અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. જેશી સેન્સેક્સ 1000 પોઇન્ટ અને નિફ્ટી 25,000ને પાર થયો હતો. NSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 2.11 ટકા વધ્યો હતો. આ સાથે બેન્ક નિફ્ટી, નિફ્ટી PSU અને નિફ્ટી પ્રાઇવેટ બેન્ક પણ એક ટકા તેજી સાથે બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં 4.8 લાખ કરોડનો વધારો થયો હતો.
અમેરિકાએ કહ્યું હતું કે ઇરાન-ઇઝરાયેલ મુદ્દે તત્કાળ સૈનાની કાર્યવાહી નહીં કરવામાં આવે. એનાથી જિયો પોલિટિકલ ટેન્શન ઘટતાં શેરોમાં તેજી થઈ હતી. આ ઉપરાંત બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2.45 ટકા ઘટીને 76.92 ડોલર પ્રતિ બેરલ પર આવ્યું હતું. જે ભારત માટે સકારાત્મક છે, કેમ કે ભારત એની મોટા ભાગની જરૂરિયાતના 80 ટકા આયાત પર નિર્ભર કરે છે.
આ ઉપરાંત ફોરેક્સ માર્કેટમાં ડોલરની તુલનાએ રૂપિયો મજબૂત થયો હતો. ડોલરની તુલનાએ 13 પૈસા વધીને રૂ. 86.60 પર આવ્યો હતો. જેથી સેન્સેક્સ 1046 પોઇન્ટ ઊછળી 82,408ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 319 પોઇન્ટ ઊછળીને 25,112.40ના સ્તરે બંધ રહ્યો હતો. આ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારોમાં ધૂમ ખરીદી કરી હતી, FIIએ રૂ. 934 કરોડ અને DIIએ રૂ. 605 કરોડની લેવાલી કરી હતી.
BSE પર કુલ 4094 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2463 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1484 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 147 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 83 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 84 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 186 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 227 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
અઢાર વર્ષ પહેલાં આમીર ખાને આપણને ‘તારે ઝમીં પર’ આપેલી. હવે એનો બીજો પાર્ટ લઈને આવે છેઃ ‘સિતારે ઝમીં પર’. પહેલી ફિલ્મની જેમ આમાં પણ વાત છે જાતમાં વિશ્વાસ કરવાની અને… દરેક બાળકમાં એક અસામાન્ય કહેવાય એવી પ્રતિભા છુપાયેલી હોય જ છે. જરૂર હોય છે એને બહાર કાઢવાની થવા એવી વ્યક્તિની જે એ પ્રતિભા બહાર કાઢી જગ સામે મૂકી આપે. ‘તારે ઝમીં પર’ ફિલ્મમાં એક શિક્ષક સ્લો લર્નર બાળકની અંદર છુપાયેલો કલાકાર બહાર લાવે છે. અહીં રાઈટર દિવ્ય નિધિ શર્મા એક ખંતીલા પ્રશિક્ષકની અને સમાજ જેમને સ્પેશિયલ કહે છે એવાં બાળકોની ટીમની વાત માંડે છે. ટીમ સાથે પ્રશિક્ષકનો સંબંધ એક સંવેદનશીલ બળવા સ્વરૂપે સામે આવે છે.
આશરે બે કલાક ચાળીસ મિનિટની ફિલ્મમાં આમિર ખાન બન્યો છે બાસ્કેટબૉલ કોચ ગુલશન. સ્વકેન્દ્રી, અકડુ અને લાગણીવિહીન ગુલશનના પોતાના જીવનમાં લોચાલાપસી છેઃ તૂટતા વૈવાહિક સંબંધ, અસ્ત થઈ રહેલી કરિયર, અંતરમાં ઘર કરી બેઠેલાં દૈત્યો સાથેની સતત લડાઈ… બાસ્કેટબૉલના કોચ તરીકે ગુલશન કંઈ એવું કરી બેસે છે કે પુલીસ ફરિયાદ થાય છે, કોરટમાં કેસ ચાલે છે. જો કે એ રીઢો ગુનેગાર નથી એટલે અદાલત એને વૉર્નિંગ આપીને છોડી મૂકે છે અને કમ્યૂનિટી સર્વિસ તરીકે ન્યુરોડાયવર્જન્ટ બાળકોની ટીમને બાસ્કેટબૉલનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી સોંપે છે. શરૂઆતમાં એને લાગે છે કે આના કરતાં જેલ થઈ હોત સારું થાત.
