Home Blog Page 700

ગિરના જય-વીરુને શ્રદ્ધાંજલિ, સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ

ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહોની જોડી જય અને વીરુનું તાજેતરમાં અવસાન થયું હતું. રાજ્યસભા સાંસદ અને સિંહપ્રેમી પરિમલ નથવાણીએ આજે જોડીને સમર્પિત લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વિડિયો ગીત ‘જય-વીરુની જોડી’ તેમજ એક ડોક્યુમેન્ટરી ‘જય-વીરુની અમર ગાથા’નું લોકાર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી.

પરંપરાગત સંગીત અને લોકવાદ્યો સાથે તૈયાર થયેલું આ ગીત ગિરના રાજા સમાન બનેલા જય-વીરુના અતૂટ બંધન, અખૂટ શક્તિ અને અણમોલ બંધુત્વને શ્રદ્ધાંજલિ રૂપ છે. ગીતમાં જય અને વીરુનો પારસ્પરિક પ્રેમ તથા તેમની જોડીને બિરદાવનારાઓની હૃદયની લાગણીઓ પ્રતિબિંબિત થાય છે.

જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ આ ગીત અને ડોક્યુમેન્ટરીને સ્વર આપ્યો છે. ગીત અને ડોક્યુમેન્ટરીનું આલેખન તથા સ્ક્રીનપ્લે લેખક અને ગીતકાર પાર્થ તરપરાએ કર્યું છે. સંગીત ભાર્ગવ અને કેદારની જોડી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ જ ટીમે “ગિર ગજવતી આવી સિંહણ” નામનું લોકપ્રિય ગીત પણ બનાવ્યું હતું, જે ગત વર્ષે વર્લ્ડ લાયન ડે (10 ઓગસ્ટ,2024)ના દિવસે રિલીઝ થયું હતું.

ગુજરાતની લોક-સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકકલાવંતો દ્વારા સર્જાયેલું ‘જય-વીરુ ની જોડી’ એ માત્ર એક ગીત નથી, પણ ગિરના આ બે વિખ્યાત સિંહોની વિરાસતને ઉજાગર કરતી એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પણ છે. ‘જય-વીરુની અમર ગાથા’, બીજી બાજુ, સાસણ ગિરની સુંદરતા તેમજ પ્રભાવશાળી સિંહ જોડીની હાજરીએ તેને કઈ રીતે અસાધારણ બનાવતી હતી તેનું વર્ણન કરે છે. તે જય અને વીરુના અનંત બંધનને દર્શાવે છે.

ભાષા વિવાદ વચ્ચે કાજોલને શા માટે ટ્રોલ કરવામાં આવી?

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ હજુ સંપૂર્ણપણે અટક્યો નથી. આ દરમિયાન અભિનેત્રી કાજોલનો એક વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયો જોયા પછી, હિન્દી ભાષી નેટીઝન્સ ગુસ્સે ભરાયા છે અને અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે. ખરેખર, થયું એવું કે કાજોલ તાજેતરમાં મુંબઈમાં આયોજિત મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કારોમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન કાજોલ એક રિપોર્ટર પર ગુસ્સો વ્યક્ત કરતી જોવા મળી હતી અને તે પણ એટલા માટે કે તેણે અભિનેત્રીને હિન્દીમાં બોલવાનું કહ્યું હતું.

એવોર્ડ સમારોહમાં કાજોલને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત રાજ કપૂર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી, કાજોલે ત્યાંના લોકોને સંબોધિત કર્યા અને તેમનો આભાર માન્યો. આ સમય દરમિયાન, તે મોટાભાગે મરાઠી અને અંગ્રેજી બોલતી હતી. મીડિયા સાથે વાત કરતી વખતે, તેણીએ તેના મોટાભાગના જવાબો મરાઠીમાં આપ્યા. આ દરમિયાન એક પત્રકારે તેણીને હિન્દીમાં તેના શબ્દોનું પુનરાવર્તન કરવાનું કહ્યું. આ સાંભળીને કાજોલ ગુસ્સે થઈ ગઈ.

