Home Blog Page 8

સર રતન ટાટા ટ્રસ્ટમાં વિવાદઃ મેહલી મિસ્ત્રીએ દાખલ કરી અરજી

મુંબઈઃ મેહલી મિસ્ત્રીએ (Mehli Mistry) સર રતન ટાટા ટ્રસ્ટ (Sir Ratan Tata Trust)ના ટ્રસ્ટી તરીકે પોતાના કાર્યકાળનું નવીનીકરણ (રિન્યુઅલ) ન કરવાના નિર્ણયને પડકાર્યો છે. આ મુદ્દે તેમણે મહારાષ્ટ્રના ચેરિટી કમિશનર સમક્ષ અરજી દાખલ કરી છે. મેહલી મિસ્ત્રીએ ટ્રસ્ટની ગવર્નન્સ, હિતોના સંઘર્ષ (Conflict of Interest) અને નિર્ણય પ્રક્રિયા (Decision-Making) અંગે પણ અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.મેહલી મિસ્ત્રીએ મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 22 હેઠળ વિગતવાર વાંધો નોંધાવ્યો છે. તેમણે રતન ટાટાના નિધન બાદ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અને કેટલાક ટ્રસ્ટીઓની નિમણૂકોની તપાસ કરવાની માગ કરી છે.

શું છે  મામલો?

ચોથી જૂને દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ 17 ઓક્ટોબર, 2024એ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો. તેનો હેતુ હાલની ગવર્નન્સ વ્યવસ્થા જાળવવા માટે ટ્રસ્ટીઓની પુનઃનિમણૂક કરવાનો હતો. મેહલી મિસ્ત્રીનો આરોપ છે કે તેમના મામલામાં આ સર્વસંમતિનો અમલ કરવામાં આવ્યો નહોતો અને તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો નહોતો. તેમને મતે આ નિર્ણય મનસ્વી હતો અને રતન ટાટાના નિધન બાદ ટ્રસ્ટોમાં સ્થિરતા અને સતતતા જાળવવાના ઉદ્દેશ સાથે પસાર કરાયેલા ઠરાવની ભાવના વિરુદ્ધ હતો. આ અરજીમાં માત્ર ટ્રસ્ટીઓની નિમણૂકો અંગે જ નહીં પરંતુ ટાટા ટ્રસ્ટ્સની વહીવટી પ્રક્રિયાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મેહલી મિસ્ત્રીનો આરોપ છે કે કેટલાક ટ્રસ્ટીઓને ટ્રસ્ટી અને નોમિની ડિરેક્ટર તરીકે કામ કરતી વખતે ટાટા ગ્રુપની કંપનીઓમાંથી નાણાકીય લાભ મળ્યો હતો.

આ અરજીમાં જણાવાયું છે કે ટ્રસ્ટી વેણુ શ્રીનિવાસનને ટાટા ગ્રુપની કંપનીઓ — ટાટા સન્સ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, ટાટા લૉકહીડ માર્ટિન એરોસ્ટ્રક્ચર્સ અને ટાટા સિકોર્સ્કી એરોસ્પેસ — પાસેથી અનેક વર્ષોમાં મળીને રૂ. 20 કરોડથી વધુની ચુકવણી અને કમિશન મળ્યાં હતાં. મેહલી મિસ્ત્રીએ આ મામલે ફિડ્યુશિયરી (ન્યાસી) અને વહીવટી દૃષ્ટિકોણથી ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે.

હિંમતનગરમાં કાર-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરના મોત

સાબરકાંઠા: હિંમતનગરના હાથરોલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ મુસાફરોના મોત ઘટનાસ્થળે જ નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.માહિતી અનુસાર, ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઇવે પર મુસાફરો ભરીને રિક્ષા જઈ રહી હતી. હાથરોલ ગામ નજીક રિક્ષાચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે જ ટર્ન લેવાનો પ્રયાસ કરતા રિક્ષા, સામેથી આવી રહેલી એક કારની અડફેટે આવી ગઈ હતી. કાર અને રિક્ષા વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઉપરાંત, અકસ્માતમાં કારચાલક સહિત અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જાણ થતાં જ ગાંભોઈ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.

રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પરથી સસ્પેન્સ ખતમ

અફઘાનિસ્તાન સામે આગામી 13 જૂનથી શરૂ થનારી વનડે સિરીઝ (ODI Series) પહેલા ભારતીય ક્રિકેટ ટીમ અને ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના વરિષ્ઠ ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને લઈને ચાલી રહેલું સસ્પેન્સ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. બેંગલુરુમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના મેડિકલ સ્ટાફ અને ફિઝિયોએ આ બંને દિગ્ગજ ખેલાડીઓને સંપૂર્ણપણે ફિટ જાહેર કરીને સિરીઝ રમવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

હાર્દિક પંડ્યાએ ફેંકી પૂરી ૧૦ ઓવર, ફિટનેસ પેરામીટર્સ પાસ

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલ 2026 (IPL 2026) માં મુંબઈ ઇન્ડિયન્સની સફર સમેટાયા બાદ રજાઓ ગાળવા માટે વિદેશ ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ 2 જૂનના રોજ બેંગલુરુ સ્થિત CoE ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ઘણા દિવસો સુધી હાઈ-ઇન્ટેન્સિટી મેચ સિમ્યુલેશન સેશનમાં ભાગ લીધો હતો. આ સેશન દરમિયાન હાર્દિકે મેચની જેમ જ નેટ્સમાં પૂરેપૂરી 10 ઓવર બોલિંગ કરી હતી અને આ દરમિયાન તેમને કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા કે દુખાવો થયો નહોતો. BCCI ના એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ દ્વારા હાર્દિકની ફિટનેસ સાથે જોડાયેલા તમામ કડક માપદંડોને મંજૂરી આપી દેવામાં આવી છે અને તેઓ હવે ઇન્ટરનેશનલ મેચ રમવા માટે બિલકુલ તૈયાર છે.

હેમસ્ટ્રિંગની ઈજામાંથી ઉભર્યા રોહિત શર્મા: મળ્યું RTP

બીજી તરફ, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ હાર્દિક પંડ્યા બાદ ફિટનેસ ટેસ્ટ આપવા માટે બેંગલુરુ પહોંચ્યા હતા. આઈપીએલ 2026 દરમિયાન રોહિત શર્માને હેમસ્ટ્રિંગ (પગના સ્નાયુ) ની ઈજા થઈ હતી, જેના કારણે તેઓ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કેટલીક મેચો રમી શક્યા નહોતા અને મોટાભાગની મેચોમાં તેઓ માત્ર ઈમ્પેક્ટ પ્લેયર (Impact Player) તરીકે જ મેદાન પર ઉતર્યા હતા. જો કે, વિસ્તૃત મેડિકલ તપાસ અને રિહેબિલિટેશન બાદ રોહિત શર્માને પણ ડૉક્ટરો દ્વારા RTP એટલે કે ‘રિટર્ન ટુ પ્લે’ (ફરીથી મેદાન પર ઉતરવાની મંજૂરી) નું સર્ટિફિકેટ આપી દેવાયું છે. રિપોર્ટ અનુસાર, રોહિત અને હાર્દિક મુલ્લાંપુરમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જોડાય, પરંતુ તેઓ સીધા હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે પહોંચશે, જ્યાં 13 જૂને સિરીઝની પ્રથમ વનડે મેચ રમાવાની છે.

