Home Blog Page 691

હિમાચલ પ્રદેશના કુલુમાં વાદળ ફાટ્યું: ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કુલુમાં ક્લાઉડબર્સ્ટની ઘટના બની છે. કેન્દ્રીય જળ પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાની ખબર નથી. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) કુલુ અનુસાર પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગ (IMD)એ હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

IMD શિમલા કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંદીપ કુમાર શર્માએ જણાવ્યું કે નવ ઓગસ્ટ માટે કાંગરા, ઊના અને સિરમૌર જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે 10 ઓગસ્ટની રાતથી 11 ઓગસ્ટની સવાર સુધી વરસાદની પ્રવૃત્તિઓ ફરી તેજ થવાની શક્યતા છે.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- SEOCના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે રાજ્યના આધુનિક માળખાને ભારે નુકસાન થયું છે. કુલ 357 રસ્તાઓ અવરોધાયેલા છે. 599 વીજ વિતરણ ટ્રાન્સફોર્મર (DTRs) બંધ થઈ ગયા છે અને 177 પાણીપુરવઠાની યોજનાઓ પ્રભાવિત થઈ છે. રાજ્યમાં મંડી જિલ્લો સૌથી વધારે અસરગ્રસ્ત થયો છે, જ્યાં સૌથી વધુ 206 રસ્તાઓ બંધ છે અને 204 વીજ ટ્રાન્સફોર્મર ખરાબ થયાં છે.

રાજ્યમાં અત્યાર સુધી 208 લોકોનાં મોત

રાજ્યના SDMAના તાજા આંકડા મુજબ આ મોસમમાં અત્યાર સુધી કુલ 208 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 112 લોકોનાં મોત ભૂસ્ખલન, અચાનક આવેલા પૂર અને મકાન ધરાશાયી થવા જેવી વરસાદ સંબંધિત આફતોને કારણે થયા છે, જ્યારે 96 મોત માર્ગ અકસ્માતોમાં થયા છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ખરાબ આબોહવા અને ભીની થયેલી ગયેલી સડકોને માનવામાં આવી રહ્યું છે.

યુક્રેન શાંતિ કરાર પર ટ્રમ્પ, પુતિનની ઐતિહાસિક મુલાકાત અલાસ્કામાં

વોશિંગ્ટનઃ હાલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની ચર્ચા ચોરે ને ચૌટે ચાલી રહી છે. ટ્રમ્પ પ્રેસ બ્રિફ કરવા આવે છે અને રોજ કોઈ ને કોઈ દેશ પર ટેરિફ કે પછી પ્રતિબંધનું એલાન કરે છે. આ બધાની વચ્ચે તેમણે શુક્રવારે એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તેઓ 15 ઓગસ્ટે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મળશે. આ બેઠકનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે એક શાંતિ કરાર પર ચર્ચા કરવાનો છે.

આ મુલાકાતની જાહેરાતે ઘણાં સપ્તાહથી ચાલી રહેલી અટકળોને અંત આવ્યો છે કે આ ઉચ્ચ સ્તરીય બેઠક ક્યાં થશે. અગાઉની અહેવાલોમાં પુતિન માટે સંયુક્ત અરબ અમીરાત પસંદીદા સ્થળ ગણાવાયું હતું, પરંતુ અમેરિકાએ સુરક્ષા અને કૂટનીતિક પ્રાથમિકતાઓનો હવાલો આપીને અલાસ્કાની પસંદગી કરી છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં સંકેત આપ્યો કે સંભવિત કરારમાં કેટલાક વિસ્તારોની આપલે’ સામેલ હોઈ શકે છે.  ક્રેમલિનના સહયોગી યુરી ઉશાકોવે પણ પુષ્ટિ કરી છે કે બંને નેતા ‘યુક્રેન સંકટ માટે લાંબા ગાળાનો શાંતિપૂર્ણ ઉકેલ મેળવવાના વિકલ્પો પર ચર્ચા’ કરશે. કેટલાક વિશ્લેષકો માને છે કે રશિયા તે વિસ્તારો છોડવા સંમત થઈ શકે છે, જેને તેણે સત્તાવાર રીતે પોતાનામાં જોડ્યા છે.

ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે પુતિન સાથે તેમની બેઠક યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથેની સંભવિત વાતચીત પહેલાં થશે. ટ્રમ્પ અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેઓ પુતિનને મળવા તૈયાર છે, ભલે રશિયન નેતા ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવા સંમત હોય કે નહીં.

ઘૂસણખોરો વિપક્ષની મતબેન્ક છે, એટલે SIRનો વિરોધઃ શાહ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહે બિહારમાં મતદાર યાદીની ખાસ ગહન પુનરીક્ષણ (SIR)નો વિરોધ કરવા બદલ વિરોધી પક્ષોને આડે હાથ લીધા હતા અને તેમના પર મતબેંકના રાજકારણમાં જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. શાહે આરોપ લગાવ્યો કે વિરોધી પક્ષો SIRનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે, કારણ કે ઘૂસણખોરો તેમની મતબેંકનો ભાગ છે.

આ પ્રક્રિયા પહેલી વાર થઈ રહી નથી, પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તેની શરૂઆત કરી હતી. એક સભાને સંબોધતાં શાહે કહ્યું હતું  કે બિહારમાં ચૂંટણી થવાની છે. મારા અહીં આવતાં પહેલાં અખબારોમાં આ પ્રશ્નથી પાનાં ભરાયેલાં હતાં કે SIR થવો જોઈએ કે નહીં.

હું ભાજપનો કાર્યકર છું, પરંતુ હું લોકોને પૂછવા માગું છું કે શું આપણે મતદાર યાદીમાંથી આપ્રવાસીઓને દૂર ન કરવા જોઈએ?  લાલુ પ્રસાદ યાદવ કોને બચાવવા માગે છે? શું તમે તે બાંગ્લાદેશીઓને બચાવવા માગો છો, જે બહારથી આવે છે અને બિહારના લોકોની નોકરી છીનવી લે છે?

રાહુલ ગાંધીએ મતબેંકનું રાજકારણ બંધ કરવું જોઈએ અને તેઓ તેનાં માટે કારણો શોધી રહ્યાં છે, કારણ કે તેઓ બિહાર ચૂંટણી હારી જશે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ઘૂસણખોરોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવા જોઈએ કે નહીં? ભારતનું બંધારણ તે લોકોને મત આપવાનો હક આપતું નથી, જે ભારતમાં જન્મેલા નથી. રાહુલ ગાંધી બંધારણ લઈને ફરી રહ્યા છે, તેમણે પણ તેને ખોલીને વાંચવું જોઈએ. તેઓ SIRનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઘૂસણખોરો તેમની મતબેંક છે, એમ તેમણે કહ્યું હતું.

અમિત શાહ ગુજરાત મુલાકાતે: રક્ષાબંધન પર માણસામાં પૈતૃક મકાનનું ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 8 ઓગસ્ટના રોજ રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના શનિવારે રક્ષાબંધનના તહેવાર અને રવિવારે એમ બે દિવસ તેઓ ગુજરાતની મુલાકાતે છે. શનિવારે સવારે 10:30 વાગ્યે અમિત શાહ વતન ગાંધીનગરના માણસા ખાતે પહોંચશે. વતનમાં તેમના જૂના પૈતૃક મકાનના રિનોવેશનના કામનું ખાતમુહૂર્ના કરીને પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે છ વાગ્યા બાદ તેઓ અમદાવાદ ખાતે પરત ફરશે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં રહેશે. બાદમાં સાંજે 5:30 વાગ્યાની આસપાસ  દિલ્હી જવા રવાના થશે.

શુક્રવાર રાત્રે અમદાવાદ આવ્યા બાદ તેમણે મેમનગર પાસે સુભાષચોક ખાતે આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા. ગૃહ મંત્રીએ હનુમાનજીના મંદિરે દર્શન કર્યા ત્યાર બાદ સીધા તેઓ થલતેજ ખાતેના પોતાના નિવાસ્થાને પહોંચ્યા હતા.

નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવશે

આજે અમિત શાહ તેમના કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન પણ કરશે. ખાતમુહૂર્ત પ્રસંગે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન પણ સહ પરિવાર દ્વારા કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દર નવરાત્રિએ વતન માણસામાં કુળદેવીના દર્શને આવે છે અને પરિવાર સાથે કુળદેવીની પૂજા-અર્ચના કરે છે.

