Home Blog Page 688

૧૧ ઓગસ્ટ ૨૦૨૫

આજે ‘મત ચોરી’ સામે ઇન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઇન્ડિયા બ્લોક સાંસદો સોમવારે સંસદ ભવનથી રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચ કાર્યાલય સુધી પગપાળા કૂચ કરવાના છે. વિપક્ષી સાંસદો મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા કથિત ‘મત ચોરી’ સામે વિરોધ કરશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સહિત 300 લોકસભા અને રાજ્યસભા સાંસદો આ કૂચમાં ભાગ લેવાના છે.

સાંસદો માટે રાત્રિભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગેએ સાંસદોને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે. આ કૂચમાં RJD, TMC, DMK સહિત 25 થી વધુ પક્ષો ભાગ લેશે. સાંસદો સવારે 11.30 વાગ્યે સંસદ ભવનથી પરિવહન ભવન સુધી કૂચ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ કે અન્ય વિપક્ષી પક્ષો દ્વારા કૂચ માટે પરવાનગી માટે દિલ્હી પોલીસને કોઈ અરજી સુપરત કરવામાં આવી નથી.

બીજી તરફ, રાહુલ ગાંધી ચૂંટણી પંચ પર પ્રહારો કરવાનું ચાલુ રાખે છે. તેમણે હવે એક વેબ પોર્ટલ શરૂ કર્યું છે. પોર્ટલ દ્વારા, લોકો ડિજિટલ મતદાર યાદીની માંગને સમર્થન આપી શકે છે.

અસીમ મુનીરે ભારતને અમેરિકાથી પરમાણુ હુમલાની ધમકી આપી

પાકિસ્તાનના આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે, તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન ફરી એકવાર પરમાણુ ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે જો ભવિષ્યમાં તેમના દેશને ભારતની સાથે અસ્તિત્વના ખતરાનો સામનો કરવો પડશે, તો ઇસ્લામાબાદ પોતાની સાથે “અડધી દુનિયા”નો નાશ કરશે. ધ પ્રિન્ટે ટેમ્પામાં આયોજિત એક કાર્યક્રમમાં મુનીરને ટાંકીને કહ્યું હતું કે, આપણે પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્ર છીએ, જો આપણને લાગે કે આપણે ડૂબી રહ્યા છીએ, તો આપણે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું.

મુનીરે અમેરિકન ધરતી પરથી આ પરમાણુ ધમકી ટેમ્પામાં પાકિસ્તાનના માનદ કોન્સ્યુલ રહેલા ઉદ્યોગપતિ અદનાન અસદ માટે આયોજિત બ્લેક-ટાઈ ડિનરમાં આપી હતી.

પોતાની પરમાણુ ધમકી પછી, મુનીરે સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયથી 250 મિલિયન લોકો ભૂખમરાના જોખમમાં મુકાયા છે. તેમણે ચેતવણી આપી હતી કે તેઓ ભારત દ્વારા બંધ બનાવવાની રાહ જોઈ રહ્યા છે અને જ્યારે તે બંધ બનશે, ત્યારે તેઓ તેને 10 મિસાઇલોથી નાશ કરશે. તેમણે કહ્યું કે સિંધુ નદી ભારતીયોની પારિવારિક મિલકત નથી. હુમેં મિસાઇલ કી કામ નહીં હૈ, અલ-હમદુલિલ્લાહ.

બ્લેક-ટાઈ ડિનરમાં આમંત્રિતોને મોબાઇલ ફોન અથવા અન્ય કોઈપણ ડિજિટલ ઉપકરણો લઈ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી, અને ભાષણનો કોઈ ટેક્સ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો ન હતો, એમ સમાચાર માધ્યમોએ અહેવાલ આપ્યો છે. મુનીરે તેમના ભાષણમાં ઘણી વખત ભારત સાથેના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હોવાના અહેવાલ છે.

