Home Blog Page 781

આધાર, રેશન કાર્ડ, મતદાર-IDને પણ પુરાવા માનોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ બિહારમાં મતદાર યાદીની સમીક્ષા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે, એટલે કે બિહારમાં મતદાર યાદીની સમીક્ષા હવે ચાલુ રહેશે. એ સાથે સાથે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ પ્રક્રિયામાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મતદાર ઓળખપત્રને પુરાવા તરીકે માનવાની સૂચના પણ આપી છે. જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. હવે આગામી સુનાવણી 28 જુલાઈએ થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમ તો અમારી પ્રાથમિક દ્રષ્ટિએ એવી માન્યતા છે કે મતદાર યાદીની ખાસ વિશિષ્ટ સમીક્ષામાં આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર અને રેશન કાર્ડ જેવા દસ્તાવેજોને પુરાવા તરીકે માનવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 10 વિપક્ષી પક્ષોના નેતાઓ સહિત કોઈ પણ અરજીકર્તાએ ચૂંટણી પંચની આ પ્રક્રિયા પર આંતરિક રોક લગાવાની માગ કરી નથી. સુપ્રીમ કોર્ટે સંબંધિત અરજીઓ પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો છે અને 28 જુલાઈએ આગલી સુનાવણી રાખી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ 21 જુલાઈ સુધીમાં જવાબી સોગંદનામું દાખલ કરે અને 28 જુલાઈ સુધીમાં પ્રત્યુત્તર દાખલ થાય.

કોર્ટની બેંચે કહ્યું હતું કે તેમને ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને ઈમાનદારી પર કોઈ સંદેહ નથી કારણ કે તે એક બંધારણીય જવાબદારી છે, પરંતુ આ પ્રક્રિયાનું સમયગાળો શંકા ઊભી કરે છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને કહ્યું હતું કે અમે તમારી ઈમાનદારી પર શંકા નથી કરતા, પરંતુ કેટલીક ધારણાઓ છે. અમે તમને રોકવા વિશે વિચારતા નથી, કારણ કે આ તમારી બંધારણીય ફરજ છે.

દ્વિવેદીએ જણાવ્યું હતું કે 60 ટકા મતદાતાઓએ પોતાની ઓળખપત્ર પ્રમાણિત કરી દીધી છે અને તેમણે ન્યાયાલયને ખાતરી આપી કે કોઈને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના મતદાર યાદીમાંથી બહાર નહીં કાઢવામાં આવે.

સાયન્સ સિટીમાં બાળ ઉર્જા રક્ષક દળ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન

ગુજરાત સાયન્સ સિટી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા બાળ ઉર્જા રક્ષક દળ (BURD) અંતર્ગત ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ગુજરાતના ૧૧ જિલ્લાઓમાંથી કુલ ૨૭૫ શિક્ષકો અને કોમન સર્વિસ સેન્ટર (CSC)ના કો-ઓર્ડિનેટરોએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમ અંતર્ગત ઊર્જા ઉત્પત્તિથી લઈને ઊર્જા બચત સુધીની પ્રક્રિયા, નવીનીકરણીય ઊર્જા સ્રોતો અને Mission LiFE (Lifestyle for Environment) અંતર્ગત ઊર્જા ટકાઉપણું તેમજ પર્યાવરણ માટે જવાબદારીપૂર્ણ વર્તન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ અવસરે ઉપસ્થિત શિક્ષકો અને કો-ઓર્ડિનેટરોને પોતાના તાલુકા અને શાળાઓમાં Energy Ambassador બનીને સમુદાયમાં ઊર્જા બચતના સંદેશને ફેલાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ગુજરાત સાયન્સ સિટીનો સતત પ્રયાસ છે કે બાળકો અને યુવાનોમાં વૈજ્ઞાનિક ચેતના સાથે પર્યાવરણ અંગે જાગૃતતા વધે અને તેઓ એક જવાબદાર નાગરિક તરીકે ઊર્જા સંરક્ષણમાં યોગદાન આપે.

ફિલ્મ ‘કેડી’નું ટીઝર રિલીઝ,વર્ષો બાદ સાથે જોવા મળેશ સંજય અને શિલ્પા

કન્નડ ફિલ્મ ‘કેડી-ધ ડેવિલ’નું ટીઝર તાજેતરમાં મુંબઈમાં ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પછી ફિલ્મ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેની સૌથી ખાસ વાત સંજય દત્ત અને શિલ્પા શેટ્ટીની જોડી છે, જે લાંબા સમય પછી કોઈ ફિલ્મમાં સાથે જોવા મળવા જઈ રહી છે. આ બંને સ્ટાર્સના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.

