Home Blog Page 665

સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત કોંગ્રેસનો પુષ્પાંજલી કાર્યક્રમ

અમદાવાદ: ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પ્રદેશ કાર્યલય ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે સ્વ. રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સાથે સંવાદ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને સંચાર ક્રાંતિના પાયાથી સમગ્ર વિશ્વ સાથે ભારતના જન-જનને જોડવાનો શ્રેય જેના શીરે જાય છે એવા રાજીવજી એ આધુનિક ભારતના વિચારનો પાયો હિન્દુસ્તાનમાં નાખ્યો અને તે સંચાર ક્રાંતિથી આજ ભારતમાં એક ગામડામાં ગરીબના ઝુપડીએ જન્મતુ બાળક મુઠ્ઠીમાં મોબાઈલથી સમગ્ર વિશ્વની સફર કરવા સફળ બન્યો છે.

૧૯૮૭માં ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની દુરન્દેશી નીતિઓને ટેકનોલોજી મિશન દ્વારા સાર્વત્રિક રસીકરણ, શુધ્ધ પીવાનું પાણી,  શિક્ષણ, ટેલીકોમ્યુનિકેશનના પાયાગત, માળખાકીય સગવડ – સુવિધાઓ ઉભી કરી અને આધુનિક ભારતના નિર્માણ તરફ શ્રેષ્ઠ પગલા ભર્યા. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેઘરાજાની દે દનાદન બેટિંગ, 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ

ગુજરાત સહિત દેશભમાં ફરી એકવખત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 10.75 ઈંચ ખાબક્યો છે. જેના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે. તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દેવભૂમિ દ્વારકા શહેરમાં 6.0 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પોરબંદરમાં 3.94 ઈંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના માંગરોળમાં 3.74 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૂત્રાપાડામાં 3.35 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.

અમરેલીના જાફરાબાદમાં 3.07 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 12 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. કલ્યાણપુર, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા સહિતના ગામોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી સહિતના પાકો માટે આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢના વંથલીમાં 5 ઈંચથી વધુ તથા કેશોદમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં 4.76 ઈંચ તથા ગીર સોમનાથના તલાલા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે. રાજ્યમાં હાલ 64 ડેમને હાઈ એલર્ટ, 29 ડેમને એલર્ટ તથા 21 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.

પશ્ચિમ તમારી ટીકા કરે તો તમે બધું યોગ્ય કરો છેઃ રશિયન દૂતાવાસ

નવી દિલ્હીઃ ભારતમાં રશિયન દૂતાવાસના પ્રભારી રોમન બાબુશ્કિનએ કહ્યું હતું કે ભારત એક વૈશ્વિક શક્તિ  છે અને વિવિધતાપૂર્ણ વિદેશ નીતિ ધરાવતો એક અગ્રણી આર્થિક દેશ છે.  જો પશ્ચિમ તમારી ટીકા કરે છે, તો તેનો અર્થ એ છે કે તમે બધી બાબતો યોગ્ય રીતે કરી રહ્યા છો, એમ તેમણે કહ્યું હતું. અમને ખબર છે કે ભારત માટે પરિસ્થિતિઓ પડકારજનક છે. આ જ સાચી વ્યૂહાત્મક ભાગીદારી છે જેનો અમે આનંદ માણી રહ્યા છીએ.

રશિયન દૂતાવાસે કહ્યું કે કંઈ પણ થઈ જાય, પડકારોના સમયમાં પણ અમે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. રાષ્ટ્રપતિ પુતિન દ્વારા તાજેતરમાં જ વડા પ્રધાન મોદીને યુક્રેનની તાજી ઘટનાઓ વિશે માહિતગાર કરવા અને વાતચીત કરવા માટે કરાયેલ ફોન કોલનો અર્થ એ છે કે ભારત રશિયા માટે ખૂબ મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે આપણે પરસ્પર સુખાકારી અને સંતોષ માટે કોઈ પણ ઉકેલ શોધવામાં સક્ષમ છીએ. અમારી ભાગીદારી વધુ ગાઢ બનશે, જે અમને સાથે મળીને વિકાસ કરવામાં મદદ કરશે.

