Home Blog Page 727

ગુજરાત@75 ડિઝાઈનની થીમ પર આક્રર્ષક લોગો તૈયાર કરો, ૩ લાખનું ઈનામ મેળવો

ગાંધીનગર: રાજ્યની સ્થાપનના 75 વર્ષ પૂર્ણ થાય ત્યારે તેની ભવ્ય યાત્રાના પ્રતીક સમાન લોગો કેવો હોવો જોઈએ? શું તમારી પાસે આ અંગે કોઈ ઈનોવેટિવ આઈડિયા છે? તમે આ ભવ્ય યાત્રાનો લોગો તૈયાર કરવા માંગો છો? વિજેતા તરીકે 3 લાખ રૂપિયાનું ઈનામ મેળવવા માંગો છો?રાજ્યની સ્થાપનાના ગૌરવશાળી 75 વર્ષ 2035માં પૂર્ણ થવાના છે. આવા ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે, ગુજરાત સરકારે MyGovindia પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. 75 વર્ષની ભવ્ય યાત્રાના પ્રતીકરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ ‘લોગો’ મંગાવી, તેને રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેક્નોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોકકેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે.મુખ્યમંત્રીએ સર્જનાત્મકતાની અભિવ્યક્તિના આગવા અવસર સમાન આ લોગો ડિઝાઈન માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો Mygov.in પ્લેટફોર્મ પર પ્રારંભ કરાવ્યો હતો. દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલા લોગો તા. 28 જુલાઈ થી 14 ઓગસ્ટ દરમિયાન Mygov.inની https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર સબમીટ કરી શકશે. સ્પર્ધાના અન્ય નિયમો અને જાણકારી Mygov.in પરથી જાણી શકાશે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર લોગોને રૂપિયા ૩ લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.ગુજરાત@75 વાઈબ્રન્ટ હેરીટેજ, વિઝનરી ફ્યુચરની થીમ સાથે યોજાનારી ગુજરાત@75 લોગો સ્પર્ધામાં લોકોની સહભાગિતા વધારીને તથા લોકોમાંથી જ પ્રાપ્ત થયેલા લોગો થકી એક આગવી ઓળખ ઊભી કરીને ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષના ઉત્સવમાં પોતીકાપણું સુનિશ્ચિત કરવાનો ભાવ છે. આ પહેલ ગુજરાતની સ્થાપનાના ૭૫મા વર્ષની ઉજવણીને જનભાગીદારીથી સર્વ-સમાવેશક અને સર્વવ્યાપી બનાવવાનો એક નવીન પ્રયાસ છે.

 સંસદમાં મલ્લિકાર્જુન ખડગે, જે.પી. નડ્ડા વચ્ચે તૂતૂ-મેંમેં

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં ચર્ચામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારની ટીકા કરતાં ખડગેએ વડા પ્રધાન મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. જેના જવાબમાં રાજ્યસભામાં ભાજપના નેતા જે.પી. નડ્ડા ગુસ્સે થઈ ગયા અને ખડગે માટે પણ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. બંને નેતાઓ વચ્ચે રાજ્યસભામાં ઘર્ષણપૂર્ણ વાતચીત જોવા મળી હતી.

રાજ્યસભામાં જે.પી. નડ્ડા દ્વારા તેમની પર કરાયેલા ટીકા અંગે ખડગેએ કહ્યું કે આ સભામાં કેટલાક નેતાઓ છે જેમના પ્રત્યે મને ખૂબ આદર છે. નડ્ડા પણ તેમાંથી એક છે. રાજનાથ સિંહ અને નડ્ડા એવા નેતા છે કે જે કદી પોતાનું સંતુલન ગુમાવતા નથી. આજે તે મને શીખ આપી રહ્યા છે, એ શરમજનક છે. તેમણે માફી માંગવી જોઈએ, હું આને છોડી દેવાનો નથી.

ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે અમે સર્વપક્ષી બેઠકમાં હાજર રહ્યા, પણ વડા પ્રધાન ચૂંટણી પ્રચાર માટે બિહાર ગયા હતા. શું આ છે તેમની દેશભક્તિ? તેઓ આજે અહીં હોવા જોઈએ હતા અને અમારું કહેવું સાંભળવું જોઈએ હતું. જો તમારામાં સાંભળવાની ક્ષમતા નથી તો તમે એ પદ પર રહેવા લાયક નથી. ખડગેએ વડા પ્રધાન માટે અપમાનજનક શબ્દો પણ કહ્યા, જેના પર ભાજપના સભ્યોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

નડ્ડાએ આપ્યો જવાબ

ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં જે.પી. નડ્ડાએ કહ્યું કે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ખૂબ જ વરિષ્ઠ નેતા છે, પણ જે રીતે તેમણે વડા પ્રધાન પર ટિપ્પણી કરી છે. હું તેમની પીડા સમજી શકું છું. વડા પ્રધાન મોદી છેલ્લાં 11 વર્ષથી પદ પર છે. તેઓ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. નડ્ડાએ કહ્યું કે ખડગે પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. આ નિવેદન પછી કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો.

