નવી દિલ્હી: રાજ્યસભામાં પહેલગામ આતંકી હુમલો ચર્ચાનો વિષય બન્યો હતો. રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે એ 22 એપ્રિલના દિવસે થયેલા આ હુમલા અંગે સરકારને કડક પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે નિયમ 267ની હેઠળ ચર્ચાની માગ કરતાં જણાવ્યું હતું કે પહેલગામ હુમલાના આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી કે નથી મારવામાં આવ્યા. તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલના નિવેદનનો ઉલ્લેખ કરતા ઇન્ટેલિજન્સની નિષ્ફળતાનું આરોપ મૂક્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે LGએ સ્વીકાર્યું છે કે ઇન્ટેલિજન્સ ફેલ્યોર થયું છે. અમને માહિતી આપવામાં આવવી જોઈએ.
દેશ માટે અપમાનજનક છેઃ ખડગેએ સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પે 24 વખત એવું કહ્યું હતું કે તેમના હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું. આ દેશ માટે અપમાનજનક છે. તેમણે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ વિષે જે દુનિયાને જણાવવામાં આવ્યું છે, એ અમને પણ જણાવવું જોઈએ, ભારતીય લોકોને માહિતગાર કરવા જોઈએ.
मैंने पहलगाम आतंकी हमले और ‘ऑपरेशन सिंदूर’ के बाद की स्थिति पर नियमों के मुताबिक सदन में नोटिस दिया है।
पहलगाम आतंकी हमला 22 अप्रैल को हुआ था और उसे अंजाम देने वाले आतंकी आज तक न पकड़े गए और न मारे गए। पहलगाम में चूक हुई है, इस बात को खुद जम्मू-कश्मीर के LG मनोज सिन्हा ने… pic.twitter.com/L7V1ztXl6L
મલ્લિકાર્જુન ખડગેની માગ પછી રાજ્યસભાના નેતા અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે એવો સંદેશ નહીં જવો જોઈએ કે સરકાર ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા ઇચ્છતી નથી. સરકારે આ મુદ્દા પર ચર્ચા માટે પૂરી તૈયારી કરી છે. તેમણે કહ્યું હતું કે અમે બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં સમય ફાળવવા માટે સૂચન કર્યુંમ છે. સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. ઓપરેશન સિંદૂરના આઠ દિવસોમાં જે બન્યું, એવું દેશના ઈતિહાસમાં કદી કોઈ ઓપરેશન દરમિયાન નથી થયું. તેમણે કહ્યું હતું કે તેઓ ઇતિહાસમાં જવા ઇચ્છતા નથી. આ દરમિયાન સદનમાં હંગામો વધતાં રાજ્યસભા સ્થગિત કરવામાં આવી હતી.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પહેલાથી જ પાછળ રહી ગયેલી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. માન્ચેસ્ટરમાં ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ પહેલા, ભારતીય ટીમના ખેલાડીઓને ઈજા થવાની શ્રેણી ઝડપથી વધી રહી છે. ઝડપી બોલર અર્શદીપ સિંહ અને આકાશ દીપની ઈજાઓએ કોચ ગૌતમ ગંભીરને પહેલાથી જ મુશ્કેલીમાં મૂકી દીધા છે. હવે આ યાદીમાં યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીનું નામ પણ ઉમેરાયું છે. અહેવાલો અનુસાર, ઈજાને કારણે રેડ્ડી શ્રેણીની બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયા છે. માન્ચેસ્ટર ટેસ્ટના લગભગ 72 કલાક પહેલા ટીમ ઈન્ડિયાને આ ઝટકો લાગ્યો છે.
માન્ચેસ્ટરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટની ચોથી મેચ 23 જુલાઈથી શરૂ થવાની છે. આ માટે, ટીમ ઈન્ડિયા સતત પ્રેક્ટિસ અને તાલીમમાં વ્યસ્ત છે. પરંતુ આ તાલીમથી, ટીમ ઈન્ડિયાને રેડ્ડીની ઈજાના રૂપમાં ખરાબ સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 વર્ષીય રેડ્ડીને મેચના 3 દિવસ પહેલા, રવિવાર, 20 જુલાઈના રોજ જીમમાં તાલીમ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પછી, તેનું તાત્કાલિક સ્કેન કરવામાં આવ્યું, જેમાં લિગામેન્ટમાં ઈજા જોવા મળી. આ કારણે, આ શ્રેણીમાં રેડ્ડીનો પ્રવાસ અહીં સમાપ્ત થઈ ગયો છે.
