Home Blog Page 820

CMએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ બનાવવા રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા, શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વધુને વધુ વિસ્તારીને સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૩થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના ૨૩માં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગરના કડાણા તાલુકાની દિવડા પીએમ સ્કૂલથી કરાવતા મુખ્યમંત્રીએ આ નેમ દર્શાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળા અને ધોરણ ૯માં બાળકોનું નામાંકન કરાવ્યું હતું અને શૈક્ષણિક કીટ ભેટ આપી તેમને શાળામાં આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ પ્રવેશ મેળવનારા બાળકો સાથે વડીલ વાત્સલ્ય ભાવે સહજ સંવાદ કરીને તેમના ઘર-પરિવારની વિગતો પણ મેળવી હતી.

એમણે  આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શરૂ કરાવેલા લોકહિતના બધા કાર્યક્રમો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળે છે. ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ડ્રોપ આઉટ રેઈટ ૩૫ ટકા જેટલો હતો તે ઘટાડીને ૦.૮૫ ટકા એટલે કે ૧ ટકાથી પણ નીચે લઈ જવામાં સફળતા મળી છે.

વધુમાં કહ્યું કે,  રાજ્ય સરકારે શાળામાં પ્રવેશ લેનાર બાળકો અભ્યાસ છોડી ન દે તેની પૂરતી કાળજી લીધી છે. પરિવારની આર્થિક તકલીફને કારણે અભ્યાસમાં અગવડ ન થાય તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી સરકાર આવા બાળકોની પડખે ઊભી રહે છે.

તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવે તેની દરકાર પણ સરકારે લીધી છે. એટલું જ નહીં, શિક્ષકો પણ જો કોઈ બાળક એકાદ દિવસ ગેરહાજર રહે તો તેના ઘરે જઈને ગેરહાજરીના કારણો જાણે છે. સરકારની વ્યવસ્થાઓમાં જન જનની ભાગીદારી હોય તો સૌને લાભ મળે અને સાથે જ ૧૦૦ ટકા પરિણામ આવે તેવા અભિગમથી તેમણે વાલીઓને પણ SMCમાં સક્રિય થવાનો અનુરોધ કર્યો હતો.

‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ના મંત્રને ચરિતાર્થ કરીને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા તેમણે સૌને હાંકલ કરી હતી.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શુભારંભ પ્રસંગે કે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રઇ મોદીએ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. પહેલાના સમયમાં ધો ૧ થી ૮ સુધીના ૩૫% ડ્રોપ આઉટ રેશિયો હતો તે આજે ઘટીને નહિવત થઇ ગયો છે.

દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે સ્વાગત ઉદબોધનમાં આદિજાતિ વિસ્તારમાં થયેલા શિક્ષણ ક્ષેત્રના અપ્રતિમ વિકાસની માહિતી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેકટર અર્પિત સાગરે આભારવિધિ કરી હતી. વિદ્યારંભના આ ઉત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સીએમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, અગ્રણી દશરથભાઈ બારીયા, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, શાળાના બાળકો, વાલીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત

જગન્નાથ પુરી: આ વર્ષના પ્રારંભે પ્રયાગરાજના મહાકુંભમેળામાં શ્રદ્ધાળુઓને મહાપ્રસાદની સેવા બાદ, અદાણી ગ્રુપ હવે ભારતની સૌથી પ્રતિષ્ઠિત પુરીની રથયાત્રામાં પણ સેવાની સુવાસ ફેલાવશે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરમાં દર વર્ષે નવ દિવસની રથયાત્રામાં દેશ-વિદેશથી લાખો યાત્રાળુઓ આવે છે.અદાણી ગ્રુપ માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્યસંભાળથી વિશેષ આગળ વધી રહી છે. જેમાં અદાણી જૂથ પ્રાયોજક નહીં પરંતુ સેવક તરીકે ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવનમાં સીધી અને સક્રિય ભાગીદારી કરી રહ્યું છે. ચેરમેન ગૌતમ અદાણીના “સેવા એ જ પૂજા “ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં શ્રદ્ધાળુઓ અને ફ્રન્ટલાઈન અધિકારીઓની સેવા માટે તત્પર છે.

