Home Blog Page 771

બિહાર નહીં, દેશઆખામાં મતદારોની યાદીની સમીક્ષા થશે

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી પંચે હાલમાં મતદારોની યાદીનું ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ કર્યું છે, જેને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, પરંતુ એની વચ્ચે ચૂંટણી પંચે એક મોટું પગલું ભરીને દેશનાં તમામ રાજ્યોને પણ આવી જ તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે. પંચે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર મોકલીને કહ્યું છે કે તેઓ 1 જાન્યુઆરી 2026ને આધારે મતદારોની યાદી ફરી તપાસવાની તૈયારી શરૂ કરે, એટલે કે એ તારીખ સુધીમાં 18 વર્ષના થઈ ગયેલા તમામ નાગરિકોનાં નામ મતદારોની યાદીમાં હોવા જોઈએ.

બિહારમાં 2003ની મતદારોની યાદીને “પ્રમાણભૂત આધાર” માનીને પંચે નક્કી કર્યું છે કે એ યાદીમાં જેમનાં નામ હતાં, તેમને જ અસલ ભારતીય નાગરિક માનવામાં આવશે. બાકીના તમામ લોકોને પોતાની નાગરિકતા અને ઉંમર સાબિત કરવાની રહેશે, ભલે તેમણે કેટલીય ચૂટણીઓમાં મતદાન કર્યું હોય. જેમનાં નામ 2003 પછી યાદીમાં ઉમેરાયાં છે, તેમને પણ ફરી દસ્તાવેજ આપીને સાબિત કરવું પડશે કે તેઓ ભારતીય નાગરિક છે. આ પગલાંથી આશરે 2.93 કરોડ લોકોને અસર પડી શકે છે.

આ નિર્ણય સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આવ્યો છે, જેમાં કોર્ટે આ પ્રક્રિયાને ચૂંટણી પંચનો અધિકાર ગણાવ્યો હતો, પરંતુ તેના સમયની ટીકા પણ કરી હતી.

બિહારમાં વિવાદ અને સુપ્રીમ કોર્ટનો ચુકાદોબિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સમીક્ષા હાથ ધરી છે, જેની સામે વિપક્ષી પક્ષો અને કેટલાક સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમનો દાવો હતો કે આ પ્રક્રિયાથી યોગ્ય નાગરિકોના મતાધિકારને અસર થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયાને ચૂંટણી પંચનો બંધારણીય હક ગણાવ્યો અને બિહારમાં તેને ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જો , કોર્ટે એવું પણ જણાવ્યું કે આવી પ્રક્રિયા દેશભરમાં હાથ ધરવી જોઈએ.

હવે રામ ગોપાલ વર્મા દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સંદીપ વાંગા વચ્ચેના વિવાદમાં કૂદી પડ્યા

રામ ગોપાલ વર્મા ઘણીવાર પોતાના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. તાજેતરમાં જ રામ ગોપાલ વર્માએ દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા વચ્ચેના વિવાદ પર કંઈક અલગ જ વાત કહી છે. જાણો દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ શું કહ્યું છે?

તાજેતરમાં, હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન રામ ગોપાલ વર્માએ કહ્યું,’હું કહી શકું છું કે હું 23 કલાક કામ કરવા માંગુ છું. એમ એક્ટર્સ કહી શકે છે કે તે ફક્ત એક કલાક કામ કરવા માંગે છે. આ તેનો નિર્ણય છે. પરંતુ એક વ્યક્તિ બીજા વ્યક્તિને કંઈક કરવા માટે કેવી રીતે દબાણ કરી શકે છે? અને તેઓ એકબીજા સાથે કામ કરવા કે ના કરવા અંગે સંમત થઈ શકે છે. પરંતુ આ વાતને પાછળથી મોટી બનાવીને કહેવામાં આવી છે.’ રામ ગોપાલ વર્માએ સંદીપ રેડ્ડી વાંગા અને દીપિકા પાદુકોણ વચ્ચેના વિવાદ અંગે આ નિવેદન આપ્યું છે.