સંજય દત્તના જન્મદિવસ પર ચાહકોને ભેટ મળી, જુઓ આ પોસ્ટ

પ્રભાસની સાથે સંજય દત્ત પણ આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. આજે 29 જુલાઈના રોજ અભિનેતા પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે ફિલ્મના નિર્માતાઓએ તેમનો પહેલો લુક પોસ્ટર જાહેર કર્યો છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે જેનું નિર્દેશન મારુતિ દ્વારા કરવામાં આવ્યું છે.

સંજય દત્તના જન્મદિવસ પર ફિલ્મ નિર્માતાઓએ ચાહકોને એક ભેટ આપી છે. ધ રાજા સાબ ફિલ્મમાંથી સંજય દત્તનો પહેલો લુક જાહેર કરવામાં આવ્યો છે. ‘ધ રાજા સાબ’ ફિલ્મ બહુપ્રતિક્ષિત ફિલ્મ છે. તેમાં પ્રભાસ, સંજય દત્ત, માલવિકા મોહનન અને રિદ્ધિ કુમાર અભિનય કરશે. ફિલ્મમાં સંજય દત્ત પ્રભાસના દાદાની ભૂમિકા ભજવતા જોવા મળશે. તેલુગુ 123ના અહેવાલ મુજબ સંજય દત્તના જન્મદિવસ નિમિત્તે ફિલ્મમાં તેમના પાત્રની પહેલી ઝલક જાહેર કરવામાં આવી છે.

નવા પોસ્ટરમાં સંજય દત્ત વૃદ્ધ દેખાવમાં જોઈ શકાય છે. આ હોરર કોમેડી ફિલ્મ 5 ડિસેમ્બર 2025 ના રોજ સમગ્ર ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. તેમાં પ્રભાસ શ્રીનુ, બોમન ઈરાની, વીટીવી ગણેશ, સપ્તગિરિ, સમુતિરકણી જેવા સ્ટાર્સ પણ છે.

પીપલ મીડિયા ફેક્ટરી દ્વારા મોટા પાયે નિર્મિત આ ફિલ્મનું સંગીત થમન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો ‘ધ રાજા સાબ’ ઉપરાંત તેમની પાસે ઘણી રસપ્રદ ફિલ્મો છે. આમાં બોયાપતિ શ્રીનુ દ્વારા દિગ્દર્શિત ‘અખંડ 2’, ‘ધુરંધર’, ‘બાગી 4’ અને ‘બાપ’નો સમાવેશ થાય છે. તે ફરી એકવાર ટાઇગર શ્રોફ અભિનીત ફિલ્મ ‘બાગી 4’ માં વિલન તરીકે જોવા મળશે. તે જ સમયે તે રણવીર સિંહ અભિનીત અને આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ‘ધુરંધર’ માં પણ નકારાત્મક ભૂમિકા ભજવવાના છે.

આવકવેરા રિફંડને નામે થઈ રહી છે ઓનલાઈન છેતરપિંડી

નવી દિલ્હીઃ દેશમાં હાલમાં આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવકવેરા વિભાગે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરી છે. પરંતુ સાથે-સાથે હવે સાયબર ગુનેગારો પણ સક્રિય થઈ ગયા છે, જે આવકવેરા રિફંડને નામે લોકોને ખોટા ઈમેલ અથવા મેસેજ મોકલીને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા ઈમેલ અથવા મેસેજમાં દાવો કરવામાં આવે છે કે તમને તરત જ ટેક્સ રિફંડ મળશે, પણ એ માટે ‘મેન્યુઅલ વેરિફિકેશન’ જરૂરી છે. આ માટે ઠગો ઈમેલ કે મેસેજમાં એક લિંક આપે છે અને લોકો તે લિંક પર ક્લિક કરે છે, કે તરત તેઓ એક નકલી વેબસાઈટ પર પહોંચી જાય છે, જે સરકારી ટેક્સ પોર્ટલ જેવી જ દેખાય છે. આ વેબસાઈટ પર માગવામાં આવેલી વિગતો જેમ કે બેંક ડિટેલ્સ, પાસવર્ડ, OTP વગેરે સીધા સાયબર ઠગોને હાથે પહોંચી જાય છે.

સરકાર દ્વારા આવા ઠગોની સામે ચેતવણી આપવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે તે ક્યારેય પણ ઈમેલ, ફોન કોલ કે SMS દ્વારા સંવેદનશીલ માહિતી માગતો નથી. આવા ઈમેલ મળે તો તેને રિપોર્ટ કરવો અને તરત જ ડિલીટ કરવો જોઈએ.

