Home Blog Page 757

મેહુલકુમારે લેખનથી નિર્દેશક તરીકે તક મેળવી હતી!

અભિનેતા રાજકુમાર સાથે હિન્દી ફિલ્મો બનાવીને જાણીતા થયેલા નિર્દેશક મેહુલકુમારને કોઈ અનુભવ વગર પહેલાં ગુજરાતી ફિલ્મનું નિર્દેશન કરવાની તક મળી હતી. મેહુલકુમાર જ્યારે જામનગરથી મુંબઇ ફિલ્મોમાં નસીબ અજમાવવા આવ્યા ત્યારે કોઈ ઓળખાણ ન હતી. સૌથી પહેલાં સ્ટેજ માટે નાટક લખ્યા અને ભજવ્યા એ સાથે નિર્દેશિત પણ કર્યા. મેહુલકુમાર એક રોમેન્ટિક લવસ્ટોરીનું નાટક ‘જિગર અને અમી’ કરી રહ્યા હતા ત્યારે આમિર ખાનના પિતા અને નિર્માતા તાહિર હુસૈન જોવા માટે આવ્યા હતા. એમણે મેહુલકુમારને કહ્યું કે તારી પાસે કોઈ સારી વાર્તા હોય તો મારે ગુજરાતી ફિલ્મ બનાવવી છે. કેમકે એ સમયમાં ગુજરાતી ફિલ્મોનો દોર હતો.

મેહુલકુમાર બીજા દિવસે તાહિરની ઓફિસ પર ગયા અને એક વાર્તા સંભળાવી. એમને વાર્તા પસંદ આવી ગઈ પણ એમના માટે સવાલ એ હતો કે એનું નિર્દેશન કોણ કરશે? મેહુલકુમારે કહ્યું કે મેં આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સંવાદ જ નહીં ગીતો પણ લખ્યા છે. એટલે હું એને જેટલી સારી રીતે રજૂ કરી શકું છું એટલી બીજા કોઈ નિર્દેશક કાદાચ કરી શકે નહીં. અને મેં નિર્દેશન અંગેના જ નહીં એડિટિંગ, ફોટોગ્રાફી વગેરેના ઘણા પુસ્તકો વાંચ્યા છે. તાહિરે વિચાર કરવા માટે સમય લીધો અને પછી જવાબ આપવાનું કહ્યું. બીજા દિવસે તાહિરે કહ્યું કે આ વાર્તા નિર્દેશક નાસિર હુસૈનને સંભળાવીએ. નાસિરે વાર્તા સાંભળીને પૂછ્યું કે તું આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકે છે કે હું નિર્દેશન કરી શકીશ.

મેહુલકુમારે કહ્યું કે તમે કલાકારોને સાઇન કરો છો ત્યારે પરીક્ષા લો છો એમ મારા નિર્દેશનની પરીક્ષા લઈ લો. જો તમને યોગ્ય લાગે તો મને તક આપજો. નાસિરે તાહિરને મેહુલકુમારનો ટેસ્ટ લેવાનું સોંપ્યું. તાહિરે મેહુલકુમારને નવા કલાકારો આપ્યા અને થોડા દ્રશ્યોનું શુટિંગ કરવા કહ્યું. એમણે કલાકારો સાથે કેમેરામેન પણ નવો આપ્યો અને કહ્યું કે સફળ રહેશો તો કેમેરામેન આ જ રહેશે. મેહુલકુમારે ઈમોશનલ, હળવા, ડ્રામેટિક વગેરે બધા પ્રકારના દ્રશ્યોનું શુટિંગ કર્યું અને એ નાસિરને બતાવ્યું. એમને કામ ગમ્યું અને એક નહીં બે ફિલ્મ આપી. એમણે ગુજરાતી સાથે હિન્દીમાં ફિલ્મનું નિર્દેશન કરવાનું કામ સોંપ્યું.

મેહુલકુમારે ‘જનમ જનમના સાથી’ અને ‘ફિર જનમ લેંગે’ (૧૯૭૭) નું નિર્દેશન કર્યું. મેહુલકુમારે એક મુલાકાતમાં કહ્યું છે કે આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ હતી જેમાં હીરોએ પેન્ટ-શર્ટ પહેર્યા હતા. ક્યારેય સહાયક નિર્દેશક રહ્યા ન હોવા છતાં ફિલ્મ લેખન અને વાંચનથી એમણે સફળતા મેળવી હતી. એ પછી દાદા કોંડકેની ફિલ્મ ‘ચંદુ જમાદાર’ મળી. જે એમની મરાઠી ફિલ્મ ‘પાંડુ હવાલદાર’ (૧૯૭૫) ની રિમેક હતી.