જ્યારે તેણીને હિન્દીમાં બોલવા બદલ અટકાવવામાં આવી, ત્યારે કાજોલે રિપોર્ટરને કહ્યું, ‘શું મારે હવે હિન્દીમાં બોલવું જોઈએ?’ એટલું જ નહીં, અભિનેત્રીએ આગળ કહ્યું, ‘જેઓ સમજવા માંગે છે તેઓ સમજી જશે.’ કાજોલનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સ તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક નેટીઝન્સ પૂછી રહ્યા છે, ‘જો તમને હિન્દી બોલવામાં તકલીફ છે, તો પછી તમે હિન્દી ફિલ્મો કેમ કરો છો?’ કેટલાક નેટીઝન્સે લખ્યું, ‘તેણીને મરાઠીની સાથે અંગ્રેજી બોલવામાં પણ તકલીફ નથી, પરંતુ હિન્દી બોલવામાં પણ તકલીફ છે.’ દરમિયાન, રાજ ઠાકરેની આગેવાની હેઠળની MNS એ તેના એક્સ એકાઉન્ટ પરથી કાજોલનો આ વીડિયો શેર કર્યો છે.

કાજોલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સન્માન સમારોહનો એક વીડિયો પણ શેર કર્યો છે. એ સાચું છે કે તેણે મરાઠી ભાષામાં ભાષણ આપ્યું હતું. તે અંગ્રેજી પણ બોલી હતી. પરંતુ, આ ઉપરાંત, તે હિન્દી પણ બોલી હતી. પરંતુ, કાજોલનો એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રિપોર્ટરને પૂછી રહી છે, ‘શું હવે મારે હિન્દુ ભાષામાં બોલવું જોઈએ?’ કાજોલના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં ફિલ્મ ‘મા’માં જોવા મળી હતી.

રાષ્ટ્રીય હાથવણાટ દિવસ ઉજવવાનો હેતુ શું છે? જાણો ક્યારે થઈ શરૂઆત

ભારતમાં દર વર્ષે 07 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હાથવણાટ દિવસ (National Handloom Day) ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની સમૃદ્ધ હાથવણાટ પરંપરાને સમર્પિત છે. આ દિવસ દેશના કારીગરોની અદ્ભુત કુશળતાને સલામ કરે છે.

ભારત સરકાર દ્વારા 2015માં ભારતના વણકરો અને હાથવણાટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસ દર વર્ષે હાથવણાટ અને કાપડ ઉદ્યોગ દ્વારા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય હાથવણાટ દિવસ ઉજવવા પાછળનો હેતુ, મહત્વ અને થીમ વિશે વાત કરીએ.

ઇતિહાસ

રાષ્ટ્રીય હાથવણાટ દિવસની શરૂઆત 2015 માં થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 07 ઓગસ્ટને રાષ્ટ્રીય હાથવણાટ દિવસ તરીકે જાહેર કર્યો હતો. રાષ્ટ્રીય હાથવણાટ દિવસ 1905 ના સ્વદેશી ચળવળની યાદમાં ઉજવવામાં આવે છે. જ્યારે ભારતીયોએ વિદેશી માલનો બહિષ્કાર કર્યો હતો અને હાથવણાટ ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું.

ઉદ્દેશ્ય

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી ઉદ્યોગોને, ખાસ કરીને હાથશાળ વણાટને પ્રોત્સાહન આપવાનો અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાંત, આ દિવસ ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની તક આપે છે.

થીમ

રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે એક ખાસ થીમ રાખવામાં આવી છે. આ વખતે થીમ ‘Dream It, DO It’ અને હાથવણાટ સાથે સ્વ-નિર્ભરતા છે: સ્થાનિક બનાવો, વૈશ્વિક બનો. આ થીમ દેશના હાથવણાટ ક્ષેત્રને વૈશ્વિક માન્યતા આપવા પર ભાર મૂકે છે.

