
બંગાળમાં મમતા શાસનનો અંત, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક ઐતિહાસિક અને અત્યંત મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યપાલ આર.એન. રવિએ ગુરુવારે સત્તાવાર રીતે પશ્ચિમ બંગાળ વિધાનસભાને ભંગ કરવાનો આદેશ જારી કર્યો છે. કોલકાતા ગેઝેટમાં પ્રકાશિત આ નોટિફિકેશન બાદ મમતા બેનર્જીની સરકાર બંધારણીય રીતે બરખાસ્ત થઈ ગઈ છે અને હવે તેઓ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા નથી. આ સાથે જ બંગાળમાં છેલ્લા ૧૫ વર્ષથી ચાલી રહેલા તૃણમૂલ કોંગ્રેસના એકહથ્થુ શાસનનો ઓચિંતો અંત આવ્યો છે, જેનાથી સમગ્ર દેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.
#BREAKING: Governor of West Bengal RN Ravi has dismissed the Cabinet led by Chief Minister Mamata Banerjee. pic.twitter.com/zIR055CzVf
— IANS (@ians_india) May 7, 2026
રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ, વિધાનસભાની મુદત પૂર્ણ થતાની સાથે જ સમગ્ર કેબિનેટને ભંગ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી મમતા બેનર્જીના રાજીનામાને લઈને જે રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી, તેનો અંત કોઈ સ્વૈચ્છિક રાજીનામાથી નહીં પરંતુ સીધી બંધારણીય પ્રક્રિયા દ્વારા આવ્યો છે. ૭ મે ૨૦૨૬ થી આ નિર્ણય અમલી બની ગયો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે રાજ્યમાં કોઈ મંત્રીમંડળ અસ્તિત્વમાં નથી અને મમતા બેનર્જી હવે મુખ્યમંત્રી પદની સત્તાઓ ધરાવતા નથી.

બંધારણીય જોગવાઈઓની વાત કરીએ તો, રાજ્યપાલ આર.એન. રવિએ ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૧૭૪ (૨)(બી) હેઠળ મળેલી પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને આ મહત્વનું ડગલું ભર્યું છે. આ ગેઝેટ નોટિફિકેશન પર બંગાળના મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલાના હસ્તાક્ષર પણ છે, જે આ પ્રક્રિયાની સત્તાવાર પુષ્ટિ કરે છે. આ નિર્ણય સાથે જ બંગાળના રાજકીય ઈતિહાસમાં ૨૦૧૧ થી શરૂ થયેલો મમતા બેનર્જીનો યુગ હવે ભૂતકાળ બની ગયો છે.
વિધાનસભા ભંગ થવાની આ ઘટના બંગાળના ભવિષ્ય માટે અનેક સવાલો ઉભા કરી રહી છે. હવે રાજ્યમાં નવી ચૂંટણીઓ ક્યારે યોજાશે અને વચગાળાની વ્યવસ્થા કેવી રહેશે તે અંગે ઉત્સુકતા વધી છે. મમતા બેનર્જીએ ૨૦૧૧ માં ડાબેરીઓના ૩૪ વર્ષના શાસનને ઉખેડી ફેંક્યું હતું, પરંતુ હવે ૧૫ વર્ષ બાદ તેમની સત્તાનો અંત આવતા બંગાળમાં ફરી એકવાર મોટા રાજકીય પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. વિપક્ષો આને લોકશાહીની જીત ગણાવી રહ્યા છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.
TVKપ્રમુખે રાજ્યપાલ પાસે બહુમત માટે બે મહિનાનો માગ્યો સમય
ચેન્નઈઃ તામિલનાડુમાં TVK નવી સરકાર બનાવવાના પ્રયાસોમાં લાગી છે. જોસેફ વિજય ગુરુવારે લોકભવન પહોંચ્યા હતા અને તેમણે રાજ્યપાલ આર. એન. રવિ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બહુમત સાબિત કરવા માટે બે મહિનાનો સમય માગ્યો હોવાનું કહેવાય છે. બુધવારે પણ વિજય લોકભવન ગયા હતા અને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ રાજ્યપાલે તેમને 118 ધારાસભ્યોના સમર્થન સાથેનું પત્ર રજૂ કરવા કહ્યું હતું. વિજયે રાજ્યપાલને 112 ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા સમર્થન પત્રો સોંપ્યો હતો.
