Home Blog Page 74

કેરલમમાં કોંગ્રેસની જીત બાદ CM પદ માટે ખેંચતાણ

કેરલમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ ભવ્ય વિજય મેળવ્યો છે, પરંતુ હવે મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ મોટી ધર્મસંકટની સ્થિતિ ઉભી થઈ છે. આ ગૂંચ ઉકેલવા માટે શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વચ્ચે ૩ કલાકથી વધુ સમય સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી.

ત્રણ પક્ષો અને ત્રણ મજબૂત દાવેદારો

UDF ગઠબંધનને જનતાએ સ્પષ્ટ બહુમતી આપી છે, પરંતુ ગઠબંધનના ત્રણેય મુખ્ય પક્ષો મુખ્યમંત્રી પદ માટે પોતપોતાના નેતાઓની પેરવી કરી રહ્યા છે. કોંગ્રેસના પોતાના નેતાઓ ઉપરાંત, CPI(M) અને કેરલમ કોંગ્રેસ પણ આ પદ માટે ઈચ્છુક છે. પક્ષમાં આંતરિક અસંતોષ ન ફેલાય તે હેતુથી હાઈકમાન્ડ અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે.

હાઈકમાન્ડને સોંપાયો આખરી અધિકાર

દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં કેરલમના વરિષ્ઠ નેતાઓ રમેશ ચેન્નીથલા, વી. ડી. સતીશન અને કેરલ કોંગ્રેસ યુનિટના પ્રમુખ સની જોસેફ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ AICC ના જનરલ સેક્રેટરી દીપા દાસમુનશીએ જણાવ્યું હતું કે, કેરલમના તમામ નવ-નિયુક્ત ધારાસભ્યોએ એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં મુખ્યમંત્રીની પસંદગીનો આખરી નિર્ણય લેવાની સત્તા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને સોંપવામાં આવી છે.

કેરલમમાં નવી સરકાર રચવા માટે ૨૩ મે છેલ્લી તારીખ છે. જો આ સમય સુધીમાં મુખ્યમંત્રીના નામ પર મહોર નહીં લાગે તો રાજ્યપાલ દ્વારા બંધારણીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે છે. દીપા દાસમુનશીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ‘ખૂબ જ જલ્દી’ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. હાલમાં ખડગે અને રાહુલ ગાંધી તમામ પક્ષોના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય ચહેરાની શોધમાં છે.

પેન્શનરો માટે મોટા સમાચાર: શું ₹1000 ના બદલે હવે મળશે ₹7500 પેન્શન?

ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે પીએફ (PF) અને પેન્શન હંમેશા ચર્ચાનો વિષય રહે છે. તાજેતરમાં EPFO એ કર્મચારીઓની સુવિધા માટે અનેક ફેરફારો કર્યા છે, જેનાથી પીએફ ઉપાડવાની પ્રક્રિયા ઘણી સરળ બની છે. આ દરમિયાન, નિવૃત્ત કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. સરકાર EPS-95 હેઠળ લઘુત્તમ માસિક પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

પેન્શન ફંડમાં કેવી રીતે જમા થાય છે નાણાં?

EPF ના નિયમ મુજબ, કર્મચારી પોતાના બેઝિક પગારના 12 ટકા ફાળો પ્રોવિડન્ટ ફંડમાં આપે છે. આટલો જ હિસ્સો કંપની (નિયોક્તા) દ્વારા પણ આપવામાં આવે છે. જોકે, કંપનીના 12 ટકા ફાળામાંથી બે ભાગ પડે છે:

8.33 ટકા: કર્મચારી પેન્શન યોજના (EPS) માં જાય છે.

3.67 ટકા: EPF યોજનામાં જમા થાય છે.

બજેટ 2025 અને પેન્શનરોની માંગ

બજેટ 2025 પહેલા, EPS-95 રાષ્ટ્રીય આંદોલન સમિતિના પ્રતિનિધિઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. પેન્શનરોની લાંબા સમયથી માંગ છે કે તેમને દર મહિને લઘુત્તમ 7,500 રૂપિયા પેન્શન અને સાથે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે. નાણામંત્રીએ આ માંગણીઓ પર વિચાર કરવાની ખાતરી આપી છે.

કેવી રીતે થાય છે પેન્શનની ગણતરી?