ફેક ઈમેલન જાળ

સાયબર ગુનેગાર ટેક્સપેયર્સની લાગણીઓનો લાભ લે છે. ITR ફાઈલ કર્યા પછી લોકોને રિફંડની આશા રહે છે અને ઠગો એ જ તકનો લાભ લે છે. તેઓ આવકવેરા વિભાગને નામે ઈમેલ મોકલે છે, જેમાં લખેલું હોય છે કે તમને રૂ. 60,000 સુધીનું રિફંડ મળવાનું છે. આવા ઈમેલમાં ઘણી વાર “મેન્યુઅલ વેરિફિકેશન”ની વાત હોય છે અને દાવો કરવામાં આવે છે કે રૂ. 25,000 કરતાં વધુના રિફંડ માટે RBI અથવા PMLA નિયમો અનુસાર વધારાની પુષ્ટિ જરૂરી છે.

વિભાગે એવી પણ સલાહ આપી છે કે રિફંડની સ્થિતિ ચકાસવા માટે હંમેશા સરકારની સત્તાવાર વેબસાઈટ www.incometax.gov.in પર જાઓ.

બાળકના જન્મ પછી મહિલાઓમાં ઉદભવતી આ સમસ્યા શું છે?

શ્લોકા ખુબ ખુશ હતી. એનું અને પતિ આકાશનું જાણે વિશ્વ બદલાઇ ગયું હતું. શ્લોકા અને આકાશના લગ્ન 30 વર્ષે થયા હતા એટલે લગ્ન થતાની સાથે જ પરિવાર અને સમાજ બંને તરફથી બાળક માટે પ્રેશર થવા લાગ્યુ હતું, પરંતુ હવે દીકરી સ્વરાના જન્મ પછી જાણે બધું બદલાઈ ગયું.

જો કે હવે ધીમે ધીમે એનામાં ચીડિયાપણું આવતું ગયું. નાની નાની વાતે એને ગુસ્સો આવતો. રાત્રે વારંવાર ઊઠવું અને હોર્મોનલ ફેરફારોને કારણે એ ઉદાસ રહેતી. ઘણીવાર રડતી. એને લાગતું કે એ નિષ્ફળ માતા છે. ભાવનાત્મક જોડાણના અભાવે એને અપરાધભાવ સતાવતો.

પરિવારે એની સ્થિતિને સામાન્ય ગણી, પરંતુ એ એકલી પડી ગઈ. પોતાની સ્થિતિ વિશે કોઈ શું કહેશે? એમ વિચારીએ પોતાની લાગણીઓ શેર કરી શકતી નહોતી. આકાશને એની ચિંતા થતી. એક દિવસ તો એ દીકરીને રડતી જોઈ રહી, પણ એને ફીડીંગ ન કરાવી શકી.

છેવટે આકાશ એને મનોચિકિત્સક પાસે લઈ ગયો. ડોક્ટર કહ્યું કે એને PPD એટલે કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન છે. એ વિશે સમજાવી, થેરાપી અને દવાઓની સલાહ આપી. આકાશે ઘરના કામની સાથે શ્લોકાની સંભાળ રાખવાનું શરૂ કર્યું.

થેરાપી અને પતિના સહકારથી ધીમે ધીમે એ સ્વસ્થ થઈ. એ મહિલા સપોર્ટ ગ્રૂપમાં જોડાઈ, જ્યાં અન્ય માતાઓ સાથે અનુભવો શેર કર્યા. શ્લોકા આજે પોતાની સફર બધા સાથે શેર કરે છે, જેથી આ સમસ્યાથી પીડાતી અન્ય મહિલાઓ પણ સમયસર જાગૃત થાય.

PPD વિશે જાગૃતિ જરૂરી

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD) એ બાળજન્મ પછી નવી માતાઓમાં જોવા મળતી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ છે. જેમાં ઉદાસી, ચિંતા, થાક, અપરાધભાવ, નિરાશા, ગુસ્સો અને બાળક સાથે ભાવનાત્મક જોડાણનો અભાવ જેવા લક્ષણો દેખાય છે. બેબી બ્લૂઝ, જે થોડા અઠવાડિયામાં ઓછું થઈ જાય છે, પણ PPDના લક્ષણો લાંબા સમય સુધી રહી શકે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગાયનેકોલોજિસ્ટ અને ફર્ટિલિટી એક્સપર્ટ ડો. ઉષ્મા પટેલ કહે છે કે, “પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD) વિશે પૂરતી જાગૃતિ નથી. સામાન્ય ગર્ભધારણની તુલનામાં ઇનફર્ટિલિટી પછી ગર્ભધારણ કરનાર મહિલાઓમાં PPDનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઇનફર્ટિલિટીનો તણાવ અને ઘણીવાર ટ્વીન્સ (બે બાળકો)ની સંભાળનું દબાણ આનું કારણ હોઈ શકે છે. આવી મહિલાઓ માટે કાઉન્સેલિંગ આવશ્યક છે. જરૂર પડે તો પરિવારનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ”. એ ભારપૂર્વક કહે છે કે “માતાએ પોતાની લાગણીઓ ખુલ્લેઆમ શેર કરવી જોઈએ અને ડૉક્ટરની સલાહ લઈને આ સ્થિતિમાંથી બહાર આવવાના પ્રયાસ કરવા જોઈએ.”