વિજયે રાજ્યપાલ પાસે સમય માગ્યો
TVKપ્રમુખ જોસેફ વિજયે બહુમત સાબિત કરવા માટે બે મહિનાનો સમય માગ્યો છે. તામિલનાડુમાં નવી સરકારના ગઠન અંગે રાજકીય અનિશ્ચિતતા વધી રહી છે. જોકે કોંગ્રેસે વિજયને સમર્થન આપ્યું છે, જેને કારણે 108 બેઠકો જીતનાર TVKને કુલ 112 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે, પરંતુ અહીં એક મુશ્કેલી પણ છે. વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા, તેથી તેમને ટૂંક સમયમાં એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે. ત્યાર બાદ TVKને બહુમત માટે વધુ સાત ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે.
લોકભવન બહાર વિરોધ પ્રદર્શન
રાજ્યપાલ સાથે બે વખત મુલાકાત કર્યા બાદ પણ સરકાર બનાવવા આમંત્રણ ન મળતાં TVKના કાર્યકર્તાઓએ લોકભવન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસે રાજ્યપાલની ટીકા કરી
કોંગ્રેસની તામિલનાડુ એકમે ગુરુવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની ટીકા કરતાં કહ્યું હતું કે સરકારો લોકભવનના લોનમાં નહીં, પરંતુ વિધાનસભાના પાટલા પર નક્કી થાય છે. પાર્ટીના ધારાસભ્ય સે. રાજેશકુમારે એક પત્રમાં લખ્યું હતું કે તામિલનાડુના લોકોના કલ્યાણ અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે સાંપ્રદાયિક શક્તિઓને અલગ પાડવી ખૂબ જરૂરી છે. TVKને સમર્થન આપવાનો નિર્ણય આ રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
શપથવિધિનો પ્લાન અટક્યો
અહેવાલો મુજબ TVK ગુરુવાર અથવા શુક્રવારે શપથવિધિ યોજવાનું આયોજન કરી રહી હતી, પરંતુ રાજ્યપાલની શરતોને કારણે આ યોજના હાલ અટકી ગઈ છે.
PM મોદીની હાજરીમાં સમ્રાટ કેબિનેટના 32 મંત્રીઓએ લીધા શપથ
બિહારના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં સમ્રાટ ચૌધરી કેબિનેટના કુલ 32 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી હતી. પીએમ મોદી પટના એરપોર્ટથી રોડ માર્ગે ગાંધી મેદાન પહોંચ્યા હતા, જ્યાં ભાજપના કાર્યકરોએ ફૂલ વર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મંચ પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સમ્રાટ ચૌધરીના નેતૃત્વવાળી આ નવી સરકારમાં ગઠબંધન પક્ષો વચ્ચે સત્તાની સચોટ વહેંચણી જોવા મળી છે. કુલ 32 મંત્રીઓમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના 15, જનતા દળ યુનાઈટેડ (JDU) ના 13, લોક જનશક્તિ પાર્ટી (R) ના બે, હમ (HAM) ના એક અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM) ના એક નેતાએ મંત્રી પદના શપથ લીધા છે. આ કેબિનેટમાં અનુભવ અને યુવા જોશનો સમન્વય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં અગાઉના મંત્રીમંડળના 19 ચહેરાઓને યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે 13 નવા ચહેરાઓને પ્રથમવાર મંત્રી બનવાની તક મળી છે.
