નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ રાતોરાત વધુ ગંભીર બન્યો છે, કારણ કે બંને દેશોએ હુમલાઓ ચાલુ જ રાખ્યા છે. બંને દેશોમાં નાગરિકોનાં મોતથી વિશ્વમાં ચિંતા પ્રસરી છે કે દુશ્મન દેશો વચ્ચે ચાલી રહેલી આ લડાઈ હવે વધુ ઉગ્ર બની શકે છે.
ઇરાને હાલ સીઝફાયર કરવાનો ઇનકાર કર્યો છે, જેને પગલે ઇઝરાઇલ તરફથી હુમલાઓ વધુ તેજ કરવામાં આવ્યા છે. તેલ અવિવમાં સતત સાઇરન વાગી રહી છે.
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષને આજે ચાર દિવસ થયા છે. એક ઇરાની બેલિસ્ટિક મિસાઇલે ઈઝરાયેલના હાઈફા રિફાઇનરીને નિશાન બનાવ્યાનું જાણમાં આવ્યું છે. ઈરાનની ફોરડો ન્યુક્લિયર સાઇટની આસપાસ ઘણા જોરદાર વિસ્ફોટ થયા, જેના કારણે ધરા ધ્રૂજી ઊઠી છે.
ઈરાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર 13 જૂનથી અત્યાર સુધી ઇઝરાયલી હુમલાઓને કારણે અત્યાર સુધી 224 લોકોનાં મોત થયાં છે અને 1277 થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સના એક જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં અત્યાર સુધી 406 લોકો માર્યા ગયા છે. ઇરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજશ્કિયનએ ચેતવણી આપી હતી કે જો ઇઝરાયેલ હુમલા ચાલુ રાખશે તો તહરાન તરફથી પણ વધુ કડક પ્રતિસાદ આપવામાં આવશે.
ઇઝરાયેલમાં મોત
ઇઝરાયેલમાં રવિવાર સુધીમાં થયેલા ઇરાની હુમલાઓમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી કુલ 13 લોકોનાં મોત થયાં છે. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઇફાના પૂર્વમાં આવેલા અરબ શહેર તમરામાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ચાર લોકોનાં મોત થયાં છે.
આ હુમલાઓ પછી ઈઝરાયેલના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઇઝરાયલી વડા પ્રધાન બેનજામિન નેતન્યાહૂએ વિડિયો સંદેશમાં ચેતવણી આપી હતી કે ઈઝરાયેલ આયાતુલ્લાના શાસનને દુનિયાના દરેક ખૂણામાં અને દરેક લક્ષ્યાંક પર હુમલો કરશે.
અમદાવાદમાં 12 જૂનના દિવસે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 250થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું. જોકે, હવે પૂર્વ મુખ્યમંત્રીના મૃત્યુને લઈને હવે રાજ્યસરકાર દ્વારા રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યવ્યાપી શોક
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025 ના રોજ નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર)ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.
અડધી કાઠીએ ફરકાવાશે ધ્વજ
શોકના આ દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ સિવાય, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. મળતી માહિતી મુજબ, 16 જૂન, 2025ના દિવસે રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ હવે તેમના અંતિમ દર્શન તથા અંતિમયાત્રાનું સંપૂર્ણ આયોજન રાજ્ય સરકારે અને પરિવારજનોએ સાથે મળીને જાહેર કર્યું છે. તેમણે પોતાના લાંબા રાજકીય કારકિર્દીમાં જે લોકપ્રિયતા મેળવી હતી, તેને ધ્યાનમાં રાખી તેમના અંતિમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય નેતા વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને અંતિમ વિદાય આપવા માટેનો સંપૂર્ણ કાર્યક્રમ રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે, સોમવારે (16 જૂન 2025) સાંજે 5 વાગ્યે રાજકોટમાં તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે અને રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. આ ઉપરાંત, વિજયભાઈ રૂપાણી અને દુર્ઘટનાના અન્ય દિવંગતોની યાદમાં રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થના સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પાર્થિવદેહનો રૂટ અને અંતિમ દર્શન
રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, આવતીકાલે સોમવારે સવારે 11.00 વાગ્યે વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. સવારે 11.30 વાગ્યે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે પાર્થિવદેહનો સ્વીકાર કરાશે. ત્યારબાદ, સવારે 11.30 થી 12.30 દરમિયાન પાર્થિવદેહને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી એરપોર્ટ લઈ જવામાં આવશે. બપોરે 12.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર ફ્લાઈટ દ્વારા રાજકોટ માટે ટેકઓફ થશે. બપોરે 2.00 થી 2.30 વાગ્યાની વચ્ચે પાર્થિવદેહને રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી લાવવામાં આવશે.
