Home Blog Page 815

 રથયાત્રા દરમ્યાન આશરે 600થી વધુ લોકોની તબિયત બગડી

 પુરીઃ ઓડિશાના પુરીમાં આયોજિત વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમ્યાન ભીષણ ગરમી અને ભીડને કારણે આશરે 625 લોકો બીમાર પડી ગયા હતા અને અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ રથયાત્રા દરમ્યાન અનેક લોકોએ મામૂલી ઇજા, ઊલટી અને બેભાન થવાની ફરિયાદ કરી હતી અને એનું મુખ્ય કારણ મોટી જનમેદનીની સ્થિતિ હતી, એમ પુરીના મુખ્ય જિલ્લાધિકારી (CDMO) ડો. સતપથીએ જણાવ્યું હતું.

આ વર્ષે પુરીમાં રથયાત્રામાં એક તરફ ભારે ગરમી હતી અને બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા. આ બંને કારણોસર ઘણાં શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા અને કેટલાક બેભાન પણ થઈ ગયા હતા. આ ઉપરાંત, ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ હતી. આ રથ થંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. વિશાળ ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની આઠ કંપનીઓ સહિત લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓને શહેરમાં તહેનાત હતા. ઓડિશાના DGP વાય.બી. ખુરાનિયાએ જણાવ્યું હતું કે, ‘અમે રથયાત્રાના સુચારુ સંચાલન માટે દરેક શક્ય વ્યવસ્થા કરી છે. રથયાત્રા પર 275 થી વધુ AI-સક્ષમ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

દર વર્ષે યોજાતા રથોત્સવમાં, દેશ અને દુનિયાભરમાંથી ભગવાન જગન્નાથના લાખો શ્રદ્ધાળુઓ તીર્થનગરી પુરી પહોંચે છે. આ સમય દરમિયાન, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને 12મી સદીના પુરી જગન્નાથ મંદિરથી લગભગ 2.5 કિમી દૂર ગુંડિચા મંદિર સુધી હાથ વડે ખેંચવામાં આવે છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા એક અઠવાડિયા સુધી ગુંડિચા મંદિરમાં રહે છે અને પછી સમાન શોભાયાત્રામાં જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં પાછા ફરે છે. 

અમદાવાદની કાંટા લગા ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલાનું હાર્ટ એટેકને કારણે નિધન

ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. મોડેલ અને અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન થયું છે. શેફાલીએ માત્ર 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે.

બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે . તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. ‘કાંટા લગા’ ગીતથી હેડલાઇન્સમાં આવેલી શેફાલી જરીવાલાને બિગ બોસ 13 માં પણ જોવા મળી હતી. શુક્રવારે મોડી રાત્રે શેફાલી જરીવાલાને અચાનક છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તેમને અંધેરી લોખંડવાલા વિસ્તારની બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી.

શેફાલી જરીવાલનો જન્મ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો અને તે ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી-ડાન્સર હતી. શેફાલીને 2002 માં આવેલા ‘કાંટા લગા’ ગીતના રિમિક્સ વીડિયોથી ખ્યાતિ મળી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. આ ગીતની લોકપ્રિયતા પછી, તે ‘કાંટા લગા ગર્લ’ તરીકે પણ જાણીતી થઈ. શેફાલીએ બિગ બોસ 13 માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને લોકોએ તેને ખૂબ પસંદ પણ કરી હતી. શેફાલીના મૃત્યુના સમાચારથી બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

રિપોર્ટ મુજબ, શેફાલીને તેના પતિ અને અન્ય ત્રણ લોકો દ્વારા બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તાત્કાલિક તબીબી સહાય છતાં તેણીનો જીવ બચી શક્યો નહીં. હોસ્પિટલના રિસેપ્શનિસ્ટે શેફાલીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઉપરાંત, શેફાલીને પાછળથી બીજી હોસ્પિટલ (કૂપર) લઈ જવામાં આવી હતી. પત્રકાર વિક્કી લાલવાણીએ આ મોટી ઘટના વિશે વિગતવાર માહિતી આપતી એક પોસ્ટ શેર કરી. તેમણે શેર કર્યું, ‘હું પુષ્ટિ કરી શકું છું કે આ પોસ્ટના લગભગ 45 મિનિટ પહેલા તેણીને બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં (સ્ટાર બજાર અંધેરી સામે) મૃત હાલતમાં લાવવામાં આવી હતી. શેફાલીને તેના પતિ અને અન્ય ત્રણ લોકો હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમણે કહ્યું હતું કે, ‘શેફાલીનું મૃત્યુ પહેલા જ થઈ ગયું હતું. તેના પતિ અને કેટલાક અન્ય લોકો મૃતદેહ સાથે હતા.’

શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચારથી ચાહકો ચોંકી ગયા છે. શેફાલીએ લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 13 માં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે નચ બલિયે સહિત ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. તે તેના ડાન્સ માટે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય હતી.

જરૂર પડી તો ઇરાન પર ફરી હુમલો કરતાં અચકાઇશું નહીં: ટ્રમ્પ

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તેમના વિરોધીઓના નિશાના પર છે. અમેરિકાની સેનેટ માં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. ઈરાન સામે આગળ વધવામાં ટ્રંપને રોકવા ડેમોક્રેટિક પાર્ટીનો પ્રયાસ શુક્રવારે નિષ્ફળ ગયો હતો.

ટ્રંપએ કોંગ્રેસની મંજૂરી લેવી જોઈએ હતી
રિપબ્લિકન પાર્ટીએ કોંગ્રેસ દ્વારા ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર થયેલા અમેરિકી હુમલાઓ બાદ યુદ્ધ સંબંધિત રાષ્ટ્રપતિની સત્તાઓને ફરીથી સ્થિર કરવાનો પ્રયાસ કર્યો તેવા પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. વર્જિનિયાના સેનેટર ટિમ કેઈને તૈયાર કરેલો આ પ્રસ્તાવ એ અંગે સ્પષ્ટતા કરતો હતો કે ઈરાન સામે વધુ સૈનિક કાર્યવાહી કરવા માટે ટ્રંપએ પહેલાં કોંગ્રેસની મંજૂરી લેવી જોઈએ.

સેનેટમાં ટ્રંપે શું કહ્યું?
શુક્રવારે જ્યારે ટ્રંપને પૂછવામાં આવ્યું કે જો જરૂરી લાગી તો શું તેઓ ફરીથી ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર બોમ્બમારો કરશે? તેના જવાબમાં ટ્રંપે કહ્યું: “હા, જરૂર, કોઈ પ્રશ્ન જ નહીં.” સેનેટમાં આ પ્રસ્તાવ પસાર થવા માટે એક લાંબી કવાયત માનવામાં આવી રહી છે.

સેનેટમાં ટ્રંપને ઘણું સમર્થન
સેનેટમાં રિપબ્લિકન પાર્ટી પાસે 53-47નો બહુમત છે. તેઓ રાષ્ટ્રપતિના ઈરાન પર હુમલા કરવા માટેના નિર્ણયમાં મોટી સંખ્યામાં તેમના સમર્થનમાં ઊભા છે. મોટા ભાગના લોકો કહે છે કે ઈરાન એ મોટો ખતરો છે અને તેથી ટ્રંપ પાસેથી નિર્ણાયક પગલાંની અપેક્ષા છે. તેમણે ગયા અઠવાડિયે કોંગ્રેસની મંજૂરી વિના ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ્સ પર કરાયેલા હુમલાના નિર્ણયને પણ સમર્થન આપ્યું છે.

ગુલકંદ – ૨૮ જૂન ૨૦૨૫

૨૮ જૂન ૨૦૨૫

પંચાંગ 28/06/2025

લોહીથી લથપથ ચહેરો, આંખોમાં દ્રઢતા અને હાથમાં હથિયાર, નવા લુકમાં જોવા મળી આ અભિનેત્રી

સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’માં પોતાના શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લેનાર રશ્મિકા મંદાન્ના હવે એકદમ નવા અને રૂપમાં દર્શકો સમક્ષ આવવાની છે. આજે તેની આગામી ફિલ્મ ‘મૈસા’નું ટાઇટલ અને ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું. આ ભાવનાત્મક એક્શન થ્રિલર ફિલ્મ રવિન્દ્ર પુલે દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે, જેમને ‘સીતા રામમ’, ‘અર્ધ શતાબ્દી’ અને ‘અર્જુન ચક્રવર્તી’ જેવી ફિલ્મો માટે પ્રશંસા મળી છે.