ટીઝરમાં સંજય દત્ત ‘ધાક દેવા’ના પાત્રમાં અને ધ્રુવ સરજા ‘કેડી’ના પાત્રમાં જોવા મળે છે. પરંતુ શિલ્પા શેટ્ટીની શૈલી પણ અદ્ભુત છે. શિલ્પા ફિલ્મમાં એક મજબૂત અને પ્રભાવશાળી સ્ત્રી પાત્ર ભજવી રહી છે, જે વાર્તામાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. શિલ્પા શેટ્ટી લાંબા સમય પછી એક એક્શન ડ્રામા ફિલ્મમાં પરત ફરી છે અને તે પણ સંજય દત્ત જેવા મજબૂત અભિનેતા સાથે. ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

ટીઝરમાં જોરદાર એક્શન સીન્સ, અદ્ભુત સંવાદો અને 70ના દાયકાના પીરિયડ ડ્રામાની ઝલક જોવા મળે છે. આ સાથે લોકો સંગીત નિર્દેશક અર્જુન જાન્યાનું સંગીત પણ પસંદ કરી રહ્યા છે. ફિલ્મના પહેલા બે ગીતો ‘શિવા શિવ’ અને ‘સેટ્ટાગલ્લા’ ને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની વાર્તા બે પાત્રોની આસપાસ ફરે છે જે લોહીના સંબંધથી નહીં, પરંતુ બીજા ઊંડા બંધનથી જોડાયેલા છે. આ માત્ર એક એક્શન ફિલ્મ નથી પરંતુ ભાવના, નાટક અને બદલાના મજબૂત ડોઝનું વચન આપે છે.

આ ફિલ્મનું દિગ્દર્શન ‘જોગી’ ફેમ પ્રેમ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં ધ્રુવ સરજા, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી, રેશમા નાનાયા, રમેશ અરવિંદ, રવિચંદ્રન જેવા મોટા સ્ટાર્સ જોવા મળશે. પરંતુ સૌની નજર સંજય દત્ત અને શિલ્પા શેટ્ટીની જોડી પર છે, જેમણે અગાઉ સાથે કામ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. ફરી એકવાર આ જોડી એક જ ફિલ્મમાં પડદા પર આવી રહી છે.

આ ફિલ્મના ટીઝર લોન્ચ પ્રસંગે સંજય દત્ત અને શિલ્પા શેટ્ટી એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા.આ બંને સિવાય ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટ પણ ફિલ્મના ટીઝર લોન્ચમાં જોવા મળી હતી. શિલ્પા અને સંજયને સાથે જોવા માટે યુઝર્સ ખૂબ જ ઉત્સાહિત છે.

તમને જણાવી દઈએ કે સંજય દત્ત અને શિલ્પા શેટ્ટીએ છેલ્લે 2005 માં આવેલી ફિલ્મ ‘દાસ’ માં હિન્દી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બંનેએ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. બંનેએ અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે, 2000 માં ‘જંગ’, 2002 માં ‘હથિયાર’ અને ‘દાસ’.

મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટને ઈન્કમ ટેક્સની નોટિસ

મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય અને રાજ્યના મંત્રી સંજય શિરસાટને આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે. ગયા કેટલાય દિવસોથી હોટેલ અને પ્લોટ ખરીદ મામલે વિરોધ પક્ષ શિરસાટ પર આરોપ મૂકી રહ્યો હતો. સંજય શિરસાટે વિધાન ભવનમાં મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આવકવેરા વિભાગ કે અન્ય કોઈ પણ વિભાગ પોતાનો કામ કરી રહ્યા છે, તેમાં કોઈ પણ ખોટું નથી.

