Home Blog Page 686

જિયોફાઇનાન્સ એપ પર ટેક્સ ફાઇલિંગ, પ્લાનિંગ વધુ સરળ બન્યું

મુંબઈઃ દેશમાં કરદાતાઓ માટે અભૂતપૂર્વ સુવિધા લાવવા માટે જિયોફાઇનાન્સ એપ પર ફીચર-પેક્ડ ટેક્સ પ્લાનિંગ અને ફાઇલિંગ મોડ્યુલ રજૂ કરવામાં આવ્યાં છે. દેશના લોકો માટે ટેક્સ પ્લાનિંગ અને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગને વધુ સરળ, સ્માર્ટ અને સસ્તું બનાવવાના હેતુથી આ નવું ફીચર ટેક્સબડી સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છે, તે એક ઓનલાઇન ટેક્સ ફાઇલિંગ અને સલાહ આપતી સેવા છે, જે કરદાતાઓને બિલ્ટ-ઇન કોમ્પ્લાયન્સ અને નિષ્ણાત સહાય સાથે માર્ગદર્શન સાથે ડિજિટલ-ફર્સ્ટ અનુભવ પૂરો પાડે છે.

આ મોડ્યુલમાં બે મુખ્ય ફીચર્સનો સમાવેશ થાય છે — ટેક્સ પ્લાનર અને ટેક્સ ફાઇલિંગ. ટેક્સ ફાઇલિંગ ફીચર જૂના અને નવા ટેક્સ રિજિમ વચ્ચેના ગૂંચવાડા જેવી સામાન્ય સમસ્યાઓ દૂર કરવા, 80સી અને 80ડી જેવી કલમો હેઠળની કપાત ચૂકી ન જવાય તેની ખાતરી કરીને ગ્રાહકોને કર બચાવવામાં મદદ કરવા અને ખર્ચાળ વચેટિયાઓ પર વધુપડતી નિર્ભરતા દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ટેક્સ પ્લાનર વ્યક્તિગત કરદાતાઓને પર્સનલાઇઝ્ડ ડિડક્શન મેપિંગ, હાઉસિંગ રેન્ટ અલાઉન્સનું મૂલ્યાંકન અને અલગ-અલગ ટેક્સ રિજિમની સરખામણીઓ પૂરી પાડીને તેમની ભવિષ્યની કરજવાબદારીઓનો અંદાજ લગાવવા અને કરભારણ ઘટાડવામાં મદદ કરે છે. ટેક્સ ફાઇલિંગ ફીચર યુઝર્સને જાતે જ રિટર્ન ફાઇલ કરવાની અથવા નિષ્ણાતની મદદથી ફાઇલિંગ કરવાના ઓપ્શન્સ આપે છે, જેમાં સેલ્ફ-સર્વિસ ઓપ્શન્સ માટેના પ્લાન્સ રૂ. 24થી શરૂ થાય છે અને અસિસ્ટેડ ઓપ્શન્સ માટેના પ્લાન્સ રૂ. 999થી શરૂ થાય છે.

કંપનીના MD અને CEO હિતેશ સેઠિયાએ જણાવ્યું હતું કે ટેક્સ ફાઇલિંગની ડેડલાઇન નજીક આવી રહી છે ત્યારે ઘણા લોકો ટેક્સ ફાઇલિંગ સાથે જે જટિલતાને જોડે છે તેને દૂર કરવાનો અમારો ઉદ્દેશ છે. અસરકારક ટેક્સ પ્લાનિંગ સેવાઓ સાથે ગ્રાહકોને સશક્ત બનાવવા પણ એટલું જ મહત્વનું છે, જેનાથી તેઓ નાણાકીય વર્ષ દરમિયાન તેમની ટેક્સ જવાબદારીને ઓછી કરી શકે અને તેના પર નજર રાખી શકે. આ સેવાને જિયોફાઇનાન્સ એપ સાથે જોડવાથી નિષ્ણાત સહાય, સ્પષ્ટ સમજ અને પારદર્શક કિંમતો સાથે ટેક્સ ટ્રાન્ઝેક્શન્સ માટે અડચણ વગરનો અનુભવ મળશે. આ મોડ્યુલનું લોન્ચિંગ ભારતીયોને દરરોજ સશક્ત બનાવતા સુલભ, ડિજિટલ-ફર્સ્ટ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ આપવાના અમારા પ્રયાસમાં વધુ એક પરિમાણ ઉમેરે છે.