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માં કામ કરતી વખતે દીપિકા પાદુકોણે માંગ કરી હતી કે તેણી ફક્ત 6 થી 8 કલાકનું શૂટિંગ કરે. તેનું કારણ એ હતું કે તે તેની પુત્રી દુઆને સમય આપવા માંગતી હતી અને આખો સમય શૂટિંગમાં રહેવા માંગતી ન હતી. આ પછી તેણીને ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બદલીને તૃપ્તિ ડિમરીને લેવામાં આવી. સંદીપ રેડ્ડીએ બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી જેમાં તેણે દીપિકા વિશે ખરાબ વાતો પણ કહી. આ પછી જ વિવાદ શરૂ થયો અને ઘણા લોકોએ દીપિકા પાદુકોણને ટેકો આપ્યો.

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણ એટલીના નિર્દેશનમાં ‘AA22xA6’ ફિલ્મ કરી રહી છે. તેમાં અલ્લુ અર્જુન મુખ્ય હીરોની ભૂમિકા ભજવી રહ્યો છે. દીપિકા પાદુકોણ પણ આ દિવસોમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

મુંબઈમાં ખૂલશે એલન મસ્કની ટેસ્લાનો પ્રથમ શોરૂમ

મુંબઈઃ ટેસ્લા ભારતમાં 15 જુલાઈ, 2025એ કંપનીનો પ્રથમ શોરૂમ મુંબઈમાં ખૂલશે. મુંબઈના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં સ્થાપિત થનારા આ નવા ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટરમાં અમેરિકન ઇલેક્ટ્રિક વાહન બ્રાન્ડનાં આગામી મોડેલ્સ પ્રદર્શન માટે રાખવામાં આવશે.

થોડા દિવસ પહેલાં એલન મસ્કના નેતૃત્વ હેઠળની આ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીને ક્ષેત્રીય પરિવહન કચેરી (RTO) તરફથી તેમનાં વાહનોનું પ્રદર્શન કરવાની, ટેસ્ટ ડ્રાઈવ ઓફર કરવાની અને વેચાણ શરૂ કરવાની ઔપચારિક મંજૂરી મળી છે. RTO અધિકારીઓ અનુસાર અંધેરી RTOએ આ વૈશ્વિક EV કંપનીને સત્તાવાર રીતે એક ‘ટ્રેડ સર્ટિફિકેટ’ આપ્યું છે.

ટેસ્લાને મળેલું ટ્રેડ સર્ટિફિકેટ શું છે?
ટેસ્લાને આપેલું ટ્રેડ સર્ટિફિકેટ કેન્દ્રીય મોટર વાહન નિયમોની કલમ 35 હેઠળ આપવામાં આવ્યું છે. આ નિયમો હેઠળ નિર્ધારિત શરતો મુજબ રજિસ્ટ્રેશન વગરનાં વાહનોને જાહેર રસ્તાઓ પર કાયદેસર રીતે ચલાવવાની મંજૂરી મળે છે. પાંચ વર્ષ માટે માન્ય હોય તેવું આ ટ્રેડ સર્ટિફિકેટ વાહનોના ડિસ્પ્લે, ડિલિવરી અને વર્કશોપ ઉપયોગ માટે અધિકૃત બનાવે છે.

ટેસ્લાના શોરૂમમાં કયા વાહનો હશે ડિસ્પ્લે પર?

ટેસ્લા મોડેલ Y
મોડેલ Y ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થનાર ટેસ્લાની પ્રથમ કાર હશે. આ ઇલેક્ટ્રિક ક્રોસઓવર માટે પેટન્ટ અને ટ્રેડમાર્ક પહેલેથી જ દેશમાં નોંધાયાં છે. આ ઉપરાંત મોડેલ Y ને છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન અનેક વાર જોવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે મોડેલ Yના બે મુખ્ય વેરિયન્ટ છે – લોન્ગ રેન્જ રિયર-વ્હીલ ડ્રાઈવ (RWD) અને લોન્ગ રેન્જ ઓલ-વ્હીલ ડ્રાઈવ (AWD).

