Home Blog Page 795

અદાણી પાવરની વિસ્તરણ યોજનાઓને કેન્દ્રની મંજૂરી

અમદાવાદઃ દેશની સૌથી મોટી ખાનગી થર્મલ સ્વતંત્ર પાવર ઉત્પાદક અદાણી પાવર લિમિટેડ (APL) માટે વધુ એક સારા સમાચાર છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC)ની નિષ્ણાત પેનલે અદાણી પાવર લિમિટેડને હાલના થર્મલ પાવર પ્લાન્ટ્સના વિસ્તરણ માટે મંજૂરી આપી છે. આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે ભારત દેશની વધતી જતી ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે આગામી છ વર્ષમાં 90 ગિગાવોટ (GW) વીજઉત્પાદન ક્ષમતા ઉમેરવા માટે હરણ ફાળભરી રહ્યું છે.

દેશની ટોચની વીજમાગ 2032 સુધીમાં 458 GW સુધી પહોંચવાનો અંદાજ છે. જેને પહોંચી વળવા માટે દેશ તેની કુલ વીજઉત્પાદન ક્ષમતાને વર્તમાન 476 GWથી વધારીને 900 GW કરવાની યોજના ધરાવે છે. સરકાર હવે નાણાકીય વર્ષ 2025-26માં 12.86 GW થર્મલ ક્ષમતા ઉમેરવાની અપેક્ષા રાખે છે.

પર્યાવરણ મંત્રાલયની થર્મલ પ્લાન્ટ્સ પરની નિષ્ણાત મૂલ્યાંકન સમિતિ (EAC) એકોરબાના 600 મેગાવોટના લેન્કો અમર કંટક પાવર પ્લાન્ટના વિસ્તરણ સાથે આગળ વધવાની ભલામણ કરી હતી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્લાન્ટ અદાણી ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો. અદાણી પાવર લિમિટેડ આ પ્લાન્ટને વધારાની 1320 MW (660 MW x 2) ક્ષમતા સાથે વિસ્તૃત કરી રહી છે. કંપની નાણાકીય વર્ષ 2032 સુધીમાં 13.12 GW થર્મલક્ષમતા ઉમેરીને 30.67 GW સુધી પહોંચવાની યોજના ધરાવે છે, જે હાલમાં 17.5 GW છે.

EACની બેઠકમાં વિસ્તરણ માટે પ્રસ્તાવિત છ થર્મલ પાવર પ્લાન્ટની સમીક્ષામાં અન્ય ત્રણ કંપનીઓના પ્રોજેક્ટ, નિષ્ણાત પેનલ તરફથી પર્યાવરણીય મંજૂરી મેળવવામાં નિષ્ફળ ગયા હતા. અમદાવાદસ્થિત અદાણી પાવર લિમિટેડ (APL) ક્ષમતા વિસ્તરણના પ્રયાસોને સતત વેગ આપી રહી છે. ભારતની વધતી જતી વીજમાંગને જોતા 2030 સુધીમાં સરકારે 400 ગીગાવોટ પાવર જનરેશન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.જેમાંથી 300 ગીગા વોટ થર્મલપાવર પ્લાન્ટમાંથી પેદા થશે. આગામી 5-6વર્ષોમાં તે 80-90 GW  થર્મલક્ષમતા ઉમેરવાની જરૂર પડશે.

ICUમાં દાખલ પ્રખ્યાત કોમેડિયનની મદદ માટે પ્રભાસ આવ્યો આગળ

‘બાહુબલી’ફેમ અભિનેતા પ્રભાસે એવું કંઈક કર્યું છે જેની પ્રશંસા થઈ રહી છે. પ્રભાસે પીઢ કોમેડિયન ફિશ વેંકટને તેમના મુશ્કેલ સમયમાં મદદ કરવા આગળ આવ્યા છે. હાસ્ય કલાકાર ફિશ વેંકટ, જે હાલમાં ગંભીર હાલતમાં ICU માં દાખલ છે, તેમને તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. આ માટે પ્રભાસે હવે આગળ આવીને કોમેડિયનને આર્થિક સહાય પૂરી પાડી છે. આ માહિતી ફિશ વેંકટની પુત્રીએ પોતે આપી છે.

