ભારતનો સૌથી મોટો જ્ઞાન-આધારિત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 17′ (KBC 17) નવી સીઝન સાથે પરત આવી રહ્યો છે. આ વખતે પણ આ શો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. આ નવી સીઝનની શરૂઆત કરતાં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન એક નવું અને મનોરંજક અભિયાન શરૂ કર્યું છે ,’જહાં અકલ હૈ, વહાં અકડ હૈ’. શોની રિલીઝ તારીખ અને તેનો પ્રોમો પણ સામે આવી ગયો છે.
‘કૌન બનેગા કરોડપતિ’નો પ્રોમો શરૂ થતાં જ એક એવો માણસ દેખાય છે જે પોતાના જ્ઞાનથી ત્યાં બેઠેલા બધાને આશ્ચર્યચકિત કરી દે છે અને નબળા હોવા છતાં પોતાની બુદ્ધિથી બધાનું દિલ જીતી લે છે. તેમાં અમિતાભ બચ્ચનની પહેલી ઝલક જોવા મળે છે. પ્રોમોની સાથે KBCની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ શો 11 ઓગસ્ટથી સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની ચેનલ પર શરૂ થઈ રહ્યો છે.
અગાઉ, અમિતાભ બચ્ચને શોના શૂટિંગની એક ઝલક આપી હતી. સલમાન ખાન હોસ્ટ બનશે તેવી અફવાઓ વચ્ચે બિગ બીએ તેમના બ્લોગ પર સેટ પરથી તસવીરો શેર કરીને પુષ્ટિ કરી હતી કે તેમણે શોની 17મી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
બુધવારે, અમિતાભ બચ્ચને KBC ખુરશી પર બેઠેલા પોતાના પડદા પાછળના (BTS) ફોટા પોસ્ટ કર્યા. તેઓ કમ્પ્યુટર સામે બેઠા છે અને વાતોમાં વ્યસ્ત છે. અભિનેતાએ લખ્યું,”કામ શરૂ થઈ ગયું છે… અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે…લોકો પાસે પાછા જવા માટે…જીવન અને આજીવિકાને વધુ સારી બનાવવાની તેમની ઇચ્છામાં તેમની સાથે રહેવા માટે…એક તક જે જીવન બદલી નાખે છે… એક કલાકમાં… મારો પ્રેમ અને આદર.”
‘કૌન બનેગા કરોડપતિ’ ની 16મી સીઝન આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ હતી. એપ્રિલમાં નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે સીઝન 17 માટે નોંધણી 14 એપ્રિલથી શરૂ થશે ત્યારબાદ ઓડિશન અને સ્પર્ધકોની પસંદગી થશે. નવી સીઝનનું 11 ઓગસ્ટના રોજ પ્રીમિયર થશે.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં તાજેતરમાં એક એવું બિલ પાસ થયું છે, જે રાજ્ય સરકાર અનુસાર વામપંથી ઉગ્ર સંગઠનોની કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લાવવા માટે લાવવામાં આવ્યું છે. વિપક્ષે આ બિલને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ બિલનું નામ મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી બિલ છે. CM ફડણવીસે જણાવ્યું છે કે આ બિલનો ઉપયોગ રાજકીય કાર્યકરો અથવા વિરોધ પ્રદર્શન કરનારા લોકો વિરુદ્ધ કરવામાં નહીં આવે, પરંતુ વિપક્ષ આ બિલના દુરુપયોગની આશંકા જતાં અવાજ ઉઠાવી રહ્યો છે.
વિપક્ષનો વિરોધ
NCP (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવાર, શિવસેના (UBT)ના ભાસ્કર જાધવ અને વરુણ સરદેસાઈ, તેમજ કોંગ્રેસના વિશ્વજિત કદમે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં રચાયેલી સમિતિનાં તમામ સૂચનો બિલમાં સામેલ નથી કરાયાં. તેમણે બિલમાં વપરાયેલા શબ્દો જેમ કે ‘વામપંથી ઉગ્રવાદ’ (Left Wing Extremism) અને ‘ગેરકાયદે પ્રવૃત્તિઓ’ (Unlawful Activities)ની વ્યાખ્યાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ જણાવ્યું કે વિપક્ષ તરફથી આ બિલને લઈ 12,000 સૂચનો અને અરજીઓ આપવામાં આવી હતી, પરંતુ તેમાં માત્ર ત્રણને જ સ્વીકારવામાં આવી. રોહિત પવારનું કહેવું છે કે વામપંથી ઉગ્ર વિચારધારાની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી અને જ્યારે પહેલેથી જ આ માટેના કાયદા હાજર છે, તો નવા કાયદાની જરૂર શી?
