Home Blog Page 876

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. માહિતી અનુસાર, સરકારે નિયમો હેઠળ ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે પણ સંમતિ આપી છે. ત્રણ મહિનાથી વધુના વિરામ પછી, સંસદના બંને ગૃહો 21 જુલાઈએ સવારે 11 વાગ્યે બોલાવવામાં આવશે. અગાઉ, આ વર્ષે 31 જાન્યુઆરીએ સંસદનું બજેટ સત્ર શરૂ થયું હતું. લોકસભા અને રાજ્યસભા બંને 4 એપ્રિલે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી, જેનાથી 2025નું પ્રથમ સંસદ સત્ર સમાપ્ત થયું.

ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે

રિજિજુએ કહ્યું કે સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, દરેક સત્ર ખાસ છે અને અમે ઓપરેશન સિંદૂર સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. તેમણે વધુમાં કહ્યું કે, સરકાર ઇચ્છે છે કે બધાને સાથે લેવામાં આવે – અમે વિપક્ષનો સંપર્ક કર્યો છે અને આશા રાખીએ છીએ કે બધા એક થઈને વલણ અપનાવશે.

ઓપરેશન સિંદૂર પર કોઈ ખાસ સત્ર નહીં હોય

એક તરફ વિપક્ષ સતત સરકાર પાસે ઓપરેશન સિંદૂર પર ખાસ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યું હતું. મંગળવારે 16 પક્ષોએ પીએમ મોદીને પત્રો લખ્યા હતા. બીજી તરફ, સરકારે આ દરમિયાન ચોમાસા સત્રની તારીખ જાહેર કરી છે. આ સાથે, એવું પણ કહેવામાં આવ્યું છે કે વિપક્ષની સતત માંગ છતાં, ઓપરેશન સિંદૂર પર કોઈ ખાસ સત્ર નહીં હોય. વિપક્ષ સતત ઓપરેશન સિંદૂર, યુદ્ધવિરામ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવાઓ અંગે ખાસ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યું હતું અને વિપક્ષ સતત સરકારને પ્રશ્નો પૂછી રહ્યું હતું. જોકે, હવે ચોમાસા સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે.

બુધવારે, ઇન્ડિયા એલાયન્સે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન, સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરવામાં આવી હતી. દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું હતું કે, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલગામ હુમલા, ઓપરેશન સિંદૂર, સેનાની બહાદુરીને સલામ કરતા નિવેદનો પર ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો અંગે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. જો દુનિયાને જાણ કરવામાં આવી રહી છે, તો સંસદને કેમ નહીં? આ અંગે રામ ગોપાલ યાદવે એમ પણ કહ્યું હતું કે, આપણી રાજદ્વારી કેવી હતી? કેટલા દેશો અમારી સાથે આવ્યા? સંજય રાઉતે આ સમય દરમિયાન એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે જો રાષ્ટ્રપતિ ટ્રમ્પના કહેવા પર યુદ્ધવિરામ બોલાવી શકાય છે, તો દેશના વિપક્ષના કહેવા પર સંસદનું ખાસ સત્ર બોલાવી શકાય નહીં.

પાકિસ્તાન પર ચર્ચા થશે

માહિતી મુજબ, ચોમાસા સત્રમાં પાકિસ્તાન પર ચર્ચા થઈ શકે છે. આ સમયે, વિપક્ષ સરકારને પાકિસ્તાન અંગે પણ ઘણા પ્રશ્નો પૂછશે અને ઓપરેશન સિંદૂર અંગે ગૃહમાં પ્રશ્નો પૂછવાની પણ અપેક્ષા છે. આ સાથે, 23 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં મુખ્ય બિલ રજૂ કરવા, તેના પર ચર્ચા, રાષ્ટ્રીય સુરક્ષા, અર્થતંત્ર અને ઓપરેશન સિંદૂર જેવા તાજેતરના રાષ્ટ્રીય વિકાસ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

અહો આશ્ચર્યમ્: ઓવૈસી અને ઉદ્ધવ ઠાકરે સાથે આવશે?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે સમજવું મુશ્કેલ બની ગયું છે કે કોણ ક્યારે અને ક્યા પક્ષ સાથે જઈ શકે. તાજો મામલો હવે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને લઈને સામે આવ્યો છે. AIMIMની મહારાષ્ટ્ર યુનિટે સંકેત આપ્યો છે કે તે આગામી BMC અને સ્થાનિક ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા તૈયાર છે.

