કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન અમિત શાહે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘એક હિન્દુ આતંકવાદી ન હોઈ શકે.’ અમિત શાહના આ નિવેદન પર શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે નિવેદન આપ્યું છે.
સંજય રાઉતે કહ્યું,”એક આતંકવાદીની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. પાકિસ્તાનના લોકો કુલભૂષણ યાદવને આતંકવાદી, હિન્દુ આતંકવાદી કહે છે. અમે આ સ્વીકારવા તૈયાર નથી. સરકારે પાકિસ્તાનને કહેવું જોઈએ કે તે આપણો નાગરિક છે અને તેને મુક્ત કરાવવો જોઈએ.”
ડ્રગ કેસમાં એકનાથ ખડસેના જમાઈની ધરપકડના એક દિવસ પહેલા શિવસેના (ઉબાથા) ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રીને ભાજપના નેતા ગિરીશ મહાજનને કથિત ‘હની ટ્રેપ’ કૌભાંડ સાથે જોડવા બદલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા રાઉતે ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકરની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા અને શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની પણ ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે તે રાજકીય હરીફોના પરિવારના સભ્યોને નિશાન બનાવી રહી છે અને તેમને બદનામ કરી રહી છે.
રાઉતે કહ્યું – આખો મામલો શંકાસ્પદ છે
રાઉતે ખડસેના સ્પષ્ટ સંદર્ભમાં દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રીના ઘર પર હુમલો તેમનું મોં બંધ કરવા માટે કરવામાં આવ્યો હતો. એકનાથ ખડસેની પુત્રી રોહિણી ખડસેના લગ્ન પ્રાંજલ ખેવલકર સાથે થયા છે. શનિવારે મોડી રાત્રે પુણેના એક એપાર્ટમેન્ટમાં ચાલી રહેલી કથિત ‘ડ્રગ પાર્ટી’ પર પોલીસે દરોડો પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે સ્થળ પરથી ડ્રગ્સ, હુક્કા અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ખેવલકર સહિત છ લોકોની ધરપકડ કરી હતી. રોહિણી ખડસે મહારાષ્ટ્રમાં શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) ના મહિલા એકમના પ્રમુખ છે. રાઉતે કહ્યું કે આખો મામલો શંકાસ્પદ છે.
મુંબઈઃ મુંબઇની એક NIA કોર્ટે માલેગાંવ 2008 બોમ્બ વિસ્ફોટ કેસમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં તમામ સાત આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે. આ આરોપીઓમાં ભૂતપૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટિનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું હતું કે કોઈ પણ પુરાવો વિશ્વસનીય નથી.
મહારાષ્ટ્રના સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ માલેગાંવ શહેરમાં થયેલા વિસ્ફોટનાં લગભગ 17 વર્ષ બાદ NIAની વિશેષ કોર્ટ આ કેસમાં ચુકાદો આપ્યો હતો. માલેગાંવમાં 2008માં થયેલા આ વિસ્ફોટમાં છ લોકોને મોત થયાં હતાં અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત આ છે આરોપીઓ
ભાજપનાં નેતા અને ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તથા લેફ્ટેનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત કુલ સાત આરોપીઓ સામે UAPA (અન્યુયોગ્ય પ્રવૃત્તિઓ રોકથામ અધિનિયમ) અને ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનાઓ માટે કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસમાં મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણી અન્ય આરોપીઓ છે.
આ કેસની તપાસ કરનારી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ આરોપીઓને “યોગ્ય સજા” આપવા માગણી કરી છે. આ ઘટનાને લગતો કેસ 2018માં શરૂ થયો હતો અને 19 એપ્રિલ, 2025એ પૂર્ણ થયો હતો. મુંબઈથી લગભગ 200 કિમી દૂર આવેલું માલેગાંવ શહેરમાં 29 સપ્ટેમ્બર, 2008એ મસ્જિદ પાસે ઊભેલી એક મોટરસાયકલમાં બાંધેલા વિસ્ફોટકમાં વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકોનાં મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
નવી દિલ્હીઃ ટ્રમ્પ સરકારે ભારતની છ કંપનીઓ પર ઈરાનથી પેટ્રોલિયમ ઉત્પાદનોનો વેપાર કરવા બદલ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ કુલ મળીને દુનિયાભરની એવી 20 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને જણાવ્યું છે કે તેમનો આ વેપાર કાર્યકારી આદેશ 13846 હેઠળ અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન છે.