વિરાટ કોહલી આઉટ, ટૅલેન્ટેડ યશસ્વી જયસ્વાલની સરપ્રાઈઝ એન્ટ્રી

આ ખુશીના સમાચાર વચ્ચે ભારતીય ટીમને એક મોટો આંચકો પણ લાગ્યો છે. રન-મશીન વિરાટ કોહલી (Virat Kohli) અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયા છે. વિરાટ કોહલીને આઈપીએલ 2026 ની હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચ દરમિયાન હેમસ્ટ્રિંગની ગંભીર ઈજા થઈ હતી. આ ફાઇનલ મુકાબલામાં તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે શાનદાર બેટિંગ કરતા અણનમ 75 રનની ઇનિંગ રમી હતી. મેડિકલ ટીમની ગણતરી મુજબ વિરાટ કોહલી અફઘાનિસ્તાન સિરીઝ સુધી ફિટ થઈ શકે તેમ ન હોવાથી, ભારતીય પસંદગીકારોએ તેમના સ્થાને યુવા અને વિસ્ફોટક બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ને ટીમમાં સામેલ કર્યો છે. આશા છે કે કોહલી આગામી ઇંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ વનડે સિરીઝ પહેલા સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

બેટિંગ ઓર્ડરનું નવું ગણિત: કયા નંબરે રમશે જયસ્વાલ?

યશસ્વી જયસ્વાલની ટીમમાં એન્ટ્રી થતાં જ હવે ભારતીય ક્રિકેટ વર્તુળોમાં સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ યુવા ખેલાડીને પ્લેઈંગ ઈલેવનના બેટિંગ ઓર્ડરમાં કયા સ્થાને મોકો મળશે. જયસ્વાલ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક નેચરલ (સ્વાભાવિક) ઓપનર બેટ્સમેન છે. જો કે, ભારતીય વનડે ટીમમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ જોડીદાર તરીકે ઇશાન કિશન (Ishan Kishan) પહેલાથી જ સ્થાપિત છે. આવી સ્થિતિમાં કિંગ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન અને કોચ યશસ્વી જયસ્વાલને નંબર 3 ના અત્યંત મહત્વના સ્થાન પર બેટિંગ માટે અજમાવી શકે છે.

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ક્રોસ-વોટિંગનો ડર

ઇન્દોરઃ મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 18 જૂને થનારા મતદાનમાં ક્રોસ-વોટિંગ ટાળવા અને પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવા કોંગ્રેસે તેમને કર્ણાટક મોકલવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉમંગ સિંધારે જણાવ્યું હતું કે પાર્ટીના તમામ ધારાસભ્યોને કોઈ કોંગ્રેસ શાસિત રાજ્યમાં લઈ જવામાં આવશે, કારણ કે ભાજપ (BJP) તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ છે.

બધા ધારાસભ્યો બેંગલુરુ જઈ રહ્યા છે

સૌંસરના ધારાસભ્ય વિજય રેવાનાથ ચૌરેએ પણ જણાવ્યું હતું કે તમામ ધારાસભ્યો ભોપાલથી બેંગલુરુ જઈ રહ્યા છે. તેમણે પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપ ધારાસભ્યોની ખરીદ-વેચાણ કરવાનો પ્રયાસ કરી રહી છે, તેથી પાર્ટીના ટોચના નેતાઓએ તમામ ધારાસભ્યોને એકસાથે કોંગ્રેસ શાસિત રાજ્યમાં રાખવાનો નિર્ણય કર્યો છે.

ત્રણ બેઠકો માટે ચૂંટણી

મધ્ય પ્રદેશમાં ખાલી થયેલી ત્રણ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. તેમાંની બે બેઠકો પર ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. જ્યારે સંખ્યાબળને આધારે ત્રીજી બેઠક પર કોંગ્રેસનું પલ્લું ભારે છે. તેમ છતાં સત્તારૂઢ ભાજપે ત્રીજી બેઠક પર પણ ઉમેદવાર ઉતારીને મુકાબલો રસપ્રદ બનાવી દીધો છે.

ભાજપ ત્રીજી બેઠક કેવી રીતે જીતી શકે?

ભાજપે પોતાની બે મુખ્ય બેઠકો માટે રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચૂઘ અને રાજ્ય એકમના સચિવ રજનીશ અગ્રવાલને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ત્રીજી બેઠક માટે મધ્ય પ્રદેશ માછીમાર કલ્યાણ બોર્ડના અધ્યક્ષ મહેશ કેવટને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનને ઉમેદવાર બનાવ્યાં છે, જેમનો સીધો મુકાબલો મહેશ કેવટ સાથે થવાનો છે.