આ શપથ ગ્રહણ સમારોહમાં અનેક નવા ચહેરાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને નિશાંત કુમાર, મિથિલેશ તિવારી, શ્વેતા કુમારી, બુલો મંડલ, નંદકિશોર રામ, કુમાર શૈલેન્દ્ર અને રામચંદ્ર પ્રસાદે પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લીધા છે. આ નવા મંત્રીઓની એન્ટ્રીથી બિહારના શાસનમાં નવી ઉર્જા આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. શપથ ગ્રહણ સમયે ગાંધી મેદાનમાં ભારે ભીડ ઉમટી પડી હતી અને જય શ્રી રામ તેમજ ગઠબંધન સરકારના સમર્થનમાં નારા લાગ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત આ સમારોહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ નીતિન નવીન સહિત અનેક VVIP મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીમંડળની યાદીમાં સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી તરીકે જ્યારે વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવ નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. અન્ય મહત્વના મંત્રીઓમાં શ્રવણ કુમાર, વિજય કુમાર સિંહા, દિલીપ કુમાર જાયસ્વાલ, લેશી સિંહ, રામકૃપાલ યાદવ અને નીતિશ મિશ્રાનો સમાવેશ થાય છે. મહિલા પ્રતિનિધિત્વ તરીકે શ્રેયસી સિંહ અને શીલા કુમારી પણ મંત્રીમંડળનો હિસ્સો બન્યા છે.
હવે સૌની નજર વિભાગોની વહેંચણી પર ટકેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજ સુધીમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે જેમાં નવા મંત્રીઓને તેમના વિભાગો સોંપવામાં આવશે. આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં જારી કરવામાં આવી શકે છે. બિહારના વિકાસ અને આગામી રાજકીય વ્યૂહરચના માટે આ મંત્રીમંડળ અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે.
વંદે માતરમનું અપમાન પડશે મોંઘું: અપમાન બદલ જેલની સજા
ભારતીય રાષ્ટ્રીયતાના પ્રતિક સમાન ‘વંદે માતરમ’ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ની સમાન દરજ્જો આપવા માટે નવા નિયમો ઘડવાની તૈયારીઓ ચાલી રહી છે. આ નવા કાયદા હેઠળ, જો કોઈ વ્યક્તિ વંદે માતરમનું અપમાન કરશે અથવા તેને ગાવામાં અડચણ ઉભી કરશે, તો તેને કડક જેલની સજા અને દંડ થઈ શકે છે. અત્યાર સુધી રાષ્ટ્રગાનના અપમાન માટે જે કાયદાકીય જોગવાઈઓ હતી, તેવી જ જોગવાઈઓ હવે વંદે માતરમ માટે પણ લાગુ કરવામાં આવશે, જેથી રાષ્ટ્રીય સન્માન જળવાઈ રહે.
રાષ્ટ્રગીત પરના આ મહત્વપૂર્ણ નિર્ણયની સાથે સાથે રમત જગતમાંથી પણ એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝન અત્યારે વિવાદોના ઘેરામાં છે. અહેવાલો મુજબ, કેટલીક ટીમોના ખેલાડીઓ સાથે અજાણ્યા અને બિનઅધિકૃત લોકો ટીમ બસમાં મુસાફરી કરી રહ્યા છે એટલું જ નહીં, આ લોકો ખેલાડીઓ સાથે હોટલના પ્રતિબંધિત વિસ્તારો સુધી પણ પહોંચી રહ્યા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તમામ ફ્રેન્ચાઈઝીઓ અને ખેલાડીઓને આકરી ચેતવણી આપી છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેનું હેલિકોપ્ટર વાવાઝોડામાં ફસાયું
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે એક ભયાનક હવાઈ અકસ્માતમાંથી આબાદ બચી ગયા છે. ગુરુવારે જ્યારે એકનાથ શિંદે તેમનું હેલિકોપ્ટર લઈને પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે કલ્યાણ નજીક અચાનક હવામાન પલટાયું હતું અને હેલિકોપ્ટર ભારે આંદી-તોફાનની ઝપેટમાં આવી ગયું હતું. આ કપરી પરિસ્થિતિમાં હેલિકોપ્ટરના પાઈલટે ભારે હિંમત અને સૂઝબૂઝ બતાવી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી શકી છે. ખરાબ હવામાનને કારણે પાઈલટે જોખમ લેવાને બદલે હેલિકોપ્ટરને મુંબઈના જુહુ એરપોર્ટ તરફ વાળી દીધું હતું અને ત્યાં સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.

