Home Blog Page 861

રશિયાના વિદેશ મંત્રીએ ફરી એકવાર ભારત-ચીન-રશિયા અંગે મોટું નિવેદન આપ્યું

રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે ફરી એકવાર રશિયા-ભારત-ચીન સંબંધો અંગે મોટું નિવેદન આપ્યું છે. લાવરોવે કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચે તણાવ ઓછો થયો છે અને ત્રિપક્ષીય જૂથ ભારત-રશિયા-ચીન (IRC) નું અટકેલું કાર્ય ફરી શરૂ થઈ શકે છે. અહીં ‘2050 ફ્યુચર ફોરમ’ને સંબોધતા તેમણે કહ્યું કે IRC ફોર્મેટમાં સંયુક્ત કાર્ય ફરી શરૂ કરવા માટે એક માળખું બનાવવું એ પહેલું પગલું હોઈ શકે છે.

રશિયન વિદેશ મંત્રીએ શું કહ્યું?

રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, લવરોવે કહ્યું, “મને આશા છે કે આપણે ‘રશિયા-ભારત-ચીન’ ત્રિપક્ષીય જૂથનું કાર્ય ફરી શરૂ કરી શકીશું. છેલ્લા કેટલાક વર્ષોથી આપણી વિદેશ મંત્રીઓના સ્તરે કોઈ બેઠક થઈ નથી, પરંતુ અમે અમારા ચીની સાથીદાર અને ભારતીય વિદેશ મંત્રાલયના વડા સાથે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ.”

લાવરોવે કહ્યું, “મને આશા છે કે હવે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ઓછો થયો છે – મારા મતે તે ઘણી હદ સુધી ઓછો થયો છે અને પરિસ્થિતિ સ્થિર થઈ રહી છે, નવી દિલ્હી અને બેઇજિંગ વચ્ચે વાતચીત ચાલી રહી છે, તો આપણે ‘રશિયા-ભારત-ચીન’ ત્રિપુટીનું કાર્ય ફરી શરૂ કરી શકીશું.”

પશ્ચિમી દેશો શું કરી રહ્યા છે?

અગાઉ, રશિયન વિદેશ પ્રધાને એક મોટું નિવેદન આપીને કહ્યું હતું કે પશ્ચિમી દેશો ભારત અને ચીનને એકબીજા સામે ઉભા કરી રહ્યા છે. દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે 2020 માં ગાલવાન ખીણમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલા મડાગાંઠ પછી, ત્રિપક્ષીય જૂથ IRC ખૂબ સક્રિય રહ્યું નથી.

રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત, રાજ્યમાં ચિંતાજનક વધતા કેસ

રાજકોટ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. સરકારી હોસ્પિટલના સ્ટાફ અને તબીબોને એલર્ટ કરાયા છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત રાત્રીએ આ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ દર્દીએ બહારનો કોઈ પ્રવાસ કર્યો ન હતો અને વેક્સિનના અગાઉ ત્રણ ડોઝ લીધા હતા, તેવું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. જો કે દર્દીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારી હોવાનું નિદાન થયું હતું. સૌપ્રથમ રાજકોટની એઈમ્સમાં દાખલ થયા બાદ વધુ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટમાં અત્યાર સુધીમાં 114 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. તેમાંથી 61 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 9 કેસ નોંધાયા છે. રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં કોરોના ફરી દેખાતા લોકો સાવચેત બન્યા છે. આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. દરમિયાન રાજ્યમાં 1100 જેટલા કોરોના કેસ નોંધાયા છે. રોજ 200 થી વધુ કેસ બહાર આવી રહ્યા છે. રાજ્યનું આરોગ્ય તંત્ર પણ હવે એલર્ટ થઈ ગયું છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ )

સાફ કરેલી સાબરમતી પર જળયાત્રા પહેલાં જ કુંભવેલ પથરાઈ ગઈ

અમદાવાદ: શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી સાફ સફાઈ માટે ખાલી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓએ ભારે જહેમત ઉઠાવી સાબરમતી નદીના પટને સ્વચ્છ કરવાના પ્રયાસો કર્યા. ત્યાર બાદ શહેરની સાબરમતીને નર્મદાના નીરથી ફરી એકવાર ભરી દેવામાં આવી. નદી બેય કાંઠે તો થઈ ગઈ. પરંતુ નદી વચ્ચે અને કેટલાક કિનારે કુંભવેલ પથરાઈ ગઈ. શહેરની પ્રતિષ્ઠિત રથયાત્રા પૂર્વે બુધવારની વહેલી સવારે જળયાત્રા છે. જ્યાં જગન્નાથ મંદિરના ભક્તો, મહંત, મંત્રી અને સામાજિક આગેવાનો આવશે. જમાલપુરના બ્રિજ નીચે જ્યાં રિવરફ્રન્ટ પર જળયાત્રાનું સ્ટેજ, ટેન્ટ બનાવી તૈયારીઓ કરી છે એ સાબરમતી પટ પર કુંભવેલની વિશાળ ચાદર પથરાઇ ગઈ છે. નદીના પટમાં અચાનક પથરાઇ ગયેલા વેલના જંગલને હટાવવા પાણીમાં ત્રણ સ્પેશિયલ મશીન, બોટ, JCB મશીન, ટ્રેક્ટર કામે લગાડી દેવામાં આવ્યા છે..

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

અમદાવાદ : રથયાત્રા પહેલાં પોલીસે યોજી બુલેટ માર્ચ

અમદાવાદમાં 27 જૂનના રથયાત્રા યોજાવાની છે.  ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં AI કેમેરા સેટેલાઈટ ઈમેજ અને કેટલાક ટેકનિકલ સપોર્ટના આધારે આ ક્રાઉડ મેનેજમેન્ટ કરવું શક્ય બનશે તેવી તૈયારીઓ હાલ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

આગામી 27 જૂને ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ પોલીસે સોમવારે રાત્રે નિર્ધારિત શોભાયાત્રા માર્ગ પર ‘બુલેટ માર્ચ’ યોજીને સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. રથયાત્રામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા CCTV કેમેરા પર એન્ટી સ્ટેમ્પેડ અલ્ગોરિધમ્સની મદદથી ક્રાઉડ મેનેજમેન્ટની તકનીકનો ઉપયોગ કરશે. જે AI અને ઇમેજ પ્રોસેસિંગના ઉપયોગથી ભીડવાળા વિસ્તારોમાં જોખમભરી પરિસ્થિતિઓને ટાળવામાં મદદ કરે છે.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સોમવારે (9 જૂન)ના રોજ રાત્રે 10:30 વાગ્યે યોજાયેલી ‘બુલેટ માર્ચ’ દરમિયાન અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓ બુલેટ મોટરસાયકલ પર રથયાત્રાના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બુલેટ માર્ચને જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી મહંત લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી દિવસોમાં શાંતિપૂર્ણ અને ઘટનામુક્ત કાર્યક્રમ સુનિશ્ચિત કરવા માટે નાગરિક એજન્સીઓ અને મંદિર વ્યવસ્થાપન સાથે વધુ કવાયત અને સંકલન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

ચાંલ્લો: સંસ્કૃતિનું પ્રતીક કે સમાજનું બંધન?

અવીરા તને કેટવી વાર કહેવાનું કે કપાળમાં ચાંલ્લો લગાવીને જા, જોશનાબહેને આજે ફરી દીકરીને ઓફીસ જતા ટોકી. અવીરાએ પણ મમ્મીને કહી દીધું, કે તુ સમજતી કેમ નથી. મારી ઇચ્છા થાય છે ત્યારે હું ચાંલ્લો કરુ જ છું, એમે સવારે પૂજામાં બેસતા કપાળે ચાંલ્લો હોય છે જ. પણ આમ તુ કાયમ ઓફીસ જતા ટોકીશ નહીં. જોશનાબહેને દીકરીને સમજાવતા કહ્યું કે કાલે જ તારા મોટી મમ્મી કહેતા હતા કે અવીરાના કપાળમાં કોઈ’દી ચાંલ્લો નથી હોતો.

એને સમજાવો મોટી થઈ ચાંલ્લો તો કરવો જ પડે, લોકો વાતો કરે, ઉડાઉ છોકરીઓ હોય એ ચાંલ્લાના કરે તો ચાલે, આપણે તો સમાજમાં રહેવાનું કાલે પરણીને સાસરે જવાનું છે. આમ ચાંલ્લા વગર રહેવાની આદત પડી જશે તો પારકા ઘરે તારે જ મહેણાં ખાવા પડશે કે મા, એ કશુ શીખવ્યું જ નથી. એકી શ્વાસે જોશનાબહેન દીકરી આગળ બોલી ગયા.