તમને મળનાર માસિક પેન્શનનો આધાર તમારા ‘પેન્શન પાત્ર પગાર’ અને ‘નોકરીના વર્ષો’ પર રહેલો છે. તેની ગણતરી માટે સરેરાશ બેઝિક પગાર અને છેલ્લા 12 મહિનાના મોંઘવારી ભથ્થાની સરેરાશ લેવામાં આવે છે.

ગણતરીનું સૂત્ર:

માસિક પેન્શન = (પેન્શન પાત્ર પગાર X નોકરીના વર્ષો) / 70

અહીં એક મહત્વનો નિયમ એ છે કે, જો તમારો બેઝિક પગાર 15,000 રૂપિયાથી વધુ હોય, તો પણ પેન્શનની ગણતરી માટે મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા જ ગણવામાં આવે છે.

12 વર્ષની નોકરી પર: (15,000 x 12) / 70 = અંદાજે 2,571.42 રૂપિયા દર મહિને.

20 વર્ષની નોકરી પર: (15,000 x 20) / 70 = અંદાજે 4,285.71 રૂપિયા દર મહિને.

આ ગણતરી મુજબ, જેમ જેમ તમારા નોકરીના વર્ષો વધશે તેમ તેમ પેન્શનની રકમમાં પણ વધારો થશે.

DRDOએ ‘અગ્નિ’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ભારત આજે સંરક્ષણ ક્ષેત્રે એક નવી ઊંચાઈ પર પહોંચ્યું છે. ઓડિશાના દરિયાકાંઠે ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતે ‘અગ્નિ’ મિસાઈલના અત્યાધુનિક સંસ્કરણનું સફળ ઉડાન પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને પોતાની તાકાતનો પરિચય આપ્યો છે. આ પરીક્ષણ માત્ર એક મિસાઈલ લોન્ચિંગ નથી, પણ આધુનિક યુદ્ધ ટેકનોલોજીમાં ભારતનું વધતું પ્રભુત્વ છે, જે દુશ્મન દેશો માટે સીધી ચેતવણી સમાન છે.

આ પરીક્ષણની સૌથી મહત્વની બાબત એ છે કે અગ્નિ મિસાઈલને મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે. આ ટેકનોલોજીનો અર્થ એ છે કે આ મિસાઈલ એક જ ઉડાનમાં અલગ-અલગ લોકેશન પર રહેલા અનેક લક્ષ્યોને એકસાથે નિશાન બનાવી તેમને ધ્વસ્ત કરી શકે છે. સંરક્ષણ ક્ષેત્રે આ પ્રકારની ક્ષમતા ધરાવતા ગણ્યાગાંઠ્યા દેશોમાં હવે ભારતનું નામ વધુ મજબૂતીથી જોડાયું છે.

રક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત આ મિસાઈલે પરીક્ષણ દરમિયાન તેની સાથે અનેક હથિયારો (પલોડ્સ) વહન કર્યા હતા. હિંદ મહાસાગર વિસ્તારમાં મિસાઈલે તેના નિર્ધારિત તમામ લક્ષ્યોને અત્યંત સચોટતાથી વીંધી નાખ્યા હતા. જમીન પરના ટ્રેકિંગ સ્ટેશનો અને દરિયામાં તૈનાત જહાજો દ્વારા તેની ઉડાન પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. પ્રાપ્ત ડેટા મુજબ, આ પરીક્ષણ ૧૦૦% સફળ રહ્યું છે અને તમામ ટેકનિકલ માપદંડો પૂર્ણ થયા છે.

જોઈ લો, સંજય દત્તની ફિલ્મ ‘આખરી સવાલ’ની ટ્રેલર લૉન્ચ ઈવેન્ટ

સંજય દત્તની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઈને એવું લાગે છે કે આ ફિલ્મ સીધી સિસ્ટમ પર હુમલો કરે છે. મુંબઈમાં એક ઈવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં સંજય દત્ત સહિતના ફિલ્મના કલાકારો સામેલ થયા હતાં.

RSS પર આધારિત ફિલ્મનું દિગ્દર્શન અભિજીત મોહન વારંગે કર્યું છે. તેનું નિર્માણ નિખિલ નંદા અને સંજય દત્તે કર્યું છે. આ ફિલ્મ 15 મે, 2026ના રોજ હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં થિયેટરોમાં રિલીઝ થવાની છે.

