Home Blog Page 753

મૂન ડેઃ આ છે ચંદ્ર સાથે જોડાયેલી રસપ્રદ વાતો…

20 જુલાઈ એટલે ચંદ્ર દિવસ(મૂન ડે). આ દિવસ અવકાશ સંશોધનની સૌથી ઐતિહાસિક અને પ્રેરણાદાયી સિદ્ધિ, ચંદ્ર પર પ્રથમ માનવ ઉતરાણની ઉજવણી કરે છે.

આ દિવસે વિજ્ઞાન અને માનવીય મહત્વાકાંક્ષાનો નવો અધ્યાય ખૂલ્યો. 1969માં એપોલો 11 મિશનની આ સફળતાએ ચંદ્રના રહસ્યોને ઉજાગર કર્યાની સાથે-સાથે, માનવજાતીની અનંત શક્યતાઓને પણ દર્શાવી.

 

તો, ચાલો આજે જાણીએ ચંદ્ર સાથે જોડાયેલી રસપ્રદ વાતો… 

ચંદ્ર, પૃથ્વીનો ઉપગ્રહ

ચંદ્ર એ ગ્રહ નથી, પરંતુ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. સૌરમંડળમાં પાંચમો સૌથી મોટો ઉપગ્રહનું સ્થાન ધરાવે છે. એની સપાટી ખડકાળ છે અને રેગોલિથ નામની ધૂળથી ઢંકાયેલી છે. (રેગોલિથ ચંદ્ર, મંગળ જેવા ગ્રહો અથવા ઉલ્કાઓની સપાટી પર જોવા મળતી એક ખાસ પ્રકારની ધૂળ છે)  આ ખડકાળ રચના એનું પૃથ્વી સાથેનું અનોખું બંધન ચંદ્રને વૈજ્ઞાનિકો માટે શોધનું મુખ્ય કેન્દ્ર બનાવે છે.

પૃથ્વીથી ચંદ્રનું અંતર

ચંદ્ર પૃથ્વીથી સરેરાશ 384,400 કિલોમીટર દૂર છે. એની ભ્રમણકક્ષા અંડાકાર હોવાથી, આ અંતર 356,500 કિમી (નજીકનું બિંદુ, પેરિજી)થી 406,700 કિમી (દૂરનું બિંદુ, એપોજી) સુધી બદલાય છે. આ નજીકનું અંતર ચંદ્રને પૃથ્વીનો સૌથી નજીકનો ખગોળીય પદાર્થ બનાવે છે, જે અવકાશ મિશનો માટે સુલભ છે.

ચંદ્રનું કદ

ચંદ્રનો વ્યાસ આશરે 3,474 કિલોમીટર (347,400,000 સેન્ટિમીટર) છે, જે પૃથ્વીના વ્યાસના લગભગ એક-ચતુર્થાંશ જેટલો છે. આ કદ ચંદ્રને સૌરમંડળના અન્ય ઉપગ્રહોની તુલનામાં નોંધપાત્ર બનાવે છે. એના આકર્ષક દેખાવને કારણે આકાશમાં એક અદભૂત દ્રશ્ય રજૂ કરે છે.

ચંદ્ર પર પાણીની હાજરી

નાસાનું લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) અને ભારતના ચંદ્રયાન-1 મિશનએ ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં, ખાસ કરીને કાયમી શેડોવાળા ખાડાઓમાં, બરફના સ્વરૂપમાં પાણી શોધ્યું છે. એ ચંદ્ર અથવા અન્ય ગ્રહોની સપાટી પર આવેલા એવા ખાડાઓ છે જેમાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી. ત્યાં અત્યંત ઠંડું તાપમાન હોય છે, જે બરફના સ્વરૂપમાં પાણીને સ્થિર રાખવા માટે અનુકૂળ હોય છે. જોકે, ચંદ્રનું અત્યંત પાતળું વાતાવરણ પ્રવાહી પાણીને અસ્તિત્વમાં રહેવા દેતું નથી, પરંતુ આ બરફ ભવિષ્યના મિશનો માટે સંસાધન તરીકે ઉપયોગી થઈ શકે છે.

શું ચંદ્ર પર રહી શકાય?

