Home Blog Page 844

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધના એંધાણ

ઇઝરાયલે ઇરાન પર ચોક્કસ અને ઘાતક હુમલો કરીને પોતાની તાકાતનું પરીક્ષણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે ભયંકર હુમલા પછી પણ, ઇઝરાયલી રણનીતિકારો અવાચક રહી ગયા છે. ઇરાનના કોમ શહેરની ટેકરીઓમાં સ્થિત ફોર્ડો પરમાણુ પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી. ઇઝરાયલ અને અમેરિકા બંને પરમાણુ મુક્ત ઇરાન ઇચ્છે છે. જ્યારે ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ વાઘેઇએ પરમાણુ અપ્રસાર સંધિથી પોતાને દૂર રાખવાનો સંકેત આપ્યો છે. બધા સંકેતો બંને દેશો વચ્ચે યુદ્ધ તરફ ઇશારો કરી રહ્યા છે.

નવીનતમ વિકાસમાં વધુ એક ફેરફાર થયો છે. ઇરાન ઇઝરાયલી હુમલાનો જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે અને અમેરિકાએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને શાંતિ માટે તૈનાત તેના સ્ટ્રાઇકિંગ યુદ્ધ જહાજ યુએસએસ નિમિત્ઝને મધ્ય-પૂર્વ એશિયા તરફ મોકલ્યું છે. એવું માનવામાં આવે છે કે વધતા તણાવને ધ્યાનમાં રાખીને આ વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. યુએસએસ નિમિત્ઝ દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાની હાજરી અનુભવે છે અને 20 જૂને વિયેતનામમાં એક સમારોહમાં ભાગ લેવાનું હતું. હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં યુએસએસ નિમિત્ઝની હાજરી વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

અસ્તિત્વ માટેની લડાઈ વધી

ઇઝરાયલે ઈરાનના ઘણા શહેરો, વ્યૂહાત્મક થાણાઓ, ગેસ ક્ષેત્રો, પરમાણુ ક્ષેત્રો પર ઘાતક હુમલા કર્યા. જવાબમાં, ઈરાને તેલ અવીવ અને અન્ય સ્થળોએ પણ વિનાશ કર્યો. વ્યૂહાત્મક અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતો માને છે કે પ્રાદેશિક સ્તરે બંને દેશો વચ્ચે મોટા યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે. એસકે શર્મા કહે છે કે ઈરાનના પ્રવક્તા ઇસ્માઇલ વાઘેઈએ તેમના દેશને એનપીટીથી દૂર રાખવાનો સંકેત આપ્યો છે. વાઘેઈ કહી રહ્યા છે કે તેમનો દેશ સામૂહિક વિનાશના શસ્ત્રોના ઉત્પાદનની વિરુદ્ધ છે, પરંતુ તે હવે એનપીટીનો બોજ સહન કરી શકશે નહીં. શર્મા કહે છે કે ઈરાન માટે આ કરવું સરળ નથી, પરંતુ તે સીધો એક મોટો પડકાર પણ છે.

‘ઠગ લાઈફ’ને મુદ્દે કર્ણાટક હાઈકોર્ટને ‘સુપ્રીમ’ ફટકાર

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ ન થવા અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટમાં ચાલી રહેલી અરજીને ટ્રાન્સફર કરી લીધી છે અને આ મામલે કોર્ટ ગુરુવારે સુનાવણી કરશે. એ સાથે જ રાજ્ય સરકારને કોર્ટે કહ્યું છે કે આવતી કાલ સુધી પોતાનો જવાબ દાખલ કરે.

સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટની તે ટિપ્પણી- કમલ હાસનને કર્ણાટકની જનતાથી માફી માગવાની સલાહ પર પણ ફટકાર લગાવતાં જજોએ કહ્યું હતું કે CBFC (સેન્સર બોર્ડ)નું પ્રમાણપત્ર મળ્યા પછી કોઈ ફિલ્મને રિલીઝ કરતી અટકાવવી શક્ય નથી. જો કોઈ વ્યક્તિને કમલ હાસનના નિવેદનથી અસભ્યતા લાગી હોય તો તે પોતાની તરફથી જવાબ આપી શકે છે. એ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે, પણ ઉગ્ર વિરોધનાં બહાનાં બનાવીને રાજ્ય સરકાર ફિલ્મના રિલીઝની જવાબદારીમાંથી બચી શકતી નથી.