ટ્રેલરમાં સંજય દત્ત એક પ્રોફેસરની ભૂમિકામાં જોવા મળે છે. ટ્રેલરમાં સમીરા રેડ્ડી અને નમાશી ચક્રવર્તી પણ છે. તે બંને સંજય દત્તને અનેક મુખ્ય રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રશ્નો પૂછતા જોવા મળી રહ્યા છે.

આ ટ્રેલર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)સાથે સંબંધિત ઐતિહાસિક ઘટનાઓ વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તે મહાત્મા ગાંધીની હત્યામાં RSSની કથિત સંડોવણી, બાબરી મસ્જિદનો ધ્વંસ અને કટોકટી જેવા સંવેદનશીલ વિષયોને સંબોધિત કરે છે.

(તસવીરો: માનસ સોમપુરા)

 

હોર્મુઝની ખાડીમાં ફાયરિંગ: દ્વારકાના નાવિકનું મોત, 5 ઘાયલ

દરિયાઈ માર્ગે દુબઈથી યમન જઈ રહેલા એક ભારતીય જહાજ પર થયેલા ગોળીબારમાં ગુજરાતના સલાયાના એક નાવિકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 નાવિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે હોર્મુઝની ખાડીમાં બની હતી જ્યારે ભારતનું આ જહાજ બે પક્ષો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ક્રોસફાયરિંગમાં ફસાઈ ગયું હતું. મળતી માહિતી મુજબ, લાકડાનું બનેલું આ જહાજ જેનું નામ ‘અલ ફેઝ નૂર-એ-સુલેમાની 1’ છે, તે 7 મેના રોજ દુબઈથી યમનના મુક્કમ જવા રવાના થયું હતું. 8 મેના રોજ રાત્રે અંદાજે 1 વાગ્યે જ્યારે જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરી રહ્યું હતું, ત્યારે અચાનક થયેલા ગોળીબારની ચપેટમાં આવી ગયું. આ જહાજમાં કુલ 18 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

ઈન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશન (ગુજરાત) ના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ ઘટના અમેરિકા અને ઈરાનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક અથડામણનું પરિણામ છે.

શહીદ નાવિક અને બચાવ કામગીરી

હુમલામાં જહાજના એન્જિન ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અલ્તાફ તાલાબ કેર (રહે. સલાયા, દેવભૂમિ દ્વારકા) નું મોત થયું છે. અન્ય ઘાયલ સભ્યોને 8 મેના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ અન્ય એક જહાજ ‘MSV પ્રેમ સાગર-I’ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તમામ ઘાયલોને તે જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં દુબઈ પોર્ટ પર લાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ સતત તેમના સંપર્કમાં છે.

ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે હોર્મુઝની ખાડી હાલમાં સંઘર્ષનું કેન્દ્ર બની છે. ઈરાને મંજૂરી વગર કોઈપણ જહાજની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે, જેને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે હાલમાં પણ 13 ભારતીય જહાજો પર્સિયન ગલ્ફમાં છે, જ્યારે 11 જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.

સોમનાથ અમૃતપર્વ: ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર થશે 11 તીર્થોના જળથી કુંભાભિષેક

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે ભવ્ય સોમનાથ અમૃતપર્વ 2026નો અવસર આવી ગયો છે. આ પાવન પ્રસંગે ફરીએકવાર સોમનાથમાં ઈતિહાસ રચાવાનો છે. 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા ‘સોમનાથ અમૃતપર્વ-2026’ ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે.પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.

 

‘સોમનાથ અમૃતપર્વ 2026’ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથની મુલાકાત લેશે અને સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે.આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. મંત્રોચ્ચાર સાથે 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી શિખર પર અભિષેક કરવામાં આવશે.

આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે. જ્યાં મોટેભાગે 10-12 વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.

રોનાલ્ડો અને કોહલીના લાખો ફોલોઅર્સ રાતોરાત ગાયબ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર છેલ્લા 24 કલાકમાં કંઈક એવું બન્યું છે જેનાથી આખું બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગત ચોંકી ગયું છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, વિરાટ કોહલી, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા જેવા દિગ્ગજ સિતારાઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અચાનક લાખોની સંખ્યામાં ફોલોઅર્સ ઓછા થઈ ગયા છે. એક જ રાતમાં આટલો મોટો ઘટાડો જોઈને શરૂઆતમાં યૂઝર્સને લાગ્યું કે આ કોઈ ટેકનિકલ ખામી (Glitch) છે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે.

