Home Blog Page 63

પર્યાવરણ પ્રેમીએ નારિયેળની કાચલી અને વાંસમાંથી સર્જ્યું અદ્દભૂત આર્ટવર્ક

દરેક વ્યક્તિનું સપનું હોય કે પોતાનું ઘર સુંદર રીતે સજાવું. ઘણાં લોકો ઘરની સજાવટ પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. હવે તમને લાગતું હશે કે હું તમને ઘર સજાવટ વિશે કોઈ માહિતી આપવાની છું. ના, હું તમને ધાંગધ્રા (Dhrangadhra)ના શંભુભાઈ મિસ્ત્રી (Shambhu Mistri) વિશે માહિતી આપવાની છું. જેઓ ખૂબ જ ઓછાં ખર્ચામાં, ઈકો ફ્રેન્ડલી વસ્તુઓમાંથી સુંદર મજાની ઘર સજાવટની વસ્તુઓ બનાવે છે. ‘વેસ્ટમાંથી બેસ્ટ’ આ શબ્દો આપણે ખૂબ જ સાંભળ્યા છે. પરંતુ શંભુભાઈનું આર્ટવર્ક જોઈને તમે માની જ નહીં શકો કે આ આર્ટવર્ક વેસ્ટ વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યું છે.

તમે ક્યારેય વાંસ (Bamboo)માંથી બનેલ પાણીની બોટલ વિશે સાંભળ્યું છે? શંભુભાઈ વાંસમાંથી પાણીની બોટલ, વિવિધ ડેકોરેટિવ વસ્તુઓ, પક્ષીઓને દાણા નાખવાનું સ્ટેન્ડ બનાવી આપે છે. આ સિવાય મંદિરમાં ફેંકી દેવામાં આવેલી નારિયેળની કાચલીમાંથી પણ ચા પીવાનો કપ, પક્ષીઓને દાણા નાખવાનું સ્ટેન્ડ, સ્કૂટર, વિવિધ પ્રાણીઓની ડેકોરેટિવ પીસ તેમજ અવનવી વસ્તુઓ બનાવી આપે છે. આ ઉપરાંત તેઓ લાકડાંમાંથી મિનિએચર અને જીક્સો પેઈન્ટિંગ બનાવવામાં પણ માહિર છે.

