ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. વિપક્ષના નેતા ઉમંગ સિન્ઘારે કહ્યું છે કે હું ગર્વથી કહું છું કે અમે આદિવાસી છીએ, હિન્દુ નથી. આ વાત હું વર્ષોથી કહેતો આવ્યો છું. છિંદવાડામાં આદિવાસી વિકાસ પરિષદની બેઠક અને રાષ્ટ્રીય કરમદાર પૂજા કાર્યક્રમ સહિતના કાર્યક્રમોમાં બોલતાં કોંગ્રેસ નેતાએ ભાજપ અને આરએસએસ પર આદિવાસી સમુદાયો પર હિન્દુ ઓળખ થોપવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો.
સિન્ઘારે આદિવાસી સમાજની ઓળખને રેખાંકિત કરતાં પૌરાણિક કથા ઉલ્લેખી હતી. તેમણે કહ્યું હતું કે શબરી, જેમણે ભગવાન રામને જૂઠા બોર ખવડાવ્યા હતા, તેઓ પણ આદિવાસી હતા. જે આદિકાળથી આ ધરતી પર વસે છે, તે જ આદિવાસી છે. તેમણે ઉમેર્યું હતું કે આદિવાસી સમાજે પોતાની ઓળખ સ્થાપિત કરવાની જરૂર છે અને કોઈ પણ સરકારે તેમના માન-સન્માનની રક્ષા કરવી પડશે.
VIDEO | Bhopal: Madhya Pradesh CM Mohan Yadav (@DrMohanYadav51) on LoP Umang Singhar’s ‘Tribals are not Hindus’ remark, says, “It is unfortunate that Congress always works against Hindus and Hindutva. Rahul Gandhi made a mockery of Hindutva. His remarks on Hindus showcased his… pic.twitter.com/Ps22VCN2Vu
કોંગ્રેસ નેતાના આ નિવેદન પછી મધ્ય પ્રદેશમાં ફરી એક વાર ધર્મનું રાજકારણ તેજ થઈ ગયું છે. હવે CM મોહન યાદવે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમને કોંગ્રેસની વિચારો પર શરમ આવે છે. તેમણે CM કાર્યાલયમાંથી એક વિડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે ઉમંગ સિન્ઘાર અને કોંગ્રેસને માફી માગવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે મોટા દુર્ભાગ્ય સાથે કહેવું પડે છે કે કોંગ્રેસ હંમેશાં હિન્દુ અને હિન્દુત્વના વિરોધમાં જ કામ કરે છે. રાહુલ ગાંધીએ હિન્દુત્વની મજાક બનાવી. તેમણે ધર્મ વિશે જે રીતે વાત કરી તે તેમનું બાળકપણું હતું. આ જ પરંપરામાં સ્ટાલિનથી લઈને રેવંતી રેડ્ડી સુધીના નેતાઓ સનાતન ધર્મને ‘મચ્છર’ અને ‘ડેગુ’ કહેતા આવ્યા છે.
વોશિંગ્ટનઃ એવું લાગે છે કે આપણે ભારત અને રશિયાને ખતરનાક ચીનના હાથોમાં ગુમાવી દીધાં છે, એમ ટેરિફ પર તનાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું છે. ટ્રમ્પે પોતાના પોસ્ટ સાથે SCOમાં રાષ્ટ્રપતિ જિનપિંગ, પુતિન અને વડા પ્રધાન મોદીનો ફોટો પોસ્ટ કરી છે. ટ્રમ્પે લખ્યું કે આશા છે કે તેમનો સાથ લાંબો અને સમૃદ્ધ રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તિયાનજિનમાં યોજાયેલા SCO શિખર સંમેલનમાં સાથે જોવા મળ્યા હતા. S દરમિયાન ત્રણેય નેતાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોએ દુનિયાને સંકેત આપ્યો કે અમેરિકન રાષ્ટ્રપતિના ટેરિફ યુદ્ધ વચ્ચે એક નવો વર્લ્ડ ઓર્ડર આકાર લઈ રહ્યો છે. ઘણા નિષ્ણાતોએ આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી.
વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રિફિંગ દરમિયાન જ્યારે ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા માગવામાં આવી ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
VIDEO | Delhi: Responding to a media query on US President Donald Trump’s latest post on Truth Social stating, ‘We have lost India and Russia to deepest, darkest China,’ MEA spokesperson Randhir Jaiswal (@MEAIndia) said, “I have no comments to offer.”#DonaldTrump#India#China… pic.twitter.com/OdjttL0erl
ગયા મહિને ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યા બાદ ભારત–અમેરિકાના સંબંધો ખૂબ તણાવપૂર્ણ થઈ ગયા છે. ટ્રમ્પે ચીન પર પણ 145 ટકાનો ભારે–ભરકમ ટેરિફ લગાવ્યો, પરંતુ આ નિર્ણયને 90 દિવસ માટે ટાળી દીધો હતો. અમેરિકી ટેરિફનો ભારતે કડક વિરોધ કર્યો છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે નવી દિલ્હી અમેરિકા પર દુનિયાનો સૌથી વધારે ટેરિફ લગાવી રહ્યું છે, જે અસંતુલિત વેપાર પરિસ્થિતિ ઊભી કરે છે.
ટ્રમ્પના શબ્દોને અમેરિકન અસંતોષ અને વધતા જિયોપોલિટિકલ તણાવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. ભારત માટે આ નિવેદન નવા દબાણનું સૂચન બની શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તે અમેરિકા અને યુરોપ સાથે પણ વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે.
મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈ પોલીસે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે. શિલ્પા અને રાજ પર બિઝનેસમેન દીપક કોઠારીને લગભગ 60 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે.
બિઝનેસમેન દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે વર્ષ 2015થી 2023ની વચ્ચે શિલ્પા અને રાજે બિઝનેસ વિસ્તરણને નામે તેમની પાસેથી 60 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ આ પૈસા વ્યક્તિગત ઉપયોગ માટે વાપર્યા હતા. આ આરોપ મુજબ આ રકમ લોનના રૂપમાં લેવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને ટેક્સ બચાવવા માટે ઈન્વેસ્ટમેન્ટ બતાવવામાં આવ્યું હતું.ફરિયાદકર્તાએ કહ્યું છે કે શરૂઆતમાં તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે નક્કી સમયગાળામાં આ રકમ 12 ટકા વાર્ષિક વ્યાજ સાથે પાછી આપવામાં આવશે. એપ્રિલ, 2016માં શિલ્પા શેટ્ટીએ લેખિત રૂપે વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી, પરંતુ થોડા જ મહિનામાં તેમણે કંપનીમાંથી ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું. બાદમાં કોઠારીને ખબર પડી કે કંપની સામે પહેલે જ 1.28 કરોડ રૂપિયાની ઈન્સોલ્વન્સીનો કેસ ચાલી રહ્યો છે, જેની જાણ તેમને કરવામાં આવી નહોતી.
STORY | Lookout circular issued against actor Shilpa Shetty, husband Raj Kundra in Rs 60 crore cheating case
The Mumbai police have issued a Lookout Circular (LOC) against Bollywood actor Shilpa Shetty and her businessman husband Raj Kundra in connection with a Rs 60 crore… pic.twitter.com/7SGDvl6dX8
હાલમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ આ આરોપોને બિનઆધારભૂત ગણાવ્યા છે અને કહ્યું છે કે આ દંપતીની છબી ખરાબ કરવાની કોશિશ છે. આર્થિક ગુનો શાખા (EOW) હવે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ટ્રાવેલ લોગ્સની તપાસ કરી રહી છે. કંપનીના ઓડિટરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સરળ ભાષામાં કહીએ તો લુકઆઉટ નોટિસનો અર્થ એ છે કે જે વ્યક્તિ પર કેસ કે તપાસ ચાલી રહી છે, તે પરવાનગી વગર દેશ બહાર જઈ શકતો નથી.