વન ઈન્ડિયા સાથે વાત કરતા ફિશ વેંકટની પુત્રી શ્રાવંતીએ જણાવ્યું કે પ્રભાસની ટીમે તેના પિતાને આર્થિક મદદ કરી છે. શ્રાવંતીએ તેના પિતા સાથે કામ કરનારા ટોલીવુડના અગ્રણી કલાકારોને પણ મદદ માટે અપીલ કરી છે. શ્રાવંતીએ કહ્યું કે ફિશ વેંકટના કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે તેમને લગભગ 50 લાખ રૂપિયાની જરૂર છે અને પ્રભાસે ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું છે. તેના પિતાની ગંભીર સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા શ્રાવંતીએ કહ્યું કે તે ICUમાં છે અને તેમને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂ
ર છે.

કિડની ડોનર હજુ સુધી મળ્યો નથી

ફિશ વેંકટની પુત્રીએ જણાવ્યું કે પપ્પાની તબિયત ખૂબ જ ખરાબ છે. તેમની હાલત નાજુક છે. તેઓ ICU માં છે અને તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, જેના પર અમારે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.પ્રભાસના સહાયકે અમારો સંપર્ક કર્યો અને નાણાકીય સહાયની ખાતરી આપી. તેમણે અમને ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યારે તેમને જાણ કરવા કહ્યું જેથી તેઓ તેની ફી ચૂકવી શકે. પ્રભાસની મદદથી થોડી રાહત મળી છે, પરંતુ સૌથી મોટો પડકાર કિડની ડોનર શોધવાનો છે.ફિશ વેંકટની પુત્રીએ ખુલાસો કર્યો કે પરિવારમાં કોઈ તેમને કિડની દાન કરી શકતું નથી. તેથી, દાતાની શોધ હજુ ચાલુ છે.

શ્રાવંતીએ અન્ય કલાકારોને પણ ભાવનાત્મક અપીલ કરી છે

શ્રાવંતીએ ટોલીવુડના અન્ય અગ્રણી સ્ટાર્સને પણ ભાવનાત્મક અપીલ કરી છે અને તેમને મદદ માટે આગળ આવવા કહ્યું છે. શ્રાવંતીએ કહ્યું કે ભલે તે ચિરંજીવી હોય, પવન કલ્યાણ હોય, અલ્લુ અર્જુન હોય કે જુનિયર NTR હોય, મને આશા છે કે તેઓ મારા પિતા માટે ડોનર શોધવામાં મદદ કરશે. તેમણે તે બધા સાથે આવી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે કોઈને તેની પરવા નથી. હું બધાને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા પિતાને મદદ કરો.

ફિશ વેંકટ તેમના કોમેડી અને ખલનાયક મુખ્ય ભૂમિકાઓ માટે જાણીતા છે. તેમની મજબૂત તેલંગાણા બોલીને કારણે તેમને ‘ફિશ’ ઉપનામ મળ્યું. તેમણે ‘બન્ની’, ‘અધુર્સ’ અને ‘ધી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

બિહારમાં મતદાતા યાદીનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાતા યાદીની વિશેષ ગહન સમીક્ષા એટલે કે SIRનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ચૂંટણી પંચના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચનો આ નિર્ણય મનસ્વી છે અને તેનાથી લાખો મતદાતાઓ તેમના મતાધિકારથી વંચિત રહી શકે છે. સુપ્રીમ કોર્ટને આપેલી અરજીમાં આ મામલામાં હસ્તક્ષેપ કરવાની માગ કરવામાં આવી છે.

SIR એટલે શું?

SIR એટલે કે Special Intensive Revision — મતદાતા યાદીની વિશેષ ગહન સમીક્ષા, જે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલાં મતદાતા યાદીનું અપડેશન કરવું એક સામાન્ય પ્રક્રિયા હોય છે, પણ આ વખતે પંચે પહેલી જુલાઈથી ખાસ અભિયાન તરીકે શરૂ કર્યું છે. વિરોધ પક્ષો આ પંચની નીતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ચૂંટણી પંચની દલીલ શું છે?

ચૂંટણી પંચે દલીલ કરી હતી કે બિહારમાં છેલ્લી વખત આવી ગહન સમીક્ષા 2003માં થઈ હતી અને ત્યાર બાદ હજુ સુધી થઈ નથી. તેથી આ અભિયાન જરૂરી છે. આ સમીક્ષા માટે પંચે મતદાતાઓ માટે એક ફોર્મ તૈયાર કર્યું છે. જેમને 1 જાન્યુઆરી, 2003ની મતદાતા યાદીમાં નામ હતું, તેમને માત્ર એક ગણતરી ફોર્મ ભરવું પડશે અને કોઈ પુરાવો આપવાની જરૂર નહીં પડે. બિહારમાં આવા અંદાજે 4.96 કરોડ મતદાતા છે. પંચે 2003ની મતદાતા યાદી વેબસાઈટ પર પણ મૂકી છે.