તેમણે આગળ કહ્યું હતું કે અમારે ઘણાં વર્ષોથી પ્રતિબંધોની આ સમસ્યા જોવી પડી રહી છે, છતાં પણ અમારો વેપાર વધ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારો વેપાર સાત ગણો વધ્યો છે. અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો – એ મુદ્દે તેમણે કહ્યું હતું કે જો ભારતીય ઉત્પાદનોને અમેરિકન બજારમાં પ્રવેશ કરવામાં મુશ્કેલી પડી રહી હોય, તો રશિયન બજાર ભારતીય નિકાસનું સ્વાગત કરી રહ્યું છે.

અમદાવાદના ડૉક્ટરના બે રિસર્ચ પેપર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સમાં છપાયા

અમદાવાદ: જાણીતા લૅપ્રોસ્કોપિક ઓન્કો-ગાયનેક સર્જન અને ઈવા વુમન્સ હૉસ્પિટલના સ્થાપક ડૉ. દિપક લિંબાચિયાએ મેડિકલ રિસર્ચમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. તેમના બે નવા રિસર્ચ પેપર્સ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સમાં પબ્લિશ થયા છે. આ અભ્યાસ એન્ડોમેટ્રીયલ કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રિઓસિસ જેવા સ્ત્રીરોગ કેન્સર સંબંધિત કેસોમાં એડવાન્સ સર્જરી ટેકનિક્સ પર આધારિત છે.એન્ડોમેટ્રિઓસિસ મુખ્યત્વે સ્ત્રીઓમાં પેઢુના પેઇન રૂપે જોવા મળે છે.  સામાન્ય રીતે તે માસિક સાથે સંકળાયેલું હોય છે. તેમાં સ્ત્રીઓને અત્યંત પીડાદાયક પિરિયડ્સ થાય છે. સાથે-સાથે શરીરસંબંધ દરમિયાન દુખાવો, પાચન કે મૂત્રમાં તકલીફ, વધુ રક્તસ્ત્રાવ, પિરિયડ્સ વચ્ચે બ્લીડિંગ, પેટનો ફૂલાવો, થાક, ઉબકા, ડિપ્રેશન, ચિંતા અને વંધ્યત્વ જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. ઈવા વુમન્સ હૉસ્પિટલ,અમદાવાદમાં  મિનિમલી ઇન્વેસિવ સર્જરી દ્વારા દર્દીઓને સુરક્ષિત અને ઝડપી સારવાર આપવાની પ્રાથમિકતા સાથે વધુ આધુનિક અને અસરકારક સેવા માટે કટિબદ્ધ છે.

ઈવા વુમન્સ હૉસ્પિટલ છેલ્લા બે દાયકાથી મહિલાઓના રોગોની વર્લ્ડ ક્લાસ સારવાર માટે જાણીતી છે. એન્ડોમેટ્રિઓસિસની સારવારમાં તેની વિશેષ ઓળખ  છે. તેમની પાસે જર્મનીની Karl Storz કંપનીનું અદ્યતન ઇન્ટિગ્રેટેડ ઓપરેશન થિયેટર સિસ્ટમ છે, જે ગુજરાતમાં પોતાની શ્રેણીમાં પહેલું છે. ઉપરાંત પ્લાઝમા સ્ટેરિલાઇઝેશન સિસ્ટમ દ્વારા 100% ઈન્ફેક્શન કંટ્રોલ સુનિશ્ચિત કરવામાં આવે છે.