રેડ્ડીની ઈજા કેટલી ગંભીર છે અને તે કેટલો સમય મેદાનની બહાર રહેશે, તે આગામી દિવસોમાં જ ખબર પડશે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી રેડ્ડીની ઈજાની સત્તાવાર જાહેરાત કરી નથી અને તેથી હાલમાં પરિસ્થિતિ સ્પષ્ટ નથી કે તેના સ્થાને કોઈને મોકલવામાં આવશે કે નહીં.
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જોરદાર ટેસ્ટ ડેબ્યૂ કરનાર નીતિશ માટે આ શ્રેણી ખાસ નહોતી. તેને પહેલી મેચમાં તક મળી ન હતી પરંતુ તે બીજી મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ મેદાનમાં ઉતર્યો હતો. તે આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને બંને ઇનિંગ્સમાં ફક્ત 1-1 રન બનાવી શક્યો હતો. તે જ સમયે, બોલિંગમાં પણ કોઈ સફળતા મળી ન હતી. આમ છતાં, તેને ત્રીજી ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો અને અહીં તેણે 3 વિકેટ લીધી અને 30 અને 13 રનની ઇનિંગ્સ રમી. તે બંને ઇનિંગ્સમાં લાંબા સમય સુધી ક્રીઝ પર રહ્યો પરંતુ મોટો સ્કોર બનાવી શક્યો નહીં.
ભારતીય હિપ-હોપ જગતના સ્ટાર એમીવે બંતાઈ હાલમાં તેમના નવા મ્યુઝિક વિડીયો ‘દુબઈ કંપની’ ના શૂટિંગ માટે દુબઈના શારજાહમાં છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક વિડીયોએ તેમના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. આ વિડીયોમાં એમીવે ચાલતા વાહનમાંથી પડી જતા જોવા મળે છે અને તે ઘાયલ થાય છે.
એમીવે બંતાઈએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ વ્લોગનું ટીઝર શેર કર્યું છે, જેમાં તે સ્ટંટ કરતી વખતે પડી જાય છે. વીડિયોમાં, એમીવે ટોયોટા એસયુવીની બારીમાંથી લટકતો દેખાય છે અને પછી એક તીવ્ર વળાંક પર કારમાંથી પડી જાય છે. જોકે, તે સ્પષ્ટ નથી કે આ અકસ્માત ઇરાદાપૂર્વકનો સ્ટંટ હતો કે ભૂલ.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયો સાથે, એમીવેએ લખ્યું, ‘સ્ટંટ ગોન રોંગ’. રેપરની આ પોસ્ટ પછી, તેના ચાહકો ચિંતિત થઈ ગયા છે. તેના ચાહકો રેપરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
એમીવેની પોસ્ટ પર ઘણા ચાહકોએ પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું, ‘ભાઈ, ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું, ભગવાનનો આભાર કે તમે સુરક્ષિત છો.’ જ્યારે કોઈએ કહ્યું, ‘તમે અમારા માટે ખૂબ મહેનત કરો છો, હવે પ્રેમ બતાવવાનો વારો છે.’
એમીવે બંતાઈ, જેનું સાચું નામ મોહમ્મદ બિલાલ શેખ છે, તેમણે 2013 માં એક અંગ્રેજી રેપ ગીત ‘ગ્લિન્ટ લોક’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમના પિતાની સલાહથી, તેમણે હિન્દીમાં રેપ કરવાનું શરૂ કર્યું અને 2014 માં આવેલ ‘ઔર બંતાઈ’ તેમનું પહેલું હિટ ટ્રેક બન્યું. ત્યારથી, એમીવેએ ‘માચાયેંગે’, ‘બંતાઈ’, ‘ફિર સે મચાયેંગે’ જેવા હિટ ગીતો આપ્યા છે અને ભારતીય હિપ-હોપના મોટા નામોમાંનું એક બની ગયું છે.
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશમાં 3500 કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડમાં ભૂતપૂર્વ CM YS જગનમોહન રેડ્ડી પર પણ લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કૌભાંડના સંબંધમાં આંધ્ર પ્રદેશ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે દર મહિને આશરે 50થી 60 કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી, જેમાં રેડ્ડીનો પણ સમાવેશ થતો હોવાનું જણાવવામાં આવ્યું છે.
