Home Blog Page 806

ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મળશે આર્થિક સહાય

ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂ.200 પ્રતિ કિવન્ટલની સહાય રૂ.50 હજારની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.

આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે 93500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે.

મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, પુષ્કળ ઉત્પાદનના પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા. આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે.

ગત તા.1 એપ્રિલથી તા.31 મે, 2025 દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય, તેવા ખેડૂતોને રૂ.200 પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને મહત્તમ 25 હજાર કિલો (250 ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ.50 હજાર સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.124.36 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરવા આવી છે. જેનો રાજ્યના આશરે 90 હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની આ રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

વડોદરાની એક એવી સંસ્થા જે 115 વર્ષથી કરે છે સહકારી પ્રવૃત્તિ

વડોદરા: છેલ્લા 115વર્ષથી ચાલતી સરકારી કર્મચારીઓની સહકારી પ્રવૃત્તિની સંસ્થાએ સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કર્યો છે. વડોદરાના તત્કાલીન મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી સ્થપાયેલી આ સહકારી સંસ્થાએ વડોદરામાં ફરજ બજાવતા અનેક સરકારી કર્મચારીઓના ઘરના ઘરની સ્વપ્નને સાકાર તો કર્યું છે, પણ સાથે નાણાંકીય ભીડના સમયે આર્થિક સહાય પણ કરી છે. આ વાત 1910ના વર્ષની છે. બરોડા રાજ્યના રાજવી સર સયાજીરાવ ગાયકવાડે પોતાના કર્મચારીઓ અને અધિકારીઓને સહકારી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કર્યા. તે સમયના બરોડા રાજ્યના ઉચ્ચ અધિકારી અનંત નારાયણ દાતારની પહેલથી અન્ય સનદી અધિકારી પુરુષોત્તમ નાથાલાલ દેસાઇના પ્રમુખ સ્થાને તા. 17-12-1910ના રોજ ધી બરોડા ગવર્નમેન્ટ સર્વન્ટ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી.સ્થાપના સમયે તેમાં બરોડા રાજ્યના 13 સનદી અધિકારીઓ જોડાયા હતા. બાદમાં સભાસદોની સંખ્યા 66 થઇ હતી. આમ, રાજ્યની સૌથી જૂની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી કાર્યાન્વિત થઇ. દેશને આઝાદી મળી એ બાદ બરોડાનો મુંબઇ રાજ્યમાં સમાવેશ થતા આ સહકારી સંસ્થા ધી ગવર્નમેન્ટ સર્વન્ટ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા તરીકે ઓળખાવા લાગી. શરૂઆતમાં તેમાં મહેસૂલ, બાંધકામ, જિલ્લા પંચાયતના કર્મચારીઓ જોડાયા હતા.બાદમાં આ સહકારી પ્રવૃત્તિને નીહાળીને વડોદરા જિલ્લાના સરકારી, અર્ધસરકારી, યુનિવર્સિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ટેલિફોન, આકાશવાણી, ગેરી વગેરે ખાતાના કર્મચારીઓ પણ ઉમેરાતા ગયા. પ્રારંભિક સમયે આ સંસ્થા શહેરની શાસ્ત્રી પોળમાં ભાડાના મકાનમાં ચાલતી હતી. તે બાદ સંસ્થા વસાહતમાં રૂ. 9 હજારથી જમીન ખરીદી અને તા. 20-10-1957ના રોજ બરોડા રાજ્યના પૂર્વ પ્રધાન છોટાલાલ સુતરિયા તથા સંસ્થાના પ્રથમ સભ્ય શંકર બળવંત ડિડમિસેના હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં સમયાંતરે આધુનિક ઓફિસ બનાવવામાં આવી.1992થી સતત પ્રમુખ તરીકે સેવા આપતા પ્રતાપરાવ એસ. ભોઇટે કહે છે, આ સહકારી સંસ્થા 1975 સુધી સભાસદોને રૂ. 2500 સુધીનું ધીરાણ કરતી હતી. બાદમાં 1995 સુધી સરકારી પગાર ધોરણોને ધ્યાને રાખી રૂ. 15 હજાર સુધીનું ધીરાણ કરવામાં આવતું હતું. સહકારી પ્રવૃત્તિનો સુદ્રઢ વહીવટથી આર્થિક સદ્ધરતા વધતા ક્રમે ક્રમે ધીરાણની મર્યાદા વધારવામાં આવી અને હાલમાં રૂ. 20 લાખ સુધીનું ધીરાણ કરવામાં આવે છે. રાજ્યમાં સૌથી વધુ ધીરાણ કરવામાં અને થાપણમાં આ સંસ્થા સમગ્ર રાજ્યમાં અવલ્લ છે. 1981થી ઓડિટમાં અ વર્ગ મળે છે.સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ એવા સભાસદોને રૂ. 20 લાખ સુધીનું ધીરાણ આપવામાં આવતું હોવાથી અનેકના ઘરના ઘરનું સપનુ સાકાર થયું છે. કેટલાયના દીકરા-દીકરીના લગ્નપ્રસંગો સુપેરે પત્યા છે. આ ઉપરાંત આરોગ્યલક્ષી સહાય, વાર્ષિક ભેટ, ડિવિડન્ડ, શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. આજે આ સહકારી પ્રવૃત્તિઓ સાથે 11,347 લોકો જોડાયેલા છે. સંસ્થાએ ગત્ત વર્ષે રૂ. 186 લાખનો નફો કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા તા. 1 થી સહકારી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ત્યારે વડોદરાની આ સંસ્થા સહકારથી સમૃદ્ધિના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે.

