Home Blog Page 829

સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

સુરત: રાજ્યમાં ચોમાસું જામ્યું છે. જામનગર અને જૂનાગઢ બાદ આજે સોમવારે મેઘરાજાએ સુરતને ધમરોળ્યું છે. સવારે બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેના લીધે આજે સુરત શહેરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

જનજીવન અસ્ત-વ્યસ્ત 

સુરતથી મળતાં અહેવાલો અનુસાર અડાજણ પાટિયા પાસેનો રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક લોકોના વાહનો ઘૂંટણ સમા પાણીમાં ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું અને ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રવિવાર રાત્રે મૂશળધાર વરસાદ બાદ, આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતાં શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો. આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના શરુ થતાં, જનજીવન પર તેની અસર સ્પષ્ટ જોવા મળી. સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન થંભી ગયું હતું.

(અરવિંદ ગોંડલિયા- સુરત)

પેટા ચૂંટણીઃ કડીમાં ખીલ્યું કમલ, વિસાવદરમાં આપની જીત

અમદાવાદઃ કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. કડી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે, જ્યારે વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. વિસાવદર બેઠક પર AAPના ગોપાલ ઇટાલિયાની, 17,500 મતના માર્જિનથી જીત થઈ છે.

કડી બેઠક પરથી રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3077 મત મળ્યાની માહિતી મળી છે. આ બાજુ 1692 મત NOTAને મળ્યા છે. આ માહિતી ચૂંટણી પંચે આપી હતી. જ્યારે વિસાવદરમાં 20મા રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીની લીડ 16,594 થઈ ચૂકી છે. અહીંથી ગોપાલ ઈટાલિયા જીત થઈ છે.

વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનું ઝાડુ ફરી વળતાં કુલ 68,783 વોટ મેળવ્યા છે. આ સાથે ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીત થઇ છે. જ્યારે ભાજપને 18મા રાઉન્ડના અંત સુધીમાં 53,781 વોટ જ મળ્યા છે.  19 જૂનના રોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને સરળ બનાવવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના પરિણામે મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચના આંકડા મુજ, કડી વિધાનસભા બેઠક પર અંદાજે 57.90 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વિસાવદર બેઠક પર અંદાજે 54.89 ટકા મતદાન થયું હતું.

કડી અને વિસાવદર બંને બેઠક પર કોંગ્રેસની કફોડી સ્થિતિ છે. વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવારને 3 રાઉન્ડના અંતે માત્ર 718 મત મળ્યા હતા. શરૂઆતના ટ્રેન્ડ મુજબ વિસાવદરમાં ફક્ત AAP અને ભાજપ વચ્ચે જ ટક્કર હતી.

અભિનેતા મલ્હાર ઠાકર બનશે પપ્પા, પૂજા જોષીએ આપી ખુશખબરી

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરના ઘરે હવે કિલકારી ગૂંજવાની છે. અભિનેત્રી અને મલ્હારની વાઈફ પૂજા જોષી ખુશખબરી આપી છે. છેલ્લો દિવસનો વિક્કી હવે પપ્પા બની જશે.

પૂજા જોશીએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે ખુશીના સમાચાર શેર કર્યા છે. તેણીએ એક પોસ્ટ શેર કરી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. પૂજા જોષીએ લખ્યું કે, અમે અમારો પરિવાર બનાવવા જઈ રહ્યા છીએ. હું ખૂબ જ હરખ અને આનંદ સાથે એ જાહેરાત કરું છું અમે એક પર્ફેક્ટ ડુઓમાંથી સુંદર ત્રિપુટી તરફ જઈ રહ્યા છીએ, જેનો હું અને મલ્હાર ઘણા સમયથી વિચાર કરતા હતાં.

વધુમાં પૂજાએ ઉમેર્યુ કે અમે ઘણા સમયથી આ સ્વપ્ન જોઈ રહ્યા હતાં અને ટૂંક સમયમાં અમારું નવું ચેપ્ટર શરૂ થશે. આનંદ અને સ્લીપનેસ નાઈટ માટે તૈયાર થઈ જાઓ. પૂજા અને મલ્હારની આ જાહેરાત બાદ કલા જગતની હસ્તીઓ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Joshi (@pujajoshi_official)

ઉલ્લેખનીય છે કે મલ્હાર ઠાકર અને પૂજા જોશી 26 નવેમ્બર,2024ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતાં. તેમણે અમદાવાદમાં ધામધૂમથી લગ્ન કર્યા હતાં. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા ભાગના કલાકારો સામલ થયા હતાં. મલ્હાર ઠાકરના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે જય માતાજી રોક્સમાં જોવા મળ્યા હતાં. જ્યારે કે પૂજા જોશી છેલ્લે જલસો ફિલ્મમાં દેખાઈ હતી. જે હમણાં તાજેતરમાં જ રિલીઝ થઈ છે.