મેટાએ કેમ ચલાવી ‘સફાઈ ઝુંબેશ’?

ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની ‘મેટા’ દ્વારા પ્લેટફોર્મ પર ઓથેન્ટિસિટી એટલે કે વિશ્વસનીયતા વધારવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કંપનીએ લાખોની સંખ્યામાં ફેક એકાઉન્ટ્સ, લાંબા સમયથી બંધ પડેલા (Inactive) એકાઉન્ટ્સ અને બોટ્સ (Bots) એકાઉન્ટ્સને કાયમી ધોરણે રિમૂવ કરી દીધા છે. આ જ કારણ છે કે જે સેલેબ્સના ફોલોઅર્સ લિસ્ટમાં આવા નકલી એકાઉન્ટ્સ હતા, તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

કોના કેટલા ફોલોઅર્સ ઘટ્યા?

બોલિવૂડ નાઉના અહેવાલ મુજબ, વિશ્વના સૌથી લોકપ્રિય ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સૌથી વધુ 6.6 મિલિયન ફોલોઅર્સ ઘટ્યા છે. આ યાદીમાં અન્ય સ્ટાર્સના આંકડા પણ ચોંકાવનારા છે:

લિયોનલ મેસી: 4.8 મિલિયન

જસ્ટિન બીબર: 4.3 મિલિયન

વિરાટ કોહલી: 2 મિલિયન

પ્રિયંકા ચોપરા: 1.1 મિલિયન

શ્રદ્ધા કપૂર: 1 મિલિયન

આલિયા ભટ્ટ: 1 મિલિયન

ફેક એકાઉન્ટ્સનો ખેલ અને ઇન્સ્ટાગ્રામનું કડક વલણ

ઘણીવાર સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુએન્ઝર્સ અને એજન્સીઓ પોતાનું સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટ વધારવા માટે બોટ્સ અથવા ફેક એકાઉન્ટ્સનો સહારો લેતી હોય છે. આવા નકલી એકાઉન્ટ્સ દ્વારા લાઈક્સ અને કોમેન્ટ્સ વધારીને લોકપ્રિયતાનો દેખાડો કરવામાં આવે છે. મેટાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે પ્લેટફોર્મ પર માત્ર રિયલ યૂઝર્સ જ રહેશે. આ સફાઈ અભિયાનની અસર માત્ર મોટા સેલેબ્સ પર જ નહીં, પરંતુ નાના કન્ટેન્ટ ક્રિએટર્સ પર પણ જોવા મળી છે.

તામિલનાડુમાં 120 ધારાસભ્યોના સમર્થન સાથે વિજય બનાવશે સરકાર

ચેન્નઈઃ તામિલનાડુમાં વિજયની સરકાર રચાવાનો માર્ગ હવે લગભગ સાફ થઈ ગયો છે. શનિવારે VCKએ TVKને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી વિજય પાસે 116 ધારાસભ્યોનું સમર્થન હતું. હવે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ પણ TVKને સમર્થન આપતાં આ આંકડો વધીને 120 પર પહોંચી ગયો છે. શનિવાર સાંજે VCKની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં TVKને સમર્થન આપવાને મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિજયને સમર્થન આપવા સહમતી બની હતી. હવે રાજ્યના આગામી મુખ્ય મંત્રી તરીકે વિજયનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. VCKએ કોઈ પણ શરત વિના TVKને સમર્થન આપ્યું છે.

પાંચ રાજ્યોનાં ચોથી મેએ આવેલાં ચૂંટણી પરિણામો તમિલનાડુના રાજકારણમાં ચોંકાવનારો ફેરફાર લાવ્યા હતા. TVKએ DMK અને AIADMKને પાછળ છોડી રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. જોકે પાર્ટી 108 બેઠકો સુધી જ પહોંચી શકી હતી અને બહુમતીથી 10 બેઠકો ઓછી રહી ગઈ હતી.