( દર્શન ત્રિવેદી-વડોદરા)

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોની રજૂઆતો સમસ્યાઓના સુચારૂ નિવારણ માટે ટેક્નોલોજીયુક્ત અભિગમ ‘સ્વાગત’માં જિલ્લા કક્ષાના ‘સ્વાગત’માં લોકોની રજૂઆતોની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની જે સૂચનાઓ અપાઈ હોય તેનું પાલન સુનિશ્ચિત કરવા તાકિદ કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અરજદારો નાગરિકોને પોતાની આવી નાની રજૂઆતો માટે રાજ્ય ‘સ્વાગત’ સુધી આવું જ ન પડે તેવી સ્થિતીનું નિર્માણ આપણે કરવું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂન મહિનાના રાજ્ય “સ્વાગત”માં તેમની સમક્ષ રજૂ થયેલા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગો તથા જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ અધિક્ષકો તથા અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ જૂન-2025ના આ રાજ્ય “સ્વાગત”માં રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના રસ્તાઓ બનાવવા, જમીન મહેસુલ, હેતુફેર સહિતની વિવિધ રજૂઆતો આવી હતી. તેમણે આ રજૂઆતકર્તાઓને શાંતિપૂર્વક સાંભળીને તથા હકારાત્મક વલણ દાખવીને મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રને સ્પર્શતી રજૂઆતોમાં કડક કાર્યવાહી માટે સુચનાઓ પણ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ યોજના પડતી મુકાયા છતાં કેટલાંક ખેડૂત ખાતેદારોના 7/12માં કલમ-4ના પ્રાથમિક જાહેરનામામાં યથાવત રહેલી નોંધને કારણે ખેડૂતોને લાંબા સમયથી પડતી સમસ્યાનો અંત લાવી તે નોંધ દૂર કરવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય “સ્વાગત” દરમિયાન કર્યો હતો.

દરેક સ્ત્રીની સામાન્ય વ્યથા ‘મારી પાસે સમય નથી’

રતિકા સવારના પાંચ વાગ્યે ઉઠી. રસોડામાં ચાની કીટલી ચડાવતાં એને યાદ આવ્યું કે આજે ઓફિસમાં પ્રેઝન્ટેશન છે, બાળકોનું ટિફિન તૈયાર કરવાનું, સાસુજીની દવાઓ લેવા જવું પડશે, અને હા, સાંજે રાહુલના મિત્રનું બર્થડે ડિનર પણ છે. એણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું, બસ, બધું થઈ જશે. પણ એના હૃદયના એક ખૂણામાંથી અવાજ આવ્યો રતિકા બધા માટે સમય છે પણ તારા માટે જ તારી પાસે સમય નથી?