આંકડાઓનું ગણિત

હાલમાં મધ્ય પ્રદેશની 230 સભ્યોની વિધાનસભામાં 229 સભ્યો છે. તેમાં ભાજપના 164, કોંગ્રેસના 64 અને ભારત આદિવાસી પાર્ટીના 1 ધારાસભ્ય છે.

જીત માટે 58 મત જરૂરી

રાજ્યસભાની ત્રણેય બેઠકો માટે દરેક ઉમેદવારને જીતવા માટે 58 મત જરૂરી છે. આ પ્રમાણે બે બેઠકો જીતવા માટે ભાજપને 116 મતોની જરૂર પડશે. ભાજપ પાસે કુલ 164 મત હોવાથી 116 મત આપ્યા બાદ તેની પાસે 48 મત બચશે. ત્રીજી બેઠક જીતવા માટે તેને કુલ 58 મત જોઈએ, એટલે કે 10 વધારાના મતોની જરૂર પડશે.

 લાંચના આરોપસર TMC નેતા સબ્યસાચી દત્તાની ધરપકડ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના બિધાનનગર ઉત્તર પોલીસે બિધાનનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર સવ્યસાચી દત્તાની ધરપકડ કરી છે. તેમના પર એક વેપારી પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માગવા અને ધમકી આપવાનો આરોપ છે. સબ્યસાચીને આજે બિધાનનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ દરમિયાન ઉત્તર દમદમના 21 TMC કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. બીજી તરફ, અરવિંદ કેજરીવાલે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ED ફરી એક વાર પંજાબમાં હિંદુ વેપારીઓ પર દરોડા પાડી રહી છે. ED પંજાબના નાના હિંદુ વેપારીઓને હેરાન કરી રહી છે. હું તમામ વેપારીઓને અપીલ કરું છું કે ગભરાવાની જરૂર નથી. આખું પંજાબ અને પંજાબ સરકાર તમારી સાથે છે. આપણે સૌ મળીને EDનો સામનો કરીશું.

મમતાના પૂર્વ ધારાસભ્ય સામે કાર્યવાહી

પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર સત્તામાં આવ્યા બાદથી ભ્રષ્ટાચારના આરોપો ધરાવતા TMC નેતાઓ સામે કાર્યવાહી ચાલુ છે. હવે સબ્યસાચી દત્તા સામે પણ પગલાં લેવામાં આવ્યા છે.સબ્યસાચી દત્તા બંગાળના રાજકારણમાં જાણીતું નામ છે. એક સમયે તેઓ મમતા બેનરજીના નજીકના નેતાઓમાં ગણાતા હતા. વર્ષ 2019માં તેમણે TMC છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ 2021માં ફરી TMCમાં પરત ફર્યા હતા.

 

અન્ય TMC નેતાઓ પર પણ શિકંજો

પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ સરકાર સત્તામાં આવ્યા બાદ અનેક મોટા TMC નેતાઓ સામે તપાસ એજન્સીઓએ કાર્યવાહી તેજ કરી છે.

  • ભૂતપૂર્વ મંત્રી સુજિતને કથિત મ્યુનિસિપલ ભરતી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
  • TMC નેતા જયપ્રકાશને કથિત ગેરકાયદે મિલકત કબજાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
  • તે પહેલાં જહાંગીર ખાનને ખંડણી અને ધમકી સંબંધિત કેસમાં ભારત-નેપાળ સરહદ નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા.

આ રીતે, ધારાસભ્યો અને સાંસદોના બળવાખોર વલણ બાદ હવે ધરપકડોની શ્રેણીથી TMC માટે રાજકીય પડકારો વધુ ગંભીર બનતા દેખાઈ રહ્યા છે.

