Home Blog Page 734

હૉલીવુડ અભિનેતા માઈકલ વોર્ડ પર જાતીય શોષણનો આરોપ

બ્રિટિશ ટેલિવિઝન સીરિઝ ‘ટોપ બોય’ થી વિશ્વભરમાં ઓળખ મેળવનાર અભિનેતા માઈકલ વોર્ડ પર આ દિવસોમાં ગંભીર આરોપો લાગી રહ્યા છે. લંડન મેટ્રોપોલિટન પોલીસે તેમની સામે જાતીય શોષણના આરોપમાં કેસ નોંધ્યો છે. આ આરોપો 27 વર્ષીય વોર્ડ પર એક મહિલા દ્વારા લગાવવામાં આવ્યા છે, જેનો કેસ જાન્યુઆરી 2023 માં પ્રકાશમાં આવ્યો હતો.

‘ધ હોલીવુડ રિપોર્ટર’ અનુસાર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે વોર્ડ પર બે વાર બળાત્કાર અને ત્રણ વાર જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ બધા આરોપો એક જ મહિલા સાથે સંબંધિત છે, જેની સુરક્ષા અને માનસિક સંભાળ માટે પોલીસે એક નિષ્ણાત ટીમ તૈનાત કરી છે.

આ કેસની તપાસ લંડન પોલીસના સ્પેશિયલ સેક્સ્યુઅલ ક્રાઈમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ સ્કોટ વેરના મતે આવા કેસોની તપાસ અત્યંત સંવેદનશીલ હોય છે અને તે રિપોર્ટ કરનારી મહિલા પર ઊંડી અસર કરી શકે છે.

CPS એ કેસ ચલાવવાની મંજૂરી આપી

ઇંગ્લેન્ડમાં ફોજદારી કેસ ચલાવવાની દેખરેખ રાખતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) એ કેસની સમીક્ષા કર્યા પછી કેસ ચલાવવાની મંજૂરી આપી છે. ડેપ્યુટી ચીફ ક્રાઉન પ્રોસિક્યુટર કેથરિન બક્કાસે કહ્યું કે પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એવી પણ અપીલ કરી કે મામલો હવે કાનૂની પ્રક્રિયામાં હોવાથી સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવાઓ કે ટિપ્પણીઓ ટ્રાયલને અસર કરી શકે છે.

માઈકલ વોર્ડે હોલીવુડમાં પણ પોતાની છાપ છોડી છે

માઈકલ વોર્ડનું નામ ફક્ત ‘ટોપ બોય’ પૂરતું મર્યાદિત નથી. તેમણે એરી એસ્ટરની ફિલ્મ ‘એડિંગ્ટન’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. વોર્ડને 2020 માં BAFTA નો ‘રાઇઝિંગ સ્ટાર’ એવોર્ડ પણ મળ્યો છે અને ‘એમ્પાયર ઓફ લાઈટ’ જેવી ફિલ્મોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે જોઆક્વિન ફોનિક્સ, એમ્મા સ્ટોન અને પેડ્રો પાસ્કલ જેવા ઘણા મોટા હોલીવુડ સ્ટાર્સ સાથે રેડ કાર્પેટ પર પણ હાજરી આપી છે. પરંતુ હવે આ ગંભીર આરોપો બાદ તેમની છબી ખરડાઈ ગઈ છે.

આ સમગ્ર કેસમાં આગામી કાનૂની કાર્યવાહી હવે 28 ઓગસ્ટના રોજ લંડનની થેમ્સ મેજિસ્ટ્રેટ કોર્ટમાં થવાની છે, જ્યાં માઈકલ વોર્ડને રજૂ કરવામાં આવશે. ત્યાં સુધી તે ન્યાયિક પ્રક્રિયાને આધીન રહેશે.