ત્યાર બાદ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ TVKને સમર્થન આપ્યું હતું, જ્યારે CPI અને CPI(M)ના 2-2 ધારાસભ્યોએ પણ સમર્થન જાહેર કર્યું હતું. જેને કારણે સમર્થનનો આંકડો 116 સુધી પહોંચ્યો હતો. હવે VCK અને IUMLના સમર્થન બાદ આ આંકડો 120 સુધી પહોંચી ગયો છે. TVKએ સમર્થન આપનાર તમામ પક્ષોનો આભાર માન્યો છે. પાર્ટીના નેતા અર્જુને જણાવ્યું હતું કે હવે વિજય સરકાર બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

AIADMK પ્રમુખના નિવેદનથી પહેલેથી જ રાજકીય ગરમાવો વધ્યો હતો

થોડા સમય પહેલાં AIADMK પ્રમુખ એડપ્પાડી કે. પલાનીસ્વામીએ કરેલી એક પોસ્ટથી રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. તેમણે સરકાર બનાવનારી પાર્ટીને અભિનંદન પાઠવતાં પોસ્ટ કરી હતી, જેને કારણે TVKને મળનારા સમર્થન અંગે અટકળો તેજ બની ગઈ હતી.

ભાજપનો નવો અધ્યાય: 9 રાજ્યોમાં પહેલીવાર બન્યા ભાજપના મુખ્યમંત્રી

ભારતીય રાજનીતિના ઈતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન ભાજપ માટે એક એવો વળાંક સાબિત થયું છે જ્યાંથી પાર્ટીની વિજયકૂચ અવિરત ચાલુ રહી છે. 2014માં કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદીના કરિશ્માઈ નેતૃત્વમાં ભાજપે એવા 9 રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે જ્યાં અગાઉ ક્યારેય ભાજપના મુખ્યમંત્રી નહોતા. આ યાદીમાં હવે પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થયો છે, જ્યાં દાયકાઓથી પાર્ટી સત્તાથી દૂર હતી.

પશ્ચિમ બંગાળમાં ‘કમળ’નું ઐતિહાસિક આગમન

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશની રાજનીતિમાં નવો અધ્યાય લખી દીધો છે. મમતા બેનર્જીના 15 વર્ષ જૂના શાસનનો અંત આણીને ભાજપે ૨૯૪ બેઠકોવાળી વિધાનસભામાં 207 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે રાષ્ટ્રવાદ, વિકાસ અને ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી. પરિણામે, શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે.

હરિયાણા અને મહારાષ્ટ્રથી થઈ શરૂઆત

ભાજપના આ રાજકીય વિસ્તારની સફર 2014માં હરિયાણા અને મહારાષ્ટ્રથી શરૂ થઈ હતી. હરિયાણામાં પહેલીવાર પોતાના દમ પર બહુમતી મેળવી મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી બન્યા. એ જ રીતે મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલા ભાજપે મહાયુતિ ગઠબંધન સાથે દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બનાવ્યા.

પૂર્વોત્તર ભારતમાં ભાજપનો ઉદય

2016માં અસમમાં સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં પહેલીવાર ભાજપની સરકાર બની, જે પૂર્વોત્તરમાં પાર્ટીની સૌથી મોટી જીત હતી. ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુના નેતૃત્વમાં સ્થિર સરકાર બની. 2017માં મણિપુરમાં એન. બિરેન સિંઘ અને ૨૦૧૮માં ત્રિપુરામાં બિપ્લબ કુમાર દેબે સત્તા સંભાળીને વામપંથના ગઢને તોડી પાડ્યો હતો.

ઓડિશા અને બિહારમાં પરિવર્તન

2024માં ઓડિશામાં નવીન પટનાયકના ૨૪ વર્ષના શાસનને ઉથલાવી મોહન ચરણ માઝી રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બન્યા. જ્યારે બિહારમાં ૨૦૨૬માં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો. નીતીશ કુમાર રાજ્યસભામાં ગયા બાદ ભાજપે સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવીને બિહારની કમાન પ્રથમ વખત પોતાના હાથમાં લીધી.