ઑટીઝમ, ડાઉન સિન્ડ્રોમવાળાં બાળકો ગુલશનને વરઘોડામાં નાચતા જાનૈયા જેવા લાગે છે. ગીત-સંગીત કોઈ બી હોય, જાનૈયા નાચવાના પોતાની રીતે જ. ગુલશનની મુશ્કેલી એ છે કે બીજાની વાતને, બીજાને સમજતાં એને આવડતું નથી. એટલેસ્તો પત્ની સુનીતા (જેનેલિયા દેશમુખ) સાથે સમસ્યા છે. ગુલશનની સ્વાભાવિક અસંગતતા એને જીવનના સાચા તાલ સાથે જોડી આપે છેઃ નવી બાસ્કેટબૉલ ટીમને કોચિંગ આપવાના પ્રવાસ સાથે એની અંતરયાત્રા શરૂ થાય છે. આ બાળકો પાસેથી એને અંદરના ભય, દુઃખ સાથે સામનો કરવાની, બીજાને સમાદર આપવાની, પ્રેમ-અનુકંપાની જ્યોત જગાવવાની પ્રેરણા મળે છે. એક તરફ ટીમનો ટુર્નામેન્ટમાં આગળ વધવાનો પ્રવાસ છે, તો બીજી તરફ ગુલશનની જાતને શોધવા તરફ, સ્વની ઓળખ મેળવવાની યાત્રા છે. ટીમને ટ્રેનિંગ આપતાં આપતાં એ પોતાનું જીવન કેવી રાતે સુખી, સરળ બનાવવું એની ટ્રેનિંગ લેતો જાય છે, એનું પોતાનું ટ્રાન્સફૉર્મેશન થતું જાય છે.
2017માં ‘શુભ મંગલ સાવધાન’ જેવી એક મજેદાર ફિલ્મ આપનાર ડિરેક્ટર આર. એસ. પ્રસન્ના આઠ વર્ષ ફિલ્મ-મેકિંગથી દૂર રહ્યા, પણ એ આ વિષયને પકવી રહ્યા હતા. એમણે ફિલ્મની માવજત એવી રીતે કરી છે કે એક પળે તમે ખડખડાટ હસો છો, તો બીજી પળે તમારી આંખો ભીની થાય છે. ફિલ્મની મને ગમી ગયેલી અનેક વાતોમાંની એક વાત તે એ કે અહીં ન તો કોઈ ઉપદેશ આપવામાં આવ્યો છે કે ન તો નાટકીયવેડા છે. ઑટીઝમ કે ડાઉન સિન્ડ્રોમ વિશેની સમજણ આપવાના ફંદામાં સર્જક પડતા નથી. ફિલ્મનો એકમાત્ર ઉદ્દેશ છે એ સમજાવવાનો કે આપણાથી અલગ હોય એની સાથે કેવી રીતે પેશ આવવું. જેમ કે ફિલ્મમાં એક બાળકને સ્નાન કરવાનો ડર છે. એનો ડર ગુલશન કેવી રીતે કાઢે છે એ ઘણું બધું શીખવી જાય છે. આવા સીન્સ સાવ સહજ અને જીવંત લાગે છે.