CM ફડણવીસનો જવાબ
વિપક્ષના પ્રશ્નોના ઉત્તરમાં CM ફડણવીસે જણાવ્યું હતું કે આ બિલ એવાં સંગઠનો વિરુદ્ધ છે જે લોકોને ભારતીય બંધારણ ઉખેડી ફેંકવા માટે ભડકાવે છે. આ દેશની આંતરિક સુરક્ષા માટે છે. આ બિલ ભાકપા કે માકપા જેવી વામપંથી રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ નથી. આપણા વિચારો અલગ હોઈ શકે, પરંતુ અમે તેમનું સન્માન કરીએ છીએ. આ એવાં સંગઠનો વિરુદ્ધ છે જેમનો ઉદ્દેશ દેશની સંસ્થાઓને નષ્ટ કરવો છે. આવાં તત્વોને કાયદાની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસ (World Population Day) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઉજવવાનો હેતુ વિશ્વમાં વસ્તી સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે. એવો અંદાજ છે કે 2025માં વિશ્વની વસ્તી 806.19 કરોડને વટાવી ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્રએ 1989માં આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી, પરંતુ 11 જુલાઈ 1990 ના રોજ સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત તે ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ વસ્તી દિવસ ઉજવવાનો હેતુ ફક્ત લોકોને વિશ્વની વસ્તીના આંકડાઓથી પરિચિત કરાવવાનો નથી, પરંતુ વધતી વસ્તીને કારણે લોકોને પડતી સમસ્યાઓ જાણવાનો અને તેના ઉકેલો શોધવાનો પણ છે. વિશ્વભરમાં હજુ પણ ઘણા દેશો છે જે ઘટતી વસ્તીથી પરેશાન છે અને વસ્તી વૃદ્ધિ ઇચ્છે છે. આ તે દેશોની સરકાર માટે પણ એક મોટો પડકાર છે. આપણે જાણીએ કે ભારતની વસ્તી શું છે અને આ દિવસનો ઇતિહાસ શું છે.
દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 11 જુલાઈ 1990 ના રોજ શરૂ થઈ હતી. વિશ્વ વસ્તી દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. 1989 માં સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. આ દિવસ ઉજવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે આ દિવસે એટલે કે 11 જુલાઈ 1987 ના રોજ વિશ્વની વસ્તીનો આંકડો 5 અબજને પાર કરી ગયો. આ દિવસ ઉજવવાનો સૂચન સૌપ્રથમ ડૉ. કે.સી. ઝકરિયાએ આપ્યું હતું.
આ વખતે વિશ્વ વસ્તી દિવસ 2025 ની થીમ યુવાનોને ન્યાયી અને આશાસ્પદ દુનિયામાં તેમની પસંદગીના પરિવારનું નિર્માણ કરવા માટે સશક્ત બનાવવાનો છે.
યુએન અનુસાર, 2025 માં ભારતની વસ્તી 1,463.9 મિલિયન થવાની સંભાવના છે. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ બની ગયો છે. અહેવાલો અનુસાર આગામી 40 વર્ષમાં આ વસ્તી 1.7 અબજ સુધી પહોંચી શકે છે.
હાલમાં, વિશ્વની વસ્તી લગભગ 8.2 અબજ છે. ભારત કદાચ સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ટોચ પર છે. ત્યારબાદ ક્રમશઃ ચીન, અમેરિકા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇજીરીયા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, રશિયા અને ઇથોપિયાનો ક્રમ આવે છે.
