Home Blog Page 683

મહિલાઓને સતાવતી સમસ્યા પેરિમેનોપોઝ શું છે?

શ્રુતિ 40 વર્ષની સ્વતંત્ર અને મહેનતુ શિક્ષિકા છે. હંમેશા પોતાના વિદ્યાર્થીઓ અને પરિવાર માટે સમર્પિત. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી એના જીવનમાં ફેરફાર આવી રહ્યો હતો. ક્યારેક રાત્રે અચાનક પરસેવાથી રેબઝેબ થઈ જાય, તો ક્યારેક નાની નાની બાબતો પર એ ચીડાઇ જતી. પતિ આસુતોષ અને બાળકો પણ એના વર્તનથી મૂંઝાય છે.

સાસુ સુશિલાબહેન આવા સમયે એને સાથ આપવાની જગ્યાએ મહેણાં મારતા સતત એને ટોક્યા કરે. શ્રુતિનું માસિક ચક્ર પણ અનિયમિત થઈ ગયું. કામ કરવાનું મન ન થાય. થાક એના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો. કામમાં મન લાગતું નહોતું. શરીર એની ઇચ્છાઓનો સાથ નથી આપતું.

શ્રુતિ પોતે પણ પોતાના શરીરના આ ફેરફારોને સમજી શકતી નહોતી. એક દિવસ મિત્ર આશકાની સલાહથી એ ડોક્ટર પાસે જાય છે. એને જાણ થાય છે કે એ પેરીમેનોપોઝમાંથી પસાર થઈ રહી છે, જે એક સ્વાભાવિક તબક્કો છે અને આ તબક્કો દરેક મહિલાના જીવનમાં આવે છે. પરંતુ આ વિશે ચર્ચા નથી થતી માટે મહિલાઓ એનાથી અજાણ છે.

મેનોપોઝ જેવા વિષય પર હવે ધીમે-ધીમે ખુલીને ચર્ચા થાય છે. ત્યાં સુધી કે તાજેતરમાં જ ‘જલેબી રોક્સ’ જેવી ગુજરાતી ફિલ્મ પણ આ વિષય પર રજૂ થઈ. પરંતુ મેનોપોઝ પહેલા આવતો પેરીમેનોપોઝ તબક્કાથી આજે પણ મહિલાઓ અજાણ છે. ઘણી મહિલાઓ તો આ સમયમાંથી પસાર થાય ત્યારે એમ સમજી બેસે છે કે એ મેનોપોઝમાં આવી ગઈ! પરંતુ જ્ઞાનના અભાવના કારણે સ્ત્રી સમજી નથી શકતી કે મેનોપોઝ અને પેરીમેનોપોઝમાં ઘણું અંતર છે.

શું છે પેરિમેનોપોઝ?

પેરીમેનોપોઝ એ મહિલાઓના જીવનનો એક તબક્કો છે, જે મેનોપોઝ (માસિક ચક્રની સમાપ્તિ) પહેલાં આવે છે. આ સમયગાળો સામાન્ય રીતે 40ની ઉંમરની આસપાસ શરૂ થાય છે, પરંતુ કેટલીક સ્ત્રીઓમાં એ 30ના દાયકાના અંતમાં અથવા 50ના દાયકાની શરૂઆતમાં પણ શરૂ થઈ શકે છે. આ તબક્કામાં શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સનું સ્તર બદલાય છે, જેના કારણે શારીરિક, ભાવનાત્મક અને માનસિક ફેરફારો થાય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો.અંકિતા પંચાલ કહે છે કે, પેરીમેનોપોઝ 35 થી 50 વર્ષની ઉંમર વચ્ચે ગમે ત્યાં શરૂ થઈ શકે છે. તે 4-8 વર્ષ સુધી ચાલુ રહી શકે છે. એના લક્ષણો સ્ત્રીઓમાં ઘણા બદલાઈ શકે છે, પરંતુ સૌથી સામાન્ય લક્ષણોમાં માસિક સ્ત્રાવના પેટર્નમાં ફેરફાર, શારીરિક સંવેદનાઓ, મૂડ અને એકંદર ઊર્જાનો ઘટાડાનો સમાવેશ થાય છે. ઉપરાંત હૉટ ફ્લશ, રાત્રે પરસેવો, ઊંઘમાં ખલેલ, વજનમાં વધારો, માઇગ્રેન, યોનિમાર્ગમાં શુષ્કતા, પેશાબ લિકેજ, ત્વચાની કરચલીઓ, વાળ પાતળા થવા, સાંધામાં દુખાવો, સ્નાયુઓમાં ઘટાડો, સામાન્ય નબળાઈ જેવા શારીરિક ફેરફારોથી લઈને મૂડ સ્વિંગ, ચિંતા, હતાશા, બ્રેઈન ફોગ, યાદશક્તિમાં ઘટાડો વગેરે જેવા કેટલાક માનસિક ફેરફારોનો સમાવેશ થાય છે.

