વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના હૈદરાબાદમાં આશરે 9400 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી વચ્ચે રાજકીય સૌહાર્દ અને હળવી મજાક જોવા મળી હતી. પીએમ મોદીએ રેવંત રેડ્ડીના વિઝન પર પ્રતિભાવ આપતા રમૂજમાં એક મહત્વની ઓફર પણ કરી દીધી હતી.
રેવંત રેડ્ડીનું ‘તેલંગાણા મોડેલ’ અને PMનો પ્રતિભાવ
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, જે રીતે મનમોહન સિંહના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ‘ગુજરાત મોડેલ’ વિકસાવ્યું હતું, તેવી જ આશા હવે તેલંગાણાની જનતાને છે. તેમણે ૨૦૩૪ સુધીમાં તેલંગાણાને ૧ ટ્રિલિયન ડોલરની અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આના જવાબમાં પીએમ મોદીએ હસતા હસતા કહ્યું કે, “રેવંતજીએ કહ્યું હતું કે આપણે રાજકીય વાત નહીં કરીએ, તો હું પણ નહીં કરું. ૧૦ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને જેટલું આપ્યું છે તેટલું જ હું તમને આપવા તૈયાર છું, પણ મારી જાણકારી મુજબ જો હું એમ કરીશ તો તમને અત્યારે જે મળી રહ્યું છે તે અડધું થઈ જશે!” વડાપ્રધાને મજાકના સૂરમાં ઉમેર્યું કે, “તમે જ્યાં પહોંચવા માંગો છો ત્યાં પહોંચી નહીં શકો, એટલે સારું એ જ છે કે તમે મારી સાથે જોડાઈ જાઓ.”
વૈશ્વિક ઉર્જા સંકટ અને વડાપ્રધાનની અપીલ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા ઉર્જા સંકટ પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આયાતી પેટ્રો ઉત્પાદનોનો જરૂરિયાત મુજબ જ વપરાશ કરવાથી વિદેશી મુદ્રાની બચત થશે અને યુદ્ધની માઠી અસરો ઘટાડી શકાશે. તો બીજી તરફ લોકોને એક વર્ષ સુધી ગોલ્ડ ન ખરીદવાની પણ અપીલ કરી હતી.
સૌર ઉર્જા અને સસ્તી ગેસ સપ્લાય પર ભાર
વડાપ્રધાને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સૌર ઉર્જા અને ઇથેનોલ બ્લેન્ડિંગ ક્ષેત્રે કરેલી પ્રગતિની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર હવે ૧૦૦ ટકા એલપીજી કવરેજ બાદ સસ્તી પાઈપ્ડ ગેસ સપ્લાય (PNG) અને સીએનજી આધારિત વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ તમામ પ્રયાસોને કારણે જ ભારત વૈશ્વિક ઉર્જા સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. તેમણે તેલંગાણાના પરિવારોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર તેમના સપના સાકાર કરવા માટે વધુ ગતિથી કામ કરશે.
દેશમાં બદલાતા હવામાન અને કુદરતી આફતોના વધતા જોખમોને જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં સંભવિત પૂર અને હીટવેવ (લૂ) સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને સૂચના આપી હતી કે આપત્તિ ગમે તે હોય, આપણો પ્રાથમિક લક્ષ્યાંક ‘ઝીરો કેઝ્યુઆલ્ટી’ એટલે કે એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે હોવો જોઈએ.
રાજ્યોમાં ‘ફ્લડ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ’ની રચના
ગૃહમંત્રીએ બેઠક દરમિયાન દેશના તમામ રાજ્યોને પૂર જેવી કટોકટીનો સામનો કરવા માટે ‘ફ્લડ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ’ (FCMT) ની રચના કરવા અને તેને તાત્કાલિક સક્રિય કરવાના નિર્દેશ આપ્યા છે. આ ટીમો રાજ્ય, જિલ્લા અને મ્યુનિસિપલ સ્તરે સંકલન સાધીને ત્વરિત કામગીરી કરશે. શાહે ભાર મૂક્યો હતો કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાયાના સ્તર સુધી કડક પાલન થવું જોઈએ.
સંવેદનશીલ સરોવરો પર ચાંપતી નજર
હિમાલયના રાજ્યોમાં વધતા જોખમોને ધ્યાનમાં રાખીને અમિત શાહે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં આવેલા જોખમી સરોવરો માટે પૂર્વ ચેતવણી પ્રણાલી (Early Warning System) ને વધુ મજબૂત કરવા જણાવ્યું છે. અગાઉ માત્ર ૩૦ સરોવરો માટે આ યોજના હતી, જેને વધારીને ઓછામાં ઓછા ૬૦ સંવેદનશીલ સરોવરો સુધી વિસ્તૃત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
એજન્સીઓ વચ્ચે સંકલન પર ભાર
આ હાઈ-લેવલ બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા વિવિધ મંત્રાલયો, કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. હીટવેવ એટલે કે કાળઝાળ ગરમીથી બચવા માટેના ઉપાયો અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોના સુરક્ષિત સ્થળાંતર માટે અગાઉથી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લેવા પર ચર્ચા કરવામાં આવી હતી.
અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રી રસ્તો) બંધ થવાને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઘેરૂ બન્યું છે. આ યુદ્ધની સૌથી મોટી અને સીધી અસર ભારતની સરકારી પેટ્રોલિયમ કંપનીઓ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને હોવા છતાં, ભારતમાં જૂના ભાવે ઈંધણ વેચવાના કારણે કંપનીઓને દરરોજ કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી કંપનીઓ છેલ્લા ૧૦ સપ્તાહથી જૂના ભાવે જ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરી રહી છે. વૈશ્વિક બજારમાં કિંમતો વધવા છતાં ઘરેલું ભાવ સ્થિર રાખવાને કારણે આ કંપનીઓને દરરોજ ૧૬૦૦ થી ૧૭૦૦ કરોડ રૂપિયાનું નુકસાન (અન્ડર-રિકવરી) થઈ રહ્યું છે. છેલ્લા અઢી મહિનામાં આ કુલ નુકસાનનો આંકડો ૧ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.
સરકારે આ સંકટને પહોંચી વળવા માટે ઘરેલું એલપીજી ઉત્પાદન ૩૬,૦૦૦ ટનથી વધારીને ૫૪,૦૦૦ ટન પ્રતિ દિવસ કરી દીધું છે. ભારતની આયાત નિર્ભરતાની વાત કરીએ તો, આપણી જરૂરિયાતનું ૪૦% ક્રૂડ ઓઈલ, ૯૦% એલપીજી અને ૬૫% એલએનજી આયાત આ યુદ્ધને કારણે પ્રભાવિત થઈ છે. તેમ છતાં, સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને અને આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવીને સામાન્ય જનતા પરનો બોજ ઓછો રાખવાનો પ્રયાસ કર્યો છે.
દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સફર દરમિયાન જીવલેણ ‘હંતા વાયરસ’ના પ્રકોપનો સામનો કરનાર ડચ ધ્વજ ધરાવતું જહાજ ‘MV Hondius’ આખરે સ્પેન પહોંચી ગયું છે. આ જહાજમાં કુલ 150 લોકો સવાર હતા, જેમાં બે ભારતીય ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થાય છે. વાયરસના સંક્રમણને જોતા સાવચેતીના ભાગરૂપે જહાજને સ્પેનના કેનેરી ટાપુઓથી થોડે દૂર દરિયામાં લંગર નાખીને રોકી દેવામાં આવ્યું હતું.
બે ભારતીયો સંપૂર્ણ સ્વસ્થ, નેધરલેન્ડ મોકલાયા
મેડ્રિડ સ્થિત ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી છે કે જહાજ પર સવાર બંને ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમનામાં બીમારીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. સ્પેનિશ નેશનલ સેન્ટર ફોર ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ કોઓર્ડિનેશન (CENEM) ના પ્રોટોકોલ મુજબ, આ બંને ભારતીયોને હવે નેધરલેન્ડ મોકલી દેવામાં આવ્યા છે. ત્યાં તેમને આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે. ભારતીય રાજદૂત સતત આ નાગરિકો અને સ્પેનિશ સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે.
ત્રણ મુસાફરોના કરુણ મોતથી ખળભળાટ
MV Hondius પર મુસાફરી દરમિયાન એક ડચ દંપતી અને એક જર્મન મહિલા સહિત કુલ ત્રણ મુસાફરોના હંતા વાયરસને કારણે મોત થયા હતા. આ ઘટના બાદ વાયરસ વૈશ્વિક સ્તરે ન ફેલાય તે માટે જહાજ પરના તમામ 147 મુસાફરો અને ક્રૂ સભ્યોને કેપ વર્ડે પાસે કડક ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. હંતા વાયરસ એક દુર્લભ અને ઘાતક ચેપ માનવામાં આવે છે, જે સામાન્ય રીતે ઉંદરો દ્વારા ફેલાય છે.
WHO અને UNની બાજ નજર
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને સંયુક્ત રાષ્ટ્ર (UNO) ના અધિકારીઓ આ સમગ્ર ઘટના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. જોકે, આરોગ્ય નિષ્ણાતોએ જનતાને આશ્વાસન આપ્યું છે કે આ વાયરસના એક માણસથી બીજા માણસમાં ફેલાવાનું જોખમ ખૂબ જ ઓછું છે, તેથી તે કોઈ નવી મહામારીનું સ્વરૂપ લે તેવી શક્યતા નહિવત્ છે. હાલમાં તમામ મુસાફરોને WHO અને સ્પેનિશ અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલા પ્રોટોકોલ મુજબ જહાજમાંથી ઉતારવામાં આવ્યા છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે હવે શાંતિના સંકેતો મળી રહ્યા છે. અમેરિકા દ્વારા મોકલવામાં આવેલા ૧૪ મુદ્દાઓના શાંતિ પ્રસ્તાવ પર ઈરાને આખરે પોતાનો પ્રતિસાદ આપી દીધો છે. ખાસ વાત એ છે કે, ઈરાને આ જવાબ પાકિસ્તાન મારફતે અમેરિકા સુધી પહોંચાડ્યો છે. આ અહેવાલ બાદ વિશ્વભરમાં આશા જાગી છે કે લાંબા સમયથી ચાલી રહેલું આ યુદ્ધ કદાચ વિરામ તરફ આગળ વધી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવ પર ઈરાનનું વલણ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આશા વ્યક્ત કરી હતી કે ઈરાન ટૂંક સમયમાં અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવો અને યુદ્ધ જેવી સ્થિતિનો અંત લાવવાનો છે. ૧૪ મુદ્દાઓના આ એક પાનાના પ્રસ્તાવમાં ઈરાનની અણુ ગતિવિધિઓ પર અંકુશ અને તેના બદલામાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં છૂટછાટ તેમજ ઈરાનની ફ્રીઝ કરાયેલી અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ઈરાનના જવાબની સાથે જ ત્યાંના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સ્પષ્ટ કર્યું છે કે, તેઓ દુશ્મન સામે ક્યારેય માથું ઝુકાવશે નહીં. તેમણે જણાવ્યું કે જો વાતચીતનો માર્ગ અપનાવવામાં આવે છે, તો તેનો અર્થ આત્મસમર્પણ નથી, પરંતુ ઈરાનના અધિકારો અને રાષ્ટ્રીય હિતોની મજબૂતી સાથે રક્ષા કરવાનો છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું રાજકીય પગલું ભરતા પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. રવિવારે લખનૌના જનભવન ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. આ વિસ્તરણમાં ખાસ કરીને સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં 2 મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે જ્યારે 6 નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળ્યું છે.
કોણે લીધા મંત્રી પદના શપથ?
રાજ્યપાલ દ્વારા જનભવનમાં તમામ નેતાઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથ લેનારા નેતાઓમાં નીચે મુજબના નામ સામેલ છે:
ભૂપેન્દ્ર ચૌધરી
મનોજ પાંડે
અજીત પાલ
સોમેન્દ્ર તોમર
કૃષ્ણા પાસવાન
સુરેન્દ્ર દિલેર
હંસરાજ વિશ્વકર્મા (રાજ્ય મંત્રી)
કૈલાશ રાજપૂત (રાજ્ય મંત્રી)
આ યાદીમાં હંસરાજ વિશ્વકર્મા અને કૈલાશ રાજપૂતને રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે, જ્યારે અન્ય નેતાઓને કેબિનેટ અને સ્વતંત્ર પ્રભારના મંત્રી બનાવવામાં આવ્યા છે.
તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. તમિલગા વેત્રી કઝગમ (TVK) ના અધ્યક્ષ સી. જોસેફ વિજયે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ છેલ્લા ૬૦ વર્ષથી તમિલનાડુની સત્તા પર વારાફરતી રાજ કરતા બે મુખ્ય પક્ષો – DMK અને AIADMK ના શાસનનો દૌર સમાપ્ત થયો છે. ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
Chennai, Tamil Nadu: TVK Chief and Chief Minister-designate Vijay received Governor Rajendra Arlekar at Jawaharlal Nehru Stadium to administer the oath of office
રવિવારે સવારે ૧૦ વાગ્યા પછી યોજાયેલા આ કાર્યક્રમમાં વિજયની સાથે અન્ય ૯ મહાનુભાવોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ મંત્રીમંડળમાં ‘બુસી’ એન. આનંદ, આધવ અર્જુના, કેજી અરુણરાજ, કેએ સેંગોટ્ટૈયન, પી. વેંકટમણન, સીટીઆર નિર્મલકુમાર, એ. રાજમોહન, ટી. કે. પ્રભુ અને એસ. કીર્તનાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વિજયના નેતૃત્વવાળી આ સરકાર કોંગ્રેસના સહયોગથી બનેલી ગઠબંધન સરકાર છે. રાજ્યપાલે નવી સરકારને ૧૩ મે સુધીમાં વિધાનસભામાં વિશ્વાસ મત સાબિત કરવા સૂચના આપી છે.
Chennai, Tamil Nadu: Chief Minister Vijay officially assumed charge as the Chief Minister of Tamil Nadu at the Tamil Nadu Secretariat
તમિલનાડુ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ૧૧૮ ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. વિજયની પાર્ટી TVK ને વીસીકે (VCK) અને આઈયુએમએલ (IUML) એ બિનશરતી સમર્થન જાહેર કર્યું છે. આ બંને પક્ષો પાસે બબ્બે ધારાસભ્યો છે. હવે વિજય પાસે કુલ ૧૨૦ ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે બહુમતીના આંકડાથી વધુ છે. આ જીત અને સમર્થન સાથે વિજયે રાજ્યમાં એક નવા રાજકીય સમીકરણની શરૂઆત કરી છે.
દિગ્ગજ નેતાઓની હાજરી
આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે દેશના અનેક દિગ્ગજ નેતાઓ ચેન્નાઈ પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓની હાજરીએ આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બનાવ્યો હતો. ચાહકો અને સમર્થકોની ભારે ભીડ વચ્ચે વિજયે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળીને રાજ્યમાં સામાજિક ન્યાય અને પરિવર્તનનો વાયરો ફૂંક્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રવિવારે બેંગલુરુના બાહ્ય વિસ્તારમાં યોજાનારા નિર્ધારિત કાર્યક્રમ પહેલા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. કાર્યક્રમ સ્થળની નજીક ફૂટપાથ પરથી વિસ્ફોટક બનાવવામાં વપરાતી બે જિલેટીન સ્ટિક્સ મળી આવતા સુરક્ષામાં ગંભીર ખામી હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના આગમન પહેલા રવિવારે સવારે જ્યારે સુરક્ષા એજન્સીઓ કાગલીપુરા વિસ્તારમાં તપાસ કરી રહી હતી, ત્યારે આશ્રમ પાસે ફૂટપાથના કિનારેથી આ જિલેટીન સ્ટિક્સ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સ્થળ મુખ્ય કાર્યક્રમ સ્થળથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે જ છે. ઘટનાની ગંભીરતા જોઈને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફોરેન્સિક ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. હાલ પોલીસ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરીને આ પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
તમામ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કર્યા બાદ, વડાપ્રધાન મોદીએ ‘આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન’ના 45 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો. શ્રી શ્રી રવિશંકર દ્વારા સ્થાપિત આ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં પીએમ મોદીએ નવા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે આ સંસ્થાની સેવા, આધ્યાત્મિકતા અને સામાજિક પરિવર્તનમાં આપેલી ભૂમિકાના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
11 મે એટલે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, સાથે જ ભારત માટે ગૌરવ અને વિજ્ઞાનના વિજયનો દિવસ. આ દિવસે ભારત પોતાની ટેકનોલોજીકલ શક્તિનું પ્રદર્શન કરે છે અને દેશના વૈજ્ઞાનિકોની મહેનતને સલામ કરે છે.
1998માં પોખરણમાં ભારતે અણુ પરીક્ષણ કરીને વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું, ત્યારથી લઈને આજ સુધી ટેકનોલોજીની આ સફર અટકી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ક્રાંતિકારી ટેકનોલોજી ઉભરી આવી છે જેણે દુનિયાના નકશા પર પ્રગતિની નવી વ્યાખ્યા લખી છે.
આવો જાણીએ, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે એ પાંચ ટેકનોલોજી વિશે જેણે વૈશ્વિક સ્તરે માનવ જીવન અને ભવિષ્યની દિશા બદલી.
કેમથાય છે આ દિવસની ઉજવણી દિવસ?
ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના રહેલી છે. 11 મે, 1998માં ભારતે રાજસ્થાનના પોખરણમાં સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જેને ‘ઓપરેશન શક્તિ’ નામ આપવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દ્વારા ભારતે દુનિયાને બતાવી દીધું કે એ ટેકનોલોજી અને સંરક્ષણ બાબતે કોઈ પર નિર્ભર નથી. આ ભવ્ય સિદ્ધિની યાદમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 11 મે ને ‘નેશનલ ટેકનોલોજી ડે’ તરીકે જાહેર કર્યો હતો. 1999થી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજીને બિરદાવવાનો અને યુવાનોને વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરિત કરવાનો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પાયો તો 1950ના દાયકામાં જોન મેકકાર્થી અને એલન ટ્યુરિંગ જેવા ગણિતશાસ્ત્રીઓએ નાખ્યો હતો, પરંતુ છેલ્લા એક દાયકામાં ‘ડીપ લર્નિંગ’ અને ડેટાની ઉપલબ્ધતાને કારણે એમાં ક્રાંતિ આવી છે. ખાસ કરીને ઓપનએઆઈ દ્વારા નવેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવેલા ChatGPT (ચેટજીપીટી) એ આ ટેકનોલોજીને સામાન્ય માણસ સુધી પહોંચાડી દીધી છે. એઆઈ દ્વારા મશીનો હવે માત્ર ગણતરી નથી કરતા, પરંતુ માણસની જેમ શીખીને નવા આઈડિયા પણ આપે છે. એનાથી ઉદ્યોગોમાં ઓટોમેશન આવ્યું છે, મેડિકલ ક્ષેત્રે અનેક જીવલેણ રોગોનું વહેલું નિદાન શક્ય બન્યું છે. સાથે જ ગૂગલ આસિસ્ટન્ટ કે સિરી જેવા ટૂલ્સથી રોજિંદું જીવન સરળ બન્યું છે. ડેટા પ્રોસેસિંગની આ ઝડપે દુનિયામાં નિર્ણય લેવાની પ્રક્રિયાને વધુ સચોટ અને ઝડપી બનાવી દીધી છે.
બ્લોકચેન ટેકનોલોજી (Blockchain)
કહેવાય છે બ્લોકચેન ટેકનોલોજીની શરૂઆત 2008માં ‘સતોશી નાકામોટો’ નામના વ્યક્તિ કે સમૂહ દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બિટકોઈન જેવી ડિજિટલ કરન્સી માટે સુરક્ષિત માધ્યમ પૂરું પાડવાનો હતો. આ ટેકનોલોજી એટલે ડેટાની એક એવી સાંકળ કે જેમાં કોઈ એક જગ્યાએ ફેરફાર કરવો અશક્ય છે. એના કારણે બેંકિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં ત્રીજા પક્ષ એટલે કે વચેટિયા વગર વ્યવહારો સુરક્ષિત બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર નાણાકીય લેવડદેવડ પૂરતો નથી રહ્યો, પરંતુ જમીનના દસ્તાવેજોના ડિજિટાઈઝેશન, સપ્લાય ચેઈન અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પણ થઈ રહ્યો છે. એની અસરથી ડેટા સુરક્ષા અને પારદર્શિતાના ક્ષેત્રમાં એક નવો વિશ્વાસ પેદા થયો છે.
ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT)
IOT શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1999માં કેવિન એશ્ટન દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ હાઈ-સ્પીડ ઈન્ટરનેટના આગમન પછી આ ટેકનોલોજી છેલ્લાં પાંચ-સાત વર્ષમાં વધુ સક્રિય થઈ છે. આ ટેકનોલોજી ભૌતિક વસ્તુઓને સેન્સર્સ અને સોફ્ટવેર દ્વારા ઈન્ટરનેટ સાથે જોડે છે, જેથી વસ્તુઓ એકબીજા સાથે ડેટા શેર કરી શકે. એનાથી ‘સ્માર્ટ હોમ’ની કલ્પના સાકાર થઈ છે, જ્યાં લાઈટ, પંખા કે દરવાજા તમારા સ્માર્ટફોનથી ઓપરેટ થાય છે. ઉદ્યોગોમાં ‘સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ’ દ્વારા મશીનો પોતે જ ખામીની જાણ કરે છે, જેનાથી ઉત્પાદન ક્ષમતા વધી છે. હેલ્થકેરમાં ફિટનેસ બેન્ડ્સ દ્વારા દર્દીના સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ શક્ય બન્યું છે, જે કટોકટીના સમયે જીવ બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
5G કનેક્ટિવિટી
5G ટેકનોલોજીના સંશોધનની શરૂઆત 2010ના દાયકામાં દક્ષિણ કોરિયા અને અમેરિકાની વિવિધ ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી. 2019-20થી એ વ્યાવસાયિક સ્તરે ઉપલબ્ધ બની. એ અગાઉની 4G ટેકનોલોજી કરતા 100 ગણી વધુ સ્પીડ અને અલ્ટ્રા-લો લેટન્સી આપે છે. 5G ના કારણે માત્ર ઈન્ટરનેટની સ્પીડ નથી વધી, પરંતુ એનાથી રિમોટ સર્જરી અને ડ્રાઈવરલેસ કાર જેવી ટેકનોલોજી માટે રસ્તો સાફ થયો છે. આ ટેકનોલોજીએ વર્ચ્યુઅલ રિયાલિટી અને મેટાવર્સ જેવી દુનિયાને વધુ વાસ્તવિક બનાવી દીધી છે. એની સૌથી મોટી અસર ગ્લોબલ કનેક્ટિવિટી પર પડી છે, જ્યાં ડેટા ટ્રાન્સફરનો વિલંબ લગભગ શૂન્ય થઈ ગયો છે.
જેનોમ એડિટિંગ (CRISPRટેકનોલોજી)
ક્રિસ્પર-કેસ-9 ટેકનોલોજીની શોધ 2012માં જેનિફર ડૌડના અને ઈમેન્યુઅલ ચાર્પેન્ટિયર દ્વારા કરવામાં આવી હતી, જેના માટે એમને 2020માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. આ ટેકનોલોજી વૈજ્ઞાનિકોને સજીવોના ડીએનએ (DNA) માં અત્યંત ચોકસાઈપૂર્વક ફેરફાર કરવાની શક્તિ આપે છે. આ ટેકનોલોજીથી ડોક્ટરો હવે શરીરની અંદર રહેલી બીમારીના મૂળ (જનીનો) સુધી પહોંચી શકે છે. જે બીમારીઓ આપણને વારસામાં મળે છે અથવા જેનો કોઈ ઈલાજ નહોતો, તેને હવે શરીરના ‘સોફ્ટવેર’ (DNA) માં સીધો સુધારો કરીને જડમૂળથી મટાડી શકાય છે, જેના કારણે મેડિકલ સાયન્સમાં મોટી ક્રાંતિ આવી છે. ખેતીવાડીમાં પણ આ ટેકનોલોજીની અસર જોવા મળે છે, જ્યાં જીવાત-મુક્ત અને વધુ પોષણયુક્ત પાક તૈયાર કરવામાં આવે છે. આ ટેકનોલોજીએ ભવિષ્યમાં માનવ સ્વાસ્થ્ય અને ખોરાકની સુરક્ષા માટે અનંત શક્યતાઓ ખોલી આપી છે.
વિમર્શાત્મક સંસ્કૃતિ આધુનિક સંસ્થાઓ માટે માત્ર એક વિચાર નથી, પરંતુ વિકાસની અનિવાર્ય શરત બની ગઈ છે. મહાભારતના યક્ષપ્રશ્ન પ્રસંગમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે યક્ષ દ્વારા પૂછાયેલા ગૂઢ અને મર્મસ્પર્શી પ્રશ્નો યુધિષ્ઠિરને માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ તેમના વિચારોના ઊંડાણ અને પરિપક્વતાની કસોટી પણ કરે છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચા પ્રશ્નો માત્ર જવાબ મેળવવા માટે નથી, પરંતુ વ્યક્તિ અને સંસ્થાને પોતાની અંદર ઝાંખવા માટે પ્રેરિત કરે છે.
આજના કોર્પોરેટ યુગમાં, જ્યાં ઝડપ અને પરિણામને વધુ મહત્વ આપવામાં આવે છે, ત્યાં ઘણી વખત પ્રશ્ન પૂછવાની સંસ્કૃતિ દબાઈ જાય છે. કર્મચારીઓ ઘણીવાર ડર અથવા અચકાટને કારણે પ્રશ્નો પૂછતા નથી, જેના કારણે નવીનતા અને સર્જનાત્મકતા ઘટી જાય છે. પરંતુ જે સંસ્થાઓમાં ખુલ્લા મનથી વિમર્શ અને ચર્ચાને પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યાં ટીમ વધુ મજબૂત અને સર્જનાત્મક બને છે. “Teams that discuss together, grow together” માત્ર એક સૂત્ર નથી, પરંતુ એક પ્રયોગશીલ સત્ય છે.
ઉદાહરણ તરીકે, કેટલીક સફળ કંપનીઓમાં ‘ઓપન ફોરમ’ અથવા ‘ક્વેશ્ચન અવર’ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જ્યાં દરેક કર્મચારીને પોતાની વાત નિર્ભયપણે રજૂ કરવાની તક મળે છે. આ પ્રક્રિયા માત્ર સમસ્યાઓના ઉકેલ માટે જ નહીં, પરંતુ વિશ્વાસ અને સહકાર વધારવા માટે પણ મહત્વપૂર્ણ છે.
આજના માનવ વર્તનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે લોકો ઝડપથી નિર્ણય લેવાની દોડમાં વિચારવાનો અને પ્રશ્ન પૂછવાનો સમય ગુમાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુગમાં આપણે વધુ પ્રતિક્રિયા આપીએ છીએ, પરંતુ ઓછું વિમર્શ કરીએ છીએ. અહીં વિમર્શાત્મક સંસ્કૃતિ એક નવી દિશા આપે છે, જેમાં પ્રશ્નો પૂછવા નબળાઈ નહીં, પરંતુ બૌદ્ધિક શક્તિનું પ્રતિક બને છે.
નવી દૃષ્ટિએ જોવામાં આવે તો, વિમર્શ હવે માત્ર ચર્ચા નથી, પરંતુ ‘કલેક્ટિવ ઇન્ટેલિજન્સ’નું સાધન છે, જ્યાં વિવિધ મતો અને વિચારો સાથે મળીને વધુ સારો નિર્ણય લઈ શકાય છે. સાચો લીડર એ જ છે, જે પોતાની ટીમને પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કરે, કારણ કે જ્યાં પ્રશ્નો છે, ત્યાં જ વિકાસની શરૂઆત છે.
અંતમાં, યક્ષપ્રશ્ન આપણને શીખવે છે કે જીવન અને સંચાલનમાં સૌથી મહત્વપૂર્ણ જવાબો ત્યારે મળે છે, જ્યારે આપણે સાચા પ્રશ્નો પૂછવાની હિંમત રાખીએ. એ જ વિમર્શાત્મક સંસ્કૃતિનો મૂળ મંત્ર છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)