આ એવો સમય હતો જ્યારે ગુજરાતીમાં સંપૂર્ણ કોમેડી ફિલ્મ વિશે કોઈએ વિચાર કર્યો ન હતો. પરંતુ મેહુલકુમારે દાદાને સમજાવ્યું કે ગુજરાતી દર્શકો અલગ છે. તે દ્વિઅર્થી સંવાદ પચાવી શકશે નહીં. એટલે મૂળ કથાનક એ રહેશે પણ સ્ક્રિપ્ટ અને સંવાદમાં ફેરફાર કરવો પડશે. દાદાએ મેહુલકુમારને એ માટે બધી જ છૂટ આપી દીધી. એ પછી અરૂણા ઈરાની સાથે ડબલ રોલમાં ‘કંચન અને ગંગા’ (૧૯૭૮) બનાવી એ પણ સફળ રહી અને ગુજરાતી ફિલ્મોના નિર્દેશક તરીકે મેહુલકુમારને એક પછી એક ફિલ્મો મળતી રહી.

ચંદન મિશ્રા હત્યાકાંડમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ

પટનાઃ બિહારમાં ચંદન મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે આ હત્યાકાંડમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલ ત્યાં જ પોલીસ ટીમ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. જોકે પોલીસ અધિકારીઓએ હજુ સુધી આ ધરપકડની પુષ્ટિ કરી નથી. જેલમાં બંધ ગુનેગાર શેરુસિંહે આ હત્યા માટે સુપારી આપી હતી.

આ હત્યાની ઘટના પછી તૌસીફ પટનાના ફુલવારીશરીફમાં આવેલા પોતાના ઘરે ગયો હતો. ત્યાંથી તે પોતાની બહેન, માતા અને પિતા સાથે ગયાજી ગયો અને બધાને ત્યાં ઉતાર્યા પછી પશ્ચિમ બંગાળ ભાગી ગયો. પોલીસે તૌસીફના પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી. શૂટરોને આશરો આપનારાઓ, બાઈક અને હથિયાર ઉપલબ્ધ કરાવનારા કેટલાક લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે અને તેમનાથી પૂછપરછ ચાલી રહી છે.

પોલીસે અગાઉ જણાવ્યું હતું કે તેણે આ હત્યાકાંડમાં સંડોવાયેલા કેટલાક શૂટરોની ઓળખ કરી છે. પોલીસે જણાવ્યુ હતું કે આ શૂટઆઉટને ફુલવારીશરીફનો રહેવાસી તૌસીફ ઉર્ફે બાદશાહ લીડ કરી રહ્યો હતો. તેના સાથી શૂટરોમાં મન્નુ, સુરજભાન અને ભિંડી ઉર્ફે બલવંતસિંહનાં નામ છે. હોસ્પિટલમાં ઘૂસેલા પાંચમો શૂટર કોણ છે તેની ઓળખ ચાલી રહી છે. એક શૂટર હોસ્પિટલની બહાર ઊભો હતો તેની ઓળખ પણ હજુ બાકી છે. અન્ય શૂટરો બક્સર જિલ્લાના છે. જેમાંથી મન્નુ બેલાઉર ગામનો અને બલવંતસિંહ લીલાધરપુર ગામનો છે. મુખ્ય શૂટર તૌસિફ ઉર્ફે બાદશાહે હત્યાનો વિડિયો પણ બનાવ્યો હતો. કુલ પાંચ નહીં, પરંતુ છ શૂટરો આવ્યા હતા. જેમાંથી પાંચ હોસ્પિટલે અંદર ઘૂસ્યા હતા અને એક બહાર ઊભો રહ્યો હતો. હત્યા પછી આ તમામ શૂટરો હથિયાર લહેરાવતા ફરાર થઈ ગયા હતા.

ગુલકંદ – ૧૯ જુલાઈ ૨૦૨૫

ભાતના ક્રિસ્પી પકોડા

આ વરસાદમાં કંઈક જુદા પ્રકારના ભાતના કુરકુરા પકોડા પણ અજમાવી લો!

