Home Blog Page 741

શક્તિદૂત યોજનાએ ગુજરાત ટેબલ ટેનિસને વૈશ્વિક નકશા પર સ્થાન અપાવ્યું

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘શક્તિદૂત’ યોજનાને કારણે ટેબલ ટેનિસ રમતને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. આ યોજના રાજ્યના રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને ગુજરાતને ભવિષ્યની રમતગમતની રાજધાની બનવાના વિઝનમાં એક મહત્વપૂર્ણ પગલું છેશક્તિદૂત યોજનાની સફળતાના ઉત્તમ ઉદાહરણોમાં પેડલર (ટેબલ ટેનિસ રમતના ખેલાડી) હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ 2024 પેરિસ ઓલિમ્પિક સહિત વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રમત-ગમત(સ્પોર્ટ્સ) ઇવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ અને ગ્લોબલ ટુર્નામેન્ટ્સમાં શાનદાર જીત મેળવી છે.

અર્જુન પુરસ્કાર વિજેતા અને વર્તમાન વિશ્વ ક્રમાંક-72 ધરાવતા, હરમીત દેસાઈ વર્ષ 2007થી શક્તિદૂત કાર્યક્રમનો ભાગ રહ્યા છે. તેમણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને એશિયન ગેમ્સ અને એશિયન ટીમ ચેમ્પિયનશિપમાં ભારતની ટીમને બ્રોન્ઝ મેડલ અપાવવામાં વિશેષ યોગદાન આપ્યું હતું. માનવ ઠક્કર, જે હાલમાં વિશ્વમાં 48મો ક્રમાંક ધરાવે છે, તેઓ 2020માં વિશ્વમાં ટોચની રેંક ધરાવતા અંડર-21 ખેલાડી હતા. તેમણે કોમનવેલ્થ ચેમ્પિયનશિપ અને ઈન્ટરનેશનલ ડબલ્સ ઇવેન્ટ્સમાં ટાઇટલ જીતીને બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. વર્ષ 2014-15માં આ કાર્યક્રમમાં જોડાયેલા માનુષ શાહે તાજેતરમાં ટ્યુનિશિયામાં 2025 WTT કન્ડેન્સરમાં મિક્સ ડબલ્સ ગોલ્ડ જીત્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તેમને રાષ્ટ્રીય ચેમ્પિયનનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

આ ત્રણેય ખેલાડીઓએ દક્ષિણ કોરિયા અને કઝાકિસ્તાનમાં અનુક્રમે 2023 અને 2024 માં યોજાયેલી એશિયન ટીમ ચેમ્પિયનશિપમાં ભારતના બ્રોન્ઝ-મેડલ જીતવાના પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના આ નોંધનીય પ્રદર્શનથી આ રમતમાં ગુજરાતના વધતા પ્રભાવને મજબૂતી મળી હતી. હરમીત અને માનવ બંને 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો ભાગ રહ્યા હતા, જે ખરેખર રાજ્ય માટે એક અભૂતપૂર્વ સિદ્ધિ હતી.

તેના ફળસ્વરૂપે, રાજ્યના પાયાના TT લેન્ડસ્કેપમાં, ખેલાડીઓની ભાગીદારીમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) દ્વારા યોજાયેલી ટુર્નામેન્ટ્સમાં રજીસ્ટર થતી એન્ટ્રીઓ સતત વધી રહી છે. આ સંખ્યા વર્ષ 2016-17 દરમિયાન કુલ 6 ટુર્નામેન્ટમાં નોંધાયેલ 571 રમતવીરોથી વધીને વર્તમાન સિઝનમાં 3 ટુર્નામેન્ટમાં 660 સુધી પહોંચી ગઈ છે.

આ પરિવર્તન અંગે ગુજરાત સરકારના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “શક્તિદૂત યોજના ખરેખર, ગુજરાતમાં પાયાના સ્તરની રમતો માટે ગેમ-ચેન્જર બની રહી છે. વડાપ્રધાનનું વિઝન, ગ્રાસરૂટથી જ ખેલાડીઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને પ્રોત્સાહિત કરવાનું હતું. આ યોજનાએ ટેબલ ટેનિસમાં આપણી યુવા પ્રતિભાઓને કોચિંગથી લઈને પ્રદર્શન સુધી જરૂરી માળખાગત સપોર્ટ અને સહાય ઉપલબ્ધ કરાવી છે, જે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન કરવા માટે સક્ષમ બનાવે છે. હરમીત, માનવ અને માનુષની સફળતાનો ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો છે, કારણ કે છેલ્લા એક દાયકામાં આ રમતની રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં સહભાગીઓની સંખ્યા અને ભાગીદારીમાં વધારો થયો છે. 2006માં શરૂ થયેલી પહેલની સફળતાનું પ્રમાણ છે.”