સુપ્રીમ કોર્ટે ખાસ રીતે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે હાઈકોર્ટે કેમ ફિલ્મના નિર્માતાઓને કર્ણાટકની જનતાથી માફી માગવાની સલાહ આપી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ હાઈકોર્ટનું કાર્ય નથી.

મૂળ વિવાદ 24 મેથી શરૂ થયો હતો, જ્યારે કમલ હાસને ચેન્નઈમાં ફિલ્મના ઓડિયો લોન્ચ ઈવેન્ટ દરમિયાન એવી ટિપ્પણી કરી હતી કે કન્નડ ભાષા તમિળ ભાષામાંથી ઉત્પન્ન થઈ છે. તેમના આ નિવેદનથી કર્ણાટકમાં ભારે નારાજગી ફેલાઈ હતી. CM સિદ્ધારમૈયા, કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ પણ કમલ હાસનના નિવેદનનો વિરોધ કર્યો હતો.

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ ગઢડામાં મેઘતાંડવ

અમદાવાદઃ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ફરી એક વાર આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાશે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ છે. એટલું નહીં, આગામી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું તેમણે જણાવ્યું છે.અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે. મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા છે. તેમના જણાવ્યાનુસાર આ 36 કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે.

રાજ્યમાં ગઢડામાં ૧પ, શિહોર-પાલિતાણામાં ૧ર, બોટાદ-જેશર-ઉમરાળામાં ૧૧, સાવરકુંડલામાં ૧૦, મહુવામાં ૯, રાજુલામાં ૮, અમરેલી-લીલિયા-૭, ચોટીલા-તળાજા-ગારિયાધાર-વીંછિયામાં છ ઇંચ : મોરબી-રાજકોટ-જૂનાગઢ જિલ્લામાં સહિત કચ્છમાં એકથી ૪ ઇંચ વરસાદ પડયો છે.

ગઢડામાં 14 ઇંચ વરસાદ

બોટાદ જિલ્લાના ગઢડામાં તો જાણે આભ તૂટી પડ્યુ છે. ગઢડામાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યુ છે. બોટાદ જિલ્લાના ગઢડા વિસ્તારમાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત પડતા વરસાદને કારણે નદી-નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક ગામોનો અન્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદને કારણે સ્થાનિક પરિવહન અને રોજિંદી જિંદગી પર ગંભીર અસર થઈ રહી છે.

મુખ્ય કોઝવે તૂટી જતાં ગામનો સંપર્ક તૂટી ગયો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ પછી સ્થિતિ ઘણી બધી વણસી ગઈ છે. ગઢડાના ઈશ્વરિયા ગામને અન્ય વિસ્તારો સાથે જોડતો મુખ્ય કોઝવે તૂટી જતાં ગામનો સંપર્ક તૂટી ગયો છે. ગઢડા શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં આખી રાત ભારે વરસાદ પડતાં પાણી ભરાવાની સ્થિતિ અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

બોટાદના સાગાવદર ગામે ગઈ કાલે રાત્રે આશરે સાત લોકો સવાર હતા તેવી એક કાર તણાઈ ગઈ હતી. મુસાફરો સહિત કાર તણાઈ ગયાની માહિતી મળતાં જ બોટાદની ફાયર રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

અમદાવાદના દૂધેશ્વરમાં ફ્લેટનો ભાગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

અમદાવાદ: શહેરના દૂધેશ્વર વિસ્તારમાં મોદીની ચાલી અને મહાકાળી મંદિર નજીક આવેલી ધર્મી સોસાયટીમાં ત્રણ માળની જર્જરિત રહેણાંક ઈમારતનો એક હિસ્સો મંગળવારે ધરાશાયી થઈ ગયો હતો. આ અંગે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને કૉલ મળતા જ બચાવ કાર્ય શરૂ કરાયું હતું.