બસ, આ બધા પુરાવાની માગને લઈને આખો વિવાદ ઊભો થયો છે, કારણ કે લોકો પૂછે છે કે આટલા ઓછા સમયમાં આ બધા પુરાવા ક્યાંથી લાવશે? વિરોધ પક્ષો અને નાગરિક સંસ્થાઓએ આ મુદ્દે ગંભીર શંકાકુશંકાઓ વ્યક્ત કરી છે.

કોણ છે બોની કપૂરની દીકરી અંશુલાનો મંગેતર રોહન ઠક્કર?

તાજેતરમાં અંશુલા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે,જેમાં બોયફ્રેન્ડ રોહન ઠક્કર તેને ન્યૂયોર્કમાં પ્રપોઝ કરી રહ્યો છે. આ તસવીરોમાં રોહને અંશુલાને સગાઈની રીંગ પહેરાવી છે. અંશુલા એક ફિલ્મી પરિવારમાંથી આવે છે. પિતા બોની કપૂર એક જાણીતા નિર્માતા છે, ભાઈ અર્જુન કપૂર એક અભિનેતા છે. સાવકી બહેનો ખુશી અને જાહ્નવી કપૂર પણ અભિનેત્રીઓ છે. કોણ છે રોહન ઠક્કર જેને અંશુલા સાથે કરી સગાઈ?

રોહન ઠક્કરનું શિક્ષણ

રોહન ઠક્કરે પુણેની ફ્લેમ્સ યુનિવર્સિટીમાંથી એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તે લોસ એન્જલસ ગયો, જ્યાં તેણે 2013માં ન્યૂ યોર્ક ફિલ્મ એકેડેમીમાંથી સ્ક્રીનપ્લે લેખનમાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

સ્ક્રીનપ્લે લેખનમાં કારકિર્દી શરૂ કરી

જ્યારે રોહને સ્ક્રીનપ્લે લેખનમાં અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે તે ભારત આવ્યો અને કોપીરાઇટિંગ,સોશિયલ મીડિયા માર્કેટિંગ નિષ્ણાત તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં તે સ્ક્રીનપ્લે લેખનના ક્ષેત્રમાં પણ સક્રિય થયો. રોહને 2016 માં ‘નોવેલિસ્ટ’નામની ટૂંકી ફિલ્મ માટે લેખક તરીકે કામ કર્યું. આ ઉપરાંત તેણે ‘નેવર ટૂ લેટ (2016)’ અને ‘નિમ્બસ’ (2018) જેવી ટૂંકી ફિલ્મો માટે લેખનનું કામ પણ કર્યું.

કરણ જોહરની કંપની સાથે કામ કર્યું

આજકાલ રોહન ઠક્કર કરણ જોહરની પ્રોડક્શન કંપની ધર્મા પ્રોડક્શન્સ સાથે સંકળાયેલા છે.તે ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ માટે ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરે છે. આ ધર્મા પ્રોડક્શન એક ડિજિટલ કંપની છે. આ રીતે રોહન ઠક્કર પણ ફિલ્મ ઉદ્યોગમાં જોડાયા છે.

આમિરને ડર હતો ત્યારે યશજીએ કાઢી મૂક્યા નહીં!      

નિર્દેશક યશ ચોપડાએ આમિર ખાન સાથે પહેલી ફિલ્મ ‘પરંપરા’ (1993) કરી હતી પણ ‘ડર’ માંથી કાઢી મૂક્યા હતા. યશજીએ ફિલ્મ ‘પરંપરા’ (1993) માટે આમિરને પસંદ કર્યા પછી કહ્યું હતું કે શુટિંગ શરૂ થવામાં સમય લાગશે પણ એ પહેલાં એના પાત્રના રૂપમાં તારું ફોટોસેશન કરીશું. એ માટે સવારે ૧૧ વાગે આવી જજે. પણ આમિરે કહ્યું કે એને 9 વાગે મંસૂર ખાનની ફિલ્મ ‘જો જીતા વોહી સિકંદર’ (1992) નું શુટિંગ કરવા જવાનું છે. એટલે 7 વાગે આવી જશે. અને મોડું થશે તો પણ એ 11 વાગે મંસૂરના શુટિંગમાં પહોંચશે તો વાંધો નહીં આવે.

