નવી દિલ્હીઃ દિલ્હીની એક વ્યક્તિએ સાક્ષી યાદવ નામની યુવતીને ક્યારેય જોઈ પણ નહોતી, છતાં તેણે સાક્ષીના સંબંધિત એક ઓળખીતાના બેન્ક ખાતામાં રૂ. 8.15 લાખ ટ્રાન્સફર કરી દીધા. એવું કેવી રીતે થયું? સાક્ષીએ વોટ્સએપ પર પોતાની વાતો અને ચતુરાઈથી સતત વાતચીત કરીને તેનોં વિશ્વાસ જીતી લીધોં. પછી તેણે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે એક લિંક મોકલી અને તેને એક ખાસ વોટ્સ ગ્રુપ ‘eToro Analytical Team & Time is Money’માં જોડી દીધો.
જ્યારે તે વ્યક્તિએ પૂછ્યું કે આ ગ્રુપ કોણ ચલાવે છે, તો સાક્ષીએ કહ્યું કે તેનો કાકા અને એક શખસ રાકેશ છે. ગ્રુપમાં તેને મોટા નફાના ખોટા કિસ્સાઓ બતાવવામાં આવ્યા અને બતાવવામાં આવ્યું કે રોકાણ કરનારા લોકો કેવી રીતે અમીર બન્યા છે, પણ હકીકતમાં આ બધું એક મોટું છળકપટ હતું. આવો, જાણીએ કે કેવી રીતે ભારતના હોવા છતાં નેપાળમાંથી કામ કરનારા યુવાનોએ માત્ર એક મહિને રૂ. 10.40 કરોડથી વધુની ઠગાઈ કરીને લોકોનાં સપનાંને તોડી નાખ્યા.
શાહદરાના DCP પ્રશાંત ગૌતમના જણાવ્યા મુજબ, આ ઠગો 27-28 વર્ષની ઉંમરના હતા. માત્ર એક મહિને તેમણે રૂ. 10 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. આ લોકો સોશિયલ મિડિયા, વોટ્સએપ કે ટેલિગ્રામ પર લોકોનો સંપર્ક કરતા હતા. પોતાને શેર બજારના નિષ્ણાત કે ફાઇનાન્સિયલ એડવાઇઝર તરીકે ઓળખાવતાં અને કહેતાં – અમે તમને ઓછી મહેનતમાં વધુ રિટર્ન અપાવી શકીએ છીએ.
શરૂઆતમાં તેઓ થોડી રકમ માગતા અને ખોટો નફો બતાવતા અથવા ક્યારેક થોડી રકમ પાછી પણ આપતા, જેથી લોકોનો વિશ્વાસ જિતાય. પછી ધીરે-ધીરે વધુ મૂડીરોકાણ માટે કહેતા. જ્યારે વ્યક્તિ લાખો રૂપિયા લગાવી દે, ત્યારે બહાનું બનાવતા કે “એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે” અથવા “મોટું નુકસાન થઈ ગયું છે. પછી ફોન ન ઉઠાવતા, જવાબ ન આપતા અને અચાનક ગાયબ થઈ જતા.
મુંબઈ: “જ્યારે આપણો દેશ ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષ મનાવતો હશે એ સમયે દેશમાં કોઈ પણ વ્યક્તિ અંગદાન ન મળવાને કારણે મૃત્યુને શરણ ન થાય એ અમારી સંસ્થાનું લક્ષ્ય છે.” આ શબ્દો છે ઓર્ગન ડૉનેશન માટે છેલ્લા ૨૦ વર્ષથી ભેખ લઈને કાર્યરત સુરતના નિલેશ માંડલેવાલાના. ગયા શનિવારે ૨૮ મી જૂને એઈડઝ કૉમ્બેટ ઈન્ટરનેશનલ (ACI), મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન, શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ, પથદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રગતિ મિત્ર મંડળ આ પાંચ સંસ્થાઓએ કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગથી કાંદિવલીની ટી પી. ભાટિયા કોલેજના પંચોલિયા હૉલમાં અંગદાન વિષે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારના મુખ્ય વક્તા સુરતની સંસ્થા “ડૉનેટ લાઈફ’ના સ્થાપક નિલેશ માંડલેવાલા હતા.કાર્યક્રમની શરૂઆત કે.ઈ.એસ. શ્રોફ કોલેજ ઑફ આર્ટસ એન્ડ કૉમર્સના પ્રિન્સિપલ લિલી ભૂષણે નિલેશભાઈ માંડલેવાલાને આવકાર આપીને કરી હતી. આ પ્રસંગે નિલેશભાઈના મુંબઈના સહયોગી પુરષોત્તમ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ મુંબઈમાં અંગદાન અને ખાસ કરીને આંખ અને ત્વચાના દાન સંબંધિત ઉમદા કાર્ય કરી રહ્યા છે. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે મૃત્યુ તો અનિવાર્ય છે. સૃષ્ટિનો દરેક જીવ મરીને કોઈ ને કોઈ રીતે કામ આવે જ છે પરંતુ ઈશ્વરની સર્વોત્તમ કૃત્તિ એવો મનુષ્ય પોતાના શરીરને મૃત્યુ પછી અગ્નિને અથવા માટીને સમર્પિત કરી દે છે. આ અણમોલ શરીરમાં ઈશ્વરદત્ત જે અણમોલ અંગો છે તે અંગદાનના માધ્યમથી અન્યોને નવું જીવન આપી શકે છે.