Home Blog Page 818

યુએસઍર-1549, મોન્ટેગોઍર-828 અને ઍરઈન્ડિયા 171…

12 જૂન ને ગુરુવારે, અમદાવાદથી લંડનના ગેટવીક ઍરપૉર્ટ જવા ઊડેલી ઍર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171ના અકસ્માતમાં 274થી વધુનાં મોત નીપજ્યાં, માત્ર એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો. આ ઘટનાના પિસ્તાળીસ દિવસ થયે ઘટના મગજમાંથી ખસતી નથી. જીવનની ક્ષણભંગુરતા વિશે વિચારતાં હું લેપટોપ સામે બેઠો છું ત્યારે વિમાનદુર્ઘટના પર બનેલી કેટલીક હોલિવૂડની ફિલ્મ યાદ આવી જાય છે. લિસ્ટ તો લાંબું છે, પણ તત્ક્ષણ સાંભરે છે ‘મેનિફેસ્ટ’ અને ક્લિન્ટ ઈસ્ટવૂડ દિગ્દર્શિત સત્ય ઘટના આધારિત ‘સલી’. 15 જાન્યુઆરી, 2009ના રોજ યુએસ ઍરવેઝની ફ્લાઈટ 1549 ન્યૂ યૉર્કના લગ્વાડિયા ઍરપૉર્ટ પરથી ઉડાન ભરે રહે છે, પણ પક્ષીઓ એન્જિનમાં ઘૂસી જતાં વિમાન ગોથાં ખાવા માંડે છે. પાઈલટ સુલેનબર્ગર તત્કાળ નિર્ણય લઈને પ્લેનને હડસન નદીમાં (જેમાં વિશ્વવિખ્યાત મશાલ ઝાલીને ઊભેલી સ્વાતંત્ર્યની મૂર્તિ છે તેમાં) ઉતારે છે, બધા પ્રવાસી બચી જાય છે. આ ઘટનાની ઈન્ક્વાયરીમાં પાઈલટને પૂછવામાં આવે છે કે ‘વિમાનને ઍરપૉર્ટ પર લૅન્ડ કરવાના ચાન્સ હતા કે નહીં? શું નદીમાં ખાબકવું જરૂરી હતું?’ ફિલ્મમાં પાઈલટ સુલેનબર્ગરની ભૂમિકા ટૉમ હેન્ક્સે ભજવેલી. આ પ્રેરણાદાયી કથા એવિયેશન ઈન્ડસ્ટ્રીમાં સુરક્ષાના નિયમો, બેદરકારીને પણ પ્રકાશમાં લાવે છે. સર્જક જાણે પૂછવા માગે છે કે પાઈલટ સુલેનબર્ગર નાયક હતા ખલનાયક?  

-અને હવે ‘મેનિફેસ્ટ’. આ સુપરનેચરલ ડ્રામા સિરિયલ અમેરિકાની એનબીસી ટીવીચૅનલ પર શરૂ થયેલી. અપાર લોકચાહના મેળવી ગયેલી આ સિરિયલ ત્રણ સીઝન પછી અચાનક બંધ થઈ ગઈ. ચાહકોને લાગ્યું કે હવે મહા-અંત અથવા ગ્રાન્ડ ફિનાલે ક્યારેય જોવા નહીં મળે. ત્યાં તો નેટફ્લિક્સે ‘મેનિફેસ્ટ’ના હક મેળવી લીધા, જેનાથી એના દર્શકોમાં મોટો વધારો થયો. એટલે પોરસાઈને નેટફ્લિક્સે 20 એપિસોડ્સની ચોથી સીઝન બનાવી. પહેલો પાર્ટ 2022ના નવેમ્બરમાં પ્રસારિત થયો, જ્યારે બીજો પાર્ટ 2023ના જૂનમાં. આ સિરીઝ સાયન્સ-ટેક્નોલોજીથી ફાટફાટ થતી 21મી સદીમાં ઈશ્વરના અસ્તિત્વ વિશે, ધાર્મિક માન્યતાઓ વિશે દર્શકને વિચાર કરતાં કરી મૂકે છે. જો કે અંત થોડો ગૂંચવડાભરેલો લાગ્યો.