આ ઘટનાની વિગતો મુજબ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ હેલીપેડથી કલ્યાણ પાસે આવેલા મુરબાડમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે રવાના થયા હતા. શરૂઆતમાં હવામાન એકદમ સામાન્ય હતું અને ઉડાન પણ શાંતિપૂર્વક શરૂ થઈ હતી. જોકે, હેલિકોપ્ટર જેવું કલ્યાણ વિસ્તારની ઉપર પહોંચ્યું કે તરત જ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. અચાનક પવનની ગતિમાં તોતિંગ વધારો થયો અને જોરદાર વંટોળ ફૂંકાવા લાગ્યો હતો. આ તેજ ગતિના પવનના કારણે હેલિકોપ્ટર હવામાં હિલોળા લેવા લાગ્યું હતું અને તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની ગયું હતું.
હેલિકોપ્ટર જ્યારે હવામાં ફસાયેલું હતું ત્યારે અંદર સવાર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આવી સ્થિતિમાં પાઈલટે પોતાની તમામ વ્યાવસાયિક કુશળતાનો ઉપયોગ કર્યો હતો. પાઈલટે જોયું કે આગળ વધવું ખતરનાક સાબિત થઈ શકે છે, તેથી તેમણે સમય ગુમાવ્યા વિના હેલિકોપ્ટરને તોફાનના પ્રભાવ ક્ષેત્રમાંથી બહાર કાઢી મુંબઈ તરફ પાછું વાળવાનો નિર્ણય લીધો હતો. આખરે જુહુ એરપોર્ટ પર હેલિકોપ્ટરનું અત્યંત સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થયા બાદ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ હેલિકોપ્ટરમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની સાથે કુલ 8 લોકો સવાર હતા. જેમાં તેમના પર્સનલ આસિસ્ટન્ટ પ્રભાકર કાલે, ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર વિનાયક પત્રુડકર, OSD રાજપૂત અને ચીફ સિક્યુરિટી ઓફિસર સહિતનો કાફલો સામેલ હતો. જુહુ એરપોર્ટ પર ઉતરાણ બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની તબીબી તપાસ કરવામાં આવી હતી અને બધા જ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાહેર કરાયું હતું.
આ ઘટનાને પગલે શિંદેનો પ્રવાસ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. એકનાથ શિંદેની સુરક્ષાના સમાચાર મળતા જ મહારાષ્ટ્ર અને ખાસ કરીને કલ્યાણ-મુરબાડ વિસ્તારના કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. સોશિયલ મીડિયા પર પણ લોકો પાઈલટની સતર્કતાના વખાણ કરી રહ્યા છે, જેણે સંભવિત મોટી દુર્ઘટનાને ટાળી દીધી હતી. જો પાઈલટે તે ક્ષણે તાત્કાલિક નિર્ણય ન લીધો હોત, તો હવામાં ફસાયેલું હેલિકોપ્ટર કોઈ મોટી હોનારતનો ભોગ બની શક્યું હોત.
અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થઈ ફાઈનલઃ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત
નવી દિલ્હીઃ વિશ્વનાં ઊર્જા બજારો માટે રાહતના સમાચાર છે. અલ અરબિયાના રિપોર્ટ અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ ગઈ છે. આ કરાર હેઠળ હવે હોર્મુઝ જલસંધિમાં લાગેલી નૌકાદળની નાકાબંધીમાં ઢીલ આપવામાં આવશે અને જહાજોની અવરજવર ફરી શરૂ થશે. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા આ સંઘર્ષ બાદ ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ માર્ગોમાંથી એક એવા હોર્મુઝ જલસંધિને બંધ કરી દીધો હતો, જેને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો ગંભીર રીતે પ્રભાવિત થયો હતો.
ફસાયેલાં જહાજોને મળશે રાહત
આ સમજૂતી મુજબ આગામી થોડા કલાકોમાં લાંબા સમયથી આ જલસંધિમાં અટવાયેલા વેપારી જહાજોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા નાકાબંધીમાં ઢીલ આપવા માટે રાજી થયું છે, જ્યારે તેના બદલામાં ઈરાને હોર્મુઝને તબક્કાવાર રીતે ખોલવાનો વાયદો કર્યો છે. હોર્મુઝ જલસંધિમાંથી વિશ્વના કુલ તેલ વેપારનો લગભગ એક-તૃતીયાંશ ભાગ પસાર થાય છે, તેથી આ માર્ગ ફરી ખૂલતા ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. કૂટનીતિક પ્રગતિ પર ખુશી વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે આ યુદ્ધ જલદી ખતમ થશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથેની વાતચીત “ખૂબ સારી” રહી છે અને બંને દેશો “પૂર્ણ અને અંતિમ સમજૂતી”ની ખૂબ નજીક પહોંચી ગયા છે.
