Home Blog Page 662

નેતા પર આરોપ લગાવ્યા બાદ અભિનેત્રી રિની પર સાઈબર હુમલાઓ

તાજેતરમાં, મલયાલમ અભિનેત્રી રિની એન જ્યોર્જે કેરળના એક રાજકીય પક્ષના નેતા પર વાંધાજનક સંદેશાઓ મોકલવાનો અને તેમની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે અભિનેત્રી કહે છે કે આ ખુલાસા પછી તેણી ગંભીર સાયબર હુમલાઓનો સામનો કરી રહી છે. આ સાયબર હુમલાઓ પછી અભિનેત્રીએ ચેતવણી આપી હતી કે જો આ સાયબર હુમલાઓ તેના પર ચાલુ રહેશે, તો તેણીને નેતાનું નામ જાહેર કરવું જ પડશે.

અભિનેત્રી રિનીએ બુધવારે રાત્રે આ નેતા વિશે ખુલાસો કર્યો હતો અને ગંભીર આરોપો લગાવ્યા હતા. અભિનેત્રી કહે છે કે આ ખુલાસા બાદ તેના પર સાયબર હુમલો થઈ રહ્યો છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે બુધવાર રાતથી ઘણી મહિલાઓએ તેનો સંપર્ક કરીને તે જ નેતા દ્વારા દુર્વ્યવહારના પોતાના અનુભવો શેર કર્યા છે. તેણીએ કહ્યું કે જે મહિલાઓને આવો જ અનુભવ થયો છે તેઓએ આગળ આવવું જોઈએ. રીનીએ કહ્યું કે તે પરિણામોથી ડરતી નથી અને તેનો સામનો કરવા તૈયાર છે. જોકે, તેણીએ હજુ સુધી નિર્ણય લીધો નથી કે નેતા સામે કાનૂની કાર્યવાહી કરવી કે નહીં. અભિનેત્રીએ કહ્યું કે તેણીના ખુલાસા મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે નહોતા, પરંતુ તે તે ગુનેગાર નેતાનો પર્દાફાશ કરવા માંગતી હતી.

આના એક દિવસ પહેલા, બુધવારે મલયાલમ અભિનેત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે એક યુવા નેતાએ તેમને વાંધાજનક સંદેશા મોકલ્યા હતા અને એક હોટલમાં બોલાવી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે નેતાને ચેતવણી આપવા અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ફરિયાદ કરવા છતાં તેમનું ગેરવર્તણૂક ચાલુ રહી. જોકે, તેણીએ તે નેતાનું નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. હવે જ્યારે આ ખુલાસા પછી તેણી પર સાયબર હુમલાઓ થયા છે, ત્યારે અભિનેત્રીએ ધમકી આપી છે કે જો તેના પર આ સાયબર હુમલાઓ બંધ નહીં થાય, તો તે નેતાનું નામ પણ જાહેર કરશે.

આ દરમિયાન ભાજપે બુધવારે રાત્રે પલક્કડમાં કોંગ્રેસના ધારાસભ્યના કાર્યાલય સુધી વિરોધ કૂચ કાઢી અને દાવો કર્યો કે અભિનેત્રીએ જે નેતાનો પર્દાફાશ કર્યો હતો તે તે જ નેતા હતા. ધારાસભ્યના કાર્યાલય સુધી પહોંચે તે પહેલાં પોલીસે કૂચ અટકાવી દીધી. ભાજપે ધારાસભ્યના રાજીનામા અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવા બદલ તેમની સામે કેસ નોંધવાની માંગ કરી છે. પલક્કડ જિલ્લા કોંગ્રેસ નેતૃત્વએ જણાવ્યું હતું કે આરોપોનો સામનો કરી રહેલા ધારાસભ્ય સામે તેમને કોઈ ફરિયાદ મળી નથી.

CM નીતીશે મુસ્લિમ ટોપી પહેરવાથી કર્યો ઇનકાર?