આ વર્ષે લગભગ 4 મિલિયન ભક્તોને ભોજન અને પીણાં વિનામૂલ્યે વિતરીત કરવામાં આવશે. યાત્રાળુઓ અને અધિકારીઓને મફત પૌષ્ટિક ભોજન પૂરું પાડતા નિયુક્ત ફૂડ કાઉન્ટર; ઠંડા પીણાં; પુરી બીચ લાઇફગાર્ડ મહાસંઘના લાઇફગાર્ડ્સને સહાય; બીચ સફાઈ માટે સ્વયંસેવકો, સત્તાવાર સ્વયંસેવકો માટે મફત ટી-શર્ટ; મ્યુનિસિપલ કર્મચારીઓ માટે ફ્લોરોસન્ટ સેફ્ટી જેકેટ અને અધિકારીઓ અને ભક્તો માટે વિવિધ પ્રકારના જેકેટ, રેઈનકોટ, કેપ્સ અને છત્રીઓ ઉપલબ્ધ કરાવશે.

આ સેવાયજ્ઞમાં અદાણી ગ્રુપે પુરી જિલ્લા વહીવટીતંત્ર, ઇસ્કોન અને સ્થાનિક સ્વયંસેવક સંગઠનો વચ્ચે સહયોગ કર્યો છે. અદાણી ફાઉન્ડેશન ઓડિશામાં ગ્રામીણ આરોગ્યસંભાળ, શાળાની માળખાગત સુવિધાઓ અને આજીવિકા જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. આ સેવાને તે જાહેર જીવનમાં મોટા આધ્યાત્મિક સાતત્યના ભાગ રૂપે જૂએ છે. મહાકુંભ કરતા પુરીમાં લોજિસ્ટિકલ પડકારો પ્રચંડ છે. રથયાત્રામાં ભાગીદારી દ્વારા અદાણી જૂથ ફક્ત સેવાઓ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સમુદાય અને કરુણા આધારિત વિકાસના દૃષ્ટિકોણને મજબૂત બનાવી રહ્યું છે.

ગુજરાત: બોટાદથી AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘…આ સમયે મારી સામાજિક સેવાઓ ઘટી રહી છે, તેથી હું આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પાર્ટી માટે કાર્યકર તરીકે કામ કરીશ.’ આના થોડા સમય પછી, તેમને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. AAP ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવીએ ટ્વિટ કર્યું, ‘ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.’

તેમણે કહ્યું, ‘મેં 20 વર્ષ સુધી ભાજપમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું. એવા સમયે જ્યારે ગુજરાતમાં કોઈ AAP ને ઓળખતું ન હતું, ત્યારે હું શાસક ભાજપ પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો. આજે AAPમાં, મને લાગે છે કે અમે ડૉ. બી.આર. આંબેડકરના સિદ્ધાંતોથી ભટકાઈ રહ્યા છીએ. તેથી મેં આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. હું પાર્ટી કાર્યકર તરીકે કામ કરવાનું ચાલુ રાખીશ. હું બોટાદના લોકો વચ્ચે જઈશ. હું કેટલાક લોકોને મળીશ અને અલગ પાર્ટી બનાવવી કે નહીં તે અંગે ચર્ચા કરીશ.

