પટનાઃ પટનામાં વિદ્યાર્થીઓ પછી હવે ખેડૂતોએ રસ્તા પર આંદોલન શરૂ કર્યું છે. સોમવારે સંયુક્ત ખેડૂત મોરચાના બેનર હેઠળ હજારો ખેડૂત પોતાની માગને લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતા. બક્સરના સાંસદ અને ખેડૂત નેતા સુધાકર સિંહના નેતૃત્વમાં ખેડૂતોએ બુદ્ધા પાર્કથી કૂચ શરૂ કરીને CMના નિવાસ તરફ વધવાનું શરૂ કર્યું, પરંતુ પોલીસે ડાકબંગલા ચાર રસ્તા પર બેરિકેડિંગ કરીને તેમને રોકી દીધા હતા.
હજારો ખેડૂતોનું પ્રદર્શન
ખેડૂતોના પ્રદર્શનને લીધે ભારે પોલીસ તહેનાત કરવામાં આવી છે. એ સાથે જ પરિસ્થિતિ બગડે નહીં તે માટે વોટર કેનન ગાડીઓ પણ બોલાવવામાં આવી છે. આ દરમિયાન પટના જંકશનથી ડાકબંગલા જવા અને આવવાના બંને રસ્તા સંપૂર્ણ બ્લોક થયા છે, જેને કારણે માર્ગ જામી ગયો છે.
ખેડૂત મોરચાનો આક્ષેપ છે કે સરકાર તેમની જમીનનું જબરદસ્તી અધિગ્રહણ કરી રહી છે અને તેમને ખૂબ ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સંયુક્ત ખેડૂત મોરચાના અધ્યક્ષ રામ પ્રવેશ યાદવે કહ્યું છે કે ખેડૂતોને જમીન અધિગ્રહણને બદલે 2014ની દરે જ વળતર આપવામાં આવી રહ્યું છે, જ્યારે આજે 2025માં બજાર દર અનેક ગણો વધી ગયો છે. આ ખેડૂતો સાથે સીધો અન્યાય છે.
તેમણે કહ્યું હતું કે સરકારને અધિગ્રહણની પ્રક્રિયામાં આજના વાસ્તવિક બજાર દર મુજબ વળતર આપવું જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમને તેમનો હક અને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને એવા સમયે આ આંદોલન ચૂંટણી મુદ્દો પણ બની રહ્યું છે. વિરોધ પક્ષ સતત નીતીશ સરકાર અને કેન્દ્ર પર હુમલો કરી રહ્યો છે. રાજકીય પંડિતોનું માનવું છે કે જો આંદોલન લાંબું ચાલે તો તે ચૂંટણીમાં મોટો મુદ્દો બની શકે છે.


ગણેશજીની મૂર્તિઓ ક્યારેક પી.ઓ.પી., અન્ય સિન્થેટિક મટિરિલય અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય છે. આવી મૂર્તિઓનું જ્યારે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે ખૂબ જ નુક્સાન કરે છે. જેથી બાપ્પાની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લાવવાનો સંદેશ આપવા તેમજ નાગરિકોને બાપ્પાની માટીની મૂર્તિઓ ઘરે જ જાતે બનાવવા પ્રેરણા આપવા વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ઈકો ઍક્ટિવિટિના ભાગ રૂપે એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે બાપ્પાની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવતા શીખવવા અને પર્યાવરણ સંવર્ધન પ્રત્યે પ્રેરણા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર્ટિસ્ટ દ્વારા બાળકો અને યુવાઓને માટીની મૂર્તિ કેમ બનાવવી તે શીખવવામાં આવ્યું હતું. બાળકો સહિત યુવાઓએ બનાવેલી મૂર્તિઓ ઘરે પણ લઈ જવા આપવામાં આવી હતી.
જેમાં સરીસૃપ જાતિના અસંખ્ય જીવો અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતીના રિવરફ્રટન્ટ પર જોવા મળ્યા. ડેમમાંથી પાણી છોડાતાં તમામ વિભાગો એલર્ટ થઇ ગયાં આ સાથે સરીસૃપ જાતિના જીવોને નુકસાન ન થાય, એમનો બચાવ અને યોગ્ય સ્થાને પહોંચાડવા ટીમો, સામાજિક સંસ્થાના કાર્યકરો સક્રિય થઇ ગયા.