નિલેશભાઈએ પોતાના વકતવ્યમાં કહયુ હતું કે, સમાજમાં નાની-મોટી દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. પૈસાને કારણે કોઈનું પણ ટ્રાન્સપ્લાન્ટ અટકવું ન જોઈએ એવો આ સંસ્થાનો હેતુ છે. ડૉનર અને રેસિપીયન્ટ બંને અમારે માટે મહત્વના છે. આ સંસ્થા કેવળ સમાજના લોકો પાસેથી જ અંગદાન કરાવે છે એવું નથી. ‘ડૉનેટ લાઈફ’ના અન્ય એક ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલે એમના કેનેડામાં મૃત્યુ પામેલા પુત્રના દેહને કેનેડાથી દેશમાં લાવીને મેડિકલના વિદ્યાર્થીઓના ઉપયોગમાં લાવી શકાય એ માટે પુત્રના દેહનુ દાન કર્યું હતું. નિલેશભાઈએ અંગદાનની સત્યઘટના પર આધારિત એક શોર્ટ ફિલ્મ ‘કાયા -ધ મિશન ઑફ લાઈફ’ અહી બતાવી હતી, જેમાં ૧૪ મહિનાના બાળકનું હ્રદય મુંબઈની સાડા ત્રણ વર્ષની બાળકીને નવજીવન આપી શક્યું હતું. આ ફિલ્મ કાર્યક્રમ દરમ્યાન બતાવવામાં આવી હતી. આ ફિલ્મ દરેક હાજર વ્યક્તિના હ્રદયને અને આંખોને ભિંજવી ગઈ હતી.ભારતમાં અંગદાન સાવ ઓછું કેમ?
નિલેશભાઇના કહેવાનુસાર બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં ઓર્ગન ડૉનેશનની ટકાવારી ખૂબ જ ઓછી છે. સ્પેનમાં ૪૬%, અમેરિકામાં ૨૬%, સ્વીડનમાં ૧૫%, બ્રિટનમાં ૧૩% અને ૧૪૦ કરોડની આબાદીવાળા આપણા દેશમાં આ ટકાવારી કેવળ ૦.૮% જ છે. ૧૨ થી ૧૪ લાખ વ્યક્તિએ કેવળ એક જ વ્યક્તિ અંગદાન કરે છે. આપણે કમાયેલી, મેળવેલી સંપત્તિને યોગ્ય વારસદાર મળે એવી ગોઠવણ કરીએ છીએ, પરંતુ આપણી સૌથી અમૂલ્ય સંપત્તિ જે આપણુ ખુદનું શરીર છે અને તેમાં ઈશ્વરની અદભૂત કારીગરી એવા અમૂલ્ય અંગો છે તેને યોગ્ય વારસદાર મળે એવો વિચાર આપણને આવતો જ નથી. આવું થવાના કારણો સમજાવતા નિલેશભાઈ કહે છે કે લોકોમાં અમુક ડર છે, અજ્ઞાન છે, ધાર્મિક ગેરમાન્યતાઓ છે. ઘણાં કહે છે કે અંગદાન કરવા માટે તેમનો ધર્મ અનુમતિ આપતો નથી. જયારે કે કોઈ પણ ધર્મમાં અંગદાન માટે મનાઈ નથી.
આજે અંગદાનની વધુ જરૂર કેમ?
આપણા દેશમાં વાર્ષિક ધોરણે પાંચ લાખ વ્યક્તિઓનુ મૃત્યુ સમયસર અંગો ન મળી શકવાને કારણે થાય છે. આ સાથે પરિવારજનોને પણ તકલીફોનો સામનો કરવો પડે છે. વર્તમાનમાં દેશમાં ૨૦ લાખથી પણ અધિક કિડની ફેલ્યોરના દર્દીઓ છે. દરેક વર્ષે એમાં બે થી અઢી લાખ દર્દીઓની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત, લિવર, પેન્ક્રિયાઝ, હ્રદય, ફેફસાં અને નેત્ર સંબંધિત રોગોના દર્દીઓ પણ ખૂબ છે. આવા આંતરિક અવયવો ખોટકાય છે ત્યારે દર્દી તેમજ તેના પરિવારજનો માટે જીવન બેહાલ બને છે. આવા બધા દર્દીઓને નવજીવન આપી શકાય તે માટે બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગો જો મળી શકે તો જ આ ઉપાય શક્ય બની શકે છે.’બ્રેઇન-ડેડ એટલે શું?
આપણા શરીરમાં બે કેન્દ્ર છે બ્રેઇન અને હાર્ટ. આ બન્નેમાંથી એક પણ કેન્દ્ર જો બંધ પડી જાય તો વ્યક્તિ મૃત ઘોષિત થાય છે. અગાઉ ફક્ત હાર્ટ ફેઇલ થયું હોય એ વ્યક્તિને જ મૃત માનવામાં આવતી હતી પરંતુ હવે કાયદાઓમાં બદલાવો આવ્યા છે. હવે જે વ્યક્તિનું બ્રેઇન કામ કરતું બંધ થઈ જાય તેને પણ મૃત માનવામાં આવે છે. કોઈ અકસ્માતને કારણે માથામાં ગંભીર ઈજા થાય, બ્રેઇન સ્ટ્રોક કે હેમરેજને કારણે નાનું મગજ કામ કરતું બંધ થઈ જાય ત્યારે એને બ્રેઇન-ડેડ કહેવાય છે. બ્રેઇન-ડેડ વ્યક્તિના શરીરમાંથી કાઢેલા અવયવો ૫ થી ૮ વ્યક્તિને જીવનદાન આપી શકે છે.