ડૉ. લિંબાચિયા એન્ડોમેટ્રીયલ કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રિઓસિસ જેવા રોગના ઉપચાર માટે નિરંતર કાર્યરત રહ્યા છે અને તેની જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે આ સંશોધનની શરૂઆત કરવામાં આવી હતી. પહેલું રીસર્ચ, જર્નલ ઑફ ધ સોસાયટી ઑફ લૅપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક સર્જન્સ (SLS) માં પ્રકાશિત થયું. તેમાં બાઉલ એન્ડોમેટ્રિઓસિસના મેનેજમેન્ટ પર અભ્યાસ કરવામાં આવ્યો. જે ગંભીર એન્ડોમેટ્રિઓસિસ ધરાવતી મહિલાઓમાંથી એક તૃતીયાંશને અસર કરે છે. જાન્યુઆરી 2023 થી જૂન 2024 દરમ્યાન 17 મહિલાઓ પર “સિંગલ-સ્ટેપલર લૅપ્રોસ્કોપિક રિસેક્શન અને એનાસ્ટોમોસિસ ટેકનિક” દ્વારા સર્જરી કરવામાં આવી. પરિણામે તમામ દર્દીઓને મોટી સમસ્યાઓ વગર આરામ મળ્યો અને ઝડપથી સ્વસ્થતા મળી. આ ટેકનિક સુરક્ષિત, અસરકારક અને દર્દીઓને ત્વરિત રાહત આપનારી સાબિત થઈ.બીજું રીસર્ચ એન્ડોમેટ્રીયલ કાર્સિનોમા પર આધારિત હતું. તેમાં સર્જરીના નિર્ણયને વધુ ચોક્કસ બનાવવા માટે ઇન્ટ્રા-ઓપરેટિવ ફ્રોઝન સેક્શન (IFS) ની ભૂમિકા પર વિશ્લેષણ કરાયું. માર્ચ 2018 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન લૅપ્રોસ્કોપિક સ્ટેજિંગ સર્જરી કરાવનારી 100 મહિલાઓ પર આ અભ્યાસ થયો. પરિણામમાં IFS એ 97% કેસોમાં ફાઇનલ હિસ્ટોપેથોલોજી સાથે મેળ ખાતા નિષ્કર્ષ આપ્યા. માયોમેટ્રીયલ ઇન્વેઝનનું 93.7% ચોક્કસ મૂલ્યાંકન, લિંફ નોડ અંગે 98.3% અને ટ્યુમર ગ્રેડિંગનું 78.2% સચોટ મૂલ્યાંકન મળ્યું. આ અભ્યાસ સાઇન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત થયો. તેમાં નિષ્કર્ષ એ મળ્યું કે IFS સર્જરી દરમિયાન ચોક્કસ નિર્ણય લેવા માટે મહત્વનું છે, જે બિનજરૂરી જટિલતાઓને ઘટાડે છે.

ડૉ. લિંબાચિયાએ જણાવ્યું કે, “આ બંને અભ્યાસોમાં ઘણા વર્ષોની મહેનત અને સમર્પણ છે. તેનો હેતુ જટિલ સ્ત્રીરોગોથી પીડિત મહિલાઓને વધુ સારી સારવાર આપવાનો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં આ અભ્યાસોનું પ્રકાશન અમારે માટે ગૌરવની વાત છે. ”

ડૉ. લિંબાચિયા સર્જરી સિવાય એજ્યુકેશન અને ટ્રેનિંગ માટે પણ સમર્પિત છે. 2012 થી અત્યાર સુધી તેઓ વિશ્વભરના સૈંકડો ડૉક્ટરોને તાલીમ આપી ચૂક્યા છે, જેથી એડવાન્સ સર્જરી ટેકનિક્સનો લાભ વધુમાં વધુ દર્દીઓ સુધી પહોંચી શકે.

લોકસભામાં વિપક્ષી સાંસદોનો હંગામો, અમિત શાહ તરફ કાગળો ફેંક્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે, જે હેઠળ ગંભીર ગુનાહિત આરોપોમાં સતત 30 દિવસ જેલમાં રહે તો વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્યમંત્રી અથવા કેન્દ્રશાસિત પ્રદેશને પદ પરથી દૂર કરવાની જોગવાઈ છે. આ બિલ રજૂ કરતી વખતે ગૃહમાં ભારે હોબાળો થયો અને વિપક્ષી સાંસદોએ બિલ રજૂ કરવાનો જોરદાર વિરોધ કર્યો.