ગુજરાત સરકારના રમતગમત સચિવ અશ્વિની કુમાર (IAS) એ ઉમેર્યું હતું કે, “ શક્તિદૂત જેવી યોજનાઓ ટેબલ ટેનિસ જેવી ઓછી ચર્ચિત રમતોમાં પણ ચેમ્પિયન તૈયાર કરી રહી છે. શક્તિદૂત યોજના અંતર્ગત, લક્ષિત માર્ગદર્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સાથે, ગુજરાતમાં ટેબલ ટેનિસમાં એક પોઝિટીવ પરિવર્તન આવ્યું છે. અમે ઘણા ટેબલ ટેનિસ ખેલાડીઓને ટેકો આપ્યો છે, જેમણે રાષ્ટ્રીય રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. અમને ગર્વ છે કે, ગુજરાત રમતગમતના વિકાસમાં એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે.”

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના સેક્રેટરી હરિ પિલ્લઈએ જણાવ્યું હતું કે, “હરમીત, માનવ અને માનુષ 2023 અને 2024માં પ્રતિષ્ઠિત એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમનો ભાગ હતા. આ ઉપરાંત, હરમીત અને માનુષ પેરિસ ઓલિમ્પિકમાં ત્રણ સભ્યોની ટીમનો પણ ભાગ રહ્યા હતા, જે ખરેખર, ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આવી સફળતાઓ મહત્વાકાંક્ષી ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે.”

ઓલિમ્પિયન અને અર્જુન પુરસ્કાર વિજેતા હરમીત દેસાઈએ કહ્યું કે, “કોઈ પણ ખેલાડીએ જો સફળતા મેળવવી હોય તો સખત પરિશ્રમ, દ્રઢ નિશ્ચય અને સમર્પણની ભાવના ખૂબ જ આવશ્યક છે. પરંતુ ઘણીવાર નાણાકીય સહાય વગર, સૌથી પ્રતિભાશાળી ખેલાડીને પણ પ્રગતિ કરવામાં સંધર્ષ કરવો પડી શકે છે. ખેલાડીને યોગ્ય તાલીમ સુવિધાઓ મળવી પણ ખૂબ જરૂરી છે. મારી માટે, શક્તિદૂત યોજના ખરેખર મહત્વપૂર્ણ રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સતત સપોર્ટ અને પ્રોત્સાહનને કારણે જ હું વર્ષોથી સતત રમી શક્યો છું.”

આદિત્ય બિરલા સન લાઇફએ લોન્ચ કર્યાં બે નવાં ઇન્ડેક્સ ફંડ

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે (ABSLAMC) રોકાણકારો માટે  બે નવાં ફેક્ટર બેઝ્ડ ફંડ લોન્ચ કર્યાં છે- આદિત્ય બિરલા સન લાઇફ BSE 500 મોમેંટમ 50 ઇન્ડેક્સ ફંડ અને BSE 500 ક્વોલિટી ફંડ. આ બંને ફંડોની ન્યુ ફંડ ઓફર (NFO) 21 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે અને ચોથી ઓગસ્ટ, 2025એ બંધ થશે.

આ ક્વોલિટી ફંડ BSE 500ની એ 50 કંપનીઓમાં મૂડીરોકાણ કરશે, જેની બેલેન્સશીટ મજબૂત છે, અને રિટર્ન ઓન ઇક્વિટી સારી છે અને દેવાંનો સ્તર ઓછો છે. આવા શેર બજારના ઘટાડામાં પણ સ્થિર રહેવાની શક્યતા છે. બંને યોજનાઓમાં લઘુતમ મૂડીરોકાણ રૂ. 500થી કરી શકાય છે અને એ પછી રૂ. 100ના ગુણાંકમાં મૂડીરોકાણ વધારી શકાય છે. SIP દ્વારા પણ મૂડીરોકાણ કરી શકાય છે, જેમાં લઘુતમ રકમ રૂ. 500 પ્રતિ મહિના કે પ્રતિ સપ્તાહ રાખવામાં આવી છે.

બંને ફંડોનો વહીવટ પ્રિયા શ્રીધર કરશે. મૂડીરોકાણના 15 દિવસોની અંદર પૈસા કાઢવા પર 0.10 ટકાનો એક્ઝિટ લોડ લાગશે, પણ 16મા દિવસ પછી કોઈ શૂલ્ક નહીં લાગે.