આ ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર સિવાય અન્ય ત્રણ માળ આવેલા હતા. જેના ત્રીજા માળે પતરાંનો શેડ આવેલો હતો, જેમાં તિરાડો પણ પડી ગઈ હતી અને બાંધકામ પણ નબળું પડી ગયું હતું. છેવટે આ ઘટનામાં અગાશી અને સીડીનો ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે બીજા માળનો હિસ્સો પણ તૂટ્યો હતો. સદનસીબે, ફાયર બ્રિગેડે અહીં રહેતા તમામ લોકોને ઝડપથી નીચે ઉતારી દેતા કોઈ જાનહાનિ થઈ ન હતી.

શાહપુર ફાયર સ્ટેશનના ઓફિસર અનુસાર, અમે જોખમી ઈમારતમાંથી 16 લોકોને તાત્કાલિક બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા. આ ઈમારત લાંબા સમયથી નાજુક સ્થિતિમાં હતી. સ્થાનિક સત્તાધિકારીઓને પણ આ જોખમ વિશે સૂચના અપાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઈમારતના બાકીના ભાગનું પણ નિરીક્ષણ કરીને તેને તોડી પાડવાનું કામ શરૂ કરી શકે છે. ખાસ કરીને ચોમાસું બેસી ગયું હોવાથી શહેરની તમામ જૂની ઈમારતોમાં રહેતા લોકોને સ્થાનિક વોર્ડ ઓફિસોમાં જાણ કરવા વિનંતી કરી છે.

બિગ બોસ ફેમ મન્નારા ચોપરાના પિતા રમણ રાય હાંડાનું નિધન

પ્રિયંકા ચોપરાની કઝીન અને બિગ બોસ ફેમ મનારા ચોપરાના પિતા રમણ રાય હાંડાનું અવસાન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મનારાએ ઇન્સ્ટાગ્રામ પર આ દુઃખદ સમાચાર શેર કર્યા અને જણાવ્યું કે તેના પિતા હવે આ દુનિયામાં નથી. અભિનેત્રીના પિતા થોડા દિવસોથી બીમાર હતા. 2 દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમણે ફાધર્સ ડેના બીજા દિવસે આ દુનિયાને અલવિદા કહ્યું. મનારાના પિતા રમણ રાય હાંડા દિલ્હીના પ્રખ્યાત વકીલ હતા અને દિલ્હી હાઈકોર્ટમાં કામ કરતા હતા.

મન્નારા ચોપરાએ માહિતી આપી

મન્નારા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી કે તેના પિતા હવે આ દુનિયામાં નથી. તેણીએ તેના પિતાનો એક ફોટો શેર કર્યો, જેની સાથે તેણીએ કેપ્શનમાં લખ્યું,’ખૂબ જ દુઃખ અને પીડા સાથે, અમે અમારા પ્રિય પિતાના દુ:ખદ અવસાન વિશે જાણ કરીએ છીએ, જેનું 16/06/2025 ના રોજ અવસાન થયું. તેઓ અમારા પરિવાર માટે શક્તિનો આધારસ્તંભ હતા.’

અંતિમ સંસ્કારની વિગતો શેર કરી

આ સાથે, મનારાએ તેના પિતાના અંતિમ સંસ્કારની વિગતો પણ શેર કરી. તેણીએ જણાવ્યું કે તેના પિતાના અંતિમ સંસ્કાર 18 જૂન 2025 ના રોજ મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલા અંબોલીના સ્મશાન ભૂમિ પર કરવામાં આવશે.

પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા સાથે સંબંધ

રમન રાય હાંડા દિલ્હી હાઈકોર્ટમાં વકીલ હતા અને તેમના લગ્ન પ્રિયંકા અને પરિણીતી ચોપરાની ફૈઈબા કામિની ચોપરા સાથે થયા હતા. આ જ કારણ છે કે મનારાએ પોતાના નામની આગળ હાંડા અટકને બદલે ચોપરા અટક લગાવી છે. મનારા પ્રિયંકા ચોપરા સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. બિગ બોસ દરમિયાન, જ્યારે મનારા બિગ બોસના ઘરમાં હતી, ત્યારે પ્રિયંકા પણ તેને ટેકો આપતી જોવા મળી હતી. એટલું જ નહીં, મનારા શોમાંથી બહાર આવ્યા પછી પણ, પ્રિયંકા જ્યારે ભારત આવી ત્યારે તેને મળી હતી.