તુર્કીમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, ઇસ્તંબુલ સુધી ધરતી ધ્રુજી

રવિવારે તુર્કીના ઉત્તરપશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર સિંદિરગી હતું અને તેના આંચકા 16 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા ઇસ્તંબુલ શહેર સુધી લગભગ 200 કિલોમીટર દૂર અનુભવાયા હતા. તુર્કીની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ પછી ઘણા આંચકા આવ્યા હતા, જેમાંથી એકની તીવ્રતા 4.6 હતી. એજન્સીએ નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશ ન કરવા અપીલ કરી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ભૂકંપના કેન્દ્ર સિંદિરગી શહેરમાં એક ઇમારત ધરાશાયી થઈ હતી. તુર્કી મોટી તિરાડોની ટોચ પર સ્થિત છે અને અહીં વારંવાર ભૂકંપ આવે છે.

સિંદિરગી ભૂકંપનું કેન્દ્ર હતું

ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સી (AFAD) એ જણાવ્યું હતું કે તુર્કીના બાલિકેસિર પ્રાંતના સિંદિરગી જિલ્લામાં શનિવારે સ્થાનિક સમય મુજબ સાંજે 7:53 વાગ્યે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા પડોશી પ્રાંતો, જેમાં મનીસા, ઇઝમીર, ઉસાક અને બુર્સાનો સમાવેશ થાય છે, ત્યાં પણ અનુભવાયા હતા. AFAD અનુસાર, 3.0 થી વધુ તીવ્રતાવાળા કુલ સાત આફ્ટરશોક નોંધાયા છે. AFAD એ ટર્કિશ ડિઝાસ્ટર રિસ્પોન્સ પ્લાન (TAMP) ને સક્રિય કર્યો છે અને શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે વિવિધ પ્રાંતીય નિર્દેશાલયોના કર્મચારીઓ અને વાહનો મોકલ્યા છે.

આજે સિંહ દિવસ: જાણો, જંગલના રાજા વિશે…

દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય છે. જે સિંહોની ઘટતી જતી વસ્તી અને એમના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો આ પ્રયાસ છે. આ દિવસ વૈશ્વિક સ્તરે સિંહોની નાજુક સ્થિતિ અને એમના નિવાસસ્થાનને બચાવવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ભારતના ગીર જંગલના એશિયાઇ સિંહોથી લઈને આફ્રિકાના વિશાળ સવાનાના શક્તિશાળી સિંહો સુધી, આ રાજવી પ્રાણી પ્રકૃતિની શોભા વધારે છે. વિશ્વ સિંહ દિવસે જાણીએ એમના વિશે કેટલીક રસપ્રદ વાતો.

વિશ્વ સિંહ દિવસનો ઇતિહાસ

વિશ્વ સિંહ દિવસ  દર વર્ષે 10 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના વર્ષ 2013માં થઈ હતી, જેના પાછળ મુખ્ય હસ્તીઓ તરીકે ડેરેક અને બેવર્લી જોબર્ટને ઓળખવામાં આવે છે. જે જાણીતા વન્યજીવન ફિલ્મમેકર અને સંશોધક છે. વર્ષ 2009માં ‘બિગ કેટ ઇનિશિયેટિવ’ નામની મહત્તવપૂર્ણ પહેલ શરૂ કરી હતી. દુનિયામાં સતત ઘટતી સિંહોની સંખ્યા અને એમની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, એમણે સિંહોના સંરક્ષણ માટે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનું મિશન હાથ ધર્યું. એમના આ પ્રયાસોને નેશનલ જિયોગ્રાફિકનું સમર્થન મળ્યું. બાદમાં વિશ્વના સૌથી મોટા બિલાડીવર્ગના પશુઓના અભ્યારણ્ય, બિગ કેટ રેસ્ક્યૂના સહયોગથી ‘વિશ્વ સિંહ દિવસ’ની શરૂઆત થઈ.

ગેરકાયદેસર વન્યજીવનો વેપાર, જંગલોનું નુકસાન અને માનવો સાથેના સંઘર્ષને કારણે વિશ્વમાં સિંહોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. વર્તમાન સમયમાં સિંહની સંખ્યા માત્ર 20,000થી 39,000ની આસપાસ છે. આજથી સો વર્ષ એટલ કે એક સદી પહેલાં આફ્રિકા અને એશિયામાં 2 લાખથી વધુ સિંહો હતા, પરંતુ આજે એમની વસ્તી લગભગ 95% ઘટી ગઈ છે. આ ગંભીર સ્થિતિને રોકવા અને સિંહોના રક્ષણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે, જે સિંહોના નિવાસસ્થાનને બચાવવા અને એમની સંખ્યા વધારવા પ્રેરણા આપે છે.