જોકે આ કેસમાં جگનમોહન રેડ્ડીને આરોપી તરીકે નામિત કરાયા નથી, પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે 2019થી 2024 વચ્ચે તેઓએ દારૂ કંપનીઓ પાસેથી વસુલાત થયેલા પૈસા મેળવ્યા હતા. નોંધનીય છે કે આ સમયગાળામાં રાજ્યમાં રેડ્ડી નિતિૃત્વ હેઠળની સરકાર સત્તામાં હતી.
Jagan Mohan Reddy’s liquor mafia devastated one crore of poor families in Andhra Pradesh. Trusted liquor brands were replaced with low-grade, harmful ones — all for ₹3,200 Cr in bribes.
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 20, 2025
વર્ષ 2024માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં રેડ્ડીની પાર્ટી YSRCPને હાર મળી હતી અને રાજ્યમાં હવે TDP, ભાજપ અને પવન કલ્યાણની જનસેના પાર્ટીની ગઠબંધન સરકાર છે. આ ચાર્જશીટ અનુસાર 2019થી 2024 વચ્ચે દર મહિને દારૂ કંપનીઓ પાસેથી વસૂલાત થયેલા પૈસા કેસિરેડ્ડી રાજશેખર રેડ્ડી (A-1) દ્વારા વિજયસાઈ રેડ્ડી (A-5), મિથુન રેડ્ડી (A-4) અને બાલાજી (A-33) સુધી પહોંચાડવામાં આવ્યા અને અંતે આ પૈસા જગનમોહન રેડ્ડી સુધી પહોંચ્યા હતા.
સાંસદની ધરપકડ
લોકસભાના સાંસદ અને YSRCPના નેતા મિથુન રેડ્ડીની ધરપકડ પછી આ મામલે અનેક માહિતીઓ બહાર આવી છે. SIT અનુસાર મિથુન રેડ્ડી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે. આરોપ છે કે તેમણે દારૂ નીતિ ઘડવામાં અને ડિસ્ટિલરી કંપનીઓ પાસેથી લાંચ લીધી હતી. આ આરોપપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 2019માં હૈદરાબાદની હયાત હોટેલમાં YSRCPના નેતાઓ અને દારૂ કંપનીઓના માલિકો વચ્ચે બેઠક મળી હતી, જેમાં લાંચ આપવાનું નક્કી થયું હતું.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક AI વિડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ધરપકડ થતી દેખાય છે. આ વિડિયોના સાથે ટ્રમ્પે લખ્યું છે, કાયદા કરતાં મોટું કોઈ નથી. આ AI દ્વારા બનાવેલો વિડિયો છે, બરાક ઓબામાની સાચી ધરપકડ થઈ નથી. તેમ છતાં આ વિડિયોના માધ્યમથી ટ્રમ્પ એ સંદેશ આપવા માગે છે કે જો રાષ્ટ્રપતિ પણ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેમની પણ ધરપકડ થઈ શકે છે. આ પોસ્ટને સોશિયલ મિડિયા પર ઘણી ટીકાઓ મળી રહી છે. વિસંગત અને ઉશ્કેરણીજનક કહેવાતો આ વિડિયો અનેક લોકોના નિશાન પર છે.
વિડિયોમાં શું બતાવવામાં આવ્યું છે? આ 45 સેકંડના AI વિડિયોમાં શરૂઆતમાં એક સંવાદકાર દેખાય છે. ત્યારબાદ બરાક ઓબામાના એઆઈ અવતારને દર્શાવવામાં આવ્યા છે, જેમાં તેઓ કહે છે – “ખાસ કરીને રાષ્ટ્રપતિ કાયદા કરતાં ઉપર છે. ત્યાર બાદ અનેક નેતાઓનાં નિવેદનો દર્શાવાય છે, જેમાં તેઓ કહે છે કે કાયદા કરતાં કોઈ ઊંચું નથી. એ પછી વીડિયોમાં ટ્રમ્પ અને ઓબામાના AI અવતાર ઓવલ ઓફિસમાં સાથે બેઠેલા હોય છે. એટલામાં FBI એજન્ટ્સ આવે છે અને ઓબામાના AI અવતારને ખુરસી પરથી ખેંચી જમીન પર પાડીને ધરપકડ કરે છે. ત્યાર બાદ ઓબામાને અમેરિકન જેલના કેદીની યુનિફોર્મમાં જેલના સળિયા પાછળ બતાવવામાં આવે છે.
