Home Blog Page 845

મનરેગાને ખતમ કરવાની કોશિશમાં મોદી સરકાર: કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ની ફાળવણીમાં કપાત કરીને તેને બંધ કરવાની કોશિશ કરી રહી છે, જે બંધારણના વિરુદ્ધ ગુનો છે.

તેમણે દાવો કર્યો કે મોદી સરકારે હવે વર્ષના પહેલા 6 મહિનામાં મનરેગાના ખર્ચની મર્યાદા 60 ટકા નક્કી કરી છે. ખડગેએ ‘X પર લખ્યું  હતું કે મોદી સરકાર ગરીબોની જીવનરેખા મનરેગાને તડપાવી-તડપાવીને ખતમ કરવાની કોશિશમાં લાગી છે. હવે મનરેગાના ખર્ચ પર વર્ષના પહેલા છ મહિનાઓ માટે 60 ટકા મર્યાદા નક્કી કરી છે. મનરેગા જે બંધારણ હેઠળ કામના અધિકારને કાનૂની રીતે સુનિશ્ચિત કરે છે, તેમાં કપાત કરવી એ બંધારણના વિરુદ્ધ ગુનો છે.’

તેમણે સવાલ કર્યો હતો કે શું મોદી સરકાર આ માટે માત્ર એટલા માટે કરી રહી છે કે તે ગરીબોની ખિસ્સામાંથી આશરે 25,000 કરોડ રૂપિયા ખેંચી શકે, જે સામાન્ય રીતે વર્ષે અંત સુધીમાં વધતી માગને કારણે તેને આગળના નાણાકીય વર્ષમાં અલગથી ખર્ચ કરવા પડે છે?

તેમણે વધુમાં કહ્યું હતું કે મનરેગા એ માગ આધારિત યોજના છે. તો જો આપત્તિઓ કે ખોટા વાતાવરણ જેવી પરિસ્થિતિઓને કારણે પહેલી છ મહિનામાં માગ વધી જાય તો શું થશે?
‘‘શું આવી મર્યાદા લાદવાથી તે ગરીબોને નુકસાન નહીં થાય જે તેમની આજીવિકા માટે મનરેગા પર નિર્ભર છે?

કોંગ્રેસ અધ્યક્ષે વધુ સવાલ કરતાં કહ્યું હતું કે શું એ સાચું નથી કે તાજેતરના રિપોર્ટ મુજબ માત્ર સાત ટકા પરિવારોને વચન આપેલા 100 દિવસનું કામ મળી શક્યું છે?’’
છેલ્લાં 10 વર્ષમાં બજેટની તુલનામાં મનરેગા માટે સૌથી ઓછી ફાળવણી કેમ કરવામાં આવી?
ગરીબવિરોધી મોદી સરકાર, મનરેગા શ્રમિકો પર અત્યાચાર કરવા કેમ કરે છે?

ઈરાન કદી પણ પરમાણુ હથિયાર ના રાખી શકેઃ G-7 દેશો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધતો જઈ રહ્યો છે. ઈઝરાયલના લડાકુ વિમાનોને સોમવારે રાત્રે તહેરાનમાં લાઈવ પ્રસારણ દરમિયાન ઈરાનના સરકારી ટેલિવિઝન હેડક્વાર્ટર પર બોમ્બવર્ષા કરી હતી. બીજી બાજુ ઈરાનએ દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં ઈઝરાયલ પર લગભગ 400 બેલિસ્ટિક મિસાઈલો ફાયર કરી છે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યું હતું કે ખોમિનીનો અંત આવ્યાથી જ પ્રદેશમાં શાંતિ આવી શકશે.

ઈરાન અને ઈઝરાયલ બંનેમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે મોતનો આંક વધતો જઈ રહ્યો છે. ઈરાનમાં ઓછામાં ઓછા 224 લોકોનાં મોત થયાં છે અને 1200થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે ઈરાનના જવાબી હુમલાઓમાં ઈઝરાયલમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયાં છે અને 592થી વધુ લોકો ઘાયલ થયા છે.

G-7 દેશોએ ઈઝરાયલને આપ્યું સમર્થન

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં ગ્રુપ ઓફ સેવન (G-7) દેશોએ ઈઝરાયલ માટે ખુલ્લું સમર્થન વ્યક્ત કર્યું છે અને ઈરાનને મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવવાનો મુખ્ય સ્રોત ગણાવ્યો છે.

ઈઝરાયલને આત્મસંરક્ષણનો અધિકાર

G-7 દેશોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયલને પોતાના આત્મસંરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે. શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે તહેરાને તેના પરમાણુ કાર્યક્રમ પર લગામ લગાવવી પડશે, નહીં તો મોડું થશે.