કેશ કાંડમાં જસ્ટિસ વર્માની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. તેમના નિવાસસ્થાને લાગેલી આગ અને સળગેલા નોટોના મામલામાં સુપ્રીમ કોર્ટે રચેલી ત્રણ સભ્યોની તપાસ કમિટીની રિપોર્ટમાં તેમને દોષિત ઠેરવાયા હતા. જસ્ટિસ વર્માએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આજે આ અરજી ફગાવી દેવામાં આવી છે.

જસ્ટિસ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટની આંતરિક તપાસ રિપોર્ટ અને તે સમયેના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) દ્વારા તેમના વિરુદ્ધ કરવામાં આવેલી દૂર કરવાની ભલામણને પડકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તપાસ સમિતિએ તમામ નક્કી કરેલી પ્રક્રિયાઓનું પાલન કર્યું છે.જસ્ટિસ વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ એ. જી. મસીહની પીઠે સુનાવણી કરી. ખંડપીઠે કહ્યું હતું કે જસ્ટિસ વર્માનું વર્તન વિશ્વાસ પેદા કરતું નથી, તેથી તેમની અરજી પર વિચાર કરી શકાય તેમ નથી. ખંડપીઠે કહ્યું હતું કે ઇન-હાઉસ સમિતિની રચના અને તેની તપાસને ગેરકાયદે ગણાવી શકાતી નથી.

કોર્ટે કહ્યું હતું કે CJI અને તેમના દ્વારા નીમવામાં આવેલી ઇન-હાઉસ સમિતિએ તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું છે. ફક્ત ફોટા અને વિડિયો અપલોડ કરવામાં ન આવ્યા હતા. અમે તે સમયે પણ કહ્યું હતું કે તેની જરૂર નથી, પરંતુ તમે તે સમયે આ મુદ્દાને પડકાર્યો નહોતો. ખંપીઠે કહ્યું કે તત્કાલીન CJI સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીને જે પત્ર મોકલ્યો હતો, તે ગેરબંધારણીય નથી.

જસ્ટિસ વર્માનો કેસ?

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના સરકારી નિવાસસ્થાને આગ લાગી હતી. તે સમયે તેઓ ઘરે હાજર ન હતા. તેમના પરિવારજનોને ફાયર બ્રિગેડને ફોન કરીને મદદ માગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો, પણ જસ્ટિસ વર્માના બંગલામાં આગ બૂઝાવાની પ્રક્રિયા દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ જોવા મળી હતી, જેમાંથી ઘણા નોટો સળગીને બરબાદ પણ થઈ ગઈ હતી. આ જ સળગેલી નોટોને કારણે જસ્ટિસ વર્માની મુશ્કેલીઓ વધી હતી.

ટેરિફ મુદ્દે ભારત ક્યારેય સમજૂતી નહીં કરેઃ PM મોદી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર ભારે વધારાના ટેરિફ લગાવ્યાના એક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો પ્રતિસાદ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોનાં હિતોથી ક્યારેય સમજૂતી નહીં કરે. વડા પ્રધાન મોદીનુ આ નિવેદન વોશિંગ્ટનને સીધો સંદેશ માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જ્યારે રશિયન તેલના આયાતને લઈ ભારત અને અમેરિકા વચ્ચે વેપારી ટેન્શન વધ્યું છે.

Trump hits India with extra 25% tariff for Russia oil purchases. (File Photo: IANS)

PM મોદીએ કહ્યું હતું કે ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોનાં હિતોથી ક્યારેય સમજૂતી નહીં કરે. મારે આ માટે ભારે કિંમત ચૂકવવી પડશે, એ હું વ્યક્તિગત રીતે જાણું છું, પરંતુ હું તેને માટે તૈયાર છું. ભારત પોતાના ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભું છે અને હું તેમના કલ્યાણ માટે જે પણ પડકારો આવશે તેનો સામનો કરવા માટે તૈયાર છું. PM મોદીએ આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું હોવા છતાં ગ્રામ્ય સમુદાયને બચાવવા માટે પોતાની સરકારના સંકલ્પને દોહરાવ્યો હતો.દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમને સંબોધિત કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે મારે ખેડૂતોના હિતોની રક્ષા માટે કિંમત ચૂકવવી પડશે અને હું તે માટે તૈયાર છું. ભારત પોતાના ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભું છે અને હું તેમના કલ્યાણ માટે જે કરવું પડે તે કરવા તૈયાર છું.