ઓવરથિંકિંગ બંધ કરી પોતાની ફીલિંગ્સ શેર કરો

રિસર્ચ અનુસાર, લગભગ 20% નવી માતાઓ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD)થી પીડાય છે. ડિલિવરી પછી પ્રોજેસ્ટેરોન લેવલમાં ઘટાડો, ઊંઘની અછત, અને બાળકની સંભાળનું દબાણ આનું કારણ બને છે. નવી માતાઓને “મી-ટાઇમ” ન મળવો, વજન વધવું, કરિયર ગુમાવવાનો ડર, અને નાણાકીય તણાવ જેવા પરિબળો PPDને વધારે છે. અગાઉથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી મહિલાઓમાં આનું જોખમ વધુ હોય છે. સેલ્ફ-ડાઉટ અને ભાવનાત્મક તણાવ પણ આ સ્થિતિને વધુ ગંભીર બનાવે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પ્રોફેશનલ એંકર અને વેઇટલિફટર અર્ચિતા આચાર્ય કહે છે કે, “મારે બે બાળકો છે મેં પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD)નો સામનો બે વખત કર્યો છે, એટલે આ બધું મને ખૂબ નજીકથી સમજાય છે. ડિલિવરી પછીનો સમય ખરેખર ખૂબ ટફ હોય છે માટે મહિલાઓએ  સૌથી પહેલા, માનસિક અને શારીરિક રીતે તૈયાર થવું પડશે. લાઇફ પાર્ટનર સાથે બેસીને વાત કરો, કારણ કે એમનો સપોર્ટ ગેમ-ચેન્જર હોય છે. મારા પાર્ટનરે મને ખૂબ મોટિવેટ કરી, જેનાથી ઘણો ફરક પડ્યો. હું મહિલાઓ માટે સેશન કરું છું, કારણ કે આ વિષયની ચર્ચા થવી જરૂરી છે. મહિલાઓએ ફિટનેસ પર ફોકસ કરવુ જરૂરી છે. ઓવરથિંકિંગ બંધ કરી પોતાની ફીલિંગ્સ શેર કરો. ખાસ તો પોતાના માટે થોડા સ્વાર્થી બનો, પોતાનું ધ્યાન રાખો. બીજાની અપેક્ષાઓ ઝીરો રાખો,  પોતાની સ્ટ્રેન્થ બનાવો.”

PPD સામે લડવા માટે જીવનશૈલીમાં ફેરફાર મદદરૂપ

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD)ના લક્ષણો બાળજન્મના એક અઠવાડિયાથી લઈને મહિનાઓ સુધી દેખાઈ શકે છે. બેબી બ્લૂઝના હળવા લક્ષણો સ્ત્રી આપમેળે દૂર કરી શકે છે, પરંતુ PPD ગંભીર હોય છે, જેમાં વિચિત્ર આભાસ, પેરાનોઈયા અને નુકસાન પહોંચાડવાના વિચારો આવી શકે છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલિક પરિવાર અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ સાથે વાત કરો, જેઓ કાઉન્સેલિંગ અથવા એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓની સલાહ આપી શકે છે. ઘણી હોસ્પિટલોમાં નવી માતાઓ માટે સપોર્ટ ગ્રૂપ્સ હોય છે, જ્યાં એક્સપર્ટ્સ તકેદારીની સલાહ આપે છે. PPD સામે લડવા માટે જીવનશૈલીમાં ફેરફાર મદદરૂપ છે. પરિવારની મદદથી પૂરતી ઊંઘ લો, બાળકનો નિયમિત સૂવાનો સમય નક્કી કરો, હળવી કસરત કરો, હેલ્ધી ખોરાક લો, અને પાર્ટનરની મદદથી ભોજનનો સમય આરામદાયક બનાવો. આ નાના ફેરફારો ડિપ્રેશનથી બચાવી શકે છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટીશિયન અને એજ્યુકેટર શ્વેતા મિરાજ રાવજી કહે છે કે, “પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD) વિશે મિત્રો, પતિ કે પરિવાર સાથે ખુલીને વાત કરવી જોઈએ. ઘણી મહિલાઓ કોઈ એમને જજ કરશે એવા ડરથી ચૂપ રહે છે, પરંતુ સ્થિતિ ગંભીર બને તો ડોક્ટરની સલાહ અને થેરાપી લેવી જરૂરી છે. બધું જાતે કરવાની જરૂર નથી. PPD થવું એ નબળાઈ નથી. બીજાની મદદ લેવી શરમજનક નથી.”