શંભુભાઈના આર્ટવર્ક વિશે વાત કરીએ તે પહેલાં, થોડી તેમના વિશે વાત કરીએ. શંભુભાઈનો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં જન્મ અને ઉછેર જ થયો હતો. કોલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. પિતા મહાદેવભાઈ મિસ્ત્રીની તબિયત ખરાબ થતાં ભાઈ સાથે વ્યવસાયમાં જોડાઈ ગયા. પરિવારમાં તેમના સિવાય પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે.શંભુભાઈ શરૂઆતમાં તો ભાઈ સાથે મિસ્ત્રી કામ કરીને ફર્નિચરની વસ્તુઓ જ બનાવતા હતા. તેમની આર્ટ એન્ડ ક્રાફ્ટ (Art & Craft)ની મુસાફરી ચકલીઘર બનાવવાથી થઈ. તેમના ઘરમાં એક પૂઠાનું ઘર લગાવેલ હતું. જેમાં ચકલીનું માળો હતો તે રોજ ઘરેથી નીકળતા અને તેની તરફ જોતા. આમ જોતાજોતા તેમને ચકલી પ્રત્યે અલગ જ લગાવ થઈ ગયો. પણ વરસાદ આવવાથી ચકલીનું ઘર ભીંજાઈને તૂટી ગયું અને માળામાથી ઈંડા નીચે પડીને તૂટી ગયા. આ જોઈને શંભુભાઈને ખૂબ દુઃખ થયું. તેમણે નક્કી કર્યું કે મારી પાસે કલા છે તો હું આ ચકલીઓ માટે લાકડાના મજબૂત ઘર બનાવીશ. તેમના મનમાં સેવા કાર્યનું પણ નિર્માણ થયું. તેમણે પોતાના ઘર પૂરતું જ ચકલીઘર ન બનાવ્યું. પરંતુ તેમણે વર્ષ 2024 સુધીમાં 51,000થી પણ વધુ ચકલીઘર બનાવીને તેનું વિતરણ કર્યું છે. આગામી 2028 સુધીમાં તેમનું લક્ષ્યાંક 1,00,000 ચકલીઘરનું વિતરણ કરવાના છે.આપણે ઘણી બધી વસ્તુઓને નકામી સમજીને જવા દેતા હોઈએ છીએ. જેમ કે નાળિયેર (Coconut)ની કાચલી, જૂના તેલના ડબ્બા વગેરે. પણ શંભુભાઈ આ વસ્તુઓમાંથી ખૂબ જ ઉપયોગી વસ્તુઓ બનાવતા હોય છે. તેમણે નારિયેળની કાચલીમાંથી વિવિધ પ્રકારની કલાકૃતિઓ તૈયાર કરી છે. મોર, ઘેટું, હરળ, ઘુવડ, કાચબો જેવાં અનેક પ્રાણીઓ, ચા પીવાના કપ, કિટલી, રાધાકૃષ્ણની મૂર્તિ, ફૂલદાની, સ્કૂટર જેવી અનેક કૃતિઓ તૈયાર કરી છે. આ કૃતિઓ બનાવવામાં તેમને સાતથી આઠ કલાકનો સમય જાય છે. સાથે જ તેઓ બાળકોને પણ આની ટ્રેનિંગ આપે છે.શંભુભાઈ છેલ્લાં પાંચેક વર્ષથી નવોદય વિદ્યાલય, ધાંગધ્રામાં આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસ કરાવે છે. તેઓ બાળકોને વિવિધ વુડન પેઈન્ટિંગ્સ, ડેકોરેટિવ આર્ટિકલ્સ તેમજ નારિયેળની કાચલીમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવતા શીખવે છે. બાળકોને પણ શંભુભાઈ જોડે કામ કરવું ખૂબ જ ગમે છે. આ ક્લાસના કારણે બાળકોની સર્જનાત્મક્તામાં વધારો થાય છે.શંભુભાઈને ધરતી માતાની ખૂબ જ ચિંતા છે. પ્લાસ્ટિક વેસ્ટને કારણે જમીનને ખૂબ જ મોટાં પ્રમાણમાં નુક્સાન થઈ રહ્યું છે. ત્યારે શંભુભાઈ હંમેશા એવી વસ્તુઓ તૈયાર કરવાનું વિચારે છે, જેના કારણે પર્પાયવરણમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટે. આથી જ તેઓ કુદરતી રીતે પ્રાપ્ત થતાં અને કુદરતને ગકોઈપણ પ્રકારનું નુક્સાન ન પહોંચાડતા વાંસમાંથી પણ અદ્દભૂત વસ્તુઓ તૈયાર કરે છે, વાંસમાંથી ફૂલદાની, ગાડી, કૃષ્ણનો હિંચકો, રમકડાં, અરે પાણી પીવાની બોટલ પણ બનાવી છે.

શંભુભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને અદ્દભૂત કારીગરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છીએ.

ઝાયડસ લાઇફસાયન્સિસ US ઓન્કોલોજી કંપની એસેર્ટિયોને હસ્તગત કરશે

 અમદાવાદઇનોવેશન આધારિત ગ્લોબલ લાઇફસાયન્સિસ કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે કંપનીની પેટા કંપની ઝાયડસ વર્લ્ડવાઇડ ડીએમસીસીએ (Zydus Worldwide)તેની સંપૂર્ણ માલિકીની એક્વિઝિશન સબસિડિયરી ઝારા મર્જર સબ ઇન્કોર્પોરેશન (Zara) (ઝાયડસ વર્લ્ડવાઇડ, ઝારા અને કંપનીને અહીં સંયુક્ત રીતે “Zydus”તરીકે ઓળખવામાં આવશે) મારફતે અમેરિકાની સ્પેશિયલિટી અને ઓન્કોલોજી સપોર્ટિવ-કેર થેરાપીઝ પર કેન્દ્રિત ફાર્માસ્યુટિકલ કંપની એસેર્ટિયો હોલ્ડિંગ્સ ઇન્કોર્પોરેશન (NASDAQ: ASRT) (Assertio)સાથે અંતિમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર મુજબ ઝાયડસ એસેર્ટિયોના બાકી રહેલા તમામ શેર્સ પ્રતિ શેર 23.50 યુએસ ડોલરની રોકડ કિંમતે ખરીદશે. ટ્રેઝરી સ્ટોક મેથ્ડને આધારે ગણતરી કરતા સંપૂર્ણ ડાયલ્યુટેડ બેઝિસ પર આ સોદાનું કુલ મૂલ્ય અંદાજે 166.4 મિલિયન યુએસ ડોલર જેટલું થાય છે.