વિદેશ મંત્રાલય આપી ચૂક્યું છે આકરો પ્રતિસાદ

PM મોદીની આ ટિપ્પણી આવી છે, એના એક દિવસ પહેલાં જ ભારતે અમેરિકાને કડક જવાબ આપ્યો હતો. બુધવારે જેમ જ ડોનાલ્ડ ટ્રમ્પે વધારાના 25 ટકા ટેરિફના આદેશ પર હસ્તાક્ષર કર્યા, તેમ જ ભારતીય વિદેશ મંત્રાલયે આ નિર્ણયની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ સંબંધિત નિર્ણય અન્યાયી, અયોગ્ય અને તર્કવિહીન છે.

શ્રી લોટસ ડેવલપર્સના શેર્સ 19 ટકા પ્રીમિયમે લિસ્ટઃ રોકાણકારોને બમ્પર રિટર્ન

મુંબઈઃ બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનના મૂડીરોકાણવાળી રિયલ એસ્ટેટ ડેવલપર શ્રી લોટસ ડેવલપર્સના શેરોએ ઘરેલુ શેરબજારોમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. કંપનીના IPOને રોકાણકારોનો પ્રોત્સાહક રિસ્પોન્સ મળ્યો હતો. કંપનીનો IPO ઓવરઓલ 74 ગણો ભરાયો હતો. આ IPO હેઠળ કંપનીએ રૂ. 150ની ઇશ્યુ કિંમતે શેર ઓફર કર્યા હતા.

કંપનીના શેર્સ એની ઇશ્યુ કિંમત કરતાં 19 ટકા વધુ રૂ. 179.10 (BSE) અને રૂ. 178 (NSE) પર લિસ્ટ થયા હતા. જોકે આ શેરમાં નફારૂપી વેચવાલી આવ્યા પછી શેર બાઉન્સ બેક થયો હતો અને એ જ દિવસે 30 ટકાથી વધુ વધીને રૂ. 195.80ના ભાવ પર બંધ થયો હતો.

કંપનીના રૂ. 792 કરોડનો IPO 30 જુલાઈથી એક ઓગસ્ટ સુધી ખૂલ્યો હતો. આ IPOને રોકાણકારોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો અને IPO 74.10 ગણો  ભરાયો હતો, જેમાં સંસ્થાકીય રોકાણકારો (QIB) માટે અનામત હિસ્સો 175.61 ગણો, બિનસંસ્થાકીય રોકાણકારો (NII)નો હિસ્સો 61.82 ટકા અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 21.77 ગણો અને કર્મચારીઓનો હિસ્સો 21.37 ગણો ભરાયો હતો. આ IPO હેઠળ રૂ. એકની મૂળ કિંમત ધરાવતા 5.28 કરોડ નવા શેરો જારી થયા હતા. આ શેરો દ્વારા ઊભું થયેલા ફંડમાંથી રૂ. 550 સબસિડિયરીઝમાં મૂડીરોકાણ અને બાકીના નાણાં કંપનીના અન્ય ઉદ્દેશો પર ખર્ચ થશે.

ઘરેલુ બજારમાં IPOનું લિસ્ટિંગ ગ્રે માર્કેટની અપેક્ષાઓ કરતાં પણ સારું રહ્યું હતું, જ્યાં આશરે 18 ટકા પ્રીમિયમની આશા દર્શાવવામાં આવી હતી.

