Home Blog Page 673

શ્રેષ્ઠ નેતા આચરણથી બનાય – એ લીડર મસ્ટ લીડ ફ્રોમ ધી ફ્રન્ટ

નેતા શબ્દ સાંભળતા જ આપણા મનમાં એક એવી વ્યક્તિનું ચિત્ર ઊભું થાય છે કે જેનું બધા માનતા હોય, જેના આદેશો મુજબ વર્તન કરતા હોય, બરાબર ને? પરંતુ તમે વિચારો એ નેતા પોતાનાં મૂલ્યો પ્રત્યે સજાગ ન હોય, નૈતિક ન હોય, વ્યવહારુ ના હોય, તો શું તેને અનુસરતા લોકો નૈતિક, વ્યવહારુ અને પોતાનાં મૂલ્યો પ્રત્યે જાગૃત હશે? જવાબ સરળ છે, નહીં હોય!

કહેવાય છે કે ‘યથા રાજા તથા પ્રજા’ – જેવો રાજા તેવી પ્રજા. જાહેર જીવન હોય કે વ્યવસાયિક જગત, તમે જો કંપનીના મેનેજર કે સીઈઓ અથવા લીડર તરીકે ઓફિસમાં ધુમ્રપાન કરશો તો તમે તમારા નીચેના કર્મચારીને રોકી શકશો? જો તમે જ ઓફિસમાં સમયસર નહીં આવો, ઓફિસના સંસાધનોનો પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ કરશો, તો તમારા નીચેના કર્મચારીઓ પણ એ જ કરશે. ભગવાન ચૈતન્યે કહ્યું છે કે શિખામણ આપતાં પહેલા ગુરુ અર્થાત શિક્ષકે પોતાનું આચરણ શુદ્ધ કરવું પડે. તો જ તે અન્યને  અનુસરવા કહી શકે.

ટોચના અધિકારીઓ કાર્યશીલ હોય તો જ તેઓ પોતાના નીચેના કર્મચારીઓને સતત કાર્યશીલ રહેવા માટે પ્રેરણાબળ પૂરું પાડી શકે અને તો જ અન્ય કર્મચારીઓ પણ એ જ દિશામાં કામ કરી શકે. શ્રેષ્ઠ લીડર એ હોય છે જે પોતાના આચરણથી ટીમને પ્રેરણા આપે, નિષ્ફળતાની જવાબદારી પોતાના શિરે લે પણ સફળતા બધાંને વહેંચે, માત્ર આદેશોથી નહીં.

આજ વાત ગીતાજીના અધ્યાય ત્રણના શ્લોક ૨૧માં ભગવાન શ્રીકૃષ્ણએ સમજાવી છે.

યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ ।

સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥

અર્થાત શ્રેષ્ઠ પુરુષો જે રીતે વર્તે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્ય કરે છે. દરેક કંપની, સંસ્થા. પેઢી કે સરકારને પણ આ જ લાગુ પડે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 17/08/2025

PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે

PM મોદી આગામી 24-25 ઓગસ્ટના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના નિકોલ ખાતે એક જાહેરસભાને સંબોધશે. તેમજ બેચરાજી અને વડનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પીએમની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી.

પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે યોજાનારી જાહેરસભા રાજકીય રીતે અત્યંત મહત્વની માનવામાં આવે છે. આગામી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેરસભાથી નરોડા, ઠક્કરબાપાનગર, નિકોલ અને દસ્કોઈ જેવી વિધાનસભા બેઠકોને ફાયદો થવાની શક્યતા છે.

પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન બેચરાજી અને વડનગરની પણ મુલાકાત લેશે. તેઓ બેચરાજી નજીક આવેલા સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઈ શકે છે અને અહીં કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે.

વડાપ્રધાનના વિઝન મુજબ વિકસી રહેલા વડનગરમાં ઐતિહાસિક નગરીને પર્યટન સ્થળ તરીકે વધુ મજબૂત બનાવવાના હેતુથી રૂ. 17 કરોડના ખર્ચે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં પાર્કિંગ, વિશ્રામ એરિયા, કાફેટેરિયા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. પીએમ મોદી આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીના હસ્તે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ થવાની સંભાવના છે.

શુભાંશુ શુક્લાનું દેશ પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું

અવકાશમાં ભારતનો ધ્વજ લહેરાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પોતાના દેશ પરત ફર્યા છે. તેમનું વિમાન રવિવારે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ, ઈસરોના વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓના એક જૂથ અને મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. શુભાંશુના પત્ની કામના શુક્લા અને પુત્ર પણ તેમની સાથે હાજર હતા.