ચર્ચમાં આત્મઘાતી હુમલોઃ ૨૦નાં મોત, 52 લોકો ઘાયલ

દમાસ્કસઃ સિરિયાની રાજધાની દમાસ્કસમાં આવેલા એક ચર્ચમાં પ્રાર્થના દરમિયાન આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા ૨૦ લોકોનાં મોત થયા છે અને ૫૨ લોકો ઘાયલ થયા છે. સિરિયાના ગૃહ મંત્રાલયે આ હુમલાનો આરોપ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) પર મૂક્યો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યાનુસાર ISIS સાથે સંકળાયેલો આત્મઘાતી હુમલાખોર દમાસ્કસના ડોવેઇલા વિસ્તારમાં આવેલા સેન્ટ એલિયાસ ચર્ચમાં ઘૂસી ગયો. ત્યાં તેણે પહેલા ગોળીબારી કરી અને પછી પોતાને વિસ્ફોટક બેલ્ટ વડે ઉડાવી દીધો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલાખોરે માર એલિયાસ ચર્ચની અંદર વિસ્ફોટક ઉપકરણ વડે આત્મઘાતી સ્ફોટ કર્યો હતો. સ્થાનિક મિડિયાના અહેવાલ મુજબ મૃત્યુ પામનારાઓમાં બાળકો હોવાની પણ શક્યતા છે. હુમલાની સાથે જ સુરક્ષા દળો અને તાત્કાલિક સેવાઓ ઘટના સ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.

સિરિયાના વિદેશ મંત્રાલયે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે સિરિયન આરબ રિપબ્લિક દમાસ્કમાં આવેલા સેન્ટ એલિયાસ ચર્ચને નિશાન બનાવીને કરવામાં આવેલા આ આતંકવાદી બોમ્બ વિસ્ફોટની તીવ્ર નિંદા કરે છે. શરૂઆતની તપાસ મુજબ, આ હુમલો ISIS સાથે જોડાયેલા આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં અનેક નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા અને અનેક ઘાયલ થયા છે.

આ પોસ્ટમાં જણાવ્યું હતું કે ખ્રિસ્તી સમુદાયના સભ્યોને નિશાન બનાવીને કરવામાં આવેલું આ ગુનાહિત કૃત્ય રાષ્ટ્રીય સહઅસ્તિત્વને ખંડિત કરવાનો અને દેશમાં અસ્થિરતા ફેલાવવાનો નિષ્ફળ પ્રયાસ છે. વિદેશ મંત્રાલયે વધુમાં ઉમેર્યું છે કે આ હુમલો માત્ર કોઈ એક સમુદાય નહીં પણ આખી સિરિયાઈ ઓળખ પર હુમલો છે. સિરિયા આ ગુનાહિત કાર્ય માટે ISISને સહારો આપતી તમામ તત્ત્વોને જવાબદાર ઠેરવે છે.

ટેક ઓફ પહેલા કંઈક આવું થયું, 177 મુસાફરોના જીવ બચી ગયા, એર ઈન્ડિયાની બે ઉડાનો રદ

રાજધાની લખનૌના ચૌધરી ચરણ સિંહ એરપોર્ટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની બે ફ્લાઇટ્સ 25 દિવસ માટે રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ્સ 21 જૂનથી 15 જુલાઈ સુધી રદ રહેશે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2460 દિલ્હીથી રાત્રે 8:55 વાગ્યે ઉપડે છે અને લખનૌ એરપોર્ટ પર રાત્રે 10:05 વાગ્યે પહોંચે છે. પરત ફરતી વખતે આ ફ્લાઇટ નંબર AI 2461 લખનૌથી રાત્રે 10:55 વાગ્યે ઉપડે છે અને બપોરે 12:20 વાગ્યે દિલ્હી પહોંચે છે. બંને બાજુની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એરલાઇને આ માટે ઓપરેશનલ કારણો આપ્યા છે.