શું છે 14 મુદ્દાનો ‘શાંતિ પ્રસ્તાવ’?
આ સમજૂતી અમેરિકા દ્વારા રજૂ કરાયેલા એક પાનાના 14 મુદ્દાવાળા સમજૂતી પ્રસ્તાવનો ભાગ છે, જેના પર ઈરાન હાલમાં વિચારણા કરી રહ્યું છે. ઈરાન પોતાના પરમાણુ સંવર્ધન કાર્યક્રમ પર રોક લગાવવા તૈયાર થઈ શકે છે. તેના બદલામાં અમેરિકા ઈરાન પર લાગેલા કેટલાક પ્રતિબંધો હટાવશે અને વિદેશોમાં ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ઈરાની ફંડને મુક્ત કરશે. એ સાથે-સાથે બંને દેશો સમુદ્રી ટ્રાન્ઝિટના નિયમોને સરળ બનાવવા માટે પણ કામ કરશે.
આતંકીઓ સાવધાન! ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનો હુંકાર
ભારતે ગુરુવારે પાકિસ્તાન સમર્થિત સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરી એકવાર દોહરાવ્યો છે. આ સાથે જ આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પણ લીધો છે. નવી દિલ્હીનો આ કડક સંદેશ ‘ઓપરેશન સિંદૂર’ ની પ્રથમ વર્ષગાંઠના અવસરે આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, “આજે આપણે ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આખી દુનિયાએ જોયું કે પહેલગામ આતંકવાદી હુમલો ખરેખર શું હતો. અમે સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.”

જાયસવાલે વધુમાં ઉમેર્યું હતું કે, આખી દુનિયા સારી રીતે જાણે છે કે સરહદ પારનો આતંકવાદ લાંબા સમયથી પાકિસ્તાનની સરકારી નીતિનું એક હથિયાર રહ્યો છે. ભારત તરીકે અમને આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાનો પૂરો અધિકાર છે અને અમે આ લડાઈમાં પીછેહઠ કરીશું નહીં. ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ગયા વર્ષે 7 મે ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો.
ગયા વર્ષના આ સૈન્ય સંઘર્ષની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે, ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાને પણ વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ તેમાંથી મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આખરે બંને પક્ષોના સૈન્ય અધિકારીઓ વચ્ચે હોટલાઈન પર થયેલી વાતચીત બાદ, 10 મે ના રોજ સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ બની હતી અને આ ટકરાવનો અંત આવ્યો હતો. ઓપરેશન સિંદૂર એ ભારતીય સૈન્ય ઇતિહાસના સૌથી સફળ અને બહુચર્ચિત અભિયાનોમાંનું એક ગણાય છે.
ઓપરેશનની વર્ષગાંઠ નિમિત્તે સૈન્યના ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓએ ગુરુવારે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાના સંચાલન મહાનિદેશક રહેલા લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને વાઈસ એડમિરલ એ એન પ્રમોદે વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો. લેફ્ટનન્ટ જનરલ ઘઈએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન દરમિયાન 9 આતંકવાદી ઠેકાણાઓ સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. જોકે, અમને માહિતી મળી છે કે ત્યાં ફરીથી આતંકવાદી ઠેકાણા બનાવવામાં આવી રહ્યા છે, જેની સંખ્યા સમય-સમય પર બદલાતી રહે છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે આતંકવાદી ઠેકાણાઓને પાકિસ્તાનના અંદરના વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે, કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનની સરહદમાં 300 કિલોમીટર અંદર સુધી પ્રહાર કર્યો હતો. સૈન્ય અધિકારીઓએ હિંમતભર્યા અંદાજમાં કહ્યું કે, આતંકવાદીઓ ભલે ગમે ત્યાં છુપાઈ જાય, તેઓ હવે સુરક્ષિત નથી. ભારત કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે અને પાકિસ્તાને આ હકીકત સારી રીતે સમજી લેવી જોઈએ.