આ સંપાદન ઝાયડસને અમેરિકામાં સ્થાપિત સ્પેશિયાલિટી ઓન્કોલોજી કોમર્શિયલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવશે, જે એસેર્ટિયોની ઓન્કોલોજી સપોર્ટિવ-કેર ક્ષેત્રમાં મજબૂત હાજરી પર આધારિત છે. એસેર્ટિયોના પોર્ટફોલિયોમાં ROLVEDON® (eflapegrastimxnst)નો સમાવેશ થાય છે, જેને USFDA દ્વારા બીએલએ તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ લાંબા સમય સુધી અસરકારક રહેતી G-CSF બાયોલોજિક છે, જે માયેલોસપ્રેસિવ કિમોથેરાપી લઈ રહેલા પુખ્ત વયના કેન્સર દર્દીઓમાં ફેબ્રાઇલ ન્યુટ્રોપેનિયાને અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ROLVEDON® ઓન્કોલોજી સપોર્ટિવ-કેર બજારમાં દરેક કિમોથેરાપી સાયકલ દરમિયાન એક વખત આપવામાં આવે છે. ઝાયડસ અમેરિકામાં પોતાની સ્પેશિયાલિટી ઓન્કોલોજી હાજરી મજબૂત કરવા અને વિસ્તારવા માટે એસેર્ટિયોના કેન્દ્રિત કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓન્કોલોજી સંબંધોનો લાભ લેવાનો ઇરાદો ધરાવે છે.

બંને કંપનીઓ વચ્ચે મર્જર કરારની શરતો મુજબ ઝાયડસ એસેર્ટિયોના સામાન્ય શેરોના બાકી રહેલા તમામ શેરો હસ્તગત કરવા માટે ટેન્ડર ઓફર શરૂ કરશે. આ સોદો ટેન્ડર ઓફર બાદ મર્જર સ્વરૂપે પૂર્ણ કરવામાં આવશે, જે સામાન્ય ક્લોઝિંગ શરતોને આધીન રહેશે. તેમાં એસેર્ટિયોના કુલ બાકી રહેલા સામાન્ય શેરોમાંથી ઓછામાં ઓછી બહુમતીનું પ્રતિનિધિત્વ કરતા શેર્સના ટેન્ડર થવાનો સમાવેશ થાય છે. ટેન્ડર ઓફર સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઝાયડસ ટેન્ડર ઓફરમાં રજૂ ન થયેલા બાકીના તમામ શેરોને બીજા તબક્કાના મર્જર દ્વારા તે જ કિંમતે હસ્તગત કરશે, જે કિંમત ટેન્ડર ઓફરમાં ચૂકવવામાં આવી હતી.

મર્જર કરારની તારીખ બાદ કામકાજના પાંચ દિવસોની અંદર ટેન્ડર ઓફર શરૂ થવાની અપેક્ષા છે. તમામ ક્લોઝિંગ શરતો પૂર્ણ થવાને આધીન રહીને આ સોદો નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન પૂર્ણ થવાની શક્યતા છે.