અમેરિકાનો દાવો છે કે ઈરાની સરકાર આ બિઝનેસમાંથી મળતી આવકને મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધારવા, આતંકવાદને નાણાકીય સહાય કરવા અને પોતાના નાગરિકો પર દમન કરવા માટે ઉપયોગમાં લે છે.અમેરિકાના વિદેશ મંત્રાલયે બુધવારે ઈરાનના પેટ્રોલિયમ, પેટ્રોલિયમ ઉત્પાદનો અથવા પેટ્રોકેમિકલ વ્યવસાયમાં સંકળાયેલી 20 વૈશ્વિક કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. મંત્રાલયે કહ્યું હતું કે ઈરાની શાસન પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવા માટે મિડલ ઈસ્ટમાં હિંસા ફેલાવે છે. અમેરિકા એ આવકના પ્રવાહને અટકાવવા માટે પગલાં લીધાં છે.
વિદેશ મંત્રાલયે ભારત, યુએઈ, તુર્કી અને ઈન્ડોનેશિયાની આ 20 કંપનીઓને ઈરાનથી આવેલાં પેટ્રોકેમિકલ ઉત્પાદનોની મહત્વપૂર્ણ ખરીદી અને વેચાણ માટે પ્રતિબંધિત કરી છે.
જ્યુપિટર ડાઈ કેમ પ્રાઈવેટ લિમિટેડ – આ ભારતની પેટ્રોકેમિકલ ટ્રેડિંગ કંપની છે. જાન્યુઆરી 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે ટોલ્યુન જેવી ચીજવસ્તુઓના 49 મિલિયન ડોલરથી વધુના ઈરાની ઉત્પાદનોની આયાતનો આરોપ.
રમણિકલાલ એસ. ગોસલિયા એન્ડ કંપની – આ પેટ્રોકેમિકલ કંપનીએ 2024માં મિથેનોલ અને ટોલ્યુન જેવી ચીજવસ્તુઓમાં 22 મિલિયન ડોલરથી વધુની ખરીદી કરી હોવાનો આરોપ છે.
પરસિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઈવેટ લિમિટેડ – ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 વચ્ચે યુએઈની કંપનીઓ (જેમકે બાબ અલ બર્શા) પાસેથી 14 મિલિયન ડોલરનાં ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત કરી હોવાનો આરોપ છે.
કંચન પોલિમર – આ કંપનીએ તાનાઈસ ટ્રેડિંગ પાસેથી પોલિથિન સહિત 1.3 મિલિયન ડોલરથી વધુના ઈરાની ઉત્પાદનોની ખરીદી કરી હોવાનો આરોપ છે.
આ તમામ ભારતીય કંપનીઓને ઈરાનથી પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ખરીદી, વેચાણ, પરિવહન કે માર્કેટિંગ જેવા મહત્વપૂર્ણ વ્યવહારોમાં જાણબૂજીને સંડોવાયેલી હોવાને કારણે અમેરિકાના કાર્યકારી આદેશ 13846ની કલમ 3(અ) (iii) હેઠળ પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે.
સંસ્કૃતમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છેઃ ‘प्रयोजनमनुद्दिश्य मण्डोपि न प्रवर्तते।’ અર્થાત્ માણસ ઉદ્દેશ વિના કંઈ કરતો નથી. માનવીની સાહજિક ક્રિયા પાછળ પણ કોઈ ને કોઈ વિચાર છુપાયેલો હોય છે. વિચારવું અને વર્તવું આ બે માનવીના આગવા અંગ છે અને ત્યાં જ એ અન્ય જીવ-પ્રાણી કરતાં જુદો જણાય છે. પશુ, પક્ષી કે પ્રાણીઓને માત્ર સ્વરક્ષણ અને સ્વપોષણના જ વિચારો આવે છે, જ્યારે માણસની વૈચારિક શક્તિ અમાપ છે. આથી જ કહેવાય છે કે ‘મૅન ઈઝ ઍન ઈન્ટલેક્ચ્યુઅલ ઍનિમલ…’
અગાધ વૈચારિક શક્તિ સાથે માણસની બીજી એક વિશેષતા છેઃ અહંભાવઃ ‘હું કેવો દેખાઈશ. મારા વિશે લોકો શું વિચારશે?’ આ બાબતનું નિરંતર અનુસંધાન તેને રહે છે. આથી તે લોકોનાં મનમાં પોતાની સારી છાપ પાડવા માટે મથતો રહે છે. પરિણામે માણસ ઘણી વાર મનમાં કંઈક જુદું હોય, છતાં સારું વર્તન દેખાડવાનો ડોળ કરતો રહે છે. દુષ્ટ વિચારો હોવા છતાં જાહેરમાં સારા વિચારો પ્રદર્શિત કરવા અને અયોગ્ય ક્રિયા હોવા છતાં જાહેરમાં સારી ક્રિયા દેખાડી વાહ વાહ મેળવવાનો દંભ મનુષ્યને શિખવાડવો નથી પડતો.