પરિવારની સહાનુભૂતિ જરૂરી

પેરીમેનોપોઝ એ મહિલાઓના જીવનનો એક એવો તબક્કો છે, જેમાં એમને ઘણીવાર ખબર જ નથી હોતી કે એમની સાથે શું થઈ રહ્યું છે. આ સમયગાળામાં શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને કારણે શારીરિક અને ભાવનાત્મક લક્ષણો દેખાય છે, પરંતુ જાણકારીના અભાવે મહિલાઓ આને સમજી શકતી નથી. ખાસ કરીને, મોટી ઉંમરે લગ્ન કરનારી મહિલાઓમાં લગ્નના થોડા વર્ષોમાં જ પેરીમેનોપોઝના લક્ષણો જોવા મળી શકે છે. આના કારણે એમનું અંગત જીવન અને પારિવારિક સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો.નફીસા ગુગરમાન કહે છે કે, “પેરીમેનોપોઝ સમજવું ખૂબ જટિલ છે, કારણ કે દરેક સ્ત્રીના ચિહ્નો સરખા નથી હોતા. જો કે, ઇરીટેશન અને ગુસ્સો જેવા લક્ષણો કોમન છે. બીજા પણ ઘણા ચિહ્નો છે, જેમ કે વજન વધવું, હોટ ફ્લેશેસ, કારણ વગરની ભૂખ, દિવસ દરમિયાન આવતી ઊંઘ, મોડી રાત સુધી જાગવું અને વિચારો આવવા. આ એવો સમય છે જ્યારે પરિવારના સભ્યોની સ્ત્રીને સૌથી વધુ જરૂર હોય છે. ડાયટનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ, જેમાં લોહતત્વયુક્ત આહાર સાથે માઇક્રોન્યુટ્રિએન્ટ જેવા વિટામિન સભર ખોરાક લેવા જોઈએ. મેગ્નેશિયમ, કેલ્શિયમ, આઇરન અને વિટામિન B12 જેવા તત્વોની ઉણપ ન વર્તાય એનું ખૂબ ધ્યાન રાખવું.”

આવા વિષયોની ખુલીને ચર્ચા કરવી જરૂરી

પેરીમેનોપોઝ વિશે જાગૃતિ અને યોગ્ય માર્ગદર્શનથી મહિલાઓ આ તબક્કાને વધુ સારી રીતે સંભાળી શકે છે અને એમનું જીવન સરળ અને સંતુલિત બની શકે છે. આવા વિષયોની ખુલીને ચર્ચા અને સમજણ સમાજમાં વધારવી જરૂરી છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર ચારુલતા ભરત શાહ કહે છે કે, આ એવો સમય હોય છે જ્યાકે સ્ત્રીઓને કોઈની સાથે વાત કરવાનું કે ઘરનાં કામમાં મન લગાવવાનું મુશ્કેલ લાગે છે. આ સમયે પરિવારના સભ્યો, ખાસ કરીને પતિ, મિત્રો કે ઉંમરમાં મોટી સ્ત્રીઓ જેવી કે સાસુ, જેઠાણી કે નણંદ, જો સહાનુભૂતિથી એમની સ્થિતિને સમજે, તો મહિલાઓને ઘણી રાહત મળે છે. આ તબક્કો સ્વાભાવિક હોવા છતાં, ઘણી વખત આ અનુભવમાંથી પસાર થઈ ચૂકેલી સ્ત્રીઓ પણ પોતાની મુશ્કેલીઓ ભૂલી જાય છે. જો પરિવાર અને સમાજ આ સ્થિતિને સમજીને સમર્થન આપે, તો મહિલાઓ આ પડકારજનક સમયમાં પણ ખુશ રહી શકે છે.

હેતલ રાવ

SIRનો હેતુ જ મતદાર યાદીમાંથી મૃતકોને બહાર કરવાનોઃ SC

પટનાઃ બિહારની મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) અભિયાન અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SIRનો હેતુ જ મૃતક લોકોને મતદાર યાદીમાંથી બહાર કરવાનો છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ કોઈ રાજકીય પક્ષ અથવા મતદારે અપીલ નથી કરી, પરંતુ દિલ્હીમાં બેઠેલી ADR સંસ્થા 65 લાખ લોકોના આંકડા માગી રહી છે. અરજીકર્તા તરફથી વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું હતું કે 65 લાખ લોકોમાં ઘણા એવા પ્રવાસી મજૂરો છે જેઓ ફોર્મ ભરી શક્યા નથી અને તેમનાં નામ મતદાર યાદીમાંથી બહાર થઈ ગયાં છે.