કથાનક કંઈ આવું છેઃ મૉન્ટેગો ઍરની ફ્લાઈટ 828 જમૈકાથી ન્યુ યૉર્ક આવી રહી હોય છે. અચાનક તોફાની હવામાનમાં આખું વિમાન આકાશમાં ગાયબ થઈ જાય છે. પાંચ વર્ષ પછી એ ફ્લાઈટ 828 ન્યુ યૉર્ક લૅન્ડ થાય છે. લૅન્ડ થયા બાદ પ્રવાસીઓને ખબર પડે છે કે વિમાન જમૈકાથી ન્યુ યોર્ક પહોંચ્યું એ દરમિયાન પાંચ વર્ષ પસાર થઈ ગયાં છે. એમનો સમય પાંચ વર્ષ માટે થંભી ગયો હતો, પણ પરિવારજનો, મિત્રોનાં જીવન એમના વગર આગળ વધી ગયાં છે. આ પરિસ્થિતિમાં કેટલીક અસાધારણ કહેવાય મુશ્કેલીઓ આવે છે— દાખલા તરીકે અમુક પ્રવાસીની માતાનું અવસાન થઈ ગયું છે. કૅલ અને ઓલિવ નામનાં ટવિન્સ ભાઈ-બહેનમાં કૅલની ઉંમર એ જ છે, જ્યારે ઑલિવ પાંચ વર્ષ મોટી થઈ ગઈ છે.

ફ્લાઈટ 828 ધરતી પર પાછી આવી ત્યાર બાદ એના પ્રવાસીઓને ગેબી અવાજ સંભળાય છે, ધૂંધળાં દશ્યો દેખાય છે. સિરીઝમાં એને ‘કૉલિંગ’ નામ આપવામાં આવ્યું છે. ‘કૉલિંગ’ એક રીતે તો ઊગરી ગયેલા પ્રવાસીઓની કસોટી છે, જેમાં એમને સારાં કાર્ય કરવાની, પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની તક આપવામાં આવે છે.

પરત આવેલા પ્રવાસીઓને દેખાતાં ધૂંધળાં દશ્યો કે કાને પડતા ગેબી અવાજ જાણે ભાગ્યના સંદેશવાહક છે. એ તેમને ભાવિ ઘટનાઓ તરફ દોરી જાય છે. આ સંકેત રહસ્યોથી ભરેલાં છે. પ્રવાસીઓએ અવાજનું અર્થઘટન કરીને આગળ વધવાનું છે. જાણે નિયતિ પોતે એમને માર્ગ ચીંધી રહી છે. ધીરે ધીરે સ્પષ્ટ થાય છે કે આ કોઈ ઈશ્વરીય યોજના છેઃ ભગવાનમાં શ્રદ્ધા, જરૂરતમંદો પ્રત્યે અનુકંપા તથા નવી શરૂઆત કરવાની અદમ્ય ઈચ્છા નક્કી કરશે કે એ જીવતાં રહેશે કે નહીં.

અંતે કથા ત્યાં પહોંચે છે, જ્યાં ફ્લાઈટ 828 પાછી દેખાય છે. આખા પ્રવાસથી એ સમજાય છે કે દરેક કાળા માથાના માનવીએ કરેલાં પાપનો સ્વીકાર કરી, એનું પ્રાયશ્ચિત્ત કરી નવી શરૂઆત કરવી પડે છે. અને મુક્તિ-મોક્ષ માટે ક્ષમા (આપવી) પણ જરૂરી છે. સિરીઝમાં ફ્લાઈટ 828ના પર્વાસીઓને બાઈબલના શ્લોકો કે ચિહ્નો પણ દેખાય છે, જે દર્શાવે છે કે બધું હજાર હાથવાળા ઈશ્વરના ઈશારે જ થાય છે.

મારી કને પાકી બાતમી તો નથી, પણ કહે છે કે, મેનિફેસ્ટ એ ફ્લાઈટ MH-370ની ઘટનાથી પ્રેરિત છે. 8 માર્ચ, 2014ના રોજ મલયેશિયાની રાજધાની કુઆલા લમ્પુરથી બીજિંગ (ચીન) જવા ઊડેલા બોઈંગ 777 વિમાનમાં પ્રવાસીઓ, પાઈલટ-ક્રૂ મળીને 239 લોકો હતા. વિમાન અચાનક ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્ક ગુમાવી બેઠું. છેલ્લા રાડાર ડેટા પ્રમાણે વિમાન હિન્દ મહાસાગરમાં ગરક થઈ રહ્યું, પણ એ કયાં ગયું કે ક્યાં ડૂબ્યું એની આજ સુધી ખબર પડી નથી. ન તો પ્લેનના અવશેષ મળ્યા, ન બ્લૅક બૉક્સ કે ડેડબૉડી. આ વિમાનના ગાયબ થઈ જવાને એવિયેશન-ઈતિહાસનું સૌથી મોટું રહસ્ય માનવામાં આવે છે.