માતાને દુખી જોઈ અવીરાએ પાસે બેસીને કહ્યું મમ્મી મારું કામ જ એવું છે, આટલી દોડાદોડીમાં ક્યાં ચાંલ્લો લગાવું. જ્યારે પણ કોઈ પ્રસંગ હોય, તહેવાર, તહેવાર હોય ટ્રેડીશનલ કપડા પહેરું ત્યારે તો ચાંલ્લો લગાઉ છું ને? ચાંલ્લો મારે મારા માટે લગાવવાનો છે, સમાજ કે કોઈને બતાવા માટે નહીં. મમ્મી ચાંલ્લા લગાવાથી હું સારી છું એ નક્કી કેવી રીતે થઈ શકે? જોશનાબહેને દીકરીની વાત કદાચ સાચી લાગી માટે એ આગળ કશુ જ ન બોલ્યા, અવીરા પોતાની બેગ લઈને જોબ પર નીકળી.

વિધવા સ્ત્રીઓ પણ પોતાની સક્ષમતા દર્શાવવા ચાંલ્લો લગાવે છે

સમાજમાં ચાંલ્લો કરનારી મહિલાને સંસ્કારી, ઘરેલું, સુંદર, સારા પરિવારની માનવામાં આવે છે. જ્યારે ન કરનારી મહિલાને ઘણીવાર મોડર્ન, આઝાદ વિચાર ધરાવતી, તો ક્યારેક તો અધૂરી કે અનુશાસનવિહોણીનો પણ ટેગ લગાવી દેવામાં આવે છે. પરંતુ શું ચાંલ્લો એ મહિલાનું કેરેક્ટર સર્ટિફિકેટ છે? શું એના થકી એની વર્તનશીલતા નક્કી થાય છે? શું કપાળમાં રહેલો ચાંલ્લો જ મહિલાની આભા નક્કી કરે છે?

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલ કહે છે કે, “હિન્દુ સંસ્કૃતિમાં કપાળે લગાવેલો ચાંલ્લો પ્રેમનું પ્રતીક કે પતિની હાજરી દર્શાવે છે, પરંતુ ધાર્મિક દૃષ્ટિએ એનો અર્થ વધુ ઊંડો છે, જેમ કે મંદિરમાં વિધવા કે સુહાગન સ્ત્રીઓને તિલક કરવામાં આવે છે. સુહાગન સ્ત્રીઓ ચાંલ્લો લગાવે જ છે, પરંતુ આજે વિધવા સ્ત્રીઓ પણ પોતાની સક્ષમતા દર્શાવવા ચાંલ્લો લગાવે છે. હુ વીડો છું પરંતુ આજે પણ ચાંલ્લો કરુ છુ. જોકે, ચાંલ્લો ન લગાવવો એ કોઈ સ્ત્રીના ચારિત્ર્યનું પ્રમાણપત્ર નથી, કારણ કે દીકરી જન્મે ત્યારે ચાંલ્લા વિના જ આવે છે. સમાજે બદલાતા સમય સાથે આગળ વધવું જોઈએ અને ચાંલ્લો કરે તો સારી, ન કરે તો નહીં, એવી ખોટી માન્યતાઓથી મુક્ત થવું જોઈએ.”

મહિલાનું ચારિત્ર્ય ચાંલ્લો કે કોઈ વસ્તુ નક્કી કરી શકે નહીં

પહેલાના સમયમાં લગભગ દરેક મહિલા ચાંલ્લો લગાવતી, કારણ કે તે સમયે સામાજિક અને સાંસ્કૃતિક નિયમો વધુ કડક હતા, અને ઘરની જવાબદારીઓ સાથે પરંપરાઓ નિભાવવા માટે સમય પણ હતો. ચાંલ્લો એ મહિલાની ઓળખનો એક ભાગ બની ગયો હતો, જે કંકુના રૂપમાં સરળતાથી લગાવાતો. આજે પણ ઘણી મહિલાઓ પોતાની મરજીથી ચાંલ્લો લગાવે છે, ક્યાં તો સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા, ક્યાં તો આધ્યાત્મિક લાભો માટે, પરંતુ તે હવે બંધન નથી, બલ્કે એક પસંદગી છે.