ITR ફાઇલ કર્યા પછી વપરાશકર્તાઓ તેમના રિટર્નનું સ્ટેટસ મોનિટર કરી શકે છે, રિફંડ ટ્રેક કરી શકે છે અને ટેક્સ-સંબંધિત કોઈ પણ નોટિસ માટે એલર્ટ મેળવી શકે છે — આ બધું આ એપ થકી થઈ શકે છે.

આ મોડ્યુલ એવા લોકો માટે પણ સરળ અને સહજ હોય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેમની પાસે ટેક્સ ફાઇલિંગ કે પ્લાનિંગનો ઓછો અથવા કોઈ અનુભવ નથી. આવકની વિગતો દાખલ કરવાથી લઈને દસ્તાવેજો અપલોડ કરવા અને યોગ્ય કર રિજિમ પસંદ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે માર્ગદર્શન આપનારી છે, જે ટેક્સ પ્લાનિંગ અને ફાઇલિંગને પહેલાં કરતાં વધુ સરળ બનાવે છે.

આ લોન્ચ જિયોફાઇનાન્સ એપની વધતી જતી સેવાઓમાં એક વધુ મુખ્ય આધારસ્તંભ ઉમેરે છે, જે ગ્રાહકોની વિવિધ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરતા વન-સ્ટોપ ડિજિટલ ડેસ્ટિનેશન તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ઇન્દ્રોડા ઉદ્યાનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર: વિશ્વભરમાં દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ જંગલના રાજા તરીકે વિખ્યાત સિંહને સમર્પિત “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ લાવવાનો છે.

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ‘ગીર’ ફાઉન્ડેશનના નિયામકના માર્ગદર્શન હેઠળ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત “Feel the Roar, Heal the Fear – Info Talk on Lion and Nature Trail” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબ-ગાંધીનગર સાથે જોડાયેલા પરિવારના બાળકો સહિત ૪૦ જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આ બાળકોને સિંહના પારિસ્થિતિકીય તંત્રમાં મહત્વની ભૂમિકા અને તેના સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત સિંહ દિવસના રોજ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેનાર ૫,૦૦૦થી વધુ મુલાકાતીઓને વિડીયો પ્રેઝન્ટેશન મારફતે વિશ્વ સિંહ દિવસ અંગે અગત્યની માહિતી પ્રદાન કરવામાં આવી હતી. જેમાં એશિયાઈ સિંહ અંગે માહિતી આપતા વિડિયો દિવસ દરમિયાન બતાવવામાં આવ્યા હતા. તદુપરાંત ફૂલછોડ વિતરણનો પણ કાર્યક્રમ ઉદ્યાન ખાતે યોજવામાં આવ્યો હતો અને 200 જેટલાં ફૂલછોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિકરીને પિતાના અવસાન બાદ તેમના લખેલા પુષ્ઠો મળે ને પ્રકાશિત થાય ‘કચ્છના રણનું રહસ્ય’

‘કચ્છના રણનું રહસ્ય’, તાજેતરમાં જ આ પુસ્તકનું પ્રકાશન થયું. આ પુસ્તક કચ્છના રણ ઉપરાંત તે કઈ રીતે પ્રકાશિત થયું તેનું પણ લાગણીસભર રહસ્ય ખોલે છે. પુસ્તકના લેખક, જેમણે આ પુસ્તકનું કન્ટેન્ટ લખી પાનાઓ (હસ્તપ્રત) પોતાના કબાટમાં રાખી મુક્યા, પરંતુ પુસ્તક છાપવા આપતા પહેલાં તેઓ અવસાન પામે છે અને એક દિવસ તેમની દિકરીના હાથમાં આ હસ્તપ્રત એટલે કે પાનાઓ આવે છે અને દીકરી પુસ્તકને લોકો સમક્ષ મુકવાનું કામ પૂરુ પાડે છે.

પુસ્તકની વાત કરીએ તો રહસ્ય શબ્દ જ વાંચકોના મનમાં જિજ્ઞાસા ઊભી કરે છે. છ દાયકાથી પણ વધુ વર્ષોથી ભારતીય ભૂગોળના સૌથી મોટા રહસ્યો પૈકીના એક પર પત્રકાર મોહનલાલ પી ગાંધીની આ અસાધારણ હસ્તપ્રત કોઈ ધૂળિયા એકાંત ખૂણામાં ધરબાયેલી પડી હતી, એક દિવસ તેમનાં પુત્રી મીનાક્ષીબેનને સાફસફાઈ દરમિયાન ટાઈપ થયેલાં પૃષ્ઠો મળી આવ્યા અને આ કૃતિ છાપવામાં આવી.