શુભાંશુ પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી રેખા અને મંત્રી જીતેન્દ્રએ તેમને ફૂલોનો ગુલદસ્તો આપીને ભારતમાં આગમન પર તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ ત્યાં હાજર હતા. જેમણે ભારત માતા કી જયના નારા લગાવ્યા અને તાળીઓ પાડી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા, કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે લખ્યું, ‘ગગનયાન મિશનના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે સવારે દિલ્હી પહોંચ્યા ત્યારે ભારતના અવકાશ કાર્યક્રમ માટે ગર્વની ક્ષણ આવી. દિલ્હી એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ઈસરોના અધ્યક્ષ ડૉ. વી. નારાયણન અને વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અવકાશ ગૌરવનું સન્માન કરવામાં આવ્યું હતું. આ આગમન ભારતીય અવકાશ કાર્યક્રમમાં સિદ્ધિઓ અને દેશની અવકાશ યાત્રામાં નવા સીમાચિહ્નોને પ્રતિબિંબિત કરે છે.

શુભાંશુ શુક્લા અવકાશમાં ધ્વજ લહેરાવીને ભારત પરત ફર્યા 

શુભાંશુ શુક્લા તાજેતરમાં અવકાશ યાત્રાથી પરત ફર્યા છે. તેમના મિશન દરમિયાન, તેમણે અવકાશમાં 18 દિવસ વિતાવ્યા અને 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો અને 20 જાગૃતિ સત્રો કર્યા.

સ્વામિનારાયણ ગુરુકુલના માધવ સ્વામીજીએ યુગાન્ડા સંસદ ભવનની લીધી મુલાકાત

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ(SGVP)ના માધવ સ્વામી સનાતન સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના આશય સાથે ચાલતી તેમની નિરંતર યાત્રામાં આફ્રિકા ખંડની મુલાકાતે છે. જ્યાં તેમણે યુગાન્ડાના ડેપ્યુટી સ્પીકર ડૉ. થોમસ તૈયબ્વા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે આધ્યાત્મિકતા, શિક્ષણ અને સંસ્કૃતિનો નવો સાત્વિક સેતુ નિર્માણ કરી શકે છે.

માધવ સ્વામી આફ્રિકાના યુગાન્ડાના પ્રવાસ પર છે. યુગાન્ડામાં બહોળા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે. આ પ્રવાસ દરમિયાન માધવ સ્વામીએ યુગાન્ડા સરકારના ડેપ્યુટી સ્પીકર ડૉ. થોમસ તૈયબ્વાના વિશેષ આમંત્રણ ઉપર દેશની રાજધાની કંપાલા ખાતે આવેલ સંસદ ભવનની ખાસ મુલાકાત લીધી હતી.

સંસદ ભવન ખાતે સ્પીકર ડૉ. થોમસ અને સહયોગી સાંસદોએ માધવપ્રિય સ્વામીજીનું હાર્દિક સ્વાગત કર્યુ હતું. યુગાન્ડાના સાંસદો અને સરકારના પ્રતિનિધિ ડૉ. થોમસ સાથે સ્વામીજીએ ગુરુકુળ શિક્ષા પદ્ધતિ દ્વારા કઈ રીતે આવનારી પેઢીને વધુ સ્વાભિમાની, સશક્ત, સંસ્કારી બનાવી સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે તૈયાર કરી શકાય એ વિષય ઉપર ચર્ચા કરી હતી !

આ ઐતિહાસિક મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે માનવતાના મૂલ્યોની વાવણી સમાજમાં કરનારી ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલી સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી વિશ્વને આપી એના બસ્સો વર્ષ થવા જઈ રહ્યા છે.
રાજસત્તા અને ધર્મસત્તાની આ મુલાકાત ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે આધ્યાત્મિકતા, શિક્ષણ અને સંસ્કૃતિનો સેતુ નિર્માણ કરી શકે છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જળબંબાકારની સ્થિતિ

રાજ્યમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરુ કરી છે. અમદાવાદમાં પણ ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે આજે સવારે પણ ચાલુ રહેતાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમું પાણી ભરાયું.

શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે વટવા, ઓઢવ, મણિનગર, નરોડા, વસ્ત્રાલ, અને હાટકેશ્વરમાં ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો, જ્યારે પશ્ચિમ વિસ્તારો જેવા કે વસ્ત્રાપુર, સેટેલાઇટ, જોધપુર, થલતેજ, બોપલ, એસ.જી. હાઇવે, અને વેજલપુરમાં પણ બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો. આ ભારે વરસાદને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા, અને ઘરો તેમજ દુકાનોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી છે. AMCની ડ્રેનેજ વ્યવસ્થાની ખામીઓ આ વરસાદે ઉજાગર કરી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની સમસ્યા સર્જાઈ.