મનોદિવ્યાંગના ‘ઉત્થાન’ માટેનો ઉપક્રમ

અમદાવાદ: સમાજમાં કંઇક જુદા દેખાતા બાળકો પર તારે જમી પર..સીતારે જમી પે.. જેવી અનેક ફિલ્મો બની ગઇ. લોકો ભાવુક પણ થયા. પરંતુ આપણી આસપાસ સામાન્ય બાળકો વચ્ચે એવા મનોદિવ્યાંગ બાળકો છે, જેને શિક્ષણ સાથે જીવનલક્ષી તાલીમ અને રોજગારની પણ જરૂર છે. એમને મન પૈસા ગૌણ છે પણ રચનાત્મક પ્રવૃત્તિની તાલીમની જરૂર છે. અમદાવાદ શહેરના પાલડીમાં આવેલા ‘ગુજરાત સ્ત્રી પ્રગતિ મંડળ’ સંચાલિત ‘ઉત્થાન’ સંસ્થા માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા 14 વર્ષથી ઉપરના લોકોને તાલીમ આપી પગભર બનાવવાનું કામ કરે છે.‘ઉત્થાન’ના કેન્દ્રમાં તાલીમ પામેલા 75 જેટલાં માનસિક દિવ્યાંગતા ધરાવતા લોકોએ તૈયાર કરેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પટેલ વાડી, પાલડી ગામમાં રાખવામાં આવ્યું. ઉત્થાન તાલીમ કેન્દ્ર સાથે 48 વર્ષથી જોડાયેલા ભાવનાબહેન પંડ્યા ચિત્રલેખા.કોમને કહે છે, 1978ના ગાળામાં મનોદિવ્યાંગ લોકો માટે જ્યારે એકદમ ઓછી સંસ્થાઓ હતી, ત્યારે અમે શિક્ષણનું અને તાલીમનું કામ શરૂ કર્યું. પહેલાં અમે મનાસિક રીતે દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાનું કામ કર્યું જુદા-જુદા વિષયો ભણાવવાનો પ્રયાસ પણ કર્યો.. પછી એક વિચાર આવ્યો કે આમને ખરેખર જીવનલક્ષી અને રોજગારલક્ષી તાલીમની જરૂર છે. સમય જતાં જે એમને પ્રવૃત્તિની સાથે પૈસા પણ અપાવે. એ પછી અમારા ત્યાં આવતા મનોદિવ્યાંગ બાળકોને અમે હસ્તકલાની વસ્તુઓ પેપર બેગ, ગિફ્ટ પેપર બેગ, ગ્રીટિંગ કાર્ડ, ઓફિસ સ્ટેશનરી ફાઇલ, પેઇન્ટિંગ્સ, ક્રાફ્ટ વર્ક, તોરણ, કંકાવટી, દિવડાં અને રાખડીઓ જેવી અનેક ચીજ-વસ્તુઓ બનાવતા શીખવાડવાનું શરૂ કર્યું. ભાવના બહેન કહે છે, મનોદિવ્યાંગ છોકરા અને છોકરીઓને નૃત્ય, નાટક જેવાં કલ્ચરલ કાર્યક્રમોમાં ભાગ લેવાની તાલીમ આપીએ છીએ. આ સાથે રમત-ગમતમાં નિપુણ બનાવી સ્પેશિયલ ઓલમ્પિક ગેમ્સમાં મોકલવાનો પ્રયાસ કરીએ છીએ. મનોદિવ્યાંગ બાળકોની વાતો નિરાળી હોય છે. એમને મન પૈસાનું મહત્વ નથી હોતું પરંતુ લોકોનો પ્રેમ અને એની સાથે એમને બનાવેલી ચીજ વસ્તુઓનું મહત્વ હોય છે. આ વર્ષે રક્ષાબંધન પહેલા ‘ઉત્થાન’ તાલીમ કેન્દ્રના માનસિક દિવ્યાંગ લોકોએ તૈયાર કરેલી વિવિધ ચીજ-વસ્તુઓનું પ્રદર્શન વેચાણ પાલડી ગામની પટેલ વાડીમાં રાખવામાં આવ્યું.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