આ સોદા અંગે ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પી. પટેલે જણાવ્યું હતું કે આ સોદો અમેરિકામાં અમારી સ્પેશિયાલિટી અને ઓન્કોલોજી હાજરીને મજબૂત બનાવવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે. એસેર્ટિયો એક કેન્દ્રિત કોમર્શિયલ પ્લેટફોર્મ અને મંજૂર થયેલ ઓન્કોલોજી એસેટ સાથે આવે છે, જે વૈશ્વિક સ્તરે અલગ ઓળખ ધરાવતા અને લાંબા ગાળે ટકાઉ સ્પેશિયાલિટી બિઝનેસ ઊભા કરવાની અમારી લાંબા ગાળાની વ્યૂહરચનાને સારી રીતે અનુરૂપ છે.

Nutshell in 99

ક્યુબામાં ડીઝલ,પેટ્રોલ ખતમઃ સરકારે જાહેર કર્યું બ્લેકઆઉટ

નવી દિલ્હીઃ ક્યુબા હાલમાં ગંભીર ઊર્જા સંકટોમાંથી એકનો સામનો કરી રહ્યું છે. પરિસ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે દેશના ઊર્જા મંત્રીએ ખુદ સ્વીકાર્યું છે કે હવે ક્યુબા પાસે ડીઝલ અને ફ્યુઅલ ઓઇલ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યું છે. રાજધાની હવાના (Havana)માં લોકો દરરોજ 20થી 22 કલાક સુધી અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. વીજળી, ખોરાક, દવાઓ અને પરિવહન જેવી આવશ્યક સેવાઓ પર ગંભીર અસર પડી રહી છે. ક્યુબા સરકાર આ માટે મોટા પ્રમાણમાં અમેરિકન પ્રતિબંધો અને ઇંધણ નાકાબંધીને જવાબદાર ગણાવી રહી છે, જ્યારે પરિસ્થિતિ સતત વધુ ગંભીર બની રહી છે.

ક્યુબાની હાલત

અહેવાલ મુજબ ક્યુબાના ઊર્જા અને ખનન મંત્રી વિસેન્ટ ડે લાઓએ બુધવારે જણાવ્યું હતું કે દેશમાં ડીઝલ અને ફ્યુઅલ ઓઇલ સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. તેમણે સરકારી મિડિયાને કહ્યું હતું કે અમારી પાસે ફ્યુઅલ ઓઇલ બિલકુલ નથી અને ડીઝલ પણ જરાય બાકી નથી. તેમણે વધુમાં કહ્યું કે દેશની વીજળી વ્યવસ્થા “ગંભીર સ્થિતિ”માં પહોંચી ગઈ છે અને “અમારી પાસે કોઈ રિઝર્વ પણ નથી. ઊર્જા મંત્રીના જણાવ્યાનુસાર આ અઠવાડિયે અને ગયા અઠવાડિયે હવાનામાં વીજળી કપાત ખૂબ વધી ગઈ છે. ઘણા વિસ્તારોમાં લોકો દરરોજ 20થી 22 કલાક સુધી વીજળી વગર રહેવા મજબૂર છે. પહેલેથી જ ખોરાક, ઇંધણ અને દવાઓની અછતનો સામનો કરી રહેલા લોકો માટે આ મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે.

કારણ શું છે?

ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે અમેરિકન નાકાબંધી હોવા છતાં ક્યુબા સતત ઇંધણ આયાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક તેલ અને પરિવહન ખર્ચ વધી ગયો છે, જેને કારણે મુશ્કેલીઓ વધુ વધી છે. તેમણે કહ્યું હતું કે ક્યુબા કોઈ પણ એવા દેશ પાસેથી ઓઇલ ખરીદવા તૈયાર છે, જે અમને ઇંધણ વેચવા ઇચ્છે છે. અહેવાલ મુજબ અગાઉ ક્યુબાને ઓઇલ મોકલતા મુખ્ય દેશો મેક્સિકો, અને વેનેઝુએલાએ જાન્યુઆરી, 2026 પછીથી ક્યુબાને ઇંધણ મોકલવાનું બંધ કરી દીધું છે. તેનું કારણ ટ્રેમ્પનો તે આદેશ ગણાવવામાં આવી રહ્યો છે જેમાં ક્યુબાને ઇંધણ મોકલનારા દેશો પર ટેરિફ લગાવવાની ચેતવણી આપવામાં આવી હતી.