મુંબઈઃ મુંબઈને ફરી એક વાર દહલાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. પોલીસે ધમકીભર્યો મેસેજ પ્રાપ્ત કર્યો છે. આ ધમકીભર્યો મેસેજ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર મોકલાયો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં 34 ગાડીઓમાં આત્મઘાતી બેઠા છે અને ધડાકા બાદ આખું મુંબઈ હચમચી જશે. પોતાને “લશ્કર-એ-જહાદી” નામક સંગઠન ગણાવનાર વ્યક્તિએ આ મેસેજ દ્વારા લખ્યું છે કે 14 પાકિસ્તાની આતંકવાદી ભારતમાં પ્રવેશી ગયા છે. આ લોકો મુંબઈમાં વિસ્ફોટ કરવા ના ઇરાદે આવ્યા છે. આ મેસેજ બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ટ્રાફિક જોઇન્ટ સીપી અનિલ કંભારે એ જણાવ્યું કે ટ્રાફિક કન્ટ્રોલ વોટ્સએપ પર આવેલા ધમકીભર્યા મેસેજ અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
400 કિલો RDXથી વિસ્ફોટ કરવામાં આવશે
આ ધમકીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 400 કિલો RDXથી મુંબઈમાં વિસ્ફોટ કરવામાં આવશે, જેને કારણે એક કરોડ લોકોના જીવ જઈ શકે છે. આ ધમકી બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણ સતર્ક બની ગઈ છે અને શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે. મુંબઈ ભારતના સૌથી ઘનતાવાળા શહેરોમાંનું એક છે. આવી સ્થિતિમાં પોલીસ કોઈ પ્રકારની બેદરકારી નથી રાખી રહી. હાલ પોલીસ આ કેસની ખૂબ જ બારીકાઈથી તપાસ કરી રહી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે વોટ્સએપ નંબર પરથી આ મેસેજ મોકલાયો હતો તેને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મુંબઈ પોલીસ હંમેશા એલર્ટ પર રહે છે અને અમારી નજર દરેક વસ્તુ પર છે. લોકોને ગભરાવાની જરૂર નથી, સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને બધું શાંતિપૂર્ણ છે. આવું પહેલીવાર નથી કે આવી ધમકી આપવામાં આવી છે.
આજે શિક્ષક દિવસ છે. આ ખાસ તકે બોલિવૂડ નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઈએ તેમના ગુરુ અને મિત્ર ઓશોને યાદ કર્યા. તેમણે ઓશોની એક તસવીર શેર કરી અને એક ભાવનાત્મક નોંધ પણ લખી.
Subhash Ghai.
સુભાષ ઘાઈએ આજે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓશોની એક તસવીર શેર કરી અને લખ્યું કે ઓશો છેલ્લા 40 વર્ષથી તેમના વિચારોને પ્રેરણા આપી રહ્યા છે. સુભાષે આ ખાસ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું, ‘મારા નજીકના મિત્ર અને મારા ગુરુ ઓશો, જે છેલ્લા 40 વર્ષથી દરરોજ જીવનના તમામ પ્રકારના દર્શન, લોકો, ઉર્જા અને સત્ય પાછળના સત્ય સાથે મારું મનોરંજન કરે છે.’ સુભાષે આગળ લખ્યું કે ઓશો કહે છે, ‘મારી વાત સાંભળો, પણ મારી પાછળ ન આવો. ફક્ત તમે જ સાક્ષી બનો.’ તેમણે વધુમાં ઉમેર્યુ કે,’શિક્ષક દિવસની શુભકામનાઓ. ઓશો સ્પષ્ટતા સાથે વિચારોના નવા પ્રવાહ સાથે ભારતનું નિર્માણ કરશે. મને લાગે છે કે આજે.’
સુભાષ ઘાઈ એક જાણીતા બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક છે. તેમણે 1980 અને 1990 ના દાયકાની કેટલીક સૌથી સફળ ફિલ્મોનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત અભિનેતા તરીકે કરી હતી પરંતુ બાદમાં દિગ્દર્શન તરફ વળ્યા અને ‘કાલીચરણ’ થી ડેબ્યૂ કર્યું.