સિંહની પ્રજાતિ અને એમનો વસવાટ

સિંહની એક જ પ્રજાતિ છે, પેન્થેરા લીઓ. પણ એની બે મુખ્ય ઉપજાતિઓ છે, એક પેન્થેરા લીઓ લીઓ અને બીજી પેન્થેરા લીઓ મેલાનોકાઇટા. પેન્થેરા લીઓ લીઓમાં એશિયાઈ સિંહો, ઉત્તર, પશ્ચિમ તથા મધ્ય આફ્રિકાના સિંહોનો સમાવેશ થાય છે. એશિયાઈ સિંહોની મેન (વાળ) ઓછા ગાઢ હોય છે. તેઓ ફક્ત ભારતના ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં વસે છે. જેની સંખ્યા 891 છે. પશ્ચિમ આફ્રિકામાં આ ઉપજાતિની વસ્તી લગભગ 400 છે. તે નિઓકોલો-કોબા નેશનલ પાર્ક સેનેગલમાં તથા પેન્ડજારી નેશનલ પાર્ક બેનિનમાં જોવા મળે છે. જયારે પેન્થેરા લીઓ મેલાનોકાઇટા ઉપજાતિ પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં વસે છે. જેમની મેન ગાઢ અને શરીરનું કદ મોટું હોય છે. સેરેન્ગેટી નેશનલ પાર્ક અને તાન્ઝાનિયામાં લગભગ 14500 સિંહ છે. જયારે મસાઇ મારા નેશનલ રિઝર્વ કેન્યામાં અને ક્રુગર નેશનલ પાર્ક દક્ષિણ આફ્રિકામાં લગભગ 1600 થી 2000 સિંહોની સંખ્યામાં છે.

સિંહ, જેને “જંગલના રાજા” તરીકે ઓળખવામાં આવે છે, એક ભવ્ય અને શક્તિશાળી પ્રાણી છે.

કદ અને વજન

નર સિંહની શરીરની લંબાઈ 1.8 થી 2.1 મીટર (6 થી 7 ફૂટ) હોય છે, જ્યારે પૂંછડી સાથે કુલ લંબાઈ 2.7 થી 3.3 મીટર હોઈ શકે છે. એમનું વજન 160 થી 230 કિલોગ્રામ હોય છે. સિંહણનું શરીર નર કરતાં 0.3 થી 0.6 મીટર નાનું હોય છે, એટલે કે 1.5 થી 1.8 મીટર,  એમનું વજન 118થી 180 કિલોગ્રામ હોય છે.

આયુષ્ય

જંગલમાં સિંહોનું આયુષ્ય 10થી 16 વર્ષ હોય છે. નર સિંહ 5 થી 10 વર્ષ જીવે છે, કારણ કે તેઓ પ્રદેશની લડાઈઓમાં વધુ જોખમનો સામનો કરે છે. જ્યારે સિંહણો 8 થી 14 વર્ષ જીવે છે. બંધિયાર સ્થિતિમાં, યોગ્ય સંભાળ સાથે, સિંહો 20 વર્ષથી વધુ જીવી શકે છે.

સામાજિક જીવન

સિંહ સામાજિક પ્રાણીઓ છે. એ પ્રાઇડ તરીકે ઓળખાતા જૂથોમાં રહે છે. જેમાં 2 થી 40 સભ્યો હોઈ શકે છે. આ પ્રાઇડમાં સિંહણો, બચ્ચાં અને થોડા નર સિંહો હોય છે, જે શિકાર અને રક્ષણ માટે એકજૂટ રહે છે.

ગર્જના

સિંહની ગર્જના ખૂબ શક્તિશાળી હોય છે, જે 8 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. આ ગર્જના પ્રદેશ ચિહ્નિત કરવા અને પ્રાઇડના સભ્યો સાથે સંનાદેશ માટે વપરાય છે.

સાંભળવાની ક્ષમતા

સિંહોની સાંભળવાની ક્ષમતા અત્યંત તીવ્ર હોય છે, જે એમને શિકાર શોધવામાં અને જોખમથી બચવામાં મદદ કરે છે.