— Fan Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) July 20, 2025
તુલસી ગેબાર્ડનો દાવો
તુલસી ગેબાર્ડ જે અમેરિકા માટે નેશનલ ઇન્ટેલિજન્સની ડિરેક્ટર છે, તેમણે દાવો કર્યો છે કે બરાક ઓબામા અને તેમના ટોચના ગુપ્તચર અધિકારીઓએ ગુપ્ત માહિતીઓ સાથે ચેડાં કર્યા હતા. તેમણે 114 પાનાંનો દસ્તાવેજ જાહેર કર્યો છે. ગેબાર્ડે ઓબામા વહીવટ પર આરોપ મૂક્યો છે કે તેમણે માહિતીને ચેડાં કરીને એવી રીતે રજૂ કરી કે તેનાથી લાગે કે ટ્રમ્પે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાની સાથે મળીને હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો.
દેશી ગર્લ તરીકે જાણીતી ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા 43 વર્ષની થઈ ગઈ છે. 18 જુલાઈના રોજ તેણીએ પોતાનો 43મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. પ્રિયંકાએ તેનો જન્મદિવસ તેના પરિવાર સાથે ઉજવ્યો હતો, જેની ઝલક તે સોશિયલ મીડિયા પર એક પછી એક શેર કરી છે.
આ તસવીરોમાં પ્રિયંકા દરિયાકિનારે મજા કરતી જોવા મળી રહી છે. પ્રિયંકાએ તેના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે બિકીનીમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી. તેની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ તેના બીચ વેકેશનની કેટલીક નવી તસવીરો શેર કરી છે, જેમાં તે સુંદર ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે. બીજી એક તસવીરમાં પ્રિયંકા લાલ બિકીનીમાં રેતી સાથે રમતી અને ક્યારેક નિક સાથે મસ્તી કરતી જોવા મળે છે. એક તસવીરમાં પ્રિયંકા પતિ નિક અને પુત્રી માલતી મેરી સાથે બીચ પર ફરતી દેખાઈ છે, તો ક્યાંક તે બ્લેક મોનોકિનીમાં મરમેઇડના રૂપમાં જોવા મળી રહી છે. પ્રિયંકાએ એક ફેમિલી ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે આખા જોનાસ પરિવાર સાથે પોઝ આપતી જોઈ શકાય છે.
આ સુંદર તસવીરો શેર કરતી વખતે પ્રિયંકાએ તેના જન્મદિવસની સફરને અલવિદા કહ્યું. પોસ્ટમાં તેણે લખ્યું- ‘સ્વપ્ન, અત્યાર સુધીની સૌથી અદ્ભુત જન્મદિવસની સફરને બાય-બાય. સૌથી અદ્ભુત ઉનાળાનું વેકેશન.’ અભિનેત્રીની આ પોસ્ટ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી. એક યુઝર્સે લખ્યું,’કેટલી અદ્ભુત સફર. સુંદર ફોટો અને વિડિયોઝ, જન્મદિવસની શુભેચ્છાઓ.’ બીજાએ લખ્યું, ‘વાહ, તે ખૂબ જ સુંદર લાગે છે.’ તે જ સમયે, કેટલાક અભિનેત્રીને તેના જન્મદિવસ પર અભિનંદન આપતા જોવા મળ્યા.
આ પહેલા પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો, જેણે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. આ વીડિયોમાં પ્રિયંકા તેના પતિ નિકના ખોળામાં બેઠી છે અને તેને ગળે લગાવી રહી છે. આ વીડિયોમાં પ્રિયંકાએ બેકગ્રાઉન્ડમાં જોનાસ બ્રધર્સના નવા ટ્રેક ‘આઈ કાન્ટ લૂઝ’ ની ધૂનનો ઉપયોગ કર્યો છે. વીડિયોમાં, નિક પહેલા એકલો ઊભો જોવા મળે છે અને પછી જેમ જેમ સંગીત વધુ જોરથી વાગે છે, પ્રિયંકા દોડતી આવે છે અને નિકના હાથમાં કૂદી પડે છે અને ત્યારબાદ બંને એકબીજાને ચુંબન કરે છે.