ચંદ્રની સપાટી પર હવા, પાણી કે ખોરાક નથી. ચંદ્રનું તાપમાન -173 સેલ્સિયસથી 127 સેલ્સિયસ સુધી બદલાય છે. સૌર રેડિયેશનનું ઊંચું સ્તર પણ જોખમી છે. ભવિષ્યમાં, ચંદ્ર પર રહેલા બરફનો ઉપયોગ પાણી, ઓક્સિજન અને બળતણ ઉત્પન્ન કરવા માટે થઈ શકે, જે ચંદ્ર પર સ્થાયી વસવાટ કરવાનું કદાચ શક્ય બનાવશે.

ચંદ્ર પર જમીન ખરીદવાની શક્યતા

1967ની આઉટર સ્પેસ ટ્રીટ(Outer Space Treaty) અનુસાર, ચંદ્ર કે અન્ય અવકાશી પદાર્થો કોઈ દેશ કે વ્યક્તિની માલિકીના નથી. ચંદ્ર પર જમીન ખરીદવી કાયદેસર રીતે અશક્ય છે. કેટલીક ખાનગી કંપનીઓ ચંદ્રની જમીનના પ્રમાણપત્રો વેચે છે, પરંતુ આ પ્રમાણપત્રો ફક્ત પ્રતીકાત્મક છે. એ કોઈ કાનૂની માન્યતા ધરાવતા નથી.

ગુરુત્વાકર્ષણ

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના 1/6 જેટલું છે, જેના કારણે ત્યાં ચાલવું કે ઊંચા કૂદકા મારવું સરળ છે. આ ઓછું ગુરુત્વાકર્ષણ અપોલો મિશનના અવકાશયાત્રીઓએ અનુભવ્યું હતું,  જેમણે ચંદ્રની સપાટી પર હળવાશથી ચાલવાના દ્રશ્યો રેકોર્ડ કર્યા. આ લક્ષણ ભવિષ્યના અવકાશ મિશનોની ડિઝાઇન માટે મહત્વનું છે.

સપાટી પર ખાડા

ચંદ્રની સપાટી ઉલ્કાઓની અથડામણથી બનેલા લાખો ખાડાઓથી ઢંકાયેલી છે, જેનું કદ થોડા મીટરથી લઈને 2,500 કિમી (જેમ કે સાઉથ પોલ-એટકેન બેસિન) સુધીનું હોય છે. ચંદ્રનું પાતળું વાતાવરણ આ ખાડાઓને નષ્ટ થતા અટકાવે છે, જેના કારણે એ લાખો વર્ષો સુધી જળવાઈ રહે છે, અને ચંદ્રના ભૂતકાળનો ઇતિહાસ દર્શાવે છે.

પૃથ્વી સાથેનો ટાઇડલ લોક

ચંદ્ર પૃથ્વી સાથે ટાઇડલી લોક્ડ (tidally locked) છે, એટલે કે આપણે હંમેશાં એની એક જ બાજુ જોઈ શકીએ છીએ. એની બીજી બાજુ, જેને ડાર્ક સાઇડ કહેવાય છે, એ 1959માં સોવિયેત યુનિયનના લૂના-3 મિશન દ્વારા પ્રથમ વખત જોવામાં આવી. આ લક્ષણ ચંદ્રની શોધખોળને વધુ રોમાંચક બનાવે છે.

ચંદ્રની ઉત્પત્તિ

જાયન્ટ ઇમ્પેક્ટ હાયપોથેસીસ (Giant Impact Hypothesis) જે એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. એના અનુસાર, ચંદ્રની રચના 4.5 અબજ વર્ષ પહેલાં પૃથવી અને મંગળ જેવા ગ્રહની અથડામણથી થઈ હતી. આ અથડામણથી ઉડેલો કાટમાળ ભેગો થઈને ચંદ્ર બન્યો. આ સિદ્ધાંત ચંદ્ર અને પૃથ્વીની રચનાત્મક સામ્યતાઓને સમજાવે છે.

ચંદ્ર વિશે આ પણ છે જાણાવા જેવુ…

 

-ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી લગભગ 3.8 સેન્ટિમીટર દૂર જઈ રહ્યો છે, જે ભવિષ્યમાં પૃથ્વીની ભરતી અને દિવસની લંબાઈ પર અસર કરી શકે છે.

-અપોલો મિશન (1969-1972) દરમિયાન 12 અવકાશયાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો અને 382 કિલો ખડકો પૃથ્વી પર લાવ્યા.