આ ફિલ્મ બાળકોનાં દુઃખમાંથી દયા જન્માવતી નથી, પણ આનંદ કરાવતાં કરાવતાં આત્મબોધ આપે છેઃ ફરીથી ઊઠો, કૉફીની સુગંધમાં વસંત અનુભવો, ફૂલોના રંગોમાં વિશ્વાસ રાખો અને ઊગતા સૂર્યને ફરીથી આવકારો, કારણ કે દરેક માણસનું પોતાનું એક નૉર્મલ હોય છે- “હરેક કા અપના નૉર્મલ હોતા હૈ”. કોઈને માટે ન્યુરોડાઈવર્સિટી ઈઝ નૉર્મલ. તમારું નૉર્મલ જુદું, મારું નૉર્મલ જુદું… પણ ઓ હેલ્લો, બંને પોતપોતાની રીતે યોગ્ય છે…
બીજી ગમી ગયેલી વાત એટલે બાળકલાકારોની પસંદગી. આશરે અઢી હજારથી વધુ બાળકોના ટેસ્ટ લેવામાં આવ્યાં. અંતે 10 બાળકોથી બનેલી મુખ્ય ટીમ પસંદ કરવામાં આવી. વર્કશૉપ યોજી એમને તૈયાર કરવામાં આવ્યા. બાળકલાકારો ઉપરાંત બ્રિજેન્દ્ર કાલા, ડૉલી અહલુવાલિયા જેવા દમદાર અભિનેતાઓ મળીને ફિલ્મને સંવેદનશીલ બનાવે છે. જો કે કેન્દ્રમાં છેઃ આમીર ખાન. ગુલશનના જીવનમાં આવેલી સ્થિતપ્રજ્ઞ સ્ત્રી તરીકે જેનિલિયા દેશમુખ સરસ. એ વેરવિખેર થઈ રહેલા ગુલશનને એના લયમાં પાછો લાવવાના પ્રયાસ કરે છે. એનું પાત્ર પણ એ જ મૂલ્ય ધરાવે છેઃ સમજદારી, સહનશીલતા, પ્રેમની શાશ્વતતા.
2007માં આવેલી સ્પેનિશ ફિલ્મ ચૅમ્પિયન્સની રિમેક ‘સિતારે ઝમીન પર’ કહે છેઃ હા, તું પડી ગયો છે… પણ ફરી ઊઠીને દોડતાં શીખ. જીતવું ગૌણ છે, શીખવું મહત્વનું છે.
‘સન ઓફ સરદાર 2′ માં અજય દેવગન અને મૃણાલ ઠાકુર પહેલી વાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આજે અજય દેવગને ફિલ્મના બે નવા પોસ્ટર શેર કર્યા અને તે થોડી જ વારમાં વાયરલ થઈ ગયા.’સન ઓફ સરદાર 2’ 25 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અજય દેવગને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવા પોસ્ટર શેર કરતા લખ્યું,’તે પંજાબથી બચી ગયો…શું તે સ્કોટલેન્ડથી બચી શકશે? ‘સન ઓફ સરદાર 2′ આ 25 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સરદાર પાછો આવી રહ્યો છે.’ આ પહેલા અભિનેતાએ એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં તે પાઘડી પહેરેલો હતો અને તેના કેપ્શનમાં લખ્યું હતું ‘સરદાર 25 જુલાઈના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં પાછો આવી રહ્યો છે’.
નવા પોસ્ટરમાં શું છે?
નવા પોસ્ટરમાં અજય દેવગન બે ટ્રેક્ટર પર ઉભેલો જોઈ શકાય છે. તેણે ટૂંકો કુર્તા-પાયજામા પહેર્યો છે. તેણે માથા પર લાલ પાઘડી પહેરી છે. બીજા પોસ્ટરમાં અજય દેવગને કુર્તા પાયજામા અને ગુલાબી પાઘડી પહેરી છે. આ પોસ્ટરમાં તે એક ટાંકી પર ઉભો છે. તેની પાછળ દુશ્મનો છે.પોસ્ટર પર કમેન્ટ કરતા એક ચાહકે લખ્યું છે કે ‘હું હવે રાહ જોઈ શકતો નથી.’