ઓર્ગન ડૉનેશન બાબતે કાયદો શું કહે છે?
દેશમાં અંગ દાન સંબંધિત ૧૯૯૪ માં NOTTAનો કાયદો બન્યો અને ૨૦૧૧માં એમાં સુધારો કરીને હવે ટિશ્યૂનું પણ દાન કરી શકાય છે. બ્રેઇન ડેડ વ્યક્તિના સોલીડ ઓર્ગનસ્ જેવા કે કિડની, લિવર, હ્રદય, ફેફસા, આંતરડા, પેનક્રિયાસ, હાથ અને ટિશ્યૂ જેવા કે કોર્નિયા, ચામડી, હાડકાં, હ્રદયના વાલ્વનું દાન કરાવી શકાય છે. આપણા દેશમાં ઓર્ગન ડૉનેશન વિષે જાગૃતિ આણવાનું અને તેના વિતરણનું કામ નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન, (NOTTO) કરે છે, જે મિનિસ્ટ્રી ઑફ હેલ્થની નીચે આવે છે. દેશમાં પાંચ ROTTO છે એટલે રિજીયન ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન અને ત્યાર બાદ SOTTO એટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન. દેશભરમાં ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા NOTTO, SOTTO અને ROTTO ના માધ્યમથી થાય છે.
આ અવસરે કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલના CMO(ચીફ મેડિકલ ઓફિસર) ડો. નીતા સીંઘી, મંડળના પ્રેસિડન્ટ રજનીકાંત ઘેલાણી, વાઈસ પ્રેસિડન્ટ ભરત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી વિનોદ વોરા પણ હાજર રહયા હતા. સ્કીન ડૉનેશનની પ્રવૃતિમાં સક્રિય એવા સન્ડે ફ્રેન્ડઝ નામની સંસ્થાના યોગેશ દોશી અને વિપુલ શાહ પણ ઉપસ્થિત હતા. નેત્ર દાન પર ટી. પી. ભાટિયા કોલેજના પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવના પિતા વી. પી શ્રીવાસ્તવ દ્વારા લિખિત ગીતની પ્રસ્તુતિ જયેશ આશરે કરી હતી. પંકજ કક્કડે પણ માનવતાને ઉજાગર કરતાં ગીતો જેવા કે ‘કિસી કી મુસ્કુરાહટો પે… જેવા ગીતોની સુંદર પ્રસ્તુતિ કરી હતી. ચેતન ગઢવીએ મેઘાણીની સુંદર રચના મોર બની થનગાટ કરે ગાઈને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. કે.ઇ.એસ. કોલેજના સંખ્યાબંધ વિધાર્થીઓએ પણ આ સેમિનારમાં હાજર રહયા હતા.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકલી જ મેદાનમાં ઊતરશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં થાય. આગામી થોડા મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આપ પક્ષ એમાં ઊતરતાં હવે જોવું રહ્યું કે તેને કારણે વિપક્ષને નુકસાન થાય છે કે નહીં.
કેજરીવાલે એ પણ જાહેર કર્યું હતું કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને જીત નોંધાવશે. તાજેતરમાં AAPએ વિસાવદર બેઠકે થયેલી પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી.
બિહારની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)નો સમાવેશ થાય છે, જ્યારે સત્તામાં રહેલા NDAમાં જેડીયુ, ભાજપ, હિન્દુસ્તાની અવામ મોરચા, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) અને રાષ્ટ્રીય લોક મોરચાનો સમાવેશ થાય છે.
VIDEO | Ahmedabad: “AAP will contest Bihar polls solo. INDIA bloc was only for Lok Sabha polls, no alliance with Congress now. If there was an alliance then why did Congress contest in Visavadar bypolls. They came to defeat us. BJP sent Congress to defeat us and cut the votes. ”,… pic.twitter.com/V0z8xA7KDA
કેજરીવાલે કહ્યું હતું કે છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ રાજ્યને બરબાદ કરવા માટે ભાજપે કોઈ કસર છોડી નથી. સુરતમાં આવેલી પૂર એ માનવસર્જિત પૂર છે, ભાજપના ભ્રષ્ટાચારનું પરિણામ છે. યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. ખેડૂતોને યુરિયા મળતી નથી. તમામ વર્ગ ભાજપાથી નારાજ છે. છતાં ભાજપ સતત જીતતી રહી છે, કારણ કે લોકો પાસે વિકલ્પ નહોતો. બધાને ખબર છે કે કોંગ્રેસ તેમની જેબમાં છે. કોંગ્રેસ પર લોકોનો ભરોસો રહ્યો નથી.
અમદાવાદ: ઉપેન્દ્ર ભટ્ટ લિખિત ‘હિન્દુ સક્સેસન એક્ટ” પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ વિષય ખૂબ જ જટિલ અને આંટાઘૂટીવાળો છે. લેખકે આ પુસ્તકમાં ખૂબ જ સરળ/સચોટ ગુજરાતી ભાષામાં વેપારીઓને ખૂબ જ ફાયદો થાય તે રીતે વિષયની છણાવટ કરેલ છે. HUF ના ઇન્કમ ટેક્ષની આકારણી વિશે આજે પણ વેપારીઓને સમજવામાં તકલીફ પડતી હોય છે. આ પુસ્તક દ્વારા વેપારીઓની સમસ્યાનું નિવારણ થશે.
ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલ જણાવે છે કે GCCI દ્વારા નિયમિત રીતે ડાયરેક્ટ ટેક્સ અંગે સેમિનાર, બજેટ અંતર્ગત સૂચનો, બજેટ લેક્ચર, પુસ્તક પ્રકાશન, open house વગેરે અનેકવિધ કાર્યો વેપારીના હિતમાં થતા હોય છે. આ પુસ્તકના વિમોચન પ્રસંગે ચેમ્બરના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયર, લેખક ઉપેન્દ્ર ભટ્ટ તથા ડાયરેક્ટ ડાયરેક્ટ કમિટીના ચેરમેન જૈનિક વકીલ હાજર રહ્યા હતા.
બાલીઃ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ નજીક 65 લોકોને લઈને જતી નૌકા ડૂબી જવાથી ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે 38 લોકો હજુ લાપતા છે અને 23 લોકોનો બચાવ થયો છે. બચાવ દળના અધિકારીઓએ જણાવ્યું છે કે રેસ્ક્યૂ કામગીરી હજુ પણ ચાલુ છે.
નૌકામાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર હતા જાવા સ્થિત એજન્સીએ જણાવ્યું હતું કે નૌકામાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર હતા. સુરાબાયા સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સીએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ નૌકા બુધવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે બાલીના જળમાર્ગમાં ડૂબી ગઈ હતી, જયારે તે ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાંથી પર્યટકો માટે પ્રસિદ્ધ સ્થળ તરફ જઈ રહી હતી.
એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે નૌકામાં 14 ટ્રક સહિત કુલ 22 વાહનો પણ હતાં. 17,000 ટાપુઓ ધરાવતા ઇન્ડોનેશિયામાં દરિયાઈ દુર્ઘટનાઓ સામાન્ય ઘટના છે, જેમાં મુખ્ય કારણ સુરક્ષા ધોરણોમાં છીંડાં છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસે જણાવ્યું છે.
20 લોકોનો બચાવ થયો બન્યુવાંગીના પોલીસ વડા રામા સમતમા પુત્રાએ જણાવ્યું કે બે મૃતદેહ મળી આવ્યા છે અને 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘણા લોકોને કલાકો સુધી ઊંડા પાણીમાં વહેતા રહેવાને કારણે બેહોશી આવી ગઈ હતી. બે ટગ બોટ અને બે ઇન્ફ્લેટેબલ બોટ સહિત કુલ નવ નૌકાઓ લાપતા લોકોની શોધખોળમાં લાગી છે. બચાવ ટીમે જણાવ્યું હતું કે રાતના અંધકારમાં અને બે મીટર ઊંચી લહેરો હોવાને કારણે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલી આવી રહી છે.
પટનાઃ ચૂંટણી રાજ્ય બિહારમાં ઘમસાણ આ બાબતને લઈને મચ્યું છે કે ચૂંટણી પંચ ત્યાં મતદાર યાદીનું વેરિફિકેશન કેમ કરાવી રહ્યો છે? આ મુદ્દે વિપક્ષી પક્ષોના મોટા નેતાઓએ બુધવારે ચૂંટણી પંચની મુલાકાત લીધી, પરંતુ જેટલો પરેશાન વિપક્ષ છે, એટલી જ ચિંતા કેટલાક અંશે NDAના સહયોગી પક્ષોમાં પણ જોવા મળી રહી છે.
વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો છે કે મતદાર યાદીની ચકાસણીનું એવું કાર્ય જે છેલ્લાં 22 વર્ષમાં નહીં થયું, તે હવે કેમ કરવામાં આવી રહ્યું છે? વિપક્ષનો આરોપ છે કે જે પ્રકારના દસ્તાવેજો લોકો પાસેથી માગવામાં આવી રહ્યા છે અને જ્યારે ચૂંટણીમાં માત્ર થોડા જ મહિનાનો સમય બચ્યો છે, ત્યારે લોકોને આ દસ્તાવેજો પૂરા પાડવામાં તકલીફ થશે અને તેનું પરિણામ એ થશે કે બિહારના બેથી ત્રણ કરોડ મતદારો મત નહીં આપી શકે.
કોંગ્રેસે સવાલ કર્યો છે કે શું 2003માં મતદાર યાદીની છેલ્લી સુધારણા બાદ યોજાયેલી બધી ચૂંટણી ખોટી હતી? તેજસ્વી યાદવે કહ્યું છે કે એવું લાગે છે કે ચૂંટણી પંચ હવે ભાજપનો પંચ બની ગયો છે.
આ ચિંતા ફક્ત વિપક્ષમાં જ નથી, NDAના કેટલાક સહયોગી પક્ષો પણ ચૂંટણી પંચના આ નિર્ણય અંગે દબાયેલા અવાજે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ, જેડીયુ અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અનેક નેતાઓએ વાતચીતમાં શંકા વ્યક્ત કરી છે કે શું આટલા ઓછા સમયમાં પંચ આ કાર્ય પૂરું કરી શકશે?
મતદાર યાદીના વેરિફિકેશનનું આ કાર્ય 25 જૂનથી શરૂ થયું હતું અને તેને 25 જુલાઈ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પંચે રાખ્યો છે.