-આ મિશનોના પગલાંના નિશાન અને સાધનો હજુ પણ ચંદ્રની સપાટી પર જળવાયેલા છે, જે ચંદ્ર દિવસની ઉજવણીને યાદગાર બનાવે છે.

-નીલ એલ્ડન આર્મસ્ટ્રોંગ એપોલો 11 મિશન હેઠળ 20 જુલાઈ 1969ના રોજ પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂક્યો હતો.

-2008માં ચંદ્રયાન-1 ભારતનું પ્રથમ ચંદ્ર મિશન હતું, જે ભ્રમણકક્ષામાં અને પાણીના અણું શોધવામાં સફળ રહ્યું જ્યારે 2019માં ચંદ્રયાન -2 વિક્રમ સોફ્ટ લેન્ડિંગના પ્રયાસમાં અસફળ રહ્યું પણ ઓર્બિટર સફળ રહ્યુ.

ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર દેશો

2025 સુધીમાં, ફક્ત પાંચ દેશોએ જ ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ (નિયંત્રિત અને સુરક્ષિત ઉતરાણ) કર્યું છે.

-યુનાઇટેડ સ્ટેટ્સ: સર્વેયર 1 (1966) , પ્રથમ સોફ્ટ લેન્ડિંગ અને અપોલો 11 (1969) – પ્રથમ માનવ મિશન.

-સોવિયેત યુનિયન (રશિયા): લૂના 9 (1966) – વિશ્વનું પ્રથમ સફળ સોફ્ટ લેન્ડિંગ.

-ચીન: ચાંગ’એ 3 (2013) – રોવર સાથે સફળ સોફ્ટ લેન્ડિંગ.

-ભારત: ચંદ્રયાન-3 (2023) – રોવર સાથે દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ.

-જાપાન: સ્લીમ (2024) – પરફેક્ટ ઉતરાણ સાથે સફળ લેન્ડિંગ.

હેતલ રાવ

૨૦ જુલાઈ ૨૦૨૫

સંઘર્ષ નામની આગમાં મજબૂત બનતો માનવી

આ પૃથ્વી પરના દરેક કાળા માથાના માનવીને બહેતર જીવન જીવવાની અભિલાષા હોય છે. ગરીબ માનવી અથાગ મહેનત કરીને પરિવારને શક્ય એટલાં સુખ આપવાનો પ્રયાસ કરે છે, ધનસંપત્તિમાં આળોટતો તવંગર પૈસાથી શક્ય એટલાં સુખ મેળવવાના પ્રયાસ કરે છે, પરંતુ સારું જીવન જીવવા દરેક સારી ચીજવસ્તુમાંથી કંઈ ને કંઈ પ્રેરણા લેનારા બહુ ઓછા હશે.

ઝેમ મધમાખી બધાં ફૂલોમાંથી થોડું થોડું મધ ભેગું કરી લે છે તેમ માણસ પણ એના સંપર્કમાં આવતી વ્યક્તિ કે વસ્તુમાંથી પ્રેરણા લઈ શકે.

અરે, મામૂલી ચાની પડીકી પાસેથી પણ પ્રેરણા મેળવી શકાય. પાતળી દોરીથી ગરમ પાણીમાં ઝબકોળીને તમે ચા બનાવો છો તે ટી બૅગ પહેલી શીખ એ આપે છે કે આપણી અંદર જે છે તેનું મૂલ્ય છે. બહારથી તો ચાની પડીકી સાધારણ દેખાય, પણ એની અંદરનું તત્ત્વ માણસને તાજગી આપે છે. કિંમત આ અંદરના તત્વની છે. જેગ્વાર કે આઉડી કે રૉલ્સ રૉયસ કે બે દિવસ પહેલાં મુંબઈમાં આવી પહોંચેલી 60 લાખ રૂપિયાની ટેસ્લા હોય- પરંતુ તેમાં પેટ્રોલ જ ન હોય તો? બ્રાન્ડેડ કંપનીનો નવોનક્કોર સ્માર્ટ ફોન ખિસ્સામાં હોય, પરંતુ તેની બૅટરી ઝીરો ટકા હોય તો? અથવા એમાં સીમકાર્ડ જ ન હોય તો?

