Home Blog Page 721

ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર-WIVES એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતભરમાં શરૂ કરેલા ‘એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન’ અંતર્ગત ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશનના અધ્યક્ષા અને વન વિભાગના વડા ડૉ.એ.પી.સિંઘના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે આવેલા પુનિત વન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય સચિવ પંકજ જોશીના ધર્મપત્ની અને IAS WIVES એસોસિએશનના અધ્યક્ષા જ્યોત્સના જોષી, IPS WIVES એસોસિએશનના અધ્યક્ષા અને પોલીસ વડા વિકાસ સહાયના ધર્મપત્ની અનુરાધા સહાય સહિત તેમની સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
IFS-WIVES એસોસિયેશનના અધ્યક્ષા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમના મુખ્ય આયોજક ગીતા સિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પર્યાવરણના સંવર્ધન,જતન અને સંરક્ષણના ધ્યેય સાથે ગાંધીનગર અને અમદાવાદ ખાતે સેવારત અંદાજે 55 જેટલા IAS, IPS અને IFS અધિકારીઓની ધર્મપત્ની-ટીમ દ્વારા તેમના નામ‌ સાથે ‘એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રકારના કુલ 111 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે પીંપળ, વડ, જાંબુ, કુસુમ આંબળા, રાયણ, બોરસલ્લી, સરગવો ઉમરો, ખાટી આંબલી, બહેડા, કાજલિયા,અર્જુન સાદળ, પૌગારો અને રેન્ટ્રી જેવા ફળાઉ તેમજ ઔષધીય વૃક્ષોનો સમાવેશ થાય છે.

દિગ્ગજ અભિનેત્રીઓની ડીનર ડેટ, આશા પારેખ, વહીદા રહેમાન અને હેલનની ગાઢ મિત્રતા

70 અને 80 ના દાયકાની બોલીવુડની દિગ્ગજ અભિનેત્રીઓ, આશા પારેખ, વહીદા રહેમાન અને હેલેને તાજેતરમાં સાથે ડીનર ડેટનો આનંદ માણ્યો હતો.’કટી પતંગ’ જેવી ફિલ્મોથી દર્શકોના દિલ પર રાજ કરનારી આશા પારેખે આ ખાસ ડીનરનો ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં ત્રણેય અભિનેત્રીઓની મિત્રતાની ઝલક દેખાય છે.

ત્રણેય અભિનેત્રીઓની તસવીર શેર કરતા આશા પારેખે કેપ્શનમાં લખ્યું,’જબ વી મેટ…હું જેને પ્રેમ કરું છું તે લોકો સાથે યાદગાર ક્ષણો.’ તમને જણાવી દઈએ કે આ ત્રણેય અભિનેત્રીઓની એકબીજા સાથે ગાઢ મિત્રતા છે. આ ત્રણેયની મિત્રતા બોલિવૂડની સૌથી સુંદર અને મજબૂત મિત્રતામાંની એક માનવામાં આવે છે.

ત્રણેયની તસવીર વાયરલ
આશા પારેખે ‘તીસરી મંઝિલ’, ‘કટી પતંગ’ જેવી યાદગાર ફિલ્મોથી ભારતીય સિનેમા પર અમીટ છાપ છોડી છે. ‘પ્યાસા’ અને ‘ગાઇડ’ જેવી ક્લાસિક ફિલ્મોમાં પોતાના અભિનય માટે જાણીતી વહીદા રહેમાન અને બોલિવૂડની ‘ડાન્સ ક્વીન’ કહેવાતી હેલન, આ ત્રણેય અભિનેત્રીઓની તસવીર હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.

ગયા વર્ષે પણ આ ત્રણેય અભિનેત્રીઓ શ્રીનગરની સુંદર ખીણોમાં સાથે રજાઓ ગાળતી જોવા મળી હતી. આ ઉપરાંત જ્યારે આશા પારેખને 2022 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓ મૈત્રીપૂર્ણ પણ જોવા મળ્યા હતા. ત્રણેયે આ પ્રસંગને તેમની ખાસ મિત્રતા સાથે ઉજવ્યો.