 

સામગ્રીઃ

  • રાંધેલો ભાત 1 કપ
  • કાંદા 2
  • બટેટા 2
  • અજમો ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • હીંગ ½ ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 કપ
  • લીલા મરચાં 2-3
  • કસૂરી મેથી 1 ટે.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર અથવા ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • આદુ ખમણેલું 1 ટી.સ્પૂન
  • ચણાનો લોટ 1કપ

રીતઃ કાંદાને લાંબી ચીરીમાં સમારી લો. બટેટાને જાડી ખમણીમાં ખમણી લો.

રાંધેલા ભાતમાં કાંદાની સમારેલી લાંબી પાતળી ચીરી, જાડા ખમણેલા બટેટા, અજમો, હીંગ, જીરૂ, સમારેલી કોથમીર, સમારેલાં લીલા મરચાં, હળદર, ધાણાજીરૂ, લાલ મરચાં પાઉડર, કસૂરી મેથી મેળવી દો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ અડધો ઉમેરીને પાણી નાખ્યા વગર મિશ્રણ બાંધી લો. જો મિશ્રણ નરમ હોય તો બાકી રહેલો ચણાનો લોટ પણ મેળવી દો.

હવે કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. ભજીયાના મિશ્રણમાંથી નાની સાઈઝના ગોળ અથવા ચપટા ગોળા કરીને તેલમાં ભજીયા તળી લો.

આ ભજીયા લીલી ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

૧૯ જુલાઈ ૨૦૨૫

પંચાંગ 19/07/2025

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બાળકો માટે પ્રકાશ અને કલ્પનાનો મેળો

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશન અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર(NMACC)  “મ્યુઝિયમ ઇન રેસિડન્સ: લાઇટ એટેલિયર” નામની પ્રસ્તુતિ રજૂ કરવાના છે. “દાદૂ – ધ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ ઓફ કતાર” સાથે મળીને 19 જુલાઈથી 10 ઓગસ્ટ, 2025 સુધી આ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. આ ઇન્ટરએક્ટિવ પ્રદર્શની બાળકોને પ્રકાશ, છાંયો અને રંગોની દુનિયા સાથે જોડાવવાનો અને તેને અનુભવવાનો એક અદ્દભૂત અનુભવ પૂરો પાડે છે. તે પણ મનોરંજક અને શિક્ષાપ્રદ રીતે.18 જુલાઈના રોજ આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે, રિલાયન્સ ફાઉન્ડેશનની ‘એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA)’ પહેલ હેઠળ, મર્યાદિત સંસાધનો ધરાવતા સમુદાયોમાંથી આવેલા 100 બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. રિલાયન્સની ‘વી કેર’ નીતિ હેઠળ ESAનું ઉદ્દેશ્ય દરેક વર્ગના બાળકો માટે શિક્ષણ અને ખેલકૂદના સમાન અવસરો સુલભ કરાવવાનું છે – જેથી તેઓ મોટાં સપનાં જોઈ શકે અને પોતાની ક્ષમતા ઓળખી તેને પૂર્ણ કરી શકે.

આ પ્રસંગે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “NMACCમાં, અમારો ધ્યેય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને ખાસ કરીને બાળકો તથા યુવાનો માટે કલાને સરળતાથી ઉપલબ્ધ બનાવવો છે. ‘દાદૂ – ધ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ ઓફ કતાર’ સાથે મળીને અમે પ્રથમવાર ભારતમાં ‘લાઇટ એટેલિયર’ લઇને આવી રહ્યાં છીએ, જે અમારા વાર્ષિક ‘બચપન’ મહોત્સવનો વિશિષ્ટ ભાગ છે. અમે ઇચ્છીયે છીએ કે બાળકોને એવા અર્થપૂર્ણ અનુભવો મળે જે તેમની સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપે.”‘લાઇટ એટેલિયર’ કલાનું, વિજ્ઞાન અને ડિઝાઇન તત્વોનું અદભૂત મિશ્રણ છે, જે બાળકની કુતૂહલતા અને શોધખોળની ભાવનાને ઉજાગર કરે છે. આ પ્રદર્શન “મ્યુઝિયમ ઇન રેસિડન્સ”ના ભાગરૂપે રજૂ થયું છે – જેનો ઉદ્દેશ્ય પરંપરાગત જગ્યાઓને બાળકો માટે શીખવાની જીવંત જગ્યા બનાવવાનો છે.

મને લાગ્યું કે હવે હું મરવાની છું… કેન્સરના દિવસો વિશે મનીષા કોઈરાલાએ કરી વાત

બૉલિવુડની પીઢ અભિનેત્રી અને કેન્સર સર્વાઈવર મનીષા કોઈરાલાએ તાજેતરમાં લંડનમાં એક ખાસ કાર્યક્રમમાં પોતાના વિશે કેટલીક ખાસ વાતો શેર કરી હતી.’હિયર એન્ડ નાઉ 365′ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મનીષાએ જણાવ્યું કે જ્યારે તેણીને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તેણી કેવું અનુભવી રહી હતી.