પટના: બિહારના CM નીતીશકુમારનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેઓ પોતાના મંત્રી જમા ખાનને ટોપી પહેરાવતા દેખાઈ રહ્યા છે. આ વિડિયો અંગે કહેવામાં આવી રહ્યું છે કે નીતીશકુમારે ટોપી પહેરવાથી ઇનકાર કર્યો છે.

જોકે કેટલાક લોકોનું કહેવું છે કે CM નીતીશે ટોપી પહેરવાથી ઇનકાર કર્યો નહોતો, તેમણે ટોપી ઉઠાવીને પોતાના મંત્રીને પહેરાવી દીધી હતી. CM નીતીશકુમાર પહેલેથી આવું કરતા રહ્યા છે. અનેક વખત જ્યારે તેમને કોઈ માળા પહેરાવવાની કોશિશ કરાતી હોય તો તે જ માળા તેઓ તેને જ પહેરાવી દેતા. જાહેર મંચ પર તેમના આવા અનેક ફોટા પણ સામે આવી ચૂક્યા છે. હવે આ વિડિયોને લઈને રાજકારણ પણ શરૂ થયું છે.

આ વિડિયોને લઈને RJDના નેતા મૃત્યુજંય તિવારીએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે નીતીશકુમાર સંપૂર્ણપણે સચેત છે. તેઓ પહેલે કહેતાં કે ટોપી પણ પહેરવી છે અને તિલક પણ લગાવવું છે. જ્યારે તેઓ સીતામઢી ગયા ત્યારે તેમણે મંદિરમાં તિલક લગાવવા પણ ઇનકાર કર્યો હતો. હવે તેમણે ટોપી પહેરવાથી મનાઈ કરી દીધી છે.

CM નીતીશકુમાર મદરેસા બોર્ડની 100મી વર્ષગાંઠના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર હતા. એ દરમિયાન આ ઘટના બની. આ કાર્યક્રમને સંબોધિત કરતાં CM નીતીશકુમારે કહ્યું હતું કે પહેલા સરકારમાં કોઈ કામ થતું નહોતું. 2005 પહેલાં મુસ્લિમોની હાલત તો વધુ ખરાબ હતી. અમારી સરકાર આવી ત્યારે અમે કબ્રસ્તાનની ઘેરાબંધી કરાવી. અમારી સરકારે મદરેસાના શિક્ષકોને સરકારી શિક્ષક જેટલું વેતન આપવાનું શરૂ કર્યું. અમે પહેલીવાર સમાન વેતનની શરૂઆત કરી.

CRPF જવાનો CM રેખા ગુપ્તાની સુરક્ષા કરશે, Z સુરક્ષા આપવામાં આવી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સુરક્ષામાં મોટો ફેરફાર થવાનો છે. અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી પર હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જાહેર સુનાવણી દરમિયાન કોઈને પણ મુખ્યમંત્રીની નજીક આવવા દેવામાં આવશે નહીં. ગૃહ મંત્રાલયે રેખા ગુપ્તાની સુરક્ષા વધારી દીધી છે અને તેમને Z સુરક્ષા આપવામાં આવી છે. ઉપરાંત, CRPF જવાનો તેમની સાથે રહેશે, જે હંમેશા બુલેટ પ્રૂફ જેકેટમાં રહેશે.

હુમલા બાદ સુરક્ષામાં ફેરફારનો નિર્ણય

ગઈકાલે જાહેર સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો થયો હતો. આ હુમલા બાદ મુખ્યમંત્રીની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થયા હતા. હવે આ મામલે એક મોટું અપડેટ આવી રહ્યું છે. દિલ્હી પોલીસ દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષામાં ફેરફાર કરશે. જાહેર સુનાવણી દરમિયાન સુરક્ષા હવે નવેસરથી કરવામાં આવશે. જે રીતે લોકો પહેલા તેમના સુધી પહોંચતા હતા, હવેથી તેમને મુખ્યમંત્રીથી દૂર રાખવામાં આવશે. આ ઉપરાંત, એ પણ જોવામાં આવશે કે મુખ્યમંત્રી પાસે આવનારી ફરિયાદોની અગાઉથી ચકાસણી કરવામાં આવે.