આમિર રાત્રે સૂઈ ગયા અને સવારે ઉઠ્યા ત્યારે સાડા અગિયાર વાગી ગયા હતા. આમિરે પત્ની રીનાને પૂછ્યું કે મારે ફોટોશૂટ અને ફિલ્મના શુટિંગ માટે જવાનું હતું તો મને ઉઠાડયો કેમ નહીં? રીનાએ કહ્યું કે સવારે 6 વાગે ઉઠાડયા ત્યારે એમ કહ્યું કે ફોટોશૂટ રદ થઈ ગયું છે અને 8 વાગે ઉઠાડયા ત્યારે કહ્યું કે ફિલ્મનુ શુટિંગ પણ રદ થઈ ગયું છે. આમિરને એવું કશું યાદ ન હતું. ઊંઘમાં એ જૂઠું બોલી ગયા હતા. હવે મુશ્કેલી એ હતી કે યશજીને કેવી રીતે જણાવવું કે એ ઊંઘતો રહ્યો હતો.

આમિરે યશ ચોપડાને ફોન કર્યો અને માફી માંગી સાચું કહી દીધું કે તેને રીનાએ ઉઠાડયો હતો પણ ફોટોશૂટ અને શુટિંગ રદ થયું હોવાનું કહી ઊંઘતો રહ્યો હતો. એ સમય પર યશ ચોપડા એક સફળ નિર્દેશક હતા. અને આમિર એમની સાથે પહેલી ફિલ્મ કરી રહ્યા હતા. આમિરને ડર હતો કે યશજી એને અવ્યાવસાયિક સમજીને ‘પરંપરા’ માંથી કાઢી મૂકશે પણ યશજીએ એમને માફ કરી દીધા હતા અને ફિલ્મમાં રાખ્યા હતા. જ્યારે ‘ડર’ માંથી કાઢી મૂક્યા હતા. યશ ચોપડાએ આમિર, સની અને જુહી સાથે ફિલ્મ ‘ડર’ નું આયોજન કર્યું હતું.

આમિરને વાર્તા પસંદ આવી હતી. પણ જ્યારે ફિલ્મમાં એકથી વધુ હીરો હોય ત્યારે આમિર સાથે બેસીને વાર્તા સાંભળવાનું જરૂરી હોવાનું માનતા હતા. કારણ જે હોય એ પણ યશજીને આ વાત અનુકૂળ આવી રહી ન હતી. જ્યારે આમિરે એમને કહ્યું કે સની અને અન્ય કલાકારો સાથે બેઠક યોજીને વાર્તા સાંભળવાનું ગોઠવીએ ત્યારે યશજીએ કહી દીધું હતું કે ફરી ક્યારેક કામ કરીશું અને આમિરને ‘ડર’ માંથી કાઢી મૂકીને શાહરૂખ ખાનને લીધો હતો. વર્ષો પછી યશજીએ ‘ફના’ (2006) માં ફરી આમિરની સાથે કામ કર્યું હતું.

મરાઠી અસ્મિતાને મુદ્દે ઠાકરેભાઈઓ 20 વર્ષે એક મંચ પર

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં 20 વર્ષ પછી મોટો ફેરફાર થવાનો છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફરી એક જ મંચ પર સાથે જોવા મળવાના છે. તેઓ વિજય રેલીમાં ભાગ લેશે. આ માટે NSCI ડોમમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મરાઠી લેખકોથી લઈ કલાકારોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ મંચ પર સુપ્રિયા સુલે પણ હાજર રહેશે, જે ઉદ્ધવ અને રાજથી પહેલાં સંબોધન કરશે.

ઉદ્ધવ અને રાજ ઠાકરેની પાર્ટીઓ જોર આપી રહી છે કે મહારાષ્ટ્રમાં કોઈ પણ વ્યકિત પર હિન્દી થોપી નહીં શકાય. હવે સમજવાની વાત એ છે કે વર્ષો સુધી જુદાં રહેલા ઠાકરે ભાઈઓ મહાયુતિ સરકારના એક નિર્ણયના કારણે માત્ર સાથે નથી આવ્યા, પણ તેમના એકતાએ સરકારને બેકફૂટ પર જવા મજબૂર કરી દીધીં છે.