દૈનિક ચક્ર

સિંહ દિવસનો મોટાભાગનો સમય, લગભગ 20 કલાક, આરામ કરવામાં કે ઊંઘવામાં વિતાવે છે. તેઓ 2 થી 3 કલાક શિકાર કરવામાં અને આશરે 1 કલાક ખોરાક ખાવામાં ગાળે છે. આ શિકારની પ્રવૃત્તિ મુખ્યત્વે રાત્રિના સમયે અથવા સંધ્યાકાળ દરમિયાન થાય છે, જ્યારે શિકારની દૃશ્યતા ઓછી હોય અને સિંહ સરળતાથી શિકાર કરી શકે.

સાંસ્કૃતિક મહત્વ

ભારતના રાષ્ટ્રીય પ્રતીક, અશોક સ્તંભ, પર ચાર સિંહોનું ચિત્રણ છે, જે શક્તિ અને નેતૃત્વનું પ્રતીક છે.

બિલાડી પરિવાર

સિંહ બિલાડી પરિવાર (ફેલિડે)ના સભ્ય છે. એમનું મજબૂત શરીર, શક્તિશાળી બાંધો અને મોટું કદ એમને બિગ કેટ તરીકે ઓળખ આપે છે, જેમાં વાઘ, ચીતો અને લેપર્ડ જેવા અન્ય મોટા પ્રાણીઓ પણ સામેલ છે.

નર અને માદા વચ્ચેનો તફાવત

નર સિંહની ગરદન પર ગાઢ મેન એટલે કે વાળ હોય છે, જે એમની ઓળખ છે, જ્યારે સિંહણની ગરદન પર આવા વાળ હોતા નથી.

સફેદ સિંહ

સફેદ સિંહ, મુખ્યત્વે દક્ષિણ આફ્રિકાના ટિમ્બાવતી અને ક્રુગર નેશનલ પાર્કમાં જોવા મળે છે. એમનો સફેદ રંગ લ્યુસિઝમ નામના જનીનને કારણે છે.  જે એમને સોનેરી-સફેદ દેખાવ આપે છે, પરંતુ તેઓ એલ્બિનો નથી. એમની આંખો નીલી-લીલી કે સોનેરી હોય છે. સફેદ સિંહોની શિકાર ક્ષમતા અને વર્તન સામાન્ય સિંહો જેવું જ છ. અલબત્ત તેઓ સ્થાનિક સમુદાયોમાં પવિત્ર ગણાય છે. જંગલમાં એમની વસ્તી માત્ર 13 થી 15 છે, જ્યારે બંધિયાર સ્થિતિમાં (ઝૂ અને અભયારણ્યોમાં) લગભગ 300 સફેદ સિંહ છે. ગેરકાયદે શિકાર, આવાસ નુકસાન અને ઇનબ્રીડિંગ એમના માટે મુખ્ય જોખમો છે. જો કે ગ્લોબલ વ્હાઇટ લાયન પ્રોટેક્શન ટ્રસ્ટ એમના સંરક્ષણ માટે કામ કરે છે.

હેતલ રાવ

૧૦ ઓગસ્ટ ૨૦૨૫

ગીર વિસ્તારના લોકો – સિંહોની સુરક્ષા પાછળના સાચા રક્ષક

સિંહ સંવર્ધનની વાત આવે એટલે આપણા મનમાં વન વિભાગ કે સરકાર દ્વારા કરવામાં આવેલા સિંહ સંવર્ધનના કાર્યો ચોક્કસ યાદ આવે. આ તમામ પ્રયાસોની સાથે ગીર અભ્યારણ્ય આસાપાસના વિસ્તારમાં વસવાટ કરતાં સ્થાનિક લોકો — જેમ કે ખેડૂત, પશુપાલક, માલધારી અથવા સિદ્ધી સમાજના લોકો — તેમનો ફાળો પણ અતિ અમુલ્ય છે.

ગીર આસપાસના સ્થાનિકો ક્યારેય શિકાર જેવી હિંસક પ્રવૃતિઓમાં સામેલ થયા નથી, જે આ વિસ્તાર માટે ખૂબ ગૌરવની બાબત છે.
સાથે જ, કોઈ માલધારી કે પશુપાલકના માલ ઢોરનો શિકાર સિંહ કરે છે, તો પણ કયારેય ઝેર આપવાના બનાવો ટાઈગર પાર્કની જેમ બનતા નથી. સિંહના શિકાર તરીકેના તૃણાહારી પ્રાણીઓ કે જંગલી સુવર દ્વારા પાકને થયેલું નુકસાન પણ, અહીંના ખેડૂતો વિશાળ મનથી સહન કરે છે.