યાદ રહે, ફુગ્ગાને આકાશમાં એના લાલ-લીલા, પીળા રંગ નથી ઉડાડતા, પરંતુ તેની અંદર ભરવામાં આવેલા ગૅસ ઉડાડે છે. એવી જ રીતે જીવનમાં પ્રગતિ કરવી હોય તો આપણી અંદર શું છે તે વધારે અગત્યનું છે. જો આપણું જીવન શુભ વિચારોથી તરબતર હશે તો સુખ-શાંતિ પ્રાપ્ત થશે.

ટી બૅગ આપણને સંદેશ નંબર બે એ આપે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં, પડકારો આવે તો તેનો સામનો કરી લેવો. કેમ કે ટી બૅગને હૂંફાળા નહીં, પરંતુ ઊકળતા પાણીમાં નાખવામાં આવે ત્યારે જ ચા મજેદાર બને છે. તેમ કપરી પરિસ્થિતિમાં જ માણસની વિશેષતા ઊપસી આવે છે. વાંસળી વગાડવી બધાને ગમે, પરંતુ તેને કેટલાયે સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે. મધુર સૂર રેલાવતાં પહેલાં વાંસડીને વીંધાવું પડે છે. હીરાને ઘસીએ ત્યા૨ પછી જ તે ચમકે છે. આપણે બધાએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે સંઘર્ષના સમયમાં જેટલા મજબૂત બનીશુ તેટલા જ જીવનમાં આગળ નીકળી શકીશું, કારણ કે સંઘર્ષ માણસને પરિપક્વ બનાવે છે. જેમ માટીના ઘડાને નિખારવા તપાવવામાં આવે છે તેમ સંઘર્ષ નામની આગમાં તપી તપીને જ માણસ મજબૂત બને છે.

ટી બૅગ આપણને ત્રીજો સંદેશો એ આપે છે કે આપણું સારું અન્યને આપવું અને અન્યનું સારું આપણે ગ્રહણ કરવું. ટી બૅગ છિદ્રોવાળી હોય છે અને તેથી જ એની અંદર રહેલી ચાની ભૂકી-મસાલા ગરમ પાણીમાં ભળીને ચા બને છે. સ્વામી વિવેકાનંદ કહેતા, ઈફ યુ શૅર વન ગુડ થૉટ, યુ વિલ હૅવ ટુ ગુડ થૉટ્સઃ તમે એક સારો વિચાર બીજાને આપશો તો તે પણ તમને એક સારો વિચાર આપશે અને તમારી પાસે બે સારા વિચાર થઈ જશે. આપણે પણ પરિવારના સભ્યો સાથે કોઈ નવી વાત જાણી હોય તો શૅર કરીએ.

અમેરિકાના લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંનને અભ્યાસ કરવા કેટલો સંઘર્ષ કરવો પડતો? તેમની શાળા ૨૦ કિમી. દૂર હતી. ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે ચાલીને શાળાએ જવું પડતું. એટલું જ નહીં, તેમની પાસે પુસ્તકો ખરીદવાના રૂપિયા પણ નહોતા તો લાઈબ્રેરીમાં વાંચીને પછી પરીક્ષા આપે તેમ છતાં તેઓ કહે છેઃ ડિફિકલ્ટીઝ આર જેમસ્ટોન, એમ્બ્રેસ ડિફિકલ્ટીઝઃ સંઘર્ષ મારા માટે રત્ન સમાન છે. હું તેને આવકારું છું.

જો દરેક ચીજમાંથી સારું જોવાનો પ્રયાસ કરીએ તો આપણે પણ સારપથી છલકાઈ ઊઠીએ. દરેકમાંથી સારું શોધવાની આદત તમને પણ સારા બનાવે છે. આપણે ટી બૅગમાંથી મળતો બોધપાઠ જાણ્યો. હવે ચિંતન કરવાનો વારો આપણો છે કે સૂર્ય, ફૂલ, વૃક્ષ, ઘડિયાળ આદિમાંથી આપણને કયો સંદેશો મળી શકે છે?