રતિકા એક ૩૫ વર્ષની મહિલા,  જેનું જીવન એક સફળ મેનેજર, પત્ની, માતા અને પુત્રવધૂની જવાબદારીઓથી ભરેલું હતું. સવારે બાળકોને તૈયાર કરતી,  પતિ રાહુલને લંચ, ફાઈલ આપી ઓફિસ માટે મોકલી પોતે પણ ઓફિસે પહોંચતી. જયાં બોસની ડેડલાઇન્સ, ટીમની મીટિંગ્સ અને ક્લાયન્ટના ફોનકોલ્સની વચ્ચે એનો દિવસ પસાર થતો. ઘરે પાછા ફરે ત્યારે, બાળકોના હોમવર્ક, રાત્રિનું ભોજન, પરિવારની જવાબદારી. આ બધું એક ચક્રની જેમ ચાલતું રહેતું.

એક દિવસ રતિકાને એની જૂની મિત્ર પ્રિયાનો ફોન આવ્યો. એને કહ્યું ઘણા દિવસથી આપણે મળ્યા નથી  ચાલ, આ રવિવારે આપણે કોફી પીવા જઈએ. ઘણી બધી વાતો કરીશું. પણ રતિકાએ હસીને રહ્યું યાર આ રવિવાર નહીં ફરીના રવિવારે ચોક્કસથી જઈશું. મારી પાસે સમય નથી દોસ્ત. રવિવારે બાળકોના ટ્યુશન, ઘરનું કામ, અને રાહુલના ઓફિસના મિત્રો આવવાના છે.  પ્રિયાએ કહ્યું,  રતિકા તારી પાસે બધા માટે સમય છે પણ તારા માટે જ સમય નથી.

એ દિવસે રતિકા મોડી રાત સુધી વિચારતી રહી કે હા પ્રિયાની વાત બિલકુલ સાચી છે. મારી પાસે મારી માટે સમય જ નથી.

સ્ત્રી પોતાનું જીવન પ્રેમથી જીવે, ત્યારે જ પરિવાર ખુશીથી જીવી શકે

મારી પાસે સમય નથી. આ શબ્દ એટલી વખત સાંભળવા મળે છે કે, જાણે દરેક સ્ત્રીના જીવનનો ભાગ બની ગયું છે. વાત સાચી પણ છે કે મહિલાને પાસે પરિવાર, પતિ, બાળકો, ઘર, નોકરી, સામાજિક જવાબદારી માટે સમય હોય છે. પરંતુ પોતાના માટે સમય નથી હોતો.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગ્રાફિક્સ ડિઝાઈનર તમન્ના ચાવલા કહે છે કે, મોટાભાગની મહિલા પોતાની જાત માટે, પોતાના સપનાઓ માટે, પોતાના શોખ માટે કે પોતાના આરોગ્ય માટે સમય કાઢવાનું વિચારી પણ શકતી નથી. કારણ કે એક સ્ત્રીનું જીવન, સમય, એ બીજા લોકોની જરૂરિયાતોમાં વહેંચી નાખે છે. અન્યના દાયિત્વોમાં એટલા બંધાઈ જઈએ છીએ કે પોતાને જ ભૂલી જઈએ છીએ. પણ કોઈ દિવસ વિચાર્યું છે કે જો આપણી જાત માટે સમય ન કાઢીયે, તો આપણે અંદરથી ખાલી થવા લાગી જઈશું. જ્યાં સુધી આપણે ખુશ નથી, તંદુરસ્ત નથી, મનથી શાંતિમાં નથી, ત્યાં સુધી આપણે બીજા માટે સંપૂર્ણ રીતે કંઈ આપી શકીએ નહીં. પોતાને પ્રેમ આપવો, પોતાનું ધ્યાન રાખવું, સમય કાઢીને આનંદ કરવો કોઈ સ્વાર્થ નથી આ જરૂરિયાત છે. આપણે બીજા માટે જ છીએ, એમાં શંકા નથી, પરંતુ પહેલા આપણે આપણા માટે હોઈએ, પછી જ બીજાને સારું આપી શકીએ.