ગૃહ મંત્રાલયે રેખા ગુપ્તાને Z સુરક્ષા આપી

મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલા બાદ ગૃહ મંત્રાલયે રેખા ગુપ્તાની સુરક્ષા વધારી દીધી છે. રેખા ગુપ્તાને Z સુરક્ષા આપવામાં આવી છે. ઉપરાંત, તેમની સુરક્ષા માટે CRPF જવાનો તૈનાત કરવામાં આવશે. મુખ્યમંત્રી પર હુમલા બાદ કેન્દ્ર સરકારે આ ફેરફાર કર્યો છે.

 

ગોપી બહુ ઉર્ફે જિયા માણેક લગ્નના બંધનમાં બંધાઈ, જાણો કોણ છે વરુણ જૈન?

ટેલિવિઝન અભિનેત્રી અને ગોપી બહુ તરીકે જાણીતી જિયા માણેક લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. જિયા માણેકે અભિનેતા વરુણ જૈને સાથે પ્રભુતામાં પગલા માંડ્યા છે. તેમણે 21 ઓગસ્ટના રોજ તેમના લગ્નની જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશખબરી આપી છે. આ કપલે પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા.

જીયાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના બે ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું, “ભગવાન અને ગુરુની કૃપા અને અપાર પ્રેમથી, અમે આ શાશ્વત જોડાણમાં પ્રવેશ કર્યો છે, હાથમાં હાથ જોડીને, હૃદયથી હૃદય. અમે બે મિત્રો હતા, આજે અમે પતિ-પત્ની છીએ. અમે અમારા બધા પ્રિયજનોના પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે ખૂબ આભારી છીએ જેમણે આ દિવસને ખાસ બનાવ્યો. શ્રી અને શ્રીમતી જીયા અને વરુણ તરીકે હાસ્ય, સાહસો, યાદો અને એકતાથી ભરપૂર જીવનની શુભેચ્છા.”

જિયાને ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહુના રોલથી ખ્યાતિ મળી હતી. વરુણ ‘દિયા ઔર બાતી હમ’માં મોહિત રાઠીના રોલ માટે જાણીતો છે. જિયા અને વરુણે ‘તેરા મેરા સાથ રહે’માં પણ સાથે કામ કર્યું હતું, જ્યાં તેમની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. વરુણને ‘સાથ નિભાના સાથિયા’માં ચિરાગ મોદીની ભૂમિકા માટે પણ યાદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ કપલને ઘણી શુભેચ્છાઓ પાઠવી છે.

 

View this post on Instagram

 

A post shared by Gia Manek (@gia_manek)

જિયા માણેકના પતિ વરુણ જૈન કોણ છે?

ટીવી દર્શકો માટે વરુણ જૈન નવો ચહેરો નથી. તેમણે ‘દિયા ઔર બાતી હમ’માં મોહિત રાઠીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત, તેઓ ‘કાલી – એક અગ્નિપરીક્ષા’, ‘મેરે અંગને મેં’, ‘પહરેદાર પિયા કી’ અને ‘રિશ્તા લિખેંગે હમ નયા’ જેવી સિરિયલોમાં પણ જોવા મળ્યા છે. વરુણ મોડેલિંગમાંથી અભિનયની દુનિયામાં આવ્યો હતો અને હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના હજારો ફોલોઅર્સ છે.

જીયા અને વરુણની જોડી વિશે બીજી એક રસપ્રદ વાત એ છે કે તેમની ઉંમરમાં પાંચ વર્ષનો તફાવત છે. 18 ફેબ્રુઆરીએ જન્મેલી જીયાએ આ વર્ષે પોતાનો 39મો જન્મદિવસ ઉજવ્યો, જ્યારે વરુણનો જન્મ 15 એપ્રિલ, 1991ના રોજ થયો હતો અને તે હાલમાં 34 વર્ષનો છે.