વકીલ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે છેલ્લી વાર ચૂંટણી પંચે આધાર કાર્ડ અને મતદાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં સામેલ કરવાનો વિરોધ શા માટે કર્યો? કારણ કે ચૂંટણી પંચ માને છે કે આ બંને દસ્તાવેજ કોઈ વ્યક્તિની નાગરિકતા નક્કી કરવા પૂરતા પુરાવા નથી. આ સિવાય બીજું કોઈ કારણ નથી. એના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ચૂંટણી પંચ નથી કહી રહ્યું, પરંતુ આધાર કાયદામાં આવું લખેલું છે.

ચૂંટણી પંચે કહ્યું હતું કે અરજીકર્તા ફક્ત આશંકાઓને આધારે પ્રશ્નો ઊભા કરી શકતા નથી. અંતિમ મતદાર યાદીમાં બધી ભૂલો સુધારી દેવામાં આવશે. એના પર ઉચ્ચતમ ન્યાયાલયે અરજીકર્તાઓને કહ્યું હતું  કે મોટા ભાગે આ વિશ્વાસની કમીનો મામલો લાગે છે, બીજું કંઈ નહીં. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે લગભગ 6.5 કરોડ લોકોને બિહાર SIR માટે કોઈ દસ્તાવેજો દાખલ કરવાની જરૂર નહોતી, કારણ કે તેમનું અથવા તેમનાં માતા-પિતાનું નામ 2003ની મતદાર યાદીમાં હતું. કોર્ટસ પોતાની ટિપ્પણીમાં કહ્યું કે જો કુલ 7.9 કરોડ મતદારોમાંથી 7.24 કરોડે જવાબ આપ્યો છે, તો આ એક કરોડ મતદારોના ગાયબ થવાની વાતને કોર્ટ નકારી કાઢે છે.

અમેરિકાની નવી નીતિને કારણે ભારતીય H-1B વિઝા ધારકોની મુશ્કેલી વધી

અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા વિદેશી કામદારો માટે માઠા સમાચાર છે. સરકારની નવી નીતિને કારણે તેમના બાળકોને ગ્રીન કાર્ડ મેળવવું મુશ્કેલ બનશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ ‘ચિલ્ડ્રન સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ’ (CSPA) સંબંધિત તેના પોલિસી મેન્યુઅલને અપડેટ કર્યું છે. નવી નીતિ 15 ઓગસ્ટ, 2025 ના રોજ અથવા તે પછી દાખલ કરાયેલી અરજીઓ પર લાગુ થશે. CSPA માં નવીનતમ અપડેટ પછી, H-1B વિઝા ધારકોના બાળકો માટે ગ્રીન કાર્ડ મેળવવું મુશ્કેલ બનશે.

નવા નિયમો હેઠળ, CSPA વય ગણતરી માટે વિઝા ઉપલબ્ધતા રાજ્ય વિભાગ દ્વારા જારી કરાયેલ વિઝા બુલેટિનમાં પ્રકાશિત અંતિમ કાર્યવાહી તારીખ પર આધારિત હશે.આ તારીખ એ છે કે જેના પર વર્કરને ગ્રીન કાર્ડ આપવામાં આવશે. આ અપડેટ પછી, USCIS અને રાજ્ય વિભાગ ગ્રીન કાર્ડ જારી કરવા માટે સમાન ચાર્ટનો ઉપયોગ કરશે.અગાઉ, અસંગત નીતિઓને કારણે યુએસ અને વિદેશના ગ્રીન કાર્ડ અરજદારો માટે અલગ અલગ વય ગણતરીઓ કરવામાં આવતી હતી.

CSPA શું છે?

યુએસમાં H-1B વિઝા ધારકો પણ તેમના પરિવારને દેશમાં લાવી શકે છે. તેઓ સતત છ વર્ષ કામ કર્યા પછી ગ્રીન કાર્ડ માટે પાત્ર બને છે. જોકે, ભારત જેવા દેશોના કામદારોને ગ્રીન કાર્ડ મેળવવા માટે વધુ રાહ જોવી પડે છે.યુએસમાં H-1B વિઝા ધારકોના બાળકોને 21 વર્ષથી ઓછી ઉંમરના હોય તો જ ગ્રીન કાર્ડ મળે છે. CSPA કેટલાક બાળકોને 21 વર્ષના થયા પછી પણ ગ્રીન કાર્ડ માટે અયોગ્ય બનતા અટકાવે છે. આ વિઝા ઉપલબ્ધતાની તારીખોના આધારે તેમની ઉંમરની ગણતરી કરીને કરવામાં આવે છે.