કુલગામના અખાલમાં 2 જવાન શહીદ, 1 આતંકી ઠાર: 9 દિવસથી અથડામણની સ્થિતિ

જમ્મુ-કાશ્મીર: કુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરનો આજે નવમો દિવસ છે. આખી રાત આ વિસ્તાર જોરદાર વિસ્ફોટો અને ગોળીબારથી ગુંજી ઉઠ્યો. આ દરમિયાન ગઈકાલે રાત્રે થયેલા ગોળીબારમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે બે અન્ય સૈનિકો ઘાયલ થયા હતા.અત્યાર સુધીમાં 10 સૈનિકો ઘાયલ થયા 

અત્યાર સુધીમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કુલ બે સૈનિકો શહીદ થયા છે અને દસ સૈનિકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાઢ જંગલો અને કુદરતી ગુફા જેવા છુપાયેલા સ્થળોનો લાભ લઈને ઓછામાં ઓછા ત્રણ કે તેથી વધુ આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. આ એન્કાઉન્ટર છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી લાંબો ચાલતો આતંકવાદ વિરોધી ઓપરેશન બની ગયો છે.

સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ ઓપરેશન શરૂ કર્યું હતું

ભારતીય સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓની શોધમાં ‘ઓપરેશન અખાલ’ શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે અહીં 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ અનુસાર, દક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

અઝરબૈજાન-આર્મેનિયા શાંતિ કરાર: ટ્રમ્પની હાજરીમાં થયા ઐતિહાસિક હસ્તાક્ષર

અમેરિકા: અઝરબૈજાન અને આર્મેનિયાએ અમેરિકાની મધ્યસ્થીથી થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી દાયકાઓથી ચાલતા સંઘર્ષનો અંત આવ્યો છે. વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.બે જૂના હરીફો અઝરબૈજાન અને આર્મેનિયાએ શુક્રવારે અમેરિકાની મધ્યસ્થીથી થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ બેઠક વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યોજાઈ હતી. આ કરારનો હેતુ માત્ર દાયકાઓ જૂના સંઘર્ષનો અંત લાવવાનો જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાનો પણ છે. આ કરાર ટ્રમ્પ વહીવટીતંત્ર માટે એક મોટી સિદ્ધિ છે અને તે રશિયામાં ગભરાટ ફેલાવશે તે નિશ્ચિત છે, જે આ ક્ષેત્રને તેના પ્રભાવના ક્ષેત્રમાં માને છે.

ટ્રમ્પે હસ્તાક્ષર સમારોહમાં કહ્યું, “અમે 35 વર્ષ સુધી લડ્યા, હવે અમે મિત્રો છીએ … અને લાંબા સમય સુધી મિત્રો રહીશું.” સમારોહમાં ટ્રમ્પ સાથે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવ અને આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પશિન્યાન પણ હતા.

સંઘર્ષની પૃષ્ઠભૂમિ
બંને દેશો વચ્ચેના વિવાદનું મૂળ નાગોર્નો-કારાબાખ પ્રદેશ છે, જે અઝરબૈજાનનો ભાગ હોવા છતાં, વંશીય રીતે આર્મેનિયન વસ્તી ધરાવતો વિસ્તાર હતો. 1980ના દાયકાના અંતમાં, તે આર્મેનિયાના સમર્થનથી અલગ થઈ ગયું. 2023માં, અઝરબૈજાને સંપૂર્ણ નિયંત્રણ પાછું મેળવ્યું, ત્યારબાદ લગભગ 1 લાખ વંશીય આર્મેનિયનો આર્મેનિયા ગયા.

ટ્રમ્પે કહ્યું કે બંને દેશોએ લડાઈ બંધ કરવા, રાજદ્વારી સંબંધો શરૂ કરવા અને એકબીજાની પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ કરાર દક્ષિણ કાકેશસમાંથી પસાર થતા વ્યૂહાત્મક ટ્રાન્ઝિટ કોરિડોર માટે યુએસને વિશેષ વિકાસ અધિકારો પણ આપે છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે આનાથી ઊર્જા અને અન્ય સંસાધનોની નિકાસમાં વધારો થશે.

