Home Blog Page 881

કમલ હાસને ‘ઠગ લાઇફ’ને મુદ્દે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

બેંગલુરુઃ મણિરત્નમ દ્વારા નિર્દેશિત કમલ હાસનની નવી ફિલ્મ ‘ઠગ લાઈફ’ને કર્ણાટકમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસને ચેન્નઈમાં એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે કન્નડ ભાષા તમિળમાંથી નીકળી છે. આ નિવેદન બાદ કર્ણાટક ફિલ્મ ચેમ્બર્સ ઓફ કોમર્સ (KFCC)એ તેમને 30 મે સુધીમાં માફી માગવાની માગ કરી હતી, પરંતુ કમલ હાસને માફી ન માગતા કર્ણાટકમાં તેમની ફિલ્મ ‘ઠગ લાઈફ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કમલ હાસન દ્વારા હાઈકોર્ટમાં અપીલ

આ ફિલ્મ પર પ્રતિબંધ બાદ કમલ હાસને કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે પોતાની કંપની રાજકમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલના CEO મારફતે અરજી દાખલ કરી છે, તેમાં તેમણે સરકાર, પોલીસ વિભાગ અને ફિલ્મ ચેમ્બરને ફિલ્મની સ્ક્રીનિંગ અટકાવવાનો ના કહેવાનો આદેશ આપવાની અપીલ કરી છે. એ સાથે જ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે તે માટે પણ અપીલ કરવામાં આવી છે.

વિવાદ શા પરથી થયો?

પાછલા મહિને ફિલ્મના પ્રમોશન ઇવેન્ટમાં કમલ હાસને આપેલું નિવેદન વિવાદનું કારણ બન્યું હતું. તેમના નિવેદન સામે કર્ણાટકમાં રાજકીય પક્ષો અને ફિલ્મ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કર્ણાટક ભાજપપ્રમુખ બીવાય વિજયેન્દ્રે પણ કમલ હાસનથી માફી માગવાની માગ કરી હતી. તેમણે X (પૂર્વેના ટ્વિટર) પર લખ્યું હતું કે માતૃભાષા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, પણ તેના નામે અહંકાર બતાવવો – તે સંસ્કૃતિક દેવાળિયાપનની નિશાની છે. ખાસ કરીને કલાકારોએ દરેક ભાષાનું માન રાખવું જોઈએ.

કમલ હાસનની સ્પષ્ટતા
આ વિવાદ બાદ કમલ હાસને જણાવ્યું હતું કે રાજકારણીઓ ભાષા વિષે વાત કરવા લાયક નથી. મેં જે કહ્યું તે પ્રેમથી કહ્યું હતું અને તે ભાષાની અને ઇતિહાસની સમજ ધરાવનારા ઐતિહાસિકોને સમજાયું છે. રાજકારણીઓ પાસે એટલી શિક્ષા નથી કે તેઓ ભાષા વિષે ચર્ચા કરે.

માનવ લાગણી મહત્વપૂર્ણ છે, AI પર પંકજ ત્રિપાઠીનું નિવેદન

‘ક્રિમિનલ જસ્ટિસ 4’ વેબ સીરિઝ રિલીઝ થઈ ત્યારથી અભિનેતા પંકજ ત્રિપાઠી હેડલાઇન્સમાં છે. આ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં તેમણે નકલી AI-જનરેટેડ વિડિઓઝના વધતા ચલણ વિશે વાત કરી છે અને તેના પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે.

AI પર પંકજ ત્રિપાઠીનું મંતવ્ય

ઓનલાઇન ફેલાતા નકલી AI સામગ્રી વિશે પૂછવામાં આવતા પંકજ ત્રિપાઠીએ ઝૂમ ટીવીને કહ્યું,”મને બાળપણમાં વિજ્ઞાન વિશેનો એક લેખ યાદ આવે છે.’શું તે વરદાન છે કે શાપ?’ તે શું છે? તે બંને છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે એક મહાન વસ્તુ છે. જો તેનો કોઈ કારણ વગર ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક બની શકે છે. કોઈપણ ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ.”

માનવ લાગણીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે

તેમણે વધુમાં કહ્યું,’જો ટેકનોલોજી હશે, તો તેના બંને પ્રકારના ઉપયોગો હશે. વ્યક્તિએ સમજવું જોઈએ કે તે જે જોઈ રહ્યો છે તે વાસ્તવિક અને મૌલિક છે કે નહીં. તમે કેટલું જોશો અને કેટલું સમજશો? તમારે તમારું જીવન જીવવું પડશે અને કામ પણ કરવું પડશે. હું ડરતો નથી કારણ કે ટેકનોલોજી ગમે તેટલી વિકસિત થાય, માનવ લાગણીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ બદલાવાનું નથી.’