તસવીર પર ચાહકોની પ્રતિક્રિયા
ચાહકોને ત્રણેયની સુંદર તસવીર ખૂબ ગમી. એક યુઝરે લખ્યું,’ત્રણેય મહાન અભિનેત્રીઓનું એક ફ્રેમમાં આવવું કોઈ ખજાનાથી ઓછું નથી. તમે આપેલા મનોરંજનની દુનિયા માટે અમે બધા તમારો આભાર વ્યક્ત કરીએ છીએ.’ જ્યારે બીજાએ ટિપ્પણી કરી, ‘આ મહિલાઓએ અમને ફિલ્મોને પ્રેમ કરવાનું શીખવ્યું.’

ઝરૂખોમાં ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મનો અનુભવ શેર કરશે લીલી પટેલ

મુંબઈના બોરીવલી ખાતે કલા અને સાહિત્ય કાર્યક્રમ ઝરૂખોનું આયોજન થતું રહે છે. પણ આ વખતનો કાર્યક્રમ ખૂબ જ ખાસ રહેવાનો છે. અભિનેત્રી લીલી પટેલ પોતાને અનુભવો અને વ્યવસાયિક જીવનના ઉતાર-ચઢાવ વિશે વાત કરશે.

ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મના વરિષ્ઠ કલાકાર લીલી પટેલ 2 ઓગસ્ટ, શનિવારની સાંજે ઝરૂખો કાર્યક્રમની શોભા વધારશે. જીવનના આઠ દાયકા બાદ પણ કલાકારમાં કલા પ્રત્યે કેટલી પ્રતિબદ્ધતા હોય, કેટલી ઉર્જા હોય એનો અનુભવ જાણવો હોય તો કાર્યક્રમમાં તમે પણ સામેલ થઈ શકો છો.

મુંબઈમાં લુપ્ત થવાની નજીક ગણી શકાય એવી ‘ભવાઈ’ને લીલી પટેલે દાયકાઓથી સાચવી રાખી છે. અગાઉ તેઓ રંગલાલ નાયક સાથે રંગલા રંગલીનો વેશ ભજવતાં. ત્યાર બાદ રંગલાલભાઈના પુત્ર ઘનશ્યામ નાયક સાથે ટીવી તથા અન્ય કાર્યક્રમોમાં રજૂઆત કરીને એમણે આ કળાને જીવંત રાખી. ઘનશ્યામભાઈના અવસાન બાદ નાયક પરિવારની ત્રીજી પેઢીના વિકાસ ઘનશ્યામ નાયકને સાથે રાખીને એમણે ભવાઈના પ્રસાર પ્રચારનું કાર્ય નિભાવ્યું છે.

‘ઝરૂખો ‘ની શનિવારની સાંજે લીલી પટેલની અભિનય યાત્રાની વાત તો થશે જ, સાથે સાથે લીલી પટેલ અને વિકાસ નાયક ભૂંગળના સૂર અને તબલાંની વિશિષ્ટ ઠેક સાથે ભવાઈની દુનિયાની સેર કરાવશે. છેલ્લી થોડા ટાઈમ માટે ભાવકો લીલી પટેલ સાથે વાતચીત પણ કરી શકશે. મનમાં ઉદ્ભવતાં પ્રશ્નો પણ પૂછી શકશે.

કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમ સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. આ જાહેર કાર્યક્રમમાં ઈચ્છુક દરેક કલાપ્રેમી ભાગ લઈ શકશે.