એસ્ટ્રો વાસ્તુ રિસર્ચ સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ ઝરણા ઠાકર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે “મહિલાનું ચારિત્ર્ય ચાંલ્લો કે કોઈ વસ્તુ નક્કી કરી શકે નહીં. હું ચાંલ્લો લગાવવો યોગ્ય માનું છું, કારણ કે કપાળે અંજનાચક્ર આવેલું છે, અને ચાંલ્લો લગાવવાથી આ ચક્ર ગતિમાન થાય છે. સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ, પરિણીત મહિલાઓ ચાંલ્લો લગાવે છે, પણ એ પરિણીત હોવાનું દર્શાવવા નહીં, બલ્કે કપાળ એ મા શક્તિનું સ્થાન છે, જે રક્ષણ અને ફળદ્રુપતા દર્શાવે છે. ચાંલ્લો ચહેરાનો નિખાર બદલી નાખે છે. ઉપરાંત કપાળની વચ્ચે એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે, જે ચાંલ્લો લગાવતી વખતે આંગળીથી દબાવવાથી સક્રિય થાય છે. આ બધું ધ્યાનમાં રાખીને હું હંમેશાં ચાંલ્લો લગાવું છું, અલબત્ત હું ફેશનને નહીં, મારા કન્ફર્ટને અનુસરું છું. જે લોકો માને છે કે ચાંલ્લો લગાવનારી મહિલા જ યોગ્ય છે, હું એવું નથી માનતી. ચાંલ્લો લાભદાયી છે, પણ ન લગાવવું એ વ્યક્તિની ઇચ્છા છે, અને એનાથી એને ખોટી ન ગણી શકાય. ઘણી મહિલાઓ ઇમરજન્સી સેવાઓમાં કામ કરે છે, એમને ચાંલ્લાનું ધ્યાન રાખવાનો સમય નથી હોતો. હું તો કહું છું કે મહિલાઓ અને પુરુષો બંનેએ ચાંલ્લો લગાવવો જોઈએ, કારણ કે એ સંસ્કૃતિ અને આરોગ્ય માટે સારું છે. પરંતુ ચાંલ્લો લગાવે એ મહિલા જ સારી એ વિચારશૈલી સાવ ખોટી છે.”

ચાંલ્લો કોઈ પણ મહિલા કેવી છે એ નક્કી ન કરી શકે

ચાંલ્લો એ માત્ર એક બાહ્ય નિશાની છે, જે મહિલાની યોગ્યતા, સમર્પણ કે તેના વિચારોને નક્કી કરી શકે નહીં. બદલાતા સમય સાથે સમાજે આ પસંદગીનો આદર કરવો જોઈએ અને મહિલાઓને ચાંલ્લા જેવા બાહ્ય પ્રતીકોના આધારે નહીં, પરંતુ તેમના કાર્ય અને વ્યક્તિત્વના આધારે મૂલવવી જોઈએ.

પ્લેબેક સિંગર નિકિતા શાહ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, બેઝિકલી મારું એવું માનવું છે કે વુમન એમ્પાવરમેન્ટની માત્ર વાતો જ છે. આજે પણ મહિલાને કોઈને કોઈ વાતે રોકટોક કરવી એ સાવ સામાન્ય બાબત છે. સ્ત્રીએ ચાંલ્લો કર્યો છે કે નહીં એ જોવામાં આવે છે, પણ એનામાં સંસ્કાર કેટલા છે એ કોણ નક્કી કરે? મંગળસૂત્ર પહેરવું કે ચાંલ્લો કરવો એ કોઈ મહિલાનું કેરેક્ટર સર્ટિફિકેટ નક્કી કરતું હોય, તો જે લોકો તમને એ રીતે માપતા હોય એમને પણ એ વસ્તુ ફોલો કરવી જોઈએ, એ પુરુષ હોય કે પછી મહિલા. પ્રાચીન સમયે કંકુનો ચાંલ્લો કરવામાં આવતો, આજકાલ તો ચાંલ્લા ગુંદરના થઈ ગયા છે, ઘણી વખત એનાથી સ્કિનને નુકસાન પણ થાય. જોકે હું તો એમ માનું છું કે ચાંલ્લો કોઈ પણ મહિલા કેવી છે એ નક્કી ન કરી શકે. મને ગમે છે તો હું કરું પણ કરવો જ એ એવું તો બીલકુલ ન જ હોવું જોઈએ.