તમને જણાવી દઈએ કે પંકજ ત્રિપાઠી છેલ્લે ‘ક્રિમિનલ જસ્ટિસ 4’ માં જોવા મળ્યા હતા. તેનું પ્રીમિયર 29 મેના રોજ થયું હતું. આ પછી તે અનુરાગ બાસુની આગામી ફિલ્મ ‘મેટ્રો… ઇન દિનો’ માં જોવા મળશે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, કોંકણા સેન શર્મા, અલી ફઝલ, ફાતિમા સના શેખ, અનુપમ ખેર અને નીના ગુપ્તા જેવા કલાકારો છે. આ ફિલ્મ 4 જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ભાવનગરની સૂરીલી સાંજે 27 વર્ષ પૂર્ણ કર્યા

ભાવનગર: સંગીત પ્રેમીઓની સાંજ સૂરીલી કરનાર સૂરીલી સાંજ કાર્યક્રમે પોતાની સંગીતમય સફરના 27 વર્ષ પૂર્ણ કર્યા છે. આ એક માત્ર એવો કાર્યક્રમ છે જે પ્રત્યેક મહિને વિનામૂલ્યે યોજાય છે અને તેની નોંધ નેશનલ લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ લેવામાં આવી છે.સ્વર્ગસ્થ રાજેશભાઈ વૈષ્ણવ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ‘સૂરીલી સાંજ’ કલા અને સાંસ્કૃતિક નગરી ભાવનગરની એક ઓળખ બની ગઈ છે. સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગરના સહયોગથી યોજાતો આ કાર્યક્રમે કોરોના કાળ દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ઓનલાઇન માધ્યમથી યોજાયો હતો અને પોતાનું સાતત્ય જાળવી રાખ્યું હતું.કોરોનાના સમય દરમિયાન રાજેશભાઈ વૈષ્ણવ અને માધુરીબેન વૈષ્ણવે વિદાય લીધી તે પછી પણ તેમના પુત્ર હિરેન વૈષ્ણવે આ સાંજનો સૂર તૂટવા દીધો નથી.‌ એક જૂનને રવિવારે 325મા કાર્યક્રમ સાથે ભાવનગરના આ અનોખા ઉપક્રમનો 28મા વર્ષમાં પ્રવેશ થયો. આ પ્રસંગે શહેરના ઉદ્યોગપતિ કલા પ્રોત્સાહક નિશીથભાઈ મહેતા, મનુભાઈ દીક્ષિત ધીરેનભાઈ વૈષ્ણવ જયેશભાઈ દવે સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સૂરીલી સાંજની આ યાત્રા અંગે કાર્યક્રમના સંચાલક મિતુલ રાવળ હિરેન વૈષ્ણવને પ્રશ્ન પૂછતા તેમણે ભાવવિભોર થઈ જણાવ્યું હતું કે, આ તો રામ રથ છે. મારા પિતાએ શરૂ કરી આ યાત્રા અવિરત ચાલુ રાખી શક્યો તેનો આનંદ છે. કલાકારો આવતા જતા રહે સાંભળનારા પણ બદલાતા રહે પરંતુ દર મહિને એક સાંજ સૂરીલી કરવાનો આ ઉપક્રમ જાળવી રાખવામાં હું સફળ રહ્યો તેનો મને આનંદ છે.

(જયેશ દવે-ભાવનગર)