 

મનીષા કોઈરાલાને 2012 માં કેન્સરનું નિદાન થયું હતું. તેણીએ તે ક્ષણને યાદ કરી જ્યારે તેણીએ પહેલી વાર આ સમાચાર સાંભળ્યા.”જ્યારે ડૉક્ટરે મને કહ્યું કે મને કેન્સર છે, ત્યારે મેં વિચાર્યું કે બસ, હું મરી જઈશ. પરંતુ ભગવાનની કૃપાથી, હું મરી ન ગઈ. મેં ફરીથી જીવવાનું શીખી લીધું,” તેણીએ કહ્યું. કેન્સરનું નિદાન થયા પછી તેણીએ જે જીવન જીવ્યું તે વિશે વાત કરતા મનીષાએ કહ્યું,”સ્થિતિસ્થાપકતા એ મોટી વાત નથી. તે ક્ષણે ક્ષણે લેવામાં આવતા નાના નિર્ણયોની શ્રેણી છે.” કોઈરાલા હિયર એન્ડ નાઉ 365 ના સ્થાપક મનીષ તિવારી સાથે વાતચીત કરી રહી હતી.

મનીષા કોઈરાલાને તાજેતરમાં બ્રેડફોર્ડ યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ તેમની દ્રઢતા, જીવનના અનુભવો અને સમાજમાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પદવીદાન સમારોહનો એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો. તેમણે લખ્યું,’આજે મને બ્રેડફોર્ડ યુનિવર્સિટી તરફથી માનદ ડૉક્ટરેટની પદવી મળી છે. હું અહીં શિક્ષણના પરંપરાગત માર્ગમાંથી આવતી વ્યક્તિ તરીકે નહીં,પરંતુ સખત મહેનત,નિષ્ફળતા,ખંત અને સેવા દ્વારા શીખેલી વ્યક્તિ તરીકે ઉભી છું.’

આ પ્રસંગે મનીષાએ તેમના સ્વર્ગસ્થ દાદી સુશીલા કોઈરાલાને પણ યાદ કર્યા. તેમણે તેમના જીવનને વધુ સારું બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એક ભાવનાત્મક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમણે લખ્યું,’માતા સુશીલા પ્રત્યે મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ, જેમણે મને ઉછેરી, મને જીવનના મૂલ્યો શીખવ્યા અને આજે હું જે છું તેનો પાયો આપ્યો.’

મનીષા કોઈરાલાના કામ વિશે વાત કરીએ તો, તે છેલ્લે સંજય લીલા ભણસાલીની નેટફ્લિક્સ સીરિઝ ‘હીરામંડી: ધ ડાયમંડ બજાર’ માં જોવા મળી હતી. તેણીએ સીરિઝમાં મલ્લિકા જાનની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે તેણીને ઘણી પ્રશંસા મળી. આ ભૂમિકાએ તેણીનું પડદા પર મજબૂત પુનરાગમન કર્યું.

બે નવોદિત તારલાથી ચમકતી સૈયારા

મોહિત સુરિએ ડિરેક્ટ કરેલી ફિલ્મો (આવારાપન,’ આશિકી-2હમારી અધૂરી કહાનીહાફ ગર્લફ્રેન્ડએક વિલન, વગેરે) તમે જોઈ હશે તો ખ્યાલ આવી જ ગયો હશે કે એ રમૂજ-બમૂજથી જરા દૂર રહે છે. હ્યુમર સાથે એને ખાસ લેણાદેણી નથી. સૈયારમાં ઓલમોસ્ટ એવો જ સીન છે. કવચિત એકાદ જોક આમતેમથી આવી ચડે છે. એક સીનમાં ફિલ્મનો હીરો અહાન પાંડે એક મોટા ગજાના પત્રકારની એટલા માટે ધોલાઈ કરે છે કેમ કે એ (પત્રકાર) નેપો કિડને સપોર્ટ કરે છે ને પ્રતિભાશાળી સ્ટ્રગલરની અવગણના. આ સીન જોઈને થયું કે વક્રતા આને જ કહેવાતી હશે? હવે આ જુઓઃ સંઘર્ષશીલ સિંગર ક્રિશ (અહાન પાંડે) જોશ નામના બૅન્ડનો હિસ્સો છે. જોશ ચલાવનાર કેવી (અલમ ખાન) વિદેશમાં રહેતા પિતાશ્રી પાસેથી અભ્યાસ માટે ફી મગાવ્યા કરે છે. એક સીનમાં બૅન્ડને પૈસાની જરૂર હોય છે ત્યારે ક્રિશ કહે છેઃ હજી …નું માસ્ટર્સ બાકી છે”. (એટલે હવે માસ્ટર્સના નામે પૈસા મગાવવામાં આવશે).