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનાં કારણો

હોર્મોનલ ફેરફારો: પ્રસૂતિ પછી એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સના સ્તરમાં ફેરફાર મહિલાના વર્તન અને મૂડને અસર કરે છે.

સામાજિક દબાણ: દીકરાની અપેક્ષાએ દીકરીનો જન્મ થાય તો માતા પર તણાવ અને સામાજિક દબાણ વધે છે.

જવાબદારીઓનો બોજ: બાળક અને ઘરની સંભાળની વધુ જવાબદારીઓ અને શારીરિક નબળાઈ માનસિક તણાવ વધારે છે.

કારકિર્દીની ચિંતા: નોકરી કરતી મહિલાઓને ઑફિસમાં પ્રદર્શન, વિલંબ કે વારંવાર રજાઓ લેવાને કારણે પાછળ પડવાનો ડર રહે છે.

શારીરિક બદલાવ: શરીરના બદલાયેલા આકાર વિશે નકારાત્મક વિચારો પણ ડિપ્રેશનનું કારણ બની શકે છે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની સારવાર

લક્ષણોની તીવ્રતા: પ્રારંભિક લક્ષણો હળવા હોય તો દવા વિના સુધારો શક્ય, પરંતુ ગંભીર હોય તો મનોચિકિત્સકની સલાહ જરૂરી.

પરિવારનું સમર્થન: માતાને શારીરિક-માનસિક પરિવર્તનોમાં ભાવનાત્મક સહયોગ, બાળકની સંભાળમાં મદદ અને દબાણ ન કરવું.

ઈલાજના વિકલ્પો: કાઉન્સેલિંગ અને એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ દ્વારા થેરાપી.

હોસ્પિટલની ભૂમિકા: ગર્ભાવસ્થા દરમિયાન અને પછી માતા-પરિવારના વર્તનની માહિતી એકત્ર કરી યોગ્ય માર્ગદર્શન આપવું.

જાગૃતિનો અભાવ: PPDને શારીરિક નબળાઈ કે અન્ય કારણો સાથે જોડી લોકો ડૉક્ટરને બદલે તંત્ર-મંત્રનો સહારો લે છે.

સર્વશ્રેષ્ઠ ઉપાય: ગર્ભાવસ્થાથી જ મહિલાઓ અને પરિવારને PPD વિશે જાગૃત કરવું.

હેતલ રાવ

ચીનને પાછળ છોડીને ભારત બન્યું USમાં નંબર વન સ્માર્ટફોન સપ્લાયર

નવી દિલ્હીઃ ભારત હવે અમેરિકા માટે સૌથી વધુ સ્માર્ટફોન સપ્લાય કરનાર દેશ બની ગયો છે. આ સફળતા ભારતને 2025ની એપ્રિલથી જૂનના ત્રિમાસિક સમયગાળામાં મળી છે. અમેરિકા નિકાસ કરવામાં આવેલા સ્માર્ટફોનમાંથી 44 ટકા ભારતમાં બનાવવામાં આવ્યા હતા, જ્યારે એક વર્ષ પહેલાં આ આંકડો માત્ર 13 ટકા હતો. બીજી તરફ, ચીનનો હિસ્સો 61 ટકામાંથી ઘટીને માત્ર 25 ટકા થયો ગઈ છે. એટલે કે ભારતમાંથી અમેરિકાને મોકલાતા સ્માર્ટફોનમાં 240 ટકાનો જબરદસ્ત વધારો થયો છે, એમ અહેવાલ કહે છે.

ચીન અને અમેરિકાના વચ્ચે ચાલતા ટેરિફ વોરને કારણે ભારતમાં બનેલા સ્માર્ટફોનની અમેરિકામાં ભારે માગ વધી છે. જેને પરિણામે ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્માર્ટફોનની નિકાસમાં ભારે ઉછાળો આવ્યો છે.

આ ફેરફાર પાછળ સૌથી મોટું કારણ એપલ કંપની છે. કંપનીએ ચીન ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતમાં iPhone બનાવવાનું અને સીધું ત્યાંથી અમેરિકામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. કેનાલિસના વિશ્લેષક સંયમ ચૌરસિયાના જણાવ્યા અનુસાર કંપનીએ 2025ના બીજા ત્રિમાસિકમાં અમેરિકા માટે સૌથી વધુ iPhone ભારતમાંથી બનાવ્યા. આ સૌપ્રથમ વાર છે જ્યારે ભારત અમેરિકાનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે.