સાંજે 5.00 થી 6.00 વાગ્યા દરમિયાન નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ અંતિમયાત્રા પ્રકાશ સોસાયટી (નિવાસસ્થાન) થી શરૂ થઈને નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને અંતે રામનાથપરા સ્મશાન પહોંચશે.
16 જૂન, સોમવાર – અંતિમ વિદાયનો દિવસ
11:00 વાગે વિજયભાઈ રૂપાણીના પાર્થેવ દેહને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાશે.
11:30 વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દેહનો સ્વીકાર કરાશે.
1:30 વાગ્યે દેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવાશે અને ત્યાંથી એર લિફ્ટ દ્વારા રાજકોટ લઈ જવાશે.
2:00 વાગ્યે પાર્થેવ દેહ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે.
રાજકોટ શહેરમાં જાહેર રૂટ:
એરપોર્ટથી વિજયભાઈના નિવાસસ્થાન સુધી પાર્થેવ દેહને ખાસ રૂટ પરથી લઈ જવાશે.
રૂટમાંગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ આશ્રમ, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, કેસરીહિંદ પુલ જેવા મુખ્ય રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાંજે4:00 થી 5:00 દરમિયાન રાજકોટ સ્થિત નિવાસસ્થાન (પૂજિત, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે) ખાતે પાર્થેવ દેહના જાહેર દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
સાંજે5:00 વાગ્યાથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે.
યાત્રા દરમિયાનનિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, રાજશ્રી ટોકીઝ રોડ અને સ્વામિનારાયણ મંદિર જેવા માર્ગો પાસેથી અંતિમયાત્રા પસાર થશે.
17 જૂન, મંગળવાર – શ્રદ્ધાંજલિ સભા (રાજકોટ)
સ્થળ:રેસકોર્સ મેદાન
સમય:સાંજે 3:00 થી 6:00
વિજયભાઈ રૂપાણીના ચાહકો, રાજકીય આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહેશે.
શુક્રવાર, 20 જૂન 2025 ના રોજ સાંજે 4.00 થી 6.00 વાગ્યા સુધી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા વિજયભાઈ રૂપાણી અને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થનાસભા યોજાશે. વિજયભાઈ રૂપાણીના નિધનથી ગુજરાતમાં શોકનો માહોલ છે. આ અંતિમ યાત્રા અને પ્રાર્થના સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ સંબંધિત સમસ્યાઓના કારણે રવિવારે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ તેમને ગેસ્ટ્રો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત હાલમાં સ્થિર છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોકટરોની એક ટીમ તેમની તબિયત પર નજીકથી નજર રાખી રહી છે. જોકે, હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું નથી.
અગાઉ 7 જૂનના રોજ, તેમને નિયમિત તબીબી તપાસ માટે શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ કોંગ્રેસ નેતાને બાદમાં તેમની તબીબી તપાસ બાદ રજા આપવામાં આવી હતી. પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે તેમને મોડી બપોરે શિમલાના છારાબ્રા સ્થિત તેમના ખાનગી નિવાસસ્થાનેથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. IGMCના એક ડૉક્ટરે કહ્યું હતું કે તેમનું બ્લડ પ્રેશર સામાન્ય કરતાં થોડું વધારે હતું પરંતુ તેમણે પુષ્ટિ આપી હતી કે તેઓ સામાન્ય અને સ્થિર હતા. તાજેતરમાં, તેમણે શિમલાની એક હોસ્પિટલમાં નિયમિત તપાસ કરાવી હતી.
પુણે જિલ્લાના માવલ વિસ્તારમાં કુંડમાલા નજીક ઈન્દ્રાયાણી નદી પર બનેલો પુલ તૂટી પડવાથી એક મોટી દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ દુર્ઘટનામાં લગભગ 30 લોકો તણાઈ ગયા હોવાનું પણ જણાવાયું છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક વહીવટીતંત્ર, રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણી એમ્બ્યુલન્સ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે. ઈન્દ્રાયાણી નદી પરનો આ પુલ તૂટી પડવાનું કારણ સામે આવ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
ઈન્દ્રાયાણી નદી પર પુલ તૂટી પડવાની ઘટના પર પુણે જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર ડુડીએ કહ્યું કે અમે 4 મૃતદેહો બહાર કાઢ્યા છે. બચાવ કામગીરીમાં 250 લોકો કામ કરી રહ્યા છે. તેમનો પ્રતિભાવ સમય ખૂબ જ સારો હતો, જેના કારણે વધુને વધુ લોકોને તાત્કાલિક બચાવી શકાયા. અમે સમગ્ર વિસ્તારને આવરી લઈએ અને ખાતરી કરીએ કે કોઈ મૃતદેહ કે વ્યક્તિ ક્યાંય ફસાયેલ ન રહે ત્યાં સુધી કામગીરી ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે નદીમાંથી કાટમાળ કાઢવાનું કામ ચાલી રહ્યું છે. ઘટનાસ્થળે ઘણી JCB મશીનો તૈનાત કરવામાં આવી છે.