AIMIMએ શા માટે સંકેત આપ્યો?
હાલમાં જ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેના (UBT)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે દ્વારા તમામ બિન મહાયુતિ પક્ષોને મહારાષ્ટ્રના હિત માટે એક થવાની અપીલ કરવામાં આવી હતી. આદિત્યએ જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના હિત માટે દરેકને સાથે લેવા તૈયાર છે. આ ગઠબંધન અંગેની આદિત્યની પહેલ પર AIMIMએ સકારાત્મક સંકેત આપ્યા છે. AIMIMની મહારાષ્ટ્ર યુનિટ ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા તૈયાર છે.

AIMIMએ શું કહ્યું છે?
AIMIMના વિધાનસભ્ય મુફ્તિ ઇસ્માઇલે જણાવ્યું છે કે તેમની ઈચ્છા છે કે ઠાકરે અને ઓવૈસી સાથે આવે. તેમણે કહ્યું હતું કે તેઓ આદિત્યના પ્રસ્તાવ પર વિચાર કરશે. મુફ્તિ ઇસ્માઇલે વધુમાં કહ્યું કે અમારા માટે ધર્મ કોઈ મુદ્દો નથી, વિકાસના મુદ્દે વાત કરી શકાય છે. વિકાસને મુદ્દે જો કોઈ અમને બોલાવશે તો અમે પોતે આગળ વધીને જઈશું. જોકે તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે આ મામલે આખરી નિર્ણય AIMIMના પ્રમુખ ઓવૈસી લેશે.

 તેમણે કહ્યું હતું કે ગઈ વિધાનસભા ચૂંટણીમાં પણ અમે ગઠબંધનની કોશિશ કરી હતી. અમે મહાવિકાસ આઘાડીમાં આવવા માગતા હતા, પણ અમને સામેલ કરવામાં નહોતા આવ્યા. હવે તેમણે અવાજ તો કર્યો છે, પણ અમને વિશ્વાસ છે કે તે અમને સાથે નહીં લે.

ટ્રમ્પની પૌત્રીને પ્રપોઝ કરવા એક વ્યક્તિ રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસી ગયો!

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફ્લોરિડાના માર-એ-લાગોમાં ટ્રમ્પના વૈભવી બંગલામાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ 23 વર્ષીય એન્થોની થોમસ રેયસની ગુપ્તચર એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ ટ્રમ્પની પૌત્રીને મળવા અને પ્રપોઝ કરવા માટે બંગલામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો.

આ યુવક પર ટ્રમ્પની પૌત્રી કાઈ ટ્રમ્પને લગ્નનો પ્રસ્તાવ મૂકવાના ઇરાદાથી દિવાલ કૂદીને અંદર પ્રવેશવાનો આરોપ છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી.. આરોપી રેયસ ટેક્સાસનો રહેવાસી છે અને તેણે ટ્રમ્પના બંગલાની ઉચ્ચ સુરક્ષા દિવાલ પાર કરીને માર-એ-લાગોમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષા ટીમે તેને સમયસર પકડી લીધો હતો અને તે હાલમાં પામ બીચ કાઉન્ટી જેલમાં છે. તેને $50,000 (લગભગ ₹37 લાખ) ના જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, જેના માટે તેણે આ બધું કર્યું તે ટ્રમ્પની પૌત્રી કાઈ તે સમયે ત્યાં હાજર નહોતી. તાજેતરમાં 18 વર્ષની થયેલી કાઈ ટ્રમ્પ હાલમાં તેની માતા વેનેસા ટ્રમ્પ સાથે બહામાસમાં વેકેશન માણી રહી છે. પોલીસ રિપોર્ટ અનુસાર, રેયેસે સ્વીકાર્યું કે તે કાઈ ટ્રમ્પને મળવા અને લગ્ન માટે પ્રપોઝ કરવા આવ્યો હતો.

કાઈ ટ્રમ્પ કોણ છે?

કાઈ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસા ટ્રમ્પની પુત્રી છે. તેણીએ તેના દાદા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત સ્ટેજ શેર કર્યું છે. કાઈએ તેના દાદા સાથે વિતાવેલી પળોની ઘણી ઝલક પણ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના કારણે તેના લાખો ફોલોઅર્સ અને ચાહકો બન્યા છે.