પ્રજ્ઞાચક્ષુઓની પીડાની અનુભૂતિ કરવા કલેકટર બન્યા પ્રજ્ઞાચક્ષુ

ભાવનગર: મહાભારતની કથામાં આપણે જાણીએ છીએ તે મુજબ ધૃતરાષ્ટ્ર અંધ હતા જ્યારે ગાંધારી દ્રષ્ટિ ધરાવતા હતા. પતિની પીડામાં સહભાગી થવા ગંધારી એ પણ આંખે પાટા બાંધી લીધા. આ ઘટના હજારો વર્ષ પૂર્વેની અને પતિ પત્નીના સંબંધોની વાત છે જ્યારે આવી ઘટના આજે પણ બને ત્યારે સઆનંદ આશ્ચર્ય થાય. પ્રજ્ઞાચક્ષુઓના એક કાર્યક્રમમાં ભાવનગરના કલેકટરે આંખે પાટા બાંધીને સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી દૃષ્ટિહીનોની પીડાનો અનુભવ કર્યો. બાહ્ય દેખીતી શક્તિને પ્રગટ કરવાને બદલે અંતરની શક્તિ દ્વારા લક્ષ્ય સુધી પહોંચવા આહ્વાન કરી, 1 જૂન 2025ના રોજ દીપ પ્રાગટ્ય દ્વારા શ્રી અંધ અભ્યુદય મંડળનાં ૬૫ માં વાર્ષિક અધિવેશનનો ભાવનગર જિલ્લા કલેકટર ડો.મનીષકુમાર બંસલે આરંભ કરાવ્યો હતો.તેમના ઉદબોધનમાં તેમણે પોતાની આપવીતી જણાવી બાહ્ય શક્તિને બદલે અંતર શક્તિને પામી આંખે પટ્ટી બાંધી તેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રજ્ઞાચક્ષુઓની પીડા પામવા પ્રયાસ કરી આમ સમાજ માટે એક પ્રેરક દાખલો બેસાડ્યો હતો.

(જયેશ દવે- ભાવનગર)

પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગેઃ બિહારના ભાજપાધ્યક્ષ

પટનાઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર બિહાર ભાજપ અધ્યક્ષ દિલીપ જયસવાલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે ખડગે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેમની પાર્ટીએ દેશમાં 65 વર્ષ સુધી અઘોષિત ગુલામી બનાવી રાખી હતી. દેશમાં એક સમય એવો હતો જ્યારે કાશ્મીરના યુવાનો પોતાના જ લોકોને પથ્થર મારતા હતા. આ લોકોને શરમ પણ નહોતી આવતી કે એક જ દેશમાં બે ધ્વજ, બે બંધારણ અને બે કાયદા ચાલતા હતા.

તેમણે કહ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેમને એની શા માટે ચિંતા છે કે પીએમ મોદી દેશની સુરક્ષા અને વિકાસ વિશે વિચારી રહ્યા છે? એક વડા પ્રધાન માત્ર સરહદ અને દુશ્મન વિશે નહીં, પણ દુનિયાને એક મુઠ્ઠીમાં લાવવાની વાત પણ કરી શકે છે. પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. ખડગેજી તેમને માત્ર દેશ સુધી જ શા માટે સીમિત રાખવા માગે છે?

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ મામલે જણાવ્યું હતું કે હું સેનાના શૌર્યને નમન કરું છું અને નેતૃત્વની રણનીતિને સલામ કરું છું. જ્યારે દેશ ગર્વ અનુભવી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષે સત્તા કે વિપક્ષ નહીં, પણ આપણે સૌએ ભારત માતાના સંતાન તરીકે સહયોગ કરવો જોઈએ. પણ દુર્ભાગ્યથી કોંગ્રેસ અને કેટલાક અન્ય રાજકીય પક્ષો સતત ઓપરેશન સિંદૂર પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેમની ભાષા એવી છે કે તેઓ પાકિસ્તાન સમર્થક જણાય છે. સેનાના શૌર્ય પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. રાજકીય લાભ માટે તેમણે પીએમ મોદીના વિરોધ કરતાં-કરતાં રાષ્ટ્રના વિરોધની દિશામાં ચાલ્યા ગયા છે. દેશની જનતા આવા લોકોને ક્યારેય માફ નહીં કરે.