નોંધનીય છે કે અજય દેવગનની ફિલ્મ ‘સન ઓફ સરદાર’ વર્ષ 2012 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી.’સન ઓફ સરદાર 2′ તેની સિક્વલ છે. અજય દેવગન આ ફિલ્મ સાથે ફરી એકવાર વાપસી કરી રહ્યા છે. મૃણાલ ઠાકુર તેમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. જિયો સ્ટુડિયો દેવગન ફિલ્મ્સ અને ટી-સિરીઝના સહયોગથી બની રહેલી આ ફિલ્મ એક્શન, કોમેડી અને હાઈ-સ્પિરિટેડ ડ્રામા હશે. થોડા દિવસો પહેલા ફિલ્મની અભિનેત્રી મૃણાલ ઠાકુરે ‘સન ઓફ સરદાર 2′ નામનો ક્લેપબોર્ડ ફોટો પોસ્ટ કર્યો હતો. તેણીએ કેપ્શનમાં લખ્યું હતું.’સીન 49 શોટ 5 ટેક 1 એક્શન!’
‘સન ઓફ સરદાર’ની સિક્વલ
‘સન ઓફ સરદાર 2’ એ ફિલ્મ ‘સન ઓફ સરદાર’ ની સિક્વલ છે, જેમાં સોનાક્ષી સિંહા મુખ્ય ભૂમિકામાં હતી. 2012 ની ફિલ્મમાં અજય દેવગણ અને સંજય દત્તે જસ્સી અને બિલ્લુની ભૂમિકા ભજવી હતી. આગામી સિક્વલમાં સંજય દત્ત ડોન તરીકે પરત ફરશે.
નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે મુસ્લિમ સમુદાય માટે અનામતનો વધુ એક મોટો નિર્ણય લીધો છે. CM સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે હાઉસિંગ સ્કીમ (આવાસ યોજના) હેઠળ મુસ્લિમ સમુદાય માટેનો ક્વોટો પાંચ ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે મુસ્લિમોને રહેવા માટેના મકાનની યોજનામાં 10 ટકાને બદલે 15 ટકાનું અનામત મળશે.
સરકારનો નિર્ણય શો છે? કર્ણાટકની કોંગ્રેસ સરકારે અગાઉ સરકારી કોન્ટ્રેક્ટમાં મુસ્લિમ સમુદાયને અનામત આપવાનો નિર્ણય લીધો હતો. હવે રાજ્ય સરકારે મુસ્લિમ સમુદાયને આવાસ યોજનામાં વધુ આરક્ષણ આપવા માટે કેબિનેટમાં નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેઠાણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો લાભ મુસ્લિમ સમુદાયના લોકોને મળશે. અત્યાર સુધીમાં આવાસ લાભાર્થીઓ માટે 10 ટકા અનામત અલ્પસંખ્યકો માટે નક્કી કરાઈ હતી, જે હવે વધારીને 15 ટકા કરાઈ છે.
#IssWaqt | Karnataka increases Muslim housing quota, move stirs controversy
DK શિવકુમાર શું બોલ્યા? રાજ્યના ઉપમુખ્ય મંત્રી DK શિવકુમારએ કહ્યું કે રાજ્યમાં વસતીના પ્રમાણને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના અનુસાર રાજ્યમાં સરકારના અનેક પ્રોજેક્ટ ખાલી છે અને તેને ભરણ પણ જરૂરી છે. મુસ્લિમ સમુદાયની વસતીને જોતાં ક્વોટામાં વધારો કરાયો છે. એ સાથે-સાથે તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપને મુસ્લિમને નામે માત્ર રાજકારણ કરતાં આવડે છે, અન્ય કંઈ નહીં.
મરાઠી સિનેમાના પીઢ અભિનેતા વિવેક લાગુનું ગઈકાલે એટલે કે ગુરૂવાર નિધન થયું. આ દુઃખદ સમાચાર બાદ મરાઠી કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના કેબિનેટ મંત્રી આશિષ શેલારે પીઢ અભિનેતા વિવેક લાગુને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમના નિધનના સમાચાર ‘અત્યંત દુઃખદ’ છે. તેમણે X પર ટ્વીટ કર્યું કે,’હાર્દિક શ્રદ્ધાંજલિ! અભિનેતા વિવેક લાગુના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમના નિધનથી મરાઠી રંગભૂમિ અને ફિલ્મ ઉદ્યોગે એક હસતું, સતર્ક અને સંવેદનશીલ વ્યક્તિત્વ ગુમાવ્યું છે.’