 બંને દેશો વચ્ચે ચાલુ સંઘર્ષ દરમિયાન ઈઝરાયલના સમર્થનમાં ઊભા રહેલા G-7 દેશોએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે ઈરાન મધ્ય-પૂર્વમાં અશાંતિ અને અસ્થિરતાનો મુખ્ય સ્રોત છે. તેમણે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે આહવાન સાથે ઈઝરાયલને સમર્થન આપ્યું હતું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૭ જૂન ૨૦૨૫

વડ પડ્યાં તો કે વડોદરું પડ્યું…

 

વડ પડ્યાં તો કે વડોદરું પડ્યું…

કેટલીક વ્યક્તિઓને અતિશયોક્તિ કરવાની ટેવ હોય છે. વડોદરા નામ વટોદર એટલે કે જેના ઉદરમાં વડ ઉગેલાં છે તે કારણથી પડ્યું છે.

આમાંનો એકાદ વડ કદાચ તૂટી જાય કે વાવાઝોડામાં ઉથલી પડે તો એનાથી આખું વડોદરા નથી ઉથલી પડતું. વડોદરામાં એટલા બધાં વડ છે કે એક વડ ઉથલી પડવાની ઘટના સાવ નગણ્ય છે.

ત્યારે આ ઘટનાને એવડી મોટી કહી બતાવવી કે જાણે કે વડ નહીં આખું વડોદરું જ ઉથલી પડ્યું હોય તેવા અતિશયોક્તિભર્યા વર્ણન માટે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

નિર્દેશક ગુલઝાર પાસેથી સહાયકો ઘણું શીખ્યા હતા

નિર્દેશક ગુલઝારે ફિલ્મ ‘મૌસમ’ (૧૯૭૫) માં એક દ્રશ્ય સ્ક્રિપ્ટમાં ન હોવા છતાં પરિસ્થિતિ બદલાતા ઉમેર્યું હતું. લેખક, ગીતકાર અને નિર્દેશક તરીકે ગુલઝાર એક-એક દ્રશ્યના ફિલ્માંકન માટે કેટલી કાળજી રાખતા હતા અને બીજા માટે કેટલા મદદરૂપ થતાં હતા એના કિસ્સા એમના સહાયક રહેલા નિર્દેશક એન. ચંદ્રાએ એક મુલાકાતમાં યાદ કર્યા છે. ચંદ્રા મંગેશ દેસાઈને ત્યાં સહાયક એડિટર તરીકે કામ કરતાં હતા ત્યારે એમની બાજુમાં આવેલ સ્ટુડિયોમાં એડિટર વામન ભોંસલેને ત્યાં બેસવા જતાં હતા.

એક વખત કોઈ ફિલ્મનું એડિટિંગ ચંદ્રાએ ગુલઝારને બતાવવાનું હતું. એમણે જાણ્યું હતું કે સહાયક નિર્દેશકોને બહાર શુટિંગ માટે વધારે જવાનું થતું હતું. એમને પ્રવાસનો શોખ હતો. ચંદ્રાને જાણવા મળ્યું હતું કે ગુલઝારની ફિલ્મનો ક્લેપર બોય હતો એને કાઢી મૂક્યો હતો. કેમકે ફિલ્મનું શુટિંગ શરૂ થવાનું હતું ત્યારે એ સ્ટુડિયોના કેન્ટીનમાં એક છોકરી સાથે વાતો કરતો બેસી રહ્યો હતો. એટલે ચંદ્રાએ ફિલ્મના દ્રશ્યો બતાવવાનું રોકીને વચ્ચે પૂછી લીધું કે મને ક્લેપર બોય તરીકે લેશો? ગુલઝારને નવાઈ લાગી હતી કે રીલ અટકાવી આ વચ્ચે કેમ પૂછી રહ્યો છે. એમણે પહેલાં રીલ બતાવવા કહ્યું પછી વામન સાથે વાત કરી અને કહ્યું કે એક શરત પર તે રાખી શકે છે. શુટિંગ હોય કે ના હોય દરેક દિવસે સેટ પર હાજર રહેવું પડશે અને સ્ટાઇપેન્ડ તરીકે રૂ.200 મળશે. ત્યારે ચંદ્રાને એડિટર તરીકે મહિને રૂ.3000 મળતા હતા. છતાં ફરવા જવાનું મળે એ માટે એક સહાયક તરીકે ગુલઝાર સાથે જોડાયા હતા.