રવિવારે ચંદીગઢના શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લખનૌ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E146 માં ટેક-ઓફ પહેલા ટેકનિકલ ખામી જોવા મળતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

મુસાફરો જમીન પર બેસીને રાહ જોતા રહ્યા

પાયલટની સતર્કતાને કારણે વિમાનને સમયસર રોકી દેવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ 177 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ફ્લાઇટ રદ થયા પછી મુસાફરો ભારે નારાજ હતા. લગભગ એક કલાક સુધી કોઈએ તેમને કોઈ સ્પષ્ટ માહિતી આપી ન હતી. આ કારણે, મુસાફરો જમીન પર બેસીને રાહ જોતા રહ્યા.

કહેવામાં આવ્યું હતું કે આ ફ્લાઇટ સવારે 7:10 વાગ્યે ઉપડવાની હતી. બોર્ડિંગ પૂર્ણ કર્યા પછી બધા મુસાફરો વિમાનમાં ચઢી ગયા હતા. વિમાન પાર્કિંગ એરિયાથી રનવે તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું ત્યારે પાયલટને ટેકનિકલ ખામીનો અહેસાસ થયો. સલામતીને પ્રાથમિકતા આપતા પાયલટે તાત્કાલિક નિર્ણય લીધો અને વિમાનને પાર્કિંગ એરિયામાં પાછું લાવ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા. ફ્લાઇટ રદ થયા પછી મુસાફરો ભારે નારાજ હતા.

આ ફ્લાઇટ અચાનક રદ થવાથી અને મુસાફરોને લગભગ એક કલાક સુધી કોઈ સ્પષ્ટ માહિતી ન મળવાથી એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ. નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ નારાજ જોવા મળ્યા. કેટલાક મુસાફરો જમીન પર બેસીને રાહ જોતા રહ્યા. નારાજ મુસાફરોએ એરલાઇનની કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠાવ્યા.

એક મુસાફરે સોશિયલ મીડિયા પર પોતાની વેદના શેર કરી અને વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) ને મદદ માટે પણ અપીલ કરી. મુસાફરોએ કહ્યું કે ફ્લાઇટમાં ચઢ્યા પછી રદ કરવાથી માત્ર અસુવિધા જ નથી, પરંતુ માનસિક તણાવ પણ વધે છે. નારાજગી વ્યક્ત કરતા એક મુસાફરે સોશિયલ મીડિયા પર લખ્યું કે ફ્લાઇટમાં ચઢ્યા પછી રદ કરવામાં આવી હતી. કોઈ વરિષ્ઠ અધિકારી આગળ આવી રહ્યા નથી. એક કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી.

પેટા ચૂંટણીનાં પરિણામોમાં ગુજરાતમાં ભાજપ આગળ બંગાળમાં TMC

નવી દિલ્હીઃ પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે પેટાચૂંટણી યોજાઇ હતી. પાંચ બેઠકો પર થયેલા પેટાચૂંટણમાં એક મતદાન કેન્દ્ર સિવાય બાકીની તમામ જગ્યાએ વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સવારે આઠ વાગ્યેથી મતગણતરી જારી છે. મતગણતરી માટે ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

ચૂંટણી પંચ અનુસાર લુધિયાના વ્સ્ટ સીટ પર આપ પાર્ટીના સંજીવ અરોડા આગળ ચાલી રહ્યા છે. ગુજરાતની વિસાવદર સીટ પર આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર છાબડા આગળ છે.

આ સિવાય કેરળના નીલાંબુરથી કોંગ્રેસી ઉમેદવાર આર્યદાન શૌકત આગળ ચાલી રહ્યા છે.આ સાથે પશ્ચિમ બંગાળમાં કાલીગંજ સીટ પર TMCના ઉમેદવાર અલીફા અહેમદ આગળ ચાલી રહ્યા છે.

આ ચાર રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા કુલ 1,354 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 1,353 પર વેબકાસ્ટિંગ થઈ હતી.

વિસાવદર વિધાનસભા બેઠક (ગુજરાત)

ગુજરાતની વિસાવદર બેઠક ડિસેમ્બર 2023થી ખાલી છે. અહીંના પૂર્વ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભયાણીએ રાજીનામું આપીને સત્તાધારી ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ ભાજપે અહીંથી કિરીટ પટેલને, કોંગ્રેસે નીતિન રણપરિયાને અને આમ આદમી પાર્ટી તરફથી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે.

કડી વિધાનસભા બેઠક (ગુજરાત)

આ બેઠક અનામત (SC) છે. અહીંના ભાજપ ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન પછી બેઠક ખાલી થઈ હતી. અહીં ભાજપ તરફથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા ચૂંટણી લડી રહ્યા છે.

