Home Blog Page 663

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે બી. સુદર્શન રેડ્ડીએ નામાંકન દાખલ કર્યું

નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું છે. એ સમયે તેમની સાથે સોનિયા ગાંધી,રાહુલ ગાંધી, ખડગે, સપા નેતા રામગોપાલ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના (UBT) નેતા સંજય રાઉત સહિત વિરોધ પક્ષના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

એ પહેલાં NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને ગઈ કાલે નામાંકન દાખલ કર્યું હતું. સુદર્શન રેડ્ડીએ ચાર સેટમાં નામાંકન દાખલ કર્યું હતું. દરેક સેટમાં 20 પ્રસ્તાવક અને 20 સમર્થક સામેલ રહ્યા. બી. સુદર્શન રેડ્ડીએ નામાંકન દાખલ કરતાં પહેલાં સ્વાતંત્ર્યસેનાનીઓ અને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કોણ છે બી. સુદર્શન રેડ્ડી?

બી. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે. રેડ્ડીએ 1971માં હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને આંધ્ર પ્રદેશ બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નામ નોંધાવ્યું હતું. 1995માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બન્યા. 2005માં તેમને ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2007માં તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા અને 2011માં નિવૃત્ત થયા હતા. માર્ચ 2013માં જસ્ટિસ રેડ્ડી (નિવૃત્ત) ગોવાના પ્રથમ લોકાયુક્ત બન્યા, પરંતુ થોડા જ મહિનાઓ બાદ સપ્ટેમ્બરમાં વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી દીધું હતું.

બુધવારે સીપી રાધાકૃષ્ણને કર્યું હતું નામાંકન

NDAના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને બુધવારે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, અર્જુન રામ મેઘવાલ, ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સીપી રાધાકૃષ્ણને ચાર સેટમાં પોતાનું નામાંકન દાખલ કર્યું છે, જેમાં દરેક સેટ પર 20 પ્રસ્તાવકો અને 20 અનુમોદકોના હસ્તાક્ષર છે. પીએમ મોદી તેમના નામાંકનના મુખ્ય પ્રસ્તાવક છે.

શું ચૂંટાયેલી સરકાર રાજ્યપાલની મરજી પર ચાલશે?: CJI

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે સરકાર સવાલ કર્યો હતો કે શું રાજ્યપાલને કોઈ કાયદો (બિલ) હંમેશાં માટે અટકાવી રાખવાની છૂટ આપી શકાય? જો હા, તો શું તેનો અર્થ એ નથી થતો કે ચૂંટાયેલી સરકાર હંમેશાં રાજ્યપાલની વ્યક્તિગત પસંદગી કે ઇચ્છા પર આધારિત રહેશે?

કોર્ટને ચિંતા છે કે જો રાજ્યપાલ કોઈ વિધેયકને હંમેશ માટે અટકાવી શકે તો લોકોથી ચૂંટાયેલી સરકારની શક્તિ નબળી પડી જશે અને રાજ્યપાલનો વ્યક્તિગત નિર્ણય વધારે પ્રબળ બની જશે. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને સવાલ કર્યો, “પણ પછી તો શું આપણે રાજ્યપાલને અપીલોની સુનાવણી કરવાનો પૂરો અધિકાર આપી દઈએ છીએ? બહુમતીથી ચૂંટાયેલી સરકાર રાજ્યપાલની ઇચ્છા પર આધારિત થઈ જશે.

ખંડપીઠે કહ્યું હતું કે જો એવું માનવામાં આવે કે રાજ્યપાલ પહેલી વાર અટકાવે એટલે બિલ ખતમ થઈ જાય, તો તે ન રાજ્યપાલની શક્તિ માટે યોગ્ય રહેશે, ન તો આખી કાયદા બનાવવા પ્રક્રિયા માટે.