આ પુસ્તક વાચકને ભારતીય ઉપખંડના મહાન સફેદ રેગિસ્તાન, કચ્છના રણની અસાધારણ મુસાફરી પર લઈ જાય છે. ભૂસ્તરશાસ્ત્ર, ઈતિહાસ અને રહસ્યનું સમાન મિશ્રણ ધરાવતું આ પુસ્તક કચ્છના રણનો કોયડો કેવી રીતે કુદરત અને મનુષ્યોએ મળીને વિશ્વના સૌથી અદભૂત મીઠાના રેગિસ્તાનની રચના કરી તેની ઝાંખી કરાવે છે. પુસ્તકના રંગીન ચિત્રોમાં, નકશાઓ, 160 વર્ષો પૂર્વેના રાજા, મહારાજાઓ, માનવજીવન અને આકર્ષક પ્રકૃતિ તત્વોને કંડાર્યા છે. પુસ્તક વાંચતા જ વાચકની દ્રષ્ટિ સમક્ષ આખુ દ્રશ્ય જીવંત થાય છે. પુસ્તક વાચકોને ખરેખર તે પ્રવાસ જ કરી રહ્યાં હોય તેવી અનુભૂતિ કરાવે છે.

1 થી 8 પ્રકરણોમાં પરિચય, રણ, સિંધુ નદી અને મહાન સિકંદર, શા માટે સિંધના મીરોએ રણની ફળદ્રુપ ચોખાની જમીનનો નાશ કર્યો, રણની સપાટી પરના ખાડા, રણ કેવી રીતે બદલાયું સરસ્વતી નદીનું ગૂઢ રહસ્ય, થારનું રણ અને કચ્છનું રણ અને અંતે કચ્છના રણમાં યુનેસ્કોનું સંશોધન અને કમનસીબી વર્ણવી છે. સરળ ભાષા અને રંગીનચિત્રોથી પુસ્તક પ્રભાવી બન્યું છે.

પુસ્તકના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો…

ગોંડવાનાલેન્ડ અને યુરેશિયાના બે મહાખંડોને અલગ કરતો એક મહાન સમુદ્ર હતો. જે હવે ભૂમધ્ય સમુદ્રમાં સંકોચાઈ ગયો છે. જેને ભૂસ્તરશાસ્ત્રીઓએ ટેથીસ નામ આપ્યું છે. મોટા ભાગના જુરાસિક સમયગાળા અને યુગો (લગભગ 100થી 50 મિલિયન વર્ષો) સુધી ટેથીસે સમગ્ર હિમાલય પ્રદેશ અને તિબેટ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.(પરિચય પૃષ્ઠ ક્રમાંક-16)

ઓગણીસમી સદીની શરૂઆતમાં અંગ્રેજોએ, ભારતમાં કંઈક અંશે સ્થાયી થયા બાદ, પોતાની સત્તાને સુદ્રઢ કરવા કચ્છ અને સિંધ તરફ નજર નાંખી અને આ પશ્ચિમી પ્રદેશોમાં, શક્તિશાળી માણસોની આગેવાની હેઠળના અભિયાનો મોકલ્યાં. (પ્રકરણ: 2 પુષ્ઠ 36)

સિંધના મીરો એકમાત્ર માનવીય ખેલાડીઓ નહોતા, જેમનો કચ્છના મહાન મીઠાની ભેજવાળી જમીનને ઉજ્જડ બનાવવામાં હાથ હતો. ભારતના બ્રિટિશ શાસકો પણ આ ષડયંત્રમાં બરાબરના ભાગીદાર હતા.(પ્રકરણ:3 પૃષ્ઠ 65)

રણમાં માટી અને કળણવાળી રેતીના ઘણા સ્થળો છે, જ્યાં માણસો અને જાનવરો માટે એક વખત તેમાં ખૂંપી ગયા પછી બહાર આવવું મુશ્કેલ બને છે. તે એક દુર્લભ અવલોકન છે. (પ્રકરણ:4 પૃષ્ઠ 73)

આછેરી અક્ષર ઓળખાણ બાદ એટલું જ કહેવાનું કે એક સંશોધનાત્મક નિબંધ લખતી વખતે જે ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરીને સરળ, સહજ સમજાય તેવી ભાષામાં તૈયાર થયેલું પુસ્તક સર્વે પ્રવાસ, ઈતિહાસ અને સાહિત્ય પ્રેમીને પસંદ પડે એવું છે. અંતમાં ‘કચ્છમાં રણનું રહસ્ય’માં છતું થતું પ્રાકૃતિક રહસ્ય સાથે માનવજીવનની કૂટનીતિનું રહસ્ય પણ આલેખાયું છે જે સર્વે વાચન પ્રેમીઓએ એકવાર તો વાચવું રહ્યું.