સૌથી મોટી વાત એ છે કે ગીર વિસ્તારમાં રહેતા લોકો પોતાનાં પ્રદેશમાં સિંહ રહે છે એ બાબતનો ગર્વ અનુભવે છે.

આ જ ભાવનાને કારણે આજે ગીર નેશનલ પાર્ક અને અભ્યારણ્ય વિસ્તાર બહારના ખેતરો અને કેટલીક વખત ગામડાંઓમાં પણ સિંહ સુરક્ષિત રીતે રહે છે.

ગીર વિસ્તારમાં સિંહ સંવર્ધન માટે સ્થાનિક લોકોના અદ્વિતીય અને અમૂલ્ય યોગદાનને વંદન.

અભિવ્યક્તિની આવડત અને સમજદારી

બાળક જન્મે છે ત્યારથી મોટા થવા સુધીની સફરમાં ઘણું બધું એટલે કે ચાલવું, દોડવું, લખવું, વાંચવું વગેરે શીખે છે. બાળક પોતાના મનના ભાવ જરાક સમજણું થાય એટલે વ્યક્ત કરવા માંડે છે. ક્યારેક એ ખડખડાટ હસે છે તો ક્યારેક રડે છે. ક્યારેક સૂનમૂન થઈને પડ્યું રહે છે. આ એની અભિવ્યક્તિ છે અને એટલે જ માનવજીવનની સૌથી અગત્યની ક્ષમતા છે બોલવું. અભિવ્યક્તિમાં આંખ, જીભ, શરીરના હાથ કે સંગીતના ઠૂમકે તાલ લેતા પગ અથવા ગુસ્સામાં પગ પછાડીને નીકળી જવું – આ બધા તમારા શારીરિક ભાષા એટલે કે બૉડી લેંગ્વેજના ભાગ છે.

આપણે જાણીએ છીએ કે બોલવું જે તે વ્યક્તિ નાનપણથી જ શીખી લે છે, પણ… ક્યાં, કેવું, કેટલું તેમજ કઈ પદ્ધતિથી બોલવું એ શીખતા વર્ષો નીકળી જાય છે. કહેવાય છે કે કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણવું હોય તો બે બાબતો ધ્યાનમાં લેવી: એક, એના મિત્રો કોણ છે અને બીજું એની કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવાની પદ્ધતિ એટલે કે કોમ્યુનિકેશન સ્કીલ કેવી છે. કોમ્યુનિકેશન સ્કીલ એટલે પોતાની વાત સામેવાળી વ્યક્તિને પોતે જે રીતે સમજે છે તે જ રીતે તે જ વાત સરળતાથી ગળે ઉતારવી.

કોઈપણ ચર્ચાનો કુનેહપૂર્વક, વાદવિવાદ વગર અંત કરવો. આજના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં કમ્યુનિકેશન સ્કીલ ખૂબ જ અગત્યની છે. એમાં પણ જો તમે કોઈ ટીમને અથવા કંપનીને લીડ કરતા હોવ કે જાહેર જીવનમાં હોવ તો એક લીડર તરીકે તો તે ખૂબ જ મહત્વની સ્કિલ બને છે. લીડર તરીકે તમે કોઈપણ સંસ્થામાં હોવ તો તમારે કેટલીક કઠિન પ્રક્રિયાઓ, ચર્ચાઓમાંથી પસાર થવું પડશે ત્યારે જો તમારી પાસે કુશળ કોમ્યુનિકેશન સ્કીલ નહીં હોય તો તમે ચર્ચાનો સુખદ અંત નહીં લાવી શકો.