આવકવેરા વિભાગે 2019 અને 2024 દરમિયાન સંપત્તિમાં થયેલા વધારો અંગે સ્પષ્ટતા માગી છે. શિરસાટે કહ્યું હતું કે કેટલાક લોકો મારા વિરુદ્ધ આવકવેરા વિભાગમાં ફરિયાદ કરી હતી અને વિભાગે તેનું ધ્યાનમાં લઈ મને નોટિસ ફટકારી છે. વિભાગે નવમી જુલાઈ સુધી જવાબ માગ્યો હતો, પરંતુ અમે સમય વધારવાની વિનંતી કરી છે. એમાં કોઈ ગેરરીતિ નથી. વિભાગ ફક્ત સ્પષ્ટતા માગે છે અને અમે તેનો જવાબ આપીશું.

CM દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ સંભાજીનગરમાં એક હોટેલની હરાજી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ શોધવા માટે સોમવારે ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત કરી છે. શિવસેના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી સંજય શિરસાટ વિરોધ પક્ષના આરોપો વચ્ચે વિવાદમાં આવ્યા છે, કારણ કે જણાવાયું હતું કે હરાજીમાં ભાગ લેનાર ત્રણ કંપનીઓમાંથી એક કંપની તેમના પુત્રની છે. વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે એ મુદ્દો ઉઠાવ્યો.

છત્રપતિ સંભાજીનગરમાં આવેલી વીઆઈટીએસ હોટેલ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની ઢાંડા કોર્પોરેશનની હતી. આ હોટેલ સહિત ઢાંડા કોર્પોરેશનની મિલકતોને મહારાષ્ટ્ર જમાકર્તાનાં હિતોની રક્ષા અધિનિયમ, 1999 હેઠળ જપ્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ અદાલતના આદેશથી હોટેલની હરાજીનો નિર્ણય લેવાયો હતો. તદનુસાર, છત્રપતિ સંભાજીનગર કલેક્ટરએ કાર્યવાહી હાથ ધરી હતી.

દાનવેએ હરાજી પ્રક્રિયામાં પારદર્શકતા ના હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે મેસર્સ સિદ્ધાંત મટિરિયલ પ્રોક્યોરમેન્ટ એન્ડ સપ્લાયર્સ સહિત ત્રણ કંપનીઓ આ પ્રક્રિયામાં સામેલ હતી. તેમણે દાવો કર્યો કે આ કંપની મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટના પુત્ર સિદ્ધાંતની છે.

કોંગ્રેસ ઓફિસમાં ભારે મારપીટ, કાર્યકરો લોહીલુહાણ

આરા: બિહારના આરા શહેરમાં કોંગ્રેસ ઓફિસમાં કાર્યકરો વચ્ચે ભારે મારામારી  થઈ હતી. કોંગ્રેસના બિહાર પ્રભારી સચિવ અને છત્તીસગઢના ભિલાઈ વિધાનસભાના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રસાદ યાદવના સન્માન માટે સમારોહ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ કાર્યક્રમ દરમિયાન જ કોંગ્રેસ કાર્યકરો એકમેક સાથે આપસમાં લડી મર્યા હતા.
સ્થિતિ એટલી બગડી ગઈ કે કેટલાક કાર્યકરો લોહીલુહાણ થઈ ગયા. આ ઘટનામાં પૂર્વ MLC અજય સિંહને પણ ઇજા પહોંચી છે. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં કાર્યકરો વચ્ચે ઘમસાણ જોવા મળ્યું છે.

આ વિડિયો ક્લિપમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાર્યકરો એકબીજા સાથે ધક્કામુક્કી અને મારામારી કરી રહ્યા છે. કેટલાક લોકોએ માથું ફોડી નાખ્યું છે. આ વિડિયોમાં લોકોનાં કપડાં ખેંચાતાં પણ જોવા મળ્યું છે. અજય સિંહના સમર્થક એવા એક કાર્યકરને માથામાં ગંભીર ઇજા પહોંચી છે અને તેના માથેથી લોહી વહેતું જોવા મળી રહ્યું છે.

બિહાર કોંગ્રેસમાં આંતરિક ફૂટ
આ ઘટનામાં કોંગ્રેસના આંતરિક મતભેદોને સપાટી પર આવ્યા છે. પાર્ટીના જ કાર્યકરો એકબીજા સાથે આ રીતે મારપીટ કરી રહ્યા છે, જેનાથી વિરોધ પક્ષોને બેઠાં-બેઠાં સવાલ ઉઠાવવાની તક મળી ગઈ છે.

આ મારામારીમાં એક નેતા માથામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ થયેલા કોંગ્રેસ નેતા નવાદા થાણા વિસ્તારમાં આવેલા નવાદા મહોલ્લાના નિવાસી શિવકુમાર સિંહના 41 વર્ષના પુત્ર સુનીલકુમાર સિંહ છે. સુનીલ કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર છે.

