Home Blog Page 674

પ્રેમાનંદ મહારાજને કિડની આપવાની ઈચ્છા વ્યક્ત કરવા બદલ રાજ કુંદ્રા ટ્રોલ

બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાના નામ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયા છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. એવામાં બીજી બાજુ તેમણે પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાત દરમિયાન એવું કઈંક કહ્યું કે હવે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.

તાજેતરમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયા જ્યારે એક બિઝનેસમેન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે તેમની કંપનીમાં લગભગ 60.48 કરોડ રૂપિયા રોકાણ તરીકે આપ્યા હતા, પરંતુ આ પૈસા વ્યવસાયમાં રોકાણ કરવાને બદલે, તેમણે તે પૈસા વ્યક્તિગત ખર્ચ પર ખર્ચ કર્યા. આ નવા વિવાદ વચ્ચે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજને મળતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં પ્રેમાનંદ મહારાજ સાથેની વાતચીત દરમિયાન રાજ કુન્દ્રાએ તેમની કિડની દાન કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. વીડિયો સામે આવતાની સાથે જ લોકોએ તેને પીઆર સ્ટંટ કહેવાનું શરૂ કર્યું અને રાજ કુન્દ્રાની મજાક ઉડાવવા લાગ્યા. હવે રાજ કુન્દ્રાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

વાયરલ વીડિયો અને ટ્રોલિંગ પર રાજ કુન્દ્રાની પ્રતિક્રિયા

પ્રેમાનંદ મહારાજને પોતાની કિડની દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરતો રાજ કુન્દ્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તે ટ્રોલર્સનો શિકાર બન્યા. કેટલાકે તેને પીઆર સ્ટંટ ગણાવ્યો જ્યારે કેટલાકે રાજ કુન્દ્રાની મજાક ઉડાવી. હવે રાજ કુન્દ્રાએ ઇન્સ્ટાગ્રામ અને એક્સ (પહેલાનું ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને નિરાશા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે લોકો નિર્ણય લેવા લાગ્યા છે. તેમના મતે, તેમણે પ્રેમાનંદ મહારાજને આ વાત સારા ઇરાદાથી કહી હતી, પીઆર માટે નહીં.

રાજ કુન્દ્રાની પોસ્ટ

રાજ કુન્દ્રાએ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે લખ્યું- ‘આપણે એક વિચિત્ર દુનિયામાં રહીએ છીએ, જ્યારે કોઈ કોઈનો જીવ બચાવવા માટે પોતાનો એક ભાગ આપવાનું નક્કી કરે છે, ત્યારે તેને પીઆર સ્ટંટ કહીને તેની મજાક ઉડાવવામાં આવે છે. જો કરુણા એક સ્ટંટ છે, તો દુનિયાએ તેને વધુ જોવું જોઈએ. જો માનવતા એક વ્યૂહરચના છે, તો વધુને વધુ લોકોએ તેને અપનાવવી જોઈએ. હું મીડિયા કે ટ્રોલ દ્વારા મારા પર લગાવવામાં આવેલા લેબલોથી વ્યાખ્યાયિત નથી. મારો ભૂતકાળ મારા વર્તમાન પસંદગીઓને રદ કરતો નથી, અને મારા વર્તમાન ઇરાદાઓ તમારા શંકાથી માપવા માટે નથી. ઓછી ટીકા કરો અને વધુ પ્રેમ કરો, કદાચ તમે કોઈનો જીવ બચાવી શકો.’ આ સાથે, રાજ કુન્દ્રાએ રાધે-રાધે હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.

રાજ કુન્દ્રાએ પોતાની કિડની દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સાથેની વાતચીત દરમિયાન, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ છે અને તેઓ લગભગ 10 વર્ષથી ખરાબ કિડની સાથે જીવી રહ્યા છે. પ્રેમાનંદ મહારાજની વાત સાંભળ્યા પછી, રાજ કુન્દ્રાએ કહ્યું,’હું 2 વર્ષથી તમને ફોલો કરું છું. જ્યારે પણ મારા મનમાં કોઈ પ્રશ્ન કે ડર હોય છે, ત્યારે મને તમારા વીડિયોમાંથી બધા જવાબ મળે છે. તમે બધા માટે પ્રેરણા છો. હું તમારી સમસ્યા જાણું છું, જો હું તમને મદદ કરી શકું, તો હું તમને મારી એક કિડની આપીશ.’