‘મૈસા’ ફિલ્મ અજય અને અનિલ સૈયપુરેડ્ડી દ્વારા નિર્મિત છે, જ્યારે સાઈ ગોપા આ પ્રોજેક્ટના સહ-નિર્માતા છે. આ ફિલ્મ અનફોર્મ્યુલા ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.રશ્મિકાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરતા લખ્યું, “હું હંમેશા તમને કંઈક નવું… કંઈક અલગ… કંઈક રોમાંચક… આપવાનો પ્રયાસ કરું છું અને આ… આ તેમાંથી એક છે… એક એવું પાત્ર જે મેં પહેલાં ક્યારેય ભજવ્યું નથી… એક એવી દુનિયા જેમાં મેં ક્યારેય પગ મૂક્યો નથી… અને મારું એક એવું રૂપ જેને હું અત્યાર સુધી મળી પણ નથી. તે ઉગ્ર છે, તે તીવ્ર છે અને તે અત્યંત કાચો છે. હું ખૂબ જ નર્વસ અને ખૂબ જ ઉત્સાહિત છું… આ તો ફક્ત શરૂઆત છે. #Mysaa”

પોસ્ટરમાં રશ્મિકાને એક ઉગ્ર મહિલાના અવતારમાં, સાડી પહેરેલી, લોહીથી લથપથ ચહેરા સાથે બતાવવામાં આવી છે. તેની આંખોમાં દૃઢતા અને પીડા બંને દેખાય છે. તેના હાથમાં એક તીક્ષ્ણ હથિયાર પણ છે. આ લુક આજ સુધીના તેના કોઈપણ પાત્રો કરતાં સંપૂર્ણપણે અલગ છે. ફિલ્મના ટાઇટલ રીવીલ અને ફર્સ્ટ લુક પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. એક યુઝરે લખ્યું, ‘રશ્મિકા આગ લગાવી રહી છે, આ ફિલ્મ બ્લોકબસ્ટર બનશે!’ જ્યારે બીજાએ ટિપ્પણી કરી, “આ સુપરહિટ હશે મેડમ, આતુરતાથી રાહ જોઈ રહી છું.” આના એક દિવસ પહેલા, ગુરુવારે, રશ્મિકાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની આગામી ફિલ્મની પહેલી ઝલક શેર કરી અને તેના ચાહકોને વચન આપ્યું કે જે લોકો સાચા ટાઇટલનું અનુમાન લગાવશે તેને તે મળશે.

તાજેતરમાં રશ્મિકા મંદાન્ના ફિલ્મ ‘કુબેરા’ માં જોવા મળી હતી, જેમાં તેણીએ ધનુષ અને નાગાર્જુન જેવા અનુભવી કલાકારો સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન શેખર કમ્મુલા દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રી વેંકટેશ્વર સિનેમા એલએલપી અને એમિગોસ ક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેના ચાહકો ‘મૈસા’ માં રશ્મિકાના આ નવા અને અદ્રશ્ય અવતારને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જો પોસ્ટર કોઈ સંકેત આપે છે, તો આ ફિલ્મ માત્ર એક એક્શન થ્રિલર જ નહીં, પરંતુ તેમાં ઊંડાણ અને ભાવનાત્મક જોડાણ પણ હશે.

કોલેજ કેમ્પસમાં લોની વિદ્યાર્થિની સાથે ગેંગરેપઃ ત્રણની ધરપકડ

કોલકાતાઃ શહેરના કસ્બા વિસ્તારમાં આવેલી એક લોની વિદ્યાર્થિની સાથે ગેંગરેપની ઘટના બની છે. પોલીસે આ મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાની બુધવારે સાંજે 7:30થી 8:50 વાગ્યાની વચ્ચેની છે. ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ પૈકી બે હાલના વિદ્યાર્થી છે જ્યારે ત્રીજો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એમ અહેવાલ કહે છે.