બંનેની મુલાકાત ટીવી શો ‘તેરા મેરા સાથ રહે’ દરમિયાન થઈ હતી. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઈ, જે સમય જતાં ગાઢ બની. શો પૂરો થયા પછી પણ, જિયા અને વરુણ સાથે રહ્યા અને આખરે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને હવે લગ્નના બંધનમાં બંધાઈ જીવનનો એક નવો તબક્કો શરૂ કર્યો.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ તરફથી ઇમરાન ખાનને મળી રાહત

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન માટે સારા સમાચાર. ગુરુવારે સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા. તેમને 2023 માં લશ્કરી ઠેકાણાઓ પર થયેલા હુમલાઓ સંબંધિત અનેક કેસોમાં રાહત મળી છે. કોર્ટના રેકોર્ડ અને તેમના વકીલે આ માહિતી શેર કરી. મુખ્ય ન્યાયાધીશ યાહ્યા આફ્રિદીની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે લાહોર હાઇકોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો, જેમાં 8 કેસોમાં ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટની મુક્તિની શરત

સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો, પરંતુ શરત મૂકી કે તેઓ અન્ય કોઈ કેસમાં વોન્ટેડ ન હોવા જોઈએ. આ જ કારણ છે કે ઇમરાન ખાન હાલમાં જેલમાંથી બહાર આવી શકશે નહીં, કારણ કે તેઓ પહેલાથી જ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ક્રિકેટરથી રાજકારણી બનેલા ઇમરાન ખાન સામે ભ્રષ્ટાચારથી લઈને આતંકવાદ સુધીના અનેક કેસ નોંધાયેલા છે. જો કે, તેઓ આ બધા કેસોને ખોટા અને રાજકીય બદલોનો ભાગ ગણાવે છે.

તેમને કયા કેસમાં જામીન મળ્યા?

મે 2023 માં, ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન, વિરોધીઓએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર સહિત અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હિંસા પછી, ઇમરાન ખાન અને તેમની પાર્ટી (પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ) ના ઘણા નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયા હતા. તાજેતરમાં જ તેમના પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સાંસદોને પણ આવા જ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

શું ઇમરાન ખાન જેલમાંથી બહાર આવી શકશે?

સુપ્રીમ કોર્ટ તરફથી રાહત છતાં, ઇમરાન ખાનની કાનૂની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. તેમને હજુ પણ અન્ય કેસોમાં જેલમાં રહેવું પડશે. ઇમરાન ખાન ઓગસ્ટ 2023 થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા પછી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું. પાર્ટીએ X પર એક પોસ્ટમાં તેને ‘ઇમરાન ખાનની જીત’ ગણાવી.

સંસદના આ મોન્સુન સત્રમાં કેટલું થયું નુકસાન? જાણો…

નવી દિલ્હીઃ આ વર્ષે ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થયું હતું, જે હવે પૂર્ણ થયું છે. આ ચોમાસા સત્રમાં બિહારની મતદાર યાદી રિવિઝન (SIR)થી લઈને અંતે આપરાધિક કેસોમાં ધરપકડ બાદ PM અને CMને ખુરશી પરથી હટાવવાનાં બિલો સુધી ભારે બબાલ થઈ હતી. હવે સવાલ એ છે કે સંસદના સત્રમાં હંગામાથી કેટલું નુકસાન થયું?

લોકસભામાં 120 કલાકની ચર્ચાનો ટાર્ગેટ હતો, જેમાંથી ફક્ત 37 કલાક જ ચર્ચા થઈ શકી હતી.  એક મહિના સુધી ચાલેલા આ સત્રમાં લોકસભામાં 12 અને રાજ્યસભામાં 14 બિલો પસાર થયાં.

સંસદમાં ચર્ચાનો ખર્ચ કેટલો આવે છે?

સંસદમાં જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે એક મિનિટનો ખર્ચ સામાન્ય માણસની આખા વર્ષની કમાણી જેટલો ગણાય છે. અહીં એક મિનિટ માટે રૂ. 2.5 લાખ જેટલો ખર્ચ થાય છે. એટલે કે એક કલાકમાં રૂ. 1.5 કરોડથી વધુનો ખર્ચ થાય છે. આ આંકડો વર્ષ 2012માં પૂર્વ સંસદીય કાર્યમંત્રી પવન બન્સલ દ્વારા આપવામાં આવ્યો હતો. હવે લગભગ 13 વર્ષ બાદ આ ખર્ચ ઘણી ગણો વધી ગયો છે.