‘મતવિભાગના લોકો સાથે ચર્ચા કર્યા પછી આગળનો નિર્ણય લઈશ’

બોટાદ બેઠકના ધારાસભ્ય મકવાણાએ ગાંધીનગરમાં જાહેરાત કરી હતી કે તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને રાજ્ય વિધાનસભામાં વ્હીપ પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોળી (ઓબીસી) સમુદાયના ધારાસભ્ય મકવાણાએ કહ્યું કે તેઓ એક સરળ AAP કાર્યકર તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. શું તેઓ ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપવાની યોજના ધરાવે છે તે પૂછવામાં આવતા, મકવાણાએ કહ્યું કે તેઓ તેમના મતવિસ્તારના લોકો સાથે સલાહ લીધા પછી નિર્ણય લેશે જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

 

આપ દ્વારા પેટાચૂંટણી જીત્યાના ત્રણ દિવસ પછી જ નિર્ણય

આ પગલા પછી તરત જ, ગુજરાત AAP પ્રમુખ ઇસુદાન ગઢવીએ એક નિવેદન બહાર પાડીને મકવાણાના સસ્પેન્શનની જાહેરાત કરી. મકવાણા ૧૮૨ સભ્યોની રાજ્ય વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટાયેલા પાંચ AAP ધારાસભ્યોમાંના એક હતા. તેમની અચાનક જાહેરાત AAP નેતા ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવીને પેટાચૂંટણી જીતી તેના ત્રણ દિવસ પછી જ આવી.

પેટાચૂંટણીમાં પરિણામો કેવા રહ્યા?

AAPના ભૂપેન્દ્ર ભાયાણી 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરમાં વિજયી બન્યા હતા, પરંતુ ડિસેમ્બર 2023માં ભાયાણી રાજીનામું આપીને શાસક ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં, ભૂતપૂર્વ રાજ્ય AAP વડા ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17,554 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જોકે, AAPને મહેસાણાના કડી મતવિસ્તારમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત હતો, જ્યાં પાર્ટીના ઉમેદવાર જગદીશ ત્રીજા સ્થાને રહ્યા હતા. ભાજપે બેઠક જાળવી રાખી, જ્યારે કોંગ્રેસ બીજા સ્થાને રહી.

‘મહત્વપૂર્ણ પદો આપવાની વાત આવે ત્યારે પછાત વર્ગોને હંમેશા અવગણવામાં આવે છે’

ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, મકવાણાએ આરોપ લગાવ્યો કે ભાજપ, કોંગ્રેસ કે આપ જેવા તમામ પક્ષો, મુખ્યમંત્રી કે પાર્ટી પ્રમુખ જેવા મહત્વપૂર્ણ પદો આપવાની વાત આવે ત્યારે હંમેશા પછાત વર્ગોને અવગણે છે. તેમણે દાવો કર્યો કે, ‘ગુજરાતમાં કોળી સહિત ઓબીસીની વસ્તી સૌથી વધુ છે. લગભગ 30 વર્ષ સુધી સત્તામાં રહેવા છતાં, ભાજપે ક્યારેય કોઈ ઓબીસીને ગુજરાતનો મુખ્યમંત્રી કે પાર્ટી પ્રમુખ બનાવ્યો નથી. કોંગ્રેસ કોળી અને અન્ય પછાત વર્ગોને લગતા મુદ્દાઓ ઉઠાવવામાં પણ નિષ્ફળ રહી.

સેન્સેક્સ 1000 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી નવ મહિનાની ઊંચાઈએ

અમદાવાદઃ ઘરેલુ બજારમાં જૂન સિરીઝ એક્સપાયરીએ જોરદાર તેજી થઈ હતી. સતત ત્રીજા સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા. મિડકેપ ઇન્ડેક્સ સતત પાંચમા દિવસે તેજી સાથે બંધ થયો હતો. ઇન્ટ્રાડેમાં નિફ્ટી 25,500ને પાર જવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ નવ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. મેટલ ઓઇલ અને ગેસ, PSE શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બેન્કિંગ, એનર્જી અને FMCG શેરોમાં પણ તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક પણ રેકોર્ડ સ્તરે બંધ થયો હતો.