સ્વર્ગસ્થ અભિનેતાના કાર્યની પ્રશંસા કરતા આશિષે કહ્યું,’રંગભૂમિ પર તેમની મજબૂત અભિનય શૈલી, ટેલિવિઝન પર તેમની હળવી અને દિલસ્પર્શી ભૂમિકાઓ અને પ્રસંગોએ તેમના હળવા હાસ્યએ તેમને ચાહકોના હૃદયમાં કાયમી સ્થાન આપ્યું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે, એ જ અમારી પ્રાર્થના છે.’
મરાઠી સિનેમાના પીઢ અભિનેતા વિવેક લાગુ હિન્દી અને મરાઠી સિનેમા બંનેમાં તેમના કામ માટે જાણીતા હતા. તેમના લગ્ન પ્રખ્યાત અભિનેત્રી રીમા લાગુ સાથે થયા હતા, જે ‘શ્રીમાન શ્રીમતી’ જેવા ટીવી શોમાં તેમની ભૂમિકા માટે જાણીતી છે. તેઓ તેમની સાથે 1976 માં મળ્યા હતા. જોકે, પછીથી તેઓ અલગ થઈ ગયા. રીમા લાગુનું 2017 માં અવસાન થયું. આ દંપતીની પુત્રી મૃણ્મયી લાગુ પણ એક અભિનેત્રી અને થિયેટર દિગ્દર્શક છે. વિવેક લાગુ ‘અગ્લી’ (2013), ‘સર્વ મંગલ સાવધાન’ (2016) અને ‘વોટ અબાઉટ સાવરકર’ (2015) માટે જાણીતા છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત ક્લાસરૂમ કૌભાંડને મામલે ભારે બબાલ મચી છે. સરકારી શાળાઓમાં વર્ગખંડો (ક્લાસરૂમ)ના નિર્માણમાં ભારે કૌભાંડો અને અનિયમિતતાઓને મામલે નોંધાયેલી FIRની તપાસ માટે દિલ્હીના ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા ACB ઓફિસમાં હાજર થયા હતા. ACB અધિકારીઓએ સ્વતંત્ર પંચ સાક્ષીની હાજરીમાં સિસોદિયાની પૂછપરછ કરી છે.
એ દરમ્યાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી પણ આ કૌભાંડ બાબતે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ક્લાસરૂમ કૌભાંડની રકમ આશરે રૂ. 2000 કરોડ હોવાનું આંકવામાં આવી રહ્યું છે.
EDની દરોડાની કાર્યવાહી દરમિયાન મોટો ખુલાસો થયો છે. EDએ 18 જૂન 2025એ દિલ્હી-NCRના 37થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદો (PMLA), 2002 હેઠળ કરવામાં આવી હતી. આ કેસ ખાસ કરીને નવી કલાસરૂમ બનાવટમાં થયેલા કૌભાંડથી સંબંધિત છે. પ્રાપ્ત માહિતી મુજબ 2015થી 2023 દરમ્યાન જરૂરથી ત્રણ ગણા ક્લાસરૂમ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
કયા નેતાઓ પર આરોપ છે?
ACB દ્વારા દાખલ કરાયેલી FIR અનુસાર ભૂતપૂર્વ શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા, પૂર્વ PWD મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય કેટલાક લોકો સામે રૂ. 2000 કરોડથી વધુના કથિત કૌભાંડનો આરોપ છે. વર્ષ 2015થી 2023 વચ્ચે માત્ર 2405 વર્ગખંડોની જરૂરત હતી, છતાં પણ આ સંખ્યા 12748 સુધી વધારી દેવામાં આવી અને એ પણ મંજૂરી વિના.
VIDEO | Delhi: Minister Manjinder Singh Sirsa (@mssirsa) on ACB case against Manish Sisodia says, “Manish Sisodia tried hard to escape, but the law always catches up. I want to ask him, if he did nothing wrong, then why did he have to appear before the ACB today?”