સરકારી અધિકારીઓને ત્યાં દરોડામાં બેહિસાબ સંપત્તિ મળી

નવી દિલ્હીઃ ભ્રષ્ટાચારવિરોધી એક મોટા ઓપરેશન હેઠળ વિજિલન્સના અધિકારીઓએ ઓડિશાના ડેપ્યુટી ફોરેસ્ટ રેન્જર રામચંદ્ર નેપક સાથે સંકળાયેલી સંભવિત જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.  આ દરોડામાં દરમિયાન કરોડો રૂપિયાની અઘોષિત સંપત્તિ સામે આવી. તપાસ ટીમને એક ગુપ્ત રૂમમાં છુપાવવામાં આવેલા 500 અને 200 રૂપિયાના નોટોમાંથી 1.44 કરોડ રૂપિયાની રોકડ, ચાર સોનાના બિસ્કિટ, દરેક 10 ગ્રામ વજનવાળા 16 સોનાના સિક્કા, આશરે 1.5 કિલોગ્રામ સોનાના દાગીના અને ચાર કિલોગ્રામથી વધુ ચાંદી મળી છે.

અધિકારીને ત્યાં દરોડા એકસાથે છ સ્થળોએ મારવામાં આવ્યા હતા, જેમાં જયપુરમાં નેપકનું નિવાસસ્થાન, એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં બે ફ્લેટ, તેમના સસરાનું ઘર, ભુવનેશ્વરમાં તેમનો ભાઈ રહે છે ત્યાંનું ઘર અને તેમની ઓફિસનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓએ તેમને નામે અનેક મિલકત ઓળખી છે, જેમાં ભુવનેશ્વરમાં એક ફ્લેટ, જયપુરમાં ત્રણ ફ્લેટ, એક મકાન અને બે પ્લોટનો સમાવેશ થાય છે.નેપક આ વર્ષના અંતે નિવૃત્ત થવાના છે. એવું કહેવાય છે કે તેમણે તેમના ઘરમાં મોટી માત્રામાં રોકડ અને કીમતી વસ્તુઓ છુપાવવા માટે ગુપ્ત ખૂણાઓ અને ડબ્બાઓનો ઉપયોગ કર્યો હતો. વધી રહેલા પુરાવાઓ છતાં તેમણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

આ વચ્ચે, રાજસ્થાનમાં એક અલગ કાર્યવાહી દરમિયાન ACB અધિકારીઓએ સિરોહી જિલ્લામાં કાર્યરત ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટર સુજાણારામ ચૌધરીના નામે લગભગ 2.5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ શોધી કાઢી છે. જાલોર, માઉન્ટ આબુ, જોધપુર અને ભીનમાલમાં તેમના સંકળાયેલા સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવી.

તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની સંપત્તિ તેમની જાણીતી આવકની સરખામણીએ 200 ટકા વધુ છે અને તેમાં અનેક રહેઠાણ અને વેપારી મિલ્કતોનો સમાવેશ થાય છે તેમ જ તેમના અને તેમના પરિવારના બેંક એકાઉન્ટ્સ સાથે સંકળાયેલા મોટી નાણાંકીય લેવડદેવડ પણ સામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે બંને કેસમાં દસ્તાવેજો, બેંક રેકોર્ડ અને મિલ્કત માલિકી અંગેની ઊંડી તપાસ ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

AMA ખાતે સાયકોલોજી કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ: AMA  ખાતે “કાર્યના ભવિષ્યને આકાર આપતા મનોવૈજ્ઞાનિક પ્રવાહો” વિષય પર એક દિવસીય સાયકોલોજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકોલોજી કોન્ફરન્સમાં મનોવિજ્ઞાન, વ્યવસ્થાપન અને સંબંધિત ક્ષેત્રોના અગ્રણી નિષ્ણાતો દ્રારા તેમના મંતવ્યો અને વિચારો રજૂ કરવામાં આવ્યા હતાં.AMA ના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ કહ્યું, આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આધુનિક કાર્યસ્થળના વિકસતા મનોવૈજ્ઞાનિક દૃશ્યનું અન્વેષણ કરવાનો છે, જેમાં એવી નિર્ણાયક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓ અને સંસ્થાઓનું ઘડતર કરે છે અને તેમની પ્રગતિમાં કેવી રીતે ફાળો આપે છે. “બધા વિકારોને પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી. તેમાંથી ૯૦% વિકારોને ઉપચાર દ્રારા ઉકેલી શકાય છે. સકારાત્મક બનો, તમારી જાત સાથે જીવો, ક્ષણમાં જીવો.”