જાણીતા ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની ફેબ્રુઆરી, 2015માં બનેલી આ કંપની મુંબઈમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીઝ બનાવે છે. કંપની મુખ્યત્વે અલ્ટ્રા લક્ઝરી અને લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ બનાવવા પર કેન્દ્રિત છે. જૂન, 2025 સુધીના આંકડા મુજબ કંપનીના ચાર પ્રોજેક્ટસ પૂરા થઈ ચૂક્યા છે અને પાંચ ચાલી રહ્યા છે અને આગામી 11 પ્રોજેક્ટ આવવાની સંભાવના છે.

કંપનીમાં અમિતાભ, આશિષ કચોલિયા, શાહરુખ ખાન અને રાકેશ રોશન જેવા દિગ્ગજોએ મૂડીરોકાણ કર્યું છે. કંપનીએ નાણાં વર્ષ 2023માં રૂ. 16.80 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો, જે નાણાં વર્ષ 204માં વધીને રૂ. 119.14 કરોડ અને નાણાકીય વર્ષ 2025માં રૂ. 227.89 કરોડે પહોંચ્યો હતો. કંપનીની કુલ આવક 2023માં રૂ. 169.95 કરોડ, 2024માં રૂ. 466.19 કરોજ અને 2025માં રૂ. 569.28 કરોડની કરી હતી. કંપની ટર્નઅરાઉન્ડ છે, જેથી કંપનીનાં દેવાંમાં ઝડપથી ઘટાડો થયો છે. કંપનીના દેવાં જે 2023માં 328.93 કરોડ હતું, એ 2024માં વધીને 428.24 કરોડે પહોંચ્યું હતું, પરંતુ એ 2025માં ઘટીને રૂ. 122.13 કરોડે આવી ગયું હતું.

આ IPOની સફળતા પછી શ્રી લોટસ ડેવલપર્સના આનંદ પંડિતે મુંબઈમાં એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં બોલીવૂડની સેલિબ્રિટીનો જમાવડો થયો હતો. એ પાર્ટીની ઝલક જોવા માટે લિંક પર કરો ક્લિકઃ 

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

ફ્રેન્ડ અને ફ્રેન્ડશિપની વ્યાખ્યા શું?

ગયા રવિવારે દુનિયાભરમાં મૈત્રી-દિવસ ઊજવાયો. સંયોગથી એ દિવસે તથા આગલાપાછલા દિવસોમાં ભારતના ફ્રેન્ડ એવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દોસ્તી ભૂલીને લાદેલા 25 ટકા ટેરિફ વિશે જાતજાતના મેસેજીસ, મીમ્સ, કાર્ટૂન્સ પ્રસારિત થયા. જો કે એ વિષય અર્થશાસ્ત્રીઓનો, પ્રખર રાજકારણીઓનો છે. આપણે ફ્રેન્ડશિપની વાત કરીએ.

ફ્રેન્ડશિપ ડે આવે એટલે ખાસ કરીને સોશિયલ મિડિયા પર જાતજાતના મેસેજીસ વહેતા થાય. જેવા કેઃ જીવનની દરેક સમસ્યાનો ટોલ-ફ્રી નંબર એટલે મિત્ર… આખી દુનિયા સાથ છોડી જાય ત્યારે સાથ નિભાવે એનું નામ મિત્ર… વગેરે.

કેવા હોય છે સમસ્યામાં કામ લાગતા આ ટોલ-ફ્રી નંબર? વિશ્વવિખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ, ફોર્ડ મોટર કંપનીના માલિક હેન્રી ફોર્ડને તેમની જીવનસંધ્યાએ એક પત્રકારે સવાલ કર્યોઃ “આજે આપની પાસે ધનસંપત્તિ, પ્રતિષ્ઠા… જે જોઈએ એ બધું જ છે. પણ આજે તમે વિચાર કરો ત્યારે એવું લાગે કે કશુંક એવું છે, જે હજી આપને મળ્યું નથી?”

ફોર્ડે ઉત્તર આપતાં કહ્યું: “સાચો મિત્ર… મારી પાસે સાચો મિત્ર નથી.”