બંને નેતાઓએ ટ્રમ્પને નોબેલ માટે નામાંકિત કર્યા
બંને નેતાઓએ ટ્રમ્પની પ્રશંસા કરી અને સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરવા બદલ તેમનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરશે. અલીયેવે કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ નહીં તો કોને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ?”

ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના શરૂઆતના મહિનાઓમાં પોતાને વૈશ્વિક શાંતિ નિર્માતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. વ્હાઇટ હાઉસ કહે છે કે તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, રવાન્ડા અને કોંગો અને પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ કરારો કરાવ્યા છે. જોકે, ભારત તેમના દાવાને નકારી રહ્યું છે. તે જ સમયે, ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષનો અંત લાવી શક્યા નથી.

પ્રાદેશિક અસર

નિષ્ણાતોના મતે, આ કરાર દક્ષિણ કાકેશસનો નકશો બદલી શકે છે. આ પ્રદેશ રશિયા, યુરોપ, તુર્કી અને ઈરાન સાથે જોડાયેલો છે અને તેલ-ગેસ પાઇપલાઇનમાંથી પસાર થાય છે, પરંતુ લાંબા સમયથી બંધ સરહદો અને વંશીય વિવાદોમાં ફસાયેલો છે.

અલાસ્કામાં ટ્રમ્પ-પુતિનની ઐતિહાસિક મુલાકાત: 15 ઓગસ્ટે રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા

અમેરિકા: સમગ્ર દુનિયાની નજર હાલ તો અલાસ્કા પર ટકેલી છે, જ્યાં આગામી શુક્રવારે એટલે કે 15મી ઓગસ્ટ 2025ના રોજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામ-સામે થશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરશે, જેણે છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં લાખો લોકોના જીવનને બરબાદ કરી દીધા છે.

ટ્રમ્પે આપી માહિતી 

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “અમેરિકાના પ્રમુખ તરીકે હું અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી શુક્રવારે અમેરિકાના મહાન રાજ્ય અલાસ્કામાં મળીશું. વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.”

એક દાયકા પછી પુતિન જશે અમેરિકા  

એક દાયકા પછી પુતિનની આ અમેરિકાની પ્રથમ મુલાકાત હશે. અગાઉ, તેઓ સપ્ટેમ્બર 2015માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા હતા. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે હું પુતિન સાથે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરીશ અને મને આશા છે કે આ શાંતિ કરાર માટે એક તક છે.

અગાઉ પ્રસ્તાવ ફગાવ્યો હતો રશિયાએ  

જો કે ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું કે રસ્તો સરળ નહીં હોય. અગાઉ અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકોફે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી અને સંભવિત ત્રિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી પણ સામેલ થશે. પરંતુ ક્રેમલિને આ પ્રસ્તાવનો જવાબ આપ્યો ન હતો.

૦૯ ઓગસ્ટ ૨૦૨૫

સુરેશ વાડકરે ગઝલથી ‘પહેલી’ માં પહેલું ગીત મેળવ્યું

ફિલ્મી ગીતો ના ગાતા સુરેશ વાડકરની ગાયક કલાકાર તરીકેની કારકિર્દી એક ગાયન સ્પર્ધામાં વિજેતા બન્યા પછી ફિલ્મોમાં શરૂ થઈ ગઈ હતી અને ફિલ્મ ‘પહેલી’ (૧૯૭૭) માં પહેલી તક મળી હતી. ૧૯૭૬ માં આખા ભારતના ગાયકો માટે સુર – સિંગર સ્પર્ધાનું આયોજન થયું હતું. એમાં જજ તરીક ઘણા જાણીતા સંગીતકારો હતા. સ્પર્ધા શરૂ થાય એ પહેલાં રવિન્દ્ર જૈન તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે ગાયક વિજેતા બનશે એને એ પોતાના સંગીતવાળી ફિલ્મમાં પહેલી તક આપશે. સ્પર્ધામાં સુરેશ વાડકરે વિજેતા બની ‘મદન મોહન’ એવોર્ડ મેળવ્યો હતો. એ સ્પર્ધામાં હરિહરનને ‘એસ.ડી. બર્મન’ અને રાની વર્માને ‘વસંત દેસાઇ’ એવોર્ડ મળ્યો હતો.