એપલ સિવાય સેમસંગ અને મોટોરોલા એ પણ ભારતમાંથી અમેરિકા માટે નિકાસ વધારી છે. એક અહેવાલ મુજબ એપલે એપ્રિલથી જૂન 2025 (Q1 FY26) દરમિયાન ભારતમાંથી અંદાજે $5 બિલિયન (લગભગ રૂ. 42,000 કરોડ)ના iPhones નિકાસ કર્યા, જે ભારતના કુલ સ્માર્ટફોન એક્સપોર્ટમાં 70 ટકા હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે આ આંકડો $ ત્રણ બિલિયન હતો.

ભારત સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ
ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ફોક્સકોન જેવી કંપનીઓએ પણ ઉત્પાદન વધાર્યું છે, જેને કારણે ભારતમાંથી એપ્રિલથી જૂન 2025માં કુલ સ્માર્ટફોન નિકાસ $ સાત અબજને પાર પહોંચી છે, જે ગયા વર્ષની તુલનામાં 40 ટકા વધુ છે. અર્થાત્ હવે ભારત માત્ર એક મોટો ગ્રાહક જ નહીં, પણ વૈશ્વિક સપ્લાય માટેનો મોટો ઉત્પાદક પણ બની રહ્યો છે.

ફટાફટ જાણી લો.. 1 ઓગસ્ટથી અનેક મોટા ફેરફાર થશે

આગામી બે દિવસમાં ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. 1 ઓગસ્ટથી આવા 6 નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની અસર સામાન્ય માણસ પર પડશે. આ સમય દરમિયાન, UPI નિયમોમાં ફેરફારથી ઇંધણ અને LPGના ભાવમાં વધારો થવાની ધારણા છે. ચાલો જોઈએ કે આવતા મહિનાથી શું ફેરફાર થવા જઈ રહ્યા છે.

UPIમાં ફેરફાર થવા જઈ રહ્યા છે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) UPI વપરાશકર્તાઓના અનુભવને સુધારવા અને એપ્લિકેશનો પર બિનજરૂરી ભાર ઘટાડવા માટે Paytm, PhonePe અને Google Pay જેવી UPI એપ્લિકેશનો માટે મર્યાદા નક્કી કરવા જઈ રહ્યું છે. આ નવા ફેરફાર હેઠળ, વપરાશકર્તાઓ હવે તેમના એકાઉન્ટ બેલેન્સને ૫૦ વખતથી વધુ વખત ચેક કરી શકશે નહીં. આ ઉપરાંત, વપરાશકર્તાઓ દિવસમાં ફક્ત 25 વખત જ એપ્લિકેશનમાંથી બેંક ખાતાની વિગતો જોઈ શકશે. આ સાથે, ઓટો-પે માટે સમય સ્લોટ પણ નક્કી કરવામાં આવ્યા છે – સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અને રાત્રે 9.30 વાગ્યા પછી. આ બધા નિયમો બધા UPI વપરાશકર્તાઓ માટે લાગુ થવાના છે.

LPG ભાવમાં ફેરફાર

તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દર મહિને ઘરેલુ અને વાણિજ્યિક LPG સિલિન્ડર બંનેના ભાવની સમીક્ષા કરે છે. ગયા મહિને, વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આનાથી આશા જાગી છે કે આ વખતે ઘરેલુ LPGના ભાવમાં ઘટાડો થશે. છેલ્લા કેટલાક મહિનામાં, LPG સિલિન્ડરના ભાવમાં સતત વધઘટ જોવા મળી છે. સરકાર 1 ઓગસ્ટના રોજ LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે તેવી અપેક્ષા છે, જે તમારા ખિસ્સાને અસર કરી શકે છે.

CNG અને PNGના ભાવમાં વધારો થઈ શકે છે

9 એપ્રિલથી CNG અને PNGના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ 1 ઓગસ્ટથી તેમના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે. જો તેમના ભાવ વધે છે, તો મુસાફરી અને રસોડાના રસોઈનો ખર્ચ વધી શકે છે કારણ કે આ ગેસનો ઉપયોગ ઓટો, કેબ અને ગેસ પાઇપલાઇનમાં થાય છે.

હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે

એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ 1 ઓગસ્ટથી બદલાય તેવી શક્યતા છે. તેનો ઉપયોગ વિમાનમાં થાય છે. જો ATF ના ભાવ વધે છે, તો એરલાઇન્સ વધેલા ખર્ચનો બોજ મુસાફરો પર નાખી શકે છે. આનાથી હવાઈ ટિકિટ મોંઘી થશે, તેથી ઓગસ્ટમાં તમારી હવાઈ ટિકિટ બુક કરાવતી વખતે, ભાડા પર નજર રાખો અને છેલ્લી ઘડીના ભાડા વધારાને ટાળવા માટે અગાઉથી બુક કરાવો.