લગભગ દરરોજ આપણે બજારમાં કંઈક ખરીદવા જઈએ છીએ અને દુકાનદાર આપણને સામાન આપવા માટે પ્લાસ્ટિકની થેલી આપે છે. આ પ્લાસ્ટિકની થેલી આપણા જીવનનો એટલો સામાન્ય ભાગ બની ગઈ છે કે આપણે ક્યારેય વિચાર્યું પણ નથી કે આ નાની થેલી આપણી પૃથ્વી અને સમુદ્ર માટે કેટલો મોટો ખતરો ઉભો કરી શકે છે. આજે, 3 જુલાઈ 2025 ના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ (International Plastic Bag Free Day) નિમિત્તે જાણીએ કે પ્લાસ્ટિકની થેલીઓ આખી દુનિયા માટે ખલનાયક કેમ બની ગઈ છે અને આ સુવિધા હવે કેવી રીતે મુશ્કેલીનું કારણ બની ગઈ છે.
દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે
પ્લાસ્ટિક બેગની વાર્તા 1960 ના દાયકામાં શરૂ થાય છે, જ્યારે સ્વીડિશ કંપની નેલોપ્લાસ્ટે પોલિઇથિલિનથી બનેલી હલકી, સસ્તી અને ટકાઉ બેગ બનાવી હતી. તે સમયે આ બેગ સુવિધાનું પ્રતીક હતી. તે કાગળની બેગ કરતાં સસ્તી હતી, પાણીમાં બગડતી નહોતી અને બનાવવામાં પણ ખૂબ જ સરળ હતી. આ બેગ થોડી જ વારમાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. પરંતુ આ સુવિધા ધીમે ધીમે વૈશ્વિક કટોકટીમાં ફેરવાઈ ગઈ. આજે, વિશ્વમાં દર વર્ષે 5 ટ્રિલિયનથી વધુ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. આનો અર્થ એ છે કે દર મિનિટે 10 લાખ બેગનો ઉપયોગ થાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે પ્લાસ્ટિક બેગનો સરેરાશ ઉપયોગ ફક્ત 12 મિનિટનો છે, પરંતુ તેને સંપૂર્ણપણે નાશ કરવામાં 100 થી 500 વર્ષ લાગી શકે છે.
માત્ર 1- 3 ટકા પ્લાસ્ટિક બેગ રિસાયકલ કરવામાં આવે છે
પ્લાસ્ટિક બેગનું સૌથી મોટું નુકસાન પર્યાવરણને થાય છે. આ બેગ ન તો સરળતાથી ઓગળે છે અને ન તો તે સંપૂર્ણપણે રિસાયકલ કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે, ફક્ત 1-3 ટકા પ્લાસ્ટિક બેગ રિસાયકલ કરવામાં આવે છે. બાકીની કાં તો લેન્ડફિલમાં જમા થાય છે અથવા નદીઓ અને મહાસાગરોમાં પહોંચે છે અને વિનાશ મચાવે છે. દર વર્ષે 8 મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક સમુદ્રમાં પહોંચે છે, જેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ મોટો ભાગ બનાવે છે. આ થેલીઓ કાચબા, માછલી અને વ્હેલ જેવા દરિયાઈ જીવો માટે ઘાતક સાબિત થાય છે. દર વર્ષે 10 લાખથી વધુ દરિયાઈ જીવો પ્લાસ્ટિક ગળી જવાથી અથવા તેમાં ફસાઈ જવાથી મૃત્યુ પામે છે.
પ્લાસ્ટિકની થેલીઓ ભારતમાં મોટી સમસ્યાઓનું કારણ બને છે
પ્લાસ્ટિકની થેલીઓને કારણે ભારતમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે. આપણા શહેરોમાં ગટર વ્યવસ્થા ઘણીવાર પ્લાસ્ટિકની થેલીઓને કારણે ભરાઈ જાય છે. ચોમાસા દરમિયાન મુંબઈ જેવા શહેરોમાં પૂરનું મુખ્ય કારણ આ પ્લાસ્ટિક કચરો છે. આ થેલીઓ વરસાદી પાણીને બહાર નીકળતા અટકાવે છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. આ ઉપરાંત જ્યારે પ્લાસ્ટિકની થેલીઓ સૂર્યપ્રકાશમાં તૂટી જાય છે, ત્યારે તે માઇક્રોપ્લાસ્ટિકમાં ફેરવાય છે. આ એટલા નાના કણો છે કે માછલીઓ તેમને ખાઈ જાય છે, અને પછી તે આપણી ખોરાકની થાળીમાં પહોંચે છે. એટલે કે, પ્લાસ્ટિક હવે ફક્ત બહાર જ નહીં, પણ આપણા શરીરની અંદર પણ ખતરો છે.
પ્લાસ્ટિકની થેલીઓ ખેતરોને પણ ઝેરી બનાવી રહી છે
પ્લાસ્ટિકની થેલીઓ માત્ર સમુદ્રને જ નહીં, પણ આપણી માટીને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે આ થેલીઓ ખેતરો કે જમીન પર ફેંકવામાં આવે છે, ત્યારે તે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. માઇક્રોપ્લાસ્ટિક જમીનમાં હાજર સુક્ષ્મસજીવોનો નાશ કરે છે, જે પાક માટે જરૂરી છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં આ એક ગંભીર સમસ્યા છે, કારણ કે લાખો લોકોની આજીવિકા ખેતી પર નિર્ભર છે. આ ઉપરાંત પ્લાસ્ટિકની થેલીઓ બાળવાથી ઝેરી વાયુઓ બહાર આવે છે, જે હવાને પ્રદૂષિત કરે છે અને શ્વસન રોગોને પ્રોત્સાહન આપે છે.