જસ્ટિસ બી. આર. ગવઈનો સવાલ

પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના તે સંદર્ભ (Presidential reference) પર સુનાવણી કરી રહી છે, જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો દ્વારા રાજ્ય વિધાનસભાઓમાંથી મોકલાયેલા વિધેયકો પર કાર્યવાહી કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા સંબંધિત બે ન્યાયાધીશોની ખંડપીઠના ચુકાદાને સ્પષ્ટતા માટે મૂકવામાં આવ્યો છે.

અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલની વિવેકાધીન શક્તિઓની વ્યાખ્યા કરતાં મહેતાએ કહ્યું હતું  કે આ નિવૃત્ત નેતાઓ માટે કોઈ આશ્રયસ્થાન નથી, પરંતુ તેની પોતાની પવિત્રતા છે, જેના પર બંધારણ સભામાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યપાલ – ભલે તેઓ ચૂંટાયેલા ન હોય, રાષ્ટ્રપતિનું પ્રતિનિધિત્વ કરે છે અને માત્ર વિધેયકો પર યાંત્રિક મંજૂરી આપનાર ડાકિયા નથી. તેમણે ઉમેર્યું હતું કે જે વ્યક્તિ સીધી રીતે ચૂંટાયેલી નથી તે કોઈ રીતે ઓછી નથી.

વિચારનું વાવેતર… સફળતાનો પાક!

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ 25 જૂન, 2025ના રોજ એક્સિઓમ મિશન 4 (એક્સ-4) પર પ્રાથમિક મિશન પાઈલટ તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) માટે પ્રક્ષેપણ કર્યું. સ્પેસ સ્ટેશનમાં લગભગ 18 દિવસ રહ્યા પછી, એ 15 જુલાઈ, 2025ના રોજ પૃથ્વી પર પાછા ફર્યા. ભારત અને શુભાંશુ માટે આ મોટી સિદ્ધિ કહેવાય.

હજારો વર્ષો પહેલાં પથ્થરની ગુફામાં પશુ સમાન જીવન જીવતો માનવી આજે ચંદ્ર અને મંગળ ઉપર નિવાસસ્થાન માટેનાં આયોજનો કરી રહ્યો છે. પાંચ રાત્રિ, છ દિવસની સ્પેસ ટૂરનાં આયોજન થવા માંડ્યાં. ગર્ભના ગાઢ અંધકારથી આરંભાયેલી આજના માનવીની જીવનયાત્રા અંત્યેષ્ટિના અજવાળાં સુધી પહોંચે ત્યાં સુધી તેણે ટાયરથી માંડી માઈક્રો પ્રોસેસર સુધી બધું જ જોઈ લીધું હોય છે. આજે માનવીની વિકાસકૂચ સુવિધાઓનાં સાધનોની હારમાળા સર્જી રહી છે, પરંતુ આ વિકાસ, આ પ્રગતિ શેને આભારી છે?

કોઈ એમ કહે કે વિજ્ઞાનની હરણફાળ તો એ આમ તો સાચો ઉત્તર છે, પણ સચોટ જવાબ છેઃ એક વિચાર. મગજમાં આવેલો એક આઈડિયા. પ્રાચીન કાળથી આજ સુધી માનવપ્રગતિનો ઈતિહાસ એ મનુષ્ય મસ્તિષ્કના વિચારોની ગાથા તેમ જ વિચારોનું સર્જનાત્મક અનુસરણ અને પરિણામોની પ્રાપ્તિનો ઈતિહાસ છે.

ડો. અબ્દુલ કલામ સાહેબ પોતાની આત્મકથામાં જણાવે છે કે, બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનો પ્રત્યે ખૂબ આકર્ષણ હતું. ભલે હું સીધોસાદો ગામડાનો છોકરો હતો, પણ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું પણ આકાશમાં ઊડીશ, અને ખરેખર, રામેશ્વરમાંથી આકાશમાં વિચરનાર હું પ્રથમ છોકરો બન્યો.’