250 લોકોની ટીમ બચાવ કામગીરીમાં રોકાયેલી છે
DM જીતેન્દ્ર ડુડીએ જણાવ્યું હતું કે ઘટના બપોરે 3:15 વાગ્યે બની હતી અને અમને 3:30 વાગ્યે માહિતી મળી હતી. માહિતી મળ્યાના થોડા સમય પછી, લગભગ 250 લોકોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. તેમણે કહ્યું કે આગળ વધીને અમે એક ટીમ બનાવીશું અને ઘટનાની તપાસ કરીશું અને જો વહીવટ દોષિત સાબિત થશે તો હું ખાતરી કરીશ કે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. અમે પ્રવાસન વધારવા માંગીએ છીએ પરંતુ આવી ઘટનાઓ ચોમાસાના મહિનાઓમાં બને છે અને તેથી હું લોકોને અપીલ કરું છું કે આવી અકસ્માતો ટાળવા માટે અમારી ટીમોની સલાહનું પાલન કરે.
ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12 હજાર જગ્યા માટે આજરોજ રાજ્યના 7 જિલ્લા- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ હતી. કુલ 2.48 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી. વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. જ્યા બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તૈયારીઓ કરનારા માટે પેપર ઘણું સરળ હતું.
શારીરિક કસોટીમાં 10.73 લાખ ઉમેદવારો થયા પાસ હતા. જેમાં 10.73 લાખ પૈકી 2.49 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી. તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. પરીક્ષા સંદર્ભે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનો સંચાલન કરવામાં આવ્યું.
દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25નો ખિતાબ જીત્યાના એક દિવસ પછી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ WTC 2025-27નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આમાં 9 ટીમો વચ્ચે કુલ 71 મેચ રમાશે. તે 17 જૂનથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે શ્રીલંકાના ગાલેમાં રમાશે. શેડ્યૂલ મુજબ, આ વખતે ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 22 મેચ રમશે, જ્યારે ઇંગ્લેન્ડ 21 મેચ રમવાની રહેશે. બંને ટીમો આ વર્ષના અંતમાં એશિઝ શ્રેણી દરમિયાન એકબીજા સામે ટકરાશે. જ્યારે ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ સાથે તેના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ લીડ્સમાં રમાશે.
ટીમ ઈન્ડિયા 18 ટેસ્ટ મેચ રમશે
શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા WTC ૨૦૨૫-૨૭ દરમિયાન કુલ 18 ટેસ્ટ મેચ રમશે. તે 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણીથી શરૂ થવા જઈ રહી છે. આ પછી, ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે. આ ઉપરાંત, તે ટેસ્ટ મેચ રમવા માટે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે.
ટીમ ઈન્ડિયાની મેચ
ઈંગ્લેન્ડ: 5 મેચ
વેસ્ટ ઈન્ડિઝ: 2 મેચ
દક્ષિણ આફ્રિકા: 2 મેચ
ઓસ્ટ્રેલિયા: 5 મેચ
શ્રીલંકા: 2 મેચ
ન્યુઝીલેન્ડ: 2 મેચ
ઓસ્ટ્રેલિયાથી બદલો લેવો પડશે
ટીમ ઈન્ડિયાને WTC 2023-25માં ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ વખતે તેની મોટાભાગની મેચો ઘરેલુ મેદાન પર છે, તેથી તે કોઈપણ સંજોગોમાં જીત નોંધાવવા માંગશે. આમાં સૌથી મોટો પડકાર ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયાને આ વખતે ભારતનો પ્રવાસ કરવાનો છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી જીતીને પાછલી હારનો બદલો લેવો પડશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા ઓક્ટોબરથી પોતાનું અભિયાન શરૂ કરશે. તેઓ પાકિસ્તાન જશે અને ટેસ્ટ શ્રેણી રમશે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ચાહકો સપ્ટેમ્બર 2026 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેમની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરેલુ મેદાન પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.
ભૂતપૂર્વ ચેમ્પિયન સૌથી વધુ મેચ રમશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માં, ફક્ત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટીમ ઇન્ડિયા કરતાં વધુ, 5-5 મેચ રમશે. WTC દરમિયાન, ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 22 ટેસ્ટ મેચ રમશે, જ્યારે ઇંગ્લેન્ડ 21 ટેસ્ટ મેચ રમશે. આ ઉપરાંત, ન્યુઝીલેન્ડ 16, વેસ્ટ ઈન્ડિઝ 14, દક્ષિણ આફ્રિકા 14, પાકિસ્તાન 13, શ્રીલંકા 12 અને બાંગ્લાદેશ 12 ટેસ્ટ મેચ રમશે.