CM સુભેન્દુ અધિકારીએ ધારાસભ્ય બનેલા કલાકારોને સોંપી ખાસ જવાબદારી

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારી (CM Suvendu Adhikari) બંગાળી સિનેમામાં પરિવર્તન લાવવાની તૈયારી કરી રહ્યા છે. રૂપા ગાંગુલી સહિત ભાજપના અભિનેતા-ધારાસભ્યોને મુખ્યમંત્રીએ કેટલીક સૂચનાઓ આપી છે તજે ખરેખર જાણવા જેવી છે.

Kolkata : Leader of Opposition in West Bengal Assembly Suvendu Adhikari speaks during a protest against the post-poll violence after the by-elections in the state in Kolkata on Sunday, July 14, 2024. (Photo: IANS/Kuntal Chakrabarty)

પશ્ચિમ બંગાળ (West Bengal) ના નવનિયુક્ત મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારી(CM Suvendu Adhikari)એ તાત્કાલિક પોતાનું કામ શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્ય બનેલા ત્રણ અભિનેતાઓ સાથે મુલાકાત કરી. તેમણે બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં ભયમુક્ત કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા અને પારદર્શિતા પુનઃસ્થાપિત કરવા માટે પહેલ કરવા વિનંતી કરી.

બેઠકમાં કલાકારોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યો રૂપા ગાંગુલી, રુદ્રનીલ ઘોષ અને હિરણ ચેટર્જી હાજર હતા. મુખ્યમંત્રીએ તેમને ટોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં સુધારાઓની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે.

મુખ્યમંત્રીનો આ નિર્દેશ ટીએમસી સરકારની નજીકના કેટલાક વ્યક્તિઓ દ્વારા લાંબા સમયથી ઉદ્યોગ પર નિયંત્રણ હોવાના આરોપો વચ્ચે આવ્યો છે. ટીએમસી શાસન પર ઘણીવાર ઉદ્યોગને નિયંત્રિત કરવાનો અને મનસ્વી રીતે કામ કરવાનો આરોપ મૂકવામાં આવતો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ઉદ્યોગના કામકાજમાં ખલેલ પહોંચાડવાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી શકાય છે.

ભાજપ સરકાર સિન્ડિકેટ શાસનનો અંત લાવવાના પ્રયાસો

નવી સરકારનું આ પગલું ટોલીવુડમાં કથિત સિન્ડિકેટ શાસનનો અંત લાવવાનો પ્રયાસ છે. તેની સ્થાપના બંગાળના ભૂતપૂર્વ મંત્રી અને ટેકનિશિયન ગિલ્ડના પ્રમુખ સ્વરૂપ બિસ્વાસના ભાઈ દ્વારા પારદર્શક અને વ્યાવસાયિક વાતાવરણ ફરીથી સ્થાપિત કરવા માટે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારી(CM Suvendu Adhikari)એ પુનરોચ્ચાર કર્યો કે રાજ્યના ફિલ્મ ઉદ્યોગમાં સારું અને સ્વસ્થ વાતાવરણ સ્થાપિત કરવા માટે તમામ હિસ્સેદારોએ ડર્યા વિના કામ કરવું જોઈએ.

વીડી સતીશન કેરળના નવા CM બનશેઃ કોંગ્રેસનું એલાન

નવી દિલ્હીઃ કેન્દ્રમાં 10 દિવસ સુધી ચાલેલી ભારે ચર્ચા અને વિચારવિમર્શ બાદ આખરે કોંગ્રેસે કેરળના નવા મુખ્ય મંત્રી તરીકે વી ડી સતીશન (VD Satheesan)ના નામની જાહેરાત કરી છે. વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી મુખ્ય મંત્રીપદ માટે વીડી સતીશન અને કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ (KC Venugopal) વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી હતી. ગુરુવારે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં મુકલ વાસનિક, દીપા દાસમુનશી અને અજય માખને પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી.