૨૭ જૂન ૨૦૨૫

માણસનો સ્વભાવ અને વાસ્તુદોષ

કેટલાક માનસિક રોગીઓને ખબર જ નથી હોતી કે એ બીમાર છે. મજાની વાત એ છે કે એમની આસપાસના લોકોને પણ ખબર નથી હોતી કે એ બીમાર છે. સતત ભ્રમણામાં રહેતા લોકો પોતાને કોઈ મહાન વ્યક્તિની જગ્યાએ કે કોઈ મોટી પ્રતિષ્ઠિત જગ્યાએ વિચારે છે. અને પછી પોતાની આસપાસના લોકોને એ માનવા મજબુર કરે છે. આજના દેખાડાના જમાનામાં લોકો એવું માની પણ લે છે કે એ વ્યક્તિઓ સાચું બોલે છે. મોટા માણસોના કાર્યક્રમોમાં સ્ટેજની નીચે ઉભા રહીને સેલ્ફી લઈને માની લેવું કે એ વ્યક્તિ પોતાને ઓળખે છે. એ પણ બીમારી જ ગણાય. આવા લોકોને સન્માન નહિ પણ સારવારની જરૂર હોય છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: અમારી સોસાયટીમાં બે માણસો રહે છે. જે પોતાની જાતને પ્રધાનમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી માને છે. હું તો ફલાણા નેતાના છોકરાને મારે ત્યાં દારૂની પાર્ટીમાં બોલવું છુ. મારા એક અવાજે ભલભલા નેતાઓ ઝુકી પડે. એવા બણગા ફૂંક્યા કરે છે. જો કોઈ નેતાની સભા અમારી સોસાયટી પાસે થાય તો તરત જ જાણે પોતાની જ સભા હોય એવા ઉધામા લેવા માંડે. સોસાયટીમાં ખુલ્લી ગાડીમાં રોડ શો કરે. કપડા પણ એમના જેવા જ પહેરે. બધા નેતા એમને પૂછીને જ નિર્ણય લેતા હોય એવી વાર્તાઓ કરે. અને અમારા મુર્ખજનો એમની વાત માને પણ ખરા. વાહ, વાહ લખે એટલે પેલા લોકોને પ્રોત્સાહન મળે. કોઈ પૂછે કે તમે કયા દેશના વડાપ્રધાન છો? તો જવાબ આપવાના બદલે આંખ મારે.

સ્વતંત્રતા દિવસ પર ચોકીદાર પાસે પરેડ કરાવે અને ગાડીને શણગારીને ટેબ્લો બનાવરાવે. પછી લાંબા ભાષણો કરીને લોકોનું મગજ ખાઈ જાય. સાચી વ્યક્તિ બોલે તો લાગે કે બોલ્યાજ કરે. અને આ લોકો બોલે તો કાનમાં વાગે. મારી દ્રષ્ટીએ આને માનસિક રોગ જ કહેવાય. વળી કયા નેતા આવા લોકોને સલામ મારવા નવરા હોય? જો કોઈ ઓળખતું હોય તો એકાદ રાષ્ટ્રીય નેતાની ભલામણથી સોસાયટીને ફાયદો તો થાય જ. આવો સ્વભાવ કયા વાસ્તુ દોષથી થાય? એ એમની મેળે જ દવા કરાવવા જતા રહે એવો કોઈ ઉપાય ખરો?

હા, ગયા અઠવાડીએ કોર્પોરેશન દ્વારા પાલતું જાનવરોનું રજીસ્ટ્રેશન કરવા માટે નોટીસ આવી હતી. ત્યારે પણ મેં અપના કુત્તા નહિ દુંગા. અંગ્રેજો તુમ વાપિસ જાઓ જેવી બુમો પાડતા હતા.

જવાબ: આ એક માનસિક સમસ્યા છે. જેને delusion of grandeur કહે છે. જેમાં માણસ એવું માનવા લાગે છે કે એ જ સર્વેસર્વા છે. આવા લોકો સમાજ માટે હાનીકારક હોય છે. જોકે એની યોગ્ય સારવાર કરાવવામાં આવે તો એ સાજા થઇ શકે છે.

Hubris syndrome ધરાવતી વ્યક્તિઓને પણ આવી સમસ્યા થાય છે. વળી ક્યારેક LGBTQ plus વ્યક્તિઓને પણ પોતે કોઈ અલગ જીવ છે એવી ભાવના ઉભી થાય છે. જોકે આપણા દેશમાં આવી વ્યક્તિઓને માન્યતા મળી છે. પણ આવો વ્યવહાર સામાન્ય નથી.