આદિત્ય બિરલા સન લાઇફ BSE મોમેંટમ 50 ઇન્ડેક્સ ફંડ એ મૂડીરોકાણકારો માટે સુલભ છે, જે તેજીવાળા શેરોમાંથી ઝડપી રિટર્ન કમાવાની ઇચ્છા રાખે છે અને જોખમ લેવા તૈયાર છે, જ્યારે ક્વોલિટી 50 ઇન્ડેક્સ એ રોકાણકારો માટે આકર્ષક છે, જે લાંબા સમયગાળા માટે સુરક્ષિત અને સ્થિર મૂડીરોકાણ કરવા ઇચ્છે છે અને બજારના ઘટાડામાં પણ મૂડીરોકાણને સુરક્ષિત રાખવા ઇચ્છે છે.

આદિત્ય બિરલા સન લાઇફ AMCના MD અને CEO એ. બાલાસુબ્રમણ્યમે કહ્યું હતું કે આ બંને ફંડ્સનો ઉદ્દેશ એ છે કે રોકાણકારોને ફેક્ટર આધારિત સ્ટ્રેટેજી દ્વારા તેમના ઇક્વિટી પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવાની તક મળે, જ્યારે ક્વોલિટી ફંડ સ્થિરતા અને સુરક્ષા પ્રદાન કરે છે.

પૂર્વજોને યાદ કરવાની પરંપરા

અમદાવાદ: અષાઢ માસનો છેલ્લો દિવસ એટલે દિવાસો. અષાઢી અમાસ દિવાસો પછી દેવદિવાળી સુધી અનેક વ્રત, તહેવાર, ઉત્સવ, અનુષ્ઠાનનો પ્રારંભ. હિંદુ છસંસ્કૃતિના હવેના છેલ્લા ત્રણેય માસ શ્રાવણ , ભાદરવો, આસો ઉત્સવો, તહેવારો અને વ્રતથી ભરપૂર હોય છે. વરસાદની આ ઋતુ સાથે જપ, તપ અને વ્રતનો મહિમા પણ વધી જાય છે. આ સાથે જ શ્રાવણની શરૂઆત એટલે શિવજીની આરાધના પણ શરૂ. આજના દિવસ એટલે એવરત જીવરત જેવા જુદાં-જુદાં વ્રતો અને પૂજા અર્ચનાનો દિવસ છે..પરંતુ સૌથી મહત્વની વાત આજના દિવસે એક આખોય સમાજ પોતાના પૂર્વજોને યાદ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપતો જોવા મળે છે. એ સમાજ છે, દેવીપૂજક સમાજ.. દેવીપૂજક સમાજના કેટલાક સભ્યો દિવાસોના દિવસે સ્મશાને જઇ પરિવારના, સમાજના અંગત કે જે મૃત્યુ પામ્યાં છે, એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. ફૂલ, ફૂલના હાર તેમ જ મૃતકની ગમતી ચીજવસ્તુઓ સ્મશાને જઈ અર્પણ કરે છે.દેવી પૂજક સમાજના વિકાસ પટણી ચિત્રલેખા.કોમને કહે છે, “જેના પરિવારનો સદસ્ય સ્વર્ગસ્થ થાય અને અંતિમ વિધિ જે જગ્યા એ થઈ હોય ત્યાં તેમને ગમતી વસ્તુઓ લઈ જવામાં આવે છે. આ સાથે સ્મશાનમાં આવેલા સૌ એમને યાદ કરે છે. હવે આધુનિક જમાનામાં પરિવારજનો મૃતકોને યાદ કરી ફોટા સાથેના બેનર્સ બનાવડાવે છે. એની ઉપર સુવિચારો પણ પ્રદર્શિત કરે છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ચામુંડા સ્મશાને દિવાસાની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા છે. આખાય વિસ્તારમાં મેળા જેવું વાતાવરણ હોય છે.. સ્મશાનોમાં દેવીપૂજક સમાજના સભ્યોએ પરિવારની જેમ એકઠા થઈને પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.હિંદુ સંસ્કૃતિનું જતન કરતી દિવાસો પરંપરાને જીવંત રાખવા બદલ દેવીપૂજક સમાજે સૌ લોકોને અભિનંદન પાઠવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેવીપૂજક સમાજના પૂર્વજોને યાદ કરવાના આ પ્રસંગે નરોડા ચામુંડા સ્મશાને રાજ્કીય અને સામાજિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમાજના સામૂહિક તહેવારમાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા. આજ સમાજના યુવાનોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યુ. આ સાથે ફૂલ, ફળનો ખોટો બગાડ થાય નહીં એ માટે લોકોને જાગૃત કર્યા.