ફ્યુચરિસ્ટિક ફાર્મિંગની નવી કેડી કંડારનારાં વર્ષાબહેન આલોક

અમદાવાદ:પિત્ઝાથી લઈને પ્રોટીન પાવડર તેમજ સૂપ, શાક અને અથાણાંમાં વપરાતા મશરૂમનું માતબર ઉત્પાદન વર્ષાબહેન આલોકે અમદાવાદ જિલ્લામાં કન્ટ્રોલ્ડ ફાર્મ યુનિટ લગાવીને શરૂ કર્યું છે. મશરૂમ ઠંડા ભેજવાળા વાતાવરણમાં જ ઉછરે છે તેથી આપણે ત્યાં સામાન્ય રીતે તેની ખેતી શક્ય બનતી નથી. જો કે, વર્ષાબહેને ધોળકામાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખાસ યુનિટ સ્થાપીને બારેમાસ મશરૂમ ઉગાડવાની ફેસિલિટી વિકસાવી છે. મશરૂમ એ વનસ્પતિ કે છોડ નથી, તેથી તેને સૂર્યપ્રકાશની જરૂર નથી. મશરૂમ એક ફૂગ છે, સજીવ છે, જે ગાઢ જંગલમાં ઉછરે છે. ખાદ્ય મશરૂમ અનેક પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં વિકસિત ખેતી સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. આ અભિયાનનો હેતુ ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અને સમયને અનુરૂપ ટેકનોલોજી વિશે માહિતગાર કરીને ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાનો છે. કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ એટલે કે નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરવાનાં નિષ્ણાત વર્ષાબહેને બટન મશરૂમની ખેતીના એક તીરથી ઘણા નિશાન સાધ્યા છે. ખાસ તો ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ, વિકસિત ખેતીની આગવી કેડી કંડારી છે.વર્ષાબહેન આલોક પહેલા બેન્કિંગ વ્યવસાયમાં હતા. અમદાવાદ અને મુંબઈમાં વિવિધ બેન્કોમાં તેમણે નોકરી કરી છે. વર્ષાબહેન ‘કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ’માં પી.એચ.ડી.ની ડિગ્રી ધરાવે છે. તેમણે આઈ.આઈ.એમ., અમદાવાદમાંથી ‘ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ’નો અભ્યાસ પણ કર્યો છે. ઉત્તરાખંડના વતની વર્ષાબહેનને આધુનિક અને નવીનતમ ખેતી પ્રત્યે રુચિ હોવાથી તેમણે બેન્કરમાંથી ફાર્મર બનવાનો નિર્ણય લીધો હતો.વર્ષાબહેને જણાવ્યું કે, ગુજરાતમાં ‘ઈઝ ઓફ બિઝનેસ’ની જેમ ’ઈઝ ઓફ ફાર્મિંગ’ પણ છે. કાયદો વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ અને વ્યવસાય કરવા માટેની વિશાળ તકોની ઉપલબ્ધિને કારણે એક મહિલા તરીકે મેં મશરૂમની ખેતી માટે ગુજરાત અને તેમાંય અમદાવાદની પસંદગી કરી અને બે વર્ષ પહેલાં ધોળકામાં મશરૂમની ખેતી માટે કન્ટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું છે.અમદાવાદ બાગાયત નિયામક કચેરીના માર્ગદર્શન મુજબ વર્ષાબહેને ધોળકામાં જે આધુનિક ફેસિલિટી વિકસાવી છે તેમાં કુલિંગ પ્લાન્ટ લગાવી ખૂબ જ ઠંડા વાતાવરણમાં મશરૂમ ઉગાડાય છે. બે માળ ઊંચા લોખંડના રેક પરની ક્રમબદ્ધ પાટલીઓ ઉપર પ્લાસ્ટિકના થેલામાં કમ્પોસ્ટ ભરીને જર્મીનેશન પ્રક્રિયા દ્વારા મશરૂમ ઉગાડવામાં આવે છે.