(અહેવાલ: પૂર્ણા મોદી)

અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોએ ભાગીદારી માટે સમજૂતી કરાર કર્યા

અમદાવાદઃ  અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીઝ લિમિટેડ (ADSTL) એ સંયુક્ત સાહસ કંપની હોરિઝોન એરો સોલ્યુશન્સ લિમિટેડ મારફતે અને પ્રાઇમ એરો સર્વિસિઝ LLP સાથે ભાગીદારીમાં ઇન્ડામેર ટેક્નિક્સ પ્રાઇવેટ લિમિટેડ (ITPL) માં 100 ટકા હિસ્સો મેળવવા માટે સમજૂતી કરાર કર્યો છે. હોરિઝોન એ ADSTL અને પ્રાઇમ એરો (પ્રજય પટેલની માલિકીની કંપની) વચ્ચે 50-50 ટકાનું ભાગીદારીનું સંયુક્ત સાહસ છે.

નાગપુરના MIHAN વિશેષ આર્થિક ઝોન (SEZ)માં વ્યૂહાત્મક રીતે સ્થિત ITPL એ 30 એકરના પ્લોટ પર આધુનિક ગ્રીનફિલ્ડ સુવિધા ઊભી કરી છે. આ પ્લાન્ટમાં 10 હેંગર સાથે 15 વિમાન રાખવાની ક્ષમતા છે. ITPLને DGCA, FAA (US) અને અન્ય વૈશ્વિક નાગરિક એવિયેશન રેગ્યુલેટર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. કંપની ભારતીય અને વૈશ્વિક અગ્રણી ગ્રાહકોને લીઝ રિટર્ન ચેક, હેવી C-ચેક, સ્ટ્રક્ચરલ રિપેર અને એરક્રાફ્ટ પેઇન્ટિંગ સહિતની MRO સેવાઓ પ્રદાન કરે છે.

ભારતીય એવિયેશન ઉદ્યોગે અદભુત ટ્રાન્સફોર્મેશન જોયું છે અને મુસાફરોની અવરજવર અનુસાર વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આગામી વર્ષોમાં ભારતીય કેરિયર્સ 1500 કરતાં વધુ વિમાનો ઉમેરશે, જે એવિયેશન માટે નવા યુગની શરૂઆત છે. આ હસ્તાંતરણ ભારતને અગ્રણી વૈશ્વિક MRO ગંતવ્ય તરીકે સ્થાપિત કરવાની અમારી યાત્રામાં આગામી પગલું છે. અમે વિશ્વ સ્તરીય ગુણવત્તા ધોરણો અને ગ્રાહક સંતોષ પર આધારિત એક સિંગલ-પોઇન્ટ એવિયેશન સર્વિસિસ પ્લેટફોર્મ બનાવવાનું ધ્યેય ધરાવીએ છીએ. ભારતના આકાશના ભવિષ્યને આકાર આપવા અમે પ્રતિબદ્ધ છીએ, એમ અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર જીત અદાણીએ કહ્યું હતું.

આ હસ્તાંતરણ વ્યાવસાયિક અને સંરક્ષણ બંને એવિએશન ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરતી સંપૂર્ણ MRO ઓફર પ્રદાન કરવાની અમારી દ્રષ્ટિમાં એક મહત્વપૂર્ણ તબક્કો છે. એર વર્ક્સને અમારી પોર્ટફોલિયોમાં ઉમેર્યા બાદ આ પગલું અમારી ક્ષમતા અને MRO ક્ષેત્રમાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવે છે, એમ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના CEO  આશિષ રાજવંશીએ કહ્યું હતું.

અમે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સાથે ભાગીદારી કરીને ઇન્ડામર ટેક્નિક્સને નવી ઊંચાઇ પર લઈ જવા ઉત્સાહિત છીએ. આ સહકાર એન્જિનિયરિંગ કુશળતા સાથે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસની પૂંજીને જોડે છે. અમારું સંયુક્ત લક્ષ્ય એ છે કે ભારતમાંથી એક વિશ્વ સ્તરીય MRO  ઇકોસિસ્ટમ બનાવવી, જે વૈશ્વિક સ્તરે ગ્રાહકો અને સ્ટેકહોલ્ડર્સને અસાધારણ મૂલ્ય પ્રદાન કરે, એમ પ્રાઇમ એરો અને ઇન્ડામર ટેક્નિક્સના ડિરેક્ટર પ્રજય પટેલે જણાવ્યું હતું.