સ્ત્રી પોતાને હંમેશા છેલ્લાં સ્થાને રાખે છે

મહિલા હંમેશા પોતાનું સ્થાન છેલ્લા રાખે છે. કારણ કે બાળપણથી એને શીખવવામાં આવે છે કે સંસ્કારી સ્ત્રી એ જ બની શકે જે ત્યાગ કરે, જે શાંત રહે, જે પોતાને ભુલીને બીજાઓ માટે જીવે. સમાજે સ્ત્રીની ઓળખ એના સંબંધી પદોથી જ બનાવી છે. જેમાં  મા, પત્ની, વહુ, દીકરી છે, પણ શું એનો પોતાનો કોઈ રોલ નથી? એનો અવાજ, એના સપના, એના શોખ, એના વિચારોનું શું?

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષીકા પિંકલ દેસાઈ કહે છે કે, જ્યારે સ્ત્રી ઘરના કામમાં નિપુણ બને છે, ત્યારે એને વખાણ મળે છે. પણ જ્યારે એ પોતાના સપનાની વાત કરે છે, ત્યારે એને અટકાવવામાં આવે છે. એના સપનાઓને ઘર તોડનારું  ગણી ને દબાવવામાં આવે છે. પરંતુ હવે સમય બદલાયો છે. સ્ત્રી એ માત્ર સંબંધો પૂરતી નથી રહી. એને પણ પોતાના માટે સમય નિકાળવો જ જોઈએ. હું એક પત્ની છું, એક વહુ છું, એક માતા પણ છું. હું ઘરના કામ પણ સંભાળું છું. પણ હું એ બધું મારા અસ્તિત્વના ખંડન પર નહિ, પરંતુ સંતુલન સાથે કરું છું. હું મારા શોખ માટે સમય કાઢું છું, મારી ઓળખ માટે પ્રયત્ન કરું છું. કારણ કે હું માનું છું કે 24 કલાકમાંથી દરેક મહિલાએ પોતાની માટે અમુક ક્ષણો તો નીકાળવી જ જોઈએ.

પોતાના માટે સમય કાઢવો જરૂરી

દરેક સ્ત્રી માટે દિવસ ૨૪ કલાકનો હોવા છતાં પણ એવો લાગે છે કે સમય એને ક્યારેય પૂરતો મળતો નથી. જાણે સમય એની મુંઝાયેલી મુઠીમાં દરરોજથી સરકી જાય છે. સવારથી શરૂ થતી એક અવ્યાખ્યાયિત દોડથી દરેક પરિબળે એને તણાવમાં રાખે છે. આ બધામાં એ ‘સ્ત્રી’ તરીકે જીવતી રહી જતી નથી, એ તો ફક્ત ‘ભૂમિકા’ઓ ભજવે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશિયન અલ્પા ચૌહાણ કહે છે કે, મહિલાઓએ પોતાના માટે સમય કાઢવો અત્યંત જરૂરી છે, કારણ કે એમની શારીરિક અને માનસિક સુખાકારી એમની આર્થિક અને વ્યક્તિગત સફળતાનો પાયો છે. મહિલાઓ ઘણીવાર પરિવાર અને કારકિર્દીની જવાબદારીઓમાં એટલી ફસાઈ જાય છે કે પોતાના માટે સમય નથી રહેતો, જે એમની આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિ પર અસર કરે છે. નાના-નાના પગલાં, જેમ કે દર અઠવાડિયે થોડો સમય શોખ, આરામ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે ફાળવવો, મહિલાઓને પોતાની ઓળખ અને આત્મસન્માન જાળવવામાં મદદ કરે છે. આવો સમય નીકાળવો એ સ્વાર્થ નથી, પરંતુ પોતાની ક્ષમતાઓને સશક્ત કરવાની રીત છે, જે અંતે પરિવાર અને સમાજને પણ ફાયદો પહોંચાડે છે.