તે નોર્થ પામ બીચની એક પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરે છે અને ટૂંક સમયમાં યુનિવર્સિટી ઓફ મિયામીમાં પ્રવેશ મેળવવા જઈ રહી છે. કાઈ હાલમાં તેની માતા વેનેસા સાથે વેકેશન પર છે. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં તે વર્જિન સ્ટ્રોબેરી ડાઇક્વિરી પીતી વખતે પૂલ કિનારે આનંદ માણી રહી છે.

 નહીં ચાલે મનમાની, સરકારે 41 દવાઓના ભાવ કર્યા નક્કી

નવી દિલ્હીઃ એક જ દવા માટે અલગ-અલગ કંપનીઓના ભાવમાં આકાશ-જમીન જેટલો ફરક દેખાતો હોતો, હવે એ સમસ્યા નહીં રહે. કેન્દ્ર સરકારે હવે વિવિધ બીમારીઓ માટે ઉપયોગમાં લેવાતી 41 દવાઓના મહત્તમ રિટેલ ભાવ (MRP) નક્કી કરી દીધા છે. હવે દવા કંપનીઓ આ નક્કી થયેલા ભાવથી વધારે ભાવે દવા વેચી શકશે નહીં.

હા, કંપનીઓને MRP સિવાય GST અલગથી વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેની વસૂલી કરતાં પહેલાં તેમને સરકારને GST ભરવો પડશે. આ 41 દવાઓમાં મોટા ભાગે તાવ, દુખાવો અને ડાયાબિટીસ જેવી રોજબરોજ ઉપયોગમાં આવતી દવાઓ સામેલ છે.

સરકારે દરેક દુકાનદાર અને ડીલરને આદેશ આપ્યો છે કે દવા ઉત્પાદક કંપની તરફથી મળેલી ભાવયાદી એવી જગ્યા પર લગાવવી પડશે જ્યાંથી ગ્રાહકો તેને સરળતાથી જોઈ શકે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ આ અંગે નોટિફિકેશન પણ જારી કર્યું છે.

નોટિફિકેશનમાં શું કહ્યું છે?

NPPAના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે 41 પ્રકારની “નવી દવાઓ”ના મહત્તમ ભાવ દવા ઉત્પાદક કંપનીએ નક્કી કરવા પડશે. આ રિટેલ ભાવ પર GST ભરીને જ કંપનીએ દવા વેચવાની રહેશે. આ દવાઓ તાવ, દુખાવો, સ્ટ્રેસ, હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી લાઈફસ્ટાઈલથી જોડાયેલી બીમારીઓ માટે વપરાતી છે.

નિયમોનું પાલન નહીં થાય તો થશે દંડ

NPPAએ વધુમાં જણાવ્યું છે કે દુકાનમાં ગ્રાહકોને ભાવ સ્પષ્ટ રીતે દેખાય એ માટે ભાવયાદી લગાવવી ફરજિયાત છે. જે દવા ઉત્પાદક કંપનીઓ સરકારના નિયમોનું પાલન કરશે, એમના માટે જ આ MRP નિયમ લાગુ પડશે. જો કોઈ પણ દુકાનદાર કે ઉત્પાદક કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો સરકાર તેમને વધારાના વસૂલાયેલા રકમ પર વ્યાજ સાથે રિફંડ કરાવશે.

 આ દવાઓ માટે નક્કી થયા ભાવ

• Alginate Raft Forming Oral Suspension
• Atorvastatin & Ezetimibe Tablets
• Atorvastatin & Ezetimibe Tablets
• Ceftriaxone, Sulbactam & Disodium Edetate Powder for solution for Infusion
• Cefuroxime & Potassium Clavulanate Tablets
• Cholecalciferol Oral Drops
• Iron, Folic Acid & Cyanocobalamin Syrup
• Melatonin & Zolpidem Tartrate Tablets
• Polmacoxib & Paracetamol Tablets
• Empagliflozin & Metformin Hydrochloride (ER) Tablets
• Empagliflozin & Metformin Hydrochloride Tablets
• Sitagliptin, Glimepiride & Metformin Hydrochloride Tablets
• Phenylephrine Hydrochloride & Chlorpheniramine Maleate Syrup

વિજય પરેડ: એરપોર્ટ પર ડીકે શિવકુમારે વિરાટ કોહલીનું ભવ્ય સ્વાગત કર્યું

IPL 18મી સીઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમ બેંગ્લોર પહોંચી ગઈ છે. થોડીવારમાં, ટીમ વિજય પરેડ (RCB વિજય પરેડ) કાઢવા જઈ રહી છે. બુધવાર રાતથી બેંગ્લોરમાં ઉત્સવનો માહોલ છે. લોકો મોટી સંખ્યામાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે.