ભારત એક મૃત અર્થતંત્ર, આર્થિક, વિદેશ નીતિ ખતમઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે PM મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામન સિવાય દરેક જણ જાણે છે કે ભારત એક ‘ડેડ ઇકોનોમી’ (મૃત અર્થતંત્ર) બની ગયું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની શરતો પર જ થશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાને લઈને અને ભારતને બરબાદ અર્થતંત્ર કહેવા વિશેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે મને આનંદ છે કે રાષ્ટ્રપતિ ટ્રંપે હકીકત રજૂ કરી છે. ભાજપ સરકારે અર્થતંત્રને ખતમ કર્યું છે. આજે ભારત સામેનો મુખ્ય મુદ્દો એ છે કે સરકારે આપણી આર્થિક નીતિને, સંરક્ષણ નીતિને અને વિદેશ નીતિને ધ્વસ્ત કરી છે. તેઓ દેશને અંધકારમાં ધકેલે છે.

ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વિદેશ મંત્રી કહે છે કે અમારી વિદેશ નીતિ શાનદાર છે. એક બાજુ અમેરિકા તમને ગાળો આપે છે અને બીજી બાજુ ચીન તમારી સામે છે. તમે દુનિયાભરમાં પ્રતિનિધિમંડળો મોકલો છો તો પણ પાકિસ્તાનની વિરુદ્ધ કોઈ એક દેશ પણ નિંદા કરતો નથી.

ભારતમાંથી આયાત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા પછી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક સોશિયલ મિડિયા પોસ્ટમાં ભારત અને રશિયા પર નિશાન સાધ્યું હતું. ટ્રંપે કહ્યું હતું કે ભારત અને રશિયા તેમના બરબાદ થયેલા અર્થતંત્રને સાથે લઈને ખીણમાં લઈ જશે અને તેમને એમાં કોઈ ફરક પડતો નથી.

નોરવોકના રાધાકૃષ્ણ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ રુદ્રી

અમેરિકા: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસેલા છે, ત્યાં-ત્યાં અત્યારે ભક્તિમય માહોલ છવાયેલો છે. કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં આવેલા નોરવોક શહેરમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું. શાસ્ત્રીજી ભરતભાઈ રાજગોર અને નલિનીબેન રાજગોર દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન શિવ શંકરની રુદ્રી કરવામાં આવી.

સોમવારે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ પૂજા ચાલી. ત્યારબાદ આરતીને મહાપ્રસાદમાં લગભગ 200થી 300 ભક્તો હાજર રહી સેવાનો લાભ લીધો. રાધાકૃષ્ણ મંદિરમાં શ્રાવણ માસના દર સોમવારે જુદી-જુદી વસ્તુઓ દ્વારા શિવ રુદ્રી કરવામાં આવે છે.જેમ પ્રથમ સોમવારે દૂધ-ચોખા, બીજા સોમવારે જવ-પંચામૃત, ત્રીજા સોમવારે કેસર જળ-મગ, ચોથા સોમવારે ફળ-ડોલર, પેની-1 પૈસા, નિકલ-પાંચ પૈસા, ડાઇમ-દશ પૈસા, ક્વાર્ટર-પચીસ પૈસા અને ડોલર પણ કોઇનસ (1 ડોલરના સિક્કાનો) અભિષેક કરવામાં આવશે.

આ રાધા કૃષ્ણ મંદિર કેલિફોર્નિયાનાં સૌથી જૂના મંદિરોમાંનું એક છે. તેની સ્થાપના 1978મા થઇ હતી. આ મંદિરમાં બઘા જ ઉત્સવો જે તે તિથિના દિવસે જ ઉજવવામાં આવે છે.

મંદિરના ટ્રસ્ટી ગણ પ્રવીણભાઈ પટેલ, વિરેશભાઇ દેસાઈ, કિરણભાઇ ચોક્સી, કેતનભાઇ ચોક્સી, દિપકભાઇ ઝવેરી, રશ્મિ દેસાઇ, અનિલ દેસાઇ, હર્ષદભાઇ, પંકજભાઈ અને પારૂલબેન સંપટ સાથે અન્ય પરમ ભક્તોના સાથ-સહકારથી બધાં ઉત્સવો અહીં ધામધૂમથી ઉજવાય છે. હાલ આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. જો કે આગામી 18 થી 22મી ફેબ્રુઆરી, 2026ના રોજ આ મંદિરમાં રાધાકૃષ્ણ સહિત ગણપતિજી, હનુમાનજી, શિવજી, દત્તાત્રેય ભગવાન, માતાજી, શ્રીનાથજી, જલારામ બાપા અને ખોડીયાર માતાજી સર્વેની પધરામણી કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવવાની છે.