ભારતની વસ્તી (અંદાજિત) – 1.46 અબજ
ચીનની વસ્તી – 1.42 અબજ
સંયુક્ત રાષ્ટ્રની વસ્તી – 347 મિલિયન
ઇન્ડોનેશિયાની વસ્તી – 286 મિલિયન
પાકિસ્તાનની વસ્તી – 255 મિલિયન
નાઇજીરીયાની વસ્તી – 238 મિલિયન
બ્રાઝિલની વસ્તી – 213 મિલિયન
બાંગ્લાદેશની વસ્તી – 176 મિલિયન
રશિયાની વસ્તી – 144 મિલિયન
ઇથોપિયાની વસ્તી – 135 મિલિયન
નવી દિલ્હીઃ ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની નજીક પહોંચી ગઈ છે. પાર્ટીના વિશ્વસનીય સૂત્રોના હવાલાથી બહાર આવેલા મિડિયા રિપોર્ટ્સ મુજબ પક્ષ ન તો કોઈ મહિલાને અને ન તો કોઈ પછાત વર્ગ (OBC)ના નેતાને અધ્યક્ષ બનાવવાની યોજના ધરાવે છે. તેને બદલે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરના નામ પર મુહર લાગી ગઈ છે અને હવે ફક્ત સત્તાવાર જાહેરાત બાકી છે.
હરિયાણાના ભૂતપૂર્વ CM ખટ્ટર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના સાથીઓમાં ગણાય છે. આ ઉપરાંત તેમની પૃષ્ઠભૂમિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી જોડાયેલી છે, જે સામાન્ય રીતે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવે છે. RSS ને BJPની થિંકટેન્ક તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં મનોહરલાલ ખટ્ટર મોદી કેબિનેટમાં કેન્દ્રીય આવાસ, શહેરી કલ્યાણ અને ઊર્જા મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
ભાજપના એક વડા અનુસાર એ લગભગ 90 ટકા નક્કી છે કે ખટ્ટર જ પાર્ટીના આગામી અધ્યક્ષ બનવાના છે.
નડ્ડાનો કાર્યકાળ 2023માં જ પૂરો થયો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે JP નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી, 2023માં જ પૂરો થઈ ગયો હતો. ત્યાર બાદ તેમનો કાર્યકાળ લોકસભા ચૂંટણી 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી બાદ મોદી 3.0 સરકારમાં નડ્ડાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. ત્યાર બાદથી નડ્ડા કાર્યકાળ પૂરો થઈ ગયા પછી પણ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા રહ્યા, પણ હજુ સુધી પાર્ટીએ પોતાનો નવો અધ્યક્ષ જાહેર કર્યો નથી.
હવે ભાજપનાં સૂત્રો દાવો કરી રહ્યા છે કે મનોહરલાલ ખટ્ટરનું નામ આખરે ફાઈનલ થઈ ગયું છે અને આ જાહેરાત ત્યારે થશે જયારે PM મોદી વિદેશ યાત્રાથી પાછા ફરશે. ત્યાર બાદ પાર્ટી રાષ્ટ્રીય ચૂંટણી તારીખ જાહેર કરશે.
મોદીની ટીમમાં ખાસ સ્થાન ધરાવતા ખટ્ટર
મનોહરલાલ ખટ્ટર PM મોદીના સંઘ કાર્યકાળના દિવસોથી વિશ્વસનીય સાથી તરીકે ઓળખાય છે. મોદી પહેલી વખત PM બન્યા ત્યારથી જ ખટ્ટર તેમની ટીમનો ભાગ રહ્યા છે. હરિયાણામાં 2015માં ભાજપની જીત બાદ સ્થાનિક નેતાઓને કોરાણે મૂકી તેમને CM બનાવવામાં આવ્યા હતા.
71 વર્ષીય ખટ્ટર પાસે સંગઠન અને વહીવટી કામગીરીમાં અનેક દાયકાનો અનુભવ છે. હાલ તેઓ લોકસભામાં હરિયાણાની કરનાલ બેઠકમાંથી સાંસદ છે.
હાઈલ્લા… એક દિવસ આવું મહાભારત પણ છેડાશે એનો ખાસ અંદાજ નહોતો. દુનિયાના સૌથી ધનવાન માણસ અને દુનિયાના સૌથી શક્તિશાળી (અને સૌથી માથાભારે) માણસ વચ્ચેનું મહાભારત. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક. એક સમયના જિગરી દોસ્ત આજના જાની દુશ્મન. ત્યાં સુધી કે મસ્ક હવે પોતાનો રાજકીય પક્ષ સ્થાપવા નીકળ્યા છે. એ કહે છે કે “ટ્રમ્પના વિરોધીઓને હું પૈસેટકે મદદ કરીશ. બસ, એ ટ્રમ્પનો વિરોધી હોવો જોઈએ”.