વર્ષાબહેનના જણાવ્યા મુજબ, યુનિટમાં લોખંડના આવા આઠ રેક બનાવવામાં આવ્યા છે. જે વર્ષે લગભગ ૨૫૦ ટન મશરૂમનું ઉત્પાદન કરે છે. એટલે કે મહિને ૨૦થી ૨૫ ટન મશરૂમ અહીં ઊગે છે. જો આટલા મશરૂમ જમીન પર ઉગાડવામાં આવે તો ઓછામાં ઓછી એક એકર જમીનની જરૂર પડે. પરંતુ વર્ષાબહેન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સીમિત જગ્યામાં પ્લાન્ટ લગાવી મશરૂમનો માતબર પાક મેળવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, આ વ્યવસાય થકી વર્ષાબહેન ધોળકા પંથકની ૪૦ મહિલાઓ સહિત ૫૦ લોકોને નિયમિત રોજગારી આપી રહ્યાં છે.વર્ષાબહેન કહે છે, મશરૂમ તોડવું એ ઝાડ પરથી ફળ તોડવા જેવું છે. જેમ ફળ તોડવાથી આખું ઝાડ મરી જતું નથી, તેમ મશરૂમ તોડવાથી તેની નીચે રહેલી મુખ્ય ફૂગ (માયસેલિયમ) જીવિત રહે છે. જો માયસેલિયમને નુકસાન ન પહોંચે અને તેને યોગ્ય ભેજ, તાપમાન અને પોષણ મળતું રહે, તો તે ભવિષ્યમાં ફરીથી નવા મશરૂમ ઉત્પન્ન કરી શકે છે. મશરૂમ વે–પ્રોટીન તેમજ અનેક વિટામિનનો સ્રોત છે. મશરૂમ ખોરાક અને દવા બંનેમાં ઉપયોગી છે.મશરૂમના ઉછેર માટે માટી નહીં કમ્પોસ્ટનો ઉપયોગ થાય છે. આ કમ્પોસ્ટ ઘઉં તેમજ અન્ય ધાનની પરાળમાંથી બનાવવામાં આવે છે. ખેતરમાં પાક લણી લીધા પછી જે પરાળ વધે છે તે મશરૂમની ખેતી માટે ઉપયોગી છે. પરાળને પાણીની વરાળ, પશુનું મળ, કાર્બોહાઈડ્રેટ, પોટાશ વિગેરે તત્ત્વો સાથે મિશ્ર કરી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે. કમ્પોસ્ટના થેલામાં મશરૂમના બીજ (માયસેલિયમ)ને રોપીને નિયંત્રિત વાતાવરણમાં જર્મિનેશન થવા દેવામાં આવે છે જેને પરિણામે ૨૫થી ૩૦ દિવસમાં ફૂગ ઊગી નીકળે છે.ધોળકાના યુનિટમાં આ મશરૂમને કાપીને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી લેવામાં આવે છે. મોટાભાગના મશરૂમ ફાર્મા કંપનીને દવા અને પ્રોટીન પાવડર બનાવવા માટે આપવામાં આવે છે. વર્ષાબહેન કહે છે કે, આ પ્રકારની ફ્યુચરિસ્ટિક ખેતી ફ્રાન્સ, જાપાન અને ઇઝરાયેલમાં કરવામાં આવે છે. ગુજરાતમાં ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ કરવાનું પોટેન્શિયલ રહેલું, જેને અનલીશ કરવું જોઈએ છે. આગામી ત્રણ દાયકામાં ખેતીનું કલેવર બદલાઈ જવાનું છે. ફ્યુચરિસ્ટિંગ ફાર્મિંગ સમયની માગ છે.વર્ષાબહેનને આ સમગ્ર યુનિટના નિર્માણમાં માર્ગદર્શન આપનારા બાગાયત અધિકારી લાલજી ચૌધરી જણાવે છે કે, કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગમાં એક્ઝોટિક ફ્રુટ, વેજીટેબલ્સ અને ડ્રાયફ્રુટ પણ ઉગાડી શકાય છે. વર્ષાબહેન આલોકે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગનું જે સાહસ કર્યું છે તે ગુજરાતના લાખો ખેડૂતોને આધુનિક – વિકસિત ખેતી કરવા માટેની પ્રેરણા પૂરી પાડશે.

ઉત્તરાધિકારની લડાઈ: અજિત પવાર, સુપ્રિયા સુલે ફરી સાથે આવશે?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી રીતે ખીચડી રંધાઈ રહી છે કારણ કે રાજ્યના ડેપ્યુટી CM અને NCPપ્રમુખ અજિત પવારે તેમના કાકા શરદ પવારની મુલાકાત કરી છે. NCPમાં ભાગલા પછી અને NCP પરનો અધિકાર અજિત પવારને મળ્યા પછી શરદ પવારે NCP (SP)નું ગઠન કર્યું હતું. હવે કાકા-ભત્રીજા વચ્ચે થયેલી આ મુલાકાત પછી અટકળો ચાલી રહી છે કે શું બંને પાર્ટીઓ ફરી એક થશે?

શરદ પવાર અને અજિત પવારની પુણેના સાખર સંકુલમાં થયેલી મુલાકાતની ખાસ બાબત એ હતી કે આ બેઠક NCP પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના નિવાસસ્થાને બંધ દરવાજા પાછળ યોજાઈ હતી. જ્યારે બેઠક પૂરી થયા પછી અજિત પવાર ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે મિડિયા સાથેની વાતચીતમાં જ્યારે વિલય અંગે પૂછવામાં આવ્યું તો ડેપ્યુટી CMએ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.

શરદ પવારે નિર્ણય સુપ્રિયા સુલે ઉપર છોડ્યો
NCPના પ્રવક્તા સંજય તટકરે સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે બંને જૂથો વચ્ચે સંભવિત વિલય અંગે અટકળો ચાલી રહી છે. આ મુદ્દે ટિપ્પણી તો માત્ર બંને પક્ષના વરિષ્ઠ નેતૃત્વ જ કરશે. આ વિલય અંગે પૂછતાં શરદ પવારે તાજેતરમાં કહ્યું હતું કે તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેશે.