તેમના પિતા શિવકુમાર સિંહ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને સુનીલકુમાર હિંદૂ મહિલા કોલેજમાં સહાયક ક્લાર્ક તરીકે નોકરી કરે છે.

 સુનીલકુમાર સિંહે જણાવ્યું હતું કે ભિલાઈના વિધાનસભ્ય દેવેન્દ્ર યાદવને જોવા અને સાંભળવા માટે તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં દેવેન્દ્ર યાદવના આગમન પછી ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા હતા.

મુંબઈમાં સાહિત્યિક કાર્યક્રમ ‘ઝરૂખો’માં કરેલી અનોખી પહેલ સફળ

મુંબઈના બોરિવલીમાં સાહિત્યિક કાર્યક્રમ ‘ઝરૂખો’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તમ સર્જકો, પત્રકારો, કલાકારોએ આ મંચ પર વક્તવ્ય આપ્યાં હતાં. કાર્યક્રમમાં ભાવકોએ પોતાને ગમતાં પુસ્તક વિશે વાત કરી હતી.

સંવિત્તિ તથા કેઈએસ ગુજરાતી ભાષાભવન સાથે સંકળાયેલા કીર્તિ શાહે ‘લેખકો-વાચકો સાથે ગોષ્ઠી’ એ રમણ સોનીના પુસ્તક વિશે વાત કરી. આજે સાહિત્ય સર્જનમાં સજ્જતાનો અભાવ, વાંચનમાં ઘટતો રસ, પુસ્તક પ્રકાશનની ઉતાવળ, ત્વરિત વાહવાહીના સમયમાં શું યોગ્ય છે અને શું નથી એની વાત રમણ સોનીએ કરી છે. પ્રગતિ મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ વસંત શાહે ર.વ.દેસાઈની ‘ ભારેલો અગ્નિ ‘નો પરિચય કરાવ્યો હતો.

જમનાબાઈ સ્કૂલના શિક્ષિકા તથા સાહિત્યનાં અભ્યાસી જાસ્મીન શાહે આજથી સવાસો વર્ષ પૂર્વે ગુજરાતી સાહિત્યમાં પોતાનું યોગદાન આપનાર પારસી બાનુ આવાબાઇ લીમજીભાઇ પાલમકોટની આત્મકથા ‘મારી જીંદગીનો હેવાલ’ ને એક અદભુત કૃતિ લેખાવી. જે પાછળથી તેમનાં દીકરી ભીખાઈજી પાલમકોટે ‘મારાં માતાજી’ ના નામે પૂર્ણ કરી છે. જીવનના ચાલીસમે વર્ષે લખવાની શરૂઆત કરનાર આવાબાઇ બહાદુર, ધૈર્યવાન, સાહિત્યપ્રેમી અને ઉદાર મન ધરાવનાર વ્યક્તિ હતાં.આત્મકથામાં 1865ની આસપાસનું મુંબઈ, એડન અને પાલમકોટ શહેરનુ વર્ણન રસપ્રદ રીતે આલેખવામાં આવ્યું છે.

 

વીનેશ અંતાણીની નવલકથા ‘પ્રિયજન’ વિશે વાત કરતાં સ્મિતા શુક્લે જણાવ્યું હતું કે આ પુસ્તકનું કથાવસ્તુ અલગ છે.ત્રીસ વર્ષ પછી બે પ્રેમી આઠ દિવસ સાથે રહે એ પહેલીવાર બન્યું હશે. લેખકે ઘણા નવા શબ્દપ્રયોગો કર્યા છે. નોબલ પુરસ્કાર વિજેતા હરમન હેસે “સિદ્ધાર્થ” નામની નવલકથા, ભારતની આધ્યાત્મિકતાને ધ્યાનમાં લઈને લખી છે, જેના વિશે પ્રકાશ સંઘવીએ વિગતે વાત કરી હતી.