અમિત શાહ તરફ કાગળો ફેંકાયા

કેટલાક વિપક્ષી સાંસદો લોકસભાના વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા. આ દરમિયાન કેટલાક વિપક્ષી સાંસદોએ બિલની નકલ ફાડી નાખી અને કાગળના ટુકડા અમિત શાહ તરફ ફેંક્યા. જોકે, બિલ રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું કે સરકાર આ બિલને JPCમાં મોકલવાનો પ્રસ્તાવ રાખે છે. આમ છતાં, બિલને વિરોધનો સામનો કરવો પડ્યો.

 


બંધારણના 130મા સુધારા બિલ રજૂ કરતી વખતે ગૃહમાં સતત સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા. વિપક્ષી સાંસદોએ શાસક પક્ષને ઘેરી લીધો અને ગૃહમંત્રીનું માઈક ફેરવવાનો પ્રયાસ કર્યો. આ અંગે ભારે હોબાળો થયો અને ગૃહની અંદર પરિસ્થિતિ તંગ બની ગઈ. આ દરમિયાન શાસક પક્ષના ઘણા સાંસદો ગૃહમંત્રીનો બચાવ કરવા આગળ આવ્યા અને વિપક્ષી સાંસદોને રોકવાનો પ્રયાસ કર્યો.

વિપક્ષે વેલમાં સૂત્રોચ્ચાર કર્યા

શાસક પક્ષ તરફથી રવનીત બિટ્ટુ, કમલેશ પાસવાન, કિરેન રિજિજુ, સતીશ ગૌતમે ગૃહમંત્રી પાસે સૂત્રોચ્ચાર કરી રહેલા આક્રમક સાંસદોને રોકવાનો પ્રયાસ કર્યો. લોકસભાના વેલમાં સૂત્રોચ્ચાર ટીએમસી સાંસદોએ શરૂ કર્યો અને બિલ રજૂ થતાં જ કલ્યાણ બેનર્જીએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. બાદમાં, કોંગ્રેસના સાંસદ અને મહાસચિવ કેસી વેણુગોપાલે પોતાની બેઠક પરથી બિલની નકલ ફાડી નાખી અને ફેંકી દીધી. આ પછી, કોંગ્રેસના તમામ સાંસદો વેલમાં આવી ગયા.

કેસી વેણુગોપાલ પછી, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવે પણ પોતાની બેઠક પરથી બિલની નકલ ફાડી નાખી અને ફેંકી દીધી અને સમાજવાદી પાર્ટીના તમામ સભ્યો સંસદમાં આવ્યા. આ પછી, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ બિલ રજૂ કરી રહ્યા હતા, ત્યારે બધા વિપક્ષી પક્ષના સભ્યો લોકસભાના વેલમાં આવી ગયા અને હંગામો મચાવવા લાગ્યા. પરિસ્થિતિ બગડતી જોઈને, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી મુલતવી રાખી.

‘જ્યારે હું જેલ ગયો ત્યારે મેં રાજીનામું આપ્યું’

બિલ રજૂ કરતી વખતે, અમિત શાહે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલની ટીકા કરી અને કહ્યું કે જ્યારે હું ખોટા કેસમાં જેલ ગયો હતો, ત્યારે મેં નૈતિક ધોરણે મારા પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં સુધી કોર્ટ મને નિર્દોષ સાબિત ન કરે ત્યાં સુધી મેં કોઈ બંધારણીય પદ સંભાળ્યું નથી. અમે એટલા બેશરમ નથી કે અમારા પર આરોપ લગાવવામાં આવે અને હજુ પણ આ પદ સંભાળીએ. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓ અમને નૈતિકતાનો પાઠ ભણાવી શકતા નથી. અમિત શાહે કહ્યું કે હું ઇચ્છું છું કે આ નૈતિક મૂલ્યો વધે.

અમિત શાહે બિલ રજૂ કરતી વખતે તેને 21 સભ્યોની JPCમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પર અવાજ મતદાન દરમિયાન, વિપક્ષે કૂવામાંથી જ વિરોધ નોંધાવ્યો. પરંતુ અવાજ મતદાન દ્વારા પ્રસ્તાવ પસાર થયા પછી, સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે કેટલાક બિલ રાજકારણમાં શુદ્ધતા અને નૈતિકતા માટે આવે છે, કારણ કે રાજકારણમાં શુદ્ધતા અને નૈતિકતા જરૂરી છે. હવે આ બિલોને ચર્ચા માટે JPC પાસે મોકલવામાં આવ્યા છે.