H-1B વિઝા મામલે ભારતીયોને અમેરિકી કોર્ટથી મોટી રાહત

વોશિંગ્ટનઃ H-1B વિઝા કાર્યક્રમ સંબંધિત મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અદાલત તરફથી મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાની એક અદાલતે ટ્રમ્પના તે પ્રસ્તાવ પર સ્ટે મૂક્યો છે, જેમાં H-1B વિઝા કાર્યક્રમ હેઠળ વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવા બદલ 1,00,000 ડોલરની ફી વસૂલવાની જોગવાઈ કરવામાં આવી હતી. અદાલતે જણાવ્યું કે આ ફી ગેરકાયદે કર (ટેક્સ) સમાન છે અને અમેરિકન કોંગ્રેસે તેને અમલમાં મૂકવાની ક્યારેય મંજૂરી આપી નથી.

બોસ્ટનની અમેરિકન જિલ્લા અદાલતના જજ લિયો સોરોકિને આ નિર્ણય આપ્યો હતો. આ મામલે 20 ડેમોક્રેટિક શાસિત રાજ્યોના એટર્ની જનરલોએ કેસ દાખલ કર્યો હતો. તેમણે ટ્રમ્પ દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાહેર કરાયેલા આ શૂલ્કને પડકાર્યો હતો.

મુકદ્દમામાં દલીલ કરવામાં આવી હતી કે આ ફી લાગુ થવાથી H-1B વિઝા મેળવવાનો ખર્ચ ઘણો વધી ગયો હતો. અદાલતના આ નિર્ણયને અમેરિકા ખાતે કામ કરવા ઇચ્છતા વિદેશી કર્મચારીઓ માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. આવા કર્મચારીઓમાં ભારતીયોની સંખ્યા પણ નોંધપાત્ર છે.ટ્રમ્પ અને તેમના સમર્થકોએ દલીલ કરી હતી કે H-1B વિઝા કાર્યક્રમનો દુરુપયોગ કરીને અમેરિકન કર્મચારીઓને પાછળ ધકેલી દેવામાં આવે છે અને ઓછી મજૂરી પર વિદેશી કર્મચારીઓને નોકરી આપવા માટે તેનો ઉપયોગ થાય છે.

ટ્રમ્પે શું કહ્યું હતું?

ટ્રમ્પે દાવો કર્યો હતો કે H-1B વિઝા કાર્યક્રમના દુરુપયોગથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઊભું થાય છે, કારણ કે તે અમેરિકન નાગરિકોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાથી અટકાવે છે અને આ ક્ષેત્રોમાં અમેરિકાનું નેતૃત્વ પણ જોખમમાં મૂકે છે. H-1B વિઝા કાર્યક્રમ હેઠળ અમેરિકન કંપનીઓ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખી શકે છે. આવા કર્મચારીઓ પાસે ઓછામાં ઓછી બેચલર ડિગ્રી હોવી જરૂરી છે.

આ મામલે કેલિફોર્નિયાના ન્યાય વિભાગે જણાવ્યું હતું કે કંપનીઓએ એક અરજી આપવી પડશે, જેમાં તેઓ ખાતરી આપશે કે H-1B વિઝા હેઠળ ભરતી કરાયેલા કર્મચારીઓને કારણે કોઈ અમેરિકન કર્મચારીના વેતન અથવા કામકાજની શરતો પર નકારાત્મક અસર નહીં થાય. H-1B વિઝા કાર્યક્રમ હેઠળ દર વર્ષે લગભગ 65,000 વિઝા જારી કરવામાં આવે છે. એ ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વ્યાવસાયિકો માટે 20,000 વધારાના વિઝાની જોગવાઈ છે. સામાન્ય રીતે આ વિઝાની માન્યતા ત્રણ થી છ વર્ષ સુધી રહે છે.

કહેવત: રામના રાજ્યમાંય ધોબી હતો

 

રામના રાજ્યમાંય ધોબી હતો

કોઈપણ પરિસ્થિતિ આદર્શ હોતી નથી. સ્વયં સંપૂર્ણ પણ હોતી નથી. દરેક ઘટના, પરિસ્થિતિ અથવા વ્યક્તિત્વના સારાં અને નરસાં બંને પાસાં હોય છે.