મોંઘા અને ખોટા નિર્માણ સામગ્રીનાં ટેન્ડરોને જાણીબૂજી પસંદ કરવામાં આવ્યા હતા, જેથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ શકે. બાંધકામ ખર્ચમાં લગભગ 49 ટકા જેટલો વધારો નોંધાયો હતો, જે પૈસાનો દુરુપયોગ થયો હતો. બાંધકામમાં ડુપ્લિકેટ બિલ અને ખોટા ખર્ચના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આ કારસ્તાન આચરાયું હતું.
EDને દરોડામાં શું મળ્યું?
ખાનગી ઠેકેદારોનાં ઘરો અને ઓફિસોમાંથી સરકારની મૂળ ફાઇલો અને PWD અધિકારીઓની નકલી મહોરો મળી આવી. ઉપરાંત 322 બેંક પાસબુક મળી આવી, જે ખોટા મજૂરોને નામે ખાતા ખોલી સરકારી પૈસાની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. નકલી લેટરહેડ, ફેક બિલ અને શેલ કંપનીઓના દસ્તાવેજો પણ મળ્યા. આ શેલ કંપનીઓના નામે મોટાં પેમેન્ટ બતાવવામાં આવ્યાં હતાં.
સિવાનઃ બિહારમાં ચાર મહિના બાદ વિધાનસભાની ચૂંટણી છે. એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એક વાર ફરીથી બિહારની મુલાકાતે છે. સિવાનમાં આયોજિત જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે સિવાન એ બંધારણને બળ આપતી ભૂમિ છે. આ ભૂમિ સ્વતંત્રતા સંગ્રામની ભૂમિ છે. બિહાર દરેક ક્ષેત્રે ઝડપથી વિકાસ કરી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે હમણાં જ વિદેશ મુલાકાતથી પરત આવ્યો છું. અનેક સમૃદ્ધ દેશોના નેતાઓ સાથે વાત થઈ. તમામ નેતાઓ ભારતની ઝડપી પ્રગતિથી ખૂબ જ પ્રભાવિત છે. આખી દુનિયા ભારતમાં વિશ્વની ત્રીજી મોટી મહાશક્તિને જોઈ રહી છે અને તેમાં નિશ્ચિતરૂપે બિહારની મોટી ભૂમિકા રહેવાની છે.
बिहार के सर्वांगीण विकास के लिए डबल इंजन सरकार प्रतिबद्ध है। आज सिवान से हजारों करोड़ रुपये की परियोजनाओं का शिलान्यास-लोकार्पण कर अत्यंत प्रसन्न हूं। https://t.co/Jh75fgXpwB
તેમણે કહ્યું હતું કે જંગલરાજવાળાઓ તક શોધી રહ્યા છે, વિવિધ હથકંડા અપનાવી રહ્યા છે. બિહારનાં પ્રિય ભાઈઓ-બહેનો, તમારું અને તમારાં બાળકોનું ઉજ્જળ ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે તમારે સતર્ક રહેવું પડશે. જે બિહારે સદીઓ સુધી ભારતની પ્રગતિને નેતૃત્વ આપ્યું, તેને પંજા અને લાલટેનના શિકંજાએ સ્થળાંતરની ઓળખ આપી દીધી હતી. પંજા અને લાલટેનવાળાઓએ બિહારના સ્વાભિમાનને ઘેરી ઠેસ પહોંચાડી છે. દરેક ચૂંટણીમાં આવીને એ લોકો કહેતા કે ‘ગરીબી હટાવો-ગરીબી હટાવો’. પરંતુ તમે જ્યારે NDA સરકારને તક આપી, ત્યારે ખબર પડી કે ગરીબી ખરેખર ઘટાડી શકાય છે. દેશમાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. વિશ્વ હવે ભારતની પ્રશંસા કરી રહ્યું છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી બોલાચાલીનો અંત આવવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે, શિવસેનાના સ્થાપના દિવસે શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ, સીએમ ફડણવીસ અને એકનાથ શિંદે પર નિશાન સાધ્યું. ઉદ્ધવે સીએમ ફડણવીસને નોકર તો કહ્યા અને દાવો કર્યો કે માલિકના નોકર (રાજ ઠાકરે) એક હોટલમાં મળી રહ્યા છે જેથી રાજ ઠાકરેના મનસે સાથે તેમનું જોડાણ ન થાય. હવે, શુક્રવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઉદ્ધવ ઠાકરેને “બોલ બચ્ચન” કહ્યા છે.