એક સામાન્ય સાગરખેડુના બાળકને આકાશની ઊંચાઈએ અડાડવા માટે મુખ્ય પરિબળ હતું વિચાર… એટલે જ કહેવાયું છે કે જ્યારે વિચારનું વાવેતર થાય ત્યારે તે ક્રિયામાં પરિણમે છે.

દક્ષિણ આફ્રિકામાં પ્રેક્ટિસ કરતા મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક યુવાન વકીલ એક વાર ડર્બનથી પ્રિટોરિયા જવા માટે રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને પોતાની સીટમાં ગોઠવાય છે. રાતે 9 વાગ્યે મારિત્સબર્ગ સ્ટેશને એક ગોરો ટીસી એમના કમ્પાર્ટમેન્ટમાં આવે છે, એમની ટિકિટ તપાસે છે અને, ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં એ મોહનદાસને થર્ડ ક્લાસમાં જવા કહે છે, રકઝક થતાં ટીસી પોલીસની મદદથી યુવા વકીલને કમ્પાર્ટમેન્ટની બહાર ફંગોળી દે છે. તે સમયે પેલા વકીલના મનમાં વિચાર આવ્યો: ‘મારે મારા હક માટે લડવું જોઈએ.’ 24 વર્ષના યુવાન બિનઅનુભવી બેરિસ્ટરના આ વિચારોમાં સ્વરાજની માટેની લડતના ભણકારા હતા. તેમના આ વિચારોએ માત્ર આફ્રિકનોમાં જ નહીં, પણ ભારતની (તે વખતની) 30 કરોડની જનતામાં આઝાદીની ભૂખ જગાડી દીધી. ગાંધીજીના હક માટે લડવાના માત્ર એક વિચારે એવો પ્રચંડ પવન ફૂંક્યો કે 150 વર્ષની અંગ્રેજોની ગુલામીની ગંઠાઈ ગયેલી જંજીરોને ઓગાળી દીધી. ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકાયેલી વ્યક્તિના પ્રબળ વિચારે આખા સામ્રાજ્યને બહાર ફેંકી દીધું. આ વિચારની કરામાત નહીં તો શું છે?

વિચારની આટલી શક્તિ અને સામર્થ્ય હોવા છતાં વિચારવું તે કઠિન કાર્ય છે. વિચારને અઘરું કાર્ય કહેવાનું કારણ એટલું છે કે વિચાર અને વિકાસ જેમ સાથે ચાલે છે તેમ વિચાર અને વિનાશ પણ સહચારી છે. વિચાર યોગ્ય, નિયંત્રિત અને સર્જનાત્મક હોય તો ચોક્કસ વિકાસને નોતરે છે, પરંતુ અયોગ્ય, અનિયંત્રિત અને વિધ્વંશાત્મક વિચાર વિનાશ સર્જે છે. કોઈની પ્રગતિમાં દાઝવાથી શરૂ થયેલી વૈચારિક પ્રક્રિયા આતંકવાદ સુધી પહોંચે છે, તેના મૂળમાં આ અવળો વિચાર છે. તેથી જ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અવળા વિચારનો ત્યાગ કરવો અને સવળો વિચાર હોય તે જ ગ્રહણ કરવો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ભારત સાથેના ટેરિફ વોર પર ટ્રમ્પને નિક્કી હેલીની ફટકાર  

વોશિંગ્ટનઃ અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે, જેથી ભારત અને અમેરિકાના સંબંધોમાં વ્યાપેલી તંગદિલીને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઘેરાયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની ભૂતપૂર્વ રાજદૂત નિકી હેલીએ ટ્રમ્પને ચેતવણી આપતાં કહ્યું હતું કે ભારત સાથે દુશ્મન જેવું વર્તન કરવું યોગ્ય નથી. ભારત આપણો દુશ્મન નથી પણ મિત્ર છે.