અહીં તમે એક વસ્તુ માર્ક કરી? હેન્રી ફોર્ડે મિત્ર આગળ ‘સાચો’ શબ્દ મૂક્યો, કારણ કે મિત્રો બનવા અને મળવા સહેલા છે, પણ સાચો મિત્ર મળવો ઘણો મુશ્કેલ છે.

કંઈ આવો જ પ્રશ્ન એક નિવૃત્ત સૈનિકને પૂછવામાં આવ્યોઃ “સર, તમને સરહદ પર રહેવું ગમે કે સમાજમાં?”

સૈનિકે કહ્યું કે “સરહદ પર… કારણ કે ત્યાં તો મને ખબર છે કે મારી સાથે ખભેખભા મિલાવીને લડી રહ્યો છે તે મારો દોસ્ત છે અને સામે છે તે દુશ્મન, જ્યારે સમાજમાં ખબર જ નથી પડતી કે કોણ દોસ્ત છે ને કોણ દુશ્મન.”

બાળપણમાં શેરી-મેદાનમાં રમતાં, સ્કૂલ-કોલેજમાં ભણતાં, નોકરી-ધંધો કરતાં આપણને પણ ઘણી વાર આવી મૂંઝવણ થઈ હશે કે કે આ મારો દોસ્ત છે કે દુશ્મન? ઘણાને મૈત્રી કર્યા પછી પસ્તાવું પડે છે, કારણ કે મિત્રના લક્ષણ જોઈને આપણે મિત્ર નથી બનાવ્યો. મિત્ર એ નથી જે આપણને સિગારેટ ફૂંકવામાં, દારૂની મહેફિલોમાં સાથ આપે, નશો ચઢાવી વ્યસની બનાવે, વ્યભિચારના માર્ગે ચઢાવી આપણું ચારિત્ર્ય ભ્રષ્ટ કરે. મિત્રનો ધર્મ એ છે કે આપણને ખરાબ માર્ગે જતાં રોકે અને સારા માર્ગે ચાલવા માટે સમજાવે.

ચિપ પર 100 ટકા ટેરિફ લગાવશે ટ્રમ્પ,  પણ એપલને રાહત

નવી દિલ્હીઃ ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનો માર્ગ અપનાવી રહ્યા છે. આ ક્રમમાં હવે તેમણે વિદેશી ચિપ પર 100 ટકા ટેરિફ લગાવવાનો સંકેત આપ્યો છે. આ ઘરેલુ ઉત્પાદનને મજબૂત કરવાની વ્યૂહરચનાનો ભાગ છે. અમેરિકન રાષ્ટ્રપતિએ એપલના CEO ટિમ કુક સાથે ઓવલ ઓફિસમાં થયેલી બેઠકમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં વિદેશી દેશોમાંથી આવતી તમામ ચિપ્સ પર 100 ટકા ટેરિફ લગાવવાની યોજના છે, પણ આ એપલ માટે લાગુ નહીં થશે.

ટેરિફમાંથી એપલને છૂટ શા માટે?

એપલના CEO સાથે બેઠકમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કોઈ કંપની અમેરિકામાં જ ઉત્પાદન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે કે ત્યારે આવું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, તો તેમને ટેરિફ લાગુ નહીં થાય. આ રીતે ટ્રમ્પે એપલને રાહત આપવા અંગે વાત કરી છે. ટ્રમ્પના પ્રસ્તાવનો હેતુ વૈશ્વિક ટેક કંપનીઓને અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ કાર્ય વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેથી વિદેશી સપ્લાય ચેઇન પરની નિર્ભરતા ઓછી થઈ શકે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે એપલ જેવી કંપનીઓને છૂટ મળશે, કારણ કે કંપની અમેરિકામાં ઉત્પાદન માટે મોટું રોકાણ કર્યું છે.