અમેરિકાએ હુમલો કરી બહુ મોટી ભૂલ કરીઃ ઈરાન  

તહેરાનઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિનીએ અમેરિકા દ્વારા ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલાઓ થયા બાદ વધેલા તણાવ વચ્ચે ઇઝરાયલને સજા આપવાના કસમ ખાધા છે. ઈરાની નેતાના અધિકૃત X હેન્ડલથી વાત કરતાં તેમણે તેલ અવિવ વિરુદ્ધ હુમલાઓ વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી, જોકે અમેરિકી હુમલાઓનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ 13 જૂનથી શરૂ થયો છે અને આજે તેનો 11મો દિવસ છે. અત્યાર સુધીના ટકરાવમાં બંને દેશોને ભારે નુકસાન થયું છે. હવે જ્યારે અમેરિકા ખુલ્લેઆમ આ સંઘર્ષમાં કૂદી પડ્યું. અમેરિકા એ ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ્સ – ફોર્ડો, નતાંજ અને એસ્માહાનને નિશાન બનાવી હુમલા કર્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઈરાનમાં તખતાપલટની વકાલત કરી છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ’ પર તેમણે પોસ્ટ કરી હતી કે શાસન પરિવર્તન શબ્દનો ઉપયોગ કરવો રાજકીય રીતે યોગ્ય ન હોઈ શકે, પરંતુ જો વર્તમાન ઈરાની શાસન ફરીથી ઈરાનને મહાન બનાવી શકતું નથી, તો શાસન બદલાવ કેમ નહીં?

અમેરિકી હુમલાઓ પર સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના દૂત આમિર સાઈદ ઇરાવાની એ સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠકમાં જણાવ્યું હતું કે ઈરાન જવાબ આપશે. તેમણે કહ્યું હતું  કે ઈરાને વારંવાર યુદ્ધખોર અમેરિકી શાસનને ચેતવણી આપી હતી કે તે આ યુદ્ધમાં ન ઘૂસે.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કરીને કૂટનૈતિક પ્રયત્નોને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.  તેમણે ઉમેર્યું હતું કે ઈરાની સેના ઈરાનના પ્રતિસાદનો સમય, સ્વરૂપ અને વ્યાપ નિર્ધારિત કરશે.

સુવિચાર – ૨૩ જૂન ૨૦૨૫

૨૩ જૂન ૨૦૨૫

મહિલાઓનું કોર્પોરેટ તથા આર્થિક ક્ષેત્રે નેતૃત્વ

પ્રશ્ન: હું એક મેન્યુફેક્ચરીંગ કંપની ચલાવું છું. મારે આ ઉત્પાદન ક્ષેત્રે વધારે મહિલાઓની ભરતી કરવી હતી પરંતુ તે પડકાર મુશ્કેલ લાગે છે. તમે શું સલાહ આપશો?

સદગુરુ: મનુષ્યના ઉત્પાદનની ધ્રષ્ટિએ, પ્રકૃતિએ એક પુરુષને બદલે સ્ત્રીને વધારે જવાબદારી આપવાનું નક્કી કર્યું. સ્ત્રીઓએ કોઈપણ પુરુષ કરતાં ઘણું વધારે કામ કર્યું છે. હું આ હળવા અર્થમાં નથી કહી રહ્યો પરંતુ હું આને આદરપૂર્વક કહી રહ્યો છું. આજે આપણે અસેમ્બ્લી લાઈન અને ઉત્પાદન સુવિધાઓની ધ્રષ્ટિથી વિચાર્યે છીએ, પરંતુ ઉત્પાદન ક્ષેત્રનો પણ એક રચનાત્મક ભાગ છે, જ્યાં સ્ત્રી એક ખુબ અસરકારક ભૂમિકા ભજવી શકે છે.

અસેમ્બ્લી લાઈન આવશ્યકરૂપે એક ખુબ પુરુષપ્રધાન પ્રવૃત્તિ છે અને તેને દૈનિક હાજરીની જરૂર હોય છે, જે એક સ્ત્રી માટે સંભવ નથી. હું એમ નથી કહેતો કે એક મહિલા અસેમ્બ્લી લાઈન ઉપર કામ ન કરી શકે, પરંતુ તેને ફેક્ટરીનાં ફ્લોર પર કામ કરાવવાને બદલે, એક સ્ત્રીને જો ડીઝાઇન, વિકાસ અને માર્કેટિંગ જેવા ઉત્પાદનનાં વધુ રચનાત્મક ક્ષેત્રે મુકવામાં આવે તો તે ખુબ સક્રિય ભાગ ભજવી શકે છે.