 

શારદાબેન હોસ્પિટલ નજીક, અખબારનગર અંડરપાસ, અને ખોખરાથી સીટીએમ જતા રસ્તા પર પાણી ભરાયું, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે, અને અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદનો આ રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી મેઘરાજાએ બઘડાટી બોલાવી

હવામાન વિભાગે આજે રાજ્યમાં વ્યાપક ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જ્યારે ભારે બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને પણ રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે કે, ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે 17મી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાનની સિસ્ટમ જે રીતે ગોઠવાઈ છે એ જોતાં 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. જેનાથી ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ લાભ થવાનો છે. કેટલાક સ્થળોએ તો 8થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદની ઘટ જોવા મળી રહી છે. પરંતુ એ ઘટ પણ આ વખતના રાઉન્ડમાં વધતા ઓછા અંશે પૂરી થઈ શકે છે.

ગુજરાતમાં 16 ઓગસ્ટથી લઇને 24 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે. એમાં પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે અને સારી વાત એ હશે કે આ નવા રાઉન્ડમાં ગુજરાતના 95 ટકા વિસ્તારને સારા વરસાદનો લાભ મળશે.

એક જ દિવસમાં 8 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે. મહારાષ્ટ્રના મરાઠવાડા તથા વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. એક જ દિવસમાં સાડા ચારથી લઈને આઠ ઈંચ વરસાદની સંભાવના છે. છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ઓડિશામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે.

ભારત દક્ષિણ કોરિયા સાથે સેમિકન્ડક્ટર અને AIના ક્ષેત્રમાં કામ કરશે

ભારત અને દક્ષિણ કોરિયાએ સેમિકન્ડક્ટર, સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને એઆઈના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનો અને વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ કર્યો. વિદેશ મંત્રી એસ જયશંકર અને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન સાથેની વાતચીતમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. આ પ્રસંગે જયશંકરે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ દક્ષિણ કોરિયાનો આભાર પણ માન્યો.

તેમણે ઓપરેશન સિંદૂર પછી દક્ષિણ કોરિયાની મુલાકાતે આવેલા ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળને સિઓલમાં મળેલા સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી હ્યુને કાશ્મીરમાં આવેલા અચાનક પૂરમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે દક્ષિણ કોરિયા હંમેશા ભારત સાથે વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગે છે. જયશંકરે કહ્યું કે બંને મંત્રીઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને સમકાલીન વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

તસવીરોમાં જુઓ મુંબઈમાં ઉજવાતો દહીંહાંડીનો ઉત્સવ

સમગ્ર દેશમાં નંદલાલાના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. પોત-પોતાની સંસ્કૃતિ અને રિતી-રિવાજ મુજબ દરેક રાજ્યમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય રહ્યો છે. મહારાષ્ટ્ર દહીંહાંડી રૂપે આ તહેવાર મનાવવામાં આવે છે.

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સમગ્ર મહારાષ્ટ્રમાં દહીંહાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં ‘ગોવિંદો ની ટીમો માનવ પિરામિડ બનાવીને માટલા સુધી પહોંચવાનો અને તેને તોડવાનો પ્રયાસ કરે છે. આપણે તસવીરોમાં જોઈએ મુંબઈમાં ઉજવાતી દહીંહાંડી….

(તમામ તસવીરો: દીપક ધૂરી)

રાજ્યમાં ભારે વરસાદની આગાહીઃ અમદાવાદમાં ચાર ઇંચ વરસાદ

અમદાવાદઃ લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. વહેલી સવારથી વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના બે જિલ્લામાં રેડ એલર્ટ,  છ જિલ્લામાં યલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સુરેન્દ્ર નગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આશંકા છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ

આ સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ રહેશે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં પણ યલો એલર્ટ રહેશે.

ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના બાકીના જિલ્લામાં મધ્યમથી ભારે છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે.અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પણ પાણી ભરાયાં છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે આજે શહેરમાં 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગાંધીનગરમાં 0.94 ઈંચ, સુરતમાં 0.43, છોટા ઉદેપુરમાં 0.39 અને નર્મદામાં 0.35 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય તાપીમાં 0.24, વલસાડ 0.12, જૂનાગઢ અને બનાસકાંઠામાં 0.08 તેમ જ મહેસાણા, કડી, ડાંગ, નવસારી અને તાપીમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.