મોડેલ Y પછી ટેસ્લાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર મોડેલ ત્રણ લાવવામાં આવશે એવી અપેક્ષા છે. આશા છે કે કાલના ઉદઘાન પ્રસંગે ટેસ્લા મુંબઈ શોરૂમમાં મોડેલ ત્રણનું એક ડિસ્પ્લે યુનિટ મૂકે. જોકે તેની વેચાણ પ્રક્રિયા વર્ષના અંતમાં શરૂ થવાની સંભાવના છે.

26 વર્ષીય ફેમસ મોડેલે આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં જણાવ્યું મૃત્યુનું કારણ

પુડુચેરીની પ્રખ્યાત મોડેલ સાન રશેલે આત્મહત્યા કરી હતી. તેણીએ 2022-2023 માં મિસ પુડુચેરી 2020, મિસ બેસ્ટ એટીટ્યુડ 2019, મિસ ડાર્ક ક્વીન તમિલનાડુ 2019 અને ક્વીન ઓફ મદ્રાસ જેવા ઘણા ખિતાબ જીત્યા હતા.

મોડેલ સાન રશેલેના મૃત્યુ પછી પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી છે, જેમાં તેણીએ તેના મૃત્યુ માટે કોઈને દોષી ઠેરવ્યા નથી. ભૂતપૂર્વ મિસ પુડુચેરી અને પ્રખ્યાત મોડેલે તેની યુવાનીમાં આત્મહત્યા કરીને બધાને ચોંકાવી દીધા હતા. સાન રશેલ ગાંધીએ 2025 માં 26 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણીએ કામ માટે પોતાના ઘરેણાં ગીરવે મૂક્યા હતા અને કિડનીની સમસ્યાને કારણે તેની સારવાર પણ ચાલી રહી હતી.

પુડુચેરીની પ્રખ્યાત મોડેલ સાન રશેલની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. પોલીસને શંકા છે કે તેણે ભારે દેવા અને તણાવને કારણે આ પગલું ભર્યું હશે. વરિષ્ઠ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે કારણ કે તેમને સાનના સાસરિયાઓ પર શંકા છે. જોકે, ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. તે જ સમયે, તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે સાન રશેલને તેના કામ માટે પૈસાની જરૂર હતી, જેના કારણે તેણે તેના ઘરેણાં ગીરવે મૂકવા પડ્યા.

પોતાની સ્પષ્ટવક્તા શૈલી અને પ્રતિભાના બળ પર, સાન રશેલ ઉર્ફે શંકર પ્રિયાએ પોતાના દેખાવની પરવા કર્યા વિના મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને પોતાની એક અલગ ઓળખ બનાવી. તે પુડુચેરીના કરમની કુપ્પમમાં રહેતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લા કેટલાક દિવસોથી કિડનીની સમસ્યાને કારણે જીપમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેણીએ તેના ઘરે મોટી માત્રામાં બ્લડ પ્રેશરની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી હતી. તેણીને પહેલા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ, બાદમાં તેણીને જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે પુડુચેરી પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે.

જ્યુસમાં મૂત્ર અને થૂંક મિલાવાના આરોપથી ભારે વિવાદ

ગાજિયાબાદ: ગાજિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ‘દિલ્હી જ્યુસ કોર્નર’ નામની દુકાનમાં ભારે હંગામો સર્જાયો હતો, જયારે એવી વાત ફેલાઈ કે ત્યાં ગ્રાહકોને આપવામાં આવતા જ્યુસમાં થૂંક ભેળવેલું છે. આ ઘટના સામે આવતાં જ આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ અને હિંદૂ સંગઠનોના કાર્યકરો પણ દુકાન પર પહોંચી ગયા હતા.