ડૉ. પ્રશાંત ભીમાણી, સિનિયર સાયકોલોજિસ્ટ, સ્પીકર અને લેખકે “કાર્યના ભવિષ્યને આકાર આપતા મનોવૈજ્ઞાનિક પ્રવાહો” વિષય પર મુખ્ય વક્તવ્ય આપ્યું હતું, જણાવ્યું હતું કે “દરેક છઠ્ઠો ભારતીય ચિંતાથી પીડાય છે અને દરેક ચોથો ભારતીય ડિપ્રેશનથી પીડાય છે. કાર્યનું ભવિષ્ય મૂલ્ય આધારિત સ્થિતિસ્થાપકતા, આશાવાદ અને આશા છે.”

પ્રણવ  પંડયાએ, સહ-સ્થાપક અને ચેરમેન, દેવ આઈ.ટી. લિમિટેડ; ભૂતપૂર્વ ચેરમેન અને ડાયરેક્ટર, જેશીયા આઈ.ટી. એસોસિયેશન દ્રારા “કોર્પોરેટ જીવન અને કાર્યસ્થળમાં માનસિક સુખાકારી અને સ્થિતિસ્થાપકતા” વિષય પર સંબોધન કર્યું હતું. જણાવ્યું હતું કે “આપણું કાર્ય હવે શ્રમ-પ્રધાન નથી, પરંતુ ભાવનાત્મક રીતે સઘન છે, આપણે ભાવનાત્મક ગુણોત્તર અને આધ્યાત્મિકતા પર નિર્ણાયક રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.”

ડૉ. મંજુલા પૂજા શ્રોફ, MD અને CEO, કેલોરેક્સ ગ્રુપ દ્રારા “કાર્યસ્થળમાં સુખાકારી: શું આપણે ભવિષ્યના કાર્યબળને સમજીએ છીએ?” વિષય પર સંબોધન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે “આપણે એક એવી પેઢી બની ગયાં છીએ કે જે સામનો કરી શકતી નથી… છુપાવવાની આદત બની ગઈ છે અને તેથી જ તમે ‘ભૂતિયા પેઢી’ બની ગયા છો. ૧૮-૨૯ વર્ષની વય વચ્ચે ૩૫% આત્મહત્યા સોશિયલ મીડિયાને કારણે થાય છે.”

ડૉ. કામાયની માથુર, ભૂતપૂર્વ ડાયરેક્ટર અને વડા, મનોવિજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી; ડૉ. નીતા સિંહા, એસોસિયેટ પ્રોફેસર, સ્કૂલ ઑફ લિબરલ સ્ટડીઝ, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી; અને મધુસૂદન મુકરજી, એસોસિયેટ પ્રોફેસર, એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ. એન્ડ પી. ઠાકોર કૉલેજ ફોર ગર્લ્સ દ્રારા “કિશોરોમાં ભાવનાત્મક વિકૃતિઓ, યુવાનોમાં સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય” વિષય પર પેનલ ડિસ્કશન સંબોધવામાં આવ્યું હતું અને પેનલ ડિસ્કશનનું સંચાલન ડૉ. વિશાલ ઘુલે, ડીન, એસોસિયેટ પ્રોફેસર, I/O સાયકોલોજી, સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ, એમ.આઈ.ટી. વર્લ્ડ પીસ યુનિવર્સિટી દ્રારા કરવામાં આવ્યું હતું. “સારું અનુભવવું અને સારું કરવું એ બંનેમાં તફાવત છે. સુખાકારી એટલે સારું થવું. બધા માટે સહાનુભૂતિ અત્યંત જરૂરી છે.”