સરકાર ઓટો કોમ્પોનેન્ટ કંપનીઓ માટે સરકાર 13,000 કરોડની ખાસ યોજના બનાવી રહી છે. આ યોજના PLIથી અલગ હશે. આ નવી યોજનાને કેબિનેટથી જલદી મંજૂરી મળવાની વકી છે. જેથી સરકાર કંપનીઓને 13,000 કરોડના ઇન્સેન્ટિવ આપવાની તૈયારીમાં છે. ચાર અલગ-અલગ સેગમેન્ટમાં ઇન્સેન્ટિવનો પ્રસ્તાવ છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

દેશમાં પડી રહેલા સારા વરસાદને લીધે પણ શેરોમાં તેજી આગળ વધી હતી. આ સાથે કંપનીઓનાં જૂન ત્રિમાસિક પરિણામો હવે શરૂ થશે, જેના પર બજારની નજર રહેશે. જેથી સેન્સેક્સ 1000 પોઇન્ટ ઊછળી 83,755 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 304 પોઇન્ટની તેજીએ 25,549ના મથાળે બંધ રહ્યો હતો.

BSE પર કુલ 4262 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2918 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1107 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 135 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 107 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 41 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 300 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 208 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

ખાનગી શાળા છોડી આ સરકારી શાળામાં 9 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫નો પ્રારંભ થયો છે, ત્યારે મુખ્યમંત્રીનાં અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં હાંસોલ પ્રાથમિક શાળા નં. ૧ અને ૨માં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.અવંતિકા સિંહના હસ્તે હાંસોલ પ્રાથમિક શાળાની બાલવાટિકામાં ૫૭ બાળકોને, જ્યારે ધોરણ -૧માં ૬૬ બાળકોને શાળા-પ્રવેશ અપાયો હતો. આમ, કુલ ૧૨૩ જેટલાં ભૂલકાંઓએ શિક્ષણ જગતમાં પગરવ માંડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ખાનગી શાળા છોડીને ૯ વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ લીધો છે.આ પ્રસંગે અવંતિકા સિંહે જણાવ્યું હતું કે દર વર્ષે ઊજવાતો શાળા પ્રવેશોત્સવ બાળકો, શિક્ષકો અને વાલીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે, સાથે-સાથે આમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો તથા અધિકારીઓને પણ નવી ઊર્જા પૂરી પાડતો હોય છે. શાળામાં ભણતા બાળકોને જોઈને અવર્ણનીય આનંદ મળતો હોય છે. આ નિમિત્તે વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતને સન્માનિત કરવામાં આવે છે, જેથી બાળકોને પ્રોત્સાહન મળતું હોય છે, તથા તેમનાં માતા-પિતાને ગર્વની લાગણી અનુભવાતી હોય છે.પોતાની ફરજ ઉપરાંત અંગત યોગદાન આપનારા શિક્ષકોની નિષ્ઠાની અવંતિકા સિંહે પ્રશંસા કરી હતી. તેમજ પ્રવેશોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા વાલીઓનો પણ આભાર માન્યો હતો તથા શાળા પ્રવેશોત્સવનો સુંદર કાર્યક્રમ યોજવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી. તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. બાળકો દેશનું ભવિષ્ય છે, તેમના વિકાસ માટે વાલીઓ સંપૂર્ણ સહયોગ આપે એવો અનુરોધ શ્રીમતી અવંતિકા સિંહ દ્વારા એસએમસીની બેઠકમાં કરાયો હતો.શાળા પ્રવેશોત્સવના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જુદા-જુદા વિષયો પર વક્તવ્ય રજૂ કરાયાં હતાં અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

હિન્દુ-મુસ્લિમ રૂ. 100 કરોડની જમીનને મુદ્દે આમનેસામને

ભોપાલઃ ભોપાલના કોલાર વિસ્તારમાં આવેલા અકબરપુરમાં હાઈટેક ગૌશાળા માટે ભૂમિપૂજન બાદ આ જગ્યા હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે વિવાદનું કારણ બની છે. અંદાજે 100 કરોડ રૂપિયાની આ જમીન પર ભૂમિપૂજન થતાં જ મુસ્લિમ પક્ષ આગળ આવ્યો અને એણે દાવો કર્યો છે કે આ કબ્રસ્તાન છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ તહેવાર સમિતિ તરફથી દસ્તાવેજો રજૂ કરીને બતાવવામાં આવી રહ્યા છે કે આ જમીન કબ્રસ્તાનને નામે નોંધાયેલી છે અને વક્ફ બોર્ડનો પણ આ પર દાવો છે.