હેતલ રાવ

સોનાક્ષી પાપારાઝી પર ભડકી, કહ્યું- ફોટો પડાવ્યા વિના અંતિમ સંસ્કારમાં પણ જઈ શકતી નથી

સોનાક્ષી સિંહા સોશિયલ મીડિયા અથવા ઇન્ટરવ્યુ દ્વારા ખુલ્લેઆમ પોતાના વિચારો રજૂ કરે છે. તાજેતરમાં સોનાક્ષીએ પાપારાઝી વિશે વાત કરી. તેણીએ સેલિબ્રિટીઓના જીવનમાં પાપારાઝીના વધતા દખલ વિશે વાત કરી અને તેની ટીકા કરી. આ ઉપરાંત સોનાક્ષીએ બોડી શેમિંગ જેવા વિષયો પર ખુલ્લેઆમ પોતાના વિચારો શેર કર્યા.

સોનાક્ષી પાપારાઝી પર ગુસ્સે થયેલી જોવા મળી હતી

તાજેતરમાં ટાઇમ્સ નાઉ સાથેની વાતચીતમાં સોનાક્ષીએ કહ્યું,’સોશિયલ મીડિયા શું બની ગયું છે? પાપારાઝી સંસ્કૃતિ શું બની ગઈ છે? તમે ફોટો પડાવ્યા વિના અંતિમ સંસ્કારમાં પણ જઈ શકતા નથી. મને આ વિચિત્ર લાગે છે. આ બધું એક મર્યાદા પછી અવગણવું પડે છે. પરંતુ આ વસ્તુની આદત પડવામાં થોડો સમય લાગી શકે છે.’

પાપારાઝી કલ્ચર ઉપરાંત સોનાક્ષીએ બોડી શેમિંગના મુદ્દા પર પણ ખુલ્લેઆમ વાત કરી. વાસ્તવમાં અભિનેત્રીએ ઘણી વખત તેનો સામનો કર્યો છે, તેના શરીરના વજનને કારણે તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ સોનાક્ષીનો તેના સ્વાસ્થ્ય અને શરીર માટેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. તે કહે છે, ‘મેં મારા સમગ્ર કારકિર્દી દરમિયાન વ્યવહારુ અભિગમ અપનાવ્યો, હું એક સ્વસ્થ વ્યક્તિ બનવા માંગતી હતી. હું ચાહકો માટે આ ઉદાહરણ પણ સ્થાપિત કરવા માંગતી હતી.’

સોનાક્ષીની ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી

પહેલા સોનાક્ષીની ફિલ્મ ‘નિકિતા રોય’ 27 જૂને રિલીઝ થવાની હતી. ત્યારબાદ ‘મા’ અને ‘કનપ્પા’ ફિલ્મો સાથે ટક્કર ટાળવા માટે સોનાક્ષીની ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી હતી. હવે આ ફિલ્મ 18 જુલાઈએ રિલીઝ થશે.

સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘નિકિતા રોય’

એક સુપરનેચરલ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં તે એક ડિટેક્ટીવની ભૂમિકા ભજવી રહી છે. સોનાક્ષીના પાત્રનો ઉદ્દેશ્ય એક ગુરુ (પરેશ રાવલ)નો પર્દાફાશ કરવાનો છે. આ ગુરુ લોકોને ભૂતથી મુક્ત કરવાનો દાવો કરતો હોય છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

જૂનમાં GST કલેક્શન વધીને રૂ. 1.85 લાખ કરોડ રહ્યું

નવી દિલ્હીઃ સરકારે ગયા મહિનાના એટલે કે જૂન, 2025નું GST કલેક્શન જાહેર કર્યું છે. સરકારી આંકડાઓ અનુસાર જૂન, 2025માં કુલ માલ અને સેવા કર (GST) વસૂલાત વર્ષ-દર-વર્ષ આધાર પર 6.2 ટકાથી વધીને રૂ. 1.85 લાખ કરોડ થઈ ગઈ છે, જ્યારે મે, 2025માં GST કલેક્શન 16.4 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 2,01,050 કરોડ નોંધાયું હતું.