પ્લાસ્ટિક બેગને કારણે સરકારી ખર્ચમાં વધારો થયો
પ્લાસ્ટિક બેગની અસર ફક્ત પર્યાવરણ સુધી મર્યાદિત નથી. તે આપણા સમાજ અને અર્થતંત્રને પણ અસર કરે છે. સરકારોને દર વર્ષે સફાઈ માટે અબજો રૂપિયા ખર્ચવા પડે છે. ભારતમાં નદીઓ અને નાળાઓની સફાઈ પરનો ખર્ચ આનું ઉદાહરણ છે. આમ છતાં, કચરાનો પહાડ વધતો રહે છે. બીજી તરફ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઘટાડવાથી માત્ર પર્યાવરણ જ નહીં, પણ શણ અને કાપડની બેગનો વ્યવસાય પણ વધશે, જેનો ફાયદો સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને થશે.
હવે સમસ્યા વધતાં મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે
પ્લાસ્ટિક બેગની આ આફતને ધ્યાનમાં રાખીને, સમગ્ર વિશ્વમાં પગલાં લેવામાં આવી રહ્યા છે. 2008 માં સ્પેનના કેટાલોનિયામાં શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ હવે 100 થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને પ્લાસ્ટિક બેગને બદલે ટકાઉ વિકલ્પો અપનાવવા માટે પ્રેરણા આપવાનો છે. ઘણા દેશોએ કડક પગલાં લીધા છે. ઉદાહરણ તરીકે, બાંગ્લાદેશે 2022 માં સિંગલ-યુઝ પ્લાસ્ટિક બેગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો. કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઘણા આફ્રિકન દેશોએ પણ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ અથવા કર લાદ્યો છે. ભારતમાં પણ 2022 થી સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, પરંતુ તેને જમીની સ્તરે લાગુ કરવો હજુ પણ એક પડકાર છે.
પ્લાસ્ટિક બેગથી છુટકારો મેળવવા માટે શું કરવું?
પ્લાસ્ટિક બેગથી છુટકારો મેળવવા માટે નાના પગલાં મોટા ફેરફારો લાવી શકે છે. સૌથી સહેલો રસ્તો કાપડ અથવા શણની બેગનો ઉપયોગ કરવાનો છે. આ ફક્ત પર્યાવરણ માટે સારું નથી, પરંતુ ટકાઉ અને સ્ટાઇલિશ પણ છે. તમે જૂના કપડામાંથી ઘરે બેગ પણ બનાવી શકો છો. આ ઉપરાંત, દુકાનદારોને પ્લાસ્ટિક બેગ આપવાનો ઇનકાર કરો અને તમારી પોતાની બેગ રાખો. શાળાઓ અને પડોશમાં જાગૃતિ અભિયાન ચલાવીને લોકોને પ્રેરણા આપો. આ નાના પગલાં ધીમે ધીમે આ મોટા સંકટમાંથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
ઘાનાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ઉત્કૃષ્ટ રાજકીય નેતૃત્વ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે ઘાનાના રાષ્ટ્રીય સન્માન ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’થી નવાજવામાં આવ્યા છે. મોદીએ ઘાનાના રાષ્ટ્રપતિ જ્હોન ડ્રામાની મહામા પાસેથી આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.
મોદીએ Xની એક પોસ્ટમાં લખ્યું હતું કે ઘાનાના ‘સ્ટાર ઓફિસર ઓફ ધ ઓર્ડર’થી સન્માનિત થવાથી મને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે.
તેમના પુરસ્કાર ગ્રહણ ભાષણમાં મોદીએ જણાવ્યું કે આ પુરસ્કાર તેમના માટે અત્યંત ગર્વ અને સન્માનની બાબત છે. તેમણે કહ્યું હતું કે હું આ પુરસ્કાર 140 કરોડ ભારતીયોની તરફથી વિનમ્રતાપૂર્વક સ્વીકારું છું. તેમણે આ સન્માન બંને દેશોના યુવાનોની આશાઓ અને તેજસ્વી ભવિષ્યને, ઘાના અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધોને તેમ જ તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ અને વૈવિધ્યતાને સમર્પિત કર્યું.
I thank the people and Government of Ghana for conferring ‘The Officer of the Order of the Star of Ghana’ upon me. This honour is dedicated to the bright future of our youth, their aspirations, our rich cultural diversity and the historical ties between India and Ghana.
મોદીએ વધુમાં લખ્યું હતું કે આ સન્માન એક જવાબદારી પણ છે; ભારત-ઘાના મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરવું છે. ભારત ઘાનાના લોકો સાથે હંમેશાં ઊભું રહેશે અને એક વિશ્વસનીય મિત્ર અને વિકાસ સહયોગી તરીકે યોગદાન આપતું રહેશે.
વિદેશ મંત્રાલયે પોતાની પ્રેસ જાહેરાતમાં જણાવ્યું હતું કે વડા પ્રધાનને આ સન્માન તેમની ઉત્કૃષ્ટ રાજકીયતા અને વૈશ્વિક સ્તરે અસરકારક નેતૃત્વ બદલ આપવામાં આવ્યું છે.