-સાધુ જ્ઞાનવત્સલ દાસ (બી.એ.પી.એસ.)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

પદની દ્રષ્ટિએ માણસ નાનો હોઈ શકે, સલાહ નહીં

ખૂબ પ્રચલિત વાક્ય છે કે coming events cast their shadow. અર્થાત ભવિષ્યમાં કંઈક બનવાનું હોય તો તેનો અણસાર પહેલાથી જ આવી જાય છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રને આગળ શું થવાનું છે તેનો અણસાર આવી ગયો હતો. તેઓ જાણતા હતા કે પોતાના પુત્રો ઈર્ષ્યા અને ક્રોધથી ભરેલા છે અને અંતે એ વિનાશ જ કરશે. પરંતુ આ બધું જાણતા હોવા છતાં તેઓ ચૂપ હતા, કેમ? કારણ કે તેઓ વૃદ્ધ, અંધ અને અશક્ત એમ અનેક રીતે મર્યાદિત શારીરિક શક્તિઓવાળા હતા. તેથી તેમના મતનું વાસ્તવિક રીતે કોઈ મૂલ્ય જ નહોતું. (આદીપર્વ શ્લોક ૯૮) હા! પદ અને વયને કારણે એમની આમન્યા બધા જાળવતા.

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘ઘરડાં ગાડાં વાળે’. પણ ઘણીવાર અત્યારના સમયમાં ઘણી જગ્યાએ આ કહેવત કોઈ અનુસરતું જ નથી. કેટલીક વાર ઓર્ગેનાઇઝેશન કે કંપનીમાં પણ જેમની પાસે સત્તા નથી પણ અનુભવ અને વિઝન છે તેમની સલાહને અવગણવામાં આવે છે. અને સરવાળે નુકસાન તો કંપનીને જ જાય છે. આ બાબતનું ઉત્તમ ઉદાહરણ નોકિયા અને કોડાક કંપની છે. નોકીયા એક સમયે મોબાઈલ ઇન્ડસ્ટ્રી ટોચનું નામ હતી. પરંતુ તે સ્માર્ટફોન રિવોલ્યુશનને એડોપ્ટ કરવામાં નિષ્ફળ ગઈ.

ઘણા અનુભવીઓએ જુની ઓપરેટિંગ સિસ્ટમ છોડી નવી સિસ્ટમને સ્વીકારવા તેમને જણાવ્યું હતું પણ નોકિયાએ આ સલાહને અવગણી અને અંતે ટોચ પરથી નીચે પછડાઇ. કોડાક કંપનીના કિસ્સામાં પણ આવું જ થયું. ડિજિટલ કેમેરા મૂળ તો તેમણે શોધ્યા હતા. પરંતુ તેમનો મુખ્ય ધંધો કેમેરા ફિલ્મનો હતો એટલે ડિજિટલ કેમેરા તેમના બિઝનેસને નુકસાન પહોંચાડશે તે વિચારી ડિજિટલ કેમેરાને નજરઅંદાજ કર્યા અને અવગણ્યા. અંતે કંપનીને જ તાળાં વાગી ગયા.

નાની અમથી સલાહ પણ મોટી લાભ પહોંચાડી શકે છે. સલાહ આપનાર વ્યક્તિ ભલે નાનો હોય પણ એની સલાહ મોટી હોય શકે છે. સત્તાધારી સશક્ત વ્યક્તિ પાસેથી એ નથી આવી એમ વિચારી એને અવગણવામાં આવે તો કંપનીનો પણ મહાભારતના સામ્રાજ્યની જેમ વિનાશ થઈ શકે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 20/07/2025

રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસેથી જવાબ માંગ્યો

ભારતે 22 એપ્રિલે ઓપરેશન સિંદૂર હેઠળ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના માટે પાકિસ્તાન પર બદલો લીધો હતો. 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો.

આ પછી, ટ્રમ્પે ઘણી વખત પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધવિરામ અમેરિકાના કારણે થયો હતો. ટ્રમ્પે હવે શુક્રવારે કહ્યું છે કે આ યુદ્ધ દરમિયાન પાંચ ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી કે કયા દેશના ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતા.

કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછ્યો છે. રાહુલે પૂછ્યું, ‘મોદીજી, 5 વિમાનોનું સત્ય શું છે? દેશને જાણવાનો અધિકાર છે!’

તમને જણાવી દઈએ કે પાકિસ્તાને પણ ઘણી વખત દાવો કર્યો છે કે તેણે આ યુદ્ધ દરમિયાન ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. જોકે, ભારતે હંમેશા આ દાવાઓને નકારી કાઢ્યા છે.