અજિત પવાર જૂથનું નિવેદન
NCPના અજિત પવાર જૂથના એક નેતાએ વિલયની અફવાઓ પર ઠંડો પ્રતિસાદ આપ્યો. તેમણે કહ્યું હતું કે અમે સત્તામાં છીએ અને તેમના જૂથના ઘણા લોકો પહેલાથી જ અમારી સંપર્કમાં છે, કેટલાક તો જોડાઈ પણ ગયા છે. વિલયની વાત માત્ર બાકીના લોકોને અટકાવવા માટે છે. હું માનતો નથી કે એવું થશે, જયાં સુધી નેતૃત્વનો મુદ્દો ઉકેલાતો નથી. એનો અર્થ એ થાય છે કે અજિત પવાર ઇચ્છે છે કે શરદ પવાર જાહેરમાં કહે કે ભવિષ્યમાં પાર્ટીનું નેતૃત્વ અજિત કરશે.

2023માં NCPમાં વિભાજન
વર્ષ 2023માં NCP બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી અને તેની પાછળનું કારણ હતું અજિત પવારનો બળવો કરવો. જોકે આ બળવો પાછળનો ઈતિહાસ અને કારણ NCPમાં ચાલતી આંતરિક વર્ચસ્વની લડાઈ હતી.

‘હવે ગાય પણ રેમ્પ વૉક કરશે’ એક મોડલે સોનાક્ષીની ઉડાવી હતી મજાક

શત્રુઘ્ન સિંહાની પુત્રી અને બોલીવુડની ‘દબંગ ગર્લ’ સોનાક્ષી સિંહા આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. સોનાક્ષીએ પોતાના અભિનય અને અલગ શૈલીથી ફિલ્મ જગતમાં પોતાનું નામ બનાવ્યું છે. આજે અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો જન્મદિવસ (Sonakshi Sinha Birthday) છે.

બૉલિવૂડમાં અત્યારે સોનાક્ષી એક જાણીતું નામ બની ગયુ છે. પરંતુ એક સમય હતો જ્યારે તેણીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, ખાસ કરીને તેના વધેલા વજન માટે. સોનાક્ષી સિંહા બોલીવુડમાં પ્રવેશ કરતા પહેલા કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. આ દરમિયાન તેણીએ તેના પિતા શત્રુઘ્ન સિંહાની જેમ અભિનેતા બનવાનું નક્કી કર્યું, પરંતુ સ્થૂળતાને કારણે, તેણીને દર વખતે અસ્વીકારનો સામનો કરવો પડ્યો. ઘણા નિર્માતાઓ સ્ટાર કિડ હોવા છતાં પણ સોનાક્ષીને કામ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. રેમ્પ વોક દરમિયાન તેણીની મજાક પણ ઉડાવવામાં આવી હતી. સોનાક્ષી સિંહાએ પોતે આ કિસ્સો શેર કર્યો હતો.

સેલિબ્રિટી મોડેલે કહ્યું ‘ગાય’

નેહા ધૂપિયાના ચેટ શો BFFs With Vogue માં વાતચીત દરમિયાન સોનાક્ષી સિંહાએ રેમ્પ વોક સાથે જોડાયેલી એક વાત શેર કરી અને જણાવ્યું કે કેવી રીતે એક પ્રખ્યાત સેલિબ્રિટી મોડેલે તેને ‘ગાય’ કહી. નેહા ધૂપિયા સાથે તેના વજન અને જર્ની વિશે વાત કરતા સોનાક્ષીએ કહ્યું,’રેમ્પ વોક દરમિયાન, એક સેલિબ્રિટી મોડેલે મારા શરીરની મજાક ઉડાવી. જ્યારે હું રેમ્પ વોક કરી રહી હતી, ત્યારે તે મોડેલે મને જોઈને ગાય કહી. તેણે કહ્યું, આ શું છે, શું હવે ગાય પણ રેમ્પ વોક કરશે?’ સોનાક્ષીની વાત સાંભળ્યા પછી, નેહા ધૂપિયાએ અભિનેત્રીને સેલિબ્રિટી મોડેલનું નામ પૂછ્યું, પરંતુ સોનાક્ષીએ કંઈ કહ્યું નહીં.