આવા દંભી માણસોને સતત ભયમાં જીવવું પડે છે, તેનું મન સતત ઉદ્વિગ્ન અને અશાંત રહે છે, પરંતુ મહાન પુરુષોની વાત જુદી છે, તેઓ દંભ-દેખાડાથી દૂર રહે છે. અને એ જ સાચી મહાનતા છે. સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે ‘मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मनाम्।’ અર્થાત્ જેવાં વિચાર એવી વાણી અને જેવી વાણી એવું જ વર્તન એ મહાપુરુષોનું લક્ષણ છે. સામા પક્ષે વિચારે કંઈક જુદું, બોલે કંઈક જુદું અને કરે તો કંઈક તૃતીયમ્ જ એ દુષ્ટોનું લક્ષણ છે.
આનો અર્થ એવો નથી કે દુષ્ટ વિચારો હોય તો નિર્દંભપણે દુષ્ટ આચરણ પણ કરવા મંડવું. સુધારાની શરૂઆત આચરણની શુદ્ધિથી કરવી પડે.
એક વાર એક યુવાન વિદ્યાર્થીએ ફ્રેન્ચ વૈજ્ઞાનિક અને તત્ત્વચિંતક બ્લેઈસ પાસ્કલને પૂછ્યું, ‘જો મારી પાસે તમારા જેવા વિચારો હોય, તો હું પણ સારો માણસ બની શકું?’
જવાબમાં પાસ્કલે કહ્યું: ‘તું સારો માણસ બન, તો તારી પાસે મારા જેવા સારા વિચારો અને જ્ઞાન આવી જશે.’
ક્રમ એવો છે કે એક સારો વિચાર શુદ્ધ આચરણને પ્રેરે અને પછી શુદ્ધ આચરણ બીજા સારા વિચારોને ખેંચી લાવે! શુદ્ધ વર્તન ઉપર લોકલાજ કે ટીકાટિપ્પણી કદી અસર ન જમાવે. શુદ્ધ વર્તન એટલે ખુલ્લી કિતાબ જેવું સંપૂર્ણ જાહેર, એકાંતશૂન્ય અને પવિત્ર જીવન. દિવસ હોય કે રાત, ભોજન હોય કે આરામ એક રહેણીકરણી, કોઈ દંભ નહીં. મહાપુરુષોની આ એક સાહજિક વિશેષતા છે.
1980માં ડૉ. અબ્દુલ કલામ દ્વારા મિસાઈલ સફ્ળતાપૂર્વક લૉન્ચ થયા બાદ તેમના ઉપર ગણિતશાસ્ત્રી બાહોશ ઍરોસ્પેસ એન્જિનિયર પ્રોફેસર સતીશ ધવનનો સંદેશો આવ્યોઃ ‘વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અભિનંદન આપવા આપને દિલ્હી બોલાવે છે.’ કલામ પોતાના રોજિંદાં કપડાં અને સાદાં સ્લીપર પહેરીને જ બહુમાન મેળવવા પહોંચ્યા.
શુદ્ધ વર્તનમાં કોઈ ઠાઠમાઠ કે કોઈને આંજી નાખવાની વાત ન આવે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને એક વ્યક્તિએ પૂછ્યું, ‘આપ એક વિશ્વવ્યાપી સંસ્થા ચલાવો છો, તેના આયોજન માટે આપની કોઈ અંગત ડાયરી છે?’ સ્વામીશ્રી કહે, ‘કોઈ અંગત ડાયરી નહીં, આખું જીવન જગજાહેર. જેનું કંઈ ખાનગી હોય તેને ઉઘાડું થવાનો ભય હોય.’