(હેતલ રાવ-અમદાવાદ)

જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષના લગભગ ત્રણ અઠવાડિયા પછી, ભારતીય વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો બીજો આતંકવાદી હુમલો થશે તો ભારત ફરીથી યોગ્ય જવાબ આપવામાં અચકાશે નહીં. જયશંકર હાલમાં બ્રસેલ્સની મુલાકાતે છે. ત્યાં એક મુલાકાત દરમિયાન, જયશંકરે કહ્યું હતું કે ‘જો પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા હશે, તો અમે પાકિસ્તાનની અંદર હુમલો કરીશું.’ ભારત સરકાર દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરો થયો નથી અને જો પાકિસ્તાન તરફથી બીજો આતંકવાદી હુમલો થશે, તો ભારત ફરીથી લશ્કરી કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. વિદેશ પ્રધાને પણ સરકારના આ વલણનો પુનરોચ્ચાર કર્યો. વિદેશ પ્રધાને કહ્યું કે ‘આતંકવાદ આ દેશ (પાકિસ્તાન) ની રાષ્ટ્રીય નીતિનો એક ભાગ છે. આ સમસ્યા છે.’

પહલગામ આતંકવાદી હુમલા પછી સંઘર્ષ

એપ્રિલમાં, ભારતના જમ્મુ અને કાશ્મીરમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓ તેમના ધર્મ વિશે પૂછ્યા પછી માર્યા ગયા હતા. ભારતે આ માટે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનને દોષી ઠેરવ્યું. આ પછી, મે મહિનામાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેના જવાબમાં પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતે 10 મેના રોજ મોટો હુમલો કરીને પાકિસ્તાનના ઘણા એરબેઝનો નાશ કર્યો. ત્યારબાદ પાકિસ્તાને લડાઈ બંધ કરવાની અપીલ કરી, જેને ભારતે સ્વીકારી.

ફાઇટર પ્લેન તોડી પાડવાના દાવા પર વિદેશ મંત્રીએ શું કહ્યું

પાકિસ્તાને ભારતના ફાઇટર પ્લેનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. જ્યારે વિદેશ મંત્રીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘તેઓ આ અંગે કોઈ ટિપ્પણી કરશે નહીં, પરંતુ ટૂંક સમયમાં સંબંધિત અધિકારી યોગ્ય સમયે આ અંગે સંપૂર્ણ માહિતી આપશે.’ જયશંકરે કહ્યું કે ‘ભારતના હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે અને ભારતના ફાઇટર પ્લેન અને અન્ય લશ્કરી સાધનો પર ખૂબ જ ચોકસાઈ સાથે હુમલો કરવામાં આવ્યો છે અને પાકિસ્તાનના નાશ પામેલા એરબેઝના ચિત્રો ગૂગલ પર ઉપલબ્ધ છે.’

શ્રીલંકાની DFCC બેંક ગિફ્ટ સિટી IFSCમાં વિદેશી ગ્રીન બોન્ડ જારી કરનાર પ્રથમ બેંક બની