SBI મફત ક્રેડિટ કાર્ડ વીમો બંધ કરવા જઈ રહ્યું છે

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) કાર્ડનો ઉપયોગ કરો છો અને હવાઈ મુસાફરી દરમિયાન મફત અકસ્માત વીમાનો લાભ લઈ રહ્યા છો, તો તમારા માટે મોટા સમાચાર છે. 11 ઓગસ્ટ, 2025 થી, બેંક તેના ઘણા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ વેરિઅન્ટ્સ પર મફત હવાઈ અકસ્માત વીમા કવરેજ બંધ કરવા જઈ રહી છે.

SBI બેંક દ્વારા UCO બેંક, સેન્ટ્રલ બેંક, કરુર વૈશ્ય બેંક અને અલ્હાબાદ બેંક જેવી ઘણી બેંકો સાથે ભાગીદારીમાં એલિટ અને પ્રાઇમ કાર્ડ્સ પર 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનો મફત હવાઈ અકસ્માત વીમો કવર ઓફર કરવામાં આવ્યો હતો, જે હવે બંધ થવા જઈ રહ્યો છે.

નહેરુના યુદ્ધવિરામને કારણે POK બન્યું: ગૃહપ્રધાન શાહ

નવી દિલ્હીઃ સંસદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા અને પાકિસ્તાન દ્વારા કબજા હેઠળ કાશ્મીર (POK)ના અસ્તિત્વ માટે સીધા જ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને જવાબદાર ઠેરવ્યા હતા. શાહે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન 1949માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા પહેલા યુદ્ધને અટકાવનારા ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું  કે જો આજે POK અસ્તિત્વમાં છે, તો તે નહેરુ દ્વારા કરાયેલા યુદ્ધવિરામને કારણે છે. તેનો દોષ નહેરુનો છે.

તેમણે જણાવ્યું હતું કે 1960માં સરદાર વલ્લભભાઈ પટેલે આ પગલાનો વિરોધ કર્યો હતો. શાહે જણાવ્યું હતું કે સિંધુ નદીના પાણી પર ભારતની સ્થિતિ મજબૂત હતી, પરંતુ સિંધુ જળ સંધિ પછી આપણે 80 ટકાથી વધુ પાણી પાકિસ્તાનને આપી દીધું. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ભારતે વ્યૂહાત્મક લાભ ગુમાવી દીધો.

કોંગ્રેસની વધુ ટીકા કરતાં શાહે કહ્યું હતું કે 1971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ભારતની જીત પછી કોંગ્રેસે એક મોટી તક ગુમાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે 1971ની જીત પર ગૌરવ કરીએ છીએ – ત્યારે આપણા પાસે 93,000 પાકિસ્તાની યુદ્ધબંદીઓ હતા, જે તેમના સૈન્યનું લગભગ 42 ટકા હતા, છતાં પણ આપણે ત્યારે POKની માગ નહીં કરી. શાહે કહ્યું હતું કે કોંગ્રેસ ફરી વાર ભારતનાં હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી.

શાહે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતને કાયમી બેઠક ન મળવા માટે પણ નહેરુ જવાબદાર છે. તેમણે ભાર આપીને કહ્યું હતું કે નહેરુના નિર્ણયને કારણે જ આપણને UNSCમાં કાયમી બેઠક ગુમાવવી પડી. તેમણે કોંગ્રેસની ઐતિહાસિક ભૂલોની એક પેટર્નની વાત કરી, જે ભારતની વૈશ્વિક સ્થિતિ પર લાંબા ગાળાનો પ્રભાવ પાડે છે.

પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલામાં સુરક્ષા ખામીનો મુદ્દો ઉઠાવ્યો

હાલમાં લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી લોકસભામાં ઓપરેશન સિંદૂર પર બોલી રહ્યા છે. આ દરમિયાન, તેમણે કહ્યું કે સંરક્ષણ પ્રધાને લાંબુ ભાષણ આપ્યું છે, પરંતુ એક વાત મને પરેશાન કરે છે કે તેમણે પહેલગામ હુમલો કેવી રીતે થયો તે જણાવ્યું નથી. જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સેનાની બહાદુરીને સલામ કરી અને કહ્યું કે આઝાદી અહિંસક ચળવળ દ્વારા પ્રાપ્ત થઈ હતી, પરંતુ સેનાએ 1948 માં પાકિસ્તાન દ્વારા પહેલી ઘૂસણખોરીથી અત્યાર સુધી આપણી અખંડિતતાને અકબંધ રાખવામાં ઘણું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે મંત્રીઓએ બધા પાસાઓની ગણતરી કરી, ઇતિહાસનો પાઠ પણ શીખવ્યો, પરંતુ એક વાત રહી ગઈ. પહેલગામમાં હુમલો કેવી રીતે થયો, તે કેમ થયો? આ પ્રશ્ન હજુ પણ પરેશાન કરી રહ્યો છે.