ભારત પર અમેરિકા દ્વારા 50 ટકા ટેરિફ લાગુ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક નવો આંચકો આપ્યો હતો. ટ્રમ્પે ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લગાવી દીધા છે. થોડા દિવસ પહેલાં જ તેમણે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યા હતા. હવે બુધવારે ફરીથી વધુ ટેરિફ લગાવ્યા છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે ધમકી આપતાં કહ્યું હતું કે ભારત માત્ર રશિયાથી તેલ ખરીદે છે નહીં, પણ તેને ખુલ્લા બજારમાં વેચીને ભારે નફો પણ કમાય છે. તેમને પરવા નથી કે યુક્રેનમાં રશિયાની હિંસાથી કેટલા લોકો મરે છે, એટલે હું હવે ભારત પર વધુ ટેરિફ લગાવીશ.

ટ્રમ્પ ટેરિફ: દેશની 86 અબજ $ની નિકાસ પર પ્રતિકૂળ અસર

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી અમેરિકા જતાં ઉત્પાદનો પર 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો છે. આ પગલાં પછી હવે ભારતીય માલ પર અમેરિકન ટેરિફ દર 50 ટકાએ પહોંચી ગયો છે. ટ્રમ્પે આ પગલું રશિયાથી તેલ ખરીદવાનું ચાલુ રાખવાના બદલામાં પેનલ્ટી રૂપે ભારત પર લીધો છે. 31 જુલાઈ 2025એ જાહેર કરાયેલો 25 ટકાનો નવા ટેરિફનો દર સાત ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે. જ્યારે વધારાનો 25 ટકા ટેરિફ હવે 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટથી લાગુ પડશે.

‘મિત્ર’ ભારત માટે ટ્રમ્પનો આ નિર્ણય ભારતીય ટેક્સટાઈલ, દરિયાઈ ઉત્પાદનો અને ચામડાનાં નિકાસ ક્ષેત્રો પર પ્રતિકૂળ અસર કરશે  ભારતે અમેરિકાના પગલાંને ગેરવાજબી અને અવિવેકપૂર્ણ ગણાવ્યાં છે, તેમ છતાં, ટેરિફ વધતાં ભારતીય નિકાસકારો, ખાસ કરીને MSME  માટે એક મોટી ચિંતાની સ્થિતિ ઊભી થઈ છે. જોકે, એવી ચીજો જે પહેલાથી જ છૂટછાટવાળી કેટેગરીમાં આવે છે, તે આ વધારાના ટેરિફથી બચી જશે.

નિકાસકારોને મતે  અમેરિકાના પગલાં ભારતના 86 અબજ ડોલરના નિકાસ પર પ્રતિકૂળ અસર કરશે. જૂન, 2025માં ભારત તરફથી અમેરિકા થતી નિકાસ 23.53 ટકા વધી ને 8.3 અબજ ડોલર થઈ હતી. વેપાર મંત્રાલયના આંકડા અનુસાર એ જ સમયગાળામાં અમેરિકા તરફથી આયાત 10.61 ટકા ઘટીને લગભગ 4 અબજ ડોલર રહી હતી. એપ્રિલ-જૂન 2025માં અમેરિકામાં નિકાસ 22.18 ટકા વધીને 25.51 અબજ ડોલર થઈ હતી, જ્યારે આયાત 11.68 ટકા વધીને 12.86 અબજ ડોલર થઈ હતી. નાણાકીય વર્ષ 2025 દરમિયાન અમેરિકાથી ભારતમાં 5.45 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ (FDI) આવ્યું હતું.

2024-25માં ભારત-અમેરિકા દ્વિપક્ષી વેપાર 131.8 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. જેમાં ભારતે 86.5 અબજ ડોલરના માલની નિકાસ કર્યો હતો. તેમાં ટેક્સટાઈલ અને એપેરલનો હિસ્સો 10.3 અબજ ડોલર, જેમ્સ એન્ડ જ્વેલરી 12 અબજ ડોલર,, ઝિંગા 2.24 અબજ ડોલર,  ચામડાં અને ફૂટવેર 1.18 અબજ ડોલર, કેમિકલ્સ 2.34 અબજ ડોલર, અને મશીનરી 9 અબજ ડોલરનો હિસ્સો હતો, જ્યારે આયાત 45.3 અબજ ડોલર રહી હતી.

૦૭ ઓગસ્ટ ૨૦૨૫