‘રામરાજ્ય’ એક આદર્શ રાજ્યવ્યવસ્થા માટે વપરાતો શબ્દ છે. એવી રાજ્યવ્યવસ્થા, જેમાં કોઈ કોઈની કૂથલી ન કરે, નિંદા ન કરે, ચોરી ન કરે અને સત્ચરિત્ર બનીને પોતાનું જીવન સન્માર્ગે વિતાવે.

પરંતુ આવી આદર્શ પરિસ્થિતિમાં પણ, લંકાવિજય પછી જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા પરત આવ્યા અને માતા સીતાજીએ પોતાની પવિત્રતા અગ્નિપરીક્ષા દ્વારા સાબિત કરી, ત્યારે પણ એક ધોબીએ તેમની ટીકા કરી અને આક્ષેપ કર્યો હતો.

આ ઘટના દર્શાવે છે કે સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગણાતી વ્યવસ્થામાં પણ કોઈ ને કોઈ અસંતોષી, ટીકાખોર અથવા દુષ્ટવૃત્તિ ધરાવતી વ્યક્તિ હાજર હોઈ શકે છે. આવી અપવાદરૂપ સ્થિતિનું વર્ણન કરવા માટે ‘રામના રાજ્યમાંય ધોબી હતો’ કહેવત પ્રચલિત બની છે.

આ કહેવતનો અર્થ એ છે કે કોઈપણ વ્યક્તિ, વ્યવસ્થા કે પરિસ્થિતિ સંપૂર્ણ નિર્દોષ અથવા સર્વાંગસંપૂર્ણ હોતી નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાતમાં પણ કોઈને કોઈ ખામી શોધનાર વ્યક્તિ મળી જ રહે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ફૈઝલ ખાનની ધરપકડ પર જિલ્લા કોર્ટનો સ્ટે

પટનાઃ લોકપ્રિય યુટ્યુબર ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરને તેમના કોચિંગ સેન્ટર બહાર થયેલા ફાયરિંગની ઘટનામાં મોટી રાહત મળી છે. પટનાની જિલ્લા અદાલતે મંગળવારે ખાન સરની ધરપકડ પર સ્ટે મૂક્યો છે. ખાન સર વિરુદ્ધ ફાયરિંગ મામલે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી હતી.
આગોતરા જામીન માટે અરજી દાખલ કરવામાં આવી હતી
ખાન સરના વકીલે પટના જિલ્લા અદાલતમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે તપાસ અધિકારીઓ આ કેસમાં ખાન સરની પૂછપરછ કરી શકે છે, પરંતુ વચગાળાની સુરક્ષા અમલમાં રહે ત્યાં સુધી તેમની સામે ધરપકડ સહિત કોઈ પણ દંડાત્મક કાર્યવાહી કરી શકાશે નહીં. ખાન સરના વકીલની દલીલો સાંભળ્યા બાદ અદાલતે તેમને વચગાળાની રાહત આપી હતી. જ્યારે આ જ કેસના અન્ય આરોપી રોશન આનંદની જામીન અરજી પરનો નિર્ણય અદાલતે અનામત રાખ્યો છે.
અગાઉની સુનાવણી દરમિયાન અદાલતે પોલીસને કેસ ડાયરી અને એકત્રિત કરાયેલા પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો હતો.
ફાયરિંગની ઘટના શું હતી?
ફૈઝલ ખાન પટનાના મુસલ્લાહપુર વિસ્તારમાં “ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ” ચલાવે છે. તેમણે આરોપ મૂક્યો હતો કે બીજી જૂને તેમના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે જ્ઞાન બિંદુ એકેડમીના ડિરેક્ટર રોશન આનંદ પર ફાયરિંગ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે રોશન આનંદ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી હતી. જોકે રોશન આનંદે દાવો કર્યો હતો કે આ સમગ્ર ઘટનાનું કાવતરું ખુદ ખાન સરે જ રચ્યું હતું.
સુરક્ષા ગાર્ડોનાં નિવેદન બાદ FIR નોંધાઈ
પોલીસે “ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ”ના બે સુરક્ષા ગાર્ડોને ગોળીબારના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. સુરક્ષા ગાર્ડોએ પોલીસને જણાવ્યું હતું કે ફૈઝલ ખાને જ તેમને ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. તેમનાં નિવેદનોને આધારે પોલીસે ખાન સર વિરુદ્ધ FIR નોંધાવી હતી.
સોશિયલ મિડિયા પર એક વિડિયો પણ વાયરલ થયો હતો, જેમાં બંને ગાર્ડ ગોળી ચલાવતા જોવા મળ્યા હતા. આ સુરક્ષા ગાર્ડો ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના પ્રદીપ કુમાર (38) અને કાસગંજ જિલ્લાના તાલેબર સિંહ (34) હોવાનું જણાવાયું હતું.