ગાંધીનગર: NSE IXએ આઈએક્સે 9 જૂન, 2025ના રોજ ગિફ્ટ IFSCમાં DFCC બેંક PLC, શ્રીલંકાની ટીમનું સ્વાગત કર્યું, જેનું નેતૃત્વ મુખ્ય કાર્યકારી અધિકારી થિમલ પેરેરા અને ટ્રેઝરી અને રોકાણ બેંકિંગના વરિષ્ઠ ઉપપ્રમુખ પ્રિન્સ પેરેરાએ કર્યું. તેમણે LKR 2.5 બિલિયનના ગ્રીન બોન્ડ્સની લિસ્ટિંગની ઉજવણી માટે ઘંટડી વગાડી.
આ બોન્ડ્સ શ્રીલંકાનું પ્રથમ કેપિટલ માર્કેટ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે નવીનીકરણીય ઊર્જા માટે સમર્પિત છે, અને તેનું મુખ્ય ધ્યાન સૌર ઊર્જા પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા પર છે, જે શ્રીલંકાના 2030 સુધીમાં 70% વીજ ઉત્પાદન નવીનીકરણીય ઊર્જાથી મેળવવાના લક્ષ્યને સમર્થન આપે છે. આ બોન્ડ્સ પહેલેથી જ પ્રાથમિક સ્ટોક એક્સચેન્જ – કોલંબો સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. આ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના ગિફ્ટ IFSCને ગ્લોબલ સાઉથમાં ટકાઉ અને ગ્રીન ફાઇનાન્સના હબ તરીકે સ્થાપિત કરવાના વ્યાપક વિઝન સાથે સંરેખિત છે.
આ ગિફ્ટ IFSCમાં NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ પર લિસ્ટિંગ માટે સ્વીકૃત પ્રથમ વિદેશી કોર્પોરેટ છે, જે આ એક ઐતિહાસિક વ્યવહાર બનાવે છે અને શ્રીલંકા તથા પડોશી દેશોના વધુને વધુ નિવેશકર્તાઓને ગિફ્ટ IFSCમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા અને વિવિધ રોકાણકારોની વિશાળ શ્રેણી સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરે છે. ગિફ્ટ IFSCમાં અગ્રણી અને પ્રભાવશાળી સ્ટોક એક્સચેન્જ NSE IXએ ઘણી પ્રથમ સિદ્ધિઓ હાંસલ કરી છે અને ડેટ સિક્યોરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ પર આ પ્રતિષ્ઠિત જારીકરણને સામેલ કરવા ગર્વ અનુભવે છે.
આ પ્રસંગે કે. રાજારામન, અધ્યક્ષ, IFSCAએ જણાવ્યું, “આજે અમે શ્રીલંકાની DFCC બેંકના ગ્રીન બોન્ડ્સની લિસ્ટિંગ સેરેમનીનું આયોજન કર્યું છે, જેની કિંમત લગભગ 2.5 બિલિયન શ્રીલંકન રૂપિયા છે અને તે ગુજરાતના ગિફ્ટ સિટીમાં NSE ઈન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ પર સેકન્ડરી લિસ્ટિંગ પ્રક્રિયા દ્વારા લિસ્ટેડ થયા છે. નિયામક તરીકે, અમે NSE IX અને શ્રીલંકાની DFCC બેંકની આ પહેલને સમર્થન આપવા અને સરળ બનાવવા માટે ખુશ છીએ. ભારત અને શ્રીલંકા આ પ્રદેશની વૃદ્ધિ અને સ્થિરતામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમે માનીએ છીએ કે બંને દેશો વચ્ચેના મજબૂત આર્થિક સંબંધો બંને રાષ્ટ્રોમાં વધુ આર્થિક પ્રગતિનો પાયો નાખશે. અમે શ્રીલંકાની ઘણી કંપનીઓને તેમના વ્યવસાયની વૃદ્ધિ માટે ગિફ્ટ સિટીના ઇકોસિસ્ટમ પર ધ્યાન આપવા અને ગિફ્ટ સિટીમાંની સંસ્થાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.”
થિમલ પેરેરા, મુખ્ય કાર્યકારી અધિકારી, DFCC બેંક PLCએ જણાવ્યું, “આ લિસ્ટિંગ પ્રદેશીય નાણાકીય ભાગીદારીની વધતી જતી સુસંગતતાને પ્રતિબિંબિત કરે છે જે અર્થપૂર્ણ પ્રગતિને આગળ વધારવામાં મદદ કરે છે.NSE IX પર બોન્ડ લિસ્ટ કરનાર પ્રથમ વિદેશી કોર્પોરેટ તરીકે, અમે સંસ્થાઓ જેવી અમારી સંસ્થાઓ કેવી રીતે ટકાઉપણા માટે ક્રોસ-બોર્ડર કેપિટલ એકત્ર કરી શકે તેનો દાખલો બેસાડી રહ્યા છીએ.”
વી. બાલાસુબ્રમણ્યમ, MD અને CEO, NSE IXએ જણાવ્યું, “અમે DFCC બેંક PLCને NSE IX અને ગિફ્ટ IFSCમાં પ્રથમ વિદેશી કોર્પોરેટ જારીકર્તા તરીકે LKR 2.5 બિલિયન ગ્રીન બોન્ડ્સના સેકન્ડરી લિસ્ટિંગ સાથે સ્વાગત કરવા માટે ખુશ છીએ. મને વિશ્વાસ છે કે આ લિસ્ટિંગ શ્રીલંકા અને પડોશી દેશોના વધુ જારીકર્તાઓને ગિફ્ટ સિટીમાં તકો શોધવા માટે પ્રેરણા આપશે. IFSCAના લિસ્ટિંગ નિયમો વૈશ્વિક ભંડોળ ઊભું કરવાને સમર્થન આપવા માટે રચાયેલ છે અને NSE IX બે ઓફ બેંગલ ઇનિશિએટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (BIMSTEC) બિઝનેસ સમિટના વિઝનને યોગદાન આપવા માટે ગર્વ અનુભવે છે, જે સભ્ય દેશો વચ્ચે મજબૂત વેપાર અને રોકાણ સંબંધો દ્વારા વધુ પ્રદેશીય સહયોગને પ્રોત્સાહન આપે છે.”