સાપ રેસ્ક્યુ ટીમના સભ્ય સંકેત મિસ્ત્રી
સંકેતભાઇ વધુમાં કહે છે અમારી ટીમના સભ્યોએ દિવસ રાત મહેનત કરી 80થી 90 જેટલાં સાપને બચાવી સલામત સ્થળે મોકલી દીધા. રિવરફ્રન્ટના પ્લેટફોર્મ સુધી પાણી વહે છે એટલે હજુ પણ આ કામગીરી ચાલુ જ છે. અત્યાર સુધીમાં અમારી આખીય ટીમે 75 ડેડવા એટલે પાણીના સાપ, પાંચ કોબ્રા, એક કુકરી સાપ, એક ધામણ, મોનિટર લિઝાર્ડ –ઘો બે પાણીના કાચબાને બચાવ્યા અને યોગ્ય સ્થળે છોડી મુક્યા હતા. વન્ય જીવો અને અબોલ જીવોને બચાવતા અમારી ટીમના સભ્યો એકદમ તાલીમ બદ્ધ રીતે તૈયાર થયેલા છે. જેને સમય મળે એ રીતે રિવરફ્રન્ટ પર આવી સેવા આપે છે.આ વર્ષે સાબરમતીમાં પાણી છોડ્યા બાદ અનેક જીવ જંતુ અને વનસ્પતિ તણાંયા હતાં. પાણી છોડવાનો નજારો જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં.





શાહની સુદર્શન રેડ્ડી પરની ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણઃ 18 ભૂતપૂર્વ જજો
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી પર ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં નક્સલવાદનું સમર્થન કરવાનો આક્ષેપ કર્યો હતો. શાહના આક્ષેપોનો જવાબ સુદર્શન રેડ્ડીએ એક ઇન્ટરવ્યુમાં આપ્યો હતો. હવે 18 નિવૃત્ત ન્યાયાધીશોના જૂથએ જણાવ્યું છે કે ઊંચા પદ પર બેસેલી વ્યક્તિ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાની પૂર્વગ્રહપૂર્ણ ખોટી વ્યાખ્યા ન્યાયાધીશોના મન પર નકારાત્મક અસર કરી શકે છે.
શાહની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કુરિયન જોસેફ, ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર સહિતના 18 નિવૃત્ત ન્યાયાધીશોએ કહ્યું હતું કે સલવા જુડુમ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની જાહેરમાં ખોટી વ્યાખ્યા કરનાર ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. આ ચુકાદો ન તો સ્પષ્ટ રીતે અને ન તો કોઈ અવ્યક્ત અર્થમાં નક્સલવાદ કે તેની વિચારધારાનું સમર્થન કરે છે.
જે નિવેદન પર હસ્તાક્ષર કરનારામાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એ. કે. પટનાયક, ન્યાયમૂર્તિ અભય ઓકા, ન્યાયમૂર્તિ ગોપાલ ગૌડા, ન્યાયમૂર્તિ વિક્રમજિત સેન, ન્યાયમૂર્તિ કુરિયન જોસેફ, ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર સામેલ છે. તેમણે કહ્યું હતું કે કોઈ ઊંચા રાજકીય હોદ્દેદાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાની પૂર્વગ્રહપૂર્ણ ખોટી વ્યાખ્યા કરવાથી ન્યાયાધીશોના મન પર નકારાત્મક અસર પડી શકે છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને નુકસાન થઈ શકે છે.
શાહે શું કહ્યું હતું?
ગૃહપ્રધાન શાહે કેરળમાં કહ્યું હતું કે સુદર્શન રેડ્ડી એ જ વ્યક્તિ છે જેમણે નક્સલવાદને મદદ કરી. તેમણે સલવા જુડુમ પર ચુકાદો આપ્યો. જો સલવા જુડુમ પર ચુકાદો આપવામાં આવ્યો ન હોત, તો નક્સલી આતંકવાદ 2020 સુધીમાં સમાપ્ત થઈ ગયો હોત. જોકે સુદર્શન રેડ્ડીએ કહ્યું હતું કે તેમની ઇચ્છા છે કે અમિત શાહ 40 પાનાંનો ચુકાદો વાંચે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જો તેમણે ચુકાદો વાંચ્યો હોત તો કદાચ તેઓ આ ટિપ્પણી ન કરતા.