પ્રેમાનંદ મહારાજે શું કહ્યું?

રાજ કુન્દ્રાની વાત સાંભળીને શિલ્પા પણ સ્તબ્ધ થઈ ગઈ. રાજ કુન્દ્રાની વાત સાંભળ્યા પછી પ્રેમાનંદ મહારાજે કહ્યું, ‘ના… મારા માટે એટલું પૂરતું છે કે તમે ખુશ છો. જ્યાં સુધી ભગવાન અમને બોલાવે નહીં, ત્યાં સુધી અમે અમારી કિડનીને કારણે આ દુનિયા છોડીશું નહીં અને સત્ય એ છે કે જ્યારે ફોન આવશે, ત્યારે અમારે જવું પડશે. પરંતુ અમે તમારા હૃદયથી તમારી શુભેચ્છા સ્વીકારીએ છીએ.’

 

‘ધ બેંગોલ ફાઇલ્સ’નું ટ્રેલર લોન્ચ થતાં કોલકાતામાં જબરદસ્ત બબાલ

કોલકાતાઃ વિવેક રંજન અગ્નિહોત્રીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ધ બેંગોલ ફાઇલ્સ’ જ્યારથી અનાઉન્સ થઈ છે, ત્યારથી જ આને લઈને વિવાદ થઈ રહ્યો છે. આજે 16 ઓગસ્ટે મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું અને તેના ટ્રેલર રિલીઝ ઇવેન્ટમાં જોરદાર હંગામો પણ જોવા મળ્યો. પહેલા ફિલ્મનું ટ્રેલર બપોરે 12 વાગ્યે રિલીઝ થવાનું હતું, પરંતુ પછી તેમાં વિલંબ થયો અને તે લગભગ એક કલાક બાદ શરૂ થયું. હકીકતમાં, પોલીસ ત્યાં પહોંચી અને ઇવેન્ટ બંધ કરાવી દીધી. હવે આ મામલે વિવેક અગ્નિહોત્રીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ડિરેક્ટરે કહ્યું છે કે અમારા અવાજને દબાવવામાં આવી રહ્યો છે.

 શું કહ્યું વિવેક અગ્નિહોત્રીએ?

“હું તમને માહિતી આપવા માગું છું અને આ બહુ જ જરૂરી માહિતી છે. મને હમણાં જ ખબર પડી કે અહીં આવીને તેમણે બધા તાર કાપી નાખ્યા છે. શું તમે આજ પહેલાં ક્યારેય આ જોયું છે કે પ્રાઇવેટ હોટેલની અંદર આવીને કોઈ તાર કાપી નાખે?

કોણ છે જે અમારી પાછળ પડ્યું છે, તેનો જવાબ બધાને ખબર છે. અમારી સામે ઘણી FIR થઈ છે. અમે દરરોજ વકીલ સાથે લડાઈ લડીએ છીએ કે કેવી રીતે તેના પર સ્ટે મેળવવો. અમે અહીં આવ્યા ત્યારે ખબર પડી કે ટ્રેલર ચલાવવાની મનાઈ કરી છે. આજે આ પ્રાઇવેટ હોટેલ છે, ક્યાંય ક્યારેય આવું જોયું છે?

 ફિલ્મ ક્યારે રિલીઝ થશે

‘ધ બેંગોલ ફાઇલ્સ’ની વાર્તા વિવેક રંજન અગ્નિહોત્રીએ જ લખી છે અને તેને ડિરેક્ટ પણ તેમણે જ કરી છે. જ્યારે પ્રોડક્શનની જવાબદારી અભિષેક અગ્રવાલ અને પલ્લવી જોશીએ સંભાળી છે. ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો તેમાં મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અનુપમ ખેર અને દર્શન કુમાર જેવા અનેક સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બર, 2025એ થિયેટર્સમાં રિલીઝ થશે. તે પહેલાં અગ્નિહોત્રી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશકંદ ફાઇલ્સ’ પર પણ ફિલ્મ બનાવી ચૂક્યા છે, જેમની રિલીઝ પહેલા પણ ઘણો વિવાદ થયો હતો.