જીવન એવું હોવું જોઈએ કે એ આપણા અને આપણા પરિવાર માટે સુખદાયક હોય, જેમાં કપટ કે દંભ ન હોય, જેમાં કોઈને દુઃખી કરવાની ભાવના ન હોય, લાખો લોકો માટે પ્રેરણા રૂપ હોય.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
ચોમાસાની ઋતુમાં થોડા વરસાદ સાથે જ જંગલ જાણે સોળે કળાએ ખીલી ઊઠે છે. આ સમયમાં વનસ્પતિ અને વૃક્ષોની સાથે અનેક નાના-મોટા જીવજંતુઓ પણ ખુબજ સક્રિય બની જાય છે. કેટલાંક જીવજંતુઓ માટે ચોમાસુ વંશ વૃદ્ધિની ઋતુ હોય છે, જેના કારણે તેઓ મોટી સંખ્યામાં જોવા મળે છે.
વંશ વૃદ્ધિ કરતા આ કીટકો-જીવજંતુઓ વિવિધ પક્ષીઓ માટે પણ સરળતાથી આહાર ઉપલબ્ધ કરાવે છે. આવા કીટકો પર નિર્ભર પક્ષીઓ પણ આ સમયમાં માળા બનાવી તેમની વંશ વૃદ્ધિ કરે છે.
આ રીતે ચોમાસુ માત્ર વનસ્પતિ માટે જ નહીં, પણ જીવજંતુઓ, કીટકો, સરિસૃપો અને પક્ષીઓ માટે પણ ભોજનની વિશાળ ઉપલબ્ધતાના કારણે વંશવૃદ્ધિ માટે અનુકૂળ ઋતુ બની રહે છે.
ચોમાસામાં કીટક અને જીવજંતુઓના બાહુલ્યને કારણે મેક્રો ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ ઉત્તમ તકો મળી રહે છે.
ગુજરાતમાં ગીરના જંગલોમાં વૃક્ષો પર નિર્ભર જીવજંતુઓ અને વેળાવદરના બ્લેકબક નેશનલ પાર્કમાં ઘાસ પર નિર્ભર કીટકોની મેક્રો ફોટોગ્રાફી એક અલગ અનુભવની સાથે અનોખી મજા આપે છે.
પાંચ ઇન્દ્રિયોમાં અલગ અલગ પ્રકારની આસકિત છે. સ્વાદ, ગંધ, સ્પર્શ, શ્રવણ અદૃશ્ય દ્વારા આસક્તિ પાંગરે છે. વૈરાગ્ય અને જ્ઞાનની વ્યાખ્યા કરતા કબીરજી કહે છે કે, વિષયોનો ત્યાગ કરીએ તો જ વૈરાગ્ય થાય. “નિરાહારી દેહીના વિષયો ટળે છતાં, રસ રહી જતો તેમાં, જે ટળે દેખતા પરં.” આ ગીતા- વાક્ય સાર્થક છે.
વૈરાગ્ય સ્મશાનમાં થતી ગ્લાનિમાંથી ક્ષણિકરૂપે થયો હોય અને સમજણથી દૃઢપણે અનાસકત થયેલ વ્યક્તિમાં ફેર છે. તે જ રીતે જ્ઞાન એ શબ્દો કે પોથીઓમાં નથી. જ્ઞાન તો મનની સમતા છે. જે સંસારમાં સાર નથી જોતાં તે સાક્ષીભાવે કર્તવ્ય બજાવી તેનું ફળ કૃષ્ણાર્પણ કરી બંધનમુક્ત રહે છે.