બ્રહ્મનો વાસ્તુદોષ હોય ત્યારે વ્યક્તિને આવી સમસ્યા ઉદ્ભવે છે. આ સમસ્યાનું ઉદ્ભવસ્થાન જાણ્યા પછી એનું નિરાકરણ ચોક્કસ કાઢી શકાય. એના માટે કોઈ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

સવાલ: અમારા ઘરમાં પૈસાની આવક અચાનક બંધ થઇ ગઈ છે. કોઈ પણ કામ થતા નથી. તો આના માટેનું નિવારણ આપશો.

જવાબ: જયારે કોઈ સાચી વ્યક્તિને દુખ પહોંચે ત્યારે આવું થઇ શકે. જે વ્યક્તિને અજાણતા પણ દુખ પહોંચ્યું હોય એની માફી માંગી લો. જો એ શક્ય ન બને તો કોઈ સાચા વિદ્વાન બ્રાહ્મણને ગમતી વસ્તુનું દાન આપો. અને એમની ક્ષમા માંગી લો.

સુચન: તમારી હાજરીમાં કોઈને દુખ પહોંચે એવો વ્યવહાર થાય અને તમે ચુપ રહો તો એ ક્રિયામાં તમે પણ ભાગીદાર ગણાવ. એની નકારાત્મકતા તમારા જીવનમાં પણ આવી શકે.

આપના સવાલ મોકલી આપો Email : vastunirmaan@gmail.com

Chitralekha Gujarati – 07 July, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

મોંઘી ખરી, પરંતુ મહાગુણકારી છે આ બદામ

પ્રશ્ન: બદામને શા માટે આખી રાત પલાળીને સવારે લેવી જોઈએ? ક્યારેક પલાળવાનું રહી જાય તો એ કાચી ઉપયોગમાં લઈ શકાય?

– નેહલ શાહ (અમદાવાદ)

ઉત્તર: બદામને પાણીમાં પલાળી રાખવાથી એનું ડાઈજેશન (પાચન) અને એબ્ઝોર્પ્શન (અવશોષણ) વધુ સારી રીતે થઈ શકે છે. આ ઉપરાંત, બદામને પાણીમાં છથી સાત કલાક પલાળી રાખવાથી એમાં રહેલા એન્ઝાઈમના શરીરમાં થતા ઉપયોગને અવરોધનારાં પરિબળોનો નાશ થાય છે અને ન્યુટ્રિયન્ટ્સનો ઉપયોગ વધુ સારી રીતે થઈ શકે છે. બદામની છાલને કાઢીને ઉપયોગમાં લેવી જોઈએ, જેથી એમાંથી હાનિકારક તત્ત્વોનો નિકાલ થઈ શકે. પલાળેલી બદામની છાલ આસાનીથી કાઢી શકાય છે આથી પણ બદામને પલાળીને ઉપયોગમાં લેવાનું સૂચવવામાં આવે છે.

જો કે એનો અર્થ એવો નથી કે તમે ફક્ત પલાળેલી બદામ જ લઈ શકો. અગર કોઈ કારણસર એને પલાળી ના શકાય તો કાચી બદામ પણ ગુણકારી તો છે જ. એની પોષણકીય વૅલ્યૂ થોડી ઘટે છે, પરંતુ એ ચોક્કસપણે લઈ શકાશે. બદામ એ પ્રોટીન, ફાઈબર્સ તેમ જ હેલ્ધી ફૅટ ધરાવે છે. એ ઉપરાંત, એમાં વિટામિન ઈ, કૅલ્શિયમ અને સારા પ્રમાણમાં મિનરલ્સ છે આથી એનો નિયમિત ઉપયોગ કરી શકાય. રોજની ૨૦થી ૨૮ ગ્રામ જેટલી બદામ લેવાનું સૂચવવામાં આવે છે. થાઈરોઈડ ધરાવતી વ્યક્તિ બદામનો ઉપયોગ ન કરે એ હિતાવહ છે.

પ્રશ્ન: મારી દીકરીને ટાઈફોઈડ થયો છે અને તબીબે એને અનાજ ન આપવાનું સૂચવ્યું છે. આ પરિસ્થિતિમાં એને કયા પ્રકારનો આહાર આપી શકાય?