UPના ફતેહપુરમાં મકબરા-મંદિર વિવાદથી વધ્યું ટેન્શન

લખનૌઃ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં આવેલા એક મકબરા અંગે મોટો વિવાદ ઊભો થયો હતો. હિંદુ સંગઠનોના સભ્યોએ મકબરામાં કથિત રીતે તોડફોડ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ વિવાદાસ્પદ માળખું એક મંદિર પર બનાવવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસને આખા વિસ્તારમાં ભારે પોલીસ અને PAC દળ તૈનાત કરી દીધા છે. આ વિવાદાસ્પદ સ્થળની આસપાસ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.

મુખલાલ પાળના નેતૃત્વમાં હિંદુ જૂથોએ નવાબ અબ્દુલ સમદના મકબરાની અંદર એક શિવ મંદિર હોવાનો દાવો કર્યો હતો અને પૂજા કરવાની યોજના બનાવી હતી. એ કારણે ત્યાં વિવાદ ઊભો થયો. સોમવાર સવારે ફતેહપુરના વિવાદાસ્પદ સ્થળે પૂજા-અર્ચના કરવા માટે હિંદુ સંગઠનોના હજારો લોકો ભેગા થયા. તેમણે જબરદસ્તી પહેલી બેરિકેડ પાર કરી લીધી, જ્યારે બીજી બેરિકેડ પર પોલીસ દળે તેમને રોકી દીધા હતા. હિંદુ સંગઠનો આ સ્થળને મંદિર ગણાવે છે, જ્યારે મુસ્લિમોએ તેને મકબરો જાહેર કર્યો છે. આ વિવાદ સદર તાલુકાના રેડિયા વિસ્તારના અબુનગરમાં આવેલા માળખા અંગે છે.

મુખલાલ પાળે કહ્યું હતું કે અમારા મંદિરના સ્વરૂપને મસ્જિદમાં બદલી દેવામાં આવ્યું છે. અમે સનાતન હિંદુઓ તેને સહન નહીં કરીએ. કમળનું ફૂલ અને ત્રિશૂલ જેવા સ્પષ્ટ નિશાન છે. અમે કોઈ પણ કિંમતે મંદિરમાં પૂજા-અર્ચના કરીશું.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પ્રશાસને સ્વીકાર્યું છે કે આ માળખું ક્યારેય મંદિર હતું અને ચેતવણી આપી કે જો પૂજા કરવાથી રોકવામાં આવશે તો સરકાર જવાબદાર રહેશે. તેમણે કહ્યું હતું  કે અમે શાંતિપ્રિય લોકો છીએ, પરંતુ જો અમારે અમારા ધર્મ માટે લડવું પડે, તો અમે દરેક રીતે તૈયાર છીએ. આ વિવાદ કથિત રીતે 1,000 વર્ષથી પણ વધુ જૂનો છે.

જુઓ વીડિયો: અસિત મોદી અને દયાબેન એકબીજાને પગે લાગ્યા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સફળ શોમાંનો એક છે. આ લોકપ્રિય સિટકોમે ઘણા સ્ટાર્સને ઓળખ આપી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ પણ આ સિરિયલને અલવિદા કહી દીધું છે, જેમાં દયાબેન એટલે કે દિશા વાકાણીનો સમાવેશ થાય છે. નિર્માતાઓ લાંબા સમયથી દિશા વાકાણીને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ચાહકો પણ તેના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ દિશા વાકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા લાવવાના અસિત મોદીના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. એવામાં અસિત મોદીએ એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા પછી ચાહકો ફરી એકવાર આશા વ્યક્ત કરી રહ્યા છે કે દિશા ટૂંક સમયમાં શોમાં પાછા ફરી શકે છે.