કોચી નજીક આવેલા નેટ્ટુર ગામમાં જન્મેલા વીડી સતીશનનો પરિવાર લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે. વકીલ અને સામાજિક કાર્યકર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે કેરળ સ્ટુડન્ટ્સ યુનિયન મારફતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને કોંગ્રેસમાં પોતાની મજબૂત ઓળખ બનાવી હતી. તેઓ તેજસ્વી પ્રવક્તા અને રસ્તા પર સંઘર્ષમય રાજકારણ માટે જાણીતા છે. સતીશન વર્ષ 2001થી પરવુર વિધાનસભા બેઠક પરથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. 61 વર્ષીય સતીશન અગાઉ કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે વકીલ છે.

જોકે કેરળ કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યોની પ્રથમ પસંદગી કેસી વેણુગોપાલ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ રાહુલ ગાંધીએ વિધાનમંડળ પક્ષના નેતા તરીકે વીડી સતીશનના નામ પર અંતિમ મંજૂરી આપી હતી. કેરળમાં કોંગ્રેસની આગેવાનીવાળા યુડીએફે કોઈ મુખ્ય મંત્રી ચહેરા વગર ચૂંટણી લડી હતી, છતાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન એલડીએફ સરકાર વિરુદ્ધ અનેક મુદ્દાઓ પર સતીશને માર્ગ આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે એલડીએફ સામે લોકોમાં રહેલા અસંતોષને રાજકીય રીતે મજબૂત રીતે રજૂ કર્યો હતો.

સતીશને પોતાને પિનારાઈ વિજયન (Pinarayi Vijayan)ના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે રજૂ કર્યા હતા. તેમના સમર્થકોનું માનવું હતું કે આટલા મોટા જનાદેશ પછી તેમને મુખ્ય મંત્રી પદથી દૂર રાખવાથી તળિયાના કાર્યકરોનું મનોબળ ઘટી શકે છે. સતીશન કેરળના મધ્યમવર્ગ, નાગરિક સમાજ અને યુવા કોંગ્રેસ સમર્થકો વચ્ચે ખૂબ સક્રિય અને લોકપ્રિય માનવામાં આવે છે. જૂથબાજીથી દૂર રહી તેમણે પાર્ટીને એક મંચ પર લાવવામાં અને 10 વર્ષ બાદ એલડીએફને સત્તાથી દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

BRICS: વૈશ્વિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ – વિદેશ મંત્રી એસ.જયશંકર

બ્રિક્સ (BRICS) વિદેશ મંત્રીઓની બેઠકમાં બોલતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 80 થી વધુ બ્રિક્સ બેઠકો દ્વારા સભ્ય દેશો વચ્ચે સહયોગ અને સંવાદ મજબૂત બન્યો છે. તેમણે કહ્યું કે અધ્યક્ષ દેશ તરીકે ભારત બ્રિક્સને વધુ સમાવિષ્ટ અને સહકારી બનાવવા માટે ભાગીદાર દેશો સાથે સતત સંપર્કમાં છે.

બ્રિક્સ (BRICS) વિદેશ મંત્રીઓની બેઠકમાં બોલતા, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 80 થી વધુ બ્રિક્સ બેઠકો યોજાઈ છે, જેમાં તમામ સભ્ય દેશોની સક્રિય ભાગીદારી છે. તેમણે કહ્યું કે આ બેઠકોએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવામાં અને સંવાદને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

જયશંકરે કહ્યું કે બ્રિક્સની વર્તમાન ગતિ પર નિર્માણ કરવાની જરૂર છે અને ભારત, અધ્યક્ષ દેશ તરીકે, વધુ સમાવિષ્ટ અને સહકારી બ્રિક્સ (BRICKS) માળખાને પ્રોત્સાહન આપવા માટે ભાગીદાર દેશો સાથે સતત વાતચીત કરી રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે બ્રિક્સ (BRICKS)ના સુગમ કાર્ય અને વધુ પ્રગતિ માટે, નવા સભ્ય દેશો સંગઠનની અંદર વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થયેલી સર્વસંમતિને સંપૂર્ણપણે સમજે અને સમર્થન આપે તે જરૂરી છે.