ગુલઝારની એવી પદ્ધતિ હતી કે એમના મુખ્ય સહાયક જ્યારે સ્વતંત્ર નિર્દેશક તરીકે આગળ વધી જાય ત્યારે એના સ્થાને બીજાને લાવવાને બદલે પછીના સહાયકને મુખ્ય બનાવી દેતા હતા, એન. ચંદ્રા જ્યારે એમની સાથે જોડાયા ત્યારે પુષ્પરાજ મુખ્ય હતા. એમને જ્યારે પોતાની ફિલ્મ મળી ગઈ ત્યારે બીજા સહાયક મેરાજને મુખ્ય બનાવી દીધા. એ જ રીતે એ ગયા એટલે એમના હાથ નીચેના રાજ એન. સિપ્પીને મુખ્ય સહાયક નિર્દેશક બનાવ્યા. અને રાજ ગયા પછી એન. ચંદ્રાનો નંબર લાગ્યો હતો. એન. ચંદ્રે ગુલઝારની આંધી,  મૌસમ વગેરેમાં સહાયક તરીકે કામ કર્યું હતું. રાજ એન. સિપ્પી જેમાં મુખ્ય સહાયક હતા એ ‘મૌસમ’ ના એક ગીતના શુટિંગ પછી ગુલઝારને શર્મિલા ટાગોરની આંગળીમાં રહેલી મોટી વીંટી દેખાઈ નહીં. દ્રશ્યની કંટીન્યુટી જળવાય એવો એમનો આગ્રહ રહેતો હતો. તે રાજ ઉપર જ નહીં બધા ઉપર ગુસ્સે થઈ ગયા. શુટિંગમાં વિરામ જાહેર કરી દીધો.

એન. ચંદ્રા એક સહાયક હતા અને એમની પણ આ બાબતે એટલી જ જવાબદારી હતી. હવે ગુલઝાર શું કરશે એની ચિંતામાં બધા હતા. બે કલાક પછી એમણે રાજ અને ચંદ્રાને બોલાવ્યા અને કહ્યું કે ગીત પછીનું એક દ્રશ્ય છે એમાં શર્મિલા મોં ધોતી હોય છે ત્યારે સંજીવ કુમાર આવે છે અને કહે છે કે તારી વીંટી તું ત્યાં ભૂલી ગઈ હતી આ લે. અને આમ એમણે એક દ્રશ્ય ઉમેરીને એ ભૂલને ઢાંકી દીધી હતી. ગુલઝાર સાથે કામ કરનાર દરેક સહાયક નિર્દેશકને આવું ઘણું એમની પાસેથી શીખવા મળ્યું હતું.

પંચાંગ 17/06/2025

PM મોદીની મુલાકાત વખતે NSE IX, CSE વચ્ચે સમજૂતી કરાર  

મુંબઈઃ નેશનલ ઇન્ટરનેશનલ એક્સચેન્જે (NSE IXએ) PM મોદીની સાઇપ્રસ મુલાકાત દરમ્યાન  સાઇપ્રસ સ્ટોક એક્સચેન્જ (CSE) સાથે ક્રોસ અને ડ્યુઅલ લિસ્ટિંગ્સને સક્ષમ કરવા અને દ્વિપક્ષી મૂડીબજારમાં સહયોગ વધારવા માટે વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) કર્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાઇપ્રસના પ્રવાસ દરમિયાન NSE IXએ સાયપ્રસ સ્ટોક એક્સચેન્જ સાથે એક વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર મારફતે ક્રોસ-લિસ્ટિંગ અને ડ્યુઅલ-લિસ્ટિંગ સુવિધાઓને સક્રિય બનાવવામાં આવશે અને દ્વિપક્ષી કરાર હેઠળ કેપિટલ માર્કેટ સહયોગથી વધું મજબૂત કરવામાં આવશે.

ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT સિટીમાં આવેલા NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) અને સાઇપ્રસ સ્ટોક એક્સચેન્જ (CSE) વચ્ચે વ્યૂહાત્મક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે, એ એક ઐતિહાસિક પગલું છે. સાઇપ્રસના લિમાસોલ શહેરમાં આયોજિત “Advancing a Strategic Economic Partnership” નામના રાઉન્ડટેબલ કાર્યક્રમમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કાર્યક્રમમાં સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલિડેસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમજૂતીપત્રના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે:

  • નાણાકીય સાધનોના ક્રોસ અને ડ્યુઅલ લિસ્ટિંગ્સ
  • નવીન નાણાકીય ઉત્પાદનોના સંયુક્ત વિકાસ
  • નોલેજ અને સંશોધન સહયોગ
  • ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો
  • ફિનટેક સંબંધિત પ્રવૃત્તિઓ અને અન્ય કાર્યક્રમો

આ વ્યૂહાત્મક સહયોગ ભારત અને યુરોપિયન મૂડીબજારો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ છે અને GIFT સિટીને વૈશ્વિક નાણાકીય હબ તરીકે ઊભું કરવા ભારતની દૃઢ ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સાઇપ્રસ સ્ટોક એક્સચેન્જ અને NSE વચ્ચે ગુજરાતની GIFT સિટીમાં સહયોગ માટે સહમતી થઈ છે, એનો મને આનંદ છે.

NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે આ MoU ડ્યુઅલ અને ક્રોસ લિસ્ટિંગ્સ, નવીન નાણાકીય ઉત્પાદનોના વિકાસ અને સંશોધન, તાલીમ તથા ક્ષમતા નિર્માણ જેવી પ્રવૃત્તિઓ માટે માર્ગ પ્રશસ્ત કરશે. આ સહયોગ બંને દેશોનાં મૂડીબજારની તકોમાં નવી દિશા આપશે.

NSE IXના MD અને CEO વી. બાલાસુબ્રમણિયમે ઉમેર્યું  હતું કે સાઇપ્રસ સ્ટોક એક્સચેન્જ સાથેનો સહયોગ મજબૂત આંતરરાષ્ટ્રીય બજાર માળખું બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ સમજૂતી કરાર બંને યુરોપ અને ભારત માટે લાંબા ગાળાનું વ્યૂહાત્મક મૂલ્ય ઊભું કરશે.

શું હતું મુકુલ દેવના મૃત્યુ પાછળનું કારણ? 25 દિવસ પછી સત્ય બહાર આવ્યું

પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા મુકુલ દેવનું 23 મેના રોજ અવસાન થયું. તેમના મૃત્યુના સમાચારથી બધાને આઘાત લાગ્યો. અભિનેતાના મૃત્યુના સમાચાર બહાર આવ્યા પછી વિવિધ અટકળો શરૂ થઈ ગઈ. તેમના કેટલાક વીડિયો પણ સામે આવ્યા, જેને જોયા પછી તેમના ચાહકો ખૂબ નિરાશ થયા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મુકુલ ડિપ્રેશનમાં હતા. પરંતુ હવે મુકુલ દેવના ભાઈ અને અભિનેતા રાહુલ દેવે તેમના મૃત્યુનું કારણ જાહેર કર્યું છે. રાહુલ દેવે કહ્યું કે મુકુલના મૃત્યુનું કારણ ડિપ્રેશન નહીં, પરંતુ તેમની ખરાબ ખાવાની આદતો હતી. તેમણે એ પણ જણાવ્યું કે છેલ્લા દિવસોમાં મુકુલની હાલત કેવી હતી.

રાહુલ દેવે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સાથેની વાતચીતમાં મુકુલ દેવના મૃત્યુના કારણ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમની નોકરાણીને યાદ કરતાં તેમણે કહ્યું- ‘તેઓ સાડા આઠ દિવસથી આઈસીયુમાં હતા. તબીબી રીતે, આ તેમની ખરાબ ખાવાની આદતોનું પરિણામ હતું. તેમણે તેમના મૃત્યુના ચાર-પાંચ દિવસ પહેલા ખાવા-પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. હા, તેઓ એકલતા અનુભવતા હતા અને તેમની જીવવાની ઇચ્છા સમાપ્ત થઈ ગઈ હતી. તેમણે ઘણી કામની ઓફરો પણ ઠુકરાવી દીધી હતી. હવે બધી ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી સત્ય સમજાઈ રહ્યું છે. મને ખબર છે કે પીડા વધુ ઊંડી હશે.’

રાહુલ દેવે મુકુલના માનસિક સ્વાસ્થ્ય પર શું કહ્યું?

રાહુલ દેવે મુકુલ દેવના માનસિક સ્વાસ્થ્ય વિશે ચાલી રહેલી અફવાઓ વિશે પણ વાત કરી અને તેમના ડિપ્રેશનમાં હોવાની અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી. તેમણે મુકુલનું માનસિક સ્વાસ્થ્ય સારું ન હોવાની અને તેઓ ડિપ્રેશનમાં હોવાની અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી. રાહુલ દેવે આ પર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું- ‘જે લોકો હવે વાત કરી રહ્યા છે તેઓ તેમના સંપર્કમાં પણ નહોતા. જે લોકો કહે છે કે તે ફિટ નહોતો, તેમણે હાફ મેરેથોન દોડી હતી. હા, તેમનું વજન ચોક્કસ વધી ગયું હતું. જ્યારે કોઈ પોતાનું ધ્યાન રાખતું નથી, ત્યારે તે સ્પષ્ટ થઈ જાય છે. 2019 થી 2024 દરમિયાન ખરેખર કોણ તેમના સંપર્કમાં હતું? શું તે લોકો જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે તેમને મળવા ગયા હતા કે તેમની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી?