આવી વ્યક્તિ દરેક માટે સુખદાયી હોય તો તે ભક્તિનું સાચું પ્રમાણ જાણવું. ‘વિષય તજો – પ્રભુને ભજો’ એ સૂત્ર અપનાવે છે તે સાચો ભક્ત છે. પહેલા સાચું સમજો પછી ભાવથી ભજો તો જ મુક્તિ છે. વૈશ્વિકીકરણમાં સ્પર્ધાનું, સંપત્તિનું અને સત્તાનું મહત્ત્વ છે પણ હવે એવો સમય આવ્યો છે કે, એકબીજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થઈએ તો શાશ્વત સુખશાંતિ પામીશું.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
દુનિયાભરથી હજારો લોકો માઉન્ટ એવરેસ્ટ ચડવાનું સપનું સેવતા હોય છે. પરંતુ તેને હકિકતમાં કેટલાક લોકો જ પૂર્ણ કરી શકે છે. કારણ, માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટે જેટલી માનસિક અને શારિરિક શક્તિ મજબુત હોવી જોઈએ તેટલી જ નાણકિય શક્તિની પણ જરૂર પડે છે. શું તમને ખબર છે કે એવરેસ્ટ ચડવા માટે શું શું કરવું પડે? 1 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ ( National Mountain Climbing Day) ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ પર જાણીએ માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટેની સમગ્ર પ્રક્રિયા વિશે.
માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે, જેની ઊંચાઈ 8848.6 મીટર છે. આ પર્વત હિમાલયનો એક ભાગ છે. વૈજ્ઞાનિકો માને છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે 2 સેમી વધી રહી છે. આ પર્વત સૌપ્રથમ એડમ હિલેરી અને તેનઝિંગ નોર્ગે દ્વારા ચડવામાં આવ્યો હતો. ત્યારથી લગભગ 9,000 લોકો આ પર્વત પર ચઢી ચૂક્યા છે. જો તમે પણ માઉન્ટ એવરેસ્ટ ચડવા માંગતા હોય તો પહેલા આ સમગ્ર પ્રકિયા વિશે જાણી લો.
પર્વતારોહણ પહેલાં આ તૈયારીઓ કરો
સૌ પ્રથમ, દૃઢ નિશ્ચય કરો. શરીરને પર્વતારોહણ માટે તૈયાર કરો. સહનશક્તિ અને સુગમતા વધારવા માટે કસરત કરો અને સાથે સાથે આહાર પણ એટલું જ ધ્યાન આપો. માનસિક સ્થિતિને મજબૂત બનાવવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરવો જોઈએ. યોગ્ય માહિતી મેળવવી પણ અનિવાર્ય છે. તેમજ ચઢાઈ માટે યોગ્ય વાતાવરણની રાહ જોવી પડે છે. ધીરજ અને ધૈર્ય રાખવું પણ જરૂરી છે.
યોગ્ય સમય
સમાન્ય રીતે લોકો મે મહિનામાં પર્વત પર ચડવાનું નક્કી કરતા હોય છે. સામાન્ય રીતે 15 મે પછી. ચોમાસા પહેલા જવું વધુ હિતાવહ હોય છે. વરસાદના સમયમાં પર્વતારોહકો એવરેસ્ટ પ્રદેશમાં જવાનું ટાળે છે. કારણ કે આ સમયે તે સ્થળ લપસણું અને ખતરનાક બની જાય છે. જ્યાં સુધી હવામાન યોગ્ય ન હોય, ત્યાં સુધી એવરેસ્ટ પર ચડવું શક્ય નથી.
પરવાનગી મેળવવી
માઉન્ટ એવરેસ્ટ નેપાળ અને તિબેટ સરહદ વચ્ચે આવેલું છે. પર્વત ચડવા માટે નેપાલ સરકાની પરવાનગી મેળવવી પડે છે. પહેલાની સરખામણીમાં હવે મંજૂરી મેળવવા થોડી અઘરી છે. નેપાળ સરકારે આ જ વર્ષે એક નવો કાનૂન બનાવ્યો છે. નવા કાનૂન પ્રમાણે એ જ લોકોને પર્વત ચડવાની પરવાનગી મળે જેમણે ઓછામાં ઓછા 7000 મીટરનો કોઈ પર્વત સફળતાપૂર્વક ચઢ્યો હોય. પર્વતારોહકે 7000 મીટરથી ઉપર ચઢાણનું પ્રમાણપત્ર આપવું અનિવાર્ય છે. આ સાથે જ પર્વતારોહકે ચઢાણના એક મહિનાની અંદર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત તબીબી સંસ્થા દ્વારા જારી કરાયેલ તબીબી ફિટનેસ પ્રમાણપત્ર પણ પ્રદાન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતાં લોકોને પરવાનગી મળી શકતી નથી. આ ઉપરાંત પર્વત પર મૃતદેહોને દૂર કરવા માટે વીમા યોજનાની જોગવાઈ પણ છે.