‘હાઉસફુલ 5’ એ 100 કરોડનો આંકડો પાર કર્યો

જ્યારે પણ અક્ષય કુમાર કોઈ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ કરે છે, ત્યારે સૌથી પહેલા અનુમાન લગાવવામાં આવે છે કે તે હિટ થશે કે ફ્લોપ. અક્ષયની ઘણી ફિલ્મોની શરૂઆત સારી હોય છે, પરંતુ અઠવાડિયાના દિવસો શરૂ થતાં જ ફિલ્મો કમાણીની દ્રષ્ટિએ નિષ્ફળ જવા લાગે છે. બીજી તરફ, 19 સ્ટાર્સ સાથેની ‘હાઉસફુલ 5’ આજકાલ ઘણા કારણોસર હેડલાઇન્સમાં છે. ફિલ્મના બે ક્લાઇમેક્સ સતત સમાચારમાં રહે છે. ફિલ્મે 100 કરોડનો આંકડો પણ પાર કરી દીધો છે. પરંતુ તે દરમિયાન, ફિલ્મના એક ગીતની કોરિયોગ્રાફી પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

‘હાઉસફુલ 5’નું ગીત ‘લાલ પરી’ ટ્રેલર રિલીઝ થયા પછીથી બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. બીજી તરફ, જ્યારે ગીત સંપૂર્ણપણે રિલીઝ થયું, ત્યારે તેના એક ડાન્સ સ્ટેપની નકલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ગીત રેમો ડિસોઝા દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, ડાન્સર, કોરિયોગ્રાફર અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર સંદીપ બ્રહ્માએ જાહેરમાં ‘હાઉસફુલ 5’ ના કોરિયોગ્રાફર રેમો ડિસોઝા પર ‘લાલ પરી’ માટે તેમના સિગ્નેચર ડાન્સ મૂવ્સની નકલ કરવાનો આરોપ લગાવ્યો છે.

સિગ્નેચર સ્ટેપ ચોરી કરવાનો આરોપ

આ ઉપરાંત, તે એમ પણ કહે છે કે રેમોએ તેમને ક્રેડિટ આપી નથી. આ આરોપ સંદીપે તાજેતરમાં શેર કરેલા એક ઇન્સ્ટાગ્રામ વિડિઓ દ્વારા કરવામાં આવ્યો છે. લગભગ એક મહિના પહેલા, ગીત રિલીઝ થયા પછી, સંદીપે કોરિયોગ્રાફર પર કોઈ ક્રેડિટ વિના તેમના સિગ્નેચર સ્ટેપ્સની નકલ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિડિઓમાં, તેણે ‘લાલ પરી’ માં મૂવ્સની સમાનતાને તેની જૂની ડાન્સ ક્લિપ્સમાંથી એક સિક્વન્સ સાથે જોડી હતી.

‘હાઉસફુલ 5’ નું ‘લાલ પરી’ ગીત

તેણે વિડિઓમાં કહ્યું, “તમે બધાએ મારા સિગ્નેચર મૂવ્સ જોયા છે. હાઉસફુલ 5 ના ‘લાલ પરી’ ગીતમાં મારા મૂવ્સ કોપી કરવામાં આવ્યા છે. મારા ઘણા મિત્રોએ મને ઇન્સ્ટાગ્રામ પર DM કર્યો. તેથી, મેં ફરીથી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ તપાસ્યું. તેઓએ ન તો મારો ઉલ્લેખ કર્યો છે કે ન તો મને ક્રેડિટ આપી છે. મને ખબર નથી કે શું થઈ રહ્યું છે.”