ઓકે, પહેલી વાત પહેલાઃ સૈયારાનો અર્થ થાય છે આકાશમાં ચમકતો એવો તારો, જે એક જગ્યાએ સ્થિર રહેતો નથી. બીજી વાતઃ આ ફિલ્મથી બે નવોદિત તારલા ટિન્સેલ અને ગ્લિસેરીનની દુનિયામાં ચમકતા થયા છે. નાયિકા અનિત પડ્ડા, જો કે આ પહેલાં રેવતી દિગ્દર્શિત સલામ વેન્કીમાં કામ કરી ચૂકી છે, જ્યારે અનન્યા પાંડેના કઝિન અહાન પાંડેનો આ ફિલ્મથી સિનેમાપ્રવેશ થયો છે. બન્ને વિશે પછી, પહેલાં આ વાંચોઃ

આશરે વીસ વર્ષથી ફિલ્મ બનાવનાર મોહિતની કથા કહેવાની એક પોતીકી છટા છે. રોમાન્સના કારુણ્ય સાથે સુરીલું સંગીત… સૈયારાનું પણ કંઈ એવું જ છેઃ પહેલા દૃશ્યથી ખ્યાલ આવી જાય છે કે અહીં મસ્તમજાની ઋજુ પ્રણયકથા જોવા મળવાની નથી. મતલબ, પ્રણયકથા હશે, પણ એમાં ચડાવઉતાર હશે.

વાણી બતરા (અનિત પડ્ડા) જર્નલિસ્ટ-કમ-રાઈટર-કમ-કવયિત્રી છે. એ તૈયાર થઈને કોર્ટમાં બેઠી છે. આજે એના રજિસ્ટર મેરેજ છે. પપ્પા-મમ્મી (રાજેશ કુમાર-ગીતા અગ્રવાલ) મીઠાઈનાં બે-ત્રણ બૉક્સ સાથે કોર્ટના પ્રાંગણમાં હાંફળાંફાંફળાં થઈને પ્રવેશે છે. મંગેતર મહેશનાં મમ્મી-પપ્પા પણ આવી પહોચ્યાં છે. બસ, મંગેતર આવે એટલે, ઢમક્યાં ને વર વહુના હાથ મળ્યા… પણ વરના બદલે એનો ફોન આવે છેઃ હું સેન ફ્રાન્સિસ્કો જાઉં છું, મારી વાટ ના જોઈશ. હું બીજી કોઈના પ્રેમમાં છું. ચાલ ત્યારે, આવજે.

બ્રેકઅપથી ઉદાસીની ખીણમાં ધકેલાઈ ગયેલી વાણીનો નવો પ્રવાસ શરૂ થાય છે. એ કોઈ મિડિયા કંપનીમાં લેખિકા તરીકે જોડાય છે. હીરો ક્રિશ (અહાન પાંડે) સંઘર્ષશીલ સિંગર છે. કપરું બાળપણ, માનું અવસાન, ડિપ્રેશનમાં શરાબને દોસ્ત બનાવનાર કૅરલેસ બાપ (વરુણ બદોલા)… ક્રિશને વાતે વાતે ગુસ્સે થવાની, સિગારેટો ફૂંકવાની, હેલ્મેટ વગર મોટરબાઈક દોડાવવાની જેવી ભમરાળી આદતો છે. સમજોને કે, કબીર સિંહ. વાણી ધીર-ગંભીર છે, નાનીનાની વાતો ડાયરીમાં ટપકાવે છે, રાતે સાડાઆઠ પછી કામ કરતી નથી, બૅડ વર્ડ્ઝ પ્રત્યે ઈતરાજી છે. કુદરત આ બન્નેને સાથે લાવે છે, વાણી-ક્રિશનો ભેટો થાય છે, બન્ને એકબીજા પ્રત્યે આકર્ષાય છે, પણ પ્યારની પગદંડી પર સ્પીડબ્રેકર પણ છે. કેમ કે દિલ તોડવામાં આપણા સંજયભાઈ (લીલા ભણસાલી) પછી મોહિત સુરિનો નંબર આવે છે. તો, શું વાણી-ક્રિશનો સંબંધ સ્પીડબ્રેકર ઈઝીલી વટાવી જશે?