અસિત મોદીએ દિશા વાકાણીને રાખડી બાંધી

વાસ્તવમાં, અસિત મોદીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં દિશા વાકાણી પણ તેમની સાથે જોવા મળી રહી છે. રક્ષાબંધન પ્રસંગે અસિત મોદી દિશા વાકાણીને મળ્યા હતા અને તેમને રાખડી પણ બાંધી હતી. આ દરમિયાન તેમની પત્ની નીલા મોદી પણ તેમની સાથે હતી. બધા પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે દિશા હવે તારક મહેતાનો ભાગ ન હોવા છતાં, અસિત મોદી સાથે તેમનો પ્રેમાળ ભાઈ-બહેનનો સંબંધ યથાવત છે.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

વીડિયો શેર કરતી વખતે અસિત મોદીએ ખૂબ જ સુંદર કેપ્શન પણ લખ્યું છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે,’કેટલાક સંબંધો ભાગ્ય દ્વારા બનેલા હોય છે… તે લોહીનો સંબંધ નથી, પણ હૃદયનો સંબંધ છે! #dishavakani ફક્ત અમારી ‘દયા ભાભી’ નથી, પણ મારી બહેન છે. વર્ષોથી હાસ્ય, યાદો અને નિકટતા વહેંચતો આ સંબંધ પડદાની બહાર ગયો છે. આ રાખડી, એ જ અતૂટ વિશ્વાસ અને એ જ ઊંડો સ્નેહ ફરી એકવાર અનુભવાયો… આ બંધન હંમેશા આજે જેટલું મધુર અને મજબૂત રહે તેવી પ્રાર્થના.’

યુઝર્સ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અસિત મોદી દ્વારા શેર કરાયેલા વીડિયો પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી અને આશા વ્યક્ત કરી કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરી શકે છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘દયાબેન ગુમ થઈ રહી છે, તે ક્યારે પાછી ફરી રહી છે?’ બીજાએ લખ્યું, ‘દયા ભાભી જલ્દી પાછી આવો, બધા તમને યાદ કરી રહ્યા છે.’ બીજા યુઝરે લખ્યું,’હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસી નિશ્ચિત છે.’ જોકે, તાજેતરમાં જ અસિત મોદીએ દયાબેનના શોમાં પાછા ફરવા વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તે હવે આ પાત્ર માટે નવી અભિનેત્રી શોધી રહ્યા છે.

આ બંધારણને બચાવવા માટેની લડતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભા બન્ને ગૃહોના વિરોધ પક્ષના સાંસદોએ સોમવારે સંસદ ભવન ખાતે આવેલા મકર દ્વારથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢી હતી.  આ માર્ચ સવારે 11:30 વાગ્યે શરૂ થઈ અને ટ્રાન્સપોર્ટ ભવનમાંથી પસાર થઈ હતી. દિલ્હી પોલીસે આ માર્ચને અટકાવી હતી. કોંગ્રેસ સાંસદ શશિ થરુર કહે છે, મારા માટે આ મુદ્દો ખૂબ સરળ છે. રાહુલ ગાંધી એ કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, તે ગંભીર જવાબના હકદાર છે. ચૂંટણી પંચની માત્ર દેશ પ્રત્યે જ નહીં, પરંતુ પોતાના પ્રત્યે પણ જવાબદારી છે કે દેશની પ્રજાના મનમાં અમારી ચૂંટણીની વિશ્વસનીયતા અંગે કોઈ સંશય ન રહે. ચૂંટણી સમગ્ર દેશ માટે મહત્વની છે. આપણું લોકશાહી એટલું અમૂલ્ય છે કે તેને આ સંશયથી જોખમમાં મૂકી શકાય નહીં કે ક્યાંક ડુપ્લિકેટ મતદાન તો નથી, ક્યાંક ઘણાં સરનામાં તો નથી કે ક્યાંક ખોટા મત તો નથી. જો લોકોના મનમાં કોઈ સંશય છે, તો તેનો ઉકેલ કરવો જોઈએ. આ પ્રશ્નોના જવાબ મળી શકે છે, પરંતુ તે જવાબ વિશ્વસનીય હોવા જોઈએ. મારી માત્ર એટલું જ વિનંતી છે કે ચૂંટણી પંચ આ પ્રશ્નોને લઈને તેનો ઉકેલ કરે.

અખિલેશ યાદવ બેરિકેડ પરથી કૂદ્યાસમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ દિલ્હી પોલીસે બિહારની મતદાર યાદીના ખાસ ઘનિષ્ઠ પુનરીક્ષણ (SIR) અને 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાર ઠગાઈના આક્ષેપોના વિરોધમાં સંસદથી ભારત ચૂંટણી પંચ સુધી માર્ચ કાઢી રહેલા ઈન્ડિયા બ્લોકના નેતાઓને અટકાવ્યા ત્યારે પોલીસના બેરિકેડ પરથી કૂદી ગયા. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત અને સાગરીકા ઘોષ સહિત અન્ય ઈન્ડિયા બ્લોક સાંસદોને ધરપકડમાં લીધા હતા.