જરૂરી વસ્તુઓ
એવરેસ્ટ પર ચડવા માટે ઓક્સિજન સિલિન્ડર, તંબુ, પર્વતારોહણના બૂટ, દોરડા અને ગરમ કપડાં જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો જરૂરી છે. આ તમામ વસ્તુઓ ખર્ચાળ હોય છે. ફક્ત ઓક્સિજન સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર 500 થી 1,000 ડોલર હોય છે અને એક ચઢાણ માટે 5-6 સિલિન્ડરની જરૂર પડી શકે છે.
એવરેસ્ટની યાત્રા ક્યાંથી શરૂ થાય?
અહીં પહોંચવા માટે ઘણા રસ્તાઓ છે, પરંતુ મોટાભાગના પર્વતારોહકો બે રસ્તા પસંદ કરે છે. નેપાળમાં આવેલો દક્ષિણ માર્ગ અને તિબેટનો ઉત્તર માર્ગ. મોટાભાગની ટ્રેકિંગ કંપનીઓ નેપાળમાં સ્થિત છે. કારણ કે તિબેટમાં ચઢાણ ખૂબ મોંઘું છે. દક્ષિણ માર્ગ પર ચઢાણ કરતા લોકો નેપાળની રાજધાની કાઠમંડુથી થઈ લુકલા ગામ પહોંચે છે અને ત્યાંથી પ્રવાસીઓ બેઝ કેમ્પ માટેની યાત્રા માટે ચાલવાનું શરૂ કરે છે.
કેટલો સમય લાગે છે?
માઉન્ટ એવરેસ્ટ પર ચડવામાં લગભગ બે મહિના લાગે છે. શેરપા ગાઇડ પણ પર્વતારોહકો સાથે હોય છે. આ લોકો લગભગ બે અઠવાડિયા પગપાળા એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી જાય છે, જે લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. બેઝ કેમ્પ સુધી ટ્રેકિંગ કરવામાં લગભગ 7-12 દિવસ લાગે છે. એવરેસ્ટ પર ચડવું એક લાંબી પ્રક્રિયા છે અને વાતાવરણને અનુકૂલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે પર્વતારોહકો બેઝ કેમ્પ અને તેની ઉપરના કેમ્પમાં 2-3 અઠવાડિયા વિતાવે છે. આખરી ચઢાણમાં લગભગ 8 થી 18 કલાક લાગી શકે છે. શિખરથી બેઝ કેમ્પ સુધી પાછા ફરવામાં 2-3 દિવસ લાગી શકે છે. તેમજ પર્વતારોહકની શક્તિ પર નિર્ભર કરે છે.
કેટલો ખર્ચ?
માત્ર જુસ્સાથી કંઈ નીવડતું નથી. પર્વત ચડવા માટે આર્થિક રીતે મજબુત હોવું પણ જરૂરી છે. માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવા પર્વતારોહકે 25 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. મોંઘવારી પ્રમાણે આ આંકડો વધી શકે છે. નેપાળ અથવા તિબેટ સરકાર તરફથી ચઢાણ પરમિટ, બોટલબંધ ઓક્સિજન અને ઊંચાઈવાળા ગિયર માટે 9,04,568 રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે. આમાં તંબુ, સ્લીપિંગ બેગ અને બૂટનો સમાવેશ થાય છે.
પૈસા ઉપરાંત માઉન્ટ એવરેસ્ટ ચઢવામાં ઘણા જોખમો છે. હવામાનની અનિશ્ચિતતા, હિમપ્રપાત, ઓક્સિજનનો અભાવ અને ઊંચાઈ સંબંધિત બીમારીઓ (જેમ કે તીવ્ર પર્વતીય બીમારી) જીવલેણ બની શકે છે. દર વર્ષે સેંકડો લોકો આ શિખર પર ચઢવાનો પ્રયાસ કરે છે પરંતુ ફક્ત 50-60 ટકા લોકો જ સફળ થાય છે. 1922થી આ ચઢાણમાં 300 થી વધુ પર્વતારોહકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.