મુસ્લિમ પક્ષનો દાવો છે કે અહીં તેમની કેટલીક કબર દફન છે અને ભૂમાફિયા જમીન પર કબજો કરવા માગે છે.

શું છે આખ મામલ?
આ જમીન પર કોંગ્રેસના નેતા અશ્વિની શ્રીવાસ્તવનો દાવો છે કે જમીન તેમની છે અને તેઓ અહીં હાઈટેક ગૌશાળા બનાવવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ મુસ્લિમ પક્ષ આ દાવાને નકારી રહ્યો છે. ભૂમિપૂજન થયા બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ તહેવાર સમિતિ સહિત મુસ્લિમો વક્ફ બોર્ડની કચેરી પહોંચ્યા અને પ્રતિકાત્મક રીતે અર્થી તૈયાર કરી, સવાલ ઉઠાવ્યો કે જો કબ્રસ્તાન જતું રહેશે તો મૃતદેહોને દફનાવવા ક્યાં લઈ જઈશું? એ દરમ્યાન કેટલાક યુવાનોને કફનમાં લપેટીને રોડ પર સુવડાવવામાં આવ્યા હતા.

તેમણે ગુમ થતા જઈ કબ્રસ્તાન, ક્યાં દફન કરીએ જીવતા માનવ, ક્યાં ગયું આ કબ્રસ્તાન – જમીન ખાઈ ગઈ કે આસમાને ઊડી ગયું?” જેવાં બેનરો સાથે વિરોધ કર્યો. મુસ્લિમ પક્ષના દાવા અનુસાર ભૂમાફિયાઓ સ્થાનિક ધારાસભ્ય રમેશ્વર શર્માને ગેરમાર્ગે દોરીને જમીન કબજે કરવા માગે છે. તેમણે કહ્યું છે કે અહીં ગૌશાળા બની તો ગંદકી ફેલાશે અને કબ્રસ્તાન પર ગૌશાળા નહીં બનવા દેવાય. અમે આંદોલન પણ કરીશું અને કોર્ટ પણ જઈશું.

ભાજપના ધારાસભ્ય રમેશ્વર શર્માએ કહેલું કે આ સરકારી જમીન છે. નવાબી કાળમાં અહીં 60 વર્ષ પહેલાં હિંદુ બાળકોને દફનાવાતા હતા. મુસ્લિમોએ હવે 100 કરોડની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે. આ તેમના અબ્બાની જમીન નથી. અહીં તો ગૌશાળા જ બનશે.

હવે ફોનની કોલર ટ્યુનમાં નહીં સંભળાય બિગ બીનો અવાજ, શું કારણ છે?

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન તેમના બુલંદ અવાજ અને અભિનય માટે જાણીતા છે. આપણે દરરોજ અમારા ફોન કોલ્સ દરમિયાન અભિનેતાનો અવાજ સાંભળતા હતા, જેમાં તેઓ આપણને સાયબર-ફ્રોડથી સાવધ રહેવાનું કહેતા હતા. જોકે, અમે તમને જણાવી દઈએ કે આજથી એટલે કે ગુરુવારથી, તમને ફોન કરતી વખતે તે અવાજ સંભળાશે નહીં.

