ટનું કેનેડા અને યુનાઈટેડ સ્ટેટ્સમાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ થવાનું છે. હંસલ મહેતા દ્વારા નિર્દેશિત બાયોપિક ‘ગાંધી’માં પ્રતીકગાંધીએ ગાંધીજીનું પાત્ર ભજવ્યું છે. જેનું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) ખાતે પ્રીમિયર થશે. આ પ્રસંગે પ્રતીકની પત્ની અને અભિનેત્રી ભામિની ઓઝા ગાંધી,જેમણે સીરિઝમાં કસ્તુરબા ગાંધીનું પાત્ર ભજવ્ય્ં છે, તે પણ પ્રીમિયરમાં હાજર રહેશે. મહાત્મા અને કસ્તુરબા તરીકેની તેમની ઓન-સ્ક્રીન જોડી વાર્તામાં એક અલગ છાપ છોડી જાય છે અને હવે સાથે મળીને તેઓ વૈશ્વિક મંચ પર પ્રોજેક્ટનું પ્રતિનિધિત્વ કરશે.

પ્રતીક ગાંધી આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. TIFF પછી પ્રતીક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ ઓફ આલ્બર્ટા (IFFA) 2025 માટે કેલગરી જશે, જ્યાં 14 સપ્ટેમ્બરના રોજ તેમની વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ ફુલેનું સ્ક્રીનિંગ થશે. આ ફિલ્મમાં, પ્રતીક સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલેની ભૂમિકામાં જોવા મળ્યા હતાં. આ આંતરરાષ્ટ્રીય પ્રવાસના અંતે પ્રતીક યુનાઇટેડ સ્ટેટ્સ જશે, જ્યાં 20 સપ્ટેમ્બરના રોજ શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (CSAFF) માં ‘ઘમાસન’ પ્રદર્શિત કરવામાં આવશે.

પોતાના આંતરરાષ્ટ્રીય પ્રવાસ અંગે પ્રતીક ગાંધીએ કહ્યું કે “મારા કામને ખંડોમાં પ્રવાસ કરતા જોવું એ એક અદ્ભુત સન્માનની વાત છે. ગાંધી અને ફૂલે, કારણ કે વાર્તાઓ આપણા ઇતિહાસ અને સમાજમાં ઊંડાણપૂર્વક મૂળ ધરાવે છે, છતાં તેમના વિષયો સાર્વત્રિક રીતે જોડાયેલા છે. બીજી બાજુ ‘ઘમાસાન’ પણ એટલી જ ઊંડી અને હ્રદયસ્પર્શી વાર્તા છે. હું આ વાર્તાઓ કેનેડા અને યુએસના પ્રેક્ષકો સાથે શેર કરવા અને તે સંસ્કૃતિઓમાં કેવી રીતે પડઘો પાડે છે તે જોવા માટે ખરેખર ઉત્સાહિત છું.”

 

ભાદરવી પૂનમના મહામેળા માટે હજારો પદયાત્રીઓ અંબાજી તરફ

અમદાવાદ: ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી તરફ જતાં તમામ માર્ગો પર હાલ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. શક્તિપીઠ અંબાજીમાં દરવર્ષની જેમ ભાદરવી પૂનમ નિમિત્તે મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલાક લોકો જુદા જુદા રથમાં માતાજીની સ્થાપના કરે છે. જ્યારે કેટલાક શ્રધ્ધાળુઓ આસ્થા સાથે મંદિરના શિખર પર ચઢાવવા માટે વિશાળ ધજાઓ સાથે પગપાળા પ્રવાસ કરે છે. અંબાજી તરફ જતાં તમામ માર્ગો પર શ્રધ્ધાળુની સુવિધા માટે વિવિધ સંઘો, મંડળો અને ગામો દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ માટે કેમ્પ લાગેલા છે. જેમાં પાણી, ચા-કોફી, નાસ્તો, ભોજન, ઠંડા પીણાં, આઇસ્ક્રીમ તેમજ તાત્કાલિક સારવાર જેવી અનેક સુવિધાઓનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ એટલે કે 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. ભાદરવી પૂનમના આ મહામેળા નિમિત્તે આખુંય અંબાજી તેમજ તમામ માર્ગો પર ઉત્સવ અને ઉત્સાહનો માહોલ છે.