કેટલું થયું નુકસાન?

સંસદના આ સત્રમાં અનેક સો કરોડ સુધી પહોંચ્યો છે. 120 કલાકના ટારગેટમાં ફક્ત 37 કલાક જ ચર્ચા થઈ, તો હિસાબ લગાવતાં આ આંકડો રૂ. 1245,000,000 (લગભગ રૂ. 1245 કરોડ) સુધી પહોંચ્યો છે. જો એમાંથી લંચના થોડા કલાકો કાઢી નાખીએ તો પણ નુકસાન અનેક સો કરોડનું જ છે. આ બધા પૈસા સીધા ટેક્સપેયર્સની ખિસ્સામાંથી જાય છે.

કયા મુદ્દાઓ પર થતો રહ્યો હંગામો?

દરેક સંસદ સત્રમાં વિરોધ પક્ષ સરકારને કોઈ ને કોઈ મોટા મુદ્દા પર ઘેરવાની યોજના બનાવે છે. આ વખતે બિહારની મતદાર યાદી રિવિઝનને લઈને સરકારને ઘેરવામાં આવી. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે વિરોધ પક્ષના સાંસદો સતત માગ કરતા રહ્યા અને કાર્યવાહી અટકતી રહી હતી.

પાકિસ્તાનમાં ફરી ઇન્ટરનેટ બંધઃ અને ઓનલાઇન સર્વિસિસ ઠપ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં જલપ્રલયે માત્ર સેંકડો લોકોના જીવ લીધા નથી, પરંતુ એક પ્રકારની લોકડાઉનની સ્થિતિ પણ ઊભી કરી છે. પાકિસ્તાનમાં દેશવ્યાપી ઈન્ટરનેટ બંધથી વેપાર, નાણાકીય સેવાઓ અને સામાન્ય જનજીવન ભારે અસરગ્રસ્ત થયું. ઉદ્યોગ નિષ્ણાતોએ તેને છેલ્લાં કેટલાંક વર્ષોની સૌથી ગંભીર ટેકનિકલ ખામી ગણાવી છે.

વાયરલેસ એન્ડ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એસોસિયેશન ઓફ પાકિસ્તાન મુજબ અંદાજે દેશના લગભગ બે તૃતીયાંશ ઇન્ટરનેટ ગ્રાહકો આ વિક્ષેપથી પ્રભાવિત થયા છે. એટલે કે પાકિસ્તાનમાં દરેક 3માંથી 2 લોકોને ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ નહોતી. બે વર્ષ પહેલાં પણ પાકિસ્તાનમાં વિશાળ પૂરને કારણે ફાઈબર રૂટને નુકસાન પહોંચતાં દેશવ્યાપી ઈન્ટરનેટ બંધ થયું હતું.ડિજિટલ ક્ષેત્રની નબળી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં વાયરલેસ એન્ડ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એસોસિએશન ઓફ પાકિસ્તાનના અધ્યક્ષ શાહજાદ અર્શદે જણાવ્યું હતું કે આ એક રાષ્ટ્રીય નિષ્ફળતા છે. ઇન્ટરનેટ બંધ થવું હવે પાકિસ્તાનમાં કોઈ દુર્લભ ઘટના રહી નથી,  2025માં પણ દેશના બે તૃતીયાંશ ટકા ઈન્ટરનેટનું ઠપ થવું, એ સરકાર માટે ખતરની ઘંટડી છે.

તેમણે કહ્યું કે હવે ઈન્ટરનેટ વીજળી જેટલું જ જરૂરી બની ગયું છે કારણ કે ફ્રીલાન્સર, હોસ્પિટલો, વિદ્યાર્થી અને બેંક – બધું જ કામકાજ ઈન્ટરનેટ પર આધારિત છે. અર્શદે ચેતવણી આપી હતી કે દરેક કલાકની બંધથી પાકિસ્તાનને કરોડોનું નુકસાન થાય છે અને અમારી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પણ અસરગ્રસ્ત થાય છે.

પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપની લિમિટેડે મધરાત બાદ સંદેશ આપ્યો કે તેમની સેવાઓમાં મુશ્કેલી આવી રહી છે અને ટીમો જલદી પુનઃસ્થાપન માટે કાર્યરત છે. અસુવિધા બદલ ખેદ છે. ઈન્ટરનેટ મોનિટરિંગ ગ્રુપ નેટબ્લોક્સે એક્સ પર પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે મેટ્રિક્સ બતાવે છે કે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી મોટા પાયે વિક્ષેપગ્રસ્ત થઈ છે.

શાહરુખના પુત્ર આર્યનની ધ બેડ્સ ઓફ બોલિવૂડના પ્રીવ્યુ ઈવેન્ટની તસવીરો જુઓ

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ટૂંક સમયમાં દિગ્દર્શનમાં પદાર્પણ કરવા જઈ રહ્યો છે. આર્યન નેટફ્લિક્સ સીરિઝ સાથે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું પહેલું પગલું ભરવા જઈ રહ્યો છે. તેની સીરિઝ આ વર્ષની સૌથી ચર્ચિત સીરિઝ છે, જેના મેગા લોન્ચની દર્શકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ તે પહેલાં શાહરૂખ ખાને તેના પુત્ર સાથે મળીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા અને તેમનો ઉત્સાહ વધારી દીધો છે.

આર્યન ખાનની વેબ સીરિઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ના ટીઝર પછી હવે પ્રીવ્યૂ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર કાસ્ટની ઝલક અને ઘણા કેમિયો જોવા મળ્યા છે. આ પ્રીવ્યૂ લોન્ચ માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેનું આયોજન શાહરૂખ ખાન અને આર્યને પોતે કર્યુ હતું. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. આર્યન ખાન, સહર બામ્બા, રાઘવ જુયાલ, મોના સિંહ, લક્ષ લાલવાની, બૉબી દેઓલ અને મનોજ પાવા સહિતના કલાકારો સામલ થયા હતાં.

આર્યન ખાનની વેબ સિરીઝ ખૂબ જ ધમાકેદાર બનવા જઈ રહી છે. જે પ્રીવ્યૂ સામે આવ્યો છે તે દર્શાવે છે કે તેની સિરીઝ બોલિવૂડના ઘણા રહસ્યો ખોલશે. આર્યન ખાન દ્વારા નિર્દેશિત આ સિરીઝમાં ઘણા સ્ટાર્સ જોવા મળશે. સલમાન ખાન, રણવીર સિંહ, બોબી દેઓલ અને શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ ફિલ્મમાં છે. કરણ જોહર પણ તેનો ભાગ છે. આ ઉપરાંત લક્ષ્ય અને સહર મુખ્ય ભૂમિકામાં છે.2 મિનિટ 27 સેકન્ડના પ્રીવ્યૂ વીડિયોમાં તમને તેમની ઝલક જોવા મળશે. આ સિરીઝ 18 સપ્ટેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.

(તમામ તસવીરો: દીપક ધૂરી)

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે બી. સુદર્શન રેડ્ડીએ નામાંકન દાખલ કર્યું

નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું છે. એ સમયે તેમની સાથે સોનિયા ગાંધી,રાહુલ ગાંધી, ખડગે, સપા નેતા રામગોપાલ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના (UBT) નેતા સંજય રાઉત સહિત વિરોધ પક્ષના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

એ પહેલાં NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને ગઈ કાલે નામાંકન દાખલ કર્યું હતું. સુદર્શન રેડ્ડીએ ચાર સેટમાં નામાંકન દાખલ કર્યું હતું. દરેક સેટમાં 20 પ્રસ્તાવક અને 20 સમર્થક સામેલ રહ્યા. બી. સુદર્શન રેડ્ડીએ નામાંકન દાખલ કરતાં પહેલાં સ્વાતંત્ર્યસેનાનીઓ અને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કોણ છે બી. સુદર્શન રેડ્ડી?