તહેવાર દરમિયાન કાંવડ લઈ જતા શ્રદ્ધાળુઓ માટે આ દુકાનમાંથી જ્યુસ આપવામાં આવી રહ્યો હતો. એવું કહેવામાં રહ્યું છે કે એક ગ્રાહકે દુકાન પર લગાવેલો QR કોડ સ્કેન કર્યો હતો, પરંતુ તેમાંથી માલિક કે કર્મચારીઓના નામની માહિતી સામે આવી ન હતી. આથી લોકોમાં શંકા ઉદભવી.

હિંદુ સંગઠનના સભ્યોનો આક્ષેપ છે કે આવા દુકાનોનાં નામ જાણીજોઈને હિંદુ નામ રાખવામાં આવે છે જેથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે. તેમના કહેવા મુજબ ‘દિલ્હી જ્યુસ કોર્નર’ નામ માત્ર છે, પરંતુ આશય હિંદુ ધર્મની ભાવનાને આઘાત પહોંચાડવાનો છે. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે દુકાનમાંથી એક બોટલમાં યુરિન મળ્યું છે. જોકે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પણ આ વાતે વાતાવરણને વધુ ભડકાવ્યું છે.

ખાદ્ય વિભાગે નમૂનાઓ એકત્ર કર્યા

પોલીસ ઘટનાસ્થળે પહોંચી એ સ્થિતિને નિયંત્રિત કરી અને ખાદ્ય સુરક્ષા વિભાગને જાણ કરી હતી. તેમની ટીમે દુકાનમાંથી જ્યુસ અને અન્ય પીણાંના નમૂનાઓ એકત્ર કર્યા છે, જેમની તપાસ બાદ જ સત્ય સામે આવશે.

સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો રોષ

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. લોકોની માગ છે કે જો આરોપ સાચા સાબિત થાય તો દુકાનમાલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુકાનો પર નજર રાખવામાં આવે, જે ખાદ્ય પદાર્થો અને ધાર્મિક લાગણીઓ બંને સાથે ચેડાં કરે છે.

MLC 2025: મુંબઈ ઈન્ડિયન્સે બીજી વાર જીત્યો ચેમ્પિયન્સ ઓફ એમએલસીનો ખિતાબ

MI ન્યૂ યોર્કની ટીમે મેજર લીગ ક્રિકેટ 2025 (MLC 2025)નો ખિતાબ જીત્યો છે. ફાઇનલ મેચ વોશિંગ્ટન ફ્રીડમ અને MI ન્યૂ યોર્ક વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, MI ન્યૂ યોર્કની ટીમે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વોશિંગ્ટન ફ્રીડમની ટીમ 5 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 175 રન જ બનાવી શકી હતી. આ રીતે, MI ન્યૂ યોર્કે 5 રનના નજીકના માર્જિનથી MSLIનો ખિતાબ જીત્યો.

એમઆઈ ન્યૂ યોર્કે 2025 મેજર લીગ ક્રિકેટ (એમએલસી) ટાઇટલ પોતાને નામ કર્યુ છે. આ વિજય મુંબઈ ઈન્ડિયન્સનું 13મું વૈશ્વિક સ્તરે મુખ્ય ટાઇટલ છે. MI ન્યૂ યોર્કે બીજી વખત આ ટાઇટલ જીત્યું. વર્ષ 2023 ની શરૂઆતમાં, MI ન્યૂ યોર્કે MLC ની પ્રથમ સીઝનનો ટાઇટલ જીત્યો હતો. 2024 માં, વોશિંગ્ટન ફ્રીડેનની ટીમ ચેમ્પિયન બની અને હવે MI ન્યૂ યોર્ક ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયનને માત આપી.

ડલ્લાસમાં રમાયેલી ફાઇનલ મેચમાં, વોશિંગ્ટન ફ્રીડમ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, MI ન્યૂ યોર્ક ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 180 રન બનાવ્યા. વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે ટીમ માટે સૌથી વધુ 77 રન બનાવ્યા. તેમની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો. તેમના સિવાય કોઈ બેટ્સમેન વધુ રન બનાવી શક્યો નહીં. MI ન્યૂ યોર્કે મેદનમાં પર શાનદાર પ્રદર્શન કર્યુ હતું.

આ અંગે નીતા અંબાણીએ કહ્યું,મુંબઈ ઇન્ડિયન્સ પરિવાર માટે ખરેખર કેટલી ખાસ ક્ષણ છે! MI ન્યૂ યોર્કે ત્રણ વર્ષમાં તેમની બીજી MLC ટ્રોફી જીતી એ ફક્ત મેદાન પરની જીત નથી, તે જુસ્સા, વિશ્વાસ અને ટીમવર્કનો ઉજવણી છે. ભારતમાં મહિલા પ્રીમિયર લીગથી લઈને દક્ષિણ આફ્રિકા અને હવે યુએસએમાં ચેમ્પિયનશિપ જીત સુધી, આ વર્ષે MIની ખંડોમાં અવિશ્વસનીય સફર એ એક શક્તિશાળી યાદ અપાવે છે કે રમત કેવી રીતે પુલ બનાવી શકે છે
અને સમગ્ર વિશ્વમાં આનંદ ફેલાવી શકે છે. અમે અમારા બધા ચાહકો,એમઆઈ પલ્ટનના ખૂબ ખૂબ આભારી છીએ. મારા દરેક ખેલાડી, કોચ, સમર્થક અને અમારા વૈશ્વિક એમઆઈ પરિવારના દરેક સભ્યને અભિનંદન!

આ જીત પર આકાશ અંબાણીએ કહ્યું, મુંબઈ ઈન્ડિયન્સ, અમારા બધા માટે આ એક નમ્ર અને ગર્વની ક્ષણ છે. એમઆઈ ન્યૂ યોર્કે આ વર્ષે ભારત, દક્ષિણ આફ્રિકા અને યુએસએમાં ટાઇટલ હેટ્રિકના ભાગ રૂપે તેમનું બીજું એમએલસી ટાઇટલ જીત્યું તે ખૂબ જ સંતોષકારક છે. હા, તે ટ્રોફી જીતવા વિશે છે, પરંતુ તે એક વૈશ્વિક ક્રિકેટ પ્લેટફોર્મ પણ છે, જે પ્રતિભાને ચમકવાની તક આપે છે અને ચાહકોને સ્વપ્ન જોવાનું કારણ આપે છે. આ સફળતા અમારી ટીમોમાં વર્ષોની શ્રદ્ધા,સંસ્કૃતિ અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. MI ન્યૂ યોર્કના દરેક ટીમ સભ્યને અભિનંદન જેમણે આ ક્ષણ શક્ય બનાવી.

કુલ 13 ચેમ્પિયનશિપ ટાઇટલ સાથે, મુંબઈ ઇન્ડિયન્સ વૈશ્વિક T20 લીગમાં સૌથી સફળ ફ્રેન્ચાઇઝ છે – જેમાં 5 IPL ટાઇટલ, 2 મહિલા પ્રીમિયર લીગ ટાઇટલ, 2 મેજર લીગ ક્રિકેટ ટાઇટલ, 2 ચેમ્પિયન્સ લીગ T20 ટાઇટલ અને ILT20 (MIઅમીરાત, 2024) અને SA20 (MI કેપ ટાઉન, 2025)નો સમાવેશ થાય છે.

 

સિગારેટ જેટલા જ ખતરનાક છે જલેબી, સમોસાં અને લાડુઃ આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ જલેબી, સમોસાં અને લાડુના શોખીનો હવે એલર્ટ થઈ જવાની જરૂર છે. હવે ખાવા-પીવાનું દરેક વસ્તુ પર વોર્નિંગ સ્લિપ લાગશે, જેમાં તે વસ્તુમાં શુગર  અને તેલની માહિતી આપેલી હશે. આરોગ્ય મંત્રાલયે દેશભરની તમામ કેન્દ્રીય સંસ્થાઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ દરેક ફૂડ આઇટમ પર તેલ અને ખાંડ વિશે સૂચક બોર્ડ લગાવે, જેથી નાસ્તામાં છુપાયેલી ચરબી અને ખાંડની સાચી જાણકારી મળી શકે.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
આરોગ્ય મંત્રાલયે એક આંતરિક રિપોર્ટ તૈયાર કર્યો છે, તેમાં ખુલાસો થયો છે કે વર્ષ 2050 સુધી ભારતમાં 44.9 કરોડ લોકો મોટાપા (જાડાપણા) અથવા વધેલા વજનની સમસ્યા ધરાવશે. એવામાં ભારત અમેરિકા પછી દુનિયાનો બીજો મોટાપાથી પીડિત દેશ બની જશે. હાલની સ્થિતિ જોઈએ તો ભારતમાં દરેક પાંચમાંથી એક વ્યક્તિ ઓવરવેઇટ છે. લોકો જન્ક ફૂડ (અપૌષ્ટિક ખોરાક)થી જાગરૂક રહે અથવા દૂર રહે, એ માટે જ આરોગ્ય મંત્રાલયે આ પગલું ભર્યું છે. શરૂઆતમાં આ નિયમ સરકારી સંસ્થાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. ફૂડ આઇટમ્સ પર લગાવેલી તેલ અને ખાંડની માહિતીથી લોકો સમજી શકે કે તેઓ કેટલું અનહેલ્ધી ખાઈ રહ્યા છે.

ભારતમાં કેટલા લોકો મોટાપાના શિકાર છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની 2024ની રિપોર્ટ અનુસાર ભારતમાં 60 ટકાથી વધુ લોકો મોટાપો અથવા વધેલા વજનથી પીડિત છે. જ્યારે 2030 સુધીમાં ડાયાબિટીસના કેસ 10 કરોડને પાર કરી શકે છે. એ જ કારણે આરોગ્ય મંત્રાલયે ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (FSSAI) સાથે મળીને નવી નીતિ બનાવી છે, જેના હેઠળ પેકેટવાળી ખાદ્ય વસ્તુઓ પર વોર્નિંગ લેબલ લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

લાડૂ-જલેબી અને સમોસાં સિગરેટ જેટલાં ખતરનાક કેમ?
એમ્સ નાગપુરના અધિકારીઓએ જણાવ્યું કે આરોગ્ય મંત્રાલય તરફથી તેમને આ સંબંધમાં આદેશ મળ્યો છે. ત્યાર બાદ કેમ્પસમાં આવેલા કાફે અને પબ્લિક જગ્યો પર વોર્નિંગ બોર્ડ લગાવવામાં આવશે. માત્ર સમોસાં-જલેબી અને લાડુ નહીં, પણ વડાપાંવ અને ભજિયાં પણ આ ચેકિંગની લિસ્ટમાં સામેલ રહેશે.

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા, નાગપુર બ્રાંચના ચીફ ડો. અમર આમલે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ખાંડ અને ટ્રાન્સફેટ આજના સમયમાં નવી સિગારેટ અને તમાકુ છે. ખાંડ અને તેલને કારણે આ ફૂડ આઇટમ્સ સ્મોકિંગ અને તમાકુ જેટલા જ ખતરનાક સાબિત થઈ રહ્યા છે. હવે જે ખોરાક જેટલો નુકસાનદાયક હશે, તેના પર તેટલી ગંભીર ચેતવણી આપવામાં આવશે. લોકોને માલૂમ  હોવું જોઈએ કે તેઓ શું ખાઈ રહ્યા છે.

 

 

 

 

શું ઝારખંડ કોંગ્રેસમાં ફરી આંતરકલહ શરૂ થયો?

રાંચીઃ શું ઝારખંડ કોંગ્રેસમાં બધું ઠીકઠાક ચાલી રહ્યું છે? આ પ્રશ્ન મહત્વનો છે, કારણ કે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ આજે ઝારખંડના તમામ કોંગ્રેસ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. આજે સાંજે ચાર વાગ્યે રાહુલ ગાંધી તેમની સાથે બેઠક કરશે. બેઠકનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. રાહુલ ગાંધી સાથે બેઠક માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી દિલ્હીની રવાના થઈ ચૂક્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાહુલ ગાંધી પાર્ટી કોટાના તમામ મંત્રીઓનો “રિપોર્ટ કાર્ડ” પણ જુએ એવી સંભાવના છે. પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક ધારાસભ્યો પ્રદેશ અધ્યક્ષથી નારાજ છે અને તેમને બદલવા માગે છે. તેનું એક મોટું કારણ એ છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને પ્રદેશ અધ્યક્ષ બંને પછાત વર્ગમાંથી આવે છે, જે જાતિવાદી સમીકરણના હિસાબે યોગ્ય માનવામાં નથી આવતું. તેથી કોઈ એક ને બદલવાની ચર્ચા ચાલી રહી છે.

એ સાથે જ ધારાસભ્ય દળના નેતા પ્રદીપ યાદવને મંત્રી બનાવવાની પણ ચર્ચા છે. રાહુલ ગાંધી સાથે બેઠકમાં આ મુદ્દો પણ ઊભો થઈ શકે છે અને ધારાસભ્યોની સંમતિ લેવામાં આવી શકે છે.

રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કેન્દ્રીય મહામંત્રી કે.સી. વેણુગોપાલ પણ ધારાસભ્યો સાથે મુલાકાત લેશે. રાહુલ ગાંધીની સામે ધારાસભ્યો કંઈ ન બોલે, પરંતુ વેણુગોપાલને પોતાની નારાજગી અને ફરિયાદો જણાવીને તેઓ પાછા ફરશે.
સોમવારે લગભગ ચાર વાગ્યે રાહુલ ગાંધી સાથે ધારાસભ્યોની બેઠક થશે. આ બેઠકમાં ઘોષણાપત્ર મુજબ કરવામાં આવેલાં કાર્યોનો રિપોર્ટ પણ લેવામાં આવશે. રાજ્ય કોંગ્રેસના પ્રભારી કે. રાજુ પણ ધારાસભ્યો સાથે હાજર રહેશે.

જાણીતા સાઉથ અભિનેતા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે અવસાન

પીઢ તેલુગુ અભિનેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે હૈદરાબાદમાં અવસાન થયું. શ્રીનિવાસ રાવનું 13 જુલાઈ, રવિવારના રોજ તેમના નિવાસસ્થાને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

કોટા શ્રીનિવાસ રાવના નિધન પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ શૉક વ્યક્ત કર્યો છે. મેગાસ્ટાર ચિરંજીવી, પવન કલ્યાણ, પ્રકાશ રાજ, વેંકટેશ દગ્ગુબાતી અને રાણા દગ્ગુબાતી સહિત તેલુગુ ફિલ્મ ઉદ્યોગની અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના નિધનથી માત્ર દક્ષિણ સિનેમા જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગને આઘાત લાગ્યો છે. તેમણે 1978માં ‘પ્રણમ ખારીડુ’ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1990ના દાયકામાં ભાજપમાં જોડાયા હતા અને 1999માં વિજયવાડા બેઠક પરથી આંધ્ર પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

ચિરંજીવીએ શ્રીનિવાસ રાવના પાર્થિવ દેહને લાલ ગુલાબનો હાર અર્પણ કર્યો અને અભિનેતાના ફોટાને શ્રદ્ધાંજલિ આપી. શોકપૂર્ણ કાર્યક્રમમાં અભિનેતાના પરિવારના સભ્યો પણ હાજર હતા. અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ કડક સુરક્ષા વચ્ચે દિવંગત અભિનેતાના ઘરે પહોંચ્યા. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યાં ચિરંજીવીએ ઉદ્યોગને થયેલા મોટા નુકસાન વિશે વાત કરી, અભિનેતા બ્રહ્માનંદમ પણ ભાવુક થઈ ગયા. તેમણે કોટા શ્રીનિવાસ રાવની લગભગ પાંચ દાયકાની નોંધપાત્ર કારકિર્દી પર પ્રકાશ પાડ્યો, જેના કારણે તેમને ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક તરીકે ઓળખ મળી. ખલનાયકથી લઈને કોમેડી સુધી, તેમણે દરેક ભૂમિકા સાથે દર્શકોના દિલ જીતી લીધા છે.