આ ખાસ સન્માન માટે ઘાનાની જનતા અને સરકારનો આભાર વ્યક્ત કરતાં મોદીએ કહ્યું કે બંને દેશોના લોકતંત્રવાદી મૂલ્યો અને પરંપરાઓ આ ભાગીદારીને સતત પોષણ આપતી રહેશે.તેમણે કહ્યું હતું કે આ પુરસ્કાર બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ઘનિષ્ઠ બનાવે છે તથા દ્વિપક્ષી સંબંધોને આગળ વધારવાની નવી જવાબદારી મૂકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે આ ભારત-ઘાનાની ઊંડી અને લાંબા સમયથી ચાલતી ભાગીદારીનું પ્રમાણ છે.
અમદાવાદ, મુંબઈ, વડોદરા કે દેશનું કોઈ પણ મહાનગર લો. પિક અવર્સમાં નોકરી-ધંધા પર સમયસર પહોંચવાની ઉતાવળ કરતાં સ્ત્રી-પુરુષો. એ સરકારી, બસ કે ટ્રેન જેવાં વાહનમાં બે પગ મૂકવાની જગ્યા મેળવવાનો સંઘર્ષ પૂરો થતાં પછી એક્ટિવિટી એટલે વધતી જતી મોંઘવારીથી લઈને અમેરિકા, ઈરાન, ઈઝરાયલ, રશિયા, યુક્રેન વિશે ચર્ચા.
જીવન સમસ્યાથી ભરેલું છે, પ્રશ્નો અપાર છે. જીવનજરૂરીયાતની ચીજવસ્તુના ભાવવધારાથી લઈને દેશ-દેશ વચ્ચે વધી રહેલા તણાવ, સંબંધોમાં તિરાડોથી લઈને સમાજમાં ઊભા સર્જાયેલા ઝંઝાવાત અને ઘૂંટણના દુખાવા કે કબજિયાતની સમસ્યાથી લઈને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિ- પ્રશ્ન જ પ્રશ્ન છે. આવા સમયે જરૂર છે સ્થિરતાની, સમસ્યાના ભયંકર ઘોંઘાટની વચ્ચે આવશ્યકતા છે નીરવ શાંતિની, બૌદ્ધિક સ્થિરતાની.
સમાજિક સમસ્યાથી લઈને વ્યાવસાયિક પ્રશ્નો- જેના વિચારોમાં અસ્થિરતા હોય છે તેનું જીવન પણ અસ્થિર, હોય છે. બૌદ્ધિક અસ્થિરતા જીવનમાં વ્યગ્રતા, ઉગ્રતા અને ઉચાટ લાવે છે. આવા સમયે જરૂર છે ગીતોક્ત સ્થિરતાની, જેને શ્રીકૃષ્ણ ભગવાને સ્થિતપ્રજ્ઞતા કહી છે અને તેવી વ્યક્તિને સ્થિતપ્રજ્ઞ કહી છે.
બહુધા જોવામાં આવે છે કે વ્યક્તિ શાસ્ત્રોક્ત વાતોને તત્ત્વજ્ઞાનની ચર્ચા સુધી જ સીમિત રાખે છે, પરંતુ આ કેવળ ચર્ચા કે વિચારોનું મનોમંથન નથી, અથવા માત્ર બૌદ્ધિક આનંદ પ્રાપ્ત કરવાનો વિષય નથી. ગીતોક્ત સ્થિતપ્રજ્ઞતા જીવન સાથે એકરસ કરવા માટેનું તત્ત્વશાન છે. જેની પ્રજ્ઞા વિપરીત પરિસ્થિતિઓમાં પણ સ્થિર રહે તે સ્થિતપ્રજ્ઞ. માનસિક તણાવની પરિસ્થિતિમાં ઉદ્વેગ ન થાય, વિચારોમાં સ્વસ્થતા રહે તે જ સ્થિતપ્રજ્ઞતા છે.
શ્રીકૃષ્ણ ભગવાનના જીવનમાં કેટલા પ્રશ્ન હતા. કાળકોટડીમાં જન્મ, જન્મના થોડા દિવસોમાં જ પૂતના મારવા માટે આવી. બાળપણ ખેલકૂદના બદલે અસુરોના સંહારમાં વીત્યું. સગા મામા કંસ તરફથી સતત તકલીફો આપવાના પ્રયત્નો, સ્યમંતક મણિ ચોરાયો તેમાં કુટુંબીજનો તરફથી જ પોતાના ઉપર ખોટો આરોપ મુકાયો… પોતાની આંખો સામે જ પોતાના સંબંધીજનો એકબીજા સાથે લડીને મરી ગયા, એક સામાન્ય પારધીના હાથે ભાલકા તીર્થમાં પગમાં બાણ વાગવાથી મૃત્યુ. જન્મથી લઈને મૃત્યુ સુધી શ્રીકૃષ્ણ ભગવાનના જીવનમાં પ્રશ્નો જ પ્રશ્નો આવ્યા. છતાં તેમણે ક્યારેય ફરિયાદ કરી નથી કે હતાશ થયા નથી. સદા તેઓએ મોરલી વગાડી મધુરું સ્મિત રેલાવ્યું છે, અખંડ આનંદમાં રહ્યા છે.