તેમને બોલિવૂડમાં ‘શોમેન’ તરીકે ઓળખવામાં આવે છે. તેમની સફળ ફિલ્મોમાં ‘કર્જ’, ‘હીરો’, ‘કર્મા’, ‘રામ લખન’, ‘પરદેશ’ અને ‘તાલ’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે 1982 માં મુક્તા આર્ટ્સની સ્થાપના કરી અને વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ નામની એક ફિલ્મ સંસ્થા પણ ખોલી છે.
નવી દિલ્હીઃ GST કાઉન્સિલ દ્વારા સુધારાઓને લઈને નાણાં મંત્રી નિર્મલા સીતારામણે તાજેતરમાં અનેક જાહેરાતો કરી છે. તેમના દ્વારા તમાકુ અને સિગારેટ જેવી કેટલીક ચોક્કસ વસ્તુઓ પર 40 ટકાના વિશેષ સ્લેબનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જોકે GST સુધારા અંતર્ગત બીડી પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. આ મુદ્દે કેરળ કોંગ્રેસના ટ્વીટ પરથી વિવાદ ઊભો થયો છે. ટ્વીટમાં બીડી અને બિહારની તુલના કરવામાં આવી હતી, જેના પર BJPએ તીખી પ્રતિક્રિયા આપીને તેને બિહાર અને બિહારીઓનું અપમાન ગણાવ્યું છે.
કેરળ કોંગ્રેસ તરફથી ‘X’ પર કરવામાં આવેલા ટ્વીટમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો તથા બીડી પર GSTની તુલના દર્શાવવામાં આવી હતી. ચાર્ટમાં બતાવાયું છે કે તમાકુ પર GST હાલના 28 ટકા પરથી વધારીને 40 ટકા કરવામાં આવ્યો છે. સિગારેટ અને સિગાર પર પણ ટેક્સ વધારાયો છે, પરંતુ બીડી પર GST ઘટાડવામાં આવ્યો છે. બીડી પર પહેલાં 28 ટકા GST લાગુ હતો, જે હવે ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે.
Congress crosses the line again
After abusing PM @narendramodi ji mother now compares Bihar with Bidi !
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) September 5, 2025
કેરળ કોંગ્રેસના અધિકૃત અકાઉન્ટ પરથી કરવામાં આવેલા આ ટ્વીટમાં લખાયું હતું, “બીડી અને બિહાર બન્ને ‘B’ થી શરૂ થાય છે, હવે તેમને પાપ નથી ગણાવી શકાય. કોંગ્રેસનું આ ટ્વીટ થતાં જ વિવાદ ઊભો થયો.
BJPનું કોંગ્રેસ પર આક્રમણ
BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વાર પોતાની બિહારવિરોધી માનસિકતા બતાવી છે. તેમણે લખ્યું હતું કે કોંગ્રેસે ફરી હદ પાર કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાને ગાળો આપ્યા પછી હવે બિહારની તુલના બીડી સાથે કરી રહ્યા છે. શું તેજસ્વી યાદવ તેને ટેકો આપે છે? રેવંત રેડ્ડીથી લઈને DMK અને કોંગ્રેસ સુધી બિહાર પ્રત્યેની તેમની નફરત સાફ દેખાઈ રહી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના ડિરેક્ટર અનિલ અંબાણીને ફરી એક વાર મોટો આંચકો લાગ્યો છે. સતત કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહેનારા અનિલ અંબાણીને બેંક ઓફ બરોડાએ તેમના લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું છે, બેંકે શુક્રવારે સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી. બેંકમાંથી આ લોન કંપનીએ કોર્પોરેટ દેવાળિયા સમાધાન પ્રક્રિયા (CIRP)માં જવા પહેલાં લીધી હતી.
નાદારીની પ્રક્રિયા પહેલાં લીધી હતી લોન
અનિલ અંબાણીની કંપની આરકોમ તરફથી બેંક ઓફ બરોડાની કાર્યવાહી બાદ જણાવવામાં આવ્યું કે લોન તેમણે નાદારી પ્રક્રિયા શરૂ થવા પહેલાં લીધી હતી. હવે તેનો નિકાલ કે સમાધાન યોજનાને આધારે અથવા બીજા કોઈ રીતે ઉકેલ આવવો જોઈએ. હાલમાં કંપની રિઝોલ્યુશન પ્રોફેશનલ અનિશ નિરંજન નાણાવટીના મેનેજમેન્ટ હેઠળ છે. અનિલ અંબાણી હવે કંપનીના ડિરેક્ટર બોર્ડમાં સામેલ નથી.