મુંબઈઃ વર્ષ 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં લગભગ 19 વર્ષ બાદ આજે બોમ્બે હાઇકોર્ટે નીચલી કોર્ટે દોષિત ઠેરવેલા તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ વિસ્ફોટમાં 189 લોકોનાં મોત થયાં હતાં અને 800થી વધુ લોકો ઘાયલ થયા હતા. વર્ષ 2015માં નીચલી કોર્ટે આ 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જેમાંથી પાંચને ફાંસીની અને બાકીના આઠને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ન્યાયમૂર્તિ અનિલ કિલોર અને ન્યાયમૂર્તિ શ્યામ ચાંડકની ખંડપીઠે જણાવ્યું હતું કે આરોપીઓને દોષિત સાબિત કરવા પ્રોસિક્યુશન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. કોર્ટે પ્રોસિક્યુશનના લગભગ તમામ સાક્ષીઓનાં નિવેદનોને અવિશ્વસનીય ગણાવ્યાં છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે વિસ્ફોટ પછી લગભગ 100 દિવસ બાદ પણ ટેક્સી ડ્રાઈવર અથવા અન્ય લોકોને આરોપીઓને યાદ રાખવાનું કોઈ યોગ્ય કારણસ નથી.
મામલો શો હતો?
મુંબઈમાં 11 જુલાઈ 2006એ વિવિધ લોકલ ટ્રેનોમાં સિલસિલાવાર રીતે બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં 189 લોકો મોત થયાં હતાં અને 824 લોકો ઘાયલ થયા હતા. મકોકા કાયદા હેઠળ ચાલેલી લાંબી કાર્યવાહી બાદ ઓક્ટોબર 2015માં સ્પેશિયલ કોર્ટે પાંચ આરોપીઓને ફાંસીની અને સાતને આજીવન કેદની સજા ફટકારી હતી.
ફાંસીની સજા મેળવનાર આરોપીઓમાં કમાલ અન્સારી, મોહમ્મદ ફૈઝલ અતાઉર રહેમાન શેખ, એહતેશામ કૂતુબુદ્દીન સિદ્દીકી, નવીદ હુસેન ખાન અને આસિફ ખાનનો સમાવેશ થતો હતો. આ તમામને ટ્રેનમાં બોમ્બ લગાવવાના દોષી ઠેરવવામાં આવ્યા હતા.
“મારી ઉંમર 19 વર્ષની છે. મને સમજણ આવી ત્યારથી જ હું અમારા મોંઘા માલ એટલે કે પશુઓને મારી આસપાસ જોઉં છું. છેલ્લાં 11 વર્ષથી તો ડેરી સાથે એક કે બીજી રીતે સંકળાયેલી છું. મારા મમ્મી-પપ્પા, મોટી બહેનો બધાંની આંગળી પકડીને હું ડેરીએ જતી ત્યારથી જ નાની-મોટી જવાબદારીઓ સંભાળી છે. ધીમે-ધીમે મોટી જવાબદારીઓ પણ મળી. તમે કહી શકો કે મને મારી ઉંમર કરતાં વધુ અનુભવ છે. ભવિષ્યમાં પણ મારું ધ્યેય તો અમારી સરહદ ડેરીને ઊંચા આયમો પર લઈ જવાનું છે અને અમારા કચ્છની આન-બાન-શાન સમાન ઊંટના દૂધના ફાયદાઓ ઘરે-ઘરે સુધી પહોંચાડવાનું છે.”
આ શબ્દો છે કચ્છ જિલ્લાના, માંડવી તાલુકાના મમાયમોરા ગામના વતની મીરલબેન રબારીના…
19 વર્ષીય મીરલબેન રબારી 2009થી એટલે કે સહરદ ડેરીની સ્થાપના થઈ ત્યારથી ડેરી ક્ષેત્રમાં કાર્યરત છે. હાલમાં તેઓ માંડવીના વીરાયતન ઈન્સ્ટિટ્યૂટમાંથી BCAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સાથે-સાથે સહકારિતા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. તેમના પરિવાર પાસે ચાલીસથી પચાસ ગાયો-ભેંસો છે, જ્યારે 10 જેટલાં ઊંટ છે. 6 ભાઈ-બહેનોમાં મીરલબેનનો ત્રીજો નંબર, મોટાં બે બહેનોમાંથી એક MBA છે જ્યારે બીજા એક બહેન CAનો અભ્યાસ કરી રહ્યા છે. મીરલબેનથી નાના ભાઈ-બહેનો પણ શાળામાં અભ્યાસ કરે છે. પિતા આશાભાઈ રબારી ઊંટના દૂધની મંડળીના ચેરમેન છે. મંડળીનું નામ શ્રી માકપટ વિસ્તાર ઊંટ ઉછેરક માલધારી મંડળી છે. આ મંડળી સરહદ ડેરીમાં દૂધ ભરાવે છે. જ્યારે મીરલબેન પોતાના ગામ મમાયમોરાની ડેરીમાં કામ કરે છે. ગામના દરેક લોકો દૂધ ભરાવવા આવે તેનું ક્લેક્શન મીરલબેન કરે છે, સાથે જ તેની સાચવણી અને દૂધ આગળ ડેરીમાં ભરવા જેવું છે કે નહીં તે દરેક વાતની ચકાસણી મીરલબેન કરે છે.