પાંચ વર્ષમાં બેગણું થયું ગ્રોસ GST કલેક્શન
દેશમાં ગ્રોસ GST કલેક્શન છેલ્લાં પાંચ વર્ષમાં બે ગણી વધીને આર્થિક વર્ષ 2024-25માં રૂ. 22.08 લાખ કરોડના સર્વોત્તમ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે, જે કે આર્થિક વર્ષ 2021માં રૂ. 11.37 લાખ કરોડ હતું. આ ગ્રોસ GST વસૂલાતમાં ગયા આર્થિક વર્ષની તુલનામાં 9.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

2025ના આર્થિક વર્ષમાં સરેરાશ માસિક GST વસૂલાત રૂ. 1.84 લાખ કરોડ રહી છે, જે 2024ના આર્થિક વર્ષમાં રૂ. 1.68 લાખ કરોડ અને 2022માં રૂ. 1.51 લાખ કરોડ હતી. છેલ્લાં આઠ વર્ષમાં GST હેઠળ રજિસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 2017માં 65 લાખ હતી, જે હવે વધીને 1.51 કરોડથી પણ વધુ થઈ ગઈ છે – જે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.

સરકારને એપ્રિલ, 2025માં GST વસૂલાત રૂ. 2.37 લાખ કરોડ થઈ હતી. વાર્ષિક ધોરણે એમાં 12.6 ટકાનો વધારો થયો હતો. આ GST ક્લેક્શન એક રેકોર્ડ છે.

બિહારનો રૂ. 100 કરોડનો હાઈવે ‘વૃક્ષજામ’માં ફસાયો

પટનાઃ બિહારની વાત હોય અને તેમાં કંઈ અનોખું ન મળે, એવું થઈ જ ન શકે. આવું જ કંઈક તમને પટના-ગયા હાઈવે જોઈને લાગશે, જ્યાં તમે નવા માર્ગ પર એક પણ ખાડો ન હોવાની ખુશીમાં ઝડપથી ગાડી ચલાવતા હશો અને અચાનક જ કોઈ ઝાડ સાથે અથડાઈ જશો. જો તમે વિચારી રહ્યા છો કે કદાચ કોઈ કારણસર કંટ્રોલ ગુમાઈ ગયો અને ગાડી રસ્તાની બાજુ ઊભેલા ઝાડ સાથે અથડાઈ ગઈ, તો એવું નથી. કારણ કે આ ઝાડ રસ્તાની બાજુ પર નહીં, પરંતુ રસ્તાની બિલકુલ વચ્ચે ઊભા છે – જેને જોઈને તમે ચોંકી જશો. રસ્તા વચ્ચે અંદાજે 50થી વધુ વૃક્ષો સીધા બેધડક ઊભાં છે.

આ કમાલ કર્યો છે બિહારના 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પટના-ગયા હાઈવેના કોન્ટ્રેક્ટરોએ. તેમને જ્યારે વન વિભાગ તરફથી ઝાડ કાપવાની પરવાનગી ના મળી, ત્યારે તેમણે એ ઝાડોને વચ્ચે જ રાખીને રોડને પહોળો કરી નાખ્યો.

જેહાનાબાદમાં સાત કિમી લાંબા રસ્તા પર આ અનોખું કામ

આ આશ્ચર્યજનક કામ હાઈવેના જેહાનાબાદ શહેરમાંથી પસાર થતી જગ્યા પર થયેલું છે, જે પટનાથી લગભગ 50 કિલોમીટર દૂર છે. અહેવાલ મુજબ પટના-ગયા હાઈવેના લગભગ 7.48 કિમીના સ્ટ્રેચ પર ઝાડ કાપ્યા વિના રોડની પહોળાઈ વધારવામાં આવી છે. જેને કારણે કોઈ પણ સમયે વાહનો સાથે દુર્ઘટના થવાનો ભય છે.