ઓલરાઈટ, આપણી આ કોલમ કાંઈ ‘વૈશ્વિક રાજકારણના આટાપાટા’ની નથી. આ તો ટ્રમ્પ-મસ્કની દુશ્મની સુભાષ ઘાઈની ફિલ્મ ‘સૌદાગર’ યાદ અપાવે છે તેની વાત છે. બે અમેરિકન આખલાની લડાઈને તમે ધ્યાનપૂર્વક નિહાળો તો બધું ‘સૌદાગર’ની જેમ સેમ-ટુ-સેમ ચાલી રહ્યું છે. નોવેલિસ્ટ બ્લોગર અર્ણબ રે આમ કહે છે.
1991માં આવેલી ‘સૌદાગર’માં વીરુસિંહ (દિલીપ કુમાર) અને રાજેશ્વરસિંહ (રાજકુમાર)ની વાર્તા છે. બન્ને જિગરી દોસ્ત. મનાલીના રમણીય પહાડોની તળેટીમાં વસેલા ગામના બેઉ જાણે રાજ્જા. લીલાછમ્મ મેદાન, નદીકિનારે બન્ને જાણે ગરબા કરતા હોય એમ ગાયન ગાતા: “બે રાજૂ, ચલ બીરુ… તિનક તિનક તિન તારા… ઈમલી કા બુટા બેરી કા પેડ… ઈમલી ખટ્ટી મીઠે બેર… ઈસ જંગલ મેં હમ દો શેર, ચલ ઘર જલદી હો ગઈ દેર”…
પ્રેસિડેન્શિયલ ઈલેક્શનનાં પરિણામ આવ્યા બાદ ટ્રમ્પ-મસ્ક વ્હાઈટ હાઉસની હરિયાળી લૉન પર આ જ ગીત ગાતાઃ “ઈસ અમરીકા મેં હમ દો શેર”…
એલન મસ્ક એક સમયે ટ્રમ્પને દિલફાડ પ્રેમ કરતા. કહેતા કે “મને ટ્રમ્પ પર એટલો સ્નેહ છે, જેટલો એક સ્ટ્રેટ પુરુષને બીજા પુરુષ પર હોય.” આ તરફ ટ્રમ્પે પણ મસ્કને કાયદા બહારની શક્તિઓ આપી દીધી હતી.
‘સૌદાગર’ જોઈએ તો, બે દોસ્તની વચ્ચે આવ્યા ચાલાક ખેલાડીઓ. રાજેશ્વરસિંહનો સાળો, ખંધો લોભિયો ચુનિયા (અમરીશ પુરી), ચુનિયાનો સાથીદાર બલીરામ (ગુલશન ગ્રોવર). ટ્રમ્પ-મસ્કના કિસ્સામાં આપણે આ ભૂમિકામાં વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સ અને ટ્રમ્પના એડવાઈઝર સ્ટિવ બેનનને કલ્પી શકીએ. ચુનિયા-બલીરામ મળીને રાજેશ્વર-વીરુની મહાન મૈત્રીની પથારી કરે છે. રાજકુમારની સાથે દિલીપ તાહિલ છે, દિલીપકુમારના કૅમ્પમાં મુકેશ ખન્ના છે.
વીરુએ (એલન મસ્કે) ટ્રમ્પ પર ઈલ્ઝામ લગાવ્યો કે સેક્સ મામલામાં ફસાયેલા જેફ્રી એપ્સ્ટીનની ફાઈલો ટ્રમ્પે દબાવી દીધી, કારણ કે ટ્રમ્પ પોતે એમાં ફસાયેલા છે. કોઈ પણ જાતના પુરાવા વગર આવો આરોપ લગાડનાર મસ્ક પર ભડકતાં ટ્રમ્પે કહ્યું “હવે જો તને કેવો બનાવું છું, તારા બધા સરકારી કોન્ટ્રાક્ટની વાટ લગાડું છું, જોતો જા”. આમ કાદવઉછાળ પ્રવૃત્તિ ચાલુ થઈ.
વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતાં ઉત્પાદનો પર 35 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ 1 ઓગસ્ટ, 2025થી લાગુ પડશે અને અમેરિકામાં આયાત થતાં કેનેડિયન ઉત્પાદનો પર લાગુ પડશે. ટ્રમ્પે કહ્યું હતું કે આ નિર્ણય કેનેડા તરફથી મળતી જવાબી કામગીરી અને ચાલતાં વેપાર વિઘ્નો પ્રત્યેના પ્રતિસાદ રૂપે લેવામાં આવ્યો છે. ટ્રમ્પે એ પણ જણાવ્યું હતું કે તેઓ બાકીના વેપાર સહયોગીઓ પર પણ 15 ટકા કે 20 ટકાનો એકતરફી ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છે.
ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરેલા એક સત્તાવાર પત્રમાં ટ્રમ્પે ટેરિફમાં થયેલા મોટા વધારા પાછળનાં કારણો રજૂ કર્યાં અને કેનેડા પર મુખ્યત્વે ફેન્ટેનિલ નામની ઘાતક દવા અને અન્ય અનિચ્છનીય વેપાર નીતિઓ મુદ્દે સહકાર ન આપવાનો આરોપ મૂક્યો હતો.
અત્યાર સુધીમાં ટ્રમ્પે 22 દેશોને પત્ર મોકલીને નવા ટેરિફ દરોની રૂપરેખા આપી છે, જેમાં બ્રાઝિલ પરથી આયાત થતી વસ્તુઓ પર 50 ટકા ટેરિફ સામેલ છે. તેમણે તાંબાની આયાત પર પણ 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે 1 ઓગસ્ટથી લાગુ પડશે.
ફેન્ટેનિલ અને વેપાર ખાધ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ફેન્ટેનિલના પ્રવેશને અટકાવવામાં કેનેડાની નિષ્ફળતા પણ નવા ટેરિફ માટે જવાબદાર છે. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે જેમ કે તમને યાદ હશે, યુનાઈટેડ સ્ટેટ્સે અમારા દેશમાં ફેન્ટેનિલ સંકટથી લડવા માટે કેનેડા પર ટેરિફ લગાવ્યો હતો, જે આંશિક રીતે કેનેડાની દવાઓને રોકવામાં નિષ્ફળ ગયા હોવાને કારણે થયું હતું.
🚨BREAKING: Donald Trump imposed 35% tariffs on Canada besides the sectoral tariffs and transhipped goods will have even higher tariffs.
The letter brings up Canada’s failure to address fentanyl trafficking, Canada’s tariff retaliation and the dairy supply chain management… pic.twitter.com/3kF7qronXy
તેમણે ટ્રાન્સશિપમેન્ટ (અન્ય દેશ મારફતે માલ મોકલવો) દ્વારા ટેરિફ ટાળવાના પ્રયત્નો વિરુદ્ધ પણ ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે આ ઉચ્ચ ટેરિફથી બચવા માટે ટ્રાન્સશિપ થયેલા માલ પર પણ આ ઉચ્ચ દર લાગુ પડશે.
એક પ્રસંગ રાજપરિવારમાં મોટી થયેલ સીતા જ્યારે વનવાસી બની. ત્યાં તે સોનેરી મૃગના આકર્ષણમાં ફસાઈ ગઈ. પરિણામે અશોકવાટિકા (વાસ્તવમાં શોક વાટિકા)માં તેને કષ્ટનો સામનો કરવો પડ્યો. કવિ કાલિદાસના એક નાટક પ્રમાણે મહાતપસ્વી ઋષિ વિશ્વામિત્ર એક અપ્સરા પ્રત્યે આકર્ષિત થયાનું વર્ણન છે. આ બધા પ્રસંગોમાં નારીનું વસ્તુ-વૈભવ પ્રત્યે આકર્ષણ, પુરુષનું નારીના શરીર પ્રત્યે આકર્ષણ જેવા ખરાબ પરિણામોને દર્શાવવામાં આવેલ છે.