ભારત સરકાર દ્વારા નાગરિકોને સાયબર છેતરપિંડી વિશે જાગૃત કરવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેના દ્વારા ફોનની કોલર ટ્યુનમાં અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાતો હતો. હવે આજથી ગુરુવારથી, અભિનેતાનો અવાજ સંભળાશે નહીં. NDTV ના અહેવાલ મુજબ, હવે આ ઝુંબેશ સમાપ્ત થઈ ગઈ છે, તેથી ભારત સરકારે કોલર ટ્યુન પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સરકાર દ્વારા શરૂ કરાયેલ જાગૃતિ પહેલનો એક ભાગ હતો, જેનો હેતુ ઓનલાઈન કૌભાંડોના વધતા જોખમ વિશે લોકોને શિક્ષિત કરવાનો હતો.

તાજેતરમાં, બિગ બીએ તેમના એક્સ એકાઉન્ટ પર ટ્વિટ કર્યું હતું, જેમાં યુઝર્સે તેમના અવાજમાં વાયરલ કોલર ટ્યુન માટે તેમને ટ્રોલ કર્યા હતા. અભિનેતાએ પણ આનો જવાબ આપ્યો હતો. અભિનેતાએ તેમના ટ્વિટમાં લખ્યું હતું, ‘હા સાહેબ, હું પણ એક ચાહક છું. તો??’ આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા, યુઝરે લખ્યું, ‘તો પછી ફોન પર વાત કરવાનું બંધ કરો.’ પછી અભિનેતાએ જવાબ આપ્યો, ‘સરકારના ભાઈને કહો, તેમણે અમને જે કરવાનું કહ્યું તે કર્યું.’ જોકે, તમને જણાવી દઈએ કે ટ્રોલર્સનો આ કોલર ટ્યુન બંધ થવા સાથે કોઈ લેવાદેવા નથી. સરકારના નિર્ણયને કારણે તે બંધ થઈ ગઈ છે.

82 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ખૂબ જ સક્રિય રહે છે. અભિનેતાની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે ‘સેક્શન 84’માં જોવા મળશે. આ ઉપરાંત, તેમની પાસે બ્રહ્માસ્ત્ર અને કલ્કી 2898 એડીના આગામી ભાગો માટે પણ પ્રોજેક્ટ્સ છે.

CMના સપનાં જોતાં ડી.કે. શિવકુમારની પ્રદેશાધ્યક્ષ પદેથી થશે હકાલપટ્ટી?

બેંગલુરુઃ કર્ણાટકના નાયબ CM ડી.કે. શિવકુમારની ઇચ્છા રાજ્યના CM બનવાની છે, પરંતુ હવે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ તેમને પ્રદેશાધ્યક્ષ પદેથી પણ દૂર કરે એવી શક્યતા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યના પાર્ટી સંગઠનમાં ફેરફારની પ્રક્રિયા શરૂ કરી છે. ડી.કે. શિવકુમાર છેલ્લાં લગભગ પાંચ વર્ષથી પ્રદેશાધ્યક્ષ છે.

હાલમાં જ CM સિદ્ધારમૈયા દિલ્હી પ્રવાસે ગયા હતા અને એ દરમિયાન તેમની સાથે હાજર રહેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે હાઈકમાન સાથે કોંગ્રેસના સંગઠન સંબંધિત મામલાઓ અંગે ચર્ચા થઈ હતી. હાઈકમાન્ડે આ મુદ્દે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને પ્રદેશ કોંગ્રેસાધ્યક્ષને બદલવાના વિકલ્પ પર વિચાર થઈ રહ્યો છે, એમ સૂત્રએ કહ્યું હતું.

રાજ્ય સરકારમાં મંત્રી સતીશ જરકિહોલી અને ઈશ્વર ખંડરેને પ્રદેશ અધ્યક્ષપદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જો આ નેતાઓ મંત્રી પદ છોડવા માટે તૈયાર થાય તો તેમને પ્રદેશાધ્યક્ષ પદની જવાબદારી સોંપી શકાય છે.