– રીટા કોટક (રાજકોટ)

ઉત્તર: ટાઈફોઈડ દરમિયાન દરદીને હળવો એટલે કે પચવામાં સહેલો હોય એવો આહાર આપવો જોઈએ, કારણ કે આ બીમારી લીવર, પેન્ક્રિયાઝ તેમ જ આંતરડાંને અસર કરે છે, જેના દ્વારા પાચન શક્ય બને છે. શરીરના આ ભાગોને રાહત આપવા માટે હળવો ખોરાક લેવો જોઈએ, જેમ કે ભાત, ખીચડી, બાફેલાં બટેટાં જેવો કાર્બોહાઈડ્રેટયુક્ત  આહાર. આ સાથે સારી ગુણવત્તાવાળું પ્રોટીન મળે એ પણ જરૂરી છે. એ માટે સારી રીતે બફાયેલા મગ તેમ જ મગનું પાણી, ટોફુ, રોસ્ટેડ પનીર, વગેરેનો ઉપયોગ કરી શકાય. ઈંડાનો સફેદ ભાગ (એગ વ્હાઈટ) પણ આપી શકાય. ડિહાઈડ્રેશન ન થાય એ માટે પૂરતા પ્રમાણમાં પાણી, તાજાં ફળોનો જ્યુસ, નાળિયેરપાણી, હર્બલ ટી, બ્લૅક કૉફી, સૂપ, વગેરે લેતાં રહેવું.

વધુપડતો તીખો, તળેલો તથા કાચો આહાર પાચનશક્તિને અવરોધે છે આથી આવા પ્રકારના ખોરાકનો ઉપયોગ ટાળવો. સારી રીતે બફાયેલાં શાકભાજી જેવાં કે બટેટાં, ગાજર, ફણસી, મશરૂમ, વગેરેનો ઉપયોગ કરી શકાય. પાકેલાં કેળાં, સક્કરટેટી, તરબૂચ, સફરજન જેવાં ફ્રૂટ્સ પણ લઈ શકાય. તેલ, ઘી, બટર, ચીઝનો ઉપયોગ ટાળવો. રસોઈમાં પણ બને એટલો તેલ-ઘીનો ઉપયોગ ઓછો કરવો, જેથી ખોરાક પચવામાં આસાન રહે.

પ્રશ્ન: મને ખૂબ પાણી પીવાની આદત છે. મારો પ્રશ્ન એ છે કે દિવસ દરમિયાન કેટલું પાણી લેવું જોઈએ? અગર એનું પ્રમાણ વધુ કે ઓછું હોય તો એની આડઅસર થઈ શકે?

– સેજલ દલાલ (મુંબઈ)

ઉત્તર: નૉર્મલ વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રણથી ચાર લિટર એટલે કે બારથી ૧૪ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી એ આપણી પ્રાથમિક જરૂરત છે, જેના દ્વારા આપણે રિહાઈડ્રેટ થઈ શકીએ છીએ.

પાણી આપણા શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે, બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે અને કિડનીને સાફ રાખવામાં મદદ કરે છે. આમ, પાણી દ્વારા આપણે શરીરને હેલ્ધી રાખી શકીએ છીએ. આથી જ એનું પ્રમાણ અગર ઓછું હોય તો આ ફાયદામાં વિપરીત અસર થઈ શકે છે. શરીર ડિહાઈડ્રેટ થઈ શકે છે.

બીજી બાજુ, પાણીનું પ્રમાણ વધુ થાય ત્યારે એ વધારાના પ્રવાહી રૂપે યુરિન દ્વારા નિકાલ પામે છે. પાણી વધુ પીવાથી ચોક્કસપણે નૉર્મલ વ્યક્તિને એ નુકસાન નહીં કરે, પરંતુ અગર કોઈ વ્યક્તિને કિડનીની અથવા તો લીવરને લગતી કે પછી હૃદયની અમુક પ્રકારની બીમારી હોય તો એ સ્થિતિમાં પ્રવાહીનું નિયંત્રણ લાદવામાં આવે છે, કારણ કે આ પ્રકારની વ્યાધિમાં પાણીનું વધુપડતું પ્રમાણ શરીરને નુકસાન કરી શકે છે.

હેલ્થ ટિપ્સ:

દેશના અનેક વિસ્તારોમાં મેઘરાજાની વિધિવત્ પધરામણી થઈ ગઈ છે તેમ છતાં વચ્ચે વચ્ચે ઉનાળા જેવો આકરો તડકો પણ પડે છે. આવી વિચિત્ર ઋતુ આરોગ્ય માટે બહુ સારી નહીં. પાંચ-સાત દિવસ પથારીભેગા કરી રાખે એવા તાવના વાયરા ઉપરાંત હવે અમુક પાણીજન્ય રોગ પણ દેખા દેવા લાગ્યા છે. બહેતર છે કે બહારનું ખાવાનું ટાળો અને પાણી ઉકાળીને પીવો.