સામાન્ય રીતે, 21 વર્ષથી ઓછી ઉંમરના અપરિણીત બાળકો તેમના માતાપિતા દ્વારા મંજૂર કરાયેલી અરજી દ્વારા કાયમી રહેઠાણ મેળવી શકે છે. જો કે, લાંબા વિઝા બેકલોગને કારણે, બાળકો 21 વર્ષથી વધુ ઉંમરના થઈ જાય છે અને ત્યાં સુધીમાં તેમની ગ્રીન કાર્ડ પ્રક્રિયા પૂર્ણ થતી નથી, જેના કારણે તેઓ અયોગ્ય બની જાય છે. આ નીતિ ફક્ત યુએસમાં રહેતા H-1B વિઝા ધારકોના બાળકોને લાગુ પડે છે, જેઓ દેશની બહાર જન્મ્યા હતા અને વર્ષોથી વિઝા બેકલોગમાં અટવાયેલા હતા. આ કારણે, તેમની કાનૂની સ્થિતિ સમાપ્ત થઈ જતી હતી.

પહેલાં ઉંમરની ગણતરી કેવી રીતે કરવામાં આવતી હતી?

હકીકતમાં, અગાઉ USCIS CSPA વય ગણતરી માટે વિઝા ઉપલબ્ધતા નક્કી કરવા માટે ફાઇલિંગ ચાર્ટ માટેની તારીખોનો ઉપયોગ કરતું હતું. આને કારણે, ક્યારેક યુએસની અંદર અને બહારના અરજદારો વચ્ચે તફાવત જોવા મળતો હતો. નવી નીતિ હેઠળ, USCIS અને વિદેશ મંત્રાલય બંને અંતિમ કાર્યવાહી તારીખોનો ઉપયોગ કરશે. આનો અર્થ એ છે કે જો અંતિમ કાર્યવાહી તારીખ વર્તમાન હોય તો જ વિઝા ઉપલબ્ધ ગણવામાં આવશે. આ ફેરફાર CSPA હેઠળ બાળકને સુરક્ષિત રાખતા સમયગાળાને ઘટાડશે.

પ્રિયંકા ગાંધીના આરોપોનો ઇઝરાયલે આપ્યો આકરો જવાબ

નવી દિલ્હીઃ સંસદમાં પેલેસ્ટાઇનની બેગ લઈને પહોંચી પ્રિયંકા ગાંધીએ ફરી એક વાર ગાઝા અંગે ટિપ્પણી કરીને ઇઝરાયલની ટીકા કરી છે. જોકે આ વખતે ઇઝરાયલે પ્રિયંકા પર પલટવાર કરતાં તેમના પર સવાલ ઊભા કર્યા છે. દેશમાં ઇઝરાયલના રાજદૂત રિયુવન અઝારે પ્રિયંકા ગાંધીની પોસ્ટનો જવાબ આપતાં કેટલાક તથ્યો રજૂ કર્યાં છે. એ સાથે જ ઇઝરાયલે પ્રિયંકાને હમાસના આંકડાઓ પર ભરોસો ન રાખવા અપીલ કરી છે.

ઇઝરાયેલનો જવાબ

પ્રિયંકાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં ભારતમાં ઇઝરાયલી રાજદૂત રિયુવન અઝારે તેને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલે 25,000થી વધુ હમાસના આતંકવાદીઓને પણ મારી નાખ્યા છે. હમાસની કાયરતાપૂર્ણતાને કારણે સામાન્ય લોકોને તેની કિંમત ચૂકવવી પડી છે. આ હુમલા સમયે હમાસ સામાન્ય લોકો વચ્ચે છુપાઈ જાય છે. તે લોકો પર રોકેટ ફાયર કરે છે.

ઇઝરાયલી રાજદૂતના મુજબ ઇઝરાયેલે ગાઝામાં બે મિલિયન ટન ખોરાક મોકલ્યો, જેને હમાસે જપ્ત કરી લીધો અને ગાઝામાં ભૂખમરો ફેલાવી દીધો. ગાઝાની વસ્તી છેલ્લાં 50 વર્ષમાં 450 ટકા વધી છે. ત્યાં કોઈ નરસંહાર થયો નથી. હમાસના આંકડાઓ પર ધ્યાન ન આપો.