ભારત વિભાજન માટે જિન્ના, કોંગ્રેસ જવાબદારઃ NCERTનું નવું મોડ્યુલ

નવી દિલ્હીઃ ભારતને 15 ઓગસ્ટ, 1947એ આઝાદી મળી હતી, પરંતુ આ આઝાદી સાથે થયું હતું વિભાજન. વિભાજન દરમિયાન થયેલી હત્યાઓ અને લૂંટની ઘટનાઓએ બંને તરફના કરોડો લોકોને માત્ર અસર જ કરી નહોતી, પરંતુ તેમનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું હતું. આ વિભાજનની આ ભયાનકતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે NCERTએ 79મા સ્વતંત્રતા દિવસે એક નવું મોડ્યુલ જાહેર કર્યું છે, જેમાં વિભાજન માટે જવાબદાર વ્યક્તિઓના વિષયમાં જણાવવામાં આવ્યું છે.

 NCERTનું નવું મોડ્યુલ?

આઝાદ ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર થયું છે જ્યારે વિભાજનની ભયાનકતા અંગે સત્તાવાર રીતે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે. NCERTનું નવું મોડ્યુલ ભારત વિભાજન માટે ઇતિહાસની ત્રણ મોટી વ્યક્તિઓને જવાબદાર ગણે છે:

  1. પાકિસ્તાનના જનક ગણાતા મોહમ્મદ અલી જિન્ના
  2. કોંગ્રેસ
  3. લોર્ડ માઉન્ટબેટન

NCERTના મોડ્યુલ અનુસાર મોહમ્મદ અલી જિન્નાની અલગ દેશ પાકિસ્તાન બનાવવાની માગણી સામે કોંગ્રેસ પાર્ટીએ ઝૂકવું સ્વીકારી લીધું અને ત્યાર બાદ લોર્ડ માઉન્ટબેટને વિભાજનની આખી પ્રક્રિયા બહુ જલદી પૂરી કરી લીધી હતી.

શું ભારતનું વિભાજન જરૂરી હતું?

NCERTના નવા મોડ્યુલમાં આ પ્રશ્ન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે શું ભારતનું વિભાજન કરીને નવો દેશ પાકિસ્તાન બનાવવો જરૂરી હતો? મોડ્યુલ કહે છે કે તે પરિસ્થિતિમાં ભારતનું વિભાજન જરૂરી નહોતું, પરંતુ ખોટા વિચારો અને પરિસ્થિતિઓને કારણે આ વિભાજન થયું. જિન્નાની પાકિસ્તાનની જીદ સામે કોંગ્રેસે ઝૂકીને તેને સ્વીકાર્યું અને દેશને ગૃહયુદ્ધથી બચાવવાનો શાંતિપૂર્ણ રસ્તો ગણાવ્યો. જોકે આ વિભાજનનો મહાત્મા ગાંધીજી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

NCERT દ્વારા 14 ઓગસ્ટે જાહેર કરાયેલું વિશેષ મોડ્યુલ

NCERTSએ Partition Horrors Remembrance Day (વિભાજન ભયાનકતા સ્મૃતિ દિવસ) 14 ઓગસ્ટે જાહેર કર્યો હતો. તેના અનુસાર 1947માં થયેલા ભારત-પાકિસ્તાન વિભાજનનો પ્રભાવ માત્ર તે સમય સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ આજના સમયમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. તેમાં પાકિસ્તાન સાથેના બગડેલા સંબંધો, પીઓકે વિવાદ અને રક્ષણ બજેટમાં થતા વધારો મુખ્ય રૂપે જોવા મળે છે.

ટ્રમ્પની રાજકીય કારકિર્દી પુતિન ખતમ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે અલાસ્કામાં મહત્વની બેઠક થઈ હતી, ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કઝાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી કમિટી (KNB)ના પૂર્વ પ્રમુખ અને KGBના ભૂતપૂર્વ અધિકારી મેજર જનરલ એલનુર મુસાયેવએ દાવો કર્યો છે કે પુતિન પાસે ટ્રમ્પ વિરુદ્ધ એવા વિડિયો રેકોર્ડિંગ અને દસ્તાવેજો છે, જે તેમની રાજકીય કારકિર્દીને ખતમ કરી શકે છે.