આ માટે આપણે મહાભારતના ઉદ્યોગપર્વમાં ડોકિયું કરીએ તો શ્રીકૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુરમાં જાય છે ત્યાં તે નરમ સંવાદથી લઈને તીક્ષ્ણ/આકરા સંવાદો પણ કરે છે, જે દર્શાવે છે કે નેતાએ કઠિન સંજોગોમાં એ રીતે ચર્ચા કરવી કે સામેવાળો ગમે તેટલી વિરોધી દિશામાં હોય પણ મતભેદ વગર વાત આગળ વધે. તેથી જ તો કહેવાય છે કે ધ આર્ટ ઓફ કોમ્યુનિકેશન ઈઝ ધ લેંગ્વેજ ઓફ લીડરશીપ.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

ભારતે કર્યું અમેરિકા-રશિયા વાટાઘાટોનું સમર્થન

ભારતે 15 ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની પ્રસ્તાવિત શિખર સંમેલનનું સ્વાગત કર્યું છે. આ બેઠકને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના અંત અને શાંતિ તરફ એક મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલય (MEA) એ શનિવારે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત 15 ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકા અને રશિયા વચ્ચેની બેઠકનું સ્વાગત કરે છે. આ બેઠક યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ માટે શક્યતાઓ ખોલવાનું વચન આપે છે.

નિવેદનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને પણ પુનરાવર્તિત કરવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે “આ યુદ્ધનો યુગ નથી.” મંત્રાલયે કહ્યું હતું કે ભારત આ રાજદ્વારી પ્રયાસને સંપૂર્ણ સમર્થન આપે છે અને શાંતિ પહેલમાં યોગદાન આપવા તૈયાર છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “જેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા પ્રસંગોએ કહ્યું છે – ‘આ યુદ્ધનો યુગ નથી.’ ભારત આ આગામી શિખર સંમેલનને સમર્થન આપે છે અને આ પ્રયાસોને સમર્થન આપવા માટે આતુર છે.”

આ બેઠકની જાહેરાતના એક દિવસ પહેલા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને વેપાર, અર્થતંત્ર અને રોકાણમાં સહયોગ સહિત મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બુધવારે યુએસ રાષ્ટ્રપતિના ખાસ દૂત સ્ટીવ વિટકોફ સાથેની વાતચીત બાદ પુતિને મોદીને યુક્રેનમાં થયેલા વિકાસ અને આગામી યુએસ-રશિયા શિખર સંમેલન વિશે પણ માહિતી આપી હતી.

બિહાર ચૂંટણી પહેલા 334 પક્ષોનું રજિસ્ટ્રેશન રદ્દ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટું પગલું ભર્યું છે. ચૂંટણી પંચે શનિવારે 334 રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. યાદીમાંથી દૂર કરાયેલા પક્ષો ચૂંટણી લડવા માટે તેમના ઉમેદવારો ઉભા કરી શકતા નથી. પંચે કહ્યું કે માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષો દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

હવે દેશમાં 2520 રાજકીય પક્ષો બાકી છે

આયોગનો દાવો છે કે આ બધા પક્ષો પાસે ઓફિસ પણ નહોતી. આ પક્ષો ફક્ત કાગળ પર ચાલી રહ્યા હતા. ઉપરાંત, તેઓ 2019 થી 6 વર્ષ માટે ફક્ત એક જ ચૂંટણી લડવાની ફરજિયાત શરત પૂરી કરી શક્યા ન હતા, જ્યારે આ બધા પક્ષોને ઘણી વખત આ માટે કહેવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના આ પગલા પછી, હવે દેશમાં 2520 રાજકીય પક્ષો બાકી છે. હાલમાં 6 રાષ્ટ્રીય પક્ષો અને 67 રાજ્ય સ્તરના પક્ષો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા રાજકીય વ્યવસ્થામાં સુધારો લાવવા અને 2019 થી કોઈપણ લોકસભા, રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભા કે પેટાચૂંટણીમાં ભાગ ન લેનારા પક્ષોને યાદીમાંથી દૂર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.

જૂન મહિનામાં કાર્યવાહી શરૂ થઈ હતી

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે આ વર્ષે જૂનથી આવા 345 રાજકીય પક્ષો સામે કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ હવે 334 પક્ષોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 2001 થી, પંચે આવા નિષ્ક્રિય પક્ષોને ત્રણથી ચાર વખત યાદીમાંથી દૂર કર્યા છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આવા પક્ષોની માન્યતા રદ કરતા અટકાવ્યું હતું. આ પછી, પંચે આ પક્ષોને યાદીમાંથી દૂર કરવાનો માર્ગ શોધી કાઢ્યો. ત્યારબાદ આ પક્ષોને નિષ્ક્રિય બતાવીને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.