હાલમાં જ મીરલબેને દેશના સહકારિતા મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેઓ કહે છે, “મને તો આગલા દિવસે રાત્રે ફોન આવ્યો કે, સવારે મારે સહકારિતા સંવાદ માટે અમિત શાહને મળવા માટે અમદાવાદ જવાનું છે. કોઈ પણ પ્રકારની તૈયારી તો કરવા મળી જ ન હતી. તેમ છતાં મનમાં ખૂબ જ ઉત્સાહ હતો. વળી, વર્ષોનો અનુભવ કામ લાગ્યો. મારા પિતા આમ તો શિક્ષક છે, પરંતુ અમારો પરંપરાગત વ્યવસાય માલનું ધ્યાન રાખવાનો, તેનો ઉછેર કરવાનો છે. તે તો અમે યથાવત રાખ્યો જ છે. આ જ અનુભવ પરથી મેં એમની સમક્ષ અમારા પ્રદેશની વાત મૂકી હતી, જે બધાંને ખૂબ પસંદ આવી. સાથે જ ઊંટના દૂધને ક્લિનિકલ ટ્રાયલ બાદ માન્યતા મળે તો તેનાથી ઊંટના પાલકોને ફાયદો થાય તે અંગે પણ મેં રજૂઆત કરી હતી.”
ઊંટના દૂધ અંગેની જાગૃતતા અંગે મીરલબેન વાત કરે છે, “ઊંટડીનું દૂધ અનેક રીતે ગુણકારી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં ખનીજતત્વો હોય છે, જે આરોગ્ય સુધારવામાં સહાયરૂપ થવાની સાથે-સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આયુર્વેદના અનેક પુસ્તકોમાં, ચરકસંહિતામાં ઊંટડીના દૂધના ફાયદાઓ અંગે વર્ણવ કરવામાં આવ્યું છે. કેમલ મિલ્કમાં ઈન્સ્યુલીન જેવું પ્રોટીન મોટી માત્રામાં હોય છે, જે રક્તમાં સુગરનું પ્રમાણ મેનેજ કરે છે. આથી જે લોકોને ડાયાબિટિસ હોય તેમના માટે તો ઊંટડીનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત મંદબુદ્ધિના બાળકો ઉપર પણ કેમલ મિલ્કને લઈને રિસર્ચ કરવામાં આવી રહી છે. જેમાં સારું પરિણામ મળી રહ્યું છે. આમ જો ક્લિનિકલ ટ્રાયલમાં કેમલ મિલ્કના ફાયદાઓ અંગે રિસર્ચ કરીને તે સાબિત કરવામાં આવે તો, ઊંટનો ઉછેર કરતાં લોકોને ખૂબ જ ફાયદો થશે. સાથે-સાથે ઊંટનું દૂધ જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચશે.”
પોતાના વિસ્તારના સંગઠન વિશે વાત કરતા મીરલબેન જણાવે છે કે, “કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ઊંટ ઉછેરને પ્રોત્સાહન મળે તે માટે 2011થી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ચરિયાણ વિસ્તારના સંરક્ષણની કામગીરી, ઊંટના દૂધની બજાર વ્યવસ્થાની કામગીરી, ઓલાદ સુધારણા અને સંગઠન મજબૂતીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર, પશુપાલન વિભાગ, અમૂલ સંસ્થા, સરહદ ડેરી, નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જીનેટિક અને અન્ય સરકારી તેમજ બિન સરકારી વિભાગો સાથે સંકલન કરી કચ્છમાં ઊંટ પાલન વ્યવસાયને મજબૂત કરવામાં આવી રહ્યો છે. અમારા દ્વારા અત્યાર સુધીમાં 6 ઊંટ મેળાનું તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.”