2014 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો

મનારા ચોપરાની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણીએ 2014 માં વિવેક અગ્નિહોત્રીની ‘ઝીદ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ, તેણીને બોલિવૂડમાં વધારે સફળતા મળી શકી નહીં, ત્યારબાદ તેણી દક્ષિણ સિનેમા તરફ વળી. તે જ સમયે, મન્નારા 20123 માં બિગ બોસ 17 માં તેના રમત માટે પણ સમાચારમાં હતી. તે આ સીઝનની બીજી રનર-અપ રહી.

ઓનલાઈન બેટિંગ કેસમાં યુવી, હરભજન અને રૈનાની પૂછપરછ

મુંબઇ: ઓનલાઇન બેટિંગ કેસમાં અનેક મોટી હસ્તીઓ સાથે પૂછપરછ કરવામાં આવી છે. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈનાની પૂછપરછ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી છે, એમ EDનાં સૂત્રોએ પાસેથી આ માહિતી મળી છે. એ સાથે જ બોલિવુડ કલાકાર સોનુ સુદ અને ઉર્વશી રૌતેલાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રતિબંધિત પ્લેટફોર્મ્સનું પ્રમોશન શા માટે કરવામાં આવી રહ્યું છે, જેમાં “વન બેટ”, “ફેર પ્લે” અને “મહાદેવ ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ”નો સમાવેશ થાય છે. ક્રિકેટ રમતા ભૂતપૂર્વ ખેલાડીઓ અને બોલિવુડ કલાકારોએ આ પ્લેટફોર્મ્સનું પ્રમોશન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે, તેથી EDએ કાર્યવાહી હાથ ધરી છે. થોડાં દિવસ પહેલાં જ કોલકાતામાં EDએ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત મોટા ઓનલાઇન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટને પકડવા માટે પશ્ચિમ બંગાળ, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ અને આસામ સહિતનાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ઓપરેશન દરમિયાન EDએ 766 મ્યુલ બેંક અકાઉન્ટ્સ અને 17 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ફ્રીઝ કર્યાં હતાં, જે આ ગેરકાયદે સટ્ટાબાજી અને જુગાર સાથે જોડાયેલી નાણાકીય લેવડદેવડમાં વપરાતા હતા. એ ઉપરાંત વિશાલ ભારદ્વાજ ઉર્ફે બાદલ ભારદ્વાજ અને સોનુકુમાર ઠાકુર નામના બે આરોપીઓને PMLA હેઠળ ધરપકડ કરી હતી. બંનેને કોલકાતાની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 10 દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

એપ્રિલમાં પણ મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં EDએ મોટું પગલું ભર્યું હતું. એ વખતે દેશમાં અનેક સ્થળોએ દરોડા પાડીને 573 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી હતી. આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત 16 એપ્રિલ, 2025એ દિલ્હી, મુંબઈ, ઇન્દોર, અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ અને સંબલપુર (ઓડિશા)માં કરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન EDએ 3.29 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. એ સાથે જ 573 કરોડથી વધુની સિક્યોરિટીઝ, બોન્ડ અને ડીમેટ અકાઉન્ટ ફ્રીઝ કરાયા હતા. મોટી સંખ્યામાં શંકાસ્પદ દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

વિજય રૂપાણીઃ કરતાં જાળ કરોળીયો…

જાતિગત પીઠબળ કે ચૂંટણીમાં મત ઉઘરાવી શકે એવો ચહેરો ન હોવા છતાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને  ભારતીય જનતા પાર્ટીના અગ્રણી વિજય રૂપાણી પાંચ દાયકાના જાહેરજીવનમાં પોતાની સહજતા અને સરળતાના જોરે લોકોના દિલ જીતી ગયા… 