રિધ્ધિ દોશી પટેલ, સ્થાપક – એલ.એ.જે.એ; ટેડએક્સ સ્પીકર; સર્ટિફાઇડ ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ; પેરેન્ટિંગ કાઉન્સેલર; કોર્પોરેટ ટ્રેનર (માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી), ડૉ. વિશાલ ઘુલે અને ડૉ. મનીષ ચાવડા (ટ્રેનર, કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર; એચઆર (સ્ટ્રેસ મેનેજમેન્ટ)માં પીએચ. ડી. દ્રારા “નેતૃત્વ માટે સહાનુભૂતિ અને ભાવનાત્મક બુધ્ધિ” વિષય પર સંબોધન કરવામાં આવ્યું હતું. સમાપન અને આભાર દર્શન ડૉ. વિશાલ ઘુલે અને રિધ્ધિ દોશી પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૩૫૦ જેટલાં મનોવિજ્ઞાન, વ્યવસ્થાપન અને સંબંધિત ક્ષેત્રોના અગ્રણી નિષ્ણાતો, સંશોધકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં. રિધ્ધિ દોશી પટેલે જણાવ્યું હતું કે “એ.એમ.એ.ની આ પહેલ “આસ્ક મી એનિથિંગ” ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમારી પાસે ફક્ત તમારા માટે જ કેટલાક ઉકેલો હોઈ શકે છે. તેનો હેતુ યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો અને મનોવિજ્ઞાનનો સાચો અર્થ સમજાવવાનો હતો.”

‘સૈયારા’ નવમા દિવસે 200 કરોડ ક્લબમાં સામેલ

‘સૈયારા’ ફિલ્મે બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે. 18 જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત શાનદાર શરૂઆતથી થઈ હતી. પહેલા દિવસની કમાણી અને દર્શકોના પ્રતિભાવ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ અજાયબીઓ કરશે અને આવું જ થઈ રહ્યું છે. દરરોજ નવા રેકોર્ડ બનાવતી આ ફિલ્મે આજે શનિવારે નવમા દિવસે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. તે 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે શરૂઆતના દિવસે 21.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે માત્ર ચાર દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર 172.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ગઈકાલે, શુક્રવારે, આઠમા દિવસે તેની કમાણી 18 કરોડ રૂપિયા હતી. તે જ સમયે, સમાચાર લખાય ત્યાં સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે શનિવારે, ફિલ્મે અત્યાર સુધીમાં 11.21 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફરી એકવાર સપ્તાહના અંતે દર્શકો આ ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા છે. ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ નેટ કલેક્શન 201.96 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ફિલ્મનો ચાર્મ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પણ અકબંધ છે. વિશ્વવ્યાપી કલેક્શનની દ્રષ્ટિએ તે આ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

વિશ્વવ્યાપી કમાણીની દ્રષ્ટિએ, ફક્ત વિકી કૌશલની ફિલ્મ ‘ચાવા’ જ રેસમાં તેનાથી આગળ છે. ‘સૈયારા’ એ વિશ્વવ્યાપી 278.6 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો છે. ‘ચાવા’ નું વિશ્વવ્યાપી કલેક્શન 797.34 કરોડ રૂપિયા છે. ‘સૈયારા’ એ આ વર્ષની બાકીની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ‘સિતારે જમીન પર’, ‘હાઉસફુલ ૫’, ‘રેડ 2’ બધી પાછળ છે.

‘સૈયારા’ ફિલ્મ એક રોમેન્ટિક મ્યુઝિકલ લવ સ્ટોરી ફિલ્મ છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ દ્વારા અહાન પાંડે અને અનિત પદ્દા બંનેએ અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે. બંનેએ પોતાની પહેલી ફિલ્મથી જ દર્શકો પર જાદુ કર્યો છે. ‘સૈયારા’ ફિલ્મનું બજેટ લગભગ 50-60 કરોડ રૂપિયા છે.

‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ

ડાંગ: ગિરિમથક સાપુતારા ખાતે 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2025’નો પ્રારંભ થયો. સમારોહ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વર્ષાઋતુની અસલી મજા, પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ અને મનોરંજક કાર્યક્રમોની લિજ્જત માણવા પ્રવાસીઓ સાપુતારા પહોંચ્યા છે.તા.૧૭ ઓગસ્ટ સુધી દરરોજ નવા આકર્ષણ સાથે ચાલનારા આ મહોત્સવમાં એક ભારત, શ્રેષ્ઠ ભારત આધારિત પરેડ, સાંસ્કૃતિક અને સંગીત કોન્સર્ટ, ક્રાફટ અને આદિવાસી કલા વર્કશોપ, આઉટડોર અને સાહસિક પ્રવૃતિઓ, સ્થાનિક વ્યંજનો અને નેચર ટ્રેઈલ તેમજ રેઇન ડાન્સ અને સેલ્ફી પોઇન્ટ જેવાં આકર્ષણો સાથે ઉત્સવની શરૂઆત કરવામાં આવી.મૂળુભાઇ બેરાએ આ પ્રાસંગે જણાવ્યું, આપના સૌના મનોરંજન માટે આ ફેસ્ટિવલમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, નવા-નવા આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે. સાપુતારાનો લેક ગાર્ડન, ગવર્નર હિલ, સનસેટ પોઇન્ટ જેવા રમણીય સ્થળો સાથે વારસો, વૈવિધ્ય અને સંસ્કૃતિના સમન્વય કરી આપ સૌ પ્રવાસીઓ માટે ભવ્ય આયોજનનો લાભ લો તેવી સૌને શુભેચ્છા.આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજર હતા. તેમણે જણાવ્યું કે સાપુતારા જેવું નાનકડું ગામ આજે વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. સરકારે અહીંના આદિવાસી ભાઈઓ અને બહેનો માટે અનેકવિધ યોજનાઓ લાગુ પાડી છે તેમજ પ્રવાસીઓને આકર્ષવા કેટકેટલી સુવિધાઓ રજૂ કરી છે.ઉદ્ઘાટન સમારોહની સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 13 રાજ્યના 110 કલાકારો સહિતનું નેશનલ એવોર્ડી કોરિયોગ્રાફી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમજ સ્થાનિક કલાકારો દ્વારા ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલાં ચિરાગ પાસવાન ખેલો કરશે?

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષની અંતે યોજાવાની છે અને એ પહેલાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાને મુદ્દે રાજકીય ગરમાટો છે. તાજેતરમાં થયેલી હત્યાઓ અને ગુનાઓના નવા બનાવોને કારણે CM નીતીશકુમાર પર જ્યાં વિપક્ષમાં બેઠેલી RJD અને કોંગ્રેસ તો નિશાન સાધી રહી છે, ત્યાં હવે NDAના સાથી ચિરાગ પાસવાને પણ મોરચો ખોલી દીધો છે.

ચિરાગ પાસવાને નીતીશકુમારની સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે મને દુઃખ છે કે હું એવી સરકારને સમર્થન આપી રહ્યો છું જ્યાં ગુનાઓ બેકાબૂ થયા છે.

તેમણે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાને કાબૂમાં લાવવી બહુ જરૂરી છે, નહિતર પરિણામ ખરાબ આવી શકે છે. તેમણે વહીવટી તંત્ર પર આરોપ મૂકતાં કહ્યું હતું કે રાજ્યમાં અપરાધીઓ સામે વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ચિરાગે કહ્યું હતું કે રાજ્યમાં હત્યા, બળાત્કાર, સામૂહિક બળાત્કાર, દાકૂતી, ચોરી અને છેડાછાડ જેવા ગુનાઓ સતત વધી રહ્યા છે.