મુકુલ પોતાના પિતાની સંભાળ રાખવા માટે દિલ્હી ગયો હતો

મુકુલ દેવ 2019 માં પોતાના પિતાની સંભાળ રાખવા માટે દિલ્હી ગયો હતો, જેનું આ વર્ષે અવસાન થયું. તે જ સમયે 2023 માં તેની માતાનું અવસાન થયું. રાહુલે જણાવ્યું કે મુકુલ એકાંતવાસમાં રહેતા હતા અને લખવામાં સમય વિતાવતા હતા. તેમણે એમ પણ કહ્યું કે મુકુલ પોતાની પુત્રીને ખૂબ યાદ કરતા હતા, તેમના માટે એકલા રહેવું મુશ્કેલ બની રહ્યું હતું.

મુકુલ દેવની ફિલ્મો અને ટીવી શો

તમને જણાવી દઈએ કે, 23 મેના રોજ 54 વર્ષીય મુકુલ દેવના મૃત્યુના સમાચાર આવ્યા હતા. મુકુલ દેવના મૃત્યુના સમાચારથી બધા ચોંકી ગયા હતા. મુકુલ ‘સન ઓફ સરદાર’, ‘યમલા પગલા દીવાના’, ‘વજુદ’, ‘દસ્તક’ અને ‘જય હો’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ સિવાય તેણે ‘કુમકુમ – એક પ્યારા સા બંધન’, ‘કશિશ’ અને ‘ઘરવાલી ઉપરવાલી’ જેવી સીરિયલ્સ સહિત ઘણી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું હતું.

મુંબઈની બે આંતરરાષ્ટ્રીય શાળાઓને ધમકીભર્યા મેઇલ મળ્યા

મુંબઈની બે આંતરરાષ્ટ્રીય શાળાઓને ધમકીભર્યા મેઇલ મળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાની માહિતી મળતા જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ તપાસમાં લાગી ગઈ છે. મુંબઈની જે બે શાળાઓને ધમકીભર્યા મેઇલ મળ્યા છે તેમાં દેવનારમાં આવેલી કનકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ અને કાંદિવલીના સમતાનગરમાં આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. આ બંને શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે. શાળાઓ ઉપરાંત, મેઇલ મોકલનાર વ્યક્તિએ મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી છે.

અજાણ્યા વ્યક્તિ સામે કેસ દાખલ

તે જ સમયે, પોલીસને બે શાળાઓને ધમકીભર્યા મેઇલ મળ્યા હોવાની જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ પોલીસ ટીમે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલમાં, આ મામલે મુંબઈના દેવનાર અને સમતાનગર પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં મુંબઈના બીકેસી સ્થિત યુએસ કોન્સ્યુલેટને પણ ધમકી આપવામાં આવી હતી. આ પછી હવે શાળાઓ દ્વારા મળેલી આ નવી ધમકીએ ચિંતા વધારી દીધી છે. હાલમાં, મુંબઈ પોલીસ મેઇલ મોકલનાર વ્યક્તિની શોધ કરી રહી છે.

જયપુર અને થાણેની શાળાઓને પણ ધમકીઓ મળી છે

તમને જણાવી દઈએ કે આજે જયપુરની એક ખાનગી શાળાને બોમ્બ ધમકીનો ઇમેઇલ મળ્યો હતો. આ પછી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ શૈક્ષણિક સંસ્થાના પરિસરની તપાસ કરી. પોલીસે જણાવ્યું હતું કે ‘સિટી પેલેસ સ્કૂલ’ના ઇમેઇલ આઈડી પર શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળી હતી. મેનેજમેન્ટે ઇમેઇલ જોયો અને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ શાળા પરિસરમાં પહોંચીને તપાસ શરૂ કરી. જોકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. બીજી તરફ, થાણેના ભાયંદરમાં પણ રવિવારે બે શાળાઓને બોમ્બ ધમકીના ઇમેઇલ મળ્યા હતા. જોકે, વિશેષ એકમો દ્વારા સંપૂર્ણ તપાસ બાદ બંને સ્થળોએ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.