મુંબઈમાં મુશળધાર વરસાદ બન્યો મુસીબત, 24 કલાકમાં રાજ્યમાં 6 લોકોના મોત

સતત વરસાદને કારણે મુંબઈમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન સેવા ઘણી જગ્યાએ રદ કરવામાં આવી છે, જ્યારે હાર્બર લાઈન પર 15 કલાક પછી લોકલ ટ્રેન સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં છેલ્લા 24 કલાકમાં છ લોકોના મોત થયા છે.

IANS

મહારાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં છ લોકોના મોત થયા છે. નાંદેડ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિને કારણે પાંચ લોકો ગુમ થયાના અહેવાલ છે. રાજ્યના વિવિધ ભાગોમાં કુલ 18 NDRF ટીમો તૈનાત છે, જેમાં છ SDRF ટીમો પણ સામેલ છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે મંગળવારે સવારે હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ 15 કલાક પછી બુધવારે સવારે 3 વાગ્યે ફરી શરૂ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાણી ઓસર્યા પછી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વાનિલ નીલાએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે 11:15 વાગ્યે, ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે પહેલા હાર્બર લાઇન અને પછી મુખ્ય લાઇન સેવાઓ બંધ કરવી પડી હતી.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને થાણે વચ્ચેની મુખ્ય લાઇન સેવાઓ મંગળવારે સાંજે 7:30 વાગ્યે ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ નવી મુંબઈને દક્ષિણ મુંબઈ સાથે જોડતી હાર્બર લાઇન રાતભર બંધ રહી હતી. ઘણા ભાગોમાં ટ્રેક 15 ઇંચ સુધી પાણીમાં ડૂબી ગયા હતા. બુધવારે સવારે બધી જાહેર પરિવહન સેવાઓ, બસો, લોકલ ટ્રેનો અને મેટ્રો સામાન્ય રીતે કાર્યરત થઈ ગઈ હતી.

રેલવેએ મુસાફરોને અપીલ કરી છે
રેલ્વેએ મુસાફરોને અપીલ કરી છે કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, તેથી જરૂર હોય ત્યારે જ મુસાફરી કરો અને સાવચેત રહો. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે મંગળવારના વરસાદ અને પાણી ભરાવાના કારણે, તેમની કેટલીક લોકલ ટ્રેનો બુધવારે પણ રદ રહેશે.

મુંબઈમાં ઘણી લોકલ ટ્રેન સેવાઓ રદ
ડીઆરએમ – મુંબઈ સેન્ટ્રલ, પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે મુંબઈમાં ભારે પાણી ભરાવાના કારણે, આજે ઘણી લોકલ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે.

લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ, જાણો બિલમાં શું ખાસ છે ?

કેન્દ્ર સરકારે બુધવારે (20 ઓગસ્ટ, 2025) સંસદના નીચલા ગૃહ, લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ, 2025 રજૂ કર્યું. એક દિવસ પહેલા, આ બિલને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે પ્રસ્તાવિત કાયદો “નાગરિકોનું રક્ષણ કરતી વખતે” નવીનતાને પ્રોત્સાહન આપશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ડિજિટલ ટેકનોલોજીના ઉદયથી નાગરિકોને ઘણા ફાયદા થયા છે, પરંતુ તે જ સમયે નવા જોખમો પણ ઉભા થયા છે, જેના કારણે ટેકનોલોજીના દુરુપયોગના સંભવિત નુકસાનથી સમાજ સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

આ બિલ શા માટે ખાસ છે?

આ બિલ ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપે છે, તેમજ તેનાથી સંબંધિત હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ, જાહેરાતો અને નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકે છે. આ બિલ ઓનલાઈન કાલ્પનિક રમતોથી લઈને ઓનલાઈન જુગાર (જેમ કે પોકર, રમી અને અન્ય પત્તાની રમતો) અને ઓનલાઈન લોટરી સુધીની તમામ ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર પ્રવૃત્તિઓને ગેરકાયદેસર ઠેરવે છે.