શક્તિપીઠ અંબાજીના તરફ જતાં શ્રધ્ધાળુઓ માટે અકલ્પનિય વ્યવસ્થા

અમદાવાદ: ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી તરફ જતાં તમામ માર્ગો પર હાલ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. શક્તિપીઠ અંબાજીમાં દરવર્ષની જેમ ભાદરવી પૂનમ નિમિત્તે મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ એટલે કે 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. ભાદરવી પૂનમના આ મહામેળા નિમિત્તે આખુંય અંબાજી તેમજ તમામ માર્ગો પર ઉત્સવ અને ઉત્સાહનો માહોલ છે.

આ મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અંબાજીના દેવસ્થાનના દર્શને ચારેય તરફના ગામડાં અને શહેરોમાંથી હજારો લોકો પગપાળા સંઘ સાથે પ્રસ્થાન કરે છે.કેટલાક લોકો જુદા જુદા રથમાં માતાજીની સ્થાપના કરે છે. જ્યારે કેટલાક શ્રધ્ધાળુઓ આસ્થા સાથે મંદિરના શિખર પર ચઢાવવા માટે વિશાળ ધજાઓ સાથે પગપાળા પ્રવાસ કરે છે.અંબાજી તરફ જતાં તમામ માર્ગો પર શ્રધ્ધાળુની સુવિધા માટે વિવિધ સંઘો, મંડળો અને ગામો દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ માટે કેમ્પ લાગેલા છે. જેમાં પાણી, ચા-કોફી, નાસ્તો, ભોજન, ઠંડા પીણાં, આઇસ્ક્રીમ તેમજ તાત્કાલિક સારવાર જેવી અનેક સુવિધાઓનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે.17 વર્ષ કરતાં પણ વધારે સમયથી અંબાજી પગપાળા સંઘમાં સેવા આપતાં નવીન પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારો અમદાવાદનો અંબિકા યુવક મંડળ સંઘ છેલ્લા સત્તર વર્ષથી ઇડલી સંભાર સેવા કેમ્પ ચલાવે છે. આ વર્ષે પગપાળા જતાં લોકો માટે પટેલ ફાર્મ, શાહપુર કેમ્પ, ખેરાલુ ખાતે ઇડલી સંભાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક સેવા એજ પ્રભુ સેવા..થી ચાલતું અમારું યુવક મંડળ પદયાત્રીની સેવા કરી આનંદીત થાય છે.”

અમદાવાદના એમ.બી.એ ગૃપના મિતુલ ઠાકોર કહે છે, “અંબાજી જતાં માર્ગ પર આવેલા આંબાઘાટાના સુંદર સ્થળ પર મિત્રોએ ભેગા મળી આ વર્ષે પદયાત્રીઓ માટે છોલે પુરીને મહાપ્રસાદ રૂપે આપી. સારા લોકેશન પર કેમ્પ હોવાના કારણે અમે પગપાળા દર્શનાર્થે જતાં લોકોના ભોજનની સારી વ્યવસ્થા કરી શક્યા.”

અંબાજી શક્તિપીઠમાં આ વર્ષે મહામેળામાં દર્શનાર્થે ગયેલા પૂર્વેશ પટેલ કહે છે, “અંબાજી તરફ આવતાં તમામ માર્ગો સારા વરસાદના કારણે કુદરતી રીતે ખીલ્યા છે. લીલાંછમ ડુંગરો અને વરસાદી માહોલ વચ્ચે ભાદરવી પૂનમના મેળા માટે આવતાં પદયાત્રી શ્રધ્ધાળુ માટે અકલ્પનિય વ્યવસ્થા સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે ચા પાણી, નાસ્તો, ભોજન અને આરામ માટે સુંદર વ્યવસ્થા છે. અંબાજી દેવસ્થાનને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે.”

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

કોણ છે પ્રતાપ સરનાઈક? ભારતમાં ટેસ્લાના માલિક બનનાર મંત્રી વિશે જાણો

ભારતમાં મુંબઈ ટેસ્લાઓ શો-રૂમ ખોલ્યા બાદ કારની પ્રથમ ડિલિવરી કરી છે. અમેરિકન કંપની ટેસ્લાએ ડિલિવરી શરૂ કરી દીધી છે. ટેસ્લા મોડેલ Y મુંબઈના બીકેસી સ્થિત પ્રથમ શોરૂમમાં મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકને સોંપવામાં આવ્યું છે.