તેમણે લખેલા એક લેખમાં ચીનનો સામનો કરવા માટે ભારતને સાથીદાર ગણાવ્યો હતો અને તેને લોકશાહી ભાગીદાર તરીકે માન્યતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ટ્રમ્પને ચેતવણી આપતાં નિકીએ કહ્યું કે નવી દિલ્હીની સાથેના સંબંધો તોડવા એ એક “વ્યૂહાત્મક આફત” સાબિત થશે. છેલ્લાં 25 વર્ષથી ભારત સાથેના સંબંધોમાં આવેલી ગતિને તોડવી ખતરનાક થઈ શકે છે.

ચીનની સામે ભારતનો સહયોગ જરૂરી

લોકશાહી આધારિત ભારતનો ઉદય કોમ્યુનિસ્ટ-નિયંત્રિત ચીનના વિપરીત સ્વતંત્ર દુનિયા માટે ખતરો નથી. ભારત સાથે એક અમૂલ્ય સ્વતંત્ર અને લોકશાહી ભાગીદારની જેમ વર્તવું જોઈએ. ભારત ચીન જેવો વિરોધી નથી, જે અત્યાર સુધી રશિયા પાસેથી તેલની ખરીદી પર લાગેલા પ્રતિબંધોને ટાળી રહ્યું છે, જ્યારે તે મોસ્કોનો સૌથી મોટો ગ્રાહક છે.

ચીનનો સામનો કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચે ભાગીદારી એક સ્વાભાવિક નિર્ણય હોવો જોઈએ. નિકી હેલીએ જણાવ્યું કે ભારતમાં ચીન જેટલા પાયે એવાં ઉત્પાદનો બનાવવાની ક્ષમતા છે, જે અમેરિકાને મહત્વપૂર્ણ સપ્લાય ચેનને બીજિંગથી દૂર લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે.

ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતું મુખ્ય અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં જાપાનને પાછળ મૂકી દેશે. તેમણે કહ્યું હતું કે ભારતનો ઉદય વૈશ્વિક વ્યવસ્થાને નવો આકાર આપવાના ચીનના લક્ષ્ય માટે સૌથી મોટો અવરોધ છે. અને જેમ-જેમ ભારતની શક્તિ વધશે તેમ-તેમ ચીનની મહત્ત્વાકાંક્ષાઓ ઘટતી જશે, એમ તેમણે કહ્યું હતું.

સુવિચાર – ૨૧ ઓગસ્ટ ૨૦૨૫

૨૧ ઓગસ્ટ ૨૦૨૫

પંચાંગ 21/08/2025

‘ભારતને ક્રૂડ ઓઇલ ખરીદવા પર મળશે 5 ટકા ડિસ્કાઉન્ટ’, રશિયાની જાહેરાત

એક તરફ, યુએસ પ્રમુખ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને સતત ધમકી આપી રહ્યા છે. બીજી તરફ, રશિયાએ કહ્યું છે કે તે ભારતને 5 ટકા ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ વેચવાનું ચાલુ રાખશે. ભારતમાં રશિયાના ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ, એવજેની ગ્રીવાએ કહ્યું, “ભારતને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળતું રહેશે. એવજેની ગ્રીવાએ કહ્યું કે યુએસની ધમકીઓ અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ છતાં, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે.

ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર ટેરિફ લાદ્યો

તાજેતરમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર 25+25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી. ભારતે અમેરિકાના આ નિર્ણયનો વિરોધ કર્યો. વાસ્તવમાં, અમેરિકા કહે છે કે રશિયા પાસેથી તેલ ખરીદીને, ભારત તેને યુદ્ધ (રશિયા-યુક્રેન યુદ્ધ) માં મદદ કરી રહ્યું છે. તે જ સમયે, ભારત સ્પષ્ટપણે કહે છે કે ભારતે ક્યારેય રશિયન રાજકારણમાં દખલ કરી નથી.