(પ્રજ્ઞેશ વ્યાસ:અમદાવાદ)

પ્લેબેક સિંગર બબલા મહેતાનું નિધન, ચાંદની, દિલ હૈ કે માનતા જેવી ફિલ્મમાં આપ્યો છે અવાજ

બૉલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર બબલા મહેતાનું આજે એટલે કે 24 જૂલાઈના રોજ મુંબઈમાં નિધન થયું છે. તેમણે દિલ હૈ કે માનતા નહીં, ચાંદની, સડક, તહલકા અને મેજર સાબ જેવી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો.

બાબતા મહેતાનું પહેલું ગીત ચાંદની ફિલ્મનું “તેરે મેરે હોઠોં પે…” હતું, જે તેમણે લતા મંગેશકર સાથે ગાયું હતું. આ ગીત તેમની કારકિર્દીમાં એક વળાંક સાબિત થયું હતું. તેમણે મોટાભાગે નૉન-ફિલ્મી ગીતોની રચના કરી હતી. વાઉન્ડેડ (2007)નું સંગીત બબલા મહેતા દ્વારા આપવામાં આવ્યું હતું.

બબલા મહેતા વિશે વધુમાં વાત કરીએ તો તેમનો જન્મ ઇન્દર જીત અને રાજ રાણી મહેતાને ત્યાં થયો હતો, જેઓ એક મધ્યમ વર્ગના પરિવારમાં રહેતા હતા. તેમના પિતા એક વરિષ્ઠ બેંકર હતા અને મન્ના ડેના ચાહક હતા. શરૂઆતના વર્ષોમાં બબલા મહેતાએ તેમના પિતા પાસેથી સંગીત પ્રત્યેનો જુસ્સો કેળવ્યો હતો. તેઓ ઝડપથી શીખનારા અને સંગીત પ્રત્યે ખૂબ રુચિ ધરાવનાર હતાં.

બબલા મહેતાએ કિશોરાવસ્થામાં જ ગાવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ શરમાળ સ્વભાવને કારણે તેણે શાળા અને કોલેજના દિવસોમાં સ્ટેજ પર ગાવાની હિંમત ના કરી. એક દિવસ, તેમણે કોલેજના એક સાથીને ગીત ગાતી વખતે યોગ્ય સૂર ન લગાવવા બદલ સુધાર્યો. છોકરાએ ગુસ્સો કર્યો અને બબલાની સંગીત ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો. આ ઘટનાએ બબલા મહેતાને જાહેરમાં ગાતા શરૂ કરી દીધા અને દુનિયાને પોતાની ક્ષમતાઓ બતાવવાનો સંકલ્પ કર્યો.

શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે તેમના પિતાના પગલે ચાલીને બેંકિંગમાં કારકિર્દી શરૂ કરી, જોકે તેઓ જાણતા હતા કે તેમનું સાચું કામ સંગીત છે. તેથી તેમણે લાઇવ મ્યુઝિક શોમાં ગાવાનું શરૂ કર્યું. આવા જ એક શોમાં સંગીત મુઘલ ગુલશન કુમારે તેમની પ્રતિભા જોઈ અને તેમને ગીત ગાવાની તક આપી.

સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર લગાવ્યો સ્ટે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વર્ષ 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં જોડાયેલા તમામ 12 આરોપીઓને નિર્દોષ ઠેરવતા બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે 22 જુલાઈએ 2006ના ટ્રેન વિસ્ફોટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે 11 જુલાઈ 2006S મુંબઈની અલગ-અલગ લોકલ ટ્રેનોમાં થયેલા સાત વિસ્ફોટના કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

હાઈકોર્ટના નિર્ણય બાદ તમામ આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારની જીત માનવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રેન વિસ્ફોટ કેસમાં જે 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમની પુનઃ ધરપકડ નહીં કરવામાં આવે. જોકે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટનો નિર્ણય કોઈ મિસાલ નહીં બને અને તેનો અન્ય મકોકા કેસો પર કોઈ અસર નહીં પડે.

હાઈકોર્ટનો આ નિર્ણય મુંબઈના પશ્ચિમ રેલવે નેટવર્કને હચમચાવી નાખનારા આ આતંકવાદી હુમલા પછી લગભગ 19 વર્ષ બાદ આવ્યો છે. આ હુમલામાં 180થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ નિર્ણય મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી દળ (ATS) માટે ખૂબ શરમજનક ગણાયો છે, જેમણે આ કેસની તપાસ કરી હતી. એજન્સીનો દાવો હતો કે આરોપીઓ પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી)ના સભ્ય હતા અને પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈબા (LeT)ના પાકિસ્તાની સભ્યો સાથે મળી આ ષડયંત્ર રચ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સ્વ-સંભાળ દિવસ પર WHOએ જણાવ્યું સ્વ-સંભાળનું મહત્વ

દર વર્ષે 24 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સ્વ-સંભાળ દિવસ (World Self Care Day) ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને એટલા માટે ઉજવવામાં આવે છે જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે.