આપણે વિશ્વના એક એવાં તબક્કે છીએ જ્યાં આર્થિક પ્રવૃત્તિ પ્રબળ બની રહી છે. સ્ત્રીઓ જે માનવ વસ્તીનો 50% ભાગ છે, તેઓની આ માનવ પ્રવૃતિના ભાગને આકાર આપવામાં નોંધપાત્ર ભૂમિકા હોવી જોઈએ.

આર્થિક પ્રવૃત્તિ ટકાવી રાખવા અને તેને માનવ કલ્યાણ તરફ કેન્દ્રિત રાખવામાં સ્ત્રીઓ ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આજે વિશ્વની આર્થિક વ્યવસ્થાની પુન: રચના એવી રીતે કરવી પડશે કે જેમાં વ્યાપાર માનવતાની સેવા કરે અને ના કે માનવતા વ્યાપારની ગુલામી કરે.  નેતૃત્વની ધ્રષ્ટિએ – બન્ને વ્યાપાર અને રાજકીય ક્ષેત્રે- મહિલાઓની ભૂમિકા હોવી આવશ્યક છે કારણકે તેઓ માનવતાનો નાજુક ભાગ છે.

ઘણાં લાંબા સમયથી માનવતાએ પુરુષત્વને ઘણું વધારે મહત્વ આપ્યું છે કારણકે અસ્તિત્વ ટકાવી રાખવું એ મુખ્ય પરિબળ હતું. સ્ત્રીત્વ ત્યારે જ યોગ્ય સ્થાન મેળવી શકશે જ્યારે સામાજિક રીતે ભરણપોષણ સચવાયેલું હોય અને સંસ્કૃતિ અમુક સ્તરે સ્થિર થઇ ગઈ હોય. આજે સામાજિક સ્તિથી તે તબક્કે પહોંચી રહી છે, પરંતુ આપણી જીવન ટકાવી રાખવાની વૃત્તિને હળવી કરવાને બદલે આપણે તેને ગેરવ્યાજબી રીતે વધારી રહ્યા છે. જો આપણે આ વૃત્તિને થોડી હળવી કરએ તો તમે જોશો કે સ્ત્રીત્વ કુદરતી રીતે ઘણું નોંધપાત્ર બની જશે.

પુરુષત્વ અને સ્ત્રીત્વ એ પુરુષ કે સ્ત્રી હોવા વિષે નથી. સ્ત્રીત્વ, એક સ્ત્રીની અંદર જેમ હોય છે તેમ જ એક પુરુષમાં પણ એટલું જીવંત હોય શકે છે. આ બે ગુણ છે. જયારે આ બન્ને ગુણ સંતુલનમાં આવે ત્યારે એક મનુષ્ય સંપૂર્ણ  જીવન જીવી શકે છે. સરખામણી કરવા, દાખલા તરીકે જો તમે મૂળને પૌરુષ કહેશો તો ફૂલ સ્ત્રી થશે. મુળિયાઓનો હેતુ માત્ર ફૂલ લાવવાનો છે. જો એમ ન થાય તો મૂળ વ્યર્થ જશે. અસ્તિત્વની સંભાળ લીધા બાદ, જીવનનાં સુક્ષ્મ પાસાઓનો તમને અનુભવ થવો જોઈએ.

આજે લોકોની સફળતાનો વિચાર વ્યક્તિગત મહત્વકાંક્ષા પર આધારિત છે. તે કામ કરવાની ખુબ મુર્ખ રીત છે. જો તમને તમારી આજુબાજુની દરેક બાબતોની ચિંતા હોય, તો તમે કંઈપણ બાકી નહીં રાખો- તમે કુદરતી રીતે તમારો શ્રેષ્ટ પ્રયાસ કરશો. સ્ત્રીના કાર્ય કરવાની પણ આજ રીત છે અને વિશ્વમાં કાર્યરત થવાની આ એક સર્વશ્રેષ્ટ રીત છે.

પુરુષત્વ એવું છે કે અહીં અને અત્યારે જે છે તેના ઉપર ખાસ ધ્યાન ના આપીને બીજે ક્યાંક જવું. જયારે સ્ત્રીત્વ કશે જવા નથી માંગતું તે જ્યાં છે ત્યાં જ ખુશ છે. જો આ બે પાસાઓ સંતુલિત હોય તો આપણે ક્યાંક પહોંચી શકીશું, પરંતુ આપણે જ્યાં છીએ તેનો આનંદ પણ માણી શકીશું. વિશ્વમાં આવું થવું જરૂરી છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.