અંતે કેવી રીતે મળ્યા ઠાકરેભાઈઓ?

આ વિવાદ ત્રણ ભાષા ફોર્મ્યુલાને લઈને શરૂ થયો હતો. નવી શિક્ષણ નીતિ અનુસાર મહારાષ્ટ્રમાં પ્રથમ ધોરણથી વિદ્યાર્થીઓને હિન્દી ભણવી પડશે, અને તેને ત્રીજી ભાષા તરીકે સ્થાન અપાયું હતું. પરંતુ જ્યારે તેનો ભારે વિરોધ થયો, ત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીઓએ આને હિન્દી થોપવાનું ષડયંત્ર ગણાવીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યાં. પરિણામે, ફડણવીસ સરકારને પીછેહઠ કરવી પડી.હાલ મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ફરજિયાત નહીં રહે. એક સમિતિની રચના કરવામાં આવી છે અને એ સમિતિનાં સૂચનોને આધારે જ આગળનો નિર્ણય લેવાશે, પરંતુ આ યુ-ટર્નને ઉદ્ધવ અને રાજ ઠાકરે તેમની મોટી જીત ગણાવી રહ્યા છે. રાષ્ટ્રીય રેલી પહેલાં તે જ તારીખે તેઓ સૌથી મોટું વિરોધ પ્રદર્શન પણ કરવા માગતા હતા, પણ હવે સરકારે પારોઠનાં પગલાં ભરતાં આને ‘વિજય રેલી’ નામ આપવામાં આવ્યું છે.

ચૂંટણી પંચે માગ્યા 11 દસ્તાવેજો, એક પણ સરળ નથીઃ બિહારના લોકો

પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ જેટલી ચર્ચા છે, એટલી જ વધુ ચર્ચા હવે એ વાતની છે કે લોકો મત કેવી રીતે આપી શકશે, કારણ કે ચૂંટણી પંચના નવા નિર્દેશો હેઠળ લોકો સામે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. બિહારનાં અનેક ગામોમાં લોકો ચૂંટણી પંચ દ્વારા માગવામાં આવેલા દસ્તાવેજો તૈયાર કરાવવા માટે દોડધામ કરી રહ્યા છે. રાજ્યમાં થોડા જ મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ચૂંટણી પંચે 25 જુલાઈ સુધી મતદારોની યાદીની પુષ્ટિ (વેરિફિકેશન)નું કામ પૂરું કરવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે આખા બિહારમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સૌથી વધુ મુશ્કેલી તેમને છે, જેમનું નામ 2003ની મતદારોની યાદીમાં નહોતું. બિહારમાં આવા લોકોની સંખ્યા 2.93 કરોડ છે.ચૂંટણી પંચે કહ્યું છે કે જરૂરી એવા 11 દસ્તાવેજોમાંથી કોઈ એક દસ્તાવેજ હાજર હશે તો જ મત આપવાનો અધિકાર મળશે. વિરોધ પક્ષોનો આરોપ છે કે ભાજપના ઈશારે ચૂંટણી પંચ બિહારના ગરીબ, દલિત, પછાત અને વંચિત વર્ગના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે.

ચૂંટણી પંચનું કહેવું છે કે પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 (Representation of the People Act, 1950) મુજબ મતદારોની યાદી તૈયાર કરવાનું કામ ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરોનું છે અને ચૂંટણી પંચ માત્ર માર્ગદર્શન આપી શકે છે. આ અધિનિયમ મુજબ કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં દાખલ કરવાનો અંતિમ નિર્ણય ERO દ્વારા લેવામાં આવે છે.

આ વાતનો સાર એ છે કે બિહારના જે રીતે સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ છે, તેમાં અહીંના લોકો માટે આ 11 દસ્તાવેજોમાંથી કોઈ એક પણ મેળવવો ખૂબ મુશ્કેલ બની રહ્યો છે.

રવા કટલેસ

કોઈવાર શાક-રોટલી ખાઈને કંટાળો આવ્યો હોય તો આ કટલેસ બનાવો તો તેમાં આવતા વેજીટેબલ્સ અને ઘઉંનો રવો તેને શાક-રોટલીની પૂરક બનાવે છે!