આજકાલ લોકો જે પ્રકારની જીવનશૈલી અપનાવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને લોકોએ હવે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાળજી રાખવી જોઈએ કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં જીવનશૈલી સંબંધિત રોગોનું જોખમ ઘણું વધી ગયું છે. આવી સ્થિતિમાં આપણે આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં અપનાવવા જોઈએ. આપણે જાણીએ કે WHO એ આ સંદર્ભમાં લોકોને શું સલાહ આપી છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) કહે છે કે સ્વ-સંભાળ ફક્ત તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે, પરંતુ હાલની આરોગ્ય સેવાઓ પરની આપણી નિર્ભરતા પણ ઘટાડે છે. સ્વ-સંભાળની મદદથી, લોકો ડાયાબિટીસ, સુગર અને બીપી જેવી સમસ્યાઓને નિયંત્રિત કરી શકે છે. જો આપણે તેમને દવાઓ વિના નિયંત્રિત કરીએ, તો આપણે ભવિષ્યમાં હાર્ટ એટેક અથવા સ્ટ્રોક જેવી સમસ્યાઓથી પોતાને બચાવી શકીએ છીએ.

પ્રજનન સ્વાસ્થ્ય અને સંશોધન વિભાગના એક ડૉક્ટર કહે છે કે સ્વ-સંભાળની મદદથી આપણા સ્વાસ્થ્યની ગુણવત્તામાં સુધારો થાય છે. તે આપણને ક્રોનિક રોગોથી બચાવવામાં મદદ કરે છે. વાસ્તવમાં, ક્રોનિક રોગોની સારવાર મુશ્કેલ છે અને ઘણી પીડા પેદા કરે છે, તેથી દરેક વ્યક્તિએ બીજાઓ પર આધાર રાખવાને બદલે પોતાના સ્વાસ્થ્યની જાતે કાળજી લેવી જોઈએ.

સ્વ-સંભાળ ટિપ્સ

તમારા દિનચર્યામાં શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં.

સ્વ-સંભાળ માટે સારી અને પૂરતી ઊંઘ જરૂરી છે.

ફાઇબર, કેલ્શિયમ અને વિટામિન જેવા પોષક તત્વોથી ભરપૂર આહાર એકંદર સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.

તણાવ ઘટાડવા માટે માઇન્ડફુલનેસ અને ધ્યાનનો અભ્યાસ કરો.

દારૂ અને તમાકુનું સેવન ઓછું કરો અથવા દૂર કરો.

શ્રાવણ મહિનો કરવાથી શું ફાયદો?

આવતી કાલથી એટલે પચીસ જુલાઈથી શિવજીની આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે. આ સાથે શરૂ થશે ચર્ચા, શંકા-કુશંકાઃ ઉપવાસ, એકટાણાંથી શું થાય? શું ફળ મળે? શું ફાયદો થાય?

આ વાત હમણાં બાજુએ રાખી ને એક ઉદાહરણ જોઈએઃ ધારો કે તમારી સોસાયટીમાં વીજપ્રવાહ ખોરવાઈ જાય છે. એ વખતે તમે શું કરો? રિપૅર કરવાની ટ્રાય કરશો, વીજકંપનીને ફોન કરશો? કે પછી બીજાની પણ ગઈ છે કે નહીં એ ચેક કરીને વૉટ્સેપમાં બિઝી થઈ જશો?

વિવિધ દેશમાં અચાનક અંધારું થઈ જવાની ઘટનાનું ઍનાલિસીસ કરીએ તો સૌથી પહેલા અમેરિકાવાળાનો બિનધાસ્ત અભિગમ સામે આવશે. એ લોકો સીધો કંપનીને ફોન કરીને સ્ટાફને ખખડાવશેઃ લાઈટ ગઈ જ કેમ? કોઈ વળી કેસ કરવાની ધમકી આપેઃ 22 મિનિટ ઈલેટ્રિસિટી ખોરવાઈ ગઈ એમાં મને બે લાખનું નુકસાન થઈ ગયું. જપાનીઓ ઝાઝી માથાકૂટ કરવાને બદલે જાતે રિપૅર કરી નાખશે.