ચોમાસામાં માપસર ભજિયાં-પકોડા ખાવ એનો વાંધો નહીં, પણ સાથે આ સીઝનમાં મળતાં શાકભાજી અને ફ્રૂટ્સ પણ ખાવાનું રાખજો.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

આજે અષાઠી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે.

ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર ફરશે. આજની આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બનશે. આ સાથે 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાશે.

હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવશે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા પહેલા જળયાત્રા, નેત્રોત્સવ વિધિ યોજાઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લાઈવ દર્શન તમે https://www.jagannathjiahd.org/ પર જોઈ શકો છો.

અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારી

ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળવાના છે. આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે. દર વર્ષે ચુસ્ત સુરક્ષા વચ્ચે આ યાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદ રથયાત્રા ઔપચારિક રીતે મંગળા આરતીથી શરૂ થાય છે. અમદાવાદના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પહોંચી ગયા છે અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા જોડાયા છે.

આ પહેલા ધાર્મિક વિધિ કરવામાં આવે છે અને પછી સવારે 7 વાગ્યે રથયાત્રા શરૂ થાય છે. જગન્નાથજીની રથયાત્રા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપશે. પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રખાશે. ભક્તોનો વહેલી સવારથી જ મંદિરમાં જમાવડો જોવા મળી રહ્યો છે. રથયાત્રાના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રથયાત્રાના આગમન પહેલાં સોનાના ઝાડુંથી કેમ કરવામાં આવે છે સફાઈ?

હિન્દુ ધર્મમાં ભગવાન જગન્નાથના રથયાત્રાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોય છે. દર વર્ષે, આ ભવ્ય રથયાત્રા અષાઢી બીજે દિવસે કાઢવામાં આવે છે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા 27 જૂન, શુક્રવારે આયોજિત થશે. આ યાત્રામાં, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા રથ પર સવાર થઈને શહેરનું ભ્રમણ કરશે. આ પવિત્ર પ્રસંગે, લાખો ભક્તો ભગવાનના દર્શનાર્થે આવે છે. એવું માનવામાં આવે છે કે આ યાત્રામાં ભાગ લેવાથી અને રથ ખેંચવાથી, જીવનના બધા પાપોનો નાશ થાય છે.

આ યાત્રા સાથે જોડાયેલા કેટલાંક અનોખા રીતિ-રિવાજો સદીઓથી ચાલી આવે છે, જેમાં સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવો એ સૌથી ખાસ રિવાજોમાંનો એક છે. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોનો રથ જે રસ્તાઓ પરથી પસાર થાય છે તે રસ્તાઓને સોનાના સાવરણીથી સાફ કરવામાં આવે છે. આમ કરીને, ભક્તો ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા પ્રત્યે આભાર અને ભક્તિ વ્યક્ત કરે છે.

કેમ સોનાના ઝાડુંથી કરવામાં આવે છે સફાઈ?

પૌરાણિક માન્યતા અનુસાર, સોનું એક પવિત્ર ધાતુ છે, જે દેવી-દેવતાઓની પૂજામાં વિશેષ સ્થાન ધરાવે છે. યાત્રા શરૂ કરતા પહેલા, ત્રણ રથોના માર્ગને સોનાના સાવરણીથી સાફ કરવામાં આવે છે અને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ માત્ર આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતીક નથી, પરંતુ તે એવી ભાવના પણ દર્શાવે છે કે ભગવાનના સ્વાગતમાં કંઈ કમી ન રહેવી જોઈએ. આ પરંપરા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સોનાના ઝાડૂથી રસ્તો સાફ કરવાનો હેતુ ભગવાનના માર્ગને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે.

CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પૂર્વસંધ્યાએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના કરી

ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 148મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીનાં દર્શન કરીને મુખ્યપ્રધાન ધન્યતા અનુભવી હતી.

અમદાવાદના જગન્નાથજી મંદિરે પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યાં બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો માટે સામાજિક સમરસતા મહોત્સવ બની છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે. મુખ્યપ્રધાને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પર્યાયરૂપ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે તે માટે ભગવાનન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

પંચાંગ 27/06/2025