 

સાહિત્યપ્રેમી મિતાબેન દીક્ષિતે પુ.લ.દેશપાંડેના જાણીતા પુસ્તક “વ્યકિત આણિ વલ્લી” ના ગુજરાતી અનુવાદ,”ભાત ભાત કે લોગ” વિષે વાત કરી પુ.લ.નો પરિચય આપ્યો અને એમના જાણીતાં પુસ્તકો અને નાટકોનો સંદર્ભ આપ્યો હતો. લેખિકા નીલા સંઘવીએ સમગ્ર કાર્યક્રમનું બખૂબી સંચાલન કર્યું અને વક્તાઓનો પરિચય આપ્ હતો. સંકલનકર્તા સંજય પંડ્યાએ જણાવ્યું કે આપણી પાસે આપણી ભાષાનું અને ઈતર ભાષાનું અઢળક સાહિત્ય છે અને આ પ્રકારના કાર્યક્રમો દોઢ કલાકમાં છ પુસ્તકો વિશે જાણકારી આપે છે. ટ્રસ્ટી યોગેન્દ્રભાઈ રાવલે વક્તાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

વડોદરા પુલ અકસ્માત: મૃત્યુઆંક વધીને 15 થયો

ગુજરાતમાં વડોદરા અને આણંદને જોડતો પુલ તૂટી પડતાં મહિસાગર નદીમાંથી અત્યાર સુધીમાં 15 મૃતદેહો મળી આવ્યા છે. આમાંથી બે મૃતદેહો ગુરુવારે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બુધવારે જ 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક જ પરિવારના ઘણા સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે આ અકસ્માતમાં મૃત્યુઆંક 15 થયો છે.

ત્રણ લોકો હજુ પણ ગુમ છે

વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ત્રણ લોકો હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે NDRF અને SDRF ટીમો નદીમાં બચી ગયેલા અથવા પીડિતોના મૃતદેહો શોધી રહી છે. ધામેલિયાએ જણાવ્યું હતું કે, NDRF અને SDRF ટીમો નદીના 4 કિમી નીચે સુધી શોધ કામગીરી ચલાવી રહી છે. અમારી પાસે ઉપલબ્ધ યાદી મુજબ, અત્યાર સુધીમાં 15 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે ત્રણ લોકો હજુ પણ ગુમ છે. અન્ય ગુમ થયેલા લોકો વિશે માહિતી આપવા માટે લોકો અમારા કંટ્રોલ રૂમ પર ફોન કરી શકે છે.

તેમણે કહ્યું કે ત્રણ લોકો ગુમ થયા હોઈ શકે છે કારણ કે ત્રણ મીટર કાદવમાં ફસાઈ ગયેલી કાર અને મીની ટ્રકમાં સવાર લોકો વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, “વરસાદ અને નદીમાં કાદવનું જાડું સ્તર બચાવ કામગીરીને પડકારજનક બનાવી રહ્યું છે કારણ કે આવી સ્થિતિમાં કોઈ મશીન કામ કરી રહ્યું નથી.” નદીની વચ્ચે ડૂબી ગયેલા વાહનો સુધી પહોંચવા માટે કિનારે એક ખાસ પુલ બનાવવામાં આવી રહ્યો છે.

બુધવારે, મહીસાગર નદી પર મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર ક્ષેત્ર સાથે જોડતા ગંભીરા પુલનો 10 થી 15 મીટરનો સ્લેબ તૂટી પડ્યો. બે ટ્રક, બે વાન, એક ઓટોરિક્ષા અને એક બાઇક સહિત છ વાહનો નદીમાં પડી ગયા. જ્યારે તેમને ખેંચીને બચાવી લેવામાં આવ્યા ત્યારે બે અન્ય વાહનો પણ નીચે પડવાના હતા. બાઇક પર સવાર ત્રણ લોકો જાતે જ તરીને બહાર નીકળી ગયા.

પુલ અકસ્માતનો ભોગ બનેલાઓમાં સોનલબેનના પતિ રમેશ પઢિયાર (38), પુત્રી વેદિકા (4) અને પુત્ર નૈતિક (2)નો સમાવેશ થાય છે. વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામની રહેવાસી સોનલબેને જણાવ્યું કે નદી કિનારે પહોંચ્યા પછી, તેમણે લગભગ એક કલાક સુધી મદદ માંગી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. મુજપુર મહિસાગર નદી કિનારે આવેલા પુલની ખૂબ નજીક છે.

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ, ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ આજથી શરૂ થઈ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે, જે પણ ટીમ આ ત્રીજી ટેસ્ટ જીતશે, તે પાંચ મેચની શ્રેણીમાં આગળ રહેશે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની ટીમ પહેલા બોલિંગ કરશે.