થોડા દિવસ પછી રવિન્દ્ર જૈને સુરેશને પોતાને ત્યાં બોલાવી અડધા કલાક સુધી ગવડાવ્યું હતું અને એક ગઝલ રેકોર્ડ કરી રાજશ્રીના રાજકુમાર બડજાત્યાને સંભળાવી. ત્યારે એમની ફિલ્મ ‘પહેલી’ માટે રવિન્દ્ર સંગીત આપવાના હતા. એમાં માસ્ટર સત્યજીત પહેલી વખત મુખ્ય હીરો તરીકે ચમકવાનો હતો. એના માટે નવા અવાજની જરૂર હતી. રાજકુમારને સુરેશનો અવાજ પસંદ આવ્યો હતો અને ‘પહેલી’ માટે પસંદ કરી લીધા હતા. રવિન્દ્રએ ‘પહેલી’ માટે પહેલું ગીત ‘સોના કરે ઝિલમિલ ઝિલમિલ’ રેકોર્ડ કર્યું હતું. એ ઉપરાંત સહેલી હો પહેલી પૂછો, મનમોહક યે પ્યાર અને ‘જાને કૈસી બહે યે હવા’ પણ ગાયા હતા. એ પછી ઉષા ખન્નાએ સુરેશનો અવાજ સાંભળી ફિલ્મ ‘સાજન બિન સુહાગન’ (૧૯૭૮) માં ‘જીજાજી જીજાજી હોનેવાલે જીજાજી’ માં ગવડાવ્યું હતું.

સુર – સિંગર સ્પર્ધામાં બીજા જજ સંગીતકાર જયદેવ હતા. એમણે પણ ફિલ્મ ‘ગમન’ ના એક ગીત ‘સીને મેં જલન’ માટે સુરેશને બોલાવ્યા. સુરેશે એ ગઝલનુમા ગીત ગાયું અને પહેલા જ ટેકમાં તૈયાર થઈ ગયું. ફરીથી ગાવાની જરૂર ન હોવાનું જયદેવે કહ્યું. પણ જ્યારે સુરેશે સાંભળ્યું ત્યારે એ થોડા દુ:ખી થયા. કેમકે એમાં બહુ દૂરથી અવાજ આવી રહ્યો હોય એવું લાગતું હતું. ફિલ્મમાં પણ બેકગ્રાઉન્ડમાં જ આ ગીત વાગવાનુ હતું. અસલમાં માઇક જ દૂર લગાવવામાં આવ્યું હતું. કેમકે ફિલ્મમાં પરિસ્થિતિ એવી હતી. સુરેશે કહ્યું કે બીજો એક ટેક લઈને ફરી રેકોર્ડ કરીએ. જયદેવે કહ્યું કે મારે જેવું જોઈએ છે એવું આવી ગયું છે. પછી શું જરૂર છે? સુરેશ ઘરે આવીને રડવા લાગ્યા હતા. એમની બહેને કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે ‘સીને મેં જલન’ માટે વધુ એક ટેક લીધો હોત તો સારું થાત. બહેને સમજાવ્યું કે જયદેવને પસંદ આવ્યું છે તો તારે ખુશ જ થવું જોઈએ.

ઈરફાન સાથેની મુલાકાતમાં સુરેશ વાડકરે કહ્યું છે કે ત્યારે કલ્પના ન હતી કે સંગીતની દુનિયામાં એ ગીત ‘સીને મેં જલન’ કેટલો મોટો મુકામ હાંસલ કરવાનું છે જેના માટે તે દુ:ખી થઈ રહ્યા હતા. આ ગીતથી જ લોકોને વધારે ખબર પડી હતી કે સુરેશ વાડકર નામનો નવો ગાયક આવ્યો છે.

(સુરેશ વાડકરને રાજ કપૂરની ફિલ્મ ‘પ્રેમરોગ’ ના ગીતોથી ખરી લોકપ્રિયતા મળી હતી. એ ફિલ્મ ગાયક અનવરે કેમ ગુમાવી હતી અને સુરેશને કેટલા રૂપિયા મળ્યા હતા એની રસપ્રદ વાતો આગામી લેખમાં વાંચશો.)