કિશોરકુમારે ‘મશાલ’નું એક ગીત ગાવાનું ટાળ્યું હતું!

નિર્દેશક યશ ચોપરાની ફિલ્મ ‘મશાલ’ (Mashaal, 1984) ના ત્રણ ગીતોમાં કિશોરકુમારનો અવાજ છે. પરંતુ ચોથું ગીત ગાવાને બદલે તેઓ છેલ્લી ઘડીએ રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી એક ખૂબ જ રસપ્રદ કારણસર છટકી ગયા હતા.

‘મશાલ’ (Mashaal) માટે કિશોરકુમારે ‘જિંદગી આ રહા હૂં મેં’, ‘મુઝે તુમ યાદ કરના’ અને ‘ઓ હોળી આઈ’ ગીતો ગાયા હતા. પરંતુ ‘ફૂટપાથોં કે હમ રહનેવાલે’ (Footpathon Ke Hum Rehne Wale) ગીત ગાવાનું તેમણે ટાળ્યું હતું.

કિસ્સો એવો છે કે સંગીતકાર હૃદયનાથ મંગેશકરે ‘ફૂટપાથોં કે હમ રહનેવાલે’ ગીતના રેકોર્ડિંગ માટે અનુપ જલોટા, શૈલેન્દ્ર સિંઘ, સુરેશ વાડકર, હરિહરન અને કિશોરકુમારને બોલાવ્યા હતા. જોકે, આ વાતની કિશોરકુમારને અગાઉથી જાણ નહોતી.

બીજા બધા ગાયકો સ્ટુડિયોમાં હાજર થઈને રિહર્સલ કરી રહ્યા હતા. કિશોરકુમારને તો કેસેટ અગાઉથી મોકલી આપવામાં આવતી હોવાથી તેઓ તૈયારી કરીને જ આવતા હતા. જ્યારે કિશોરકુમાર સ્ટુડિયોમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે હરિહરન હાર્મોનિયમ પર ગઝલ ગાઈ રહ્યા હતા. તેમની પાસે જઈને તેમણે પૂછ્યું, “હરી, તું શું કરી રહ્યો છે?”

હરિહરને જવાબ આપ્યો, “દાદા, ગીત ગાવા આવ્યો છું.” તેમને નવાઈ લાગી. ત્યારબાદ તેમની નજર સોફા પર બેઠેલા અનુપ જલોટા પર પડી. તેમણે પૂછ્યું, “તમે પણ ગાવાના છો?”

અનુપ જલોટાએ કહ્યું, “હા દાદા, ગીત ગાવા આવ્યો છું.”

કિશોરકુમાર કંઈ પ્રતિભાવ આપે એ પહેલાં જ તેમની નજર સિંગર બૂથમાં શાલ ઓઢીને બેઠેલા સુરેશ વાડકર પર પડી. સુરેશને તાવ હોવાથી તેઓ શાલ ઓઢીને બેઠા હતા.

કિશોરકુમારે નજીક જઈને પૂછ્યું, “કોણ છે બાંગડું?”

સુરેશે કહ્યું, “દાદા, હું છું.”