ભાજપનો મમતા સરકાર પર હુમલો

આ દુર્ઘટના કોલેજના કેમ્પસમાં જ થઈ હતી. હવે આ મામલો રાજકીય રંગ પકડતો દેખાઈ રહ્યો છે. ભાજપના નેતા અમિત માલવીયે એક બંગાળી ન્યૂઝ રિપોર્ટ શેર કરીને પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે ભયાનક, 25 જૂને કોલકાતાના ઉપનગર કસ્બામાં આવેલા એક લો કોલેજની અંદર એક મહિલા લોની વિદ્યાર્થિની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. આ કૃત્ય એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બે સ્ટાફ મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું છે.

તેમણે એવો દાવો પણ કર્યો હતો કે આરોપીઓમાંથી એક તૃણમૂલ કોંગ્રેસનો સભ્ય છે, જોકે તેમણે તેમના આ દાવાનું કોઈ પુરાવો રજૂ નથી કર્યો. તેમણે કહ્યું હતું  કે RG કરની દહેશત હજી ઓસરી નથી અને ફરીથી બંગાળમાં આવી ઘટનાઓ બની રહી છે. મમતા બેનર્જીના શાસન હેઠળ બંગાળ મહિલાઓ માટે દુ:સ્વપ્ન બની ગયું છે. બળાત્કાર હવે એક સામાન્ય દુ:ખદ ઘટના બની ગઈ છે.

તૃણમૂલ કોંગ્રેસની પ્રતિક્રિયા

તૃણમૂલ કોંગ્રેસે આ મામલે કહ્યું છે કે અમે સાઉથ કોલકાતા લો કોલેજમાં બનેલી દુ:ખદ દુષ્કર્મની ઘટનાની સ્પષ્ટપણે નિંદા કરીએ છીએ. કોલકાતા પોલીસે તાત્કાલિક ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદાનું પૂરું પાલન થશે, જેથી દોષિતને આકરી સજા મળે.

જેઠાલાલ, બબિતાજીએ છોડ્યો ‘તારક મહેતા ઉલ્ટા ચશ્માં’ શો?

મુંબઈઃ ટેલિવિઝનના લોકપ્રિય શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ છેલ્લાં 16-17 વર્ષથી નાના પડદા પર રાજ કરી રહ્યો છે. આ શોના દર્શકો દુનિયાભરમાં છે. કેટલાક તો એવા છે કે જમવાનું પણ આ શોના એપિસોડ જોઈને જ કરે છે. આ શોની માત્ર વાર્તા જ નહીં, પણ એનાં પાત્રો પણ લોકોના દિલમાં ઘૂસી ગયાં છે. આ જ કારણ છે કે દયાબહેનનું પાત્ર નિભાવતી દિશા વાકાનીના શો છોડ્યા બાદ મેકર્સ આજ સુધી કોઈ બીજું મુખ્ય પાત્ર એ પાત્રની બદલીમાં લાવી શક્યા નથી.

હાલમાં શોના ઘણા જૂના કલાકાર જેમ કે શૈલેશ લોઢા, નેહા મહેતા અને જેનિફર મિસ્ત્રી વગેરે શો છોડીને જઈ ચૂક્યા છે અને હવે એવી ખબર આવી રહી છે કે ‘જેઠાલાલ’નો રોલ નિભાવતા દિલીપ જોશી અને ‘બબિતાજી’નો રોલ કરનારી મુનમુન દત્તાએ પણ આ શો છોડી દીધો છે. બંને આર્ટિસ્ટ શોના તાજેતરના ભૂતિયા એપિસોડમાં જોવા મળ્યા ન હતા, જેને કારણે તેઓ ચર્ચાઓનો વિષય બની ગયો છે. ચાલો જાણીએ આખરે આ મામલો શું છે અને મેકર્સનો આ મુદ્દે શું પ્રતિસાદ છે.

