Home Blog Page 71

ઊર્જા સુરક્ષા અને AIથી નક્કી થશે ભારતનું ભવિષ્યઃ ગૌતમ અદાણી

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ નવી દિલ્હીમાં યોજાયેલી કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની વાર્ષિક બિઝનેસ સમિટ 2026ને સંબોધિત કરી હતી હતી. વૈશ્વિક અર્થતંત્ર હવે એવા નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં વ્યૂહાત્મક શક્તિ ઊર્જા અને ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિકી હક પર આધારિત રહેશે, એમ તેમણે કહ્યું હતું. આ વર્ષના શિખર સંમેલનનો વિષય ધ ફ્યુચર- ગ્લોબલ ઇકોનોમી, ઇન્ડસ્ટ્રી, સોસાયટી છે. આ બે દિવસના કાર્યક્રમમાં વર્ષ 2047 સુધી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના રોડમેપ પર ચર્ચા થશે.

તેમણે કહ્યું હતું કે ભારતની કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ક્રાંતિનો સાચો અર્થ ત્યારે સાબિત થશે જ્યારે તે માત્ર મોટા કોર્પોરેટ બોર્ડરૂમ્સ સુધી સીમિત ન રહી, પરંતુ સામાન્ય નાગરિકો, કામદારો, ખેડૂતો, નર્સો અને નાના વેપારીઓને સશક્ત બનાવશે. તેમણે જણાવ્યું હતું કે ભારતે એ માન્યતા નકારી દેવી જોઈએ કે AIનો મુખ્ય હેતુ નોકરીઓ ખતમ કરવાનો અને માનવીય શ્રમને બદલી નાખવાનો છે.

સેમિકન્ડક્ટર્સ હવે રાષ્ટ્રની વ્યૂહરચનાના સાધન બની ગયા છે. ડેટાને રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે. ક્લાઉડ સિસ્ટમ્સને હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર્સની સુરક્ષિત દીવાલોની પાછળ તૈયાર થઈ રહી છે. જે દેશ પોતાની ઊર્જા પર નિયંત્રણ રાખે છે તે પોતાના ઔદ્યોગિક ભવિષ્યને શક્તિ આપશે. જે દેશ પોતાના કોમ્પ્યુટ પર નિયંત્રણ રાખે છે તે પોતાના બુદ્ધિશાળી ભવિષ્યને શક્તિ આપશે. અને જે દેશ બંને પર નિયંત્રણ રાખશે, તે આગામી સદીનું નેતૃત્વ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત માટે તક અનોખી છે કારણ કે દેશ જે ઉત્પાદન કરી રહ્યો છે, તેની માગ પહેલેથી જ ઉપલબ્ધ છે — મેન્યુફેક્ચરિંગ, મોબિલિટી, લોજિસ્ટિક્સ, ડિજિટલ સેવાઓ અને ગ્રાહક બજારોમાં.

ભારત પહેલેથી જ 500 ગીગાવોટ (GW)થી વધુ સ્થાપિત વીજ ક્ષમતા પાર કરી ચૂક્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં AI નો ઉપયોગ વધતા ઊર્જા તથા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશાળ વિસ્તરણની જરૂર પડશે. તેમણે જણાવ્યું કે AIને માત્ર સોફ્ટવેર તરીકે નહીં, પરંતુ ઊર્જા, કોમ્પ્યુટ, નેટવર્ક્સ, ચિપ્સ, ડેટા સેન્ટર્સ, એપ્લિકેશન્સ અને ટેલેન્ટના સંપૂર્ણ આર્થિક માળખા તરીકે જોવું જોઈએ.

ભારતની લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેન્દ્રસ્થાનમાં રાખતા તેમણે અદાણી ગ્રુપના 100 અબજ ડોલરના એનર્જી ટ્રાંઝિશન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં ગુજરાતના ખાવડામાં  30-GW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ અને ભારતના સોવરિન કોમ્પ્યુટ ઇકોસિસ્ટમ માટે ગૂગલ તથા માઇક્રોસોફ્ટ સાથેની ભાગીદારીઓનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું હતું કે ભારતે એ માન્યતાને નકારવી જોઈએ કે AI અનિવાર્ય રીતે રોજગારી ખતમ કરે છે. તેને બદલે એવા AI સિસ્ટમ્સ વિકસાવવી જોઈએ જે ઉત્પાદનક્ષમતા વધારે, નવા ઉદ્યોગો ઊભા કરે અને ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવે.  તેમણે કહ્યું  હતું કે ભવિષ્ય આપમેળે આવતું નથી, તેને બનાવવું પડે છે.