પ્રો-કબડ્ડી લીગ: ગુજરાત જાયન્ટ્સે નવી જર્સી લોન્ચ કરી

અમદાવાદ: અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે મંગળવારે પ્રો-કબડ્ડી લીગ (PKL)ના સ્ટાર ખેલાડી મોહમ્મદ રેઝા શાદલૂને ટીમનો કેપ્ટન જાહેર કર્યો. આ સાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમની નવી જર્સી પણ લોન્ચ કરી હતી.પ્રો-કબડ્ડી લીગની 12મી સીઝનનો પ્રારંભ 29 ઑગસ્ટથી વાઈઝેગ (વિશાખાપટ્ટનમ) ખાતે થઈ રહ્યો છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સની ટીમ બીજા દિવસે 30 ઑગસ્ટના રોજ રાજીવ ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યુ મુમ્બા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ટીમ પોતાના ટાઈટલ જીતવાના ટાર્ગેટ પર ફોક્સ કરતા લીગ રાઉન્ડમાં 18 મુકાબલા રમશે.

કેપ્ટનના નામની જાહેરાત અને જર્સી લોન્ચની આ ઇવેન્ટમાં ટીમના હેડ કોચ જયવીર શર્મા, આસિસ્ટન્ટ કોચ વરિન્દર સિંઘ સંધુ અને અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઑફિસર સંજય આદેશરા હાજર હતા.

ઈરાના ખેલાડી શાદલૂને 2.23 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. આ વર્ષની પ્રો-કબડ્ડી લીગના ઓક્શનમાં ગુજરાત જાયન્ટ્સ ટીમે 2.23 કરોડ રૂપિયામાં ઈરાનીયન પાવરહાઉસ તરીકે જાણીતા મોહમ્મદરેઝા શાદલૂને ટીમમાં સામેલ કર્યો હતો, જે આ વર્ષની હરાજીની હાઈએસ્ટ બીડ પણ રહ્યો હતો. 2 વખતના પ્રો-કબડ્ડી લીગ ટાઈટલ વિજેતા, ગત વખતે મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર (MVP) અને ઘણીવાર શ્રેષ્ઠ ડિફેન્ડર રહેલ મોહમ્મદરેઝા શાદલૂ ટીમમાં સર્વશ્રેષ્ઠ ડિફેન્સિવ પાવર અને સિદ્ધ થયેલ નેતૃત્ત્વ ક્ષમતાને ઉમેરવાનું કામ કરે છે.કેપ્ટન શાદલૂએ કહ્યું- અમારું બેસ્ટ પરફોર્મન્સ આપીશું ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટન બનવા મુદ્દે શાદલૂ એ કહ્યું કે, “લીગની 12મી સીઝનમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશીપ કરવાની તક મેળવી ગર્વ અનુભવી રહ્યો છું. અમારી ટીમના મોટાભાગના ખેલાડીઓ 20થી ઓછા કે તે સમાન વયના છે. અમારી પાસે યુવા, ઊર્જાથી ભરપૂર અને ગતિશીલ યુનિટ છે. અમે આ સીઝનમાં રમવા ઉત્સુક છીએ. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું.”

હેડ કોચે કહ્યું- ટીમની તૈયારી સારી છે 3 દાયકાથી પણ વધુ સમયનો કબડ્ડી કોચિંગનો અનુભવ ધરાવતા ગુજરાત જાયન્ટ્સના હેડ કોચ જયવીર શર્માએ આ મુદ્દે કહ્યું કે, “હું ઉત્સુક છું અને ખેલાડીઓની જેમ નર્વસ પણ. કારણ કે આ મારી પ્રથમ પ્રો-કબડ્ડી લીગ સીઝન છે. અમે પ્રી-સીઝન કેમ્પમાં બેંગલુરુ ખાતે સારી તૈયારી કરી છે.”આસિસ્ટન્ટ કોચ વરિન્દર સિંઘ સંધુએ કહ્યું કે,”અમે બેંગ્લુરુમાં આકરી ટ્રેનિંગ કરી પ્રો-કબડ્ડી લીગની 12મી સીઝનની તૈયારીઓને પૂર્ણ કરી છે. આ મારું લીગમાં ડેબ્યૂ પણ રહેશે. અમારું ફોક્સ સંપૂર્ણ સિઝન દરમિયાન મજબૂત પ્રદર્શન કરતા રહેવાનો છે.”

અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઑફિસર સંજય આદેશરા એ કહ્યું કે, “અમારી અપેક્ષા સ્પષ્ટ છે કે ગુજરાત જાયન્ટ્સ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપતા ગુજરાત અને સમગ્ર ભારતમાં રહેલા ટીમના ફેન્સને વૈશ્વિક સ્તરીય કબડ્ડીનો અનુભવ કરાવે. અમે હંમેશા પ્રતિભાને ઉત્કૃષ્ટ બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની અમારી ફિલોસોફીને લાગુ કરતા રહ્યાં છીએ. અમારી આ સીઝનની ટીમની યુવા સરેરાશ વય તેને પ્રતિબિંબિત કરે છે. અમારા કોચના સફળ ટ્રેક રેકોર્ડ સાથે અમારા ઉદ્દેશ્યો સ્પષ્ટ છે, અને ટીમ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન માટે તૈયાર છે.”

PRL ખાતે નેશનલ સ્પેસ દિવસની ઉજવણી

અમદાવાદ: રાષ્ટ્રીય અવકાશ દિવસ (NSpD)ની ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ દિવસે અવકાશ વિભાગ ઓગસ્ટ-2025 દરમિયાન રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરી રહ્યું છે. જેથી યુવાનોને અવકાશ વિજ્ઞાન અને તેના ઉપયોગોમાં પ્રેરણા મળે. PRLના અમદાવાદ, ઉદેપુર અને માઉન્ટ આબુ કેમ્પસમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ (NSpD)ની ઉજવણી થઈ રહી છે.23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરના જમાવટની યાદમાં ઉજવવામાં આવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાની ભારતની સિદ્ધિ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે આપણને ચંદ્રની સપાટી પર ઉતરાણ કરનાર ચોથો રાષ્ટ્ર અને દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર પ્રથમ રાષ્ટ્ર બનાવે છે.NSpD 2025 ઉજવણીના ભાગ રૂપે, PRL એ 20 ઓગસ્ટ, 2025 ના રોજ “આર્યભટ્ટથી ગગનયાન: પ્રાચીન શાણપણથી અનંત શક્યતાઓ” થીમ સાથે એક વર્કશોપનું આયોજન કર્યું. દિવસની શરૂઆત સવારે 8:30 વાગ્યે અવકાશ વિજ્ઞાન અને સંશોધન પ્રદર્શનોના પ્રદર્શનો સાથે થઈ. PRL વૈજ્ઞાનિકોએ ગ્રહો અને અવકાશ સંશોધન, ઉલ્કાના અભ્યાસ અને માઉન્ટ આબુ ઓબ્ઝર્વેટરીના વર્ચ્યુઅલ પ્રવાસ પર સમજદારીભર્યા વાર્તાલાપ આપ્યા. દરેક વાર્તાલાપ પછી વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટિવ પ્રશ્ન-જવાબ સત્રો યોજાયા. વિવિધ શાળાઓ અને કોલેજોના કુલ 300 વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોએ ભાગ લીધો, વાર્તાલાપનો આનંદ માણ્યો અને ગ્રહોના મિશન અને અવકાશ સંશોધન વિશે શીખ્યા.

વર્કશોપ ઉપરાંત, PRL વૈજ્ઞાનિકોની એક ટીમે રાજસ્થાન (માઉન્ટ આબુ, આબુ રોડ, સિરોહી અને ઉદયપુર) અને ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સિહોલ, વડોદરા, પાલનપુર) ની શાળાઓની મુલાકાત લીધી અને અવકાશ વિજ્ઞાન સંશોધન પર વિદ્યાર્થીઓ સાથે પ્રવચનો આપ્યા, લગભગ 3500 વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.