ડીકે શિવકુમારે ટીમનું સ્વાગત કર્યું

અમદાવાદથી બેંગ્લોર પહોંચેલી ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે એરપોર્ટ પર વિરાટ કોહલી સહિત RCB ટીમના સભ્યોનું સ્વાગત કર્યું. વિરાટ ફ્લાઇટમાંથી નીચે ઉતરતાની સાથે જ ડીકે શિવકુમારે તેમને ગળે લગાવ્યા અને ફૂલોનો ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું.

થોડીવારમાં, વિધાન સૌધામાં ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવશે. RCB ટીમના ખેલાડીઓ આ સન્માન સમારોહમાં ભાગ લેવા માટે થોડીવારમાં વિધાનસભા પહોંચશે. થોડા સમય પહેલા, ડીકે શિવકુમારે વિધાનસભામાં તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આરસીબીએ પંજાબને છ રનથી હરાવ્યું

આરસીબીએ ફાઇનલમાં પંજાબને છ રનથી હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા. જવાબમાં, પંજાબની ટીમ સાત વિકેટે 184 રન જ બનાવી શકી. આરસીબી આઈપીએલ ચેમ્પિયન બનનારી આઠમી ટીમ છે.

 

કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર

ગુજરાતના કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારોમાં આગામી 19 જૂન, 2025ના રોજ યોજાનારી પેટા ચૂંટણી માટે રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપે બંને બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે અને સાથે જ સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે.

ભાજપે કડી વિધાનસભા માટે જૂના જનસંઘી નેતા રાજેન્દ્રભાઈ દાનેશ્વર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમની પસંદગી ભાજપના હાઇકમાન્ડે કરી છે. રાજેન્દ્ર ચાવડા કડી વિસ્તારમાં ઓળખીતા ચહેરા છે અને તેમની નામઘોષણા થયા બાદ ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.

વિસાવદર બેઠક માટે કિરીટ બાલુભાઈ પટેલને ભાજપે ટિકિટ આપી છે. બંને ઉમેદવારોનો જાહેર જનતામાં મજબૂત સંપર્ક અને સંગઠનાત્મક ક્ષમતા ધરાવતી વ્યક્તિ તરીકે ગણના થાય છે.

ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી

ચૂંટણીને ધ્યાનમાં રાખી, ભાજપે 40 સ્ટાર પ્રચારકોની સૂચિ પણ જાહેર કરી છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. આ નેતાઓ બંને બેઠકો પર પાવરફુલ ચૂંટણી પ્રચાર માટે ઉતરશે.

ચૂંટણી પ્રચારના દિવસો જેમ જેમ નજીક આવશે તેમ તીવ્ર રાજકીય ચકચાર અને જનમેળાવાની રાજનીતિ વધુ તેજ થવાની સંભાવના છે. હવે સૌની નજર બંને બેઠકો પર ભાજપ પોતાના ગઢને કઈ રીતે મજબૂત કરે છે, તેની તરફ રહેશે.

શું આગામી વર્ષે બંધ થઈ જશે રૂ. 500ની નોટ? જાણો…

નવી દિલ્હીઃ હાલના સમયે સોશિયલ મિડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી વર્ષે  રૂ. 500નો નોટ બંધ થઈ જશે. આ દાવાઓને કારણે સામાન્ય જનતામાં ગભરાટ ફેલાયો છે. પરંતુ તથ્ય શું છે? આવો, જાણીએ…

શું આગામી વર્ષે બંધ થવાનું છે રૂ. 500નું નોટ?

સોશિયલ મિડિયા જેટલું લાભદાયક છે એટલું જ તેના નુકસાનકારક પણ છે. આગામી વર્ષમાં ₹500નો નોટ ચલણમાંથી બહાર થઈ જશે. યુટ્યુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ પર આવી ખોટી માહિતી શેર થઈ રહી છે, જેને કારણે લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ છે.

અફવાના પાછળનો કિસ્સો શું છે?

તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું કે ‘CAPITAL TV’ નામની એક યુટ્યુબ ચેનલ પર એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિઝર્વ બેંક માર્ચ, 2026 સુધી રૂ. 500ની નોટ બંધ કરવાની તૈયારી કરી રહી છે.

PIB તપાસે શું કહ્યું?

આ દાવાની સત્યતાની તપાસ કરતા PIB નામની સરકારી એજન્સીએ ટ્વિટ કરીને સ્પષ્ટતા આપી છે કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. PIB એ કહ્યું હતું કે  RBI દ્વારા રૂ. 500ના નોટ બંધ કરવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રૂ. 500ની નોટ સંપૂર્ણ રીતે માન્ય ચલણ છે અને તેનો ઉપયોગ ચાલુ જ રહેશે.

PIB એ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મિડિયા પર આવી ખોટી અને ફેક માહિતી પર વિશ્વાસ ન કરો અને ન જ આવા સંદેશઓને શેર કરીને ભ્રમ ફેલાવો.

ગુજરાતમાં આ તારીખથી થશે ચોમાસાની શરૂઆત!

કેરળ અને મુંબઈ સુધી વહેલા પહોંચી ગયેલું ચોમાસુ હવે ત્યાં જ અટકી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં હવે 14-15 જૂન પછી જ ચોમાસુ શરૂ થવાની સંભાવના છે.

મંગળવારે સુરતમાં અધિકતમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા નોંધાયું હતું અને હવાનું દબાણ 1002.0 મિલિબાર નોંધાયું. પવન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી કલાકે 12 કિમીની ઝડપે ફૂંકાય રહ્યા છે. આજે બપોર દરમિયાન પવનની ઝડપ પ્રતિ કલાકે 25 કિમી સુધી પહોંચી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં વાદળ છવાયેલા જોવા મળે છે. ક્યારેક-ક્યારેક દિવસ દરમિયાન કે રાત્રે કમોસમી પવન સાથે ભારે ઝાપટાં પડે છે, પરંતુ હજુ સુધી નિયમિત વરસાદ શરૂ થયો નથી.

આ વર્ષે  ચોમાસાની વહેલી શરૂઆત થઇ હતી. અને કેરળમાંથી ચોમાસુ આગળ વધીને મુંબઇ સુધી આવી ચૂકયુ હતુ. પરંતુ મુંબઇથી ગુજરાતમાં જે આગળ વધવુ જોઇતુ હતુ. તે ચોમાસુ આગળ વધવાના બદલે બ્રેક પડી ગયો છે. આ બ્રેક અંગે અરબી સમુદ્વ પર રત્નાગીરી અને મહાબલેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી. તે સિસ્ટમના કારણે મુંબઇ, અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઇ ગઇ હતી. આથી ચોમાસુ આગળ વધી શકયું નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિ જોઈને લાગે છે કે આગામી એક પખવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત થઈ શકે છે. એટલે કે વિધિવત વરસાદ 14 અને 15 જુન પછી જ શરૂ થશે.

પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલ

દેશભરમાં પર્યાવરણના સંવર્ધન,સંરક્ષણ અને વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  અનેકવિધ નવા પર્યાવરણલક્ષી પ્રક્લ્પો તેમજ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ‘એક પેડ માં કે નામ’.

ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તા.5 જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના તેમજ રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વન વિભાગ દ્ધારા ‘સામાજિક વનીકરણ સોશિયલ ફોરેસ્ટી’ રૂપે અનેકવિધ નવની પહેલા કરવામાં આવી છે.

વન બહારના વિસ્તારોમાં ૧,૧૪૩ ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. પર્યાવરણના જતન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫માં વન અને પર્યાવરણ વિભાગનું બજેટ જે રૂ.૨,૫૮૬ કરોડ હતું જે આ વર્ષે ૨૦૨૫-૨૬માં ૨૦ ટકા વધારીને રૂ.૩,૧૩૯ કરોડ કર્યું હતું.

પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલના ભાગરૂપે વન વિભાગની સામાજિક વનીકરણ પાંખ દ્વારા સમગ્ર રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં અંદાજે ૧૪,૯૩૯.૬૦ હેક્ટર અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૧,૦૦૦ હેક્ટર આમ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૫,૯૩૯ હેક્ટર વિસ્તારમાં ખેડૂતલક્ષી વાવેતર કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ અંતર્ગત ગત વર્ષે વન વિભાગ દ્વારા હરીત વન પથ વાવેતર, પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર, અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને નર્સરીમાં ટોલ સીડલીંગ એમ ચાર નવીન યોજનાઓમાં પણ અમલી બનાવવામાં આવી છે.