——————————————

અઘરું હોય છે કોઇની શ્રધ્ધાંજલિ લખવાનું, ખાસ કરીને વ્યક્તિ જાહેરજીવનની હોય ત્યારે. બે કારણ હોય એનાઃ એક તો, વ્યકિત જાહેરજીવનમાં હોય એટલે એના જીવનની મોટાભાગની વિગતો સાર્વજનિક બની ચૂકી હોય અને બીજું, વ્યક્તિના નિધન પછી સોશિયલ મિડીયામાં આડેધડ ઠલવાતી સાચીખોટી અંજલિઓ વચ્ચે વિવેક દાખવીને સમજપૂર્વક લખવાનું.ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પછી એમના અંગત અને જાહેર જીવન વિશે ઘણું બધું લખાઇ ચૂક્યું છે. 4 ઓગસ્ટ, 1956ના રોજ બર્માના રંગૂનમાં જન્મ, રાજકોટમાં ઉછેર અને શિક્ષણ, યુવાવસ્થાથી જ સંઘના સંસ્કાર અને ભાજપમાં પ્રવેશ, કટોકટીમાં જેલવાસ, સંઘ પરિવારના જ અંજલિબહેન સાથે પ્રેમલગ્ન. લગભગ પાંચ દાયકાના રાજકીય જાહેરજીવનમાં રાજકોટના મેયર, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, રાજ્યસભાના સભ્ય, પ્રદેશ ભાજપના પ્રમુખ અને છેલ્લે ગુજરાતના મુખ્યમંત્રી એમ સંગઠન-સરકારમાં અનેક જવાબદારીઓ નિભાવી. પંજાબના ભાજપના પ્રભારી પણ રહ્યા. (ચિત્રલેખાઃ 7 માર્ચ, 2016)પરંતુ એક રાજકીય આગેવાન તરીકે વિજયભાઇ બીજા કરતાં એ બાબતમાં અલગ પડયા કે, કોઇ જ્ઞાતિ-જાતિના પીઠબળ વિના ફક્ત એક સમર્પિત કાર્યકર્તા તરીકે એ મુખ્યમંત્રી જેવા ટોચના હોદ્દા સુધી પહોંચ્યા. નહીં તો આજકાલ કોઇ હોદ્દા માટે પસંદગી કરવાની હોય ત્યારે જ્ઞાતિનું પીઠબળ પહેલાં જોવાય છે, પણ વિજયભાઇ જેની કોઇ વોટબેંક જ નથી એવા સમાજમાંથી આવતા હોવા છતાં મુખ્યમંત્રી બન્યા. ચૂંટણીના રાજકારણમાં એ મત ઊઘરાવી શકે એવો લોકપ્રિય ચહેરો ન બની શક્યા, પણ સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું એટલે પક્ષના કાર્યકરો-નેતાઓનો વિશ્વાસ જીતી શક્યા. એ અર્થમાં વિજય રૂપાણી અપવાદ છે કે, જ્ઞાતિવાદના જોરે કે વ્યક્તિગત લોકપ્રિયતાના બળ વિના પણ એ ફક્ત પક્ષ માટે કામ કરતા કરતા પોતાની રાજકીય કારકિર્દી બનાવી શક્યાય. રાજકીય ચડાવ ઉતાર વચ્ચે ય એ કરતા જાળ કરોળીયોની માફક પક્ષ માટે મહેનત કરતા રહ્યા.મિલનસાર અને સહજ સ્વભાવે આ બાબતમાં એમની મદદ કરી. મુખ્યમંત્રી નહોતો ત્યારે અને હતા ત્યારે પણ પક્ષના નાના કાર્યકર્તાઓને પણ મળતા રહ્યા. એમને મળવાનું કોઇ માટે અઘરું નહોતું. એપોઇન્ટમેન્ટ લેવાની બહુ મોટી ઝંઝટ નહોતી એટલે રાજકીય આગેવાનોમાં દુર્લભ એવી આ ‘ઇઝી એક્સેસ’ ના કારણે એમની આ સરળતાનો પરિચય એમના સંપર્કમાં આવનાર તમામ લોકોને થયો.