Photo: Nitin Lawate/IANS)
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે પોતાના ભાષણમાં આરોપ લગાવ્યો હતો કે ધનિકોના નોકર હોટલોમાં સભાઓ કરી રહ્યા છે જેથી મરાઠી માનુષ એક ન થાય. ઉદ્ધવે ભાજપ અને શિવસેનાને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે,”હું દેશદ્રોહીઓને કહું છું-કમ ઓન કિલ મી. પણ એમ્બ્યુલન્સ લઈને આવજો. આવશો તો તમે સુરક્ષિત, પણ જશો તમે એમ્બ્યુલન્સમાં.”
ફડણવીસે શું જવાબ આપ્યો?
શુક્રવારે, મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં મીડિયાએ સીએમ દેવેન્દ્ર ફડણવીસને ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન અંગે પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્નના જવાબમાં ફડણવીસે કહ્યું, “હું બોલ બચ્ચનનો જવાબ આપતો નથી.” જ્યારે પત્રકારોએ ફરીથી ઉદ્ધવ ઠાકરેના આરોપો વિશે પૂછ્યું, ત્યારે ફડણવીસે કહ્યું – હું ફરીથી કહી રહ્યો છું કે હું બોલ બચ્ચનનો જવાબ આપતો નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી છે કે મહારાષ્ટ્રમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને રાજ ઠાકરેની મનસે વચ્ચે ગઠબંધન થઈ શકે છે.
શિંદેએ પણ ઉદ્ધવને જવાબ આપ્યો
શિવસેનાના વડા એકનાથ શિંદેએ પણ ગુરુવારે ઉદ્ધવ ઠાકરેના પડકારનો જવાબ આપ્યો. તેમણે ઉદ્ધવ વિશે કહ્યું – “મૃત વ્યક્તિને કેમ મારવી. જનતા તમને વિધાનસભા ચૂંટણીમાં પહેલાથી જ મૃત બનાવી ચૂકી છે. તેમણે આગળ કહ્યું કે જો તમે મારવા આવો છો, તો એમ્બ્યુલન્સ લાવજો કારણ કે જો તમે આવો છો તો તમે એમ્બ્યુલન્સમાં જશો. એટલે કે, તેઓ અમને મારશે એટલે અમે એમ્બ્યુલન્સમાં જઈશું. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ફક્ત અવાજ કરવાથી હાથોમાં શક્તિ નથી મળતી. શિયાળ સિંહની ચામડી પહેરીને સિંહ બની શકતો નથી. તેના માટે, સિંહનું હૃદય અને કાંડામાં તાકાતની જરૂર છે.”
નવી દિલ્હીઃ પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારે સ્વીકાર્યું છે કે પાછલા મહિને પહેલગામ આતંકવાદી હુમલા પછી જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ રાવલપિંચી અને પંજાબ પ્રાંતમાં બે એરપોર્ટ પર હુમલા થયા હતા, જેથી પાકિસ્તાનને ભારત સાથે સીઝફાયરની વિનંતી કરવા માટે મજબૂર થવું પડ્યું હતું.
ઓપરેશન સિંદૂરમાં ભારતના હુમલામાં થયેલા વિવિધ નુકસાનને ખોટા ઠેરવી રહેલા પાકિસ્તાને આ નિવેદન સાથે પોતે જ પોતાના જુઠાણાનો પર્દાફાશ કર્યો છે. ડારે એક મિડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ ભારતે ઝડપી કાર્યવાહી હાથ ધરી અમારા એરબેઝ પર હુમલો કર્યો હતો. કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યાનો બદલો લેવા ભારતે સાત મેએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓનાં નવ ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. ભારતીય સેનાએ એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટ પર પણ હુમલો કર્યો હતો. જોકે આ દાવાને પાકિસ્તાન ફગાવતું આવ્યું હતું.