સામગ્રીઃ

  • બારીક રવો ½ કપ
  • બાફેલા બટેટા 4
  • બાફેલા વટાણા 1 કપ
  • સિમલા મરચું 1
  • ગાજર 1
  • કાંદો 1
  • કોબી ઝીણી સમારેલી ½ કપ
  • આદુ 2 ઈંચ
  • લીલા મરચાં 3-4
  • સમારેલી કોથમીર 1 કપ
  • ધોઈને સમારેલી પાલક ½ કપ
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • શેકેલા જીરાનો પાઉડર ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ

ખીરૂ બનાવવા માટેઃ

  • મેંદો 4 ટે.સ્પૂન
  • રેડ ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • સફેદ તલ 1 ટે.સ્પૂન
  • કોથમીર સમારેલી 1 ટે.સ્પૂન

રીતઃ એક પેનમાં 1 કપ પાણી ગરમ કરવા મૂકો. તેમાં થોડું મીઠું તેમજ 1 ચમચી તેલ મેળવીને પાણી ગરમ થાય એટલે રવો ઉમેરીને ચમચા વડે લોટ જેવું મિશ્રણ બંધાવા આવે  ત્યાં સુધી સતત મિક્સ કરતા રહો. ગેસની આંચ ધીમી મધ્યમ રાખવી. ત્યારબાદ ગેસ બંધ કરીને મિશ્રણ ઠંડું થવા દો.

બાફેલા બટેટા, વટાણાનો મેશર વડે છૂંદો કરી લો. તેમાં ઝીણી સમારેલી કોબી, કોથમીર તેમજ પાલક ઉમેરી દો. સિમલા મરચું, કાંદા, લીલાં મરચાં તથા ગાજરને ઝીણાં સમારીને ઉમેરી દો. આદુને ખમણીને ઉમેરો સાથે લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરુ પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, ચાટ મસાલો તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને આ મિશ્રણના રોટલીના લૂવા જેટલા ગોળા બનાવી રાખો. (તમે તમારી પસંદગીના શાક પણ રવા કટલેસમાં ઉમેરી શકો છો.)

એક બાઉલમાં મેંદો, ચિલી ફ્લેક્સ, થોડું મીઠું તેમજ સફેદ તલ લઈ તેમાં થોડું પાણી મેળવીને પાતળું ખીરું તૈયાર કરી લો.

રવાનું મિશ્રણ થોડું ગરમ હોવું જોઈએ જેથી લૂવો હાથમાં લઈ થાપીને પુરીનો આકાર આપી શકાશે. આ લૂવો વેજીટેબલ લૂવા કરતાં સહેજ મોટો રાખવો. પુરીનો આકાર આપ્યા બાદ તેમાં વેજીટેબલનો લૂવો મૂકીને ચારેકોરથી રવાની પુરી વાળીને પેક કરી લો. ફરીથી પૂરણવાળા લૂવાને હાથમાં થાપીને ચપટો ગોળો બનાવી લો. આમ કરવાથી રવાનું બહારનું પડ પાતળું થતું જશે. આ જ રીતે બાકીના ગોળા વાળી લો.

ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે વાળેલી કટલેસને મેંદાના ખીરામાં બોળીને પેનમાં આવે તેટલી ગોઠવી, ગેસની આંચ ધીમી-મધ્યમ કરીને બંને સાઈડથી રવા કટલેસ સોનેરી રંગની શેલો ફ્રાય કરી લો.

આ કટલેસ ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો. જો કે ગરમાગરમ કટલેસ ચટણી વગર પણ સારી લાગશે.

૦૫ જુલાઈ ૨૦૨૫

ભગવાને આપણને દરેકને સર્વાંગી સંપત્તિ આપી છે

શનિવારની સવારે હું લેખ લખવાની મથામણ કરી રહ્યો હતો. આ ગડમથલ દર વખતની હોય છે. ક્યારેક એકાદ-બે દિવસમાં બેથી ત્રણ લેખ લખાઈ જાય અને ફરી પાછો અમુક દિવસોનું અંતર રહી જાય. આ બધો મગજનો ખેલ છે. બે-ત્રણ લેખ લખાઈ જાય એટલે મગજ શાંત થઈ જાય અને થોડા દિવસ રહીને નવો લેખ લખવાનો આવે ત્યારે ફરી જહેમત ઉઠાવવી પડે.