શરીરનાં દુઃખ ભલભલા માણસને પણ વિચલિત કરી દે છે. અરે, વ્યક્તિ બળવાન જ કેમ ન હોય, પરંતુ જ્યારે શરીરમાં રોગ આવે છે ત્યારે તે જ વ્યક્તિ લાચાર અને વિવશ થઈ જાય છે. સ્વામી રામતીર્થે કહ્યું છે, ‘તમારી શક્તિનું માપ કાઢવું હોય, તો તમે દિવસમાં કેટલી વાર ઉદ્વેગ અનુભવ્યો તેની તપાસ કરવી.’
એક યુવકને પગમાં કાંટો વાગ્યો. તે ડૉક્ટર પાસે જઈને કહે, સોય વાપરયા વગર કાંટો કાઢી આપો.
શું આ શક્ય છે? નાની નાની વાતોમાં આપણે વિચલિત થઈ જઈએ છીએ, ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સર્વેક્ષણ મુજબ વર્તમાન સમયનો સૌથી મોટો રોગ હોય તો તે છે માનસિક તણાવ. દુનિયામાં આશરે 28 કરોડ લોકો માનસિક તણાવમાં જીવે છે. આ સમયે આવશ્યક છે અપાર શક્તિની. આ શક્તિ એટલે સ્થિતપ્રજ્ઞતા.
ભારતના નામાંકિત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલને ગીતોક્ત સ્થિતપ્રજ્ઞતાનાં મૂર્તિમાન દર્શન થયેલા વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજમાં. 2012માં તેમણે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પેસમેકર સર્જરી કરી હતી. તે સમયની તેઓની અનુભૂતિ વર્ણવતાં તેઓ કહે છે, “મેં ગીતામાં વાંચ્યું હતું કે દેહ અને આત્મા જુદા હોય છે, પરંતુ મને એક પ્રશ્ન કાયમ રહેતો કે શું આ શક્ય છે? પરંતુ સર્જરીના સમયે મને પ્રેક્ટિકલ અનુભવ થયો કે સર્જરીની પીડા સ્વામીજીના શરીરને સ્પર્શીને નીકળી જતી. તેમના આત્મા સુધી પહોંચતી નહોતી એટલે એમને કોઈ પીડાનો અનુભવ જ નહોતો થતો. આ અનુભવ મારા જીવનનો સૌથી દિવ્ય અનુભવ છે.’
-અને પેસમેકર સર્જરી સમયે પ્રમુખસ્વામી મહારાજની ઉંમર હતી ૯૧ વર્ષ. છતાં પીડાદાયક સર્જરીમાં પણ તેમને પીડાનો લેશમાત્ર અનુભવ નહોતો થતો અને એ સંપૂર્ણ સ્વસ્થ રહેતા. એ જ તેઓની સ્થિતપ્રજ્ઞતા છે.
તો 1996માં હ્યુસ્ટનમાં તેમની એન્જિયોગ્રાફી કરનાર ડૉ. વીરેન્દ્ર માથુરે કહ્યું કે, “સ્વામીજી અદભુત દર્દી છે! શું એમની ધીરજ છે! તેમના શરીર ઉપર શસ્ત્રક્રિયા થતી હોય પણ દુઃખનો એક શબ્દ કે પ્રતિભાવ નહીં! આવા વિરલ દર્દી મેં મારા જીવનમાં પ્રથમ વાર જોયા.’
આપણે પણ આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓના ઝંઝાવાતમાં અડીખમ ઊભા રહી શકીએ તેવા અડગ મનના બનીએ, જીવનમાં ઉદભવતી પ્રતિકૂળતાઓનાં ઊછળતાં મોજાંમાં પ્રગાઢ સ્થિરતા કેળવી શકીએ તેવા સ્થિતપ્રજ્ઞ બનીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
કબીરજી દ્વારા પ્રેમ શબ્દની વ્યાખ્યા અતિ વિશાળ છે. હકીકતમાં તેમની સાખીમાં અદ્વૈતનો પર્યાય પ્રેમ બની જાય છે. સર્વ જીવોમાં સમદૃષ્ટિ રાખી મામકા અને પરાયાનો ભેદ ન કરવો તે સાચી ભક્તિ માટે જરૂરી છે. મોહ, મદ અને લોભ છૂટ્યાની નિશાની વિશ્વવ્યાપી પ્રેમ છે.
પ્રેમનો અર્થ સંસારમાં આસક્તિના અર્થમાં થાય છે. પતિ-પત્ની, ભાઈ-બહેન, માતા-પિતા અને સંતતિ વચ્ચે પારિવારિક બંધનો છે. તેમાં ચઢ-ઉતાર આવે છે. સમષ્ટિ માટે જેને પ્રેમ છે તે જ સાચા સંત-મહાત્મા છે.
પ્રેમ વિનાની ભક્તિ દંભ છે, કારણ કે સ્વ ઓગળી ન જાય – સર્વમાં રામ અને શિવનાં દર્શન ન થાય તો જીવનમાં સાર પ્રાપ્ત થતો નથી. આવી ભક્તિ પેટ ભરવાની પ્રવૃત્તિથી વિશેષ નથી. કબીરજીનો મત સ્પષ્ટ છે કે, જગતનું કલ્યાણ કરે તે શિવ અને સર્વ દુઃખોનું હરણ કરી લે તે હરિ છે. અસારને સાર માનીને સંસારમાં ભટકતા રહેવું તે દુઃખનું કારણ છે. ઇચ્છાપૂર્તિથી સુખ પ્રાપ્ત થાય તો પણ તે અસાર અને અસ્થાયી સાબિત થાય છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)