કંપએ સ્પષ્ટ કર્યું કે IBC, 2016 હેઠળ બહાર પાડવામાં આવેલી CIRP પ્રક્રિયા દરમિયાન તેના વિરુદ્ધ કોઈ નવી કાનૂની કાર્યવાહી કે પહેલાંથી બાકી કેસોની સુનાવણી થઈ શકતી નથી. આવા સમયમાં કંપની બેંક ઓફ બરોડાની કાર્યવાહી બાદ કાનૂની સલાહ લઈ રહી છે.
ED કરી રહી છે કૌભાંડની તપાસ
અનિલ અંબાણીની કંપની આરકોમ અને બેંકનો આ મામલો ED દ્વારા અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સાથે જોડાયેલા લોન કૌભાંડની તપાસમાં સામે આવ્યો છે. EDએ 12થી 13 બેંકો પાસેથી રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ, આરકોમ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સાથે જોડાયેલા લોનની વિગતો માગી છે. આ કેસમાં કહેવાતી છેતરપિંડીની કુલ રકમ અંદાજે 17,000 કરોડ રૂપિયા છે.
આ પહેલાં અગાઉ 2024માં SBIએ પણ આરકોમના લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું હતું. ત્યાર બાદ 24 ઓગસ્ટે બેંક ઓફ ઈન્ડિયાએ પણ આ જ પગલું ભરતાં અનિલ અંબાણીનું નામ લઈને ફંડ ડાયવર્ઝન અને લોનની શરતોના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો. બેંક ઓફ બરોડાએ આગળ કહ્યું કે આ કાર્યવાહીનો અહેવાલ ભારતીય રિઝર્વ બેંક (RBI)ને સોંપવામાં આવ્યો છે.
ઈન્ડિયન ટેલિવિઝન દિવસે ને દિવસે કારણવિના રમૂજી બનતું જાય છે. ટીવીસિરિયલમાં ડ્રામા નથી હોતો અને સિંગિંગ-ડેન્સ રિયલિટી શોમાં સિંગિંગ-ડાન્સિંગ ઓછાં, ડ્રામા વધારે હોય છે. એકાદ-બે અઠવાડિયાં પહેલાં કોમેડિયન ભારતીસિંહ ધણી હર્ષ લિમ્બાચિયા સાથે બચ્ચાંના ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર’માં પધારેલાં. એ એપિસોડ જોવાનું સૌભાગ્ય તો પ્રાપ્ત થયું નહોતું, પણ એના વિશે છાપાંમાં સમાચાર વાંચ્યા કે, અમુક બાળ-પાર્ટિસિપન્ટનો પરફોરમન્સ જોઈને ભારતીસિંહ ભાવુક થઈ ગઈ. એને પોતાનું બાળપણ અને ગર્દિશના દિવસો યાદ આવી ગયા. પછી તો એક પોડકાસ્ટમાં એણે માતા વિશે વધુ ચોંકાવનારી વાત કરી, પણ એ આ લેખનો વિષય નથી. જે બાળપણ, ઉછેર સાંભરીને ભારતી ભાવુક થઈ એના અનુસંધાનમાં કહેવાનું કે ‘ચિત્રલેખા’ માટે લીધેલા એના સુદીર્ઘ ઈન્ટરવ્યુમાં આ વિશે વિગતે ઘણી વાતો કરેલી.
મંબઈના મોહન સ્ટુડિયોમાં લેવાયેલા ઈન્ટરવ્યુમાં સંઘર્ષના દિવસો યાદ કરતી વખતે ભારતીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયેલાં.
પ્રસ્તુત છે એ ઈન્ટરવ્યુના અમુક અંશ, એના જ શબ્દોમાં…
હું કાચી વયની હતી ત્યારે પિતાનો દેહાંત થયો. મા અમને, ત્રણ સંતાનોને જેમ-તેમ ઉછેરતી. હું ભણતાં ભણતાં રાઈફલ શૂટિંગ અને એવી સ્પોર્ટ્સમાં ભાગ લેતી, કારણ કે ત્યાં નાસ્તો-જમવાનું મફત મળતું. મળસકે પાંચ વાગ્યે અમૃતસરમાં સુવર્ણમંદિર નજીક આવેલી અમારી ઘોલકી જેવડી ઓરડીમાંથી મેદાન પર પહોંચી જતી. વહેલી સવારે જઈએ તો પૌષ્ટિક નાસ્તો, દૂધ મળે. બપોરે જમવાનું. સાંજે સાડાચાર-પાંચ વાગ્યે બધું પતી જાય, તેમ છતાં હું સાત વાગ્યા સુધી પ્રેક્ટિસ કરતી, કારણ સાત વાગ્યા સુધી પ્રેક્ટિસ કરનારને રાતનું જમવાનું મળે. રોજ પાંચ રૂપિયાની ફ્રૂટ્સની કૂપન મળે. હું મહિનાની કૂપન ભેગી કરી મા-બહેન-ભાઈ માટે ફ્રૂટ્સ લઈ જતી.
2008માં ટીવી-શો ‘લાફ્ટર ચેલેન્જ’ માટે ટેસ્ટ લેવા પ્રોડક્શન-ટીમ અમૃતસર આવે છે. હું હોટેલ પર ટેસ્ટ આપવા ગઈ. મનમાં એવા વિચાર આવતા કે હું રૂમમાં જઈશ એટલે એ લોકો મારી પર બળાત્કાર કરશે. મેં મારી બહેનપણીને હોટેલ પાસે ઊભી રાખીઃ “સાંભળ, અમુક સમયમાં પાછી ન આવું તો ફલાણા નંબરની રૂમમાં આવી જજે”. જો કે એવું કંઈ થયું નહીં. ટેસ્ટ આપ્યો.
બે દિવસ પછી મુંબઈથી ફોન આવ્યો: “આ પીએનઆર નંબર અને બીજી ડિટેલ્સ લખી લો”.
મને થયું કે આ પીએનઆર એટલે શું? પછી ખબર પડી કે જેટ એરવેઝની મુંબઈ જતી ફ્લાઈટની એ વિગત હતી.
હું ને મમ્મી સામાન લઈને અમૃતસર એરપોર્ટમાં ગયાં. ખબર નહોતી ટ્રોલી ફ્રી મળે. ફ્લાઈટમાં ખાવાનું-ચા-કોફી-પીણાં લીધાં નહીં. ખબર નહોતી કે ફ્રી સર્વિસ છે. અમે ભૂખ્યાં જ રહ્યાં. મુંબઈ એરપોર્ટ પર પ્રોડક્શન હાઉસનો માણસ લેવા આવેલો. એ મારી પહેલી મુંબઈસફર. ‘લાફ્ટર ચેલેન્જ’ની એ સીઝનમાં મને પૈસા નહોતા મળ્યા. આવવા-જવાનું વિમાન-ભાડું અને છ મહિના મુંબઈમાં રહેવાનું ફ્રી. લલ્લીનું પાત્ર ભજવી લોકપ્રિય થઈ તો ૪૦ ઈંચનું એલઈડી ટીવી બક્ષિસમાં મળ્યું, જેનો અમૃતસરના અમારા ઘરમાં જેમ-તેમ સમાવેશ થયો.
સાચું કહું તો મને કોમેડીનો કોઈ અનુભવ નહોતો… ‘લાફ્ટર ચેલેન્જ’ બાદ વિપુલ ડી. શાહની પ્રોડક્શન-કંપની ‘ઓપ્ટિમિસ્ટિક્સ’માંથી ‘કોમેડી સરકસ’ માટે ફોન આવ્યો તો હું અવઢવમાં હતી. એમણે પૂછ્યું કે “કેટલા પૈસા લેશો”? શું જવાબ આપવો એ ખબર નહોતી. પછી એમણે સામેથી કહ્યું, “અત્યારે સાઈનિંગ અમાઉન્ટ દસ લાખ રૂપિયા આપીએ છીએ. મુંબઈ આવો એટલે વિગતે વાત કરીએ”. મેં મારી જિંદગીમાં દસ લાખ રૂપિયા જોયા તો શું સાંભળ્યા પણ નહોતા.
એમણે મને મુંબઈમાં છ મહિના રહેવાનીયે વ્યવસ્થા કરી આપેલી. થેન્ક્સ ટુ ‘ઓપ્ટિમિસ્ટિક્સ’ અને એના સ્થાપક વિપુલ ડી. શાહ. આજ મેરે પાસ મર્સિડીઝ ગાડી હૈ, બમ્બઈ મેં દો ફ્લેટ હૈ, પંજાબમાં મિનરલ વોટરની ફેક્ટરી છે. જબરદસ્ત લોકપ્રિયતા છે, અનેક એવોર્ડ્સ મળ્યા છે. મારી મોટી બહેન (ત્યક્તા), એની દીકરી, મારી મા સુખેથી રહીએ છીએ. મોટા ભાઈનાં લગ્ન થઈ ગયાં છે, એ સ્થિર ગૃહસ્થી ચલાવે છે.
ભારતીને ગુજરાતીઓ સાથે ભારે લેણાદેણી છે. પહેલો મોટો પ્રોજેક્ટ ગુજરાતીની નિર્માણકંપની સાથે, એના ડિરેક્ટર ગુજરાતી, નિકુલ દેસાઈ, પતિ ગુજરાતી, સરિતા-પ્રવીણ જોશીની સુપુત્રી પૂર્બી જોશી સાથે કોમેડી સરકસમાં કામ કર્યું, વગૈરાહ વગૈરાહ. આ બધું તો ઠીક પણ પંજાબના નીચલા મધ્યમવર્ગની એક દીકરી પ્રતિભાના જોરે, સ્વબળે અહીં સુધી પહોંચી એ હકીકત ફેસિનેટિંગ છે, નહીં?
ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ (Teacher’s Day 2025) ઉજવવામાં આવે છે. તે આપણા ગુરુઓને સમર્પિત છે, જેમણે આપણને શીખવ્યું છે અને જીવનમાં માર્ગદર્શન આપ્યું છે. શિક્ષકોના માનમાં આ દિવસે શાળાઓ અને કોલેજોમાં ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને શુભેચ્છાઓપાઠવે છે અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે શિક્ષક દિવસ આખી દુનિયામાં 5 સપ્ટેમ્બરે નહીં, પણ 5 ઓક્ટોબરેઉજવવામાં આવે છે. તો પછી ભારતમાં શિક્ષક દિવસ માટે 5 સપ્ટેમ્બર કેમ પસંદ કરવામાં આવ્યો. આ પાછળ એક ખાસ કારણ છે અને તે ભારતના એક મહાન વ્યક્તિત્વ સાથે સંબંધિત છે.
ડૉ. સર્વપલ્લીરાધાકૃષ્ણનનો જન્મદિવસ
5 સપ્ટેમ્બર, 1888 ના રોજ આંધ્રપ્રદેશના એક નાના ગામમાં જન્મેલા ડૉ. સર્વપલ્લીરાધાકૃષ્ણન માત્ર એક વિદ્વાન શિક્ષક જ નહીં, પણ એક મહાન દાર્શનિક અને રાજકારણી પણ હતા. ડૉ. સર્વપલ્લીરાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952-62) અને બીજા રાષ્ટ્રપતિ (1962-67) હતા.
તેમણે પોતાના જીવનના 40 વર્ષ શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યા. તેઓ કલકત્તા યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રોફેસર હતા અને પોતાના જ્ઞાન અને વિદ્વતાથી સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું. તેમને શિક્ષણ અને ફિલસૂફીમાં ઊંડી શ્રદ્ધા હતી અને તેઓ માનતા હતા કે “સાચું શિક્ષણ એ છે જે આપણને ફક્ત માહિતી જ આપતું નથી, પરંતુ આપણા જીવનમાં સુમેળમાં રહેવાનું શીખવે છે.”
આ જ કારણથી શિક્ષક દિવસની શરૂઆત થઈ
1962માં જ્યારે ડૉ. રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમના કેટલાક ચાહકો, મિત્રો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઉજવવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે તેમને વિનંતી કરી કે તેઓ આ દિવસનેઅલગથીઉજવવાને બદલે સમગ્ર શિક્ષક સમુદાયને સમર્પિત કરે. તેમણે કહ્યું કે જો તેમના જન્મદિવસની ઉજવણી કરવાને બદલે, જો આ દિવસ ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે, તો તેઓ વધુ ગર્વ અને ખુશી અનુભવશે.
દરેકને તેમની ઇચ્છા એટલી ગમી કે ત્યારથી 5 સપ્ટેમ્બર સમગ્ર ભારતમાં ‘શિક્ષક દિવસ’તરીકેઉજવવામાં આવે છે. આ દિવસ ડૉ. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપવા તેમજ દેશના લાખો શિક્ષકોની મહેનત અને સમર્પણને સ્વીકારવાનો રાષ્ટ્રીય પ્રસંગ બન્યો. ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે, ‘વિશ્વ શિક્ષક દિવસ’ 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ 1994 માં યુનેસ્કો દ્વારા શિક્ષકોના દરજ્જા પરના સંમેલનની વર્ષગાંઠ તરીકે ઉજવવાનું શરૂ થયું. જોકે, ભારતે તેના મહાન શિક્ષકની ઇચ્છાને માન આપવા માટે તેની અલગ તારીખ જાળવી રાખી.
કાઠમંડુઃ નેપાળે ફેસબુક, X, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળ સરકારે જણાવ્યું હતું કે ફેસબુક, X, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિતના મોટા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સને બ્લોક કરી રહી છે, કારણ કે આ કંપનીઓ સરકારે નક્કી કરેલા રજિસ્ટ્રેશન માટેના નિયમોનું પાલન કરી રહી નથી.
મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આ સોશિયલ મિડિયા કંપનીઓને રજિસ્ટ્રેશન માટે 28 ઓગસ્ટથી સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ, બુધવાર રાત્રે સમયમર્યાદા પૂરી થયા પછી પણ કોઈ મોટી સોશિયલ મિડિયા કંપનીએ અરજી કરી નહોતી. તેમાં મેટા (ફેસબુક, X, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ, વોટ્સએપ), રેડિટ્ટ અને લિન્ક્ડઇનનો સમાવેશ થાય છે. જોકે મંત્રાલય અનુસાર TikTok, Viber, Witk, Nimbuzz અને Popo Liveને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે। જ્યારે Telegram અને Global Diaryએ અરજી કરી છે અને તે મંજૂરીની પ્રક્રિયામાં છે.
ફેસબુક અને અન્ય સોશિયલ મિડિયા કંપનીઓએ હજી સુધી નેપાળ સરકારના આ નિર્ણય પર કોઈ ટિપ્પણી કરી નથી. મંત્રાલયના સ્ત્રોતો અનુસાર સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પ્લેટફોર્મ્સ સોશિયલ નેટવર્ક ઉપયોગ વ્યવસ્થાપન નિર્દેશ, 2023 હેઠળની ફરજિયાત રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પાલન કરી રહ્યા નહોતાં.
મંત્રાલયે નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીને પણ બિન-રજિસ્ટર્ડ સોશિયલ પ્લેટફોર્મ્સને નિષ્ક્રિય કરવા આદેશ આપ્યો છે. મંત્રાલયના સ્ત્રોતોએ જણાવ્યું કે આ પ્રતિબંધ ગુરુવાર મધરાતથી લાગુ થશે. મંત્રાલયના પ્રવક્તા ગજેન્દ્રકુમાર ઠાકુરે કહ્યું હતું યાદીમાં સમાવાયેલા પાંચ પ્લેટફોર્મ્સ અને પ્રક્રિયામાં રહેલા બે પ્લેટફોર્મ્સને છોડીને, બાકીના બધા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સને નેપાળમાં નિષ્ક્રિય કરી દેવામાં આવશે.