સૂર્યકુમાર યાદવના ઘરે પારણું બંધાયું, લક્ષ્મીનું આગમન થયું
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ટી-20 ફોર્મેટના બેતાજ બાદશાહ સૂર્યકુમાર યાદવના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. IPL 2026 ની ધમાકેદાર સીઝન વચ્ચે સૂર્યા અને તેની પત્ની દેવિશા શેટ્ટી પ્રથમવાર માતા-પિતા બન્યા છે. દેવિશાએ મુંબઈની હોસ્પિટલમાં સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સામે આવતા જ ક્રિકેટ જગતમાં અને સોશિયલ મીડિયા પર ચાહકો તેમજ સાથી ખેલાડીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. સૂર્યાએ પોતાની મહેનત અને પ્રતિભાથી મેદાન પર તો અનેક રન બનાવ્યા છે, પરંતુ હવે તેના અંગત જીવનમાં આ ‘નન્હી પરી’ના આવવાથી એક નવો અધ્યાય શરૂ થયો છે.

સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. આ બંનેની મુલાકાત કોલેજના દિવસોમાં થઈ હતી અને વર્ષ 2016 માં તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. લગ્નના લાંબા સમય બાદ હવે તેમના ઘરે પ્રથમ સંતાનનું આગમન થયું છે. ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડ કપ 2026 માં સૂર્યાની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. વર્લ્ડ કપ જીત્યા બાદ જ્યારે સૂર્યા અને દેવિશા પ્રથમવાર જાહેરમાં જોવા મળ્યા હતા, ત્યારે જ દેવિશાનો બેબી બમ્પ નજરે પડ્યો હતો, જેના કારણે ચાહકોમાં આ ખુશખબર અંગે પહેલેથી જ ઉત્તેજના જોવા મળી હતી.
ગયા મહિને એટલે કે માર્ચ 2026 માં દેવિશા શેટ્ટીના બેબી શાવર (શ્રીમંત પ્રસંગ) નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ પોતાની પત્નીનો હાથ પકડીને હોલમાં પ્રવેશતા જોવા મળ્યા હતા અને ખૂબ જ ખુશ જણાતા હતા. આ વીડિયો બાદ તે સ્પષ્ટ થઈ ગયું હતું કે સૂર્યા જલ્દી જ પિતા બનવા જઈ રહ્યા છે. અંતે 7 એપ્રિલ 2026 ના રોજ આ કપલને માતા-પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ નન્હી પરીના આવવાથી યાદવ પરિવારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
IPL 2026 ની વાત કરીએ તો, મુંબઈ ઇન્ડિયન્સની આગામી મેચ 10 એપ્રિલના રોજ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થવાની છે. મુંબઈ ઇન્ડિયન્સ માટે આ એક હાઈ-વોલ્ટેજ મુકાબલો છે, પરંતુ ઘરે દીકરીનો જન્મ થયો હોવાથી એવી પ્રબળ શક્યતા છે કે સૂર્યકુમાર યાદવ આ મેચમાં રમતા જોવા નહીં મળે. તે હાલમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે બ્રેક લઈ શકે છે. જોકે, ફ્રેન્ચાઈઝી તરફથી આ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
સૂર્યકુમાર યાદવના મૂળ વિશે વાત કરીએ તો, તેમનો જન્મ ભલે મુંબઈમાં થયો હોય પરંતુ તેમના માતા-પિતા ઉત્તર પ્રદેશના ગાઝીપુરના વતની છે. સૂર્યાએ ખૂબ જ નાની ઉંમરમાં વારાણસીમાં તેના કાકા વિનોદ કુમાર યાદવની દેખરેખ હેઠળ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. IPL ની આ સીઝનમાં સૂર્યાનું બેટ ભલે થોડું શાંત રહ્યું હોય, પરંતુ તેના જીવનમાં આવેલી આ ખુશી તેના તમામ ગમને દૂર કરી દેશે. ચાહકો હવે આતુરતાથી સૂર્યાની દીકરીની પ્રથમ ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે.