વિદેશ મંત્રીએ જણાવ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં બ્રિક્સ દેશોની ભૂમિકા પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. તેમણે કહ્યું કે આ બેઠક વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ પર ચિંતન કરવાની એક મહત્વપૂર્ણ તક છે. જયશંકરે નોંધ્યું કે આંતરરાષ્ટ્રીય સંબંધો હાલમાં નોંધપાત્ર ફેરફારો અને અનિશ્ચિતતાઓમાંથી પસાર થઈ રહ્યા છે. ચાલુ સંઘર્ષો, આર્થિક અસ્થિરતા અને વેપાર અને ટેકનોલોજી સંબંધિત પડકારો વૈશ્વિક પરિદૃશ્યને અસર કરી રહ્યા છે.

તેમણે નોંધ્યું કે ઉભરતા બજારો અને વિકાસશીલ દેશોમાં અપેક્ષા વધી રહી છે કે બ્રિક્સ વૈશ્વિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. વિદેશ મંત્રીએ ભાર મૂક્યો કે બદલાતી દુનિયામાં બહુપક્ષીય સહયોગ અને સંવાદને મજબૂત બનાવવો જરૂરી છે.

સ્લીપર બસમાં મહિલા પર ગેંગરેપ, ડ્રાઈવર-કન્ડક્ટરની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના રાણી બાગ વિસ્તારમાં સોમવાર રાત્રે ઊભેલી સ્લીપર બસમાં એક મહિલાની સાથે કથિત સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પોલીસે કાર્યવાહી કરીને બસના ડ્રાઈવર અને કન્ડક્ટરને ધરપકડ કરી છે.પોલીસ અને ફરિયાદ મુજબ 11 મેની રાત્રે પીડિતા કામ પરથી ઘરે પરત ફરી રહી હતી અને સરસ્વતી વિહાર બસ સ્ટોપ પાસે પહોંચી હતી. એ દરમિયાન ત્યાં ઊભેલી સ્લીપર બસ પર રહેલી એક વ્યક્તિને સમય પૂછતાં તેને જબરદસ્તી બસમાં ખેંચી લેવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓ બસને નાંગલોઇ તરફ લઈ ગયા, જ્યાં મહિલાની સાથે કથિત રીતે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

પીડિતા પીતમપુરાની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મંગોલપુરીની એક ફેક્ટરીમાં કામ કરે છે. તે પરિણીત છે અને ત્રણ બાળકોની માતા છે.

મદદ માટે બૂમો પાડતી રહી મહિલા

પીડિતાના જણાવ્યા મુજબ આ ઘટના દરમિયાન બસ અલગ-અલગ વિસ્તારોમાં ફરતી રહી અને નાંગલોઇ વિસ્તાર સુધી ગઈ હતી. મહિલા સતત મદદ માટે બૂમો પાડતી રહી, પરંતુ આરોપીઓએ તેની એક પણ વાત સાંભળી નહીં. આરોપીઓએ તેની સાથે મારપીટ પણ કરી. લગભગ બે કલાક પછી આરોપીઓ મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા. કોઈ રીતે મહિલાએ પોતાને સંભાળી અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

 મેડિકલ તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ

પ્રાપ્ત માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મેડિકલ તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી સ્લીપર બસને કબજે લીધી છે. એ સાથે જ વિસ્તારના CCTV ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી આરોપીઓની ઓળખ થઈ શકે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ઝડપી બનાવવામાં આવી છે અને ઘટનાક્રમના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશમાં તેજ આંધી અને વરસાદથી 96 લોકોનાં મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં બુધવારે આવેલી ભારે આંધી અને વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. જોરદાર પવનને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા, જેને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આંધી અને વરસાદની ઝપટમાં આવીને વિવિધ જિલ્લાઓમાં 96 લોકોનાં મોત થયાં છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ મોત વારાણસી, પ્રયાગરાજ અને કાનપુર મંડળમાં થયાં છે. વિવિધ જિલ્લાઓમાંથી મળેલી માહિતી અનુસાર પ્રયાગરાજમાં 17, ભદોહીમાં 16, ફતેહપુરમાં 9, બદાયુમાં 5, પ્રતાપગઢમાં 4, ચંદૌલી અને કુશીનગરમાં 2-2 અને સોનભદ્ર જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. મુખ્ય મંત્રી યોગીએ કમોસમી વરસાદ, આંધી અને વીજળી પડવાથી થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને અધિકારીઓને 24 કલાકમાં પીડિતોને રાહત પહોંચાડવાના આદેશ આપ્યા છે.