તેમણે AI અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 અબજ ડોલર (આશરે રૂ. 8.4 લાખ કરોડ) ખર્ચવાની વાત પણ કરી હતી. તેમનું લક્ષ્ય ભારતને આવનારા સમયમાં વૈશ્વિક AI હબ બનાવવાનું છે.

ચંદ્રનાથ રથ હત્યાકાંડઃ ત્રણ સંદિગ્ધની ધરપકડ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીના ખાનગી સહાયક- PA ચંદ્રનાથ રથ હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની તપાસ કરી રહેલી SIT એ ઉત્તર પ્રદેશમાં દરોડા પાડી ત્રણ શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. તેમની કડક પૂછપરછ ચાલી રહી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પૂછપરછથી હત્યાના કાવતરાનો ખુલાસો થવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા મુજબ રવિવારે મયંક રાજ મિશ્રા અને વિક્કી મૌર્યને બિહારના બક્સરથી તેમ જ રાજ સિંહને ઉત્તર પ્રદેશના બલિયાથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ થયેલી પૂછપરછ પછી આજે સવારે બંગાળની મધ્યમ ગ્રામ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ સિંહ મૂળ બલિયાનો રહેવાસી હોવાનું કહેવાય છે. તે હાલમાં બક્સરમાં રહેતો હતો. આ ઘટનાના બાદ તે અયોધ્યામાં છુપાયો હતો. કોલકાતા પોલીસ અને અયોધ્યા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને વધુ પૂછપરછ માટે કોલકાતા લઈ જવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હત્યાનું કાવતરું રચવામાં અને તેને અંજામ આપવામાં ઓછામાં ઓછા આઠ લોકો સામેલ હતા. પોલીસનું માનવું છે કે હુમલાખોરોએ ચંદ્રનાથ રથને નિશાન બનાવતાં પહેલા વિગતવાર રેકી કરી હતી.

UPI ટ્રાન્ઝેક્શનથી ખૂલ્યો હત્યાનો ભેદ

ચંદ્રનાથ રથ હત્યાકાંડની તપાસમાં પોલીસને સૌથી મોટો ટેક્નિકલ સૂત્ર એક UPI પેમેન્ટમાંથી મળ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ હત્યામાં વપરાયેલી કાર જ્યારે હાવડાના બાલી ટોલ પ્લાઝા પરથી પસાર થઈ હતી, ત્યારે આરોપીઓએ ફાસ્ટેગ કે રોકડની જગ્યાએ UPI મારફતે ટોલ ચૂકવ્યો હતો. આ ડિજિટલ લેવડદેવડને આધારે પોલીસ સંદિગ્ધોના મોબાઇલ નંબર અને બેંક ડિટેલ્સ સુધી પહોંચી ગઈ. ટેક્નિકલ ટ્રેકિંગને આધારે તપાસની કડીઓ ઉત્તર પ્રદેશ અને ઝારખંડ સુધી પહોંચી ગઈ છે.

CCTVમાં દેખાઈ સંદિગ્ધ સિલ્વર કારટોલ પ્લાઝાના CCTV ફુટેજ તપાસતાં પોલીસે હત્યાથી થોડા કલાકો પહેલા સિલ્વર રંગની નિસાન માઇક્રા કાર જોઈ હતી, જેમાં ત્રણ શંકાસ્પદ સવાર હતા. તપાસકર્તાઓનું માનવું છે કે મધ્યમગ્રામમાં ચંદ્રનાથ રથની સ્કોર્પિયો કાર રોકવા માટે આ જ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ કાર દોહરિયા વિસ્તારમાંથી જપ્ત કરી લીધી હતી. આશંકા છે કે ઘટનાના બાદ આરોપીઓ કાર છોડીને બીજી બાઈક અથવા અન્ય વાહનથી ફરાર થઈ ગયા હતા.

આધ્યાત્મિકતા : અંદરના બીજને ઉગાડવાની પ્રક્રિયા

સદગુરુ: અધ્યાત્મિક પ્રક્રિયા, એવી કોઈ વસ્તુ, જે તમે જોઈ શકતા નથી તે માટેની ઘેલી ઝંખના, આ સ્થાયી ભૂમિ છોડીને આકાશને સ્પર્શ કરવાનું ગાંડપણ નવું નથી. તેણે માનવ હૃદયમાં હંમેશા તબાહી મચાવી છે. ઘણા લોકોએ તેને દબાવીને જીવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેઓ ક્યારેય જીવી શક્યા નહીં. જે લોકો મનુષ્યની આંતરિક ઝંખનાને દબાવીને ગમે તે રીતે જીવન પસાર કરવાનો પ્રયત્ન કરે છે, તેઓ માત્ર અધૂરું જીવન જીવે છે, ક્યારેય સંપૂર્ણ રીતે નહીં કારણકે ભૌતિકતા એ જીવનનો અડધો ભાગ પણ નથી, પરંતુ તેનાથી ઘણું ઓછું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો આટલો વિકાસ થવા છતા, આપણે આ સૃષ્ટિનું કદ માંપી શક્યા નથી. તેની તુલનામાં તમારું શરીર, આ ગ્રહ, સૌર મંડળ, તારા મંડળ, બધા દિવ્ય આત્માઓ, માત્ર સૃષ્ટિના એક નાના કણ જેટલી જગ્યા જ રોકે છે.

તેથી જે ભૌતિકતાથી પરે છે તેનું આ સૃષ્ટિ પર વધુ વર્ચસ્વ છે. પરંતુ માનવીય દ્રષ્ટિકોણ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે – જે તમને અસ્તિત્વ જાળવી રાખવા માટે અપાયો છે, પરંતુ લોકો તેને જીવનનાં સર્વોચ્ચ સાધન તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે, જેનાથી ભૌતિકતાની એક વિચિત્ર સમજણ ઉભી થાય છે. હકીકતમાં તો મોટા ભાગના લોકો અહીં એવી રીતે જીવે છે જાણે ભૌતિકતા જ બધું છે. બહુ ઓછા લોકો સમજે છે કે તે મહત્વપૂર્ણ છે પરંતુ સર્વસ્વ નથી.

પરંતુ જયારે કોઈ પરિમાણ જે ભૌતિકતાથી પરે છે, તે તમને અતિ-પ્રભાવિત કરે છે અને જ્યારે દરેક દિશાઓમાંથી તેનો પ્રભાવ છલકાય છે, જેનો વેગ વધવાથી તમે જોશો કે ભૌતિકતા કેટલી નજીવી છે.

તમારા અસ્તિત્વના લક્ષણનો યોગ્ય દ્રષ્ટિકોણ મેળવવો ઘણો મુશ્કેલ છે કારણકે તમારામાં જીવનના અસ્તિત્વની ભાવના પ્રમાણે જીવનની સામાજિક સૂઝ ઘણી વધારે છે. જેને આજે વિશ્વમાં આધ્યાત્મિકતા કહેવામાં આવે છે, તે મોટે ભાગે એક સામાજિક દ્રષ્ટિકોણ જ છે. અસ્તિત્વનું પ્રમાણ ઘણું ઓછું છે. મોટા ભાગના લોકો માટે, આધ્યાત્મિકતા એટલે પોતાના ભગવાનમાં વિશ્વાસ રાખવો, તેમની પૂજા કરવી અને દરરોજ ભગવાને શું કરવું, ના કરવું, તેની સલાહ આપવી જેમકે- “હે ભગવાન, મને આ આપો, પેલું આપો, મારું રક્ષણ કરો.”