આવી ઘટનાઓ કેમ થઈ રહી છે?
જોકે ચિરાગ પાસવાને એ પણ સ્વીકાર્યું છે કે કાર્યવાહી અને ધરપકડ થઈ રહી છે, પરંતુ પ્રશ્ન છે કે આવી ઘટનાઓ સતત કેમ થઈ રહી છે?

તેમણે કહ્યું હતું  કે ગુનાઓનો એક સિલસિલો થઈ રહ્યો છે. જો આવું જ ચાલુ રહેશે તો સ્થિતિ ભયાનક બને એવી શક્યતા છે.ખરેખર સ્થિતિ ભયજનક બની ગઈ છે.

તેમણે આગળ કહ્યું હતું કે જો કોઈ કહે કે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને થઈ રહ્યું છે, તો તે પણ સંભવ છે – આ સરકારને બદનામ કરવાનું કાવતરું પણ હોઈ શકે છે, પણ તેમ છતાં તેને રોકવું એ વહીવટી તંત્રની જવાબદારી છે.

શું ફરાહ ખાને દીપિકા પાદુકોણની આઠ કલાકની વર્કિંગ શિફ્ટ પર કટાક્ષ કર્યો?

ફરાહ ખાને તેના તાજેતરના વ્લોગમાં રાધિકા મદાન સાથે વાત કરતી વખતે કામના કલાકો વિશે વાત કરી હતી. રાધિકાના શૂટિંગના સમય વિશે જાણીને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે આ માટે રાધિકાની પ્રશંસા કરી હતી. ઉપરાંત, ફરાહે કરેલી ટિપ્પણી પરથી એવું લાગે છે કે તે દીપિકા પાદુકોણની આઠ કલાક કામ કરવાની માંગને સમર્થન આપી રહી નથી.

ફરાહ ખાન તેના યુટ્યુબ ચેનલના વ્લોગ માટે સેલિબ્રિટીઓના ઘરે કોઈ એક વાનગી બનાવે છે. તે સેલિબ્રિટીઓ સાથે રસોઈ બનાવે છે અને તેમની કારકિર્દી વિશે વાત કરે છે. તાજેતરમાં ફરાહ ખાન ટીવી પરથી ફિલ્મોમાં આવેલી અભિનેત્રી રાધિકા મદાનના ઘરે ગઈ હતી. વ્લોગમાં રાધિકા સાથે વાત કરતી વખતે ફરાહે પૂછ્યું,’શું તમારી ટીવી સિરિયલના દિવસોમાં તમારી પાસે 8 કલાકની શિફ્ટ નહોતી?’ રાધિકાએ જવાબ આપ્યો, ‘અમે 48 થી 56 કલાક સુધી બ્રેક વગર શૂટિંગ કરતા હતા.’ આ સાંભળીને ફરાહે કહ્યું, ‘સોનું ફક્ત આવી જ રીતે તપીને બને છે.’ ફરાહનું આ નિવેદન દર્શાવે છે કે તે આઠ કલાકની શૂટિંગ શિફ્ટને ટેકો આપી રહી નથી. આ રીતે તે દીપિકાને ટેકો આપતી પણ જોવા મળતી નથી.

તમને જણાવી દઈએ કે ફરાહ ખાને શાહરુખ ખાન સાથે ‘ઓમ શાંતિ ઓમ (2007)’ ફિલ્મ બનાવી હતી, જેમાં દીપિકા પાદુકોણને હીરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવી હતી, આ દીપિકાની બોલિવૂડમાં પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મે દીપિકા પાદુકોણને બોલિવૂડમાં સ્ટાર બનાવી હતી. આજે પણ ફરાહ ખાન અને દીપિકા પાદુકોણ વચ્ચે સારું બોન્ડિંગ છે.

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માં કામ કરતી વખતે દીપિકા પાદુકોણે માંગ કરી હતી કે તેણી ફક્ત 6 થી 8 કલાક શૂટિંગ કરે. વાસ્તવમાં, તે તેની પુત્રીને સમય આપવા માંગતી હતી અને આખો સમય શૂટિંગમાં રહેવા માંગતી ન હતી. આ પછી, તેણીને ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બદલીને તૃપ્તિ ડિમરીને લેવામાં આવી. સંદીપ રેડ્ડીએ બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી જેમાં તેણે દીપિકા વિશે ખરાબ વાતો પણ કહી. આ પછી જ આ વિવાદ શરૂ થયો. આ સાથે, માતા બનેલી હિરોઇનોને આઠ કલાક શૂટિંગ કરવાની માંગ વધવા લાગી.