ચાલકે બને છે વિડિયો ગેમનો ખેલાડી

આ અનોખી કામગીરીના કારણે, રોડ પર સરળતાથી ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવર માટે અચાનક પરિસ્થિતિ બદલાઈ જાય છે, કારણ કે આ વૃક્ષો એક સીધી લાઈનમાં નથી ઊભા, તેથી ડ્રાઈવરને ઝિગઝેગ પેટર્નમાં ગાડી ચલાવવી પડે છે – જાણે તે કોઈ વિડિયો ગેમમાં ગાડી ચલાવી રહ્યો હોય. જેના કારણે આ માર્ગ અજાણ્યા લોકો માટે 100 કરોડ રૂપિયાના મોતને આમંત્રણ આપી રહ્યો છે.

મુંબઈમાં વર્સોવા પોલીસે નાઈજીરીયન મહિલાની 1.42 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે કરી ધરપકડ

મુંબઈમાં વર્સોવા પોલીસે એક મોટા ડ્રગ્સના જથ્થામાં 34 વર્ષીય નાઇજીરીયન મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે આ મહિલાની 418 ગ્રામ કોકેઈન રાખવાના આરોપમાં ધરપકડ કરી છે, જેમાં 30 કેપ્સ્યુલ્સનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 1.42 કરોડ રૂપિયા છે. આરોપી મહિલા વર્સોવામાં ડ્રગ્સનું હેરાફેરી અને વેચાણ કરતી હોવાનું કહેવાય છે.

ડ્રગ્સ આરોપીની ઓળખ ક્રિડટીના ઇડોવ તરીકે થઈ છે, જે મૂળ નાઇજીરીયાની ઓનેડાના હુસૈન વાજિદવાલાની છે. તે નવી દિલ્હીમાં રહેતી હતી અને મુંબઈમાં માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેર અને વિતરણમાં સામેલ હોવાનું માનવામાં આવે છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે આ ઘટના વહેલી સવારે બની હતી જ્યારે પેટ્રોલિંગ કરી રહેલા અધિકારીઓએ વર્સોવામાં એક શેરીમાં શંકાસ્પદ રીતે ચાલતી એક મહિલાને બેગ લઈને જતા જોઈ. જ્યારે વર્સોવામાં પોલીસ પેટ્રોલિંગ વાન રોકાઈ અને તેની પૂછપરછ કરી, ત્યારે અધિકારીઓને તેના જવાબોમાં વિસંગતતા જોવા મળી. નાઇજીરીયન મહિલાના ખચકાટને કારણે પોલીસ અધિકારીઓએ તેની બેગમાં રહેલી સામગ્રીની તપાસ કરી. તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓને 418 ગ્રામ ઉચ્ચ-ગ્રેડ કોકેન મળી આવ્યું, જેમાં ડ્રગના 30 કેપ્સ્યુલનો સમાવેશ થાય છે.

નાઇજીરીયન નિવાસી ઇડોવ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે, અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે. વધુમાં, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર નહીં બની સહમતી

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને હજુ સુધી કોઈ સમજૂતી નથી થઈ. અમેરિકા 10 ટકા ટેરિફ યથાવત્ રાખવા માગે છે, જ્યારે ભારત ઈચ્છે છે કે ઘણા સેક્ટરમાં લાગુ 10 ટકા ટેરિફને શૂન્ય કરી દેવામાં આવે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત તરફથી સોદાના મુખ્ય વાર્તાકાર રાજેશ અગ્રવાલે અમેરિકાનો પ્રવાસ લંબાવી દીધો છે.અગાઉ એવા અહેવાલ હતા કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની શરતો પર સહમતી થઈ ગઈ છે અને તેનું ઔપચારિક એલાન 8 જુલાઈએ થઈ શકે છે.ત્યાર બાદ વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સારા સંબંધોને ધ્યાનમાં રાખીને બંને દેશોના સંબંધો મજબૂત રહેશે.