કર્મઇન્દ્રિયોના આકર્ષણથી જે થોડા સમય માટે આત્માની પ્રાપ્તિ થાય છે, તે તેને ધીરે-ધીરે વિનાશ તરફ લઈ જાય છે. આ આકર્ષણ બહારની ચમક દમક હોય છે. જેમાં આપણી કર્મઇન્દ્રિયો ફસાય જાય છે. તેમાં વિવેકનો અભાવ હોય છે. આકર્ષણ કરનાર વસ્તુ જ્યાં સુધી નજરની સામે હોય છે ત્યાં સુધી કર્મેન્દ્રિયો મધમાં ફસાયેલ માખીની જેમ પોતાના અસ્તિત્વને જોખમમાં મૂકીને તેમાં ફસાયેલ રહે છે. અને તે આકર્ષણ નજરોથી દૂર થતાં જ ખાલીપણા કે ખોખલાપણાનો અનુભવ કરે છે. મન તે આકર્ષણની વારંવાર યાદ અપાવીને ફક્ત આશ્વાસન આપે છે. આવા આકર્ષણ બુદ્ધિને ભ્રમિત કરે છે, તથા બુદ્ધિ પર પર પડદો નાખી દે છે. જેવી રીતે ધુમ્મસની વચ્ચે વિમાનના પાયલોટને હવાઈ માર્ગ દેખાતો નથી તેવી જ રીતે મોહમાં સાચો માર્ગ ખોવાઈ જાય છે.
આકર્ષણની ઉત્પત્તિ ખાલી મનમાં થાય છે. સંસ્કાર ખરાબ હોવાથી બુદ્ધિ ભ્રષ્ટ બની જાય છે. બુદ્ધિ ચંચળ બનીને વસ્તુ તથા વ્યક્તિઓ પાછળ દોડે છે. જે મૃગતૃષ્ણા સમાન છે. પછી મુખથી શબ્દો એવા નીકળે કે, મારું મન આજે અશાંત છે. મારી તો શાંતિ જ છીનવાઈ ગઈ. ઈચ્છા નથી પરંતુ આ બધું સારું લાગે છે. આ આકર્ષણનું સૂક્ષ્મ રૂપ છે. જે તોફાનમાં ઉડતા તણખલાની જેમ મનને ભટકાવે છે. માટે જ કહેવતમાં કહેવાયું છે કે, પરમાનંદ આંતરિક સંપત્તિ છે, તે આત્માની પોતાની સંપત્તિ છે. આ માટે આત્મિક સ્વરૂપમાં સ્થિત થવું જરૂરી. પરમાનંદના રસમાં જેટલા ઊંડા ઉતરીશું તેટલો તે અલૌકિક આનંદ વધતો જશે. ઈશ્વર અનુભૂતિ દ્વારા પ્રાપ્ત પરમાનંદ શીતળતાની ઊંડાઈમાં ઉતરવાનો, ઈચ્છા માત્રમ અવિદ્યા બનવાનો, જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરાવે છે. માટે જ કહેવાયું છે કે, જે વ્યક્તિ વસ્તુ-વ્યક્તિ પ્રત્યે આકર્ષિત હોય છે તે કદી હર્ષિત રહી શકતો નથી.
જે પ્રકારે મહાસાગરમાં સતત ઉઠનારી લહેરોનો પ્રહાર કિનારા પર આવીને વિખરાઈ જાય છે. તેવી જ રીતે મનુષ્યના મનરૂપી સાગરમાં ઉઠતી આનંદની લહેરો તેના ચહેરા પર ફેલાઈ જાય છે. દેવતાઓને હંમેશા હર્ષિત બતાવેલ છે. કારણ કે તેમની અંદરનો આનંદ હંમેશા ચહેરા પર છલકાતો રહે છે. ગરુડ પુરાણના એક શ્લોકમાં બહારના આકર્ષણમાં ફસાયેલ મનુષ્યની દૂર્દશાનું વર્ણન કરવામાં આવેલ છે.- હરણ ઇન્દ્રિયોને વશ થઈને સારા-નરસાનું ભાન ભૂલી જાય છે. બલ્બની રોશની પ્રત્યે પતંગિયું તેના તરફ આકર્ષાય છે અને તે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. જીભના સ્વાદની લાલસા મનુષ્યને મૃત્યુ તરફ ધકેલી દે છે.