પ્રિયંકાનું ગાઝાના પક્ષમાં નિવેદન

હકીકતમાં પ્રિયંકા ગાંધીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતાં ઇઝરાયેલ પર નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ઇઝરાયલે 60,000થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, જેમાં 18,430 બાળકો પણ સામેલ છે. ગાઝામાં બાળકો સહિત ઘણા લોકો ભૂખે મરી રહ્યા છે. આ મુદ્દે ચૂપ રહેવું અને આ બધું થતા જોવું પોતે જ એક મોટો ગુનો છે.

ભારત સરકાર પર નિશાન સાધતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ઇઝરાયલે પેલેસ્ટાઇનમાં વિનાશ વેર્યો છે અને ભારત સરકાર બિલકુલ ચૂપ છે. આ અત્યંત શરમજનક છે.

રાહુલ ગાંધીએ SCના ચુકાદાને ક્રૂર અને અદૂરદર્શી ગણાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી–NCRમાં રખડતા કૂતરાઓને રસ્તાઓ પરથી હટાવીને શેલ્ટરમાં રાખવામાં આવે. SCના આ આદેશનો વિરોધ સોશિયલ મિડિયાથી લઈને દેશના અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે. હવે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ પર પ્રતિક્રિયા આપતાં આ નિર્ણયને ‘ક્રૂર અને અદૂરદર્શી’ ગણાવ્યો છે. રાહુલ ગાંધીના આ નિવેદન પછી આ મુદ્દે નેતાઓમાં અલગ-અલગ મંતવ્યો છે.

રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને આ મુદ્દે પોતાના વિચારો શેર કર્યા. તેમણે લખ્યું હતું કે દિલ્હી–NCRમાંથી બધા રખડતા કૂતરાઓને હટાવવાનો SCનો આદેશ દાયકાઓથી ચાલતી માનવતાવાદી, વિજ્ઞાન આધારિત નીતિથી એક પગલું પાછળ છે. આ મૂંગા આત્માઓ એવી સમસ્યા નથી કે જેમને મારી નાખવા જોઈએ. શેલ્ટર, વંધ્યીકરણ, રસીકરણ અને સમુદાયની સંભાળથી ક્રૂરતા વિના રસ્તાઓને સુરક્ષિત રાખી શકાય છે. તેમણે આગળ કહ્યું હતું કે આવા નિર્ણયો ક્રૂર, અદૂરદર્શી’ છે અને તે આપણી અંદરથી દયાળુતા ખતમ કરે છે.

વિરોધ પક્ષના નેતાઓના જુદાં-જુદાં મંતવ્યો

સુપ્રીમ કોર્ટના આ આદેશ પર વિરોધ પક્ષના અન્ય નેતાઓએ પણ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે SCના આદેશનું સ્વાગત કરતાં કહ્યું હતું કે આ ગંભીર અને નક્કર કાર્યવાહીનો પ્રારંભ થાય તેવી આશા છે. જ્યારે TMC સાંસદ સાકેત ગોખલેએ આ આદેશને મનસ્વી ગણાવ્યો હતો, જે કોઈ મોટા પરામર્શ પ્રક્રિયા વિના પસાર કરવામાં આવ્યો છે. તેમણે X પર લખ્યું હતું કે રખડતા કૂતરાઓનું સંચાલન અને લોકોની સુરક્ષા નિશ્ચિત રૂપે ચિંતાનો વિષય છે. પરંતુ આ એવી વસ્તુ નથી કે જેને ન્યાયપાલિકા મનસ્વી આદેશોથી ઉકેલી શકે. સંરક્ષણવિહોણા પ્રાણીઓ સાથેની ક્રૂરતા કોઈ ઉકેલ નથી બની શકતી.

સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના અધિકારીઓને આઠ અઠવાડિયામાં રખડતા કૂતરાઓને રસ્તાઓ પરથી હટાવીને શેલ્ટરમાં સ્થાનાંતરિત કરવાના નિર્દેશ આપી છે. કોર્ટે એ પણ ચેતવણી આપી છે કે આ અભિયાનમાં અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કરનાર કોઈ પણ સંસ્થાના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

5 બાળકોના પિતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે કરી સગાઈ

પોર્ટુગીઝ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આઠ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી તેની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે સગાઈ કરી લીધી છે. જ્યોર્જિનાએ સોશિયલ મીડિયા પર હીરાની વીંટીનો ફોટો પોસ્ટ કરીને પોતાની સગાઈની જાહેરાત કરી.