જુનિયર એનટીઆર, નાગા ચૈતન્ય, સામંથા, મહેશ બાબુ, વરુણ તેજ, વિષ્ણુ મંચુ, રવિ તેજા અને એસએસ રાજામૌલી જેવી હસ્તીઓ સહિત ટોલીવુડ ઉદ્યોગે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી.ઘણા લોકોએ તેમની પ્રતિભા અને સમર્પણની પ્રશંસા કરી. રાવના શાનદાર અભિનયએ લોકોના હૃદયમાં અમીટ છાપ છોડી છે. તેમનો વારસો ભવિષ્યની પેઢીઓના અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓને પ્રેરણા આપતો રહેશે અને ખાતરી કરશે કે સિનેમામાં તેમનું યોગદાન ક્યારેય ભૂલાય નહીં.

અમેરિકામાં ચૌદ ગામ પાટીદાર સમાજનો મેળાવડો યોજાયો

ન્યૂજર્સી: ગુજરાતીઓ, પછી એ ધરતીના કોઇપણ છેડે હોય એમને મળવા-મળવા અને ઉજાણી કરવામાં કોઇ ન પહોંચે. ગુજરાતીઓ જ્યાં જાય તો પોતાનો સમુહ, પોતાનો વર્ગ બનાવી જ લે અને સ્થાનિક પ્રજાની સાથે ભળી જઇને પણ પોતાનું ગુજરાતીપણું ન છોડે.

જૂઓ, હમણાં ગયા અઠવાડિયાની જ વાત. અમેરિકાના ન્યૂજર્સીમાં મૂળ મધ્ય ગુજરાતના ગોરેલ તથા જેસરવા ગામના  અને અમેરિકામાં વસતા હોય એવા ચૌદગામ પાટીદાર સમાજ દ્વારા એક સમર મેળવડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 500 કરતાં વધુ બાળકો, યુવાનો અને વડીલોએ ભાગ લીધો હતો.

પિકનિકમાં સૌએ મેથી, બટાકાના તેમજ મિક્ષ ભજીયા, જલેબી તેમજ ચા-કોફીનો સ્વાદ માણ્યો હતો. અનેક રમતો રમીને આનંદોત્સવ ઉજવ્યો હતો. દોરીમાં સિરિયલ પરોવણી, દોરડા ખેંચ, રીંગ ફેંગ, પગ બાંધીને દોડ કરવી જેવી અનેક રમતો નાના-મોટાં સૌએ ભેગા મળીને રમી હતી. વિજેતાઓને ઈનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 2024-25માં જે યુવાનોએ યુનિવર્સિટીમાંથી કોલેજ ડિગ્રી પ્રાપ્ત કરી હતી તેવા 13 વિદ્યાર્થીઓનું ખેસ પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.

પિકનિકમાં ફીલાડેલ્ફિયા, કર્નેટીક્ટ, નોર્થ કેરોલીના, ન્યૂયોર્ક, જેવા શહેરોમાંથી પણ જેસરવા ગામના વતનીઓ એવા ભાવેશ પટેલ, ગ્રીષ્માબહેન પટેલ, કલ્પેશભાઇ પટેલ, વૈશાલીબહેન પટેલ, સરોજબહેન પટેલ, હંસાબહેન પટેલ, ગીતાબહેન પટેલ અને ગોરેલ ગામના પંકજભાઇ પટેલ, જયશ્રીબહેન પટેલ, નિશાંત પટેલ, બિનીતીબહેન પટેલ, મિકી પટેલ સહિતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

કાર્યક્રમના અંતે અગ્રણી મણીભાઈ આર. પટેલ દ્વારા ગોરેલ અને જેસરવા પાટીદાર સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ વર્ષ 2026ની સમર પિકનિક ભાટીએલ પાટીદાર સમાજના આયોજન હેઠળ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જેને સૌએ તાળીઓથી વધાવ્યું હતું.