ઉદયપુર સોલાર ઓબ્ઝર્વેટરીએ બુધવાર, 20 ઓગસ્ટ, 2025ના રોજ સંપૂર્ણ દિવસનો ઓપન હાઉસ કાર્યક્રમ યોજ્યો. જેમાં શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને સૂર્ય અને ચાલુ સૌર ભૌતિકશાસ્ત્ર સંશોધન વિશે જાણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમો યુવા દિમાગને પડકારજનક કારકિર્દી માર્ગો અપનાવવા અને તેમની પ્રતિભા દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપવાની PRL ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

રાષ્ટ્રીય અવકાશ દિવસ (NSpD)ની ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ દિવસે અવકાશ વિભાગ ઓગસ્ટ-2025 દરમિયાન રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરી રહ્યું છે. જેથી યુવાનોને અવકાશ વિજ્ઞાન અને તેના ઉપયોગોમાં પ્રેરણા મળે. PRLના અમદાવાદ, ઉદેપુર અને માઉન્ટ આબુ કેમ્પસમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ (NSpD)ની ઉજવણી થઈ રહી છે.

23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરના જમાવટની યાદમાં ઉજવવામાં આવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાની ભારતની સિદ્ધિ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે આપણને ચંદ્રની સપાટી પર ઉતરાણ કરનાર ચોથો રાષ્ટ્ર અને દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર પ્રથમ રાષ્ટ્ર બનાવે છે.

NSpD 2025 ઉજવણીના ભાગ રૂપે, PRL એ 20 ઓગસ્ટ, 2025 ના રોજ “આર્યભટ્ટથી ગગનયાન: પ્રાચીન શાણપણથી અનંત શક્યતાઓ” થીમ સાથે એક વર્કશોપનું આયોજન કર્યું. દિવસની શરૂઆત સવારે 8:30 વાગ્યે અવકાશ વિજ્ઞાન અને સંશોધન પ્રદર્શનોના પ્રદર્શનો સાથે થઈ. PRL વૈજ્ઞાનિકોએ ગ્રહો અને અવકાશ સંશોધન, ઉલ્કાના અભ્યાસ અને માઉન્ટ આબુ ઓબ્ઝર્વેટરીના વર્ચ્યુઅલ પ્રવાસ પર સમજદારીભર્યા વાર્તાલાપ આપ્યા. દરેક વાર્તાલાપ પછી વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટિવ પ્રશ્ન-જવાબ સત્રો યોજાયા. વિવિધ શાળાઓ અને કોલેજોના કુલ 300 વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોએ ભાગ લીધો, વાર્તાલાપનો આનંદ માણ્યો અને ગ્રહોના મિશન અને અવકાશ સંશોધન વિશે શીખ્યા. વર્કશોપ ઉપરાંત, PRL વૈજ્ઞાનિકોની એક ટીમે રાજસ્થાન (માઉન્ટ આબુ, આબુ રોડ, સિરોહી અને ઉદયપુર) અને ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સિહોલ, વડોદરા, પાલનપુર) ની શાળાઓની મુલાકાત લીધી અને અવકાશ વિજ્ઞાન સંશોધન પર વિદ્યાર્થીઓ સાથે પ્રવચનો આપ્યા, લગભગ 3500 વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.

ઉદયપુર સોલાર ઓબ્ઝર્વેટરીએ બુધવાર, 20 ઓગસ્ટ, 2025ના રોજ સંપૂર્ણ દિવસનો ઓપન હાઉસ કાર્યક્રમ યોજ્યો. જેમાં શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને સૂર્ય અને ચાલુ સૌર ભૌતિકશાસ્ત્ર સંશોધન વિશે જાણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમો યુવા દિમાગને પડકારજનક કારકિર્દી માર્ગો અપનાવવા અને તેમની પ્રતિભા દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપવાની PRL ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.