ઓગસ્ટ 2026માં એ મુખ્યમંત્રી બન્યા ત્યારે ચિત્રલેખાને આપેલી મુલાકાતમાં એમણે કહેલું કે, ‘હું ખુરસી પર બેઠો છું, પણ ખુરસીને મારા પર બેસવા નહીં દઉં.’ (ચિત્રલેખાઃ 29 ઓગસ્ટ, 2016) અને, આ બોલેલું એમણે ખરા અર્થમાં પાળી બતાવ્યું. મુખ્યમંત્રી તરીકે એમનામાં સત્તાનો ઘમંડ કે રોફ જોવા ન મળ્યા. એમની આ વધારે પડતી સહજતા અને સરળતાએ એમને રાજકીય રીતે નુકસાન કરવામાં ભાગ ભજવ્યો એ જૂદી વાત છે.અફકોર્સ, છેવટે તો વિજયભાઇ એક રાજકારણી હતા. રાજકીય તેલ જોઇને, એ તેલની ધાર જોઇને  ડગલું માંડનાર રાજકારણી. મળે ત્યારે સામેવાળી વ્યક્તિને, ખાસ કરીને મોટાભાગના પત્રકારોને લાગે કે વિજયભાઇએ એમની સાથે પેટછૂટી રાજકીય વાતો કરી છે, પણ હકીકતમાં વિજયભાઇ જેટલું બોલવાનું હોય એટલું જ બોલ્યા હોય!  જે સંજોગોમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું એ પછી ય જાહેરમાં ક્યારેય બળાપો કાઢ્યો નહીં, કુશળ રાજકારણીની જેમ રાજકીય રહસ્યો પચાવી રાખવાની કળા એમને સાધ્ય હતી. એ શાણા રાજકારણી જરૂર હતા, પણ લુચ્ચા નહોતા. એ અર્થમાં વિજયભાઇ શાતિર પણ નહોતા કે કિન્નાખોર પણ નહોતા.પક્ષ પ્રત્યેની વફાદારી એમના રાજકીય જીવનનો સૌથી મોટો ગુણ હતો. સત્તા છોડવી પડે ત્યારે ભલભલા રાજકારણીઓથી પક્ષ વિરુધ્ધ બળાપો નીકળી જતો હોય છે. એમની નારાજગી સીધી કે આડકરતી રીતે છતી થઇ જતી હોય છે, પણ વિજયભાઇ એમાંથી બચી શક્યા. હજુ થોડાક સમય પહેલાં જ ગાંધીનગરસ્થિત એમના નિવાસસ્થાને અનૌપચારિક વાતચીતમાં અમે એમને પૂછ્યું કે, ક્યારેય તમને પક્ષ છોડી દેવાનો કે બળવો કરવાનો વિચાર ન આવ્યો?વિજયભાઇએ બહુ સરસ જવાબ આપેલો. એમણે કહેલુઃ ‘સંગઠનમાં જિલ્લા-તાલુકા કક્ષાએ કોઇ કાર્યકર્તા પોતાને અન્યાય થયો હોવાની ફરિયાદ કરે કે પક્ષના કોઇ નિર્ણય સામે વિરોધના સૂર બતાવે ત્યારે અમે હંમેશા એમને વ્યક્તિ કરતાં પક્ષ મહાન છે અને પક્ષની શિસ્ત જ સર્વોપરી છે એમ કહીને સમજાવતા આવ્યા છીએ. હવે આજે હું જ એ શિસ્ત તોડું તો ક્યો કાર્યકર્તા મારા બોલવા પર ભરોસો મૂકે?’કાર્યકર્તાઓનો આ ભરોસો, કાર્યકર્તાઓની આ લાગણી જ તમારા ગયા પછી એમની આંખો છલકાવી ગઇ છે, વિજયભાઇ!

કેતન ત્રિવેદી (ગાંધીનગર)

આંખોમાં પીડા…ધ્રુજતા હાથો…પાયલટ પુત્રનો મૃતદેહ જોઈ ભાંગી પડ્યા પિતા

12 જૂનના રોજ અમદાવાદમાં એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં પાયલટ સુમિત સભરવાલ સહિત 241 મુસાફરોના મોત થયા હતા. કેપ્ટન સુમિત સભરવાલનો મૃતદેહ આજે તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા કરવામાં આવી હતી.

કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજે મુંબઈના પવઈમાં તેમના ઘરની બહાર તેમના પુત્રને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પાયલટ પુત્રના મૃત્યુ પર વૃદ્ધ પિતાની શું હાલત થશે તેની કલ્પના પણ ન કરી શકીએ. વૃદ્ધ પિતા ફક્ત હાથ જોડીને અને ભીની આંખોથી તેમના બાળકને જોઈ રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ કોઈપણનું કાળજું કંપી ઉઠે.

પાયલોટ પુત્રના મૃતદેહને જોઈને વૃદ્ધ પિતા ભાંગી પડ્યા

સુમિત સભરવાલના પિતા 88 વર્ષના છે. નોકરીને કારણે તેઓ તેમની સાથે વધુ સમય વિતાવી શક્યા ન હતા. આજે જ્યારે સુમિત સભરવાલનો મૃતદેહ તેમના ઘરે પહોંચ્યો ત્યારે વૃદ્ધ પિતાની આંખોમાં લાચારી અને પીડા હતી, જે વ્યક્ત કરે છે કે એક પિતાએ માત્ર પોતાનો સહારો જ નહીં, પણ પોતાની દુનિયા પણ ગુમાવી દીધી છે. હાથ જોડીને અંતિમ વિદાય આપતી વખતે પિતાનું તૂટેલું હૃદય દરેકની આંખોને ભીની કરી દેતું હતું.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

સુમિત સભરવાલ પોતાના પિતાની સેવા કરવા માંગતો હતો

અમદાવાદ વિમાન દુર્ઘટનાએ માત્ર 241 પરિવારોના જીવનને હચમચાવી નાખ્યું ન હતું, પરંતુ એક પુત્રનું અધૂરું સ્વપ્ન પણ ચકનાચૂર કરી નાખ્યું હતું જે પોતાના વૃદ્ધ પિતાની સેવામાં પોતાને સમર્પિત કરવા માંગતો હતો. સુમિત ઘણીવાર કહેતો હતો કે હવે તેણે નિવૃત્તિ લેવી પડશે અને પોતાના પિતાની સંભાળ રાખવી પડશે. 88 વર્ષીય પિતા પોતાના 60 વર્ષના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી છે. મેઘાણી નગરના અનેક લોકોના જીવ બચાવનાર કેપ્ટન આજે પાંચ તત્વોમાં ભળી ગયા. ચકલાના હિન્દુ સ્મશાનગૃહમાં કેપ્ટન સભરવાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

કેપ્ટન સભરવાલ ખૂબ જ અનુભવી પાઇલટ હતા. તેમને 8,200 કલાકથી વધુ ઉડાનનો અનુભવ હતો. આ અકસ્માતમાં 242 મુસાફરોમાંથી 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા, જેમાં સભરવાલનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયાના માત્ર 50 સેકન્ડ પછી આગનો ગોળો બની ગયું. કારણ કે પાયલોટે ATC એટલે કે એર ટ્રાફિક કંટ્રોલને છેલ્લો સંદેશ મોકલ્યો હતો “મેડે, મેડે, મેડે… કોઈ શક્તિ નથી, કોઈ ધક્કો નથી, નીચે જઈ રહ્યું છે… ત્યારબાદ વિમાનનો સંપર્ક તૂટી ગયો અને ડોક્ટર્સ હોસ્ટેલ સાથે અથડાયા પછી આગનો ગોળો બની ગયો.

મનરેગાને ખતમ કરવાની કોશિશમાં મોદી સરકાર: કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ની ફાળવણીમાં કપાત કરીને તેને બંધ કરવાની કોશિશ કરી રહી છે, જે બંધારણના વિરુદ્ધ ગુનો છે.

તેમણે દાવો કર્યો કે મોદી સરકારે હવે વર્ષના પહેલા 6 મહિનામાં મનરેગાના ખર્ચની મર્યાદા 60 ટકા નક્કી કરી છે. ખડગેએ ‘X પર લખ્યું  હતું કે મોદી સરકાર ગરીબોની જીવનરેખા મનરેગાને તડપાવી-તડપાવીને ખતમ કરવાની કોશિશમાં લાગી છે. હવે મનરેગાના ખર્ચ પર વર્ષના પહેલા છ મહિનાઓ માટે 60 ટકા મર્યાદા નક્કી કરી છે. મનરેગા જે બંધારણ હેઠળ કામના અધિકારને કાનૂની રીતે સુનિશ્ચિત કરે છે, તેમાં કપાત કરવી એ બંધારણના વિરુદ્ધ ગુનો છે.’