અશ્લીલતા પર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ્સ બ્લોક

OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા ફેલાવતી એપ્સ પર સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી છે કે અત્યાર સુધીમાં અશ્લીલ, હિંસક, પુખ્ત અને સાંસ્કૃતિક રીતે વાંધાજનક સામગ્રી પીરસતા 43 ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ બ્લોક કરવામાં આવ્યા છે. સરકારે IT એક્ટ 2000 હેઠળ માહિતી ટેકનોલોજી નિયમો 2021 ને સૂચિત કર્યું છે. નિયમો અનુસાર, OTT પ્લેટફોર્મ માટે સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે, નિયમોના ભાગ III માં ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રી અને ડિજિટલ સમાચાર પ્રકાશકો માટે આચારસંહિતા પ્રદાન કરવામાં આવી છે. OTT પ્લેટફોર્મે તેનું પાલન કરવું પડશે કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ સામગ્રી બતાવતું નથી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી છે કે OTT પ્લેટફોર્મ નિયમોના શેડ્યૂલમાં આપેલા સામાન્ય માર્ગદર્શિકાનું પાલન કરવા માટે બંધાયેલા છે, એટલે કે, OTT પ્લેટફોર્મ નગ્નતા અને હિંસા સંબંધિત કંઈપણ દર્શાવતી કોઈપણ સામગ્રી બતાવી શકતા નથી.

જો કાયદો તોડવામાં આવશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે

IT એક્ટ 2000 ની કલમ 79(3)(b) માં જોગવાઈ છે કે જો કોઈ OTT પ્લેટફોર્મ કાયદો તોડે છે અને અશ્લીલ સામગ્રી પ્રસારિત કરે છે, તો તે એપ્લિકેશન પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સંબંધિત મંત્રાલયો સાથે વાતચીત બાદ, અત્યાર સુધીમાં 43 OTT પ્લેટફોર્મ બ્લોક કરવામાં આવ્યા છે. પોર્નોગ્રાફિક સામગ્રી પર કડક કાર્યવાહી કરવા માટે, સરકારે ગયા અઠવાડિયે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં ઉલ્લુ, ALTT અને Desiflix વગેરે જેવા ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.

પ્રતિબંધિત એપ્લિકેશનોના નામ: Boomx, Big Shots App, Gulab App, Navarasa Lite, Bull App, Kangan App, Wow Entertainment, Jalwa App, Hitprime, Look Entertainment, Feneo, Soul Talkies, Showx, HotX VIP, Adda TV, Halchal App, NeonX VIP, MoodX, Mojflix, Fugi અને Triflix.

સમાજવાદી પાર્ટીની PDA પાઠશાળાઃ A ફોર અખિલેશ, D ફોર ડિમ્પલ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતાઓ PDA પાઠશાળા અભિયાન ચલાવી રહ્યા છે. આ પાઠશાળાઓ તેમના અભ્યાસના નવી-નવી ઢબને લઈ ચર્ચામાં છે. અહીં બાળકોને અંગ્રેજી વર્ણમાળામાં શિખવાડવામાં આવે છે કે A ફોર અખિલેશ યાદવ, D ફોર ડિમ્પલ યાદવ અને M ફોર મુલાયમસિંહ યાદવ.  એ સાથે B ફોર ભીમરાવ અંબેડકર અને C ફોર ચૌધરી ચરણસિંહ પણ શિખવાડવામાં આવે છે.

ખાસ વાત એ છે કે અત્યાર સુધી દરેકે પોતાના જીવનમાં A ફોર એપલ અને B ફોર બનાના શીખ્યું છે, પરંતુ સમાજવાદની આ PDA પાઠશાળા હવે અખિલેશ, મુલાયમ અને ડિમ્પલ યાદવ શીખવે છે.

હકીકતમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે સમાજવાદી લોકો PDAની પાઠશાળા ચલાવીને બાળકોને શિક્ષિત કરવાનું કામ કરશે. તેમણે પાર્ટી કાર્યકરોને અપીલ પણ કરી હતી કે સમાજવાદી સાથીઓ એવાં ગામોમાં જઈને ટીમ બનાવે જ્યાં સરકારી શાળાઓ બંધ છે અથવા બંધ થવાની કગાર પર છે.

હાલમાં UP સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો કે રાજ્યભરની એવી સ્કૂલોને મર્જ કરવામાં આવશે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. આવી સ્કૂલોને નજીકની મોટા સ્કૂલો સાથે મર્જ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્યાર બાદ સમાજવાદી પાર્ટી તરફથી PDA પાઠશાળા શરૂ કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આ પાઠશાળાઓ ચાલી રહી છે. હકીકત એ છે કે જ્યાં જ્ઞાનની પાઠશાળા હોવી જોઈએ ત્યાં રાજકીય પાઠશાળા ચાલી રહી છે. સહારનપુરમાં PDA પાઠશાળા હેઠળ એવી શાળા ચાલી રહી છે જેને રાજકીય રંગ આપવામાં આવ્યો છે.

‘હું મારી પ્રતિભા વેચવા આવી છું, મારી જાતને નહીં ‘

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દરરોજ કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણી અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. તેમાંથી એક ઇન્દિરા કૃષ્ણન છે, જેમણે રણબીર કપૂરની ‘એનિમલ’માં રશ્મિકા મંદાન્નાની માતાની ભૂમિકા ભજવી હતી. પ્રખ્યાત અભિનેત્રી ઇન્દિરા કૃષ્ણન નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં રામની માતા કૌશલ્યાની ભૂમિકા ભજવતી જોવા મળશે.

તાજેતરમાં, ઇન્દિરા કૃષ્ણને જીવનના તે દુઃખદ દિવસ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી જ્યારે તેણીને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે તેણીએ ઘણા મોટા પ્રોજેક્ટ ગુમાવ્યા હતા. 54 વર્ષીય અભિનેત્રી ઇન્દિરા કૃષ્ણન છેલ્લા 30 વર્ષથી સિનેમામાં સક્રિય છે અને ‘તેરે નામ’ અને ‘હોલિડે’ જેવી ફિલ્મો માટે જાણીતી છે.

બોલીવુડ બબલ સાથે વાત કરતાં ઇન્દિરાએ કહ્યું, ‘હું એમ નહીં કહું કે કાસ્ટિંગ કાઉચ ફક્ત હિન્દી ફિલ્મ ઉદ્યોગ કે મુંબઈમાં જ થાય છે, પરંતુ તે દક્ષિણમાં પણ થાય છે. મને એક મોટા ફિલ્મ નિર્માતાએ ખૂબ મોટા પ્રોજેક્ટ માટે પસંદ કરી હતી અને આ પ્રોજેક્ટ અંગે અમારા કેટલાક મતભેદો હતા. હું આ પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે તૈયાર હતી, પરંતુ છેલ્લી ક્ષણે, જેમ ક્યારેક થાય છે, એક નાની વાતે આખા સંબંધને બગાડી નાખ્યો. ફક્ત એક વાક્ય, એક નિવેદન અને બધું જ સમાપ્ત થઈ ગયું.’