એક એક ઇન્દ્રિયને વશીભૂત થયેલ આ જીવોની કેવી દૂર્દશા થાય છે! તો જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોનો ગુલામ છે તેની કેટલી દૂર્દશા થાય છે?? તેનું સહજ રીતે અનુમાન લગાવી શકીએ. માટે પોતાનું કલ્યાણ ઈચ્છતી વ્યક્તિએ ચિત્તમાં એ ધારણ કરી લેવું જોઈએ કે પરમ સુંદર, પરમ આકર્ષણમૂર્ત તો એક પરમાત્મા જ છે. જે હંમેશા પાવન છે. તેમના સ્નેહમાં બંધાયેલ આત્માનું હંમેશા કલ્યાણ જ કલ્યાણ છે. પરમાત્મા પરમાનંદના સાગર પણ છે. સત્યમ, શિવમ, સુન્દરમ તેમના આ ગુણો પ્રત્યેનું આકર્ષણ મન-બુદ્ધિને ખેંચી, સ્વયંમાં સમાવી આનંદથી ભરપૂર કરી દે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
એક જૂની કહેવત પ્રમાણે સ્વાસ્થ્ય જાળવવા માટે બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવો જોઈએ, જ્યારે ડિનર ભિક્ષુકની જેમ એટલે કે મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. આ કહેવત દ્વારા બ્રેકફાસ્ટ સારી રીતે પેટ ભરીને કરવાનું સૂચવવામાં આવ્યું છે. સવારના સમયે કરેલો હેલ્ધી બ્રેકફાસ્ટ શરીરને આખા દિવસ માટેની ઊર્જા આપે છે તેમ જ દિવસભરનાં કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. એવી રીતે પેટ ભરીને સવારનો નાસ્તો શારીરિક તેમ જ માનસિક બન્ને પ્રકારની કામગીરી માટે મહત્ત્વપૂર્ણ છે.
બ્રેકફાસ્ટ એટલે બ્રેક યૉર ફાસ્ટ. ફાસ્ટ મતલબ ઉપવાસ અને બ્રેક એટલે તોડવું. રાત્રે આઠ-નવ વાગ્યાની આસપાસ ભોજન કર્યા બાદ વળતી સવાર સુધી એટલે કે લગભગ દસથી 12 કલાક આપણે કશું ખાતાં નથી. રાતની ઊંઘ દરમિયાન શરીરની એનર્જી બર્ન થઈ જાય છે. સવારે ઊઠીએ ત્યારે પેટ સાવ ખાલી હોય છે. આ કારણે પણ સવારનો નાસ્તો ખૂબ મહત્ત્વનો છે, જેનાથી દિવસભર શરીર અને મગજ સંતુષ્ટ રહે છે. સવારે નાસ્તો કરવાથી બૉડીમાં હૅપ્પી હોર્મોન્સ ઉત્પ્ન્ન થાય છે, જે માણસને કામ કરવાની શક્તિ આપે છે આથી સવારે નાસ્તો કરવાનું ટાળવું ન જોઈએ. ઘણા લોકો વજન ન વધવા દેવાને કારણે પણ બ્રેકફાસ્ટ કરતા નથી, પરંતુ સવારનો નાસ્તો તો આપણને આદર્શ વજન જાળવવામાં મદદ કરે છે.
ધારો કે આપણે સવારે નાસ્તો ન કરીએ તો એ પછી ખાતી વખતે પેટ તદ્દન ખાલી હોવાને કારણે ઓવરઈટિંગ થઈ શકે છે, એનાથી મેદસ્વિતાની સમસ્યા પણ થાય છે અને મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. સવારનો નાસ્તો ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બ્રેકફાસ્ટ તમારું ચયાપચય (ડાઈજેશન) સુધારે છે, જેના દ્વારા તમે કૅલરી બર્ન કરી શકો છો તેમ જ લેવાયેલાં પોષક તત્ત્વોનો પૂરતો ઉપયોગ કરી શકો છો.
સમયની પ્રતિકૂળતાને કારણે અથવા તો ઘણી વખત સવારનો નાસ્તો અનુકૂળ ન હોવાને કારણે ઘણા લોકો બ્રેકફાસ્ટ કરવાનું ટાળતા હોય છે, પરંતુ સવારનો નાસ્તો કરવાથી શરીરની કાર્યક્ષમતા વધે છે. અમુક અભ્યાસના તારણ મુજબ તો નિયમિત બ્રેકફાસ્ટ લેવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે તથા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. અગર ડાયાબિટીસ ન હોય તો એ રોકવા માટે પણ બ્રેકફાસ્ટ મહત્ત્વપૂર્ણ છે. આમ, સામાન્ય રીતે નાસ્તો કરવાથી તમારા શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્યનાં વિવિધ પાસાં પર સકારાત્મક અસર પડે છે, જે સ્વસ્થ જીવનશૈલી માટે એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.