આ સાંભળીને કિશોરકુમારે આશ્ચર્યથી પૂછ્યું, “તું પણ ગાવાનો છે કે શું? હૃદયનાથે આખરે કેટલા ગાયકોને બોલાવ્યા છે?” હજુ તેમનું આશ્ચર્ય શમ્યું નહોતું ત્યાં જ શૈલેન્દ્ર સિંઘ પણ આવી પહોંચ્યા. તેમને જોઈને કિશોરકુમારે કહ્યું, “આવો, તમે પણ ગાવાના છો. બરાબર? જો આટલા બધા ગાયકો છે તો મારી શું જરૂર છે?”

ત્યારબાદ તેમણે બધાને ભેગા કરીને કહ્યું, “હું તમારા બધામાં ઉંમરમાં પણ મોટો છું અને ગાયક તરીકે પણ વરિષ્ઠ છું. એટલે હું અહીંથી છટકી જઈશ. પણ હું તમને કસમ આપું છું કે જ્યાં સુધી હું ઘરે ન પહોંચું ત્યાં સુધી કોઈએ કંઈ કહેવાનું નથી.” આટલું કહીને તેઓ સંગીત રૂમમાં ગયા, થોડું નિરીક્ષણ કર્યું અને શાંતિથી નીકળી ગયા.

થોડી વાર પછી જ્યારે હૃદયનાથ મંગેશકર આવ્યા અને રિહર્સલ શરૂ કરવાની તૈયારી કરી, ત્યારે કિશોરકુમાર દેખાયા નહીં. તેમણે પૂછપરછ કરતાં કોઈએ જણાવ્યું કે તેઓ નીકળી ગયા છે. હૃદયનાથ મંગેશકરે કિશોરકુમારને ફોન કર્યો. ત્યારે કિશોરકુમારે હસતાં કહ્યું, “તમે આટલા બધા ગાયકો બોલાવ્યા છે, તો હું આવીને શું કરીશ? બાળકો પાસે ગવડાવી દો ને!”

આખરે હૃદયનાથ મંગેશકરે તેમની વાત માની લીધી અને ‘ફૂટપાથોં કે હમ રહનેવાલે’ (Footpathon Ke Hum Rehne Wale) ગીત અનુપ જલોટા, શૈલેન્દ્ર સિંઘ, સુરેશ વાડકર અને હરિહરનના અવાજમાં રેકોર્ડ કર્યું. આ ગીત ફિલ્મમાં અનિલ કપૂર, ગુલશન ગ્રોવર અને અન્ય બે યુવાન કલાકારો પર ફિલ્માવવામાં આવ્યું હતું.

તે સમયે કિશોરકુમાર ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને સુપરસ્ટાર ગાયક હતા. તેમને સમજાઈ ગયું હતું કે જો આ ગીતમાં તેમનો અવાજ હશે, તો સમગ્ર લાઇમલાઇટ તેમના તરફ ખેંચાઈ જશે અને બાકીના ચાર યુવા ગાયકોના અવાજ દબાઈ જશે. તેઓ ઇચ્છતા હતા કે આ ચારેય કલાકારોને પોતાની પ્રતિભા દર્શાવવાની અને ચમકવાની પૂરતી તક મળે.

કિશોરકુમાર ભલે મૂડી સ્વભાવના ગણાતા હોય, પરંતુ તેઓ અન્ય કલાકારોનું ખૂબ સન્માન કરતા હતા. કોઈ અન્ય વરિષ્ઠ ગાયક કદાચ એવો વિચાર કરીને નારાજ થઈ જાય કે, “મને આટલા બધા ગાયકો વચ્ચે કેમ બેસાડ્યો?” પરંતુ કિશોરદાએ અહંકાર રાખવાને બદલે ખૂબ જ હળવાશથી અને રમૂજી અંદાજમાં જુનિયર ગાયકો માટે રસ્તો ખુલ્લો કરી આપ્યો.

એમ કહી શકાય કે કિશોરકુમારનું આ ‘છટકી જવું’ કોઈ બેજવાબદારી નહોતું, પરંતુ તેમની મહાનતા, ઉદારતા અને વરિષ્ઠ કલાકાર તરીકેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના આ નિર્ણયે અન્ય ચાર ગાયકોને ચમકવાની એક યાદગાર અને સોનેરી તક આપી હતી.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો