નવી દિલ્હીઃ દેશમાં મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેને CBI દેશના સૌથી મોટા મેડિકલ શિક્ષણ કૌભાંડોમાંનું એક ગણાવ્યું છે. CBIએ આ મામલે 35 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે, જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આઠ અધિકારીઓ, નેશનલ મેડિકલ કમિશન (NMC)ના પાંચ ડોક્ટરો અને ઘણી ખાનગી મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓ સામેલ છે. આ કૌભાંડમાની જાળ ઘણાં રાજ્યો સુધી ફેલાયેલી છે અને મેડિકલ કોલેજોને મંજૂરી આપવી, નિરીક્ષણ કરવું અને માન્યતા આપવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર તથા ગેરવહીવટના ગંભીર આરોપો લાગ્યા છે.
CBIની તપાસ મુજબ આ કૌભાંડનું કેન્દ્ર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય છે, જ્યાંથી ગુપ્ત માહિતી લીક કરવામાં આવી રહી હતી. આ માહિતી ખાનગી મેડિકલ કોલેજોને પૂરી પાડવામાં આવતી હતી, જેથી તેઓ NMCના નિરીક્ષણમાં ગેરરીતિ કરી શકે. આ રેકેટમાં સામેલ લોકો નિરીક્ષણની તારીખ અને નિરીક્ષકોનાં નામ જેવી સંવેદનશીલ માહિતી મોટા પૈસાને બદલે બહાર લીક કરતા હતા, જેથી કોલેજો નકલી વ્યવસ્થા કરીને નિરીક્ષણ પાસ કરી લેતા હતા.
CBIની FIR મુજબ રાવતપુરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચના ચેરમેન રવિશંકર મહારાજ જેને રાવતપુરા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે નિરીક્ષણની માહિતી અગાઉથી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેમના ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અતુલકુમાર તિવારીએ ગીતાંજલિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મયૂર રાવલનો સંપર્ક કર્યો હતો. રાવલે રૂ. 25 થી 30 લાખની માગણી કરી અને નિરીક્ષણની તારીખ તેમ જ નિરીક્ષકોનાં નામ આપી દીધાં. ત્યાર બાદ રવિશંકરે ભૂતપૂર્વ UGC ચેરમેન અને હાલના TISSના ચાન્સલર ડી.પી. સિંહનો સંપર્ક કર્યો હતો જેથી અનુકૂળ નિરીક્ષણ રિપોર્ટ મળી શકે. ડી.પી. સિંહે આ કાર્ય પોતાના સહયોગી સુરેશને સોંપ્યું.
CBIએ તાજેતરમાં આ મામલે આઠ લોકોની ધરપકડ કરી છે, જેમાં NMCના ત્રણ ડોક્ટરો સામેલ છે. તેમના પર આરોપ છે કે તેમણે રૂ. 55 લાખની લાંચ લઈને રાવતપુરા ઇન્સ્ટિટ્યૂટ માટે અનુકૂળ નિરીક્ષણ રિપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસમાં ખૂલ્યું છે કે આરોગ્ય મંત્રાલયના પૂજા મીના, ધર્મવીર, પિયૂષ માલ્યાંણ, અનુપ જૈસવાલ, રાહુલ શ્રીવાસ્તવ, દીપક, મનિષા અને ચંદનકુમાર નામના આઠ અધિકારીઓ ગુપ્ત ફાઈલોના ફોટા લઈ અને વરિષ્ઠ અધિકારીઓની નોટ્સ બહાર પહોંચાડી રેકેટ ચલાવી રહ્યા હતા. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
“શું તમે જાણો છો કે ભારતમાં દર વર્ષે હજારો લોકો લીવરની ગંભીર બીમારીને કારણે જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હોય છે? પરંતુ આધુનિક તબીબી વિજ્ઞાનમાં લીવર ટ્રાન્સપ્લાન્ટેશન આવા દર્દીઓ માટે આશાનું નવું કિરણ બન્યું છે. હાલના સમયમાં બદલાયેલી લાઈફ સ્ટાઇલના કારણે લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ લીવરને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા બધા હોય છે. પરંતુ રાહતની વાત એ છે કે, હવે ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા ઉપલબ્ધ બની છે. અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલે છેલ્લાં 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન પૂર્ણ કર્યા છે ત્યારે ચિત્રલેખા.કોમએ ‘છોટી સી મુલાકાત’માં ઝાયડસના તબીબ અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રણેતા ગણાતા ડો. આનંદ ખખ્ખર સાથે વાત કરીને સમગ્ર કાર્યક્રમ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો.
ચિત્રલેખા.કોમ: 2007માં જ્યારે તેમણે ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરી હતી ત્યારે કેવાં પ્રકારના પડકાર હતા અને અત્યારે તેની સરખામણીએ કેટલી સારી સુવિધાઓ છે?
ડો. આનંદ ખખ્ખર:હું 2007માં ભારત પાછો આવ્યો. તે પહેલાં હું ન્યૂયોર્કમાં કામ કરતો હતો. મારે ભારત પાછા આવીને કામ કરવું હતું. આથી મેં તે સમયે ઘણી બધી હોસ્પિટલ્સને અપ્રોચ કર્યો હતો. ચેન્નઈમાં એપોલો હોસ્પિટલના ડૉ. પ્રતાપ રેડ્ડી સાથે વાત કરી. તેમણે તે સમયે મને કહ્યું કે અમે લોકોએ બે વખત લીવર ટ્રાન્સપ્લાન્ટેશનનો પ્રોગ્રામ રન કરવાનો પ્રયત્ન કર્યો, પણ અમને સફળતા મળી નથી. આથી હવે મને આગળ બહુ આશા કે ઈચ્છા નથી. જો કે મેં એમને વિશ્વાસ અપાવ્યો કે, સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ હું ચલાવી શકીશ. એમણે મને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા કહ્યું, મેં જીવનમાં પહેલી વખત 40 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો. એ સમયે મેં એકલા હાથે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. 2007થી લઈને 2009માં લગભગ અઢી વર્ષમાં મેં 100 લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા હતા. તે સમયે પડકાર અનેક હતા. પણ ધીમે-ધીમે અમે લોકો શીખતા ગયા, નવી-નવી ટેક્નોલોજી આવતી ગઈ અને દર્દીઓ માટે સુવિધાઓ વધતી ગઈ.
લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામમાં કઈ નવી ટેકનોલોજી અને એપ્રોચનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અન્યથી આપને અલગ બનાવે છે?
હું 2022માં જ્યારે ઝાયડસમાં જોડાયો ત્યારે જ પંકજભાઈ પટેલ સાથે વાત કરતા કહ્યું હતું કે જો એક સફળ ટ્રાન્સપ્લાન્ટેશન કાર્યક્રમ ચલાવવો હશે તો તેના માટે દરેક પ્રકારની સાધન-સામગ્રી બેસ્ટ ક્વોલિટીની જોઈશે. આધુનિક સાધન-સામગ્રીથી લઈને બેસ્ટમાં બેસ્ટ ટીમ મળી છે. મારી સાથે જોડાયેલ દરેક ડોક્ટર તેમના ક્ષેત્રમાં બેસ્ટ છે. આમ આ બધી સુવિધાઓ, અમારા પ્રયત્નો અને દર્દીઓનો વિશ્વાસ અમને બધાંથી અલગ બનાવે છે. નિષ્ણાંત ડૉક્ટર્સની સાથે ઝાયડસના વૈશ્વિક સ્તરનાં ડેડિકેટેડ લીવર ICU, ખાસ ઓપરેશન થિયેટર્સ, નર્સિંગ સ્ટાફ અને ઓપરેશન પછી સતત મોનિટરિંગની સુવિધા જ અમને અન્ય હૉસ્પિટલથી અલગ તારવે છે. જેને કારણે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યો ઉપરાંત વિદેશમાંથી પણ દર્દીઓ સારવાર માટે અમારી પાસે આવે છે.
multidisciplinary ટીમ (સર્જન, એનસ્થેટિસ્ટ, નર્સ, કાઉન્સેલર વગેરે) એકબીજાની સાથે કેવી રીતે સંકલિત રીતે કાર્ય કરે છે?
મારી આગેવાની હેઠળની નિષ્ણાત ટીમના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડૉ. હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડૉ. મીતા અગ્રવાલ, ડૉ.પરાગસિંહ ગોહિલ તથા સમગ્ર ટીમના સંયુક્ત પ્રયત્નોથી જ આ પ્રોગ્રામ ચાલે છે. આ દરેક વિભાગના ડોક્ટર તેમના વિષયમાં ખૂબ જ નિપુણ છે અને તેમની પાસે અનુભવ પણ એટલો જ બહોળો છે. ખાસ કરીને ડેડિકેટેડ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામનો અનુભવ પણ તેઓ ધરાવે છે. અમે સાથે મળીને પિડિયાટ્રિક દર્દીથી લઈને 70 વર્ષ કરતાં પણ વધુ વય ધરાવતાં દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા છે. ભગવાનની ખૂબ જ મહેરબાની છે કે અમારા આ પ્રયત્નો થકી અનેક લોકોને નવજીવન મળ્યું છે. તેની સાથે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં અમે લોકોએ એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનાં (SLKT) અનેક સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.
તમારી અત્યાર સુધીની સફરમાં એવાં કોઈ પડકારજનક દર્દીઓનું તમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, જેમનું સર્વાઈવ કરવું અત્યારે તમને પણ આનંદ આપે છે!
અમે કોઈ પણ વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટેશન માટે ના પાડતા નથી. દર્દીને તેના કેસ વિશેની વાસ્તવિક્તા અમે કહી દઈએ છીએ. કેસમાં કેટલું રિસ્ક છે તેની માહિતી દર્દીને આપી જ દઈએ છીએ. તેની સાથે જ અમે કોઈ પણ દર્દીને ના પાડતા જ નથી. આમ તો અહીં આવતા દરેક કેસ અમારા માટે પડકારજનક અને ટ્રીટમેન્ટની દ્રષ્ટિએ યાદ રહી જાય તેવાં જ હોય છે. કોઈ પણ દર્દીના કેસમાં જો પચાસ ટકા પણ સફળ થવાની શક્યતા રહેલી હોય છે, તો અમે તેની પાસેથી તે પચાસ ટકા આશા છીનવી લેતા નથી. અમે તેને બીજી પચાસ ટકા આશા આપીને સો ટકા પ્રયત્ન કરીને ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ છીએ. અમે અહીં ABO ઈન્ક્મપેટિબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ-અલગ મેડિકલ હિસ્ટ્રી અને અઢળક મુશ્કેલી ધરાવતાં અનેક દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટેસન કર્યા છે.
ગાંધીનગર: આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલાં રાજ્ય સરકાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચાર પ્રાદેશિક સમિટ વર્ષ 2025 અને 2026માં યોજશે. રાજ્ય સરકારે ચાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRCs)ની યોજના અને અમલ માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક કોર કમિટી રચી છે.
“સરકારે અત્યાર સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાતની 10 સફળ આવૃત્તિઓ પૂરી કરી છે. હવે VGGS મોડલને પ્રાદેશિક સ્તરે કરવાની યોજના છે. આ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRCs) યોજવામાં આવશે. આ પહેલનો હેતુ એ છે કે વિવિધ વિસ્તારો તેમનાં વિશિષ્ટ પરિબળો અને વિકાસ માટેની તૈયારીઓ રજૂ કરી શકે તેમ જ સ્થાનિક સ્તરે જાહેર ભાગીદારીને પ્રોત્સાહન મળે, એવું ઉદ્યોગ અને ખનિજ વિભાગની એક સૂચનામાં જણાવવામાં આવ્યું છે.
આ સૂચનામાં જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત VGRC મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબર, 2025એ યોજાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ VGRCની તારીખ 8 અને 9 જાન્યુઆરી, 2026 રાખવામાં આવી છે અને તે રાજકોટમાં યોજાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત VGRC સુરતમાં 9 અને 10 એપ્રિલ, 2026એ અને મધ્ય ગુજરાત VGRC વડોદરામાં 9 અને 10 જુલાઈ, 2026એ યોજાવાની શક્યતા છે.
VGRCsને અમલમાં મૂકવા માટે 25 સભ્યોની કોર કમિટી રચવામાં આવી છે, જેનું અધ્યક્ષસ્થાન મુખ્ય સચિવ કરશે. તેમાં વિવિધ મહત્વના વિભાગોના અતિરિક્ત મુખ્ય સચિવો, મુખ્ય સચિવો અને સચિવો સભ્ય હશે. ધોલેરા SIRના CEO અને GIDCના MD પણ સભ્ય રહેશે. જ્યારે ઇન્ડેક્સટીબીના એમડી કમિટીના સભ્ય સચિવ તરીકે રહેશે.
વર્ષ 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતની ચૂંટણી વિકાસના મુદ્દાઓ ઉપર આધારિત છે. ત્યારે સરકાર ચૂંટણી ટાણે જ વાયબ્રન્ટ ગુજરાત સમીટ યોજવાની તૈયારી કરી રહી છે. આ પહેલનો હેતુ પ્રદેશોને તેમની અનન્ય શક્તિઓ અને વિકાસલક્ષી તૈયારી દર્શાવવા માટે સશક્ત બનાવવાનો છે, જ્યારે પાયાના સ્તરે જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે, એમ સૂચનામાં જણાવાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના ઘણા દેશો દ્વારા તેમના સૌથી મોટા નાગરિક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગયા શુક્રવારે, PM Modi ને ત્રિનિદાદ અને ટોબેગોનો સૌથી મોટો નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો’ આપવામાં આવ્યો હતો. આના બે દિવસ પહેલા, ઘાનાએ પણ તેમને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ સન્માનથી સન્માનિત કર્યા હતા. છેલ્લા 10 વર્ષમાં, PM Modi ને 25 મોટા આંતરરાષ્ટ્રીય નાગરિક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આવી સ્થિતિમાં, આજે આપણે તે બધા 25 સન્માનો વિશે જાણીશું. જેણે સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધાર્યું છે.
સાઉદી અરેબિયા: કિંગ અબ્દુલઅઝીઝ સશ
સાઉદી અરેબિયાએ વર્ષ 2016 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘કિંગ અબ્દુલઅઝીઝ સશ’ થી સન્માનિત કર્યા હતા. આ સન્માન બંને દેશોના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા માટે આપવામાં આવ્યું હતું.
અફઘાનિસ્તાન: ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન
અફઘાનિસ્તાને 2016 માં પીએમ મોદીને ‘સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન’ એનાયત કર્યો. આ અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતના યોગદાન બદલ અફઘાનિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
પેલેસ્ટાઇન: ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન
પેલેસ્ટાઇન દ્વારા 2018 માં પીએમ મોદીને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન’ એનાયત કરવામાં આવ્યું. આ સન્માન પેલેસ્ટાઇનને ભારતના સતત સમર્થનની માન્યતા છે.
સંયુક્ત આરબ અમીરાત: ઓર્ડર ઓફ ઝાયેદ
યુએઈએ 2019 માં પીએમ મોદીને ‘ઓર્ડર ઓફ ઝાયેદ’ એનાયત કર્યો. આ સન્માન ભારત-યુએઈ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા બદલ આપવામાં આવ્યું હતું.
રશિયા: ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ
રશિયાએ 2019 માં પીએમ મોદીને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ’ એનાયત કર્યો. આ સન્માન રશિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે આપવામાં આવ્યું હતું.
માલદીવ્સ: નિશાન ઇઝ્ઝુદ્દીન
માલદીવે 2019 માં પીએમ મોદીને ‘ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન’ એનાયત કર્યો. આ માલદીવ્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે ભારત-માલદીવ્સ મિત્રતાને પ્રતિબિંબિત કરે છે.
બહેરીન: રાજા હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં
બહેરીને 2019 માં પીએમ મોદીને ‘કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’ એનાયત કર્યો. તે બંને દેશો વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા માટે આપવામાં આવ્યો હતો.
અમેરિકા: લીજન ઓફ મેરિટ
અમેરિકાએ 2020 માં પીએમ મોદીને ‘લીજન ઓફ મેરિટ’ એનાયત કર્યો. તે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો હતો.
ભૂટાન: ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો
વર્ષ 2021 માં, ભૂટાને પીએમ મોદીને ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’ એનાયત કર્યો. આ ભારત અને ભૂટાન વચ્ચેના મજબૂત અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે.
પાપુઆ ન્યુ ગિની: અબાકલ એવોર્ડ
વર્ષ 2023 માં, પાપુઆ ન્યુ ગિનીએ પીએમ મોદીને ‘અબાકલ એવોર્ડ’ થી સન્માનિત કર્યા. આ એવોર્ડ ભારત-પેસિફિક દેશોમાં ભારતની ભૂમિકા માટે આપવામાં આવ્યો હતો.
ફીજી: કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી
ફીજીએ વર્ષ 2023 માં પીએમ મોદીને ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી’ થી સન્માનિત કર્યા. આ ભારત અને ફીજી વચ્ચેના મજબૂત સંબંધોને માન્યતા આપવા માટે આપવામાં આવ્યું હતું.
પાપુઆ ન્યુ ગિની: ઓર્ડર ઓફ લોગોહુ
પાપુઆ ન્યુ ગિનીએ વર્ષ 2023 માં પીએમ મોદીને ‘ઓર્ડર ઓફ લોગોહુ’ પણ આપ્યો હતો. આ દેશનો સૌથી મોટો નાગરિક સન્માન છે, જે તેમની વૈશ્વિક નેતૃત્વ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
ઇજિપ્ત: ઓર્ડર ઓફ ધ નાઇલ
ઇજિપ્તે વર્ષ 2023 માં પીએમ મોદીને ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ થી સન્માનિત કર્યા. આ ઇજિપ્તનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જે ભારત-ઇજિપ્ત વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક છે.
ફ્રાન્સ: ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર
ફ્રાન્સે વર્ષ 2023 માં પીએમ મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર’ એનાયત કર્યો. તે ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
ગ્રીસ: ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર
ગ્રીસે વર્ષ 2023 માં પીએમ મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’ એનાયત કર્યો. તે ભારત-ગ્રીસ સંબંધોમાં તેમની ભૂમિકાને માન્યતા આપવા માટે આપવામાં આવ્યો હતો.
ડોમિનિકા: ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર
ડોમિનિકાએ વર્ષ 2024 માં પીએમ મોદીને ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’ એનાયત કર્યો. તે ભારત અને કેરેબિયન દેશો વચ્ચે વધતા સંબંધોનું પ્રતીક છે.
નાઇજીરીયા: ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર
નાઇજીરીયાએ 2024 માં પીએમ મોદીને ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’ એનાયત કર્યો. તે ભારત અને આફ્રિકન દેશો વચ્ચેના મજબૂત સંબંધોની માન્યતા છે.
ગુયાના: ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ
ગુયાનાએ વર્ષ 2024 માં પીએમ મોદીને ‘ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ’ એનાયત કર્યો. તે ભારત-ગુયાના આર્થિક અને સાંસ્કૃતિક ભાગીદારીમાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યો હતો.
બાર્બાડોસ: માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ
બાર્બાડોસે વર્ષ 2024 માં પીએમ મોદીને ‘માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એનાયત કર્યો. તે ભારત અને બાર્બાડોસ વચ્ચેના સહયોગને પ્રતિબિંબિત કરે છે.
કુવૈત: મુબારક અલ-કબીર ઓર્ડર
કુવૈતે વર્ષ 2024 માં પીએમ મોદીને ‘મુબારક અલ-કબીર ઓર્ડર’ આપ્યો. તે ભારત અને કુવૈત વચ્ચેના ઐતિહાસિક અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા માટે આપવામાં આવ્યો હતો.
મોરેશિયસ: ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિંદ મહાસાગર
મોરેશિયસે વર્ષ 2025 માં પીએમ મોદીને ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિંદ મહાસાગર’ એનાયત કર્યો. તે મોરેશિયસ સાથે ભારતના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે.
શ્રીલંકા: શ્રીલંકા મિત્ર વિભૂષણ
શ્રીલંકાએ વર્ષ 2025 માં પીએમ મોદીને ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’ થી સન્માનિત કર્યા. આ શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જે ભારત-શ્રીલંકા મિત્રતાનું પ્રતીક છે.
સાયપ્રસ: ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિઓસ III
સાયપ્રસે 2025 માં પીએમ મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિઓસ III’ એનાયત કર્યો. આ સાયપ્રસ-ભારત સંબંધોની મજબૂતાઈની ઓળખ છે.
ઘાના: ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના
ઘાનાએ 2025 માં પીએમ મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એવોર્ડ એનાયત કર્યો. આ ભારત અને ઘાના વચ્ચે વધતા રાજદ્વારી સંબંધોને પ્રતિબિંબિત કરે છે.
ત્રિનિદાદ અને ટોબેગો: ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો
ત્રિનિદાદ અને ટોબેગોએ 2025 માં પીએમ મોદીને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો’ એનાયત કર્યું. આ પહેલી વાર છે જ્યારે તે કોઈ વિદેશી નેતાને આપવામાં આવ્યું છે.
ફિલ્મ ‘ધુરંધર’ ઘણા સમયથી સમાચારમાં છે. તાજેતરમાં રણવીર સિંહે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મનો પહેલો લુક આવતીકાલે રણવીર સિંહના જન્મદિવસ (6 જુલાઈ) પર રિલીઝ થઈ શકે છે. ફિલ્મનો પહેલો લુક રણવીર માટે જન્મદિવસના સરપ્રાઈઝ જેવો હશે, કારણ કે અભિનેતાએ અત્યાર સુધી ફિલ્મનો આ લુક જોયો નથી. તેને પણ દર્શકોની જેમ રાહ જોવાનું કહેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિગ્દર્શક આદિત્ય ધરે રણવીર સિંહના જન્મદિવસ પર ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવાની યોજના બનાવી હતી. તે આવું કરીને રણવીરને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. રણવીરથી પણ ફર્સ્ટ લુક ગુપ્ત રાખવામાં આવ્યો હતો. પરંતુ રણવીર સિંહને શૂટિંગ સાથે સંકળાયેલા કેટલાક લોકો દ્વારા આ વાતની ખબર પડી. અભિનેતાએ આદિત્ય ધરને આ વિશે પૂછપરછ કરી. પહેલા તો આદિત્યએ રણવીરને કંઈ કહ્યું નહીં, બાદમાં તેણે તેને રાહ જોવાનું પણ કહ્યું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક આવતીકાલે એટલે કે 6 જુલાઈના રોજ રિલીઝ થઈ શકે છે. પરંતુ ફિલ્મ સાથે સંકળાયેલી ટીમે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેટલાક વીડિયો વાયરલ થયા હતા, જેમાં રણવીર સિંહના લુકની ઝલક જોવા મળી હતી. રણવીરની દાઢી અને વાળ લાંબા હતા અને તે ફિલ્મ ‘ધુરંધર’નું શૂટિંગ કરી રહ્યો હતો.
શું ફિલ્મ ‘ધુરંધર’ એક્શનથી ભરપૂર હશે?
જો આપણે દિગ્દર્શક આદિત્ય ધરની કારકિર્દી પર નજર કરીએ તો તેમણે અત્યાર સુધી ‘ઉરી’, ‘આર્ટિકલ 370’ અને ‘ધૂમ ધામ’ જેવી લોકપ્રિય એક્શન ડ્રામા ફિલ્મો બનાવી છે. તેઓ એક્શન શૈલીના માસ્ટર છે. ફિલ્મ ‘ધુરંધર’ વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે એક પ્રખ્યાત જાસૂસ એજન્ટની વાર્તા છે. જો તે જાસૂસ એજન્ટની વાર્તા છે, તો તેમાં પણ પુષ્કળ એક્શન અને ડ્રામા હશે.
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં ભાગેડુ જાહેર કરાયેલા નીરવ મોદીના ભાઈ નેહાલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના અધિકારીઓએ ભારત સરકારને માહિતી આપી છે કે નેહાલ મોદીની ધરપકડ શુક્રવાર, 4 જુલાઈ, 2025એ થઈ હતી. આ ધરપકડ ભારતની બે મહત્વપૂર્ણ એજન્સીઓ ED અને CBI દ્વારા કરવામાં આવેલી એક્સ્ટ્રાડિક્શન રિક્વેસ્ટને આધારે થઈ છે.
નેહાલ મોદી દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંથી એક પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં વોન્ટેડ છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે પોતાના ભાઈ નીરવ મોદીના કાળા ધનને સફેદ કરવા અને છુપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ED અને CBIની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે નેહાલ મોદીએ અનેક શેલ કંપનીઓના માધ્યમથી વિદેશમાં મોટા પાયે રકમની ટ્રાન્સફર કરી હતી. તેનો ઉદ્દેશ છેતરપિંડીની કમાણી થયેલી રકમને ટ્રેકથી બહાર રાખવી.
નેહાલ મોદીની એક્સ્ટ્રાડિક્શન સંબંધિત સુનાવણી માટેની આગામી 17 જુલાઈ, 2025 નક્કી કરવામાં આવી છે. એ દિવસે અમેરિકાની અદાલતમાં સ્ટેટસ કોનફરન્સ થશે. અપેક્ષા છે કે નેહાલ મોદી આ દિવસે જામીન માટે અરજી કરશે, પરંતુ અમેરિકાના સરકારી વકીલ તેનો વિરોધ કરશે. ભારત સરકારનો પ્રયાસ છે કે નેહાલ મોદીને જલદી ભારત લાવવામાં આવે જેથી તેની સામે દેશના કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય.
ભાષા વિવાદ પર આજે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભેગા થયા. બંને ભાઈઓએ 20 વર્ષ પછી સાથે સ્ટેજ શેર કર્યું. આ દરમિયાન રાજ અને ઉદ્ધવે મરાઠી પર ભાષણ આપ્યું અને ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા. આ દરમિયાન રાજે કહ્યું કે મરાઠી બોલવી પડશે, જે કોઈ એવું કરવાનો ડોળ કરે છે, તેને કાન નીછે ફટકારો.
Mumbai, Maharashtra: MNS chief Raj Thackeray says, “They diverted issue saying Uddhav Thackeray son’s educated from english medium, we have list of leaders whom son’s educated from english medium. We educated from marathi language my son educated from english medium I want to… pic.twitter.com/MgYccZ1L3b
તાજેતરમાં, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, વેપારીઓને મરાઠી ન બોલી શકવા બદલ માર મારવામાં આવ્યો હતો. આ માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સાથે, સરકારે આવું કરનારાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. સમગ્ર મુદ્દા પર, રાજ ઠાકરેએ કહ્યું કે કારણ વગર કોઈને માર ન મારવો, પરંતુ જો કોઈ વધુ પડતું નાટક કરે છે, તો તેને કાન નીચે ફટકારો પરંતુ તેનો વીડિયો ન બનાવો.
Mumbai, Maharashtra: MNS chief Raj Thackeray says, “They diverted issue saying Uddhav Thackeray son’s educated from english medium, we have list of leaders whom son’s educated from english medium. We educated from marathi language my son educated from english medium I want to… pic.twitter.com/MgYccZ1L3b
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી, ઘણા રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો. ઘણા સામાન્ય લોકોએ પણ કહ્યું કે આ પ્રકારની માર મારવી ખોટી છે. આ જ કારણ છે કે મનસે કાર્યકરોને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. હવે આ બાબતે રાજે સ્પષ્ટતા કરી કે આગલી વખતે જો તમે કોઈને મારશો તો વીડિયો ના બનાવો.
Mumbai, Maharashtra: MNS chief Raj Thackeray says, “There are many Army regiments (Maratha, Dogra, Jammu and Kashmir Rifles, Gorkha, and others) but when they operate against the enemy, they work together; they are not divided by language. So why are you making Hindi compulsory?” pic.twitter.com/QkCwzp8nmI
રાજ ઠાકરેએ કહ્યું કે ગુજરાતી હોય કે બીજું કોઈ, તેને મરાઠી આવડવી જોઈએ. જો તે મરાઠી નથી જાણતો, તો તેને મારવાની કોઈ જરૂર નથી. જો તે નાટક કરે છે, તો તેને કાનમાં મારવો. તેમણે કાર્યકરોને કહ્યું કે જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો છે તેને કહેવું જોઈએ કે તેને માર મારવામાં આવ્યો છે. તમારે બધાને કહેવાની જરૂર નથી કે તમે કોઈને માર માર્યો છે.
અમે શાંત છીએ, મૂર્ખ નથી – રાજ ઠાકરે
રાજ ઠાકરેએ સરકાર પર બળજબરીથી હિન્દી લાદવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “હિન્દીભાષી રાજ્યોના લોકો અહીં રોજગાર માટે આવે છે. તેઓ અહીં આવે છે અને અમને હિન્દી શીખવાનું કહે છે.
મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં આજનો દિવસ નોંધાઈ ગયો છે. 20 વર્ષ પછી, પરસ્પર ફરિયાદો ભૂલીને, ઠાકરે બંધુઓની કેમેસ્ટ્રી ફરી એકવાર જોવા મળી છે. એક એવી તસવીર જોવા મળી જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. મનસેના વડા રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે વિજય રેલીમાં પહોંચ્યા. બંને સ્ટેજ પર આગળ વધીને એકબીજાને ગળે લગાવીને એક મોટો રાજકીય સંદેશ આપ્યો.
Mumbai, Maharashtra: MNS chief Raj Thackeray says, “…No one can bring Raj Thackeray and Uddhav Thackeray together but Devendra Fadnavis did it…” pic.twitter.com/Orw2XtowMG
મરાઠી ભાષાની ઓળખ બચાવવા માટે આ લડાઈમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક સાથે આવ્યા છે. ફડણવીસ સરકારે ત્રણ ભાષા નીતિ પર યુ-ટર્ન લીધા પછી આ વિજય રેલી યોજાઈ હતી. આ રેલી દરમિયાન, રાજ ઠાકરેએ સાથે આવવા વિશે કહ્યું, જે બાળાસાહેબ ન કરી શક્યા, ફડણવીસે તે કરી બતાવ્યું. તે જ સમયે, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, અમે સાથે આવ્યા છીએ, સાથે રહેવા માટે.
Mumbai, Maharashtra: MNS chief Raj Thackeray says, “They diverted issue saying Uddhav Thackeray son’s educated from english medium, we have list of leaders whom son’s educated from english medium. We educated from marathi language my son educated from english medium I want to… pic.twitter.com/MgYccZ1L3b
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે 2005માં અણબનાવ થયો હતો. ત્યારબાદ રાજ ઠાકરેએ પોતાની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી હતી. ત્યારથી, આજે એ દિવસ આવી ગયો છે જ્યારે ઠાકરે ભાઈઓ ફરી એકવાર સાથે જોવા મળે છે. આ પ્રસંગે રાજ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલ ત્રણ ભાષાનું સૂત્ર (ત્રણ ભાષાઓ) મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની તેની યોજનાનો સંકેત હતો.
ફડણવીસ વિશે શું કહ્યું?
રાજ ઠાકરેએ વિજય રેલીને સંબોધતા મજાકમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને અને ઉદ્ધવને એકસાથે લાવ્યા છે અને આ એવું કંઈક છે જે બાળાસાહેબ ઠાકરે પણ કરી શક્યા નહીં. બે દાયકા પછી, ઉદ્ધવ અને રાજે જાહેર મંચ શેર કર્યો અને આવાઝ મરાઠીચા નામની વિજય સભાનું આયોજન કર્યું. મંચ પર બેઠેલા ઉદ્ધવની સામે મનસેના વડાએ કહ્યું કે, મરાઠી લોકોની મજબૂત એકતાને કારણે, મહારાષ્ટ્ર સરકારે ત્રણ ભાષાના સૂત્ર પરનો નિર્ણય પાછો ખેંચી લીધો. આ નિર્ણય મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની યોજનાનો સંકેત હતો.
મહારાષ્ટ્ર કોઈપણ લડાઈ કરતાં મોટું છે
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું, મહારાષ્ટ્ર કોઈપણ લડાઈ કરતાં મોટું છે. 20 વર્ષ પછી, ઉદ્ધવ અને રાજ ઠાકરે એક મંચ પર ભેગા થયા છે. હિન્દી ભાષા પર ફડણવીસ સરકાર પર નિશાન સાધતા રાજ ઠાકરેએ કહ્યું, તમે કોઈના પર હિન્દી લાદી શકતા નથી. કોઈપણ ભાષા શ્રેષ્ઠ છે. મરાઠાઓએ 150 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું. પરંતુ તેમણે કોઈના પર મરાઠી લાદી નહીં. તેમણે એમ પણ કહ્યું, નીતિ લાગુ કરીને ભાષા લાગુ થતી નથી.
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું, ભાષા પછી, તેઓ તમને જાતિના આધારે વિભાજીત કરશે, પરંતુ તેઓ સફળ થશે નહીં. આ સાથે, ઉદ્ધવ ઠાકરેએ બંને ભાઈઓ સાથે મળીને આવવા પર એમ પણ કહ્યું, અમને મ્યુનિસિપલ ચૂંટણીઓનો શોખ નથી, અમને મહારાષ્ટ્રનો શોખ છે.
16 ફ્લોપ ફિલ્મો આપનાર આ અભિનેતા બીજું કોઈ નહીં પણ અમિતાભ બચ્ચન છે, જેમને આજે બોલિવૂડના સુપરસ્ટાર કહેવામાં આવે છે. પરંતુ, આ સ્થાન મેળવવું તેમના માટે અન્ય કોઈપણ સંઘર્ષકાર જેવું હતું.
ઘણા ઉતાર-ચઢાવ પછી તેઓ સુપરસ્ટાર બન્યા. ‘દુનિયા કા મેલા’માંથી બહાર થયા પછી અને 16 ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગયા પછી તેમને ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાં ઓછું કામ મળવા લાગ્યુ. પરંતુ આજે તેઓ જે પણ ફિલ્મમાં કામ કરે છે, તે સુપરહિટ સાબિત થાય છે.ફિલ્મમાં તેમની હાજરી જ મોટી વાત બની જાય છે. તાજેતરમાં રઝા મુરાદે બિગ બી વિશે ઘણા ખુલાસા કર્યા. રઝા મુરાદે કહ્યું,’જ્યારે નસીબ તેમના પક્ષમાં હતું, ત્યારે બધું સારું થયું.’