લેવિટે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને જલદી જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ બાબતમાં અપડેટ આપશે. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ ત્યાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 જુલાઈથી દુનિયાભરના અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. જોકે ટેરિફ પર વિવાદ વધતાં અમેરિકા દ્વારા ઘણા દેશોને આ ટેરિફમાંથી તાત્કાલિક રાહત આપવામાં આવી હતી.
ભારત પર લાગુ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફને નવ જુલાઈ સુધી માટે સ્થગિત કરવામાં આવી હતી, પણ ભારત પર લાગુ 10 ટકા બેઝલાઇન ટેરિફ હજુ દૂર કરવામાં આવ્યો નથી.

દયા ભાભી બાદ બબીતાજીએ પણ ‘તારક મહેતા’ શો છોડ્યો? મુનમુન દત્તાએ જણાવી હકીકત

ઘણા સમયથી દર્શકોને હાસ્યનો ડોઝ આપી રહેલો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં એક નવા ટ્રેક માટે સમાચારમાં છે. એક તરફ શોમાં હંમેશની જેમ હળવા-મજાના રમુજી દ્રશ્યો છે, તો બીજી તરફ તેમાં ભયાનકતાનો તડકો પણ છે, પરંતુ આ દરમિયાન ચાહકોએ એક મહત્વપૂર્ણ પાત્રની ગેરહાજરી પણ જોઈ છે અને તે છે બબીતાજી.

શોમાં બબીતા ​​ઐયરનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા છેલ્લા કેટલાક એપિસોડથી શોમાં જોવા મળી નથી. શોમાંથી તેના અચાનક ગાયબ થવાથી એવી અટકળો શરૂ થઈ હતી કે કદાચ તેણીએ શો છોડી દીધો હોય. સોશિયલ મીડિયા પર આ વાતની ખૂબ ચર્ચા થઈ હતી અને ચાહકોએ મુનમુનની વાપસીની માંગણી શરૂ કરી હતી.

હવે મુનમુન દત્તાએ પોતે આ બધી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેણીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શોના સેટ પર જોવા મળી રહી છે. વિડિઓમાં મુનમુનને વ્હાઈટ ડ્રેસમાં જોઈ શકાય છે અને શોના સેટ પર એટલે કે બબીતા ​​અને ઐયરના ઘરે કેટલાક દ્રશ્યોનું શૂટિંગ કરતી જોવા મળી રહી છે. વિડિઓના કેપ્શનમાં, તેણીએ લખ્યું, ‘અફવાઓ હંમેશા સાચી હોતી નથી,’ જે સ્પષ્ટ સંકેત છે કે તેણીએ શો છોડ્યો નથી અને ટૂંક સમયમાં પરત ફરવાની છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચાહકોને રાહત મળી છે અને તેણીની વાપસીની આશા પણ પાક્કી થઈ ગઈ છે.

બીજી બાજુ, જો આપણે શોના વર્તમાન ટ્રેક વિશે વાત કરીએ તો ગોકુલધામ સોસાયટીના કેટલાક સભ્યો એક જૂના બંગલામાં પિકનિક માટે ગયા છે, જ્યાં ભૂતનો પડછાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધી ફક્ત આત્મારામ ભીડેએ જ તે ભૂત જોયું છે અને તેણે તેની પાસે પોતાના કપડાં પણ ધોવડાવ્યાં છે. ભયને કારણે ભીડેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, પરંતુ બાકીના લોકો હજુ પણ અજાણ છે. નોંધનીય છે કે જેઠાલાલ, ડૉ. હાથી, કોમલ હાથી, બબીતા ​​જી અને ઐયર હાલના ટ્રેકમાં દેખાતા નથી. બધા ચાહકો હવે આ પાત્રોના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે અને મુનમુનના વીડિયોએ આશાઓ ફરી જગાવી છે.