આ યુવાનોને જોખમી ઓનલાઈન રીઅલ મની ગેમિંગ એપ્લિકેશનોથી બચાવવા માટે છે જે તેમને ભ્રામક ‘મની બેક વચનો’ દ્વારા ફરજિયાત અને વ્યસનકારક રમતોમાં ધકેલી દે છે, જેનાથી સમગ્ર પરિવાર નાણાકીય કટોકટીમાં મુકાય છે.

સરકાર માને છે કે ઓનલાઈન મની ગેમિંગ સાથે સંકળાયેલા વ્યસન, નાણાકીય નુકસાન અને આત્મહત્યા જેવા ગંભીર પરિણામોને આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકીને અટકાવી શકાય છે. વધુમાં, ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મનો વારંવાર નાણાકીય છેતરપિંડી, મની લોન્ડરિંગ, આતંકવાદને ધિરાણ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરતી મેસેજિંગ પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ થાય છે.

ગુજરાતના પેડમેને પાલનપુરથી શરૂ કરી ‘સેનેટરી પેડ પરબ’

પાલનપુર: શહેરના જાણીતા કલા શિક્ષક નયન ચત્રારિયા ગુજરાતના પેડમેન તરીકે ઓળખાય છે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી ૧૦ થી ૧૪ વર્ષની ઉંમરની જરૂરિયાતમંદ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ આપે છે. એટલું જ નહીં, તેના વિશે ગામે-ગામ ફરીને વૈજ્ઞાનિક સમજ પણ આપે છે.નયનભાઈએ તેમના જન્મદિવસે સમાજને નવી દિશા આપનારી આગવી પહેલ કરી છે. રાજ્યના ઈતિહાસમાં સૌ પ્રથમવાર તેમણે પોતાના ઘર પાસેની જાહેર જગ્યામાં ‘સેનેટરી પેડ પરબ’ની શરૂઆત કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે જરૂરિયાતમંદ દીકરીઓને રસ્તામાં કે જાહેર સ્થળે આકસ્મિક રીતે સેનેટરી પેડની જરૂર પડે, ત્યારે તેઓ કોઈ પણ જાતની શરમ કે સંકોચ વગર મફતમાં પેડ મેળવી શકે છે.

પાલનપુરથી શરૂ થયેલી આ અનોખી વિચારસરણી સમગ્ર ગુજરાતમાં પ્રેરણારૂપ બનશે એવી આશા તેમણે વ્યક્ત કરી છે. સમાજમાં સ્ત્રીઓને સ્પર્શતા વિષયો ઉપર ખુલ્લેઆમ ચર્ચા થવી જોઈએ અને તેમને જરૂરી સુવિધા મળવી જોઈએ એ સંદેશ પણ આ પહેલ દ્વારા સ્પષ્ટપણે આપવામાં આવ્યો છે.

નયન ચત્રારિયાએ છેલ્લાં ત્રણ વર્ષમાં ઉત્તર ગુજરાતનાં કુલ ૪૭૬ ગામડાં ફરીને ૭૬,૧૨૩ જેટલી દીકરીઓને ત્રણ લાખ એંસી હજારથી વધુ સંખ્યામાં સેનેટરી પેડનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે. નયનભાઈની આ પ્રેરક પહેલને સ્થાનિક સમાજ અને શૈક્ષણિક જગત તરફથી વિશાળ પ્રતિસાદ અને આવકાર મળ્યા છે. આવનારા સમયમાં તેમણે આ અભિયાનને ગુજરાતનાં વિવિધ શહેરો અને ગામડાઓમાં ફેલાવવાના સંકલ્પ સાથે આગળ વધારવાનો નિર્ધાર કર્યો છે.

આ રીતે, ‘સેનેટરી પેડ પરબ’ માત્ર એક સેવા નથી, પરંતુ સમાજમાં સ્વચ્છતા, આરોગ્ય અને નારી સન્માન માટેની એક ક્રાંતિ છે, જેનો પ્રારંભ ગુજરાતના પાલનપુરથી થયો છે.