શિવકુમારને હટાવવાની અટકળો પહેલાથી

મે 2023માં જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી, ત્યારથી ડી.કે. શિવકુમારને પ્રદેશાધ્યક્ષ પદેથી હટાવવાની અટકળો ચાલી રહી હતી. જોકે તેઓ ન માત્ર પ્રદેશાધ્યક્ષ તરીકે યથાવત્ રહ્યા, પણ સિદ્ધારમૈયાની સરકારમાં બે મહત્વના વિભાગો – બેંગલુરુ વિકાસ અને જળસંસાધન – પણ સંભાળી રહ્યા છે.

જોકે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ રાજ્યના મંત્રી એચ.કે. પાટિલના પત્રને લઈને નારાજ છે. પાટિલે લખ્યું હતું કે નેતાઓ અને અધિકારીઓએ મળી રાજ્યના ખજાનાને લૂંટી લીધું છે અને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, પરંતુ સરકારે દોષીઓને સજા આપવા માટે કોઈ કાર્યવાહી કરી નથી.

રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ અને CM સિદ્ધારમૈયા એ બાબતે નારાજ છે કે પાટિલે આ મુદ્દો જાહેરમાં ઉઠાવ્યો, જ્યારે તેઓ આ મુદ્દો મંત્રીમંડળની બેઠકમાં ઉઠાવી શકતા હતા.

 ‘દેશનાં 80 ટકા ગીતો પાકિસ્તાની છે’: જસબીર જસ્સી

નવી દિલ્હીઃ દિલજિત દોસાંજે હાલમાં આવનારી ફિલ્મ ‘સરદાજી 3’માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે કામ કરવા અંગે ભારે ટીકાનો સામનો કરી રહ્યો છે. ત્યાં સુધી કે સિંગર મિકા સિંહ અને બી પ્રાકે પણ દિલજીતને ઘણી ખરીખોટી સંભળાવી હતી, પરંતુ હવે પંજાબી ગાયક જસબીર જસ્સી દિલજિતના સમર્થનમાં આગળ આવ્યા છે અને તેમણે જનતાના ડબલ સ્ટાન્ડર્ડની ટીકા કરી છે.

જસબીર જસ્સીએ કહ્યું હતું કે  હું જોઈ રહ્યો છું કે દિલજિત દોસાંજેની ફિલ્મને સોશિયલ મિડિયા પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેમાં એક પાકિસ્તાની કલાકાર પણ છે. હું લોકોની ભાવનાઓનું સન્માન કરું છું કે આપણે આપણા દેશને પ્રેમ કરવો જોઈએ અને દેશની સાથે ઊભા રહેવું જોઈએ. પણ આ ડબલ સ્ટાન્ડર્ડ શા માટે?

જો તમે નથી ઈચ્છતા કે કોઈ પાકિસ્તાની કલાકાર ભારતીય ફિલ્મોમાં ગાય, અભિનય કરે કે કામ કરે, તો તમે તેમના  પર પ્રતિબંધ ઇચ્છો છો. પણ અમારી ઈન્ડસ્ટ્રીના 80 ટકા ગીતો ચોરેલા છે – ધૂન હોય કે શબ્દો કે આખા ગીત. અમારી ફિલ્મોમાં ઘણાં ગીતો એવાં છે જે પાકિસ્તાની કલાકારોએ ગાયાં છે… તો આ ડબલ સ્ટાન્ડર્ડ શા માટે?”

જસ્સીએ આગળ કહ્યું હતું કે અથવા તો યુટ્યુબ, સ્પોટિફાય અને બીજાં તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી બધાં ગીતો હટાવી દો. પણ એવું નથી કે તમે ફક્ત એક કલાકાર સામે વિરોધ શરૂ કરી દો. જો તમે પાકિસ્તાની કલાકારોને બેન કરવા માગો છો, તો તેમને સંપૂર્ણ રીતે બેન કરો. દુનિયામાં જે પણ કન્ટેન્ટ ઉપલબ્ધ છે, તે બધું હટાવી દો.”