પોર્ટુગીઝ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આઠ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી તેની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે સગાઈ કરી લીધી છે. જ્યોર્જીનાએ સોશિયલ મીડિયા પર હીરાની વીંટીનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું, હા, મારી સગાઈ થઈ ગઈ છે. આ જીવનમાં અને મારા બાકીના જીવન માટે.’ 40 વર્ષીય રોનાલ્ડોને ફૂટબોલ ઇતિહાસના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે.

જ્યોર્જીના એક મોડેલ અને ઈન્ફ્લુએન્સર છે

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને રોડ્રિગ્ઝે 2017 ની શરૂઆતમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. બંને સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં ફિફા ફૂટબોલ એવોર્ડ્સમાં પહેલીવાર જાહેરમાં સાથે દેખાયા હતા. જ્યોર્જીના એક સ્પેનિશ મોડેલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. માન્ચેસ્ટર યુનાઇટેડ, રીઅલ મેડ્રિડ, જુવેન્ટસ માટે રમ્યા પછી રોનાલ્ડો હવે સાઉદી અરેબિયાના અલ-નાસર ક્લબનો ભાગ છે. તેણે હજુ સુધી સોશિયલ મીડિયા પર કંઈપણ શેર કર્યું નથી.

આ કપલની વાર્તા 2016 માં શરૂ થઈ હતી, જ્યારે રોનાલ્ડો મેડ્રિડના ગુચી સ્ટોરમાં જ્યોર્જીનાને મળ્યો હતો. તે ત્યાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. આ તક મુલાકાત ટૂંક સમયમાં સંબંધમાં ફેરવાઈ ગઈ. આર્જેન્ટિનામાં જન્મેલી અને સ્પેનિશ શહેર જાકામાં ઉછરેલી જ્યોર્જિનાએ મેડ્રિડ જતા પહેલા નૃત્યની તાલીમ પણ લીધી હતી.

રોનાલ્ડો 5 બાળકોના પિતા છે

રોનાલ્ડો અને જ્યોર્જીનાને 4 બાળકો છે. તેમના બે બાળકો અવા મારિયા અને માતિયાનો જન્મ 2017 માં થયો હતો. આ પછી, 2022 માં, જ્યોર્જિનાએ બેલા એસ્મેરાલ્ડાને જન્મ આપ્યો. આ ઉપરાંત, રોનાલ્ડોને એક પુત્ર પણ છે. જેનું નામ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જુનિયર છે, તેનો જન્મ 2010 માં થયો હતો. જ્યોર્જીના હાલમાં બધા બાળકોની સંભાળ રાખી રહી છે.

ધનુષ સાથે ડેટિંગની અફવાઓ પર મૃણાલ ઠાકુરે મૌન તોડ્યુ

છેલ્લા કેટલાક દિવસોથી સાઉથ સુપરસ્ટાર ધનુષ અને મૃણાલ ઠાકુરના નામ એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ ના સ્ક્રીનિંગ દરમિયાન અભિનેત્રી મૃણાલ ઠાકુર અને સાઉથ સુપરસ્ટાર ધનુષ એકબીજાની નજીક જોવા મળ્યા ત્યારે ડેટિંગની અફવાઓ વહેતી થઈ. સોશિયલ મીડિયા પર આ બંનેના સંબંધોની ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી, પરંતુ હવે મૃણાલે આ બધી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે ધનુષ મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ ના સ્ક્રીનિંગ પર પહોંચ્યો. અગાઉ, મૃણાલ ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ ની રેપ-અપ પાર્ટીમાં પણ જોવા મળી હતી. બંનેની વધતી જતી મુલાકાતો અને સોશિયલ મીડિયા પરની વાતચીતોએ તેમના સંબંધોની અટકળોને વેગ આપ્યો. કેટલાક પોર્ટલોએ તો એવો દાવો પણ કર્યો હતો કે બંને ડેટિંગ કરી રહ્યા છે, જોકે હવે મૃણાલે પોતે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

‘ઓન્લી કોલીવુડ’ને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં મૃણાલે સ્પષ્ટતા કરી કે ધનુષ સાથેનો તેનો સંબંધ ફક્ત મિત્રતા છે. તેણીએ આ અફવાઓને રમુજી ગણાવી અને કહ્યું કે આ ચર્ચાઓ વાંચીને તે હસી પડી. તેણીના મતે, ‘સન ઓફ સરદાર 2’ ના સ્ક્રીનિંગમાં ધનુષની હાજરી ફક્ત અજય દેવગનના આમંત્રણ પર હતી અને તેને કોઈપણ રોમેન્ટિક એંગલ સાથે જોડવી ખોટી છે.