ભાજપે રાહુલ ગાંધી પર હુમલો કર્યો

ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના રાષ્ટ્રીય સંયોજક અમિત માલવિયાએ વડા પ્રધાન મોદી દ્વારા લડાકુ વિમાનને થયેલા નુકસાનના પ્રશ્ન પર રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે.

માલવિયાએ x પર પોસ્ટ કરી હતી કે, ‘રાહુલ ગાંધીની માનસિકતા દેશદ્રોહી જેવી છે. ટ્રમ્પે તેમના નિવેદનમાં ન તો ભારતનું નામ લીધું, ન તો તેમણે કહ્યું કે તે પાંચ વિમાનો ભારતના છે. તો પછી કોંગ્રેસના રાજકુમારે તેમને ભારતનો કેમ માન્યા? તેમણે તેમને પાકિસ્તાનનો કેમ ન માન્યા? શું તેમને પોતાના દેશ કરતાં પાકિસ્તાન પ્રત્યે વધુ સહાનુભૂતિ છે? સત્ય એ છે કે પાકિસ્તાન હજુ ઓપરેશન સિંદૂરમાંથી બહાર આવ્યું નથી… પરંતુ રાહુલ ગાંધી પીડા અનુભવી રહ્યા છે! જ્યારે પણ દેશની સેના દુશ્મનને પાઠ ભણાવે છે, ત્યારે કોંગ્રેસ ચિડાઈ જાય છે. ભારત વિરોધી હવે કોંગ્રેસની આદત નથી રહી, તે તેની ઓળખ બની ગઈ છે. રાહુલ ગાંધીએ કહેવું જોઈએ – શું તે ભારતીય છે કે પાકિસ્તાનનો પ્રવક્તા?

 

હિમાચલમાં ભૂસ્ખલન અને પૂરથી ભારે તબાહી

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર ચાલુ છે. સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 230 થી વધુ રસ્તા બંધ છે. 81 પાવર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર અને 61 પાણી પુરવઠા સુવિધાઓ ખોરવાઈ છે. મંડી જિલ્લામાં 121, કુલ્લુમાં 23 અને સિરમૌર જિલ્લામાં 13  રસ્તા બંધ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ માટે નારંગી અને પીળી ચેતવણી જારી કરી છે.

રાજ્યમાં ચોમાસાને કારણે અત્યાર સુધીમાં 116 લોકોના મોત થયા છે. આમાંથી 68 લોકોના મોત સીધા ચોમાસાના વરસાદને કારણે થયેલી આફતોને કારણે થયા છે, જ્યારે 48 લોકોના મોત વરસાદ સંબંધિત અન્ય ઘટનાઓમાં થયા છે, જેમાં ખરાબ હવામાન અને દૃશ્યતાને જવાબદાર ઠેરવવામાં આવી છે. SEOC એ જણાવ્યું હતું કે લગભગ 199 લોકો ઘાયલ થયા છે જ્યારે 35 ગુમ છે.

આ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત છે

ચોમાસાના પ્રકોપથી મંડી, કાંગડા અને કુલ્લુ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત છે. માળખાગત સુવિધાઓ અને નુકસાનની દ્રષ્ટિએ આ જિલ્લાઓને સૌથી વધુ નુકસાન થયું છે. આજે, 19 જુલાઈના રોજ, ફક્ત મંડીમાં 153 રસ્તાઓ બંધ છે. કુલ્લુમાં 39 રસ્તાઓ બંધ છે. સિરમૌરમાં ભૂસ્ખલનને કારણે હેવના નજીક NH-707 બંધ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર આ સેવાઓને પુનઃસ્થાપિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે, ક્ષતિગ્રસ્ત માળખાઓનું બાંધકામ પણ ચાલુ છે.