ભારતમાં શૉ રૂમ ખોલ્યા બાદ ટેસ્લાએ તેની પહેલી કાર ડિલિવરી કરી છે. ભારતમાં પહેલી ટેસ્લા કાર મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકને ડિલિવર કરવામાં આવી હતી. શુક્રવારે તેમણે મુંબઈના BKC ખાતે ટેસ્લાના શોરૂમની મુલાકાત લીધી અને ટેસ્લા મોડેલ Y પ્રાપ્ત કર્યું. પ્રતાપ સરનાઈકે આ કાર તેમના પુત્ર માટે ખરીદી છે. તેમણે તેને ભેટ તરીકે આપી છે. ત્યારે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક દેશભરમાં હેડલાઇન્સમાં આવ્યા છે.

એલોન મસ્કની કંપની ટેસ્લાએ જુલાઈમાં મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલ્યો હતો. ટેસ્લાએ એક નિવેદનમાં કહ્યું છે કે આ પહેલી સત્તાવાર ડિલિવરી છે, પરંતુ તે ભારતમાં ટેસ્લાના પહેલા માલિક નથી. અહીં પહેલાથી જ 10 થી વધુ ખાનગી રીતે આયાતી ટેસ્લા વાહનો છે. અન્ય ગ્રાહકોને મહિનાના અંત સુધીમાં ડિલિવરી મળવાની અપેક્ષા છે.

BKC માં ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર તરફથી પ્રથમ ટેસ્લા મોડેલ Y ની ચાવીઓ પ્રાપ્ત કર્યા પછી પ્રતાપ સરનાઈકે ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે રાજ્યના પરિવહન મંત્રીની જવાબદારી નિભાવતી વખતે તેમણે આ કાર ખરીદવાનો નિર્ણય લીધો છે. સરનાઈકે કહ્યું કે મેં નાગરિકોમાં, ખાસ કરીને યુવા પેઢીમાં ઇલેક્ટ્રિક ગતિશીલતા વિશે જાગૃતિ ફેલાવવા માટે ટેસ્લાની ડિલિવરી લીધી છે. હું ઇચ્છું છું કે બાળકો આ કાર વહેલા જુએ અને ટકાઉ પરિવહનનું મહત્વ સમજે. મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્ર આગામી દાયકામાં વડા પ્રધાનના સ્વચ્છ ગતિશીલતા વિઝનને અનુરૂપ એક મોટું EV પરિવર્તન શરૂ કરવાનું લક્ષ્ય રાખે છે. તેમણે કહ્યું કે રાજ્યએ અટલ સેતુ અને સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ટોલ મુક્તિ સહિત અનેક પ્રોત્સાહનોની પણ જાહેરાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) એ જાહેર પરિવહન માટે લગભગ 5,000 ઇ-બસો ખરીદી છે.

પ્રતાપ સરનાઈક કોણ છે?
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં જન્મેલા પ્રતાપ સરનાઈક (61) હાલમાં એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં એક મોટો ચહેરો છે. તેઓ હાલમાં પરિવહન મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા સરનાઈકે મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાં પોતાનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ, તેઓ કોલેજના દિવસોમાં વિદ્યાર્થી ચળવળમાં જોડાયા. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે રાજકારણમાં પ્રવેશ્યા. નવેમ્બર 2008 માં NCP છોડીને તેઓ શિવસેનામાં જોડાયા. તેઓ હાલમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) ઓવલા-માજીવાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. સરનાઈકને બે પુત્રો છે. તેમના નામ વિહંગ અને પૂર્વેશ છે. તેઓ યુવા સેનાના અગ્રણી સભ્યો છે. નાના પુત્ર પૂર્વેશ સરનાઈક યુવા સેનાના સચિવ છે. તેમની પત્ની પરિષા સરનાઈક પણ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 29 ના સ્થાનિક કાઉન્સિલર છે. સરનાઈકની ગણતરી એકનાથ શિંદેના નજીકના નેતાઓમાં થાય છે.