ધીમે-ધીમે લોકોમાં હવે કેમલ મિલ્કને લઈને જાગૃતતા વધી છે. તેનું જ પરિણામ છે કે એક સમયે કચ્છમાં જ્યાં ઊંટની સંખ્યા 2017માં માત્ર 7,000 આસપાસ હતી. તે હવે વધીને 12,500 જેટલી થઈ ગઈ છે. ઊંટની ખારાઈ પ્રકારની પ્રજાતિ માત્ર કચ્છમાં જોવા મળે છે. ખારાઈ ઊંટને દેશની અલગ ઊંટ ઓલાદ તરીકે ભારતીય કૃષિ અનુંસધાન પરિષદ અંતર્ગત વર્ષ 2015માં માન્યતા પણ પ્રાપ્ત થઈ છે. આ ખારાઇ ઊંટની વિશેષતા એ છે કે તે સમગ્ર ભારતમાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના વિસ્તારમાં જ જોવા મળે છે. ખારાઇ ઊંટ દરિયાઇ ખાડીમાં તરી શકે છે, દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા ફકત ખારાઇ ઊંટમાં જ છે અન્ય કોઇ ઊંટમાં નથી. દરિયાઇ ખાડીમાં થતા ચેરિયા(Mangroves ) વનપસ્પતિના પાંદડા એ ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત દરીયાકાંઠાની ખારી જમીનમાં થતા લાણો, ખારીજાર,પીલુડી જેવી વનસ્પતિનું ખારાઈ ઊંટ ચરીયાણ કરે છે. મુખ્યત્વે દરિયાઇ પ્રદેશની ક્ષારવાળી વનસ્પતિ જ તેમનો આહાર હોવાથી તે ખારાઇ તરીકે ઓળખાય છે.”
ઊંટના દૂધને વધારે લોકો સુધી પહોંચાડવા માટે કેવાં પ્રકારના પ્રયત્નો કરવાં જોઈએ તેવાં પ્રશ્નના જવાબમાં મીરલબેન કહે છે કે, “ઊંટડીના દૂધને ભારત સરકારના ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા આપવામાં આવી છે. ઊંટ ઉછેરકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં સરહદ ડેરીના ચેરમેનને સૂચન કર્યું હતું અને સરહદ ડેરીએ ઊંટડીના દૂધનું કલેક્શન શરૂ કર્યું હતું. શરૂઆતમાં અમને દૂધનો ભાવ પ્રતિ લિટરે 20 રૂપિયા મળતો હતો. જે આજે પ્રતિ લીટર 50 રૂપિયા જેટલો મળી રહ્યો છે. મેં અમિતભાઈ સાથેની વાતચીતમાં પણ જણાવ્યું હતું કે, ઊંટ એક એવું પ્રાણી છે કે તે રોજનું ઓછામાં ઓછું વીસેક કિલોમીટર ચાલે છે. એવામાં દૂધ ભરાવવાના સમયે પાછું પોતાના મૂળ સ્થળ પર ન પણ આવે. આથી સરહદ ડેરીએ એક ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી આપી છે કે ઊંટને એક યુનિક કોડ નંબર આપેલો હોય છે. પરિણામે કચ્છના કોઈ પણ ખૂણેથી ઊંટનું દૂધ કોઈ પણ સ્થળે ડેરીમાં ભરાવી શકીએ છીએ. અમારી ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુંબલનો અમને ડગલેને પગલે ખૂબ જ સપોર્ટ મળ છે. તેઓ હંમેશા પશુપાલકોની ખૂબ જ ચિંતા કરીને તેમને ફાયદો કેવી રીતે પહોંચે તે વિશે વિચારતા હોય છે.”
મીરલબેન સવારે વહેલાં ઉઠીને સાડા છ વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા સુધી તેઓ ડેરી પર કામ કરે છે. ત્યાર બાદ તેમના પશુઓની દેખભાળમાં સમય વીતાવે છે. લગભગ બારેક વાગ્યે ઘરે આવીને ભણવામાં સમય આપે છે. થોડોક સમય ઘરકામમાં વીતાવ્યા બાદ ફરી સાંજે છ વાગ્યાથી લઈને રાત્રીના 10 વાગ્યા સુધી ડેરી પર દૂધનું કલેક્શન કરવાનું તેમજ બીજા કામ કરી રહ્યા છે. ગામની ડેરીમાં 160 જેટલાં પશુપાલકો સવાર-સાંજનું મળીને લગભગ સાડા ચાર હજાર લીટર જેટલા દૂધનું ક્લેકશન મીરલબેન કરે છે. મીરલબેને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેની તાલીમ પણ લીધેલી છે. NDDBમાંથી તેમણે ડેરી માટેની તાલીમ પણ લીધેલી છે. મીરલબેનના જીવનમાં તેમની માતા અને બહેનોનો ફાળો પણ ખૂબ મોટો છે. મીરલબેનના માતા જલીબેન આશાભાઈ પણ પશુપાલન સાથે જોડાયેલા છે. તેઓ ડેરીમાં નિયમિતપણે દૂધ ભરાવે છે. સાથે જ ગામના પશુપાલકો સાથે મળીને અનેક સરકારી મીટિંગ અને તાલીમોમાં ભાગ પણ લે છે.