એક ભૂતપૂર્વ સોવિયત અધિકારીનો ગંભીર આક્ષેપ

મુસાયેવના જણાવ્યા મુજબ રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસ (FSB) પાસે એવા દસ્તાવેજો અને વિડિયો છે, જેમાં ટ્રમ્પના સગીરો વિરુદ્ધ યૌન ગુનાઓ, ગેરકાયદે આર્થિક સોદા અને જેફરી એપ્સ્ટીનના સેક્સ રેકેટ સાથે જોડાયેલા પુરાવા છે. તેમનો દાવો છે કે પુતિન અને ક્રેમલિન આ પુરાવાનો ઉપયોગ ટ્રમ્પ પર રાજકીય દબાણ બનાવવા માટે કરી શકે છે, જેથી તે રશિયાનાં હિતોને ટેકો આપે અને કદાચ નાટો અને યુરોપિયન યુનિયનને નબળા પાડવા માટે કામ કરે.

તેમણે જણાવ્યું હતું કે 1990ના દાયકામાં કઝાકિસ્તાનના કેટલાક વેપારીઓએ એપ્સ્ટિનના ખાનગી દ્વીપ અને ફ્લોરિડામાં આવેલા ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં યુવતીઓને ઉપલબ્ધ કરાવી હતી. આ કેસના મુખ્ય આરોપી તોફિક આરિફોવ પર ગુનાકીય કેસ ચાલી રહ્યો હતો ત્યારે જ FSBએ તેના પર આરોપ મૂક્યો હતો. ત્રણ અન્ય ધનિક કઝાક નાગરિકો પર પણ રશિયાને ઈશારે મદદ કરવાનો આક્ષેપ છે.

વર્ષ 2019 પછી પુતિન અને ટ્રમ્પ વચ્ચે આ પહેલી આમને-સામનેની મુલાકાત હતી. ટ્રમ્પની મધ્યસ્થતામાં રશિયા અને યુક્રેન વચ્ચેની અગાઉની ત્રણ વાતચીત નિષ્ફળ ગઈ હતી. મુસાયેવનાં નિવેદનો પર ટ્રમ્પ અને પુતિનની તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ સમાચારથી વૈશ્વિક રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.

કોંગ્રેસી વિધાનસભ્યને ત્યાં દરોડાઃ 1.7 કરોડ કેશ, સાત કિલો સોનું જપ્ત

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સતીશ કૃષ્ણ સૈલના ઘરે અને તેમનાં સ્થાનો પર EDએ દરોડા પાડ્યા છએ, જેમાં બેહિસાબ સંપત્તિઓ મળી છે. EDએ 1.7 કરોડ રૂપિયા અને 6.8 કિલો સોનું જપ્ત કર્યું છે, જેની કિંમત આશરે સાત કરોડ રૂપિયા થાય છે. કૃષ્ણ સૈલ કારવાર–અંકોલા બેઠકથી ધારાસભ્ય છે.

EDએ 13 અને 14 ઓગસ્ટે સૈલના કારવાર, ગોવા, મુંબઈ અને નવી દિલ્હીમાં આવેલાં ઘર તથા અનેક ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા. તપાસ એજન્સીએ ધારાસભ્યના બેંક ખાતાઓમાં રહેલા 14 કરોડથી વધુની રકમને પણ ફ્રીઝ કરી દીધી છે.

EDએ X પર પોસ્ટ કરીને માહિતી આપી કે આ દરોડા દરમ્યાન અનેક દસ્તાવેજો, ઈ-મેઈલ્સ અને રેકોર્ડ્સ મળ્યા છે. ધારાસભ્યના ઘરે રહેલા કેટલાંક લોકર્સને ફ્રીઝ કરવામાં આવ્યાં અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

આ દરોડા દરમ્યાન ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો ઘરે હાજર નહોતા. ધારાસભ્ય સાથે જોડાયેલા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જે અન્ય સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા, તેમાં આશાપુરા માઇનકેમ, શ્રી લાલ મહલ, સ્વસ્તિક સ્ટીલ્સ (હોસપેટ), આઈએલસી ઇન્ડસ્ટ્રીઝ, શ્રી લક્ષ્મી વેંકટેશ્વર મિનરલ્સનો સમાવેશ થાય છે. કેન્દ્રિય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાંસદો અને ધારાસભ્યોની વિશેષ અદાલતે શ્રી મલ્લિકાર્જુન શિપિંગ પ્રાઈવેટ લિમિટેડે અન્ય લોકો સાથે મળીને આયર્ન ઓરનો પાઉડરની ગેરકાયદે નિકાસ માટે સૈલ સહિત તમામ આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા.