શ્રધ્ધા અને સહેલગાહના સંગમસમું સપ્તેશ્વર મહાદેવનું મંદિર

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના અરસોડીયા ગામની નજીક આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સાબરમતી નદીના કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે જ આવેલા આ મંદિરની આસપાસનું વાતાવરણ ચોમાસામાં વધુ ખીલી ઉઠે છે.

મંદિરમાં શિવલીંગ ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળાધારી થતી રહે છે. આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોય તો પાણી માંથી પસાર થવું પડે. આ એક અનોખો અનુભવ છે.

એક માન્યતા પ્રમાણે આ સ્થળે કશ્યપ મુનિ, વશિષ્ટ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ, અને ગૌતમ ઋષિ એમ સાત ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી.

ધાર્મિક મહત્વની સાથે સાથે આ સ્થળ પર્યટન માટે પણ જાણીતું છે. અમદાવાદ, ગાંધીનગર અને આસપાસનાં વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઇને આવે છે.

સપ્તેશ્વરને સ્થાનિક બોલીમાં “હાતેરા” (સાતેરા) કહે છે. શ્રાવણમાં માસમાં સપ્તેશ્વરનો નદી પટ, મહાદેવની આસપાસના બેય કુંડ અને પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

PM, CMને દૂર કરવાનું બિલ સંસદમાં રજૂઃ વિપક્ષનો આકરો વિરોધ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલાં ત્રણ બિલ પર ભારે રાજકીય સંગ્રામ છેડાયો છે. આ બિલો હેઠળ જો કોઈ પ્રધાન મંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી અથવા રાજ્ય મંત્રી ગંભીર ફોજદારી આરોપોમાં સતત 30 દિવસ સુધી જેલમાં રહે, તો તેને પદ પરથી દૂર કરવામાં આવશે. વિરોધ પક્ષે જાહેરાત કરી છે કે કોઈ પણ કિંમતે આ બિલ પસાર થવા નહીં દે.

પ્રસ્તાવિત કાયદા – કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ 2025, બંધારણ (130મું સંશોધન) બિલ 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલ 2025 – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં. અમિત શાહ આ બિલોને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવા માટે પણ પ્રસ્તાવ મૂકશે. વિરોધ પક્ષે આ બિલનો આકરો વિરોધ વ્યક્ત કરતાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર બિન-ભાજપ સરકારોને અસ્થિર કરવા માટે કાયદો લાવી રહી છે. તેના માધ્યમે તે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મુખ્ય મંત્રીની ધરપકડ કરાવશે અને મનફાવે તેમ ધરપકડ બાદ તરત જ તેમને પદ પરથી દૂર કરશે. 

વિવાદાસ્પદ બિલો કયાં છે?

ભ્રષ્ટાચારવિરોધી ત્રણ મોટા કાયદાના ડ્રાફ્ટ અનુસાર કોઈ પણ વડા પ્રધાન, મુખ્ય મંત્રી કે મંત્રી, જે પાંચ વર્ષ અથવા તેથી વધુ સજા યોગ્ય આરોપમાં સતત 30 દિવસ સુધી ધરપકડ અથવા હિરાસતમાં રહેશે, તેને 31મા દિવસે આપોઆપ પદ પરથી હટાવી દેવામાં આવશે. સરકારનું આ પગલું તે વિવાદોની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે, જ્યારે દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ અને તામિલનાડુના મંત્રી વી. સેન્થિલ બાલાજી જેવા નેતાઓ જેલમાં હોવા છતાં પદ પર રહ્યા હતા.

વિરોધ પક્ષનો વિરોધ

લોકસભામાં બિલો ચર્ચા માટે સૂચિબદ્ધ થતાં જ કોંગ્રેસે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો અને કહ્યું છે કે ભાજપ ચૂંટણીમાં વિરોધી મુખ્ય મંત્રીઓને હરાવી શકતી નથી એટલે તેમને હટાવવા માટે આવો કાયદો લાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત TMC, AAP જેવી પાર્ટીઓએ પણ આ બિલને લઈને સરકાર પર હુમલો કર્યો છે.