રવિવાર માટે પણ વરસાદની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. રવિવાર સુધી રાજ્યના કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપતા પીળા રંગનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી 1220 કરોડનું નુકસાન

માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશમાં આ ચોમાસામાં 31 અચાનક પૂર, 22 વાદળ ફાટવાના અને 19 ભૂસ્ખલનના બનાવો બન્યા છે અને રાજ્યને 1,220 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. તેમને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાનું કહેવામાં આવ્યું છે. નદીઓ અને અન્ય જળ સ્ત્રોતો નજીક જોખમ ટાળવા માટે પણ કહેવામાં આવ્યું છે. NDRF, SDRF અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

CM યોગીની PM મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સાથે ખાસ મુલાકાત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 19 જુલાઈ, 2025 ના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય રસાયણ, ખાતર અને આરોગ્ય મંત્રી જય પ્રકાશ નડ્ડા સાથે નવી દિલ્હી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મુલાકાત માટે પાર્ટીના બંને ટોચના નેતાઓનો આભાર માન્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અંગે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના એક્સ હેન્ડલ પર લખ્યું, આજે મેં નવી દિલ્હીમાં વિશ્વના સૌથી લોકપ્રિય રાજકારણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત કરી અને તેમનું ભાવનાત્મક માર્ગદર્શન મેળવ્યું.  તમારો કિંમતી સમય આપવા બદલ પ્રધાનમંત્રી શ્રીનો હૃદયપૂર્વક આભાર.

પીએમઓએ ટ્વીટ કરીને મીટિંગની તસવીરો શેર કરી

પીએમઓ ઇન્ડિયા દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે ટ્વિટ દ્વારા માહિતી આપવામાં આવી છે. પીએમઓ ઇન્ડિયાના x હેન્ડલ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. મીટિંગ દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવાર 19 જુલાઈના રોજ દિલ્હી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. મુખ્યમંત્રીએ મીટિંગ માટે ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો છે.

મણિપુર હિંસા : મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી પર આકરા પ્રહાર કર્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કર્ણાટકના મૈસુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે મણિપુરમાં થયેલી હિંસા પર પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું, ‘વડાપ્રધાન 42 દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ એક પણ વખત મણિપુરની મુલાકાત લીધી નથી.’ મણિપુરમાં એક વર્ષથી વધુ સમયથી વંશીય હિંસા અને અસ્થિરતા ચાલી રહી છે, જેના પર વિપક્ષ કેન્દ્ર સરકારની ભૂમિકા પર સતત પ્રશ્નો ઉઠાવી રહ્યું છે.

મણિપુર હિંસા પર મોદીને ઘેર્યા

ખડગેએ કહ્યું કે દેશનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર એક વર્ષથી વધુ સમયથી હિંસા સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ વડા પ્રધાને ત્યાં જઈને લોકોનું દુઃખ વહેંચવાનું જરૂરી માન્યું નથી. તેમણે કહ્યું, ’42 દેશોની મુલાકાત લીધી, પરંતુ મણિપુરની મુલાકાત લેવાનું જરૂરી માન્યું નથી. શું મણિપુર ભારતનો ભાગ નથી?’

બંધારણ બદલવાનો પ્રયાસ કરવાનો આરોપ

કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને આરએસએસ પર બંધારણ બદલવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ‘ભાજપ અને આરએસએસ બંધારણ બદલવા માંગે છે, પરંતુ દેશના લોકો તેમને એવું કરવા દેશે નહીં.’ તેમણે લોકોને બંધારણનું રક્ષણ કરવા માટે સતર્ક રહેવાની પણ અપીલ કરી.

 

સન ઓફ સરદાર 2 ની રિલીઝ ડેટ લંબાવવામાં આવી

લીવુડના દમદાર અભિનેતા અજય દેવગન હવે એક્શન પછી કોમેડી અવતારમાં જોવા મળશે. અભિનેતાની ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ તાજેતરમાં આ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખર ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. હવે આ ફિલ્મ 25 જુલાઈએ સિનેમાઘરોમાં નહીં આવે. જાણો તેની નવી રિલીઝ ડેટ

‘સન ઓફ સરદાર 2’ ની નવી રિલીઝ ડેટ શું છે?

ખરેખર અજય દેવગન ફિલ્મ્સના ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાત કરવામાં આવી છે. આ અંગે એક પોસ્ટ શેર કરતા કહેવામાં આવ્યું છે કે ‘સન ઓફ સરદાર 2’ હવે 25 જુલાઈએ રિલીઝ થશે નહીં. તેની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. પોસ્ટમાં ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે અને લખ્યું છે કે, ‘જસ્સી પાજી અને ટોલી 1 ઓગસ્ટ 2025 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં જોવા મળશે..’