એક ફ્લોપ હીરો કેવી રીતે સુપરસ્ટાર બન્યો
‘ઝંજીર’ પહેલા પ્રકાશ મહેરાએ દિલીપ કુમાર, ધર્મેન્દ્ર, દેવ આનંદ અને રાજકુમાર જેવા દિગ્ગજોને ફિલ્મ ઓફર કરી હતી, પરંતુ તે બધાએ ના પાડી દીધી હતી. તેઓ ડરી ગયા હતા કારણ કે ફિલ્મ એક જ વ્યક્તિ પર ખૂબ કેન્દ્રિત હતી. પ્રકાશ મહેરાએ આખરે જયા બચ્ચનને અમિતાભને લેવા માટે ભલામણ કરવી પડી અને પછી અમિતાભનું નસીબ ચમક્યું. તેમણે 16 ફ્લોપ પછી એક જ સુપરહિટ ફિલ્મ સાથે ઇતિહાસ રચ્યો. ફિલ્મી ચર્ચા સાથેની વાતચીતમાં મુરાદે કહ્યું,’ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે તમારે 90 ટકા નસીબની જરૂર છે. યોગ્ય સ્ક્રિપ્ટ યોગ્ય અભિનેતાને મળે છે…એવું ક્યારેય બનતું નથી કે સફળતા ફક્ત સખત મહેનતથી મળે.’
આ ફિલ્મ સાથે અમિતાભ બચ્ચનનું નસીબ ચમક્યું
જે લોકો નથી જાણતા તેમને જણાવી દઈએ કે ‘ઝંજીર’ ફિલ્મે તેમનું કરિયર બનાવી દીધું. આ ફિલ્મ પછી બોલીવુડમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા. આ ફિલ્મ એક ઉદાહરણ છે કે ભાગ્ય કેવી રીતે આખી કારકિર્દી બદલી શકે છે. આ ફિલ્મ આજે પણ એ વાતનો પુરાવો આપે છે કે ક્યારેક,સફળતા મેળવવા માટે ખરાબ સમયમાં પણ આશા રાખવી જરૂરી છે.
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ સંબંધિત ચર્ચા મુદ્દે PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ X પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનાં નિવેદનોનો હવાલો આપતાં વડા પ્રધાન મોદીને નિશાન પર લીધા હતા. તેમનો દાવો છે કે PM મોદી ડોનાલ્ડ ટ્રમ્પની શરતો માનીને આગળ ઝૂકી જશે. ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી આ ટેરિફ સંબંધી વાટાઘાટોની સમયમર્યાદા નવ જુલાઈએ પૂરી થાય છે.
રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી વેપાર કરારના વિવાદ વચ્ચે સમયમર્યાદા સામે ઝૂકી જશે. તેમણે આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ કહ્યું છે કે ભારત માત્ર ત્યારે જ વેપાર કરાર કરશે જ્યારે તેનાં હિતોની સુરક્ષા થાય.
ગાંધીએ કહ્યું હતું કે પીયૂષ ગોયલ ભલે પોતાની છાતી પીટે, પણ મારા શબ્દો યાદ રાખો– મોદી ટ્રમ્પની ટેરિફ સમયમર્યાદા સામે ઝૂકી જશે.
“पीयूष गोयल जितना चाहें अपनी छाती पीट लें, लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप की टैैरिफ डेडलाइन के आगे झुक जाएंगे”
ટ્રમ્પે અગાઉ ભારતને ટેરિફનો સૌથી વધુ દુરુપયોગ કરનાર દેશ કહ્યો હતો અને ભારતને “ટેરિફ કિંગ” તરીકે સંબોધિત કર્યું હતું. 2 એપ્રિલે “મુક્તિ દિવસ”ની ઉજવણી દરમિયાન તેમણે પરસ્પર ટેરિફ અંતર્ગત ભારતીય ઉત્પાદનો પર 26 ટકા શૂલ્ક લગાવવાની જાહેરાત કરી હતી. જોકે, પછી અમેરિકાએ આ ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કરી દીધો, જેથી અન્ય દેશો સાથે સમજૂતીની તકો બની શકે.
ભારતે મકાઈ અને સોયાબીન જેવા અમેરિકન કૃષિ ઉત્પાદનોની આયાત પર ટેરિફ ઘટાડવાને મુદ્દે સખત વલણ દાખવ્યું છે. તદુપરાંત, ભારતમાં આશરે આઠ કરોડ લોકોને રોજગાર આપતી ડેરી ઉદ્યોગમાં પ્રવેશ આપવાની ટ્રમ્પ વહીવટી તંત્રની માગ પણ વિવાદાસ્પદ મુદ્દો બની છે.