રાજ્યમાં હરિત વન પથ યોજના હેઠળ કુલ ૭૦ હેક્ટર વિસ્તારમાં, પંચ૨ત્ન ગ્રામ વાટિકા મોડેલ હેઠળ કુલ ૧,૦૦૦ ગામડાંઓમાં તેમજ પંચરત્ન વાવેતર મોડેલ હેઠળ કુલ ૬૫ અમૃત સરોવર ફરતે વૃક્ષોનું વાવેતર ક૨વામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કુલ ૨૧૧ વન કુટીર, સમગ્ર રાજ્યમાં કુલ ૨૦ પંચવટી કેન્દ્ર, રાજ્યમાં કુલ ૫૮ પવિત્ર ઉપવન તૈયાર ક૨વામાં આવ્યા છે.

સામાજિક વનીકરણ અંગે જાગૃતિ માટે સમગ્ર રાજ્યમાં કુલ ૧૬૬ કિસાન શિબિર, કુલ ૬૬ મેડિકલ કેમ્પ તેમજ રાજ્યમાં કુલ ૬૬,૦૦૦ કલમી ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક પુનિત વન સાકાર થયું, ત્યારબાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થીમ આધારિત નવા સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ થઈ છે. આ સાંસ્કૃતિક વનો આજે પર્વારણના રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે.

અદાણી એરપોર્ટ્સે  ECB પાસેથી 75 કરોડ ડોલર ઊભા કર્યા

અમદાવાદઅદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ની સહાયક કંપની અને દેશના સૌથી મોટો ખાનગી એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિ. (AAHL)એ આંતરરાષ્ટ્રીય બેંકોના કોન્સોર્શિયમ પાસેથી ECB પાસેથી  75 કરોડ (750 મિલિયન) અમેરિકી ડોલર ઊભા કર્યા છે. આ ફંડ કંપનીએ ફર્સ્ટ અબુ ધાબી બેન્ક અને બાર્કલેઝ PLC અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પાસેથી ઊભું કર્યું છે.

આ ફંડનો ઉપયોગ હાલના દેવાંનો રિફાઇનાન્સિંગ કરવા અને અમદાવાદ, લખનૌ, મંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ જેવાં છ એરપોર્ટ્સ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને ક્ષમતા વિસ્તરણ માટે કરવામાં આવશે તેમ જ નોન-એરોનોટિકલ બિઝનેસ જેમ કે રિટેલ, F&B, ડ્યુટી ફ્રી અને સર્વિસીઝના વિસ્તાર માટે પણ આ ફંડ વાપરવામાં આવશે.

AAHLએ નાણાકીય 2024–25માં 9.4 કરોડ મુસાફરોને સેવા આપી હતી, જ્યારે કુલ ક્ષમતા 11 કરોડ પેસેન્જરોની હતી. કંપનીનું લક્ષ્ય 2040 સુધીમાં દર વર્ષે 300 મિલિયન મુસાફરોને સેવા આવતાની  અને ક્ષમતા વધારવાનું છે. આ યોજનાનો ભાગરૂપે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ ટૂંક સમયમાં કાર્યરત થવાનું છે, જે પહેલા તબક્કામાં બે કરોડ મુસાફરોને સેવા આપવાનું અને આગામી તબક્કાઓમાં નવ કરોડ પેસેન્જરોની ક્ષમતા વધારવાનું છે, જે મુંબઈ પ્રદેશની એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી આપશે.

કંપનીના CEO અરુ બાંસલે જણાવ્યું હતું કે વિશ્વના અગ્રણી નાણાકીય સંસ્થાઓએ અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, તે ભારતના એવિયેશન માળખાની લાંબા ગાળાના મૂલ્ય અને સંભાવનાને દર્શાવે છે. કંપની  ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉત્તમ ગ્રાહક સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

આ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ગ્લિશ લો કાઉન્સેલ તરીકે લાથમ  અને વોટકિન્સ LLP અને લિન્કલેટર્સ LLP રહ્યા હતા, જ્યારે ભારતીય કાયદાના કાઉન્સેલ તરીકે સિરિલ અમરચંદ મંગળદાસ અને TT & Aએ કામગીરી સંભાળી હતી.