પ્રિયંકા ગાંધીએ શુભમ દ્વિવેદીની પત્નીનો ઉલ્લેખ કરીને કહ્યું કે લોકો સરકાર પર વિશ્વાસ કરીને પહેલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાનની દયા પર છોડી દીધા. આ હુમલા માટે કોણ જવાબદાર છે? શું નાગરિકોની સુરક્ષા સંરક્ષણ પ્રધાનની જવાબદારી નથી, શું ગૃહ પ્રધાનની જવાબદારી નથી? તેમણે ટીઆરએફની સ્થાપના, તેની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરીને અને તેને આતંકવાદી સંગઠન ગણાવીને પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે સરકારની એવી કોઈ એજન્સી નથી જેને આટલા ભયંકર હુમલાની યોજનાનો સંકેત હોય. શું આ એજન્સીઓની નિષ્ફળતા છે કે નહીં? આ એક મોટી નિષ્ફળતા છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ટીઆરએફે કાશ્મીરમાં 25 આતંકવાદી હુમલા કર્યા, પરંતુ પહેલગામ વિશે કોઈને ખબર પણ નથી. આ આપણી સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતા છે. તેમણે કહ્યું કે ભાજપ 11 વર્ષથી સત્તામાં છે, તે જવાબદારી કેમ નથી લેતી? તમે ઇતિહાસ વિશે વાત કરો છો. હું વર્તમાન વિશે વાત કરીશ.

દેશના સૈનિકોને સલામ કરું છું – પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘હું તે બધા સૈનિકોને સલામ કરવા માંગુ છું જેઓ આપણા દેશના રણ, ગાઢ જંગલો, બરફીલા પર્વતોમાં આપણા દેશનું રક્ષણ કરે છે. જે દરેક ક્ષણે દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. 1948 થી અત્યાર સુધી, જ્યારે પાકિસ્તાન દ્વારા કાશ્મીર પર હુમલો કરવામાં આવ્યો હતો – ત્યારે આપણા સૈનિકોએ આપણા દેશની અખંડિતતાના રક્ષણમાં ઘણું યોગદાન આપ્યું છે.’

પહેલગામના ત્રણે આતંકીઓનો ખાતમો કરાયોઃ ગૃહ મંત્રી શાહ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરને લઈ લોકસભામાં આજે બીજા દિવસે ચર્ચાની શરૂઆત ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી. તેમણે આ દરમિયાન પહેલગામ આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર અને પહેલગામમાં 26 લોકોની હત્યા કરનાર આતંકીઓ સામે ચલાવેલા સફળ “ઓપરેશન મહાદેવ”ની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન મહાદેવ અંતર્ગત જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય સૈન્ય અને CRPFના જવાનો દ્વારા સંયુક્ત ઓપરેશનમાં પહેલગામના દોષિતોને ઠાર મારવામાં આવ્યા હતા.

ઓપરેશન મહાદેવ વિશે ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 22 એપ્રિલે ઈન્ટેલિજન્સ બ્યુરોના હ્યુમન ઈન્ટેલન્સથી માહિતી મળી હતી કે દાચીગામ વિસ્તારમાં આતંકીઓ હાજર છે. આ માહિતીની પુષ્ટિ કરવા માટે એપ્રિલથી 22 જુલાઈ સુધી સતત પ્રયાસો કરવામાં આવ્યા. ઊંચા વિસ્તારમાં સિગ્નલ પકડવા સૈનિકો સતત શોધખોળ કરતા રહ્યા. 22 જુલાઈએ સેન્સર દ્વારા આતંકીઓની હાજરીની પુષ્ટિ થઈ. ત્યાર બાદ પોલીસ અને સૈનિકોએ આતંકીઓને ઘેરી લીધા હતા.

સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન
લોકસભામાં અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીર પોલીસ, CRPF અને સૈન્યએ સંયુક્ત રીતે ઓપરેશનને અમલમાં મૂક્યો હતો. આતંકીઓ પાસેથી ત્રણ રાઇફલ્સ મળી આવી હતી. એ સાથે જ ગૃહમંત્રીએ ત્રણે આતંકીઓના નામ પણ જાહેર કર્યા હતા – સુલેમાન, જિબ્રાન અને અફઝલ. તેમણે જણાવ્યું હતું કે ત્રણે આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે.

ત્રણે આતંકીઓને માટીમાં મિલાવી દીધા

ગૃહ મંત્રી શાહે કહ્યું હતું કે ઓપરેશન મહાદેવ દરમિયાન સુલેમાન ઉર્ફે ફૈઝલ જટ, અફઝલ અને જિબ્રાનને ઠાર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું  કે ઓપરેશન સિંદૂરે આતંકવાદના આકાઓને પણ માટીમાં મિલાવ્યા છે અને સૈન્ય તથા CRPFએ આતંકીઓને નિષ્ફળ બનાવ્યા છે.