એજન્સીએ આક્ષેપ કર્યો છે કે EDની તપાસમાં બહાર આવ્યું છે કે સૈલે અન્ય વ્યાપારિક સંસ્થાઓ અને બેલેકેરી બંદરના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને 19 એપ્રિલ 2010થી 10 જૂન 2010 દરમિયાન આશરે 1.25 લાખ મેટ્રિક ટન આયર્ન ઓરનો પાઉડરની ગેરકાયદે નિકાસ કરી હતી. EDનાં સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે આ ગેરકાયદે આયર્ન ઓરનો પાઉડરની નિકાસથી સરકારી ખજાનાને 38 કરોડ રૂપિયાનો નુકસાન થયું છે. આ મામલો 2010માં કર્ણાટક લોકાયુક્ત દ્વારા કરવામાં આવેલી તપાસથી શરૂ થયો હતો. તેમાં બેલ્લારીથી બેલેકેરી બંદર સુધી આશરે 8 લાખ ટન ગેરકાયદે લઈ જવાયેલા આયર્ન ઓરનો પાઉડરનો પર્દાફાશ થયો હતો.

 

મુંબઈમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, BMC અને પોલીસે એડવાઈઝરી જારી કરી

શનિવાર સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન હવામાન વિભાગે શનિવારે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવાર અને રવિવારે મુંબઈમાં ભારે વરસાદ પડશે. વરસાદનો આ દોર 19 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 28°C અને 23°C ની આસપાસ રહેશે.

નવીનતમ માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. ગાંધી માર્કેટ, કિંગ્સ સર્કલ, અંધેરી સબવે, કુર્લા અને ચેમ્બુર, મિલન સબવે વિસ્તાર અને SCLR બ્રિજ પર પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ છે.

પોલીસ અને BMC એ એડવાઈઝરી જારી કરી છે

મુંબઈ પોલીસે તેના X હેન્ડલ પર ટ્વિટ કર્યું છે કે મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને દૃશ્યતામાં ઘટાડો થયો છે. મુંબઈવાસીઓને બિનજરૂરી મુસાફરી ન કરવાની અને બહાર નીકળતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. પોલીસને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે અને મુંબઈ પોલીસ સતર્ક છે અને મુંબઈવાસીઓને મદદ કરવા માટે તૈયાર છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં 100/112/103 ડાયલ કરો. તે જ સમયે, BMC એ લોકોને અપીલ કરી છે કે જો જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળે.

IMD એ માછીમારોને 19 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. નાગરિકોને પણ તોફાની હવામાનને કારણે બહાર નીકળતી વખતે સાવધાની રાખવા અને દરિયા કિનારાની મુલાકાત લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગે મુંબઈના પડોશી જિલ્લા થાણે, પાલઘર અને રાયગઢમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. 16 ઓગસ્ટ, શનિવાર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં રાયગઢમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 20 ઓગસ્ટ સુધી મહારાષ્ટ્રમાં વરસાદી ગતિવિધિઓમાં વ્યાપક વધારો થવાની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રને અડીને આવેલા ઘાટ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. વીજળી અને ગાજવીજ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે.

ટ્રંપ-પુતિનની બેઠક નિષ્ફળઃ રશિયા-યુક્રેન યુદ્ધવિરામ નહીં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં મહત્વની બેઠક થઈ હતી, જે લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી, પરંતુ આ બેઠકમાં પણ બંને નેતાઓ વચ્ચે થયેલી ચર્ચામાં યુદ્ધવિરામ અંગે કોઈ ઉકેલ આવી શક્યો નથી.

ટ્રંપ અને પુતિનની મુલાકાતનું કોઈ પોઝિટિવ પરિણામ ન મળવાને કારણે ભારત સામે મુશ્કેલીઓ વધી છે અને તેને કારણે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર પણ કાળાં વાદળો છવાયાં છે.વિશ્વની નજર આ બેઠક પર હતી. આ બેઠક પછી પણ યુદ્ધવિરામ અંગે કોઈ સમજૂતી ન થઈ. નિષ્ણાતોનું માનવું છે કે આ બેઠક નિષ્ફળ રહી હતી. બંને નેતાઓનાં નિવેદનો તેમની વ્યૂહરચનાનો ભાગ હતાં. પુતિન શરૂઆતથી જ હાવી રહ્યા હતા અને સંકેત આપ્યો કે ચર્ચા તેમની શરતો મુજબ ચાલી રહી છે.