ધનુષની હાજરીએ અફવાઓને વેગ આપ્યો

મૃણાલ અને ધનુષ દ્વારા એક જ કાર્યક્રમમાં હાજરી આપવાથી લઈને મૃણાલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ધનુષની બહેનોને ફોલો કરવા સુધી, બધું જ અફવાઓનો ભાગ બન્યું. પરંતુ મૃણાલે આ અટકળોને ફક્ત મૈત્રીપૂર્ણ ગણાવી અને કહ્યું કે સહકાર અને પરસ્પર આદર અંગે ઉદ્યોગમાં આવી ઘટનાઓ બને છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.

ધનુષનું અંગત જીવન પણ ચર્ચાનો વિષય બન્યું

ધનુષનું અંગત જીવન પણ છેલ્લા કેટલાક વર્ષોમાં હેડલાઇન્સમાં રહ્યું છે. સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે તેમના લગ્ન 18 વર્ષ સુધી ચાલ્યા પરંતુ 2022 માં આ દંપતી અલગ થઈ ગયા અને 2024 માં છૂટાછેડા લીધા. તેમને બે પુત્રો છે – લિંગા અને યાત્રા.

લોકસભામાં જસ્ટિસ વર્મા સામે ઇમ્પિચમેન્ટનો પ્રસ્તાવ મંજૂર

નવી દિલ્હીઃ અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માની રોકડકાંડ મામલે મુશ્કેલીઓ વધી રહી છે. તેમના વિરુદ્ધ લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે ઇમ્પિચમેન્ટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ પર કુલ 146 સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે, જેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંનેના નેતાઓ સામેલ છે. લોકસભા સ્પીકરે તપાસ સમિતિ પણ બનાવી છે અને સમિતિમાં સામેલ ન્યાયાધીશોનાં નામ પણ જાહેર કરી દીધાં છે.

Justice Yashwant Verma (Right) Burnt pile of cash found at his official residence | Xલોકસભા સ્પીકર ઓમ બિરલાની બનાવેલી તપાસ સમિતિમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી એક-એક જજને સામેલ કરવામાં આવ્યા છે તેમ જ એક કાનૂનવિદને પણ સમિતિમાં રાખવામાં આવ્યા છે. તપાસ સમિતિનો અહેવાલ આવ્યા સુધી ઇમ્પિચમેન્ટનો પ્રસ્તાવ લંબિત રહેશે. સમિતિની વાત કરીએ તો તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર,  કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.બી. આચાર્ય અને મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવને સામેલ કરવામાં આવ્યા છે.

આ વર્ષે 14 માર્ચે જસ્ટિસ વર્માના સરકારી નિવાસસ્થાને આગ લાગી હતી. તે વખતે તેઓ દિલ્હી હાઈકોર્ટમાં હતા. દિલ્હી ફાયર સર્વિસની ટીમ તેમના ઘરે પહોંચી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ ત્યાર બાદ ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું હતું. જસ્ટિસ વર્માના સ્ટોર રૂમમાંથી રૂ. 500ના સળગેલા નોટોનાં બંડલ મળ્યાં, જે બોરીમાં ભરીને રાખવામાં આવ્યાં હતાં.

જસ્ટિસ વર્માએ કહ્યું હતું કે તેમના ઘરમાં કે સ્ટોરમાં રોકડ ન હતી અને તેમને કાવતરા હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ 28 માર્ચે જસ્ટિસ વર્માનો ટ્રાન્સફર હુકમ કાઢીને તેમને અલાહાબાદ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા.

યાસિન મલિકના નિવાસસ્થાન સહિત આઠ સ્થળોએ દરોડા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)ની ટીમે જેલમાં બંધ JKLF પ્રમુખ યાસીન મલિકના નિવાસસ્થાન સહિત શ્રીનગરનાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા કાશ્મીરી પંડિત મહિલા હત્યા કાંડના સંદર્ભમાં પાડી રહ્યા છે.

આ દરોડા એપ્રિલ, 1990માં એક કાશ્મીરી પંડિત મહિલાના અપહરણ અને હત્યાના કેસ સાથે જોડાયેલા છે.

પ્રાપ્ત માહિતી મુજબ અનંતનાગની 27 વર્ષીય કશ્મીરી પંડિત મહિલા નર્સની એપ્રિલ 1990માં, કાશ્મીરમાં ઉગ્રવાદીઓએ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તે શ્રીનગરના સૌરા સ્થિત શેર-એ-કાશ્મીર આયુર્વિદ્યાન સંસ્થાન (SKIMS)માં કાર્યરત હતી. 14 એપ્રિલ 1990એ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે સંકળાયેલા આતંકવાદીઓએ સંસ્થાનના હબ્બા ખાતુન હોસ્ટેલમાંથી તેનું અપહરણ કર્યું હતું.