હાલના ટ્રેકમાંથી ગુમ રહ્યા ‘જેઠાલાલ’ અને ‘બબિતાજી’


આ શોમાં સૌથી વધુ દર્શકોને આકર્ષે છે, તે છે ‘જેઠાલાલ’ અને ‘બબિતાજી’ની મસ્તીભરી નોંકઝોંક. બંનેનો અભિનય પણ લોકોને બહુ ગમે છે. એવી સ્થિતિમાં જો તેઓ શોમાં નહીં હોય, તો કદાચ શો પહેલાં જેટલી સફળતા હાંસલ ન કરી શકે. હાલમાં શોમાં ફરીથી એક ‘ભૂતનો’ ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે. કથાનો પ્લોટ એવું છે કે ‘તારક’ના બોસ તેમની અને તેમની પત્ની માટે હોલિડે હોમમાં વેકેશનની ઓફર કરે છે, કારણ કે તેઓ ‘તારક’ના કામ અને કંપનીના નફાથી ખુશ છે.

જેથી ‘તારક’ ગોકુલધામ સોસાયટીના બધા જ લોકોને પણ સાથે લઈ જવાની મંજૂરી માગે છે અને બોસ એ મંજૂરી આપે છે. જોકે એ દરમ્યાન દર્શકોએ નોંધ્યું કે દિલીપ જોશી, મુનમુન દત્તા અને ઐયર-તનુજ મહાશબ્દે એ એપિસોડમાં જોવા મળ્યા નહોતા.

બાંગ્લાદેશમાં હિંદુ મંદિર, દેવી પ્રતિમા તોડી પાડવામાં આવી

ઢાકાઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ગયા પછી હિંદુઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ બની રહી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભલે અલ્પસંખ્યકો માટે સારી વાતો કરી રહી હોય, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિરુદ્ધ છે. હવે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક હિંદુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે.

એક ન્યૂઝ એજન્સીએ જારી કરાયેલા એક વિડિયોમાં તૂટેલા ઢાંચા પાસે એક મહિલા રડતી જોવા મળે છે. તે કહે છે: “હું નિઃશબ્દ છું… હું શું કહું? મારું શરીર સળગી રહ્યું છે અને હ્રદય ફાટી ગયું છે. અમારી પાસે પ્રાર્થના માટે કોઈ જગ્યા નથી. આ કેટલું મોટું દુઃખ છે. જો હજારો મસ્જિદો હોઈ શકે છે, તો પછી મંદિર કેમ ના હોઈ શકે?”

તે વધુમાં કહે છે, “હું સરકારને અપીલ કરું છું કે જો પાકું મંદિર નહીં તો ઓછામાં ઓછું એક તાત્કાલિક મંદિર તો બનાવી આપે, જેથી અમારી પાસે પ્રાર્થના કરવા માટે કોઈ જગ્યા હોય. દુર્ગા પૂજા નજીક આવી રહી છે.  અમે કેવી રીતે પૂજા કરીશું? આ અમારી સરકારને વિનંતી છે. અમે તેમને પ્રાર્થનાની જગ્યા આપવા માટે કહી રહ્યા છે.

અન્ય સ્થાનિક વ્યક્તિ પ્રસન્નજીત ચંદ્ર દાસ કહે છે કે હું અહીં છેલ્લા આઠ મહિનાથી રહું છું. દરેક અઠવાડિયે અહીં કોઈક ને કોઈ ધાર્મિક કાર્યક્રમ થતા હોય છે અને લોકો નિયમિત આવે છએ. અમારી આસપાસ હિંદુઓ માટે બીજું કોઈ પૂજા સ્થાન નથી. આ એકમાત્ર મંદિર હતું જ્યાં લોકો આવતા, પ્રસાદ લેતા અને પ્રાર્થના કરતા.

તેમણે કહ્યું હતું કે જો સરકાર ઇચ્છતી તો ઢાંચાને તોડતાં પહેલા મૂર્તિને હટાવી શકી હોત,ત પરંતુ જ્યારે મૂર્તિને સહિત સમગ્ર ઢાંચાને તોડી નાખવામાં આવ્યું, તે તમામે જોયું. એક સનાતની તરીકે અમને ખૂબ જ શરમ લાગે છે કે અમારી પૂજાની જગ્યા સાથે આવું થયું છે. અમે બધા જ દુઃખી છીએ. અમારી માગ છે કે સરકાર આ મંદિરને અન્ય સ્થાને ફરીથી બનાવી આપે, જેથી હિંદુઓ ત્યાં પ્રાર્થના કરી શકે. આ અમારી સરકારને વિનંતી છે.