વિશ્વભરમાં ChatGPT ડાઉન, લોગિન અને Ghibli બનાવવામાં મુશ્કેલી

ChatGPT વિશ્વભરમાં ડાઉન થયું છે. ChatGPT નો ઉપયોગ કરતા વપરાશકર્તાઓની મુશ્કેલી ઘણા કલાકોથી વધી છે. વપરાશકર્તાઓને લોગિન અને Ghibli બનાવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. Downdetector ના રિપોર્ટ મુજબ, 84 ટકા વપરાશકર્તાઓ ChatGPT ચલાવવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, 12 ટકા વપરાશકર્તાઓને એપ પર કામ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ ફરિયાદ કરી છે કે તેઓ પ્લેટફોર્મ પર Ghibli છબીઓ જનરેટ કરી શકતા નથી.

બધા ChatGPT, Sora અને OpenAI ના ટેક્સ્ટ ટુ વિડિઓ જનરેશન પ્લેટફોર્મ પર સર્વર ડાઉન છે. વપરાશકર્તાઓને આ ત્રણેય સેવાઓમાં સાઇન અપ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વપરાશકર્તાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

જ્યારે ઘણા લોકો ChatGPT પર કોઈ પ્રશ્ન પૂછી રહ્યા છે, ત્યારે ChatGPT મેસેજ એરર, કોઈ પ્રતિભાવ નહીં, અથવા ફક્ત જવાબમાં લોડ થઈ રહ્યો છે.  ઉપરાંત, ઘણા વપરાશકર્તાઓને છબી જનરેશનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ChatGPT વારંવાર એક જ સંદેશ મોકલી રહ્યું છે કે તમારું નેટવર્ક ધીમું છે અથવા તમે નેટવર્ક ક્ષેત્રમાં નથી. ડાઉનડિટેક્ટર પર વપરાશકર્તાઓ દ્વારા આવી ઘણી ફરિયાદો નોંધાઈ છે.

વટ વૃક્ષ નીચે વ્રતની પૂજા

અમદાવાદ: શહેરના મંદિરોના પ્રાંગણમાં આવેલા વૃક્ષ નીચે આજે પરંપરાગત વસ્ત્રોથી સજ્જ તમામ વયની સ્ત્રીઓ પૂજા કરતી જોવા મળી. શાત્રોક્ત રીતે ચાલતા મંત્રોચ્ચાર વચ્ચે વૃક્ષને ફરતે દોરાની આંટીઓ મારી પોતાની શ્રધ્ધા વ્યક્ત કરી. આ વ્રત છે વટ સાવિત્રીનું.. જેમાં પરિણીત ભારતીય મહિલાઓ પોતાની ધાર્મિક ભાવના વ્યક્ત કરે છે. પતિના લાંબા આયુષ્ય, પરિવારમાં સુખ અને શાંતિ તેમજ બાળકોના જન્મની કામના માટે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે.

એક માન્યતા પ્રમાણે સાવિત્રીએ પોતાના દૃઢ નિશ્ચય અને તપસ્યા દ્વારા પોતાના મૃત પતિ સત્યવાનને યમરાજ પાસેથી પાછા લાવ્યા હતા. ત્યારથી, સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય અને વૈવાહિક સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે.હિન્દુ કેલેન્ડર મુજબ, આ વ્રત પ્રાંત પરંપરા અને તીથીઓ પ્રમાણે ઉજવવામાં આવે છે. એક કેલેન્ડર મુજબ વટ સાવિત્રીના વ્રતની શરૂઆત જેઠ સુદ બારસના દિવસે થઇ. જ્યારે મંગળવાર જેઠ સુદ ચૌદસના રોજ આ વ્રત સમાપ્ત થયું.

વડ વૃક્ષ (વૃક્ષ) નીચે જઇ, જમીનને શુદ્ધ કરી , દીવો, ધૂપ, ફળો, ફૂલો, સિંદૂર, સુતરાઉ દોરા સાથેનો પૂજાપો લઈ મહિલાઓએ પૂજા કરી હતી.વટ સાવિત્રી વ્રત ઉત્તર ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)