કથા-પટકથા સંકલ્પ સદાનાનાં છે તથા સંવાદ લખ્યા છેઃ રોહન શંકરે. સંકલ્પનો સ્ક્રીનપ્લે જરા વધારેપડતી છૂટછાટ લે છે. જેમ કે એક પણ આલબમ રિલીઝ કર્યા વિના ક્રિશ દેશ-વિદેશમાં શો કરવા માંડે છે, એ ગમે ત્યારે શો કૅન્સલ કરે છે અને. ગમે ત્યારે ગાવા માંડે છે. એનો રજમાંથી સૂરજ બનવાની સફર આંખના પલકારામાં પૂરી થઈ જાય છે.

 સૈયારાને જીવંત રાખે છે એનાં નાયક-નાયિકા. અહાન-અનીત બન્ને સરસ છે. બન્ને ડિરેક્ટર પર વિશ્વાસ રાખી એને સમર્પિત થઈ ગયાં છેશીર્ષકગીત અને બીજાં ગીતો પણ ગણગણવાં ગમે એવાં છે. કથામાં ભલે નાવીન્ય ન હોય, પણ કૉન્ફ્લિક્ટ ચોંકાવી જાય છે, ખળભળાવી જાય છે, પ્રેક્ષકને ઈમોશનલ બનાવે છે. અને મોહિતની ઈમાનદારી, નિષ્ઠા પ્રત્યે બેમત નથી.

સૈયારાનો વિજય, જો કોઈ હોય તો તે એ કે આ ફિલ્મ આજની પેઢીને થિયેટર તરફ પાછી વાળશે, યંગ ઑડિયન્સ ફીલિંગ સાથે થિયેટરમાં પ્રવેશશે. કોઈ પણ જાતના મોટા વળવળાંક વિનાની, પણ ઈમાનદારીથી સર્જાયેલી સૈયારા વીકએન્ડમાં અનુભવી શકાય.

OICમાં મુસ્લિમ દેશો સામે કરગર્યું પાકિસ્તાન

નવી દિલ્હીઃ પાકિસ્તાને સાઉદી અરબના જેદ્દામાં આયોજિત ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC)ના 25મા સ્વતંત્ર સ્થાયી માનવાધિકાર પંચ (IPHRC)ના સેશનમાં ભારતમાં પર સિંધુ જળ સંધિને એકતરફી રીતે નબળી પાડવાનો આરોપ મૂક્યો છે. આ સેશન ‘જળનો અધિકાર’ વિષય પર કેન્દ્રિત હતું, જેમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ સૈયદ ફવાદ શેરે ભારતની નીતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

સૈયદ ફવાદ શેરે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભારત દ્વારા સિંધુ જળ સંધિના નિયમોને એકતરફી રીતે બદલવાનો પ્રયાસ પાકિસ્તાન માટે ગંભીર સંકટ ઊભું કરી શકે છે, જે પહેલેથી જ જળ સંકટનો સામનો કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે જળનો અધિકાર માત્ર કાનૂની નહિ, પરંતુ નૈતિક અને સામાજિક રીતે પણ મહત્વનો છે, અને ભારતનો કઠોર અભિગમ દક્ષિણ એશિયામાં પહેલેથી જ રહેલી જળવાયુ સંબંધિત પડકારોને વધારે ગંભીર બનાવી શકે છે.

OIC અને આંતરરાષ્ટ્રીય મંચો પર ટેકોની અપેક્ષા

ફવાદ શેરે એ પણ યાદ અપાવ્યું હતું કે OICના વિદેશ મંત્રીઓ પહેલેથી જ ભારતના નિર્ણયને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. એ સાથે જ વિશ્વના અનેક દેશો અને સંસ્થાઓએ સિંધુ જળ સંધિને ચાલુ રાખવાની અપીલ કરી છે. તેમણે પુનરાવર્તન કર્યું હતું કે પાકિસ્તાન પોતાના જળ અધિકારોની રક્ષા માટે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર સતત ઉઠાવતું રહેશે. સામે પક્ષે ભારતનું સ્પષ્ટ કહેવું છે કે જયાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદનો આધાર બંધ નહીં કરે, ત્યાં સુધી આ યોજનાઓ પૂર્ણ ગતિએ આગળ વધતી રહેશે.