આ બાબતમાં આપણે નસીબદાર છીએ. બહુ મગજમારી કરવાની નહીં. બધાની આવશે ત્યારે આપણી આવશે. આ અટિટ્યૂડ સારો છે, પણ આવો ચાલ્યા કરેવાળો અટિટ્યૂડ પ્રગતિમાં સ્પીડબ્રેકર બની શકે. અંગ્રેજીમાં જેને લેઈડબૅક અટિટ્યુડ કહે છે એનાથી પ્રગતિ ન થાય. આપણો અટિટ્યૂડ, અંધારું ચલાવી જ ન લેવાય એવો હોવો જોઈએ. અંગ્રેજીનો અટિટ્યૂડ કે ગુજરાતીમાં અભિગમ એ ચાર અક્ષરનો શબ્દ છે, જે જીવનમાં બહુ મોટો ફેર લાવી શકે છે.

-અને જીવનમાં અટિટ્યુડ માત્ર પોઝિટિવ જ નહીં, પણ મોટો રાખવો જોઈએ. સાથે સાથે નબળા વિચાર પણ નહીં રાખવાના. હંમેશાં પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ જવું, ઍડજસ્ટમેન્ટ કરી લેવાનો અટિટિયુડ રાખવો. પાણીનો અટિટ્યુડ તમે જોયો હશેઃ જેવું વાસણ એવો આકાર ધારણ કરી લે. ગ્લાસ હોય, બાલદી હોય કે બૉટલ હોય. જેમાં રેડવામાં આવે એવો શેપ એ ધારણ કરી લે.

એમ કહેવાય છે કે ઍડજસ્ટમેન્ટ ઈઝ લાઈફ. કૉમ્પ્રોમાઈઝ ઈઝ લાઈફ… ઍડજસ્ટમેન્ટ ઍન્ડ કૉમ્પ્રોમાઈઝ ઈઝ અટિટ્યુડ ઑફ લાઈફઃ પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાનો અને સમાધાન કરી લેવાનો અભિગમ રાખવો. કેમ કે હંમેશાં આપણે ધારીએ એમ જ થાય એ જરૂરી નથી. બીજા શબ્દોમાં, દુનિયા આપણા હિસાબે ચાલે એ જરૂરી નથી.

ઘણાનો અટિટ્યૂડ જક્કી હોય છે. “આજે મિટિંગમાં મેં અમારા બાયરને (ક્લાયન્ટને) ચોખ્ખું કહી દીધું કે અમારી ટર્મ્સ-કન્ડિશન સાથે સંમત થતા હો તો જ આપણે વાત કરીએ, નહીંતર આપણી ચર્ચા અહીં પૂરી થાય છે.”

દુનિયાની મહાન વ્યક્તિઓ આવો અટિટ્યૂડ રાખીને મહાન નથી બની. મહાન વ્યક્તિઓનો સક્સેસ મંત્ર હોય છેઃ સીએમપી અર્થાત્ કૉમન મિનિમમ પ્રોગ્રામઃ “થોડું મારું રાખું છું, થોડું જતું કરું છું… તમે પણ તમારું થોડું રાખીને, થોડું જતું કરો. એક કૉમન પ્લૅટફૉર્મ પર આવીએ, એક વચલા રસ્તા પર ભેગા મળીએ, સાથે મળીને કામ કરીએ, નક્કર પરિણામ લાવીએ.”

આવો અટિટ્યુડ રાખીને કામ કરશો, આગળ વધશો તો ચોક્કસ સફળતા મળશે. જક્કી વલણ અથવા બીજાનું ન સાંભળવાનો અભિગમ ડેવેલપમેન્ટની આડે આવતો મોટો અવરોધક છે.

હવે શ્રદ્ધાની વાત, શ્રાવણ માસની વાત. તો હું તમને એટલું જ કહીશ કે તમે પ્રોફેશનલી ભગવાનમાં માનો. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી, ઉપવાસ કરવાથી ચમત્કાર થશે, ધન-સમૃદ્ધિ મળશે, સ્વર્ગ, મોક્ષ મળશે એ બધાંની હમણાં આપણે વાત નથી કરતા. બસ, પ્રોફેશનલી શ્રદ્ધા રાખો. આપણાં પુરાણો, શાસ્ત્રો પ્રત્યે આસ્તિકભાવ રાખવો એ પણ એક અટિટ્યુડ છે.

અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં થયેલા એક સંશોધનનાં તારણ કહે છે કે દરરોજ ભગવાનની સામે પૂરી આસ્થાથી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાથી ઑસ્ટિયોપોરોસીસની સમસ્યા દૂર રહે છે, ભગવાનના નામસ્મરણથી યાદશક્તિ તેજ થાય છે, આત્મવિશ્વાસ વધે છે. જપ-જાપ, નામસ્મરણ તમને ઈમોશનલી સ્ટ્રોંગ બનાવે છે. આ હું નહીં, પણ યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં વિવિધ વયજૂથનાં સ્ત્રી-પુરુષો પર થયેલા અભ્યાસનાં તારણ કહે છે. આવા તો અનેક વૈજ્ઞાનિક ફાયદા આપણા ધર્મ-નિયમના છે.

ટૂંકમાં, ભગવાન જ કર્તાહર્તા છે, જગતનિયંતા છે એવો પોઝિટિવ અટિટ્યુડ રાખશો તો શારીરિક-માનસિક શાંતિ રહેશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર EDના દરોડા

નવી દિલ્હીઃ અનિલ અંબાણી ફરી એક વાર મુશ્કેલીમાં ઘેરાયા છે. અનિલ અંબાણીની કંપનીઓ પર ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ED દ્વારા આ કાર્યવાહી દિલ્હી અને મુંબઈ સ્થિત અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 50 કંપનીઓ અને 35થી વધુ સ્થળોએ મની લોન્ડરિંગથી જોડાયેલા કેસોમાં કરવામાં આવી રહી છે. અંબાણીની અનેક કંપનીઓ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સામે મની લોન્ડરિંગ મામલે મુંબઈમાં તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી નેશનલ હાઉસિંગ બેંક, SEBI, નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA), બેંક ઓફ બરોડા અને CBIની બે FIRને આધારે કરવામાં આવી છે.

ED દ્વારા અનિલ અંબાણીની સાથે જોડાયેલી કંપનીઓના ઘણા વરિષ્ઠ અધિકારીઓના નિવાસ સ્થાનો અને દફતર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસમાં EDને એવાં પુરાવા મળ્યા છે કે આ ઘટનાક્રમ જાહેર નાણાંની હેરાફેરી માટે એક યોજના બનાવીને કાવતરાપૂર્વકની હેરાફેરી હતી. તેમાં ઘણી સંસ્થાઓ, બેંકો, શેરહોલ્ડરો અને રોકાણકારોને છેતરપિંડીથી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. લાંચખોરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે, જેમાં યસ બેંકના પ્રમોટરો પણ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે.

યસ બેંકથી 3,000 કરોડ રૂપિયાની લોનના દુરુપયોગનો આરોપ

EDને શંકા છે કે વર્ષ 2017થી 2019ની વચ્ચે યસ બેંકથી લેવાયેલા આશરે 3000 કરોડ રૂપિયાના લોનનો ગેરકાયદે રીતે ઉપયોગ અને હેરાફેરી કરવામાં આવી છે.

અનિલ અંબાણીને કેમ ફ્રોડ જાહેર શા માટે કરવામાં આવ્યા?
હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યા હતા. જુલાઈ, 2025ની શરૂઆતમાં SBIએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનના લોન એકાઉન્ટ અંગે પગલાં લીધાં હતા. બેંકે ડિસેમ્બર 2023, માર્ચ 2024 અને સપ્ટેમ્બર 2024માં કારણ બતાવ નોટિસો જારી કરી હતી. કંપનીના જવાબોની સમીક્ષા કર્યા પછી SBIએ જણાવ્યું હતું કે કંપનીએ લોનની શરતોનું પાલન કર્યું નથી અને એકાઉન્ટના વ્યવહાર સંબંધિત અનેક અનિયમિતતાઓની સંપૂર્ણ માહિતી આપવામાં નિષ્ફળ ગઈ છે.

બરાક ઓબામાને જેલ મોકલવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રંપ?

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને જેલ મોકલવાની તૈયારીમાં છે? ટ્રંપે દાવો કર્યો છે કે ડેમોક્રેટ સરકારે 2016ના અમેરિકી ચૂંટણી દરમિયાન લોકો સાથે જાણજોઈને છેતરપિંડી કરવામાં આવી હતી. ટ્રંપના કહેવા મુજબ ઓબામા સરકારે તેમની વિરુદ્ધ એક ષડયંત્ર રચ્યું હતું અને આખી ચૂંટણીનો કબજો કરવાની કોશિશ કરી હતી.