ડેરી ઉદ્યોગને લીધે પર્યાવરણને થતા નુકસાન વિરુદ્ધ યુવાનોનું પ્રદર્શન

અમદાવાદઃ  પૃથ્વી દિવસ પછી દેશના યુવાનો દેશના ડેરી ઉદ્યોગના પર્યાવરણીય અને નૈતિક પ્રભાવ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર દેશ છે અને આ જ વ્યવસ્થા દેશના અગ્રણી બીફ નિકાસ ઉદ્યોગનો પણ આધાર છે. અમદાવાદમાં યુવા કાર્યકરોએ પાલડી રિવરફ્રન્ટ ખાતે જાહેર પ્રદર્શન યોજીને ડેરી ઉદ્યોગના પર્યાવરણીય પ્રભાવ અને બીફ ઉદ્યોગ સાથેના તેના અવગણાયેલા સંબંધને ઉજાગર કર્યો હતો. હાલમાં દેશના 20 શહેરોમાં યુવા કાર્યકરો લોકોનું ધ્યાન આ હકીકત તરફ દોરી રહ્યા છે કે દૂધ અને બીફ બંને એક જ પ્રાણીથી શરૂ થાય છે અને લોકોને ડેરી સપ્લાય ચેઇનમાં પ્રાણીઓની સફર તથા અંતે તેઓ કેવી રીતે બીફ ઉદ્યોગમાં પ્રવેશે છે તે અંગે વિચારવા અપીલ કરી રહ્યા છે.

દેશમાં દૂધ અને બીફ વચ્ચેના સંબંધ અંગે વર્ષોથી રહેલું મૌન હવે તૂટતું જોવા મળી રહ્યું છે. @animalsaveindia દ્વારા શેર કરાયેલી એક ઇન્સ્ટાગ્રામ રીલ, જેમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની એક ક્લિપ હતી, તેમાં સ્પર્ધક સિદ્ધાર્થ શર્માએ ડેરી પ્રાણીઓના ભવિષ્ય વિશે વાત કરતાં હોસ્ટ અમિતાભ બચ્ચન આશ્ચર્યચકિત દેખાય છે. આ રીલને 1.2 અબજથી વધુ વ્યૂઝ અને 65 લાખ લાઇક્સ મળ્યા છે, જેને કારણે તે વિશ્વની સૌથી વધુ જોવાતી રીલોમાંની એક બની ગઈ છે. ત્યાર બાદ અમિતાભ બચ્ચને પણ કહ્યું હતું કે ગાય જે દૂધ આપે છે તે તેના વાછરડા માટે હોય છે, માનવીઓની ચા માટે નહીં.

આ જાહેર પ્રદર્શન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત ભારતનું ચોથું સૌથી મોટું દૂધ ઉત્પાદન કરતું રાજ્ય બની ગયું છે. વર્ષ 2023–24 દરમિયાન ગુજરાતમાં અંદાજે 183.12 લાખ ટન દૂધનું ઉત્પાદન થયું હતું. આ પ્રદર્શન દ્વારા લોકોને ભારતના વિશ્વના સૌથી મોટા ડેરી ઉદ્યોગના પર્યાવરણીય પરિણામો અંગે વિચારવા પણ અપીલ કરવામાં આવી હતી. દેશમાં એક લિટર દૂધ ઉત્પાદન કરવા માટે આશરે 1078 લિટર પાણીની જરૂર પડે છે, જે પહેલેથી જ ભૂગર્ભ જળ સંકટનો સામનો કરી રહેલા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવાં દૂધ ઉત્પાદન કરનાર રાજ્યો માટે ગંભીર બોજ છે.

આ ઉપરાંત, ભારતના સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે 2025ની ઉદ્યોગ વર્ગીકરણ સૂચનામાં ડેરી અને કતલખાનાઓને “રેડ” કેટેગરીમાં રાખ્યા છે, જે સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો તરીકે ગણાય છે. આ નુકસાન બીફ ઉદ્યોગથી અલગ નથી, કારણ કે ડેરી અને બીફ બંને એક જ વ્યવસ્થાના ભાગ છે. જ્યારે ગાય અને ભેંસ દૂધ આપવાનું બંધ કરે છે, ત્યારે એમને બીફ સપ્લાય ચેઇનમાં વેચી દેવામાં આવે છે. છતાં ભારતમાં ધાર્મિક પ્રતીકો અને રોજિંદા આહારમાં દૂધને ઘણી વાર નૈતિક રીતે નિષ્પક્ષ માનવામાં આવે છે, એમ પ્રાણી હિતરક્ષક કાર્યકર વિધિએ જણાવ્યું હતું.