બ્રેકફાસ્ટના ફાયદા દ્વારા આપણે એનું મહત્ત્વ તો જાણ્યું, પરંતુ હેલ્ધી બ્રેકફાસ્ટ કેવા પ્રકારનો હોવો જોઈએ? તો જાણી લો, શિરામણ એટલે કે નાસ્તો પૌષ્ટિક હોવો જોઈએ, જેમાં કાર્બોહાઈડ્રેટની સાથે સાથે સારી ગુણવત્તાવાળું પ્રોટીન તેમ જ વિટામિનના સમન્વયવાળો સવારનો આહાર આપણને આખો દિવસ સ્ફૂર્તિ અપાવશે. દૂધ સાથે સિરિયલ્સ, ડ્રાયફ્રૂટ્સ અથવા ફ્રૂટ તેમ જ સીડ્સનું મિશ્રણ પોષકતામાં વધારો કરશે. દૂધ અથવા યોગર્ટ (દહીં) સાથે કૉર્નફ્લેક્સ, ઓટ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સનો સમાવેશ હોય એવો મ્યુસલી જેવો બ્રેકફાસ્ટ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે. સાથે સીઝનલ ફ્રૂટ કમ સે કમ 100 ગ્રામ સારું વિટામિન્સ તેમ જ મિનરલ્સ અપાવશે. અગર ભારતીય ટ્રેડિશનલ હેલ્ધી નાસ્તાની વાત કરીએ તો, ઉપમા અને પૌંઆ એ ઑલ ટાઈમ ફેવરીટ ડિશ છે. આ ઉપરાંત, બાફેલાં કે ફણગાવેલાં કઠોળ સારા પ્રકારના પ્રોટીનનો સ્રોત છે. આ સિવાય ગુજરાતી ટ્રેડિશનલ વાનગીમાં ઢોકળાં, બેસન ચિલ્લા (પૂડલા), ખમણ, મૂઠિયાં, વગેરે હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે લઈ શકાય.
શક્ય હોય ત્યાં સુધી સવારનો નાસ્તો ચા સાથે ન લેવો, કારણ કે ચા પોષક તત્ત્વોને શરીરમાં ભળતાં રોકે છે આથી સવારનો નાસ્તો દૂધ સાથે કરવો.
જે લોકો સવારે નાસ્તો નથી કરતા એમણે ચેતવાની જરૂર છે, કારણ કે જ્યારે આપણે ઊઠીએ છીએ ત્યારે સુગર લેવલ સૌથી વધારે ડાઉન હોય છે. આ સમયે મગજ, લીવર તથા હૃદયને ઑક્સિજન અને સુગરની સૌથી વધારે જરૂરત હોય છે. આ સમય દરમિયાન શરીરને સુગર રૂપી ઊર્જા ન મળે તો યાદશક્તિની બીમારી, સ્ટ્રેસ, તણાવ, બ્લડ પ્રેશર, કૉલેસ્ટરોલનું પ્રમાણ વધવું, પાચનશક્તિ નબળી પડવી, વગેરે તકલીફ થઈ શકે છે.
આ જ કારણે સૌથી વધારે મહત્ત્વનું અગર કોઈ ભોજન હોય તો એ છે સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ. સમયની અનુકૂળતા શોધીને પણ સવારનો નાસ્તો ફરજિયાત કરવો જોઈએ. અમુક રિસર્ચ પ્રમાણે જે લોકો સવારનો નાસ્તો નથી કરતા એમને અમુક બીમારી થવાની શક્યતા 30થી 40 ટકા વધી જાય છે. નવાઈ લાગે, પણ હકીકત એ છે કે વજન વધવા પાછળનું સૌથી મોટું રિસ્ક ફૅક્ટર કોઈ છે તો એ છે સવારનો નાસ્તો ના કરવો એટલે તમને બ્રેકફાસ્ટ કરવાની આદત નથી તો એની શરૂઆત કરી દેવી જોઈએ. બ્રેકફાસ્ટ તરીકે તમે દૂધ સાથે ફક્ત ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો અથવા તો થોડા ડ્રાય હેલ્ધી નાસ્તા સાથે સીઝનલ ફ્રૂટ ખાઈને દિવસની શરૂઆત કરી શકો છો.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)