ઊંટના દૂધમાં છુપાયેલી તાકાતને આખા દેશ સુધી પહોંચાડવાનો મીરલબેનનો દ્રઢ સંકલ્પ માત્ર કચ્છ માટે નહીં, પણ સમગ્ર ભારત માટે એક નવી દિશા દર્શાવે છે — અહીં પરંપરાગત વ્યવસાય પણ નવી ટેકનોલોજી અને સંશોધન સાથે જોડાઈ રહ્યા છે. મીરલબેનની યાત્રા દર્શાવે છે કે પરિવર્તન લાવવાનું મન હોય તો સરહદના ગામડાથી લઈને દેશના મુખ્ય મંચ સુધી પોતાની વાત પહોંચાડી શકાય છે. આ એક યુવતીએ ઊંટના પગલાં પર ચાલીને સંસ્કૃતિ બચાવવાની, તેને આગળ લઈ જવાની તેમજ દેશમાં ગૌરવ મેળવવાની યાત્રા હજુ ચાલુ છે.
મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારાસમાચાર સાંભળવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.
નવી દિલ્હીઃ આજથી શરૂ થનાર સંસદનું મોન્સુન સત્ર ભારે ઘમસાણભર્યું રહેવાની અપેક્ષા છે, કારણ કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન વિવિધ વિવાદાસ્પદ મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરશે. રવિવારે થયેલી સર્વપક્ષી બેઠકે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસુ સત્રમાં રાજકીય પારો વધવાની આશંકા છે. ચોમાસુ સત્રમાં સરકાર 16 બિલ રજૂ કરશે.
New Delhi: Proceedings of the House underway in Lok Sabha during the Winter Session of Parliament on Tuesday, December 17, 2024. (Photo: IANS)આ ચોમાસુ સત્ર ઓપરેશન સિંદૂર બાદનું પહેલું સત્ર છે. આ સત્રમાં તાજેતરના સરહદી સૈનિક અભિયાન અંગે ચર્ચા થઈ શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો દાવો કર્યો હતો.
વિપક્ષનો આરોપ છે કે બિહારમાં મતદાતા યાદીનું વિશેષ ઊંડાણપૂર્વક સમીક્ષા બંધારણવિરોધી છે અને આને કારણે પછાત અને હાંસિયે રહેલા મતદાતાઓ તેમના મતાધિકારથી વંચિત થઈ શકે છે. આ સાથે ઇન્ડિયા ગઠબંધન પહેલગામ હુમલાના શહીદો માટે ન્યાયની માગ કરશે, શોકપ્રગટ કરશે અને આ હુમલાથી નિપટવામાં સરકારના વલણ પર સવાલ ઉઠાવશે. આ ઉપરાંત અન્ય ગંભીર મુદ્દાઓમાં કાનૂન અને વ્યવસ્થા, અનુસૂચિત જાતિઓ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને મણિપુરમાં ચાલી રહેલું સંકટ સામેલ છે.
કયા કયા બિલ રજૂ થઈ શકે છે? સરકાર આ મોન્સુન સત્રમાં 16 બિલ રજૂ કરી શકે છે. આ યાદીમાં મર્ચન્ટ શિપિંગ બિલ, ઈન્ડિયન પોર્ટ્સ બિલ 2025, તટિય નૌવહન વિધેયક, નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ, નેશનલ એન્ટિ-ડોપિંગ સંશોધન બિલ, મણિપુર GST બિલ, IIM સંશોધન બિલ અને ટેક્સેશન સંશોધન બિલની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. અહીં પણ સરકારની પ્રાથમિકતા આયકર વિધેયક રહેશે, જે લાંબા સમયથી પેન્ડિંગ છે.
આ સાથે સંસદ મણિપુરમાં લાગુ કરાયેલા રાષ્ટ્રપતિ શાસનને વિસ્તૃત કરવા માટે મંજૂરી માગતા પ્રસ્તાવ પર પણ ચર્ચા કરશે, જેને બંધારણના અનુચ્છેદ 356 (1) હેઠળ 13 ફેબ્રુઆરી, 2025એ લાગુ કરાયું હતું.