સાઉદી પ્રિન્સ મધ્યસ્થી બનવા તૈયાર હતા
ડારે આગળ જણાવ્યું હતું કે ભારતની એરસ્ટ્રાઈકની 45 મિનિટમાં જ અમને સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન સલમાનનો ફોન આવ્યો હતો. તેમણે અમને કહ્યું હતું કે જો તેઓ કહે તો તે જયશંકર સાથે વાત કરે કે પાકિસ્તાન આ તંગદિલી રોકવા તૈયાર છે. પ્રિન્સ પાકિસ્તાન તરફથી શાંતિ સ્થાપિત કરવા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરવા તૈયાર હતા. રિયાધે ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ દૂર કરવાના પ્રયાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઈસ્લામાબાદે યુદ્ધવિરામ માટે અમેરિકાનો પણ સંપર્ક સાધ્યો હતો.
ડારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને અન્ય ટોચના અધિકારીઓના દાવાની વિરુદ્ધ નિવેદન આપતાં સ્વીકાર્યું હતું કે તેમણે ભારતને મજબૂત જવાબ આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ બાદમાં યુદ્ધ વિરામ માટે માની ગયા હતાં. વડા પ્રધાન શરીફે પણ સ્વીકાર્યું હતું કે, ભારતે રાવલપિંડી એરપોર્ટ સહિત પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં બ્રહ્મોસ મિસાઈલ વડે હુમલા કર્યા હતા. શરીફે હાલમાં જ કહ્યું હતું કે ભારતે બ્રહ્મોસ મિસાઈલ વડે હુમલા કરી રાવલપિંડી એરપોર્ટ સહિત અન્ય સ્થળોને ટાર્ગેટ બનાવ્યા હતાં.
નવી દિલ્હીઃ એવિયેશન કંપની એર ઇન્ડિયા 21 જૂનથી 15 જુલાઈ સુધીમાં પ્રતિ સપ્તાહે 38 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કાપ મૂકશે અને ત્રણ વિદેશી રૂટ પર સર્વિસ સસ્પેન્ડેડ રહેશે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વ્યવસ્થાથી ઝઝૂમી રહેલી ટાટા ગ્રુપની માલિકીની કંપની એરલાઈન્સ સુરક્ષા મામલે અત્યંત સજાગ બની છે. સુરક્ષા અને પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં એર ઈન્ડિયાએ આજે આઠ ફ્લાઈટ રદ કરી છે. જેમાં ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ અને ચાર ડોમેસ્ટિક ફ્લાઈટ સામેલ છે.
કંપની દ્વારા રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સ ચેન્નઈ, દિલ્હી, દુબઈ, મેલબર્ન, પુણે, અમદાવાદ, હૈદરાબાદ, અને મુંબઈથી ઉડાન ભરવાની હતી. આ ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
એરક્રાફ્ટની ટેક્નિકલ ચકાસણી, ખરાબ હવામાન અને એરસ્પેસના પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં એર ઈન્ડિયાએ આઠ ફ્લાઈટ રદ કરી હોવાનું જણાવ્યું છે. એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું કે, એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ દુબઈથી ચેન્નઈ AI906, દિલ્હીથી મેલબર્ન AI308, અને AI309 મેલબર્નથી દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
STORY | Air India cancels 8 flights, 4 of them international services
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા મેઇનટેનન્સ ઓપરેશનલ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈન કંપનીએ જણાવ્યું હતું કે જે લોકોની મુસાફરી પ્રભાવિત થઈ છે, તેમને સંપૂર્ણ રિફંડ અને રિશિડ્યુલિંગની સુવિધા મળશે તેમ જ વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ અસુવિધા બદલ ખેદ છે. અમારો સ્ટાફ વૈકલ્પિક હવાઈ મુસાફરીની સુવિધા આપવા માટે તત્પર છે.