 

India vs England Lord’s Test England wins the toss, India will bowl first
ભારતીય ટીમમાં ફક્ત એક જ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રખ્યાત કૃષ્ણના સ્થાને જસપ્રીત બુમરાહ લોર્ડ્સ ટેસ્ટમાં પાછો ફર્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટની શરૂઆત સચિન તેંડુલકરે ઘંટડી વગાડીને કરી હતી. ભારત માટે જસપ્રીત બુમરાહ પહેલી ઓવર ફેંકવા આવ્યા હતા. બીજી તરફ, જેક ક્રોલી અને બેન ડકેટ ઇંગ્લેન્ડ માટે બેટિંગ કરવા આવ્યા છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સે, જોફ્રા આર્ચર અને શોએબ બશીર.

મુંબઈમાં યોજાશે ‘ખઝાના-ગઝલનો મહોત્સવ’, સંગીત કલાકારોએ કરી જાહેરાત

કેન્સર પેશન્ટ્સ એઇડ એસોસિએશન અને પેરેન્ટ્સ એસોસિએશન થેલેસેમિક યુનિટ ટ્રસ્ટના સહાયતામાં ‘ખઝાના, ગઝલનો મહોત્સવ’ 2025 18 અને 19 જુલાઈના રોજ ટ્રાઇડેન્ટ, નરીમાન પોઇન્ટ, મુંબઈ ખાતે યોજાશે. જે પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા પંકજ ઉધાસજીના વારસાને ચાલુ રાખશે.

Photo: Deepak Dhuri

ઉસ્તાદ ઝાકિર હુસૈનને ખાસ શ્રદ્ધાંજલિ અને સુપ્રસિદ્ધ પ્લેબેક ગાયક મોહમ્મદ રફીની શતાબ્દીની યાદમાં આ ખઝાના-ગઝલ મહોત્સવ 2025 યોજાશે. જેની જાહેરાત કરવા માટે ગઝલ ગાયકો અનુપ જલોટા,રેખા ભારદ્વાજ, સુદીપ બેનર્જી,પેનાઝ મસાની અને વાંસળી ઉસ્તાદ રાકેશ ચૌરસિયા થેલેસેમિક બાળકો અને કેન્સરના દર્દીઓ બધા ભેગા થયા હતાં.

Photo: Deepak Dhuri

પ્રખ્યાત કલાકારોમાં અનુપ જલોટા, તલત અઝીઝ, રેખા ભારદ્વાજ, સુદીપ બેનર્જી, ઓસ્માન મીર, આમિર મીર, પંડિત અજય પોહનકર, અભિજીત પોહનકર, મહાલક્ષ્મી ઐયર, રાકેશ ચૌરસિયા, પ્રતિભા સિંહ બઘેલનો સમાવેશ થાય છે.

‘ખઝાના એ ફેસ્ટિવલ ઓફ ગઝલ’ 24 વર્ષ પહેલાં સુપ્રસિદ્ધ ગઝલ ઉસ્તાદ પંકજ ઉધાસ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા દ્વારા PATUT (પેરેન્ટ્સ એસોસિએશન થેલેસેમિક યુનિટ ટ્રસ્ટ) અને CPAA (કેન્સર પેશન્ટ્સ એઇડ એસોસિએશન) ની સહાયથી શરૂ કરવામાં આવ્યું હતું, જે એક પ્રિય સંગીત પરંપરા અને ઉભરતા અને સ્થાપિત ગઝલ કલાકારો માટે એક પ્લેટફોર્મ બની ગયું છે. થેલેસેમિક બાળકો અને કેન્સરના દર્દીઓને ટેકો આપવાના ઉમદા દ્રષ્ટિકોણથી શરૂ થયેલ આ ફેસ્ટિવલ, નવા જુસ્સા અને પ્રતિબદ્ધતા સાથે આ મિશનને જાળવી રાખવાનું ચાલુ રાખે છે.

પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા પંકજ ઉધાસના શાશ્વત વારસાને આગળ ધપાવતા તેમના પછી તેમના સગા ફરીદા પંકજ ઉધાસે આ હૃદયસ્પર્શી પહેલ ચાલુ રાખી છે, જે સંગીત અને કરુણા દ્વારા તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક ભંડોળ એકત્ર કરવાનો કાર્યક્રમ છે, જે સમગ્ર ભારતમાં કેન્સરના દર્દીઓ અને થેલેસેમિક બાળકોની સારવાર અને સંભાળને ટેકો આપે છે.