ઉક્ત મુદ્દા પરથી કહી શકાય કે મગજને વ્યસ્ત રાખવું અને જરૂર પડ્યે એને કામમાંથી બહાર કાઢવું એ ઘણું અઘરું હોય છે. મગજ પણ હાથ, પગ, વગેરે અવયવોની જેમ વર્તવું જોઈએ, અર્થાત્ આપણને જ્યારે જોઈએ ત્યારે એ આપણે કહીએ એમ ચાલવું જોઈએ. જો મગજ આપણી ઈચ્છા અનુસાર વર્તે તો એ આશીર્વાદ કહેવાય અને જો એ આપણા કહ્યામાં ન હોય તો અભિશાપ બની જાય છે.

મારા મિત્રના પપ્પા હંમેશાં ફરિયાદ કરતા હોય છે, “મને રાતના ઊંઘ બરોબર આવતી નથી.” તેનાથી વિપરીત, હું સાડા ચાર પાંચ વાગ્યે ઊઠી જાઉં છું. એ સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે અને મગજને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા માટે એ ઉત્તમ સમય હોય છે.

આપણું મગજ દરેક પરિસ્થિતિમાં પ્રતિક્રિયા કરે છે, પણ એ પ્રતિક્રિયા કેવી હોય એ આપણા પર નિર્ભર છે. થોડા મહિના પહેલાં હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુવાનો વચ્ચેનો વાર્તાલાપ ટીવી પર જોઈ રહ્યો હતો. એક યુવાને એમને સવાલ કહ્યો, “સાહેબ, તમે અડધો ભરેલો ગ્લાસ જુઓ છો કે અડધો ખાલી છે એ જુઓ છો?” વડા પ્રધાને ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર જવાબ આપ્યો, “મને ગ્લાસ આખો ભરેલો દેખાય છે; અડધો પાણીથી અને અડધો હવાથી.”

જ્યારે મને કોઈ પૂછે કે તમને નાના તળાવની મોટી માછલી બનવું ગમે કે મોટા તળાવની નાની માછલી બનવું ગમે? ત્યારે મારો જવાબ હોય છે, “મને બધા મહાસાગરોની મોટામાં મોટી માછલી બનવાનું ગમે.” વિચારોમાં શું કામ દરિદ્રતા રાખવી!

યોગિક સંપત્તિનો સંબંધ અન્ય બધા પ્રકારની એટલે કે શારીરિક, સામાજિક, ભાવનાત્મક, પર્યાવરણીય, વગેરે સંપત્તિ પ્રત્યેની આપણી પ્રતિક્રિયા સાથે છે. ભગવાને આપણને દરેકને સર્વાંગી સંપત્તિ આપી છે. જો આપણે પૈસાને જ સંપત્તિ ગણીએ તો આપણી માનસિક હાલત ઘણી જ ખરાબ બની જાય છે. તેનું કારણ એ છે કે પૈસા મૂર્ત (નક્કર) વસ્તુ છે અને આપણે એની ગણતરી કરી શકીએ છીએ, પરંતુ બીજા બધા પ્રકારની સંપત્તિ અમૂર્ત છે અને તેની ગણતરી થઈ શકતી નથી. એ બધી સંપત્તિનું આકલન આપણું અંતઃકરણ જ કરી શકે છે.

તમે પોતે જ વિચાર કરો, અત્યાર સુધીની જિંદગીમાં ભગવાને તમને કેટલા દિવસ ભોજન આપ્યું નથી? ધારો કે તમને ક્યારેક ખાવાનું આપ્યું નહીં હોય, છતાં તમે અત્યારે જીવતા છો. તમારી પાસે પહેરવા માટે કેટલી જોડી કપડાં છે? શું તમારા માથે છાપરું છે? તમને જે મળ્યું છે એ કદાચ તમને ન ગમતું હોય, પરંતુ હકીકત તો એ છે કે ભગવાને તમને આજ સુધી જીવંત રાખ્યા છે. સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીજી ઘણી વાર કહેતા, “જ્યારે મને દાંત ન હતા ત્યારે ભગવાને મને માતાનું દૂધ આપ્યું અને હું દાંત આવી ગયા છે તો શું એ ખાવાનું નહીં આપે?”

ભગવાનમાં શ્રદ્ધા રાખો, એમનું શરણું લઈ લો. તમારા જીવનમાં એનો જ સાથ સર્વોત્તમ છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)