બી. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે. રેડ્ડીએ 1971માં હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને આંધ્ર પ્રદેશ બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નામ નોંધાવ્યું હતું. 1995માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બન્યા. 2005માં તેમને ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2007માં તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા અને 2011માં નિવૃત્ત થયા હતા. માર્ચ 2013માં જસ્ટિસ રેડ્ડી (નિવૃત્ત) ગોવાના પ્રથમ લોકાયુક્ત બન્યા, પરંતુ થોડા જ મહિનાઓ બાદ સપ્ટેમ્બરમાં વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી દીધું હતું.

બુધવારે સીપી રાધાકૃષ્ણને કર્યું હતું નામાંકન

NDAના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને બુધવારે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, અર્જુન રામ મેઘવાલ, ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સીપી રાધાકૃષ્ણને ચાર સેટમાં પોતાનું નામાંકન દાખલ કર્યું છે, જેમાં દરેક સેટ પર 20 પ્રસ્તાવકો અને 20 અનુમોદકોના હસ્તાક્ષર છે. પીએમ મોદી તેમના નામાંકનના મુખ્ય પ્રસ્તાવક છે.

શું ચૂંટાયેલી સરકાર રાજ્યપાલની મરજી પર ચાલશે?: CJI

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે સરકાર સવાલ કર્યો હતો કે શું રાજ્યપાલને કોઈ કાયદો (બિલ) હંમેશાં માટે અટકાવી રાખવાની છૂટ આપી શકાય? જો હા, તો શું તેનો અર્થ એ નથી થતો કે ચૂંટાયેલી સરકાર હંમેશાં રાજ્યપાલની વ્યક્તિગત પસંદગી કે ઇચ્છા પર આધારિત રહેશે?

કોર્ટને ચિંતા છે કે જો રાજ્યપાલ કોઈ વિધેયકને હંમેશ માટે અટકાવી શકે તો લોકોથી ચૂંટાયેલી સરકારની શક્તિ નબળી પડી જશે અને રાજ્યપાલનો વ્યક્તિગત નિર્ણય વધારે પ્રબળ બની જશે. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને સવાલ કર્યો, “પણ પછી તો શું આપણે રાજ્યપાલને અપીલોની સુનાવણી કરવાનો પૂરો અધિકાર આપી દઈએ છીએ? બહુમતીથી ચૂંટાયેલી સરકાર રાજ્યપાલની ઇચ્છા પર આધારિત થઈ જશે.

ખંડપીઠે કહ્યું હતું કે જો એવું માનવામાં આવે કે રાજ્યપાલ પહેલી વાર અટકાવે એટલે બિલ ખતમ થઈ જાય, તો તે ન રાજ્યપાલની શક્તિ માટે યોગ્ય રહેશે, ન તો આખી કાયદા બનાવવા પ્રક્રિયા માટે.

જસ્ટિસ બી. આર. ગવઈનો સવાલ

પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના તે સંદર્ભ (Presidential reference) પર સુનાવણી કરી રહી છે, જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો દ્વારા રાજ્ય વિધાનસભાઓમાંથી મોકલાયેલા વિધેયકો પર કાર્યવાહી કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા સંબંધિત બે ન્યાયાધીશોની ખંડપીઠના ચુકાદાને સ્પષ્ટતા માટે મૂકવામાં આવ્યો છે.

અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલની વિવેકાધીન શક્તિઓની વ્યાખ્યા કરતાં મહેતાએ કહ્યું હતું  કે આ નિવૃત્ત નેતાઓ માટે કોઈ આશ્રયસ્થાન નથી, પરંતુ તેની પોતાની પવિત્રતા છે, જેના પર બંધારણ સભામાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યપાલ – ભલે તેઓ ચૂંટાયેલા ન હોય, રાષ્ટ્રપતિનું પ્રતિનિધિત્વ કરે છે અને માત્ર વિધેયકો પર યાંત્રિક મંજૂરી આપનાર ડાકિયા નથી. તેમણે ઉમેર્યું હતું કે જે વ્યક્તિ સીધી રીતે ચૂંટાયેલી નથી તે કોઈ રીતે ઓછી નથી.