આધ્યાત્મિકતા કોઈ તત્વજ્ઞાન અથવા તો ફિલોસોફી કે માન્યતા જેવી વસ્તુ નથી જે તમે કરી શકો. તે એવું કંઈક છે જે તમે બની શકો. તમે જે છો તેનો તે એક ખુબ અનિવાર્ય લક્ષણ છે. શા માટે હંમેશા તે વસ્તુ પર ભાર મુકવામાં આવે છે કે માનવ જીવન સૌથી અગત્યનું છે, તે માત્ર એટલા માટે કે, તાજેતરમાં માનવ જીવન અહી એકમાત્ર જીવન છે જે પોતાની સમજદારી થકી પોતાના જીવનના બેકાબુપણાથી પરે જઈ શકે છે. જયારે લોકોએ ગૌતમ બુદ્ધને પૂછ્યું, “કેમ તમે આ હજારો લોકો સાથે તમારો સમય વેડફો છો, શું તેઓ તેને લાયક છે? તમે એક અધ્યાત્મિક શિક્ષક છો, તમારે તમારો સમય નાના જૂથ જે વધારે કેન્દ્રિત હોય તેમની સાથે ગાળવો જોઈએ.” ગૌતમે કહ્યું, “ તેઓ બધા બોધીસત્વ છે, “બોધીસત્વ” એટલે બુદ્ધ બનવાની સંભાવના ધરાવનારા. અત્યારે તેઓ મુર્ખામી ભર્યું જીવન જીવી રહ્યા હશે પરંતુ તેમનામાં સંભાવના રહેલી છે. જ્યાં સુધી તે સંભાવનાનું બીજ અખંડ છે, ત્યાં સુધી માત્ર ફળદ્રુપ જમીન શોધવાનો પ્રશ્ન છે, બસ. તેનો નાશ કરી શકાતો નથી. તે બીજ જે નિર્જીવ પત્થર જેવું દેખાય છે, તે એક મહાન ફૂલ બની શકે છે જો તમે માત્ર તેને શક્યતા આપી શકો તો. આ શક્યતાને મુળિયા આપીને તેને ઉગવાની મંજુરી આપવી તેજ આધ્યાત્મિકતાની સંપૂર્ણ પ્રક્રિયા છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

 

તામિલનાડુનો ખાલી ખજાનોઃ CM વિજય, એમ.કે. સ્ટાલિન વચ્ચે વાદવિવાદ

નવી દિલ્હી: તામિલનાડુમાં હવે ‘વિજય રાજ’ની શરૂઆત થઈ ગઈ છે. અભિનેતા પરથી નેતા બનેલા વિજયે રવિવારે મુખ્ય મંત્રી પદના શપથ લીધા હતા. તામિલનાડુના ઇતિહાસમાં છેલ્લાં 60 વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે રાજ્યમાં AIADMK અને DMK સિવાય કોઈ ત્રીજી પાર્ટીની સરકાર બની છે. પરંતુ નવી સરકાર બનતાં જ ‘ખાલી ખજાના’ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. મુખ્ય મંત્રી વિજય અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિન વચ્ચે આ મુદ્દે વાદવિવાદ થયો છે.

શપથવિધિ બાદ પોતાના સમર્થકોને સંબોધતાં વિજયે કહ્યું હતું કે મારે તામિલનાડુ સરકારની હાલની સ્થિતિ વિશે તમને જણાવવું છે. રાજ્ય પર 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું કર્જ છે અને સરકારી ખજાનો સંપૂર્ણ ખાલી છે. આ નિવેદન પર સ્ટાલિને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તામિલનાડુનાં દેવાંનો સ્તર મર્યાદાની અંદર છે. હમણાંથી જ એવું કહેવાનું શરૂ ન કરો કે સરકાર પાસે પૈસા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં રજૂ થયેલા બજેટમાં અમે રાજ્યની આર્થિક સ્થિતિ વિશે સ્પષ્ટ માહિતી આપી હતી. શું તમને તેની ખબર નહોતી? આ માહિતી બાદ જ તમે જનતાને અનેક વચનો આપ્યાં હતાં. જેમણે તમને મત આપ્યો છે તેમને છેતરશો નહીં અને મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ ન કરો.

શું ખરેખર તામિલનાડુ એટલા મોટા દેવાંમાં છે?

GSDPના હિસાબે તામિલનાડુ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય છે. પ્રથમ સ્થાન પર મહારાષ્ટ્ર છે. સૌથી વધુ દેવાં ધરાવતાં રાજ્યોમાં પણ તામિલનાડુ બીજા ક્રમે આવે છે. ફેબ્રુઆરીમાં રજૂ થયેલા તામિલનાડુ સરકારના આંતરિક બજેટમાં જણાવાયું હતું કે માર્ચ, 2027 સુધી રાજ્યનાં દેવાં વધીને 10.71 લાખ કરોડ રૂપિયા થઈ જશે. વર્ષ 2025-26 સુધી રાજ્ય પર 9.52 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું.

તામિલનાડુ સરકારનો સબસિડી પરનો ખર્ચ સતત વધી રહ્યો છે. આંતરિક બજેટ મુજબ 2026-27માં રાજ્ય સરકારનો સબસિડી પરનો ખર્ચ 1.56 લાખ કરોડ રૂપિયાથી વધુ રહેશે. 2027-28માં તે વધીને 1.64 લાખ કરોડ રૂપિયા અને 2028-29માં 1.72 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે. એટલે કે સબસિડી પરનો ખર્ચ દર વર્ષે અંદાજે પાંચ ટકાના દરે વધતો રહેશે.

પંચાંગ 11/05/2026

સુવિચાર – ૧૧ મે ૨૦૨૬

૧૧ મે ૨૦૨૬

સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ મોદીનો રોડ-શો અને વિશેષ યજ્ઞ

પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યારે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 11 મેના રોજ સોમનાથ મંદિરના ઈતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર યોજાનારું પ્રથમ ‘કુંભાભિષેક’ છે.

સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર શિખર કુંભાભિષેક

પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના મંદિરોમાં જોવા મળતી આ પવિત્ર પરંપરા હવે સોમનાથમાં પણ સાકાર થશે. આ વિધિ માટે દેશના ૧૧ પવિત્ર તીર્થસ્થાનો પરથી પવિત્ર જળ લાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશાળ ક્રેન દ્વારા પવિત્ર કુંભને શિખર સુધી લઈ જવામાં આવશે અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિખરનો અભિષેક કરવામાં આવશે.

PM મોદીનો ભવ્ય રોડ શો અને વિશેષ પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે સોમનાથમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન હેલીપેડથી મંદિર સુધી ભવ્ય રોડ શો કરશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો તેમનું સ્વાગત કરશે. સોમનાથ મંદિર પહોંચ્યા બાદ પીએમ મોદી વિશેષ યજ્ઞમાં આહુતિ આપશે અને મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેમની ગરિમામય ઉપસ્થિતિમાં ૧૧ તીર્થોના જળથી મહા કુંભાભિષેક સંપન્ન થશે.

 

PM મોદી ગુજરાત પ્રવાસે, જામનગરમાં જનસભાથી કરી શરુઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. આજે ૧૦ મેની મોડી રાત્રે જામનગર ખાતે ઉતરાણ કરતાની સાથે જ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં આયોજિત વિશાળ જનસભામાં લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોમાં વડાપ્રધાન પ્રત્યેનો પ્રેમ એટલો અજોડ હતો કે, અનેક લોકો ‘દિલ સે મોદી’ લખેલી ખાસ ઘડિયાળો પહેરીને તેમને આવકારવા ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી આજે રાત્રિ રોકાણ જામનગરમાં જ કરશે, જે બાદ આવતીકાલનો તેમનો કાર્યક્રમ આધ્યાત્મિક અને સામાજિક રીતે ખૂબ જ મહત્વનો બની રહેશે.

સોમનાથ અમૃત મહોત્સવ: ૭૫ વર્ષની ઐતિહાસિક સફરની ઉજવણી

આવતીકાલે ૧૧ મેના રોજ સવારે ૧૦:૧૫ વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પહોંચશે. આ અવસર ખાસ છે કારણ કે સોમનાથના પુનઃનિર્મિત મંદિરના ઉદ્ઘાટનને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉજવણી ‘સોમનાથ અમૃત મહોત્સવ’ તરીકે કરવામાં આવી રહી છે. પીએમ મોદી અહીં ભગવાન સોમનાથની વિશેષ મહાપૂજા કરશે અને કુંભાભિષેક તથા ધ્વજારોહણ જેવી પવિત્ર વિધિઓમાં ભાગ લેશે. આ ઐતિહાસિક દિવસની યાદમાં તેઓ ખાસ ટપાલ ટિકિટ અને સ્મરણાત્મક સિક્કો પણ જાહેર જનતા માટે બહાર પાડશે. સોમનાથની આ મુલાકાત ભારતની સાંસ્કૃતિક ચેતનાને વધુ વેગ આપશે.

શિક્ષણ ક્ષેત્રે નવી ભેટ: વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું લોકાર્પણ

સોમનાથમાં ભક્તિભાવ સાથે સમય વિતાવ્યા બાદ, પ્રધાનમંત્રી સાંજે ૬ વાગ્યે સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લેશે. અહીં તેઓ પાટીદાર સમાજ અને અન્ય વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલી ભવ્ય ‘સરદારધામ હોસ્ટેલ’નું ઉદ્ઘાટન કરશે. આ આધુનિક શૈક્ષણિક સંકુલમાં ૧,૦૦૦ યુવકો અને ૧,૦૦૦ યુવતીઓ માટે રહેવા-જમવાની વર્લ્ડ ક્લાસ સુવિધા ઉપલબ્ધ છે. પીએમ મોદી અહીં તૈયાર કરાયેલી હાઈટેક ઇ-લાઇબ્રેરી, ઓડિટોરિયમ અને સેન્ટ્રલ ડાઇનિંગ હોલનું નિરીક્ષણ કરી રાજ્યના યુવાધનને પ્રેરિત કરશે.

ગોલ્ડ, પેટ્રોલ અને ડીઝલને લઈને PM મોદીની લોકોને ખાસ અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના હૈદરાબાદમાં આશરે 9400 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી વચ્ચે રાજકીય સૌહાર્દ અને હળવી મજાક જોવા મળી હતી. પીએમ મોદીએ રેવંત રેડ્ડીના વિઝન પર પ્રતિભાવ આપતા રમૂજમાં એક મહત્વની ઓફર પણ કરી દીધી હતી.

રેવંત રેડ્ડીનું ‘તેલંગાણા મોડેલ’ અને PMનો પ્રતિભાવ

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, જે રીતે મનમોહન સિંહના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ‘ગુજરાત મોડેલ’ વિકસાવ્યું હતું, તેવી જ આશા હવે તેલંગાણાની જનતાને છે. તેમણે ૨૦૩૪ સુધીમાં તેલંગાણાને ૧ ટ્રિલિયન ડોલરની અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આના જવાબમાં પીએમ મોદીએ હસતા હસતા કહ્યું કે, “રેવંતજીએ કહ્યું હતું કે આપણે રાજકીય વાત નહીં કરીએ, તો હું પણ નહીં કરું. ૧૦ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને જેટલું આપ્યું છે તેટલું જ હું તમને આપવા તૈયાર છું, પણ મારી જાણકારી મુજબ જો હું એમ કરીશ તો તમને અત્યારે જે મળી રહ્યું છે તે અડધું થઈ જશે!” વડાપ્રધાને મજાકના સૂરમાં ઉમેર્યું કે, “તમે જ્યાં પહોંચવા માંગો છો ત્યાં પહોંચી નહીં શકો, એટલે સારું એ જ છે કે તમે મારી સાથે જોડાઈ જાઓ.”

વૈશ્વિક ઉર્જા સંકટ અને વડાપ્રધાનની અપીલ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા ઉર્જા સંકટ પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આયાતી પેટ્રો ઉત્પાદનોનો જરૂરિયાત મુજબ જ વપરાશ કરવાથી વિદેશી મુદ્રાની બચત થશે અને યુદ્ધની માઠી અસરો ઘટાડી શકાશે. તો બીજી તરફ લોકોને એક વર્ષ સુધી ગોલ્ડ ન ખરીદવાની પણ અપીલ કરી હતી.

સૌર ઉર્જા અને સસ્તી ગેસ સપ્લાય પર ભાર

વડાપ્રધાને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સૌર ઉર્જા અને ઇથેનોલ બ્લેન્ડિંગ ક્ષેત્રે કરેલી પ્રગતિની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર હવે ૧૦૦ ટકા એલપીજી કવરેજ બાદ સસ્તી પાઈપ્ડ ગેસ સપ્લાય (PNG) અને સીએનજી આધારિત વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ તમામ પ્રયાસોને કારણે જ ભારત વૈશ્વિક ઉર્જા સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. તેમણે તેલંગાણાના પરિવારોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર તેમના સપના સાકાર કરવા માટે વધુ ગતિથી કામ કરશે.