વધારે વજન હોવાને કારણે ફિલ્મ ન મળી

સોનાક્ષીએ હોટરફ્લાયને આપેલા ઇન્ટરવ્યુમાં પણ પોતાના જીવન સાથે જોડાયેલી તે ઘટનાઓ શેર કરી હતી, જ્યારે તેને વજનના કારણે કામ કરવામાં મુશ્કેલી પડી હતી. વધારે વજન હોવાને કારણે તેને ઘણી ફિલ્મો મળી શકી ન હતી. સોનાક્ષીએ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કરતી એક ઘટના શેર કરી અને જણાવ્યું કે કેવી રીતે એક ટિપ્પણીએ તેને સંપૂર્ણપણે હચમચાવી નાખી હતી. સોનાક્ષીએ કહ્યું હતું કે- ‘વધારે વજન હોવાને કારણે મને કોઈ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ન મળી. મને કહેવામાં આવ્યું હતું કે તું આ ભૂમિકામાં સારી નહીં દેખાઈશ. પછી મને સાઈડ રોલ ઓફર કરવામાં આવ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે તને નાનો રોલ આપવામાં આવી રહ્યો છે. આ સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું.’

સોનાક્ષીએ આગળ કહ્યું,’જ્યારે હું ઘરે આવી ત્યારે મેં મારી માસીને ગળે લગાવીને રડવા લાગી. મારા મનમાં એક જ પ્રશ્ન હતો કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? ભગવાને મને આવી કેમ બનાવી? હું મારી જાતને પ્રશ્ન કરી રહી હતી અને રડી રહી હતી.’ આ ઘટના પછી, સોનાક્ષીએ વજન ઘટાડવાની સફર શરૂ કરી અને થોડા મહિનામાં 30 કિલો વજન ઘટાડ્યું. વજન ઘટાડ્યા પછી તેણે સુપરસ્ટાર સલમાન ખાનની ‘દબંગ’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને તેની પહેલી ફિલ્મથી જ તે પ્રખ્યાત થઈ. આ ફિલ્મ સુપર-ડુપર હિટ રહી અને સોનાક્ષીની કારકિર્દી પણ ઝડપથી આગળ વધી.

તેણીને દબંગ કેવી રીતે મળી?

સોનાક્ષી સિંહાએ કરીના કપૂર ખાનના પોડકાસ્ટ ‘વોટ વુમન વોન્ટ સીઝન 5’ માં ભાગ લીધો અને સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ માં તેની એન્ટ્રી વિશે વાત કરી. તેણીએ કહ્યું હતું – ‘સલમાન ખાન અને અરબાઝ ખાને મને અમૃતાના લગ્નમાં જોઈ હતી. ત્યાં સુધીમાં મેં ઘણું વજન ઘટાડી દીધું હતું. તે સમય દરમિયાન, અરબાઝે મને કહ્યું કે તે કંઈક લખી રહ્યો છે અને હું તે ભૂમિકા માટે યોગ્ય છું. મને લાગ્યું કે તે મજાક હશે, પણ પછી એક દિવસ તે સ્ક્રિપ્ટ લઈને મારા ઘરે આવ્યો. આખો પરિવાર સાથે બેસીને સ્ક્રિપ્ટ સાંભળી રહ્યો હતો અને તે પછી હું દબંગના સેટ પર હતી. એવું લાગ્યું કે જાણે કોઈ અરેન્જ મેરેજ ચાલી રહ્યા હોય.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ઓફિસમાં લાખોની ચોરી

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઓફિસમાંથી લાખો રૂપિયાની ચોરીનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ સેલના હેડ કોન્સ્ટેબલ ખુદ જ ચોરીની ઘટનાનો અપરાધી નીકળ્યો છે. આરોપી કોન્સ્ટેબલ અગાઉ લોધી રોડ પર આવેલા માલખાનામાં નોકરી પર હતો, જ્યાં ચોરી થઈ હતી. જોકે હવે તેને પૂર્વ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સ્પેશિયલ સેલની ટીમે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી 50 લાખ રૂપિયાની રોકડ રકમ અને મોટી માત્રામાં સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

આ ચોરી કરનાર કોન્સ્ટેબલનું નામ HC ખુરશીદ છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો અનુસાર ખુરશીદે ઘણા સમય પહેલાં આ ચોરીની યોજના બનાવી હતી. આ માટે તેણે માલખાનાની નકલી ચાવી બનાવડાવી હતી. આ ચાવીનો ઉપયોગ કરીને તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો.

ખુરશીદ પહેલાં સ્પેશિયલ સેલના માલખાનામાં નિમાયેલો હતો. આ કારણે જ્યારે તે માલખાનામાં ચોરી કરવા માટે પહોંચ્યો, ત્યારે કોઈ પોલીસ કર્મચારીએ તેના પર શંકા નહીં કરી. આનો લાભ લઈ ખુરશીદે ચોરીને અંજામ આપ્યો.