ટ્રંપે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમારી બેઠક અત્યંત ઉપયોગી રહી અને ઘણા મુદ્દાઓ પર અમારી વચ્ચે સહમતી બની છે, આગળ પણ વાત ચાલુ રહેશે.

આ બેઠક પછી પુતિને કહ્યું હતું કે અમારી ચર્ચા રચનાત્મક અને પરસ્પર માન-સન્માનના વાતાવરણમાં થઈ હતી. ટ્રંપે કહ્યું હતું કે તેમને રશિયન તેલ ખરીદતા ચીન જેવા દેશો પર તાત્કાલિક ટેરિફ લગાવવાની જરૂર નથી, પરંતુ બે-ત્રણ સપ્તાહમાં એવું કરવું પડી શકે છે. એ સાથે તેમણે ધમકી આપી હતી કે જો યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા કોઈ પગલું નહીં ભરાય, તો તેઓ રશિયા પર પ્રતિબંધો મૂકશે અને તે દેશો પર પણ વધારાના પ્રતિબંધો લાગુ કરશે, જે રશિયાથી તેલ ખરીદે છે. ટ્રંપે ભારત પર પહેલેથી જ રશિયન તેલ ખરીદવા બદલ 25 ટકાનો ટેરિફ લગાવ્યો છે.

ગોળવાળો મોહનથાળ

કાન્હાના જન્મોત્સવની ઉજવણી બાદ, નંદોત્સવ માટે જો કોઈ ઈન્સ્ટન્ટ મીઠાઈ બનાવવી હોય તો, તે છે સરળ રીતે બનતો ગોળવાળો મોહનથાળ! જેના માટે કરકરો લોટ લેવાની જરૂર નથી, ધાબો દેવાની પણ જરૂર નથી!

સામગ્રીઃ

  • ઝીણો ચણાનો લોટ 2 કપ
  • ઘી 1 કપ
  • ઝીણો સમારેલો ગોળ ¾ કપ
  • હૂંફાળું દૂધ 3 ટે.સ્પૂન
  • એલચી પાઉડર 2 ટે.સ્પૂન
  • મોળો માવો 50 ગ્રામ અથવા દૂધની મલાઈ ½ કપ
  • બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન

રીતઃ એક જાડા તળિયાવાળી કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ ઉમેરીને ચમચા વડે લોટને ચારવતા રહેવું. ગેસની આંચ મધ્યમ રાખવી. એકસરખો લોટ ચારવતાં લોટ થોડો હલકો ઢીલો થાય એટલે ગેસની આંચ ધીમી કરીને ફરીથી લોટ શેકવો. લોટ ચોકલેટી રંગનો પકડવા લાગે એટલે તેમાં પહેલાં 1 ટે.સ્પૂન દૂધ મેળવી ચમચા વડે ઝડપથી ચારવવું. એકાદ મિનિટ બાદ બાકીનું 2 ટે.સ્પૂન પણ મેળવી લેવું. લોટમાં દાણા બનશે અને લોટ વધુ ઘેરા રંગનો થવા લાગશે. એટલે ગેસ બંધ કરી દો. ચમચા વડે મિશ્રણ ચારવતાં રહેવું જેથી તે કઢાઈમાં ચોંટીને નીચેથી કાળું ન થાય.

ગેસ ઉપરથી કઢાઈ નીચે ઉતારી લીધા બાદ લોટમાં માવો મેળવીને ચમચા વડે હલાવતાં રહો. જ્યાં સુધી માવો ઓગળી ન જાય.

માવો ઓગળે અને લોટ ઠંડો થવા લાગે, પણ સહેજ ગરમ હોય તે જ સમયે બારીક સમારેલો ગોળ તેમજ એલચી તેમાં મેળવીને ચમચા વડે સતત હલાવતાં રહેવું. તેમાંનો ગોળ ઓગળીને લોટમાં એકરસ ભળી જાય એટલે ઘી લગાડેલી થાળી અથવા ટ્રેમાં આ મિશ્રણ ઠાલવીને તવેથા વડે સરખું ફેલાવી દો. ઉપરથી બદામ-પિસ્તાની કાતરી ભભરાવી દો.

અડધા કલાક બાદ મોહનથાળ સેટ થાય એટલે તેના ચપ્પૂ વડે ચોસલા પાડી લો અને સ્ટીલના એક ડબ્બામાં ભરી લો.

૧૬ ઓગસ્ટ ૨૦૨૫