મલ્લિકાર્જુન ખડગેની ધરપકડ

કોંગ્રેસ અધ્યક્ષને પોલીસે ધરપકડમાં લીધા. આજે મત ચોરીના વિરોધમાં ઈન્ડિયા ગઠબંધનના સાંસદો ચૂંટણી પંચ સુધી માર્ચ કાઢી રહ્યા હતા. મોદીએ પોલીસ મોકલીને તેમની અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તાનાશાહ સરકાર યાદ રાખે — અમે ડરવાના નથી, લોકશાહીની રક્ષા માટે અડગ રહીશું.

‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ ૨૮ આદિવાસી બાળકો ઈસરોની મુલાકાતે

તાપી: રવિવાર જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે ’તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઈસરોના પ્રવાસે જઈ રહેલા ૨૮ આદિવાસી બાળકો સાથે સંવાદ કર્યો હતો. સુરત એરપોર્ટના સભાગૃહમાં તેમણે બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

જિલ્લાની 15 સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહના 28 આદિવાસી બાળકો 10 થી 13 ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે સુરત એરપોર્ટ પરથી રવાના થયા હતા.

વિદ્યાર્થીઓને યાદગાર અને મંગલમય પ્રવાસ માટે શુભેચ્છા આપતા મુકેશભાઈએ રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકો માટે કરાયેલી આ નવીન પહેલ માટે તાપી જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચેન્નઈ ઈસરો ખાતેના શૈક્ષણિક પ્રવાસે જતા વિદ્યાર્થીઓને ’લર્ન વિથ ફન’, આનંદ સાથે કંઈક નવું શીખવાની પ્રેરણા આપી હતી. તેમણે બાળકોને ઈસરોના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લેવા તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રવાસ બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને વિચારશક્તિ વિકસાવવા મદદરૂપ થશે. ઈસરોની મુલાકાત વિજ્ઞાન ક્ષેત્રમાં કંઈક નવું કરવા, ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં ઉપયોગી સાબિત થશે. ઈસરો મુલાકાતની મળેલી તકનો સવિશેષ લાભ લઈ મહત્તમ જ્ઞાન મેળવવા બાળકોને જણાવવામાં આવ્યું હતું.દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઈલમેન ડૉ. એ.પી. જે. અબ્દુલ કલામથી પ્રેરિત થઈ શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને ગામ–રાજ્ય સહિત દેશનું નામ વિશ્વફલક પર ઉજ્જવળ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તાપીથી પ્રવાસ કરી ઇસરોની સાથે ચેન્નઈ સ્થિત પ્લેનેટેરિયમ અને ઝુઓલોજિકલ પાર્કની મુલાકાતે જનાર આ વિદ્યાર્થીઓને યાદગાર સંભારણા તરીકે એક સ્મરણ પુસ્તિકા બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

બેસ્ટ ૨૮માં મોટી સંખ્યામાં દીકરીઓને પસંદગી કરવામાં આવી છે, જે એક પ્રેરણાદાયક વાત છે. મુકેશભાઈએ વિદ્યાર્થીઓને વડાપ્રધાનને ઈસરોના યાદગાર પ્રવાસના અંગત અનુભવો વર્ણવતો પત્ર લખવાનું સૂચન કર્યું હતું.

અમેરિકાથી 15 વર્ષમાં 15,000 ભારતીયોને પરત મોકલાયા

નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત આવ્યા બાદથી અમેરિકા 1700થી વધુ ભારતીય નાગરિકોને પરત મોકલી ચૂક્યું છે. કેન્દ્રએ જણાવ્યું છે કે પરત મોકલાયેલા લોકો સાથે કરવામાં આવતા વર્તન અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થી વિઝા મળવામાં થતા વિલંબ અંગે સરકારે વોશિંગ્ટન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. વર્ષ, 2009થી 2024 સુધી એટલે કે 15 વર્ષમાં કુલ 15,564 ભારતીય નાગરિકોને ચાર્ટર્ડ અને વ્યાપારી ઉડાનો મારફતે અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે.

વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે સંસદના ચોમાસુ સત્રમાં DMK સાંસદ કનિમોઝી કરુણાનિધિ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 20 જાન્યુઆરીથી 22 જુલાઈ વચ્ચે કુલ 1703 ભારતીય નાગરિકોને અમેરિકી સરકારે ડિપોર્ટ કર્યા હતા. આ ભારતીયોમાં 1562 પુરુષો અને 141 મહિલાઓ હતી.

ડિપોર્ટ કરવામાં આવેલાની સૌથી વધુ સંખ્યા પંજાબ (620)માંથી હતી, ત્યાર બાદ હરિયાણા (604) અને ગુજરાત (245)નો ક્રમ હતો. સરકારે જણાવ્યું કે 5, 15 અને 16 ફેબ્રુઆરીએ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (સૈન્ય) ઉડાનો મારફતે 333 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા સંચાલિત ત્રણ ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે માર્ચ અને જૂનમાં 231 ભારતીયોને લાવવામાં આવ્યા, જ્યારે જુલાઈમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS)ની ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે 300 લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.

વિદેશ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકામાં વિદ્યાર્થી વિઝા મુદ્દે અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને અધિકારીઓએ સ્વીકાર્યું છે કે વિદ્યાર્થી વિઝા માટેની વધારાની સુરક્ષા જરૂરિયાતોને કારણે ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કાઉન્સ્યુલેટ્સની વિઝા પ્રક્રિયા કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. જોકે અધિકારીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થી વિઝાની નિમણૂક હજી પણ ખુલ્લી છે. J-1 ફિઝિશિયન કેટેગરી માટે, અમેરિકાએ નિમણૂકોને પ્રાથમિકતા આપવા માટે સોફ્ટવેર આધારિત ઉકેલ શરૂ કર્યો છે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને નિમણૂક મળી ગઈ છે.

 

‘પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડ ક્યાં અને કઈ હાલતમાં છે?’ સંજય રાઉતનો અમિત શાહને સવાલ

શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. શિવસેના સાંસદે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશે જાણવા માટે આ પત્ર લખ્યો છે. તેમણે દાવો કર્યો છે કે તેમનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. હકીકતમાં, ધનખડે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

10 ઓગસ્ટના રોજ અમિત શાહને લખેલા પત્રમાં સંજય રાઉતે કહ્યું હતું કે, “આપણા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વિશે કોઈ માહિતી નથી. તેઓ હાલમાં ક્યાં છે? તેમનું સ્વાસ્થ્ય કેવું છે? આ બાબતો પર કોઈ સ્પષ્ટતા નથી. રાજ્યસભાના કેટલાક સભ્યોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.” શિવસેના-યુબીટી નેતાએ સોમવારે એક્સ પર આ પત્ર શેર કર્યો હતો.

દેશ આ પ્રશ્નોનું સત્ય જાણવાને લાયક છે
રાઉતે કહ્યું કે દિલ્હીમાં અફવાઓ ફેલાઈ રહી છે કે ધનખડને તેમના નિવાસસ્થાને કેદ કરવામાં આવ્યા છે અને તેઓ કથિત રીતે સુરક્ષિત નથી. તેમણે કહ્યું,‘તેમની સાથે કે તેમના સ્ટાફ સાથે કોઈ સંપર્ક થયો નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે.’ તેમણે કહ્યું, ‘આપણા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિનું શું થયું? તેઓ ક્યાં છે? તેમનું સ્વાસ્થ્ય કેવું છે? શું તેઓ સુરક્ષિત છે? દેશને આ પ્રશ્નોનું સત્ય જાણવાનો હક છે.’

ઉદ્ધવ ઠાકરેએ ધનખડ વિશે પણ પૂછ્યું
ગત અઠવાડિયે, શિવસેના-યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ ધનખડ વિશે પૂછ્યું હતું. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,‘ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હવે ક્યાં છે? આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ.’ રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું કે ઉપલા ગૃહમાં તેમના કેટલાક સાથીદારો સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવાનું વિચારી રહ્યા છે, કારણ કે તેઓ ખરેખર ધનખડ વિશે ચિંતિત છે.

રાઉતે વધુમાં કહ્યું,’સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરતા પહેલા મેં તમારી પાસે આ માહિતી માંગવાનું યોગ્ય માન્યું. મને આશા છે કે તમે મારી લાગણીઓને સમજશો અને ધનખડના હાલના ઠેકાણા, તેમની સલામતી અને સ્વાસ્થ્ય વિશે વાસ્તવિક માહિતી પ્રદાન કરશો.’