શું છે 1962માં ઈતિહાસ રચનારી ચાર્લી કંપનીના 120 બહાદુરની કહાની?

ઘણા સમય પહેલાની વાત છે, જ્યારે લદ્દાખના ઉજ્જડ, બરફથી ઢંકાયેલા પર્વતોમાં એક નામ ગુંજતું હતું, રેજાંગ લા. આ કોઈ સામાન્ય બાબત નહોતી, પણ બહાદુરીનું એક ઉદાહરણ હતું જે આજે પણ દરેક સૈનિકના હૃદયમાં આગ ભરી દે છે. 18000 ફૂટની ઊંચાઈ, શ્વાસ લેવામાં તકલીફ, ઠંડો પવન અને દરેક ખૂણામાં મૃત્યુનો પડછાયો છુપાયેલો, પરંતુ આ દુર્ગમ મોરચે, 13મી કુમાઉ બટાલિયનની ચાર્લી કંપનીએ એવું કંઈક કર્યું જે ઇતિહાસમાં અમર થઈ ગયું. 18 નવેમ્બરની તે કાળી રાત્રે જ્યારે ચીની સેના ચૂપચાપ રેજાંગ લા તરફ આગળ વધી રહી હતી, ત્યારે ત્યાં ફક્ત 120 ભારતીય સૈનિકો તૈનાત હતા, આ લોકો બંકરો વિના, ભારે શસ્ત્રો વિના અને પીછેહઠ કરવાનો વિચાર કર્યા વિના મજબૂત રીતે ઉભા હતા.

તેમનું નેતૃત્વ મેજર શૈતાન સિંહ ભાટી (પીવીસી) કરી રહ્યા હતા, જે એક એવું નામ હતું જે પોતાનામાં જ લોખંડ જેવું છે. મેજર શૈતાન સિંહની હાજરી સૈનિકોની હિંમત હતી. તેમના શાંત પરંતુ મક્કમ નેતૃત્વ હેઠળ, ચાર્લી કંપનીએ એવું કર્યું જે કોઈએ અપેક્ષા રાખી ન હતી. આખી રાત ચાલેલા ભીષણ યુદ્ધમાં, ચાર્લી કંપનીએ ચીનના ઘણા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. દરેક સૈનિક છેલ્લા શ્વાસ સુધી લડ્યો, છેલ્લી ગોળી સુધી લડ્યો. જો ચીને આ ખાડી પર કબજો કર્યો હોત, તો ચુશુલ એરફિલ્ડ, જે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ હતું, તેના નિયંત્રણમાં હોત. પરંતુ આવું થયું નહીં, બલ્કે 120 બહાદુર સૈનિકોએ લડતા લડતા ઇતિહાસ બદલી નાખ્યો.

હવે આ વાર્તા પડદા પર આવી રહી છે

બહાદુરીની આ ગાથા હવે એક શક્તિશાળી ફિલ્મમાં ફિલ્માવવામાં આવી છે, જે છે ‘120 બહાદુર’. આ ફિલ્મમાં ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે. રજનીશ ‘રાઝી’ ઘાઈ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ રિતેશ સિધવાની, ફરહાન અખ્તર (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ) અને અમિત ચંદ્રા (ટ્રિગર હેપ્પી સ્ટુડિયો) દ્વારા નિર્મિત છે. ‘120 બહાદુર’ ફક્ત યુદ્ધ ફિલ્મ નથી. તે એ વીરોનો અવાજ છે જે બરફના તોફાનમાં પણ અડગ રહ્યા. આ એક એવા બલિદાનની વાર્તા છે જેને હવામાન કે બંદૂક રોકી શકી નહીં. આ તે બહાદુર સૈનિકોને સલામ છે જેમણે ‘હમ લડેંગે’, ‘હમ રુકેંગે નહીં’ ને સાચું સાબિત કર્યું.