મહિલાઓનો તૂટ્યો વિશ્વાસ, 72000 ખાનગી સેલ્ફી લીક

નવી દિલ્હીઃ મહિલાઓ માટે ઉપલબ્ધ ડેટિંગ એડવાઇસ ટી એપ Tea Appને યુઝર ફોરમ 4chan દ્વારા હેક કરવામાં આવ્યો હતો. આ એપ સીન કુક દ્વારા બનાવવામાં આવી છે. આ એપ પર ઘણા એવા યુઝર્સ છે જેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. હાલમાં એવા સમાચાર આવ્યા છે કે આ યુઝર્સના ડેટામાં ઘૂસણખોરી થઈ છે અને આશરે 72,000 વેરિફિકેશન સેલ્ફી લીક થયાની માહિતી સામે આવી છે.

સોશિયલ મિડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં સાઇનઅપ દરમિયાન અપલોડ કરેલી ખાનગી તસવીરોનું એક્સેસ જોવા મળ્યું છે, જેમાં સરકારી ઓળખપત્ર જેવી સંવેદનશીલ માહિતી પણ સામેલ છે. Tea Appની સિક્યોરિટી ચેતવણીમાં લખાયું હતું કે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં વેરિફિકેશન માટે યુઝર્સને સેલ્ફી અપલોડ કરવી ફરજિયાત છે. આ ફોટા સુરક્ષિત રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને ફક્ત તાત્કાલિક સમય માટે જ સ્ટોર થાય છે અને વેરિફિકેશન થયા પછી તરત જ ડિલીટ કરવામાં આવે છે, પરંતુ હવે આ સેલ્ફીઓ લીક થયા બાદ ચિંતાનું વાતાવરણ છવાયું છે.

Tea Appનું નિવેદન

Tea Appના સ્થાપક સીન કુકે જણાવ્યું હતું કે હેકરે તેમની એક સિસ્ટમ સુધી ઓથોરાઇઝ્ડ એક્સેસ મેળવી લીધી હતી, જેને કારણે આ ભૂલ થઈ હોવાની શક્યતા છે. આ મામલે ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે. કેટલાય યુઝર્સે દાવો કર્યો છે કે આ ભંગાણનું મુખ્ય કારણ Tea Appની Firebase કોન્ફિગરેશનમાં ખામી હતી. એક યુઝરે કહ્યું હતું  કે આ તો કેસ લાયક બાબત છે, કારણ કે તેમણે આ બધું ખુલ્લા ડેટાબેસમાં સ્ટોર કર્યું હતું, જે ઇન્ટરનેટ પર સીધું જ ઉપલબ્ધ હતું. જેમને URL લિંક મળી ગઈ હોય તેઓ કોઈ પણ સમય તેમાં પ્રવેશ મેળવી શકતા હતા. તેમાં કોઇ પણ પ્રકારની સુરક્ષા ન હતી.

રાજ્ય સરકારનો શિક્ષકોની ભરતી મુદ્દે મહત્વનો નિર્ણય

શિક્ષકોની ભરતી મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ સામે હવે નિવૃત્ત શિક્ષકોને માનદ વેતન સાથે ફરજ સોંપવામાં આવશે. રાજ્યમાં કચ્છ સહિતના જિલ્લાના અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે કાયમી શિક્ષકો, જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ હવે ખાલી રહેતી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાને લઈને શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.

શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જો કે તેને કાયમી શિક્ષક કે ફિક્સ પગારમાં કામ કરતા શિક્ષકોને મળતા એકપણ લાભ મળવા પાત્ર રહેશે નહીં.