ટ્રંપે દાવો કર્યો છે કે અમેરિકાની ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડની ટીમે ઓબામાને રંગે હાથ પકડ્યા હતા. ઓબામા અને તેમની સુરક્ષા કેબિનેટે દેશદ્રોહી ષડયંત્ર રચ્યું હતું, જેનો ઉદ્દેશ્ય ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની સરકારનું પતન કરાવવાનો હતો. ટ્રંપ વારંવાર આ વાત દહોરાવતા રહે છે કે ઓબામાનો અપરાધ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે અને તેમને જેલમાં નાખવામાં આવવા જોઈએ.

તુલસી ગબાર્ડે બુધવારે નવા દસ્તાવેજો જાહેર કરીને ઓબામા પર 2016ની ચૂંટણીમાં અમેરિકી ગુપ્તચર માહિતીનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ગબાર્ડે દાવો કર્યો છે કે ઓબામાએ આ ખોટી વાતને આગળ ધપાવી હતી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમની સરકારે ટ્રંપને ચૂંટણી જીતવામાં મદદ કરી હતી.

તુલસી ગબાર્ડે તાજેતરમાં કેટલાક દસ્તાવેજો જાહેર કર્યા છે, જેમાં તેમનો દાવો છે કે ઓબામા સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જાણજોઈને રશિયાના હસ્તક્ષેપના આરોપોને વધારીને રજૂ કર્યા હતા જેથી ટ્રંપની ચૂંટણીની કાયદેસરતા પર પ્રશ્ન ઊભો થાય. તેમનું કહેવું છે કે આ એક વર્ષો લાંબું ષડયંત્ર હતું, જેનો ઉદ્દેશ ટ્રંપને સત્તામાંથી હટાવવાનો હતો.

ગબાર્ડે દાવો કર્યો કે 2016માં ઓબામા સરકારના ટોચના અધિકારીઓએ દેશ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું, જેનાથી જનતા ઈચ્છાને રુંદીને તખતાપલટનો આધાર તૈયાર થાય. તેમણે ગુપ્ત દસ્તાવેજોને જાહેર કર્યા અને દાવો કર્યો કે આ માહિતીથી સાબિત થાય છે કે ઓબામા વહીવટના ટોચના અધિકારીઓએ ટ્રંપને નબળા પાડવા માટે દેશદ્રોહી ષડયંત્ર રચ્યું હતું.

ટ્રંપે કહ્યું હતું કે આ સ્પષ્ટ છે કે ઓબામા દોષી છે. આ દેશદ્રોહ હતો. તેમણે ચૂંટણીને બગાડવાની કોશિશ કરી. તેમણે એવાં કામ કર્યા જેમની કોઈએ કલ્પના પણ ન કરી હોય, અહીં સુધી કે બીજા દેશોમાં પણ નહિ.

કબીરવાણી: કુમતિનું પ્રમાણ શું?

 

તિમિર ગયા રવિ દેખતે, કુમતિ ગયી ગુરુજ્ઞાન,

સુમતિ ગયી અતિ લોભતે, ભક્તિ ગયી અભિમાન.

 

કબીરના શબ્દોમાં જે ગુઢાર્થ છે તેવું જ તેનું માપુર્ય છે. કવિવર રવીન્દ્રનાથે તેથી જ કબીરજીના ભજનો – સાખીઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. કારણ અને અસર વચ્ચેનો સંબંધ સમજવો તે વૈજ્ઞાનિક પદ્ધતિ ગણી શકાય.

સૂર્યોદય સાથે જ અંધકારનો લોપ થાય છે. તે જ રીતે ગુરુજ્ઞાન થતાં જ કુમતિનો નાશ થાય છે. કુમતિ એટલે વિકલ્પોનો વિચાર કરીને ખોટી પસંદગી કરવી. આથી ઘણા લોકો દલીલ કરે છે કે, મેં સમજી વિચારીને ખોટું કર્યું છે. આ કુમતિનું પ્રમાણ છે.

માણસને અતિ લોભ થાય તો સુમતિ એટલે સમજી વિચારીને નિર્ણય લેવાની શક્તિ હણાઈ જાય છે. લોભ સાથે ‘અતિ’ વિશેષણ વાંચીને આપણને કહેવત યાદ આવે છે કે ‘લોભને નહીં થોભ”. તેની મર્યાદા બાંધી શકાતી નથી. વિશ્વના ધનાઢ્યોની યાદીમાં નામ આવે તેનાથી ક્યાંય સંતોષ થાય છે? તેમાં પણ પ્રથમ હોવું અને રહેવું તેવી ઈચ્છા પૂર્ણ થતી જ નથી.

ભક્તિ એટલે વિનમ્રતા. ભકતે તો રજકણથી પણ હળવા થવાનું છે ત્યારે અભિમાનના સહેજ પણ ભારથી ભક્તિ ભીના હાથમાંથી સાબૂની જેમ સરી જાય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)