પ્રયાગરાજ જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર બુધવારે આવેલા આંધી અને તોફાનને કારણે જિલ્લામાં 17 લોકોનાં મોત થયાં હતાં. જેમાં હંડિયા વિસ્તારમાં 7, ફૂલપુરમાં 4, સોરાંવમાં 3, મેજામાં 2 અને સદર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ભદોહી જિલ્લા વહીવટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લામાં આંધી અને તોફાનને કારણે થયેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં છે.

પોલીસ અધિક્ષક દીપક ભૂકરે જણાવ્યું કે લાલગંજ કોતવાલી વિસ્તારના ઓઝા કા પુરવા ગામમાં ભીમ યાદવ (25) નામના યુવકનું સિમેન્ટનું શેડ ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયું હતું. ઉપરાંત બાઘરાય પોલીસ સ્ટેશન વિસ્તારના સાડી સ્વામી ગામમાં ભૂષણ પાંડે (56) નામની વ્યક્તિનું પણ તોફાન દરમિયાન દીવાલ ધરાશાયી થતાં મોત થયું હતું.

CM યોગીએ વળતર આપવાના આપ્યા આદેશ

મુખ્ય મંત્રી યોગીએ કમોસમી વરસાદ અને વીજળીને કારણે થયેલા જાનહાનિ મામલાને ધ્યાનમાં  લઈને 24 કલાકની અંદર પીડિતોને વળતર આપવાનો આદેશ આપ્યો છે. તેમણે સંબંધિત જિલ્લાધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓને સ્થળ પર પહોંચી પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે.

કબીરવાણી: હીરા જેવું જીવન કોડીના ભાવે ન ગુમાવો

રાત ગંવાઈ સોય કે, દિવસ ગંવાયો ખાય,

હીરા જનમ અમોલ થા, કૌડી બદલે જાય.

 

સામાન્યજન અને પ્રબુદ્ધ વ્યક્તિના જીવનમાં શું તફાવત હોય છે ? સદ્કાર્યો માટે ઇચ્છા ઘણી છે પણ સમય જ ક્યાં છે ? તેવી ફરિયાદ સામાન્ય છે. કબીરજી ટકોર કરે છે કે, હે માનવ, રાત તો સૂવામાં ચાલી જાય છે. દિવસ ખાવામાં એટલે કે રોજી કમાવવામાં જાય છે.

બચપન ખોયા ખેલ મેં, જવાની ગવાયી ગેલમેં, ફીર બુઢાપા આયા તો રોતે રોતે પૂછા – અબ ક્યા કરું બચે હુએ દિનમેં ? કબીરજી કહે છે કે, જીવન એ તો હીરા જેવું અણમોલ છે. તેના પર જ્ઞાન-ભક્તિથી પાસા પાડીએ તો સ્વયં અને જગતને પ્રકાશિત કરવાની તેનામાં તાકાત છે.

કોઈ વિરલા જ આ મૂલ્ય સમજીને જીવન સાર્થક કરે છે. બાકી તો સામાન્યજન તેને આળસ અને ક્ષુલ્લક બાબતોમાં વેડફી દે છે. હીરા સામે જેમ કોડીનું કોઈ મૂલ્ય નથી તેમ અજ્ઞાની લોકો હીરા જેવું જીવન કોડીના ભાવે વ્યર્થ રીતે ગુમાવી દે છે.

કબીરજી વણાટનું મહેનતવાળું કામ કરતાં કરતાં ઉપદેશ કરે છે. શ્રમનો મહિમા કરે છે અને સાથે સાથે આધ્યાત્મિક જીવનની ટોચ સર કરે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)