ઇન્દિરા કૃષ્ણને કહ્યું, મને યાદ છે કે મેં આંખો બંધ કરીને મારી જાતને કહ્યું હતું, ઓહ, આ ફિલ્મ પણ મારા હાથમાંથી સરકી ગઈ. ઘરે પહોંચ્યા પછી, મેં તેમને એક સંદેશ લખ્યો કારણ કે તેમની વાત કરવાની રીત, તેમની બોડી લેંગ્વેજ, બધું જ મને ખૂબ જ વિચિત્ર લાગતું હતું અને આ સાથે દબાણ પણ વધવા લાગ્યું… મને લાગ્યું કે હું આ પરિસ્થિતિને સંભાળી શકીશ નહીં. મેં વિચાર્યું, જો કાલથી શૂટિંગ શરૂ થાય અને આ સંબંધ બગડે તો શું? અભિનેત્રીએ પ્રખ્યાત ફિલ્મ નિર્માતાને ખૂબ જ આદર સાથે કહ્યું, ‘સાહેબ, હું મારી પ્રતિભા વેચવા આવી છું, મારી જાતને નહીં. કદાચ મારા શબ્દો થોડા કઠોર હતા. પરંતુ, મને લાગ્યું કે તમે જેટલા સાચા છો, તેટલું સારું રહેશે. આ તમને આગળ વધવાની હિંમત આપે છે.

ઈન્દિરા કૃષ્ણન કૌશલ્યાની ભૂમિકામાં જોવા મળશે

રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત ‘રામાયણ’ ભારતીય સિનેમાની સૌથી રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે, જેમાં ઈન્દિરા કૃષ્ણન કૌશલ્યાની ભૂમિકામાં જોવા મળશે. તેમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે, યશ રાવણની ભૂમિકા ભજવશે અને સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકા ભજવશે. નિતેશ તિવારીની ‘રામાયણ’ બે ભાગમાં બનાવવામાં આવી હતી અને આ પૌરાણિક મહાકાવ્ય 4000 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી રહી છે. ઇન્દિરા કૃષ્ણન ‘કહાની ઘર ઘર કી’, ‘રહેના હૈ તેરી પલકોં કી છાંઓ મેં’, ‘કૃષ્ણાબેન ખાખરાવાલા’, ‘ધ્રુવ તારા – સમય સાદી સે પે’, ‘ક્યા હાલ’, ‘મિસ્ટર પંચાલ?’, અને ‘દુર્ગા – અતૂટ પ્રેમ કહાની’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં જોવા મળી છે. તેણી કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળી છે અને છેલ્લે 2023 ની બ્લોકબસ્ટર ‘એનિમલ’માં જોવા મળી હતી, જેમાં તેણીએ રશ્મિકાના માતાની ભૂમિકા ભજવી હતી.

નર્સરીમાં ફક્ત ABCD શીખવા માટે 2.50 લાખ રૂપિયાની ફી

હૈદરાબાદઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફક્ત નર્સરીમાં ABCD શીખવા માટે દર મહિને રૂ. 21,000 ખર્ચ કરવો પડે? સાંભળવામાં પણ આશ્ચર્યજનક લાગે, પરંતુ હૈદરાબાદની એક ખાનગી સ્કૂલના ફી સ્ટ્રક્ચરે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ધર્મા પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાપિકા અનુરાધા તિવારીએ નાસર સ્કૂલની ફી રસીદ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી. તે ફોટામાં નર્સરી માટે વર્ષની ટ્યુશન ફી રૂ. 2,51,000 બતાવવામાં આવી હતી, એટલે કે મહિને 21,000 રૂપિયાથી વધુ ફી.

અન્ય વર્ગોની ફી

* પ્રી-પ્રાઇમરી I અને II: રૂ. 2,42,700

* ધોરણ 1 અને 2: રૂ. 2,91,460

* ધોરણ 3 અને 4: રૂ. 3,22,350

આ પોસ્ટ બાદ સોશિયલ મિડિયામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈએ સ્કૂલોની બેફામ ફી વૃદ્ધિ પર સવાલ ઊભા કર્યા તો કોઈએ કહ્યું કે જેને નહિ આપવી હોય, એ આવી સ્કૂલ પસંદ ન કરે. એક યુઝરે લખ્યું કે આ આખી સિસ્ટમ હવે સ્કેમ જેવી લાગે છે અને સરકારને આ અંગે નિયમ લાવવો જોઈએ. બીજાએ કહ્યું હું કે શું હવે બાળકનું શિક્ષણ પણ EMI પર લેવું પડશે? એક યુઝરે તો કહ્યું હતું કે આવી ફીમાં તો બાળક NASAમાં નોકરી મેળવી શકે. તો બીજી બાજુ કોઈએ લખ્યું કે દિલ્હી-NCRના કેટલીક સ્કૂલો ફક્ત ટ્યુશન ફી માટે રૂ. 1 લાખથી વધુ વસૂલે છે.