ચોરી થયેલ રોકડ અને સોનુ મળ્યું

પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પાસેથી ૫૦ લાખ રૂપિયાની રોકડ અને સોનું પણ જપ્ત કર્યું છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના જે ઓફિસમાંથી ચોરી થઈ છે, ત્યાંથી એન્ટી ટેરર સ્ક્વોડ પણ કાર્યરત છે. અહીંની ટીમ દેશભરમાં આતંકવાદીઓ અને ગેંગસ્ટરો સાથે સંકળાયેલા કેસોની તપાસ કરે છે. આ ઘટનાએ દિલ્હી પોલીસના આંતરિક સુરક્ષા તંત્ર પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. મામલાની તપાસ ચાલુ છે.

આમિર ખાન ગર્લફ્રેન્ડ ગૌરીના પ્રેમમાં કેવી રીતે પડ્યા?

મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા, તેમની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ માટે સમાચારમાં છે. તેમની ફિલ્મ 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આમિર ઘણીવાર તેમના શાનદાર અભિનયને કારણે હેડલાઇન્સમાં રહે છે. એટલું જ નહીં તે તેમના અંગત જીવનને કારણે પણ સમાચારમાં રહે છે. તાજેતરમાં, તેમણે તેમની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ વિશે ખુલીને વાત કરી છે.

આમિર 60 વર્ષની ઉંમરે પ્રેમમાં પડ્યો

આ વર્ષે 60 વર્ષના થયેલા આમિર ખાન તેણે પોતાના જીવનમાં બે વાર લગ્ન કર્યા છે. તે પોતાની બંને પત્નીઓથી અલગ થઈ ગયો છે. હવે તેને એક નવી છોકરી ગૌરી સ્પ્રેટ સાથે પ્રેમ થઈ ગયો છે. આ વર્ષે તેના જન્મદિવસ પર આમિર ખાને ગૌરી સ્પ્રેટ સાથેના તેના સંબંધ વિશે બધાને જણાવ્યું. ફરી એકવાર આમિર ખાને એક ઇન્ટરવ્યુમાં તેની ગર્લફ્રેન્ડ વિશે વાત કરી છે.

રાજ શમાની સાથેની વાતચીતમાં આમિર ખાને કહ્યું,’ગૌરી સ્પ્રેટને મળતા પહેલા મને લાગતું હતું કે હું વૃદ્ધ થઈ ગયો છું. આ ઉંમરે હવે મને કોણ મળશે? થેરાપીથી મને ખરેખર સમજવામાં મદદ મળી કે મારે પહેલા પોતાને પ્રેમ કરવાની જરૂર છે. મારે સ્વસ્થ થવું પડ્યું અને મારા સ્વાસ્થ્ય પર કામ કરવું પડ્યું. ગૌરી અને હું ભૂલથી મળ્યા. અમે એકબીજા સાથે જોડાયા અને મિત્રો બન્યા અને પ્રેમમાં પડ્યા.’

આમિરનો તેની ભૂતપૂર્વ પત્નીઓ સાથેનો સંબંધ કેવો છે?

આમિર ખાને તેની ભૂતપૂર્વ પત્નીઓ વિશે કહ્યું,’રીના દત્તા અને કિરણ રાવ સાથે મારો ખૂબ જ મજબૂત અને ઊંડો સંબંધ રહ્યો છે. અમે હજુ પણ નજીક છીએ. અમે એકબીજાનો આદર કરીએ છીએ અને હંમેશા કરીશું. અમે ભલે પતિ-પત્ની ન હોઈએ પણ હંમેશા એક પરિવાર રહીશું. અમે બેસીને વાત કરીએ છીએ. અમારી વચ્ચે સાચો પ્રેમ અને હૂંફ છે. આનો અંત આવવાનો નથી.’

આમિરના રીના અને કિરણ સાથે લગ્ન

આમિર ખાને 18 એપ્રિલ 1986ના રોજ તેની પહેલી પત્ની રીના દત્તા સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન લગભગ 16 વર્ષ ચાલ્યા, તેમને બે બાળકો ઇરા ખાન અને જુનૈદ ખાન છે. આમિર અને રીના 2002માં અલગ થઈ ગયા.

આમિર ખાને 28 ડિસેમ્બર 2005ના રોજ તેની બીજી પત્ની કિરણ રાવ સાથે લગ્ન કર્યા. તેમને આઝાદ નામનો એક પુત્ર છે. બંને 2021માં અલગ થઈ ગયા. હવે આમિર ખાન ગૌરી સ્પ્રેટ સાથે પ્રેમમાં પડ્યા છે.