છેલ્લા 24 વર્ષોમાં, ખઝાના દેશના સૌથી અપેક્ષિત સંગીત ઉત્સવોમાંના એકમાં વિકસ્યું છે, જે એક ઉમદા હેતુ માટે શાશ્વત કવિતાને ભાવનાત્મક સૂરો સાથે મિશ્રિત કરે છે. આ વર્ષની આવૃત્તિમાં પ્રતિષ્ઠિત પ્લેબેક ગાયક મોહમ્મદ રફીને તેમના શતાબ્દી વર્ષ નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પેઢીઓથી આગળ વધતો અવાજ ધરાવતા,રફી સાહેબનું ભારતીય સંગીતમાં યોગદાન અજોડ રહેશે,અને આ વર્ષનો ઉત્સવ તેમના કાલાતીત વારસાની ઉજવણી કરવાનો પ્રયાસ કરે છે.

આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી ખઝાના ગઝલ ટેલેન્ટ હન્ટ 2025 ના વિજેતાઓ પણ ભાગ લેશે, જે ભારતમાં ગઝલ સંગીતના ભવિષ્ય પર પ્રકાશ પાડશે.

‘બાહુબલી’નો જાદુ ફરી જોવા મળશે, રાજામૌલીએ કરી જાહેરાત

દક્ષિણની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક, ‘બાહુબલી ધ બિગિનિંગ’ આજે 10 વર્ષ પૂર્ણ કરી રહી છે. પ્રભાસ અભિનીત આ ફિલ્મ 10 જુલાઈ 2015 ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં ઘણી કમાણી કરી હતી અને સૌથી સફળ ફિલ્મોમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આજે, જ્યારે ફિલ્મે 10 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે નિર્માતાઓએ દર્શકોને બીજી ભેટ આપવાની જાહેરાત કરી છે.

બંને ભાગ એકસાથે રિલીઝ થઈ રહ્યા છે

બાહુબલી ફિલ્મના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી જાહેરાત કરવામાં આવી છે કે બાહુબલીનો પહેલો અને બીજો ભાગ એકસાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે. બાહુબલી મૂવીએ લખ્યું છે – 10 વર્ષ પહેલા, એક પ્રશ્ને આખા દેશને એક કર્યો હતો… હવે એ જ પ્રશ્ન અને તેનો જવાબ ફરી રહ્યો છે – એક ભવ્ય મહાકાવ્યમાં સાથે. ‘બાહુબલી ધ એપિક’ 31 ઓક્ટોબર 2025 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે.

ફિલ્મમાં શું બતાવવામાં આવશે?

‘બાહુબલી: ધ એપિક’ વાસ્તવમાં પહેલી અને બીજી ફિલ્મનું સંયુક્ત સંસ્કરણ છે જે એક ભવ્ય સિનેમેટિક અનુભવ તરીકે સ્ક્રીન પર પાછું લાવવામાં આવશે. આ ફક્ત બાહુબલીની વાર્તાને ફરીથી જીવવાની તક આપશે નહીં, પરંતુ આજની નવી પેઢીને એક દાયકા પહેલા આખી દુનિયાને પ્રભાવિત કરનાર જાદુનો પરિચય પણ કરાવશે.

એસ.એસ. રાજામૌલીએ પોસ્ટ કરી

ફિલ્મના દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીએ આ પ્રસંગે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી જેમાં તેમણે લખ્યું, ‘બાહુબલી… ઘણી સફરની શરૂઆત, અસંખ્ય યાદો અને અનંત પ્રેરણા. 10 વર્ષ પૂર્ણ થયા છે અને ‘બાહુબલી ધ એપિક’ તેને યાદગાર બનાવવા આવી રહ્યું છે!

‘બાહુબલી’ ને ઘણા પુરસ્કારો મળ્યા હતા પરંતુ તેને રાષ્ટ્રીય પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા – જેમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને શ્રેષ્ઠ સ્પેશિયલ ઇફેક્ટ્સનો સમાવેશ થાય છે. તે હજુ પણ છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનારી તેલુગુ ફિલ્મ છે અને તેનું હિન્દી ડબ વર્ઝન અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ડબ ફિલ્મ છે.