તેમણે સવાલ કર્યો હતો કે શું મોદી સરકાર આ માટે માત્ર એટલા માટે કરી રહી છે કે તે ગરીબોની ખિસ્સામાંથી આશરે 25,000 કરોડ રૂપિયા ખેંચી શકે, જે સામાન્ય રીતે વર્ષે અંત સુધીમાં વધતી માગને કારણે તેને આગળના નાણાકીય વર્ષમાં અલગથી ખર્ચ કરવા પડે છે?

તેમણે વધુમાં કહ્યું હતું કે મનરેગા એ માગ આધારિત યોજના છે. તો જો આપત્તિઓ કે ખોટા વાતાવરણ જેવી પરિસ્થિતિઓને કારણે પહેલી છ મહિનામાં માગ વધી જાય તો શું થશે?
‘‘શું આવી મર્યાદા લાદવાથી તે ગરીબોને નુકસાન નહીં થાય જે તેમની આજીવિકા માટે મનરેગા પર નિર્ભર છે?

કોંગ્રેસ અધ્યક્ષે વધુ સવાલ કરતાં કહ્યું હતું કે શું એ સાચું નથી કે તાજેતરના રિપોર્ટ મુજબ માત્ર સાત ટકા પરિવારોને વચન આપેલા 100 દિવસનું કામ મળી શક્યું છે?’’
છેલ્લાં 10 વર્ષમાં બજેટની તુલનામાં મનરેગા માટે સૌથી ઓછી ફાળવણી કેમ કરવામાં આવી?
ગરીબવિરોધી મોદી સરકાર, મનરેગા શ્રમિકો પર અત્યાચાર કરવા કેમ કરે છે?

ઈરાન કદી પણ પરમાણુ હથિયાર ના રાખી શકેઃ G-7 દેશો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધતો જઈ રહ્યો છે. ઈઝરાયલના લડાકુ વિમાનોને સોમવારે રાત્રે તહેરાનમાં લાઈવ પ્રસારણ દરમિયાન ઈરાનના સરકારી ટેલિવિઝન હેડક્વાર્ટર પર બોમ્બવર્ષા કરી હતી. બીજી બાજુ ઈરાનએ દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં ઈઝરાયલ પર લગભગ 400 બેલિસ્ટિક મિસાઈલો ફાયર કરી છે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યું હતું કે ખોમિનીનો અંત આવ્યાથી જ પ્રદેશમાં શાંતિ આવી શકશે.

ઈરાન અને ઈઝરાયલ બંનેમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે મોતનો આંક વધતો જઈ રહ્યો છે. ઈરાનમાં ઓછામાં ઓછા 224 લોકોનાં મોત થયાં છે અને 1200થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે ઈરાનના જવાબી હુમલાઓમાં ઈઝરાયલમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયાં છે અને 592થી વધુ લોકો ઘાયલ થયા છે.

G-7 દેશોએ ઈઝરાયલને આપ્યું સમર્થન

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં ગ્રુપ ઓફ સેવન (G-7) દેશોએ ઈઝરાયલ માટે ખુલ્લું સમર્થન વ્યક્ત કર્યું છે અને ઈરાનને મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવવાનો મુખ્ય સ્રોત ગણાવ્યો છે.

ઈઝરાયલને આત્મસંરક્ષણનો અધિકાર

G-7 દેશોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયલને પોતાના આત્મસંરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે. શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે તહેરાને તેના પરમાણુ કાર્યક્રમ પર લગામ લગાવવી પડશે, નહીં તો મોડું થશે.

 બંને દેશો વચ્ચે ચાલુ સંઘર્ષ દરમિયાન ઈઝરાયલના સમર્થનમાં ઊભા રહેલા G-7 દેશોએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે ઈરાન મધ્ય-પૂર્વમાં અશાંતિ અને અસ્થિરતાનો મુખ્ય સ્રોત છે. તેમણે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે આહવાન સાથે ઈઝરાયલને સમર્થન આપ્યું હતું.