ઘણા દિવસો સુધી કાશ્મીરી પંડિત મહિલા નર્સ સાથે સામૂહિક બળાત્કાર અને યાતનાઓ આપવામાં આવી હતી. 19 એપ્રિલ 1990એ શ્રીનગરના મલ્લાબાગ સ્થિત ઉમર કોલોનીમાં ગોળીઓના નિશાન સાથે તેનું ક્ષતવિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો.

મૃત મહિલાના શરીર પાસે એક નોટ મળી આવી હતી, જેમાં તેને પોલીસના ગુપ્તચર તરીકે બતાવવામાં આવી હતી. આ આરોપ તેમના પર કાશ્મીરી પંડિતોને ખીણ (ઘાટી) છોડવા અથવા સરકારી નોકરી છોડવા માટેના ઉગ્રવાદી આદેશોની અવગણના કરવા બદલ લગાવવામાં આવ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં એક FIR (નં. 56/1990) નોંધવામાં આવી હતી, વર્ષ 2023માં આ કેસ જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી (SIA)ને સોંપવામાં આવ્યો હતો. SIAએ શ્રીનગરમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા, જેમાં JKLF નેતા યાસિન મલિકનું ઘર પણ સામેલ હતું. આ દરોડામાં કાશ્મીરી પંડિત મહિલા સરલા ભટ્ટની હત્યા માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં મદદરૂપ એવા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા હતા.

‘જોલી એલએલબી 3’નું ટીઝર આઉટ, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ

અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ ‘જોલી એલએલબી 3’ નું ટીઝર આજે રિલીઝ થયું છે. આ વખતે બંને જોલી ફિલ્મમાં જોવા મળશે અને એકબીજાને ટક્કર આપતા જોવા મળશે. ટીઝર ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે. અરશદ વારસી અને અક્ષય કુમાર ઉપરાંત, સૌરભ શુક્લા પણ ફિલ્મમાં જોવા મળશે.

જો ટીઝરની વાત કરીએ તો શરૂઆત કેસની સુનાવણીની જાહેરાત સાથે થાય છે. જેમાં મેરઠના જગદીશ ત્યાગી ઉર્ફે જોલી એટલે કે અરશદ વારસીનું નામ લેવામાં આવ્યું છે. આ પછી અરશદ વારસી સ્કૂટર ચલાવતો જોવા મળે છે અને પછી કોર્ટમાં. ત્યારબાદ સૌરભ શુક્લા ફરી એકવાર જજની ભૂમિકામાં પ્રવેશ કરે છે. આ પછી લખનૌના જગદેશ્વર મિશ્રા ઉર્ફે જોલી એટલે કે અક્ષય કુમાર બચાવ પક્ષના વકીલ તરીકે પ્રવેશ કરે છે. ત્યારબાદ બંને વચ્ચેનો કેસ અને ફિલ્મની રસપ્રદ વાર્તા શરૂ થાય છે. ટીઝરમાં ફિલ્મની વાર્તાની થોડી ઝલક જોવા મળી છે, જે દર્શાવે છે કે આ વખતે મજા ત્રણ ગણી વધુ થવાની છે.

સુભાષ કપૂર દ્વારા દિગ્દર્શિત ‘જોલી એલએલબી 3’ 19 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લા ઉપરાંત, હુમા કુરેશી અને અમૃતા રાવ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. લોકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @starstudios

આ પહેલા ફિલ્મના બે ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે

આ ફિલ્મ ‘જોલી એલએલબી’ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. આ પહેલા પણ આ જ નામથી બે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. સૌ પ્રથમ, ‘જોલી એલએલબી’ વર્ષ 2013 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અરશદ વારસી, સૌરભ શુક્લા અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ પછી, ફિલ્મનો બીજો ભાગ 2017 માં રિલીઝ થયો હતો.

આમાં, અક્ષય કુમાર અરશદ વારસીને બદલે જોલીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. અક્ષય કુમાર સાથે અન્નુ કપૂર, હુમા કુરેશી અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. હવે લગભગ આઠ વર્ષ પછી, ફિલ્મનો ત્રીજો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે. આમાં, પહેલી અને બીજી બંને ફિલ્મોના મુખ્ય પાત્રો એટલે કે અરશદ વારસી અને અક્ષય કુમાર જોવા મળશે.