અસલી મુદ્દો શો છે?

આ ચર્ચા ફક્ત એક સ્કૂલ સુધી સીમિત રહી નથી. કોઇનસ્વિચ અને લેમનના સહસંસ્થાપક આશિષ સિન્ઘલે એક રિપોર્ટ શેર કરીને જણાવ્યું કે હાલ સ્કૂલોની ફી દર વર્ષે 10–30 ટકા સુધી વધે છે, જે મધ્યમ વર્ગની આવકના દરથી વધુ છે. તેમણે કહ્યું કે આજના સમયમાં સરેરાશ ભારતીય પરિવારમાંથી 19 ટકા આવક ફક્ત બાળકોના શિક્ષણ પર જ ખર્ચાય છે.

શું ખરેખર શિક્ષણ હવે એક લક્ઝરી બની ગયું છે?

મુદ્દો ફક્ત એટલો નથી કે ફી વધારે છે. મોટી ચિંતા એ છે કે શું હવે શિક્ષણ નફો કમાવાનો વ્યવસાય બની ગયો છે? નાસર સ્કૂલ તરફથી હજી સુધી આ વિવાદ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

અમિત શાહના નિવેદન પર સંજય રાઉતે કરી ટિપ્પણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન અમિત શાહે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘એક હિન્દુ આતંકવાદી ન હોઈ શકે.’ અમિત શાહના આ નિવેદન પર શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે નિવેદન આપ્યું છે.

સંજય રાઉતે કહ્યું,”એક આતંકવાદીની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. પાકિસ્તાનના લોકો કુલભૂષણ યાદવને આતંકવાદી, હિન્દુ આતંકવાદી કહે છે. અમે આ સ્વીકારવા તૈયાર નથી. સરકારે પાકિસ્તાનને કહેવું જોઈએ કે તે આપણો નાગરિક છે અને તેને મુક્ત કરાવવો જોઈએ.”

ડ્રગ કેસમાં એકનાથ ખડસેના જમાઈની ધરપકડના એક દિવસ પહેલા શિવસેના (ઉબાથા) ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રીને ભાજપના નેતા ગિરીશ મહાજનને કથિત ‘હની ટ્રેપ’ કૌભાંડ સાથે જોડવા બદલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા રાઉતે ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકરની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા અને શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની પણ ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે તે રાજકીય હરીફોના પરિવારના સભ્યોને નિશાન બનાવી રહી છે અને તેમને બદનામ કરી રહી છે.

રાઉતે કહ્યું – આખો મામલો શંકાસ્પદ છે

રાઉતે ખડસેના સ્પષ્ટ સંદર્ભમાં દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રીના ઘર પર હુમલો તેમનું મોં બંધ કરવા માટે કરવામાં આવ્યો હતો. એકનાથ ખડસેની પુત્રી રોહિણી ખડસેના લગ્ન પ્રાંજલ ખેવલકર સાથે થયા છે. શનિવારે મોડી રાત્રે પુણેના એક એપાર્ટમેન્ટમાં ચાલી રહેલી કથિત ‘ડ્રગ પાર્ટી’ પર પોલીસે દરોડો પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે સ્થળ પરથી ડ્રગ્સ, હુક્કા અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ખેવલકર સહિત છ લોકોની ધરપકડ કરી હતી. રોહિણી ખડસે મહારાષ્ટ્રમાં શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) ના મહિલા એકમના પ્